Love ni Bhavai - 6 in Gujarati Fiction Stories by Hiren Moghariya books and stories PDF | LOVE ની ભવાઈ-6

Featured Books
Categories
Share

LOVE ની ભવાઈ-6

LOVE ની ભવાઈ

પાર્ટ-6

લવની ભવાઈ માં અત્યાર સુધી....

રાજશ્રી અભિનવની ડાયરી વાંચી રહી હોય છે, પરંતુ ડાયરીના પાછળના પેજ કોરા હોવાથી કહાની અધૂરી રહી જાય છે. અભિનવને રેહાન પટેલ યાદ આવે છે, જે અવંતિકા નો દિવાનો હોય છે. રાજશ્રી અભિનવની અધૂરી કહાની જાણવા માટે એની સાથે વાત કરવાનું ચાલુ કરે છે. વાતચીત દરમિયાન તે બંને એકબીજા સાથે ભળતા જાય છે.

હવે આગળ....

મુંબઈમાં દિવસો પસાર થતાં જાય છે. અભિનવ પોતાની જોબમાં વ્યસ્ત છે.વચ્ચે વચ્ચે ક્યારેક અવંતિકાની યાદ આવી જાય છે, પરંતુ અવંતિકાના દિલ કે દિમાગમાં ક્યાંય પણ અભિનવનું નામોનિશાન નહોતું. અવંતિકા તો એની લાઈફમાં વ્યસ્ત હતી. રાજશ્રી અને અભિનવ વચ્ચે વાતચીત થતી રહેતી. રાજશ્રી ને હજુ પણ અભિનવની અધુરી પ્રેમ કહાની જાણવા નહોતી મળી. રાજશ્રીને અભિનવ સાથે વાત કરવાનું ગમતું તો અભિનવને એવું કોઈ મળી ગયું હતું કે જેની પાસે તે દિલ ખોલીને વાતો કરી શકે તેમ હતો. અભિનવ જ્યારે રાજશ્રી સાથે વાત કરતો હતો ત્યારે તેના અંદરનો એક લેખક, એક વિચારક, એક ફિલોસોફર જાગી ઉઠતો. રાજશ્રી ને પણ અભિનવ ની વાતો સાંભળવાની મજા આવતી. આમ તો બંનેને વાતો કરવાનું ચાલુ કર્યા ને બે-ત્રણ મહિના થયા હતા, પરંતુ આજ દિવસ સુધી બન્ને એ એક બીજાનો ચહેરો રૂબરૂમાં તો શું ફોટોમાં પણ જોયો નહોતો.

ક્યારેક વાતવાતમાં રાજશ્રી અભિનવને મળવાની વાત કરતી. રાજશ્રી ને એમ હતું કે અભિનવને મળીને તેની અધુરી પ્રેમ કહાની જલ્દીથી જાણી શકાશે. આટલા સમયથી વાત કરતા રાજશ્રીને એ તો ખબર પડી ગઈ હતી કે અભિનવ એટલી જલ્દીથી એને કંઈ કહેવાનો નથી. એટલે જ રાજશ્રી અભિનવને મળવા માંગતી હતી. પરંતુ અભિનવ દરેક વખતે કંઈ ને કંઈ બહાનું બનાવીને મુલાકાત ટાળી દેતો હતો. ત્યારે અભિનવને કયાં ખબર હતી કે કુદરતે તો બંનેને મળાવવા માટે કંઈક અલગ જ ધાર્યું હતું.

એકવાર અભિનવ અને તેની સાથે કામ કરતા લોકો રોજિંદા કામકાજ થી મનને થોડી શાંતિ મળે તે માટે ક્યાંક ફરવા જવાનો પ્લાન કરતાં હતાં. એક પછી એક લોકો પોતપોતાની પસંદગીના સ્થળ બતાવતા ગયા. અંતે અભિનવ એ આઈડિયા આપ્યો કે ફોરેસ્ટ એડવેન્ચર પર જઈએ. રાત્રે નાઈટ કેમ્પીંગ કરીશું ને આખો દિવસ જંગલમાં ફરીશું. અભિનવનો આઈડિયા દરેકને પસંદ આવ્યો અને તેના પર મંજૂરીની મહોર લાગી ગઈ. આવતા વીક એન્ડ પર માથેરાન પાસેના જંગલમાં ફોરેસ્ટ એડવેન્ચર પર જવાનું નક્કી થયું. જોગાનુજોગ આ તરફથી રાજશ્રી અને તેના કોલેજના ફ્રેન્ડસ પણ એક્ઝામ પૂરી થયા પછી ફરવા જવાનું વિચારતા હતા. તેમણે પણ માથેરાન પાસે ફોરેસ્ટ એડવેન્ચર પર જવાનો પ્લાન બનાવ્યો. અભિનવ અને રાજશ્રી વચ્ચે વાતચીત તો થતી રહેતી પરંતુ બંનેમાંથી કદાચ કોઈને આ વાત એકબીજાને કહેવાનું કાં તો ઉચિત ન લાગ્યું કે પછી યાદ ન આવ્યું.

શનિવારે લગભગ સાંજે સાડા છની આસપાસ અભિનવ અને તેના દોસ્તો કાર લઈને નીકળ્યા. તો રાજશ્રી અને તેના કોલેજના ફ્રેન્ડ્સ નું ગ્રુપ તેના એક ફ્રેન્ડની કારમાં નીકળ્યા. બંને ગ્રુપ સાંજે લગભગ એક જ સમયે મુંબઈથી નીકળેલા પરંતુ બન્ને અજાણ હતા કે તેઓ એક જ જગ્યાએ જઈ રહ્યા છે. સૂર્ય આથમી ચૂક્યો હતો અને ધીમે-ધીમે પોતાના કિરણો રૂપી ચાદરને સંકેલી રહ્યો હતો. મુંબઈના ટ્રાફિકને વીંધીને બહાર હાઇ-વે સુધી પહોંચતા સુધીમાં સૂર્ય પૂરેપૂરો અસ્ત થઈ ચૂક્યો હતો. હવે સૂર્યના પ્રકાશને બદલે વાહનોની હેડલાઈટના પ્રકાશમાં હાઇવે ચમકતો હતો. બંને કારો બીજા વાહનોની જેમ હાઇવે પર સડસડાટ દોડતી જતી હતી. બંને કારમાં મસ્ત ગીતો વાગી રહ્યા હતા અને બંને ગ્રુપ મજાક મસ્તી કરતા કરતા આગળ વધી રહ્યા હતા. એક-બે વાર તો બંને કાર એકબીજાની સાથે થઇ પરંતુ ન અભિનવને ખ્યાલ આવ્યો કે ન તો રાજશ્રીને ખ્યાલ આવ્યો કે બંને એકબીજાની બાજુ બાજુમાં જ છે.

માથેરાન પહોંચ્યા પછી અભિનવ અને તેના દોસ્તો હોટેલ પર જઈને ફ્રેશ થયા અને પછી નાઈટ કેમ્પીંગ માટેનો જરૂરી સામાન લઈને નીકળી પડ્યા-જંગલ તરફ. અભિનવ એ પહેલેથી જ નાઈટ કેમ્પિંગ માટેની જરૂરી બધી વ્યવસ્થા કરી રાખી હતી. બીજી તરફ રાજશ્રીના ગ્રુપ નો આવો કોઈ પ્લાન નહોતો. તેઓ તો આજની રાત હોટલમાં જ વીતાવવાના હતા અને બીજા દિવસે જંગલ ખૂંદવા નીકળી પડવાના હતા.

નાઈટ કેમ્પીંગ એક તળાવના કિનારા પર હતું. પૂનમ હોવાથી ચંદ્ર કંઈક વધારે જ તેજસ્વી લાગતો હતો. કેમ્પિંગ ટેન્ટની એક તરફ તળાવ હતું તો બીજી તરફ જંગલ. ચંદ્રનું પ્રતિબિંબ તળાવના પાણીમાં રેળાઈને બીજા ચંદ્રની ખોટ પૂરતું હોય તેમ તળાવના પાણીને તેજસ્વી બનાવતું હતું. થોડે દૂર પાણીનો ધોધ પડી રહ્યો હતો જેનો અવાજ રાત્રિના શાંત વાતાવરણમાં અહીં સુધી સંભળાતો હતો. તળાવ પરથી વાતો ઠંડો પવન તન અને મન બંનેને શીતળતા સાથે અલૌકીક શાંતિનો અનુભવ કરાવતો હતો. દેડકાઓનું ડ્રાઉ-ડ્રાઉ અને તમરાનો અવાજ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પુરૂ પાડતો હતો. દૂર જંગલમાંથી શિયાળો ની લાળી સંભળાતી હતી. શિયાળાના દિવસો પૂરું થવું થવું હોવાથી વાતાવરણમાં થોડી ઠંડી હતી. અભિનવ અને તેનું ગ્રુપ બોન ફાયર કરીને તેની આજુબાજુ ગોઠવાયેલા હતા. અભિનવ સિવાય દરેકના હાથમાં બીયર ની બોટલ હતી. બધા બિયર અને નાસ્તા સાથે વાતાવરણની મજા લેતા જતાં હતાં. વાયરલેસ સ્પીકર પર ધીમા અવાજે સોન્ગ્સ ચાલતા હતા. આડીઅવળી વાતો ચાલતી હતી. ઓફીસ ના કામકાજ થી શરૂ થયેલી વાતો ભુત-પ્રેતની વાતો સુધી પહોંચી ગઈ. પણ પછી દર્શન કે જે થોડા સમય પહેલાં જ કંપની સાથે જોડાયો હતો તેને ડર લાગતો જોઈને તે વાતો પર બ્રેક લાગી. અને પછી મોકા ભી થા ઔર દસ્તુર ભી થા ની જેમ મસ્ત રોમેન્ટિક વાતાવરણ હોવાથી દરેકના દિલમાં એક તોફાન ઉઠયું હતું- પ્રેમની લાગણીઓ નું તોફાન. બિયરના નશાએ પોતાની હાજરી પુરાવી અને તે તોફાન ધીમે ધીમે બહાર આવવા લાગ્યું.

પહેલા જ ગુજરાતથી આવેલો દર્શન બોલ્યો. તેણે આજે પહેલીવાર બિયર પીધેલું. થોડી ચડી ગઈ હતી.--“ સાલી.. આ છોકરીઓ ગજબ હોય છે નહીં..!!! પ્રેમ વરસાદ તો ન આવે અને પૈસા વર્ષ આવો તો દોડી આવે..!!” ત્યાં જ બાજુમાં બેઠેલો હર્ષદીપ ભાંગેલા-તૂટેલા ગુજરાતી હિન્દીમાં બોલ્યો-“ ઓ…સાહેબ… જરા હિન્દીમાં ફરમાવો ને..!!” હર્ષદીપ પંજાબી પુતર હતો . અભિનવ અને દર્શન જોડે રહી રહીને થોડું ઘણું ગુજરાતી સમજી અને બોલી શકતો હતો. પછી દર્શને ચાલુ કરી પોતાની પ્રેમ કહાની.--"એનું નામ પ્રાંજલ પટેલ…” પ્રાંજલ નું નામ આવતાં જ દર્શન ના ચહેરા પર અલગ ચમક આવી ગઈ જે બધાએ નોંધ્યું.—“ પ્રાંજલ અને હું કોલેજમાં સાથે ભણતા. એ દરરોજ કાર લઇને કોલેજ આવતી અને હું સાયકલ લઈને કોલેજ આવતો. તેના પપ્પા અમારા શહેરના જાણીતા ઉદ્યોગપતિ હતા અને મારા પપ્પા એના પપ્પાની જ કંપનીમાં એક સામાન્ય પોસ્ટ પર હતા. કોલેજના પ્રથમ દિવસથી જ પ્રાંજલ મને ગમી ગઈ. પણ તેના અને મારા સ્ટેટસ વિશે વિચારીને હું એને ફક્ત જોઈને જ ખુશ રહેતો. મને બરાબર યાદ છે ત્યારે રોઝ ડે હતો. મને થયું કે વેલેન્ટાઈન ડે નહીં તો કંઈ નહિ રોઝ ડે તો સેલિબ્રેટ કરીએ. એમ વિચારીને મેં એક મસ્ત ગુલાબ ખરીદ્યું. જેવી તે આવી એટલે મેં એને ગુલાબ આપ્યું. પણ તેણે તો એને નીચે ફેંકી દીધું અને પગ થી મસળી નાખતા કહ્યું—દર્શન.. પ્રેમ કરવા માટે ઔકાત જોઈએ જે તારી પાસે નથી. પ્રેમથી ફક્ત દિલની ભૂખ સંતોષાય પેટની ભૂખ સંતોષવા તો પૈસા જ જોઈએ. જે તારી પાસે નથી. તારી જેટલી એક મહિનાની પોકેટ મની છે એના કરતાં વધારે ખર્ચ તો હું મારા ડોગી પાછળ કરું છું. ત્યારે અવંતિકાના પગ નીચે ફક્ત મારુ ગુલાબ જ નહોતું કચડાયું સાથે-સાથે મારું દિલ પર કચડાયું હતું. પાછળથી મને ખબર પડી કે તેને અમારી જ કોલેજના સત્યજિતની પ્રપોઝલ સ્વીકારી હતી. જેના પપ્પા શહેરના મેયર હતા. તેણે પણ રોઝ ડે ના દિવસે ગુલાબ જ આપેલું. ફર્ક ફક્ત એટલો હતો કે મેં એ ગુલાબ પર પ્રેમનું પરફ્યુમ લગાવ્યું હતું જ્યારે સત્યજિતે પૈસાનું પર્ફ્યુમ..!!” આટલું બોલતાં જ દર્શન રડી પડ્યો. આ સમયે દરેકની આંખોના ખૂણા ભીના હતા.

હજુ તો દર્શન શાંત જ થયો હતો ત્યાં જ કેરાલાનો એ.જે.એસ વેંકટરામન બીયર ની બોટલ માથે મૂકીને નાચવા લાગ્યો. સાથે ગાતો જતો હતો-“ જીતા થા જીસ કે લીયેએ… જીસ કે લીયેએ… મારતાઆ....થાઆ...એક એસી લડકીઈઈ….થીઈ…જીસેએ…. મેં પ્યાર કરતાં થાઆઆ…!!” ત્યાં જ પવન એક ગાળ બોલતા ઊભો થયો અને વેંકીને હાથ પકડીને નીચે બેસાડતા બોલ્યો-“****, સબ પ્યાર મેં પાગલ હો ચૂકે હૈ. ચૂપચાપ બૈઠો સબ,****” પવન દિલ્હીનો હતો અને બીજા દિલ્હીવાળાઓની જેમ જ તેનું વાક્ય પણ ગાળથી જ ચાલુ થયું અને ગાળથી જ પૂરું થયું. એ.જે.એસ વેંકટરામન નું પૂરું નામ તો બહુ લાંબુ હતું એટલે બધા એને વેંકી કહીને જ બોલાવતા. ખબર નહિ તેણે પવનની ગાળો સાંભળી હતી કે નહીં કે પછી આજે એને પોતાના દિલની ભડાશ કાઢી જ નાખવી હતી. પવનની ના પાડવા છતાં પણ વેંકીએ બોલવાનું ચાલુ રાખ્યું—“ I too had a Love Story.. At that time I was also in college..” ત્યાં ફરીથી હર્ષદીપ બોલ્યો-“ અબે ઓ… અંગ્રેજ કી ઔલાદ. હિંદીમે ભોંક.” વેંકી ફરીથી બોલ્યો-“ મુજે ઈતના અચ્છા હિન્દી નહિ આતા. ફિર ભી મેરે કો ટ્રાય કરના હૈ. ફ્રેન્ડ્સ કે લિયે મેં કુછ ભી કરેગા.” વેંકી ના હિન્દીમાં એક અલગ ટૉન આવતો હતો, જે તેના સાઉથ ઇન્ડિયન હોવાની ચડી ફૂંકતો હતો. ઉસ ટાઈમ મેં કોલેજ મે તા. મેરા સ્ટોરી દર્શન કા સ્ટોરી છે થોડા અલગ હૈ એન્ડ થોડા સેમ ભી હૈ.” વેંકી ને લાગણીઓ અને બિયરના નશામાં હિન્દી શબ્દો સૂઝતા ન હતા એટલે તે વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દો ઉમેરતો જતો હતો. ડિફરન્ટ ઇસકે લિએ કી હમારે મે દોનોં એક દૂસરે સે લવ કરતા થા. એન્ડ સેમ ઇસલિએ કે સેમ લાઈક દર્શન મેરા સ્ટોરી ભી ઈંકમ્પ્લીટ હો ગયા. દર્શન કે કેસ મેં પૈસા એન્ડ સ્ટેટસ બીચ મે આયા થા એન્ડ મેરે કેશ મેં કાસ્ટ. વેંકી થોડીવાર અટક્યો અને બીયર ની બોટલ માંથી એક ઘૂંટ માર્યો.હવે પવનથી ન રહેવાયું એટલે ફરીથી એક ગાળ આપી-“****, અબ આગે ભી બોલેગા યા દું એક કાન કે નીચે.” અભિનવ ચુપચાપ આ બધું સાંભળતો હતો. વેંકી બોલ્યો-“ સેમ ઐસા હી બોલા થા ઉસકે ભાઈને એન્ડ બાપને મેરે કો. નેક્સ્ટ ટાઈમ માલવિકા કે આસપાસ ભી દિખા તો માર દૂંગા. હા માલવિકા… કિતના મસ્ત નામ હે… હૈ ના?” પવન એ મારવા માટે હાથ ઊંચો કર્યો એટલે વેંકીએ ફરીથી બોલવાનું ચાલુ કર્યું –“ હમ ઔર માલવિકા સેમ ક્લાસમેં સ્ટડી કરતા થા. કોલેજ કે એન્યુઅલ ફંક્શન પર એક ડ્રામામેં હમ હીરો થા ઔર વો હમારી હિરોઈન. ડ્રામા ભી કુછ એસા હી થા- લવ સ્ટોરી એન્ડ કાસ્ટવાલા. ફિર તો હમ દોનો ને કંઈ એસે ડ્રામામેં પાર્ટીસિપેટ કિયા. લવ સ્ટોરી કરતે કરતે હમ રીઅલ લાઈફમેં ભી લવ કર બેઠે. હમ એક દૂસરે કો બહોત પ્યાર કરતા થા. પર એક દિન માલવિકા કે ભાઈને હમ દોનો કો સાથ મેં દેખ લિયા. માલવિકા કો ઉસી ટાઈમ ઘર લેકે ગયા. બાદમેં વો પાંચ-છે લોગો કે સાથ આયા. પહેલે તો ગાલિયા દી ઔર ફિર બહોત મારા. બોલા માલવિકા સે દૂર રહે. વરના માર દુંગા. માલવિકા કા કોલેજ આના જાના બંધ કરવા દિયા ઔર ઉસકી શાદી કહી દૂસરી જગાહ કરવા દી. ઉસ દિન મેંને ઔર માલવિકા ને જો ડ્રામા કિયા તા, જહાંસે હમારા લવ સ્ટોરી ચાલુ હુઆ થા..લવ સ્ટોરી એન્ડ કાસ્ટ વાલા વહી પર ઉસકા એન્ડ હુઆ.” આટલું બોલીને વેંકી પણ રડી પડ્યો. પવનથી હવે ન રહેવાયું..-“ ****, સબ ચુપ… કોઈ કુછ નહીં બોલેગા અભી..” પછી વાતાવરણને થોડું હળવું બનાવવા તેણે સ્પીકર પર પાર્ટી સોંગ ચાલુ કર્યા અને સ્પીકરનું વોલ્યુમ વધાર્યું.-“ નાચો..,****”. અભિનવ તો ત્યારે પણ વિચારોમાં જ ખોવાયેલો હતો. અભિનવ વિચારતો હતો કે કેટલી બધી લવ-સ્ટોરી પૈસા, સ્ટેટ્સ અને કાસ્ટના લીધે અધૂરી રહી જતી હશે. તેણે પોતે પણ આવી અધૂરી લવ-સ્ટોરી નો ખજાનો વધારવામાં એક સ્ટોરી વધારીને મદદ કરેલી. ત્યાં જ હર્ષદીપ નાચતો નાચતો ત્યાં આવીને અભિનવનો હાથ ખેંચીને ઉઠાડતા બોલ્યો-“ ઓઓઓ....ઉલઝે હુએ આશિક. તુજે ક્યા અલગ સે ઇન્વિટેશન દુ?? ચલ, આ જા ડાન્સ કર..” અને અભિનવ વિચારો પડતા મૂકીને ડાન્સ કરવા ચાલ્યો ગયો.

આ તરફ રાજશ્રી અને તેના ફ્રેન્ડ્સ ફ્રેશ થયા પછી જમ્યા. જમ્યા પછી બધાએ હોટેલ ફરતે એક ચક્કર લગાવ્યું અને પછી ગાર્ડનમાં બેસવા ગયા. હોટલના એન્ટ્રસ ની બરાબર સામે જ ગાર્ડન હતું. રસ્તાની બંને બાજુ પર ત્રિકોણાકાર શેપમાં રંગબેરંગી ફૂલોના છોડ ઉગાડેલા હતા. ગાર્ડનમાં રહેલા બીજા છોડને વ્યવસ્થિત શેપમાં કાપેલા હતા. ગાર્ડનનું ઘાસ નાનું હતું, જે હમણાં બે ચાર દિવસ પહેલાં જ ટ્રિમ થયું હોય તેમ લાગતું હતું. અમુક અમુક અંતરે બેસવા માટે ખુરશીઓ ગોઠવેલી હતી. ગાર્ડનમાં બરાબર વચ્ચે એક સર્કલ હતું, જેમાં એક ફુવારો હતો. ફુવારાની આજુબાજુ રંગબેરંગી લાઇટોનો ગોઠવેલી હતી. બેકગ્રાઉન્ડમાં ધીમું પરંતુ મનને ગમે તેવું સંગીત વાગતું હતું. ફુવારો સંગીતના તાલ સાથે તાલ મિલાવીને ઉપર-નીચે થતો હતો. રંગબેરંગી લાઇટ્સ, સંગીત અને ડાન્સિંગ ફાઉન્ટેનના નો સમન્વય કોઈ ક્લબના ડાન્સ ફ્લોર નો આભાસ ઊભો કરતો હતો .રાજશ્રીની નજર ફુવારા ની બાજુમાં જ રહેલી ખુરશી પર પડી. જ્યાં બધા બેસી શકે તેમ હતા. તે જગ્યા ફુવારા થી થોડે દુર હતી. જ્યાંથી બરાબર સામે જ ફુવારો હતો. તેની પાછળ હોટેલ હતી જે પોતાની લાઇટ્સ, ફુવારા પરથી પરાવર્તિત થતા રંગીન પ્રકાશ અને પૂર્ણિમાના ચંદ્રની રોશનીમાં કંઈક વધારે જ સુંદર લાગતી હતી. રાજશ્રીએ હોટલમાં કામ કરતાં એક વ્યક્તિને બોલાવીને બોનફાયર, એક નાનકડું ટેબલ તથા બિયરની ખાલી બોટલ ની વ્યવસ્થા કરવાનું કહ્યું. રાજશ્રીએ આ વાત કોઈને સંભળાય નહીં તે રીતે કરી. રાજશ્રી અને તેના દોસ્તો વચ્ચે હસી-મજાક ચાલુ હતી. પવન સાથે ક્યારેક-ક્યારેક પાણીની બુંદો ખેંચાય આવતી હતી જે અલગ અહેસાસ કરાવતી હતી. પૂર્ણિમાનો ચન્દ્ર સોળે કળાએ ખીલેલો હતો. ખુશનુમાં વાતાવરણ હતું. વૃક્ષોના પાંદડા પવન સાથે મળી અવાજ કરીને બેકગ્રાઉન્ડમાં વાગતા સંગીત અને પાણીના ફુવારા ની લય સાથે તાલ મળવાનો પ્રયત્ન કરતાં હતાં. દૂર કૂતરાઓ ભસીને તેમની હાજરી પુરાવતા હતા. એટલી વારમાં પેલો વ્યક્તિ આવીને બોનફાયર, ટેબલ અને ખાલી બિયરની બોટલ મૂકી ગયો. આ બધું જોઈને બધા સમજી ગયા કે એ હવે ટ્રુથ એન્ડ ડેર રમાવાની છે. એટલે સમય બગાડ્યા વગર બધા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા.

રમવાવાળા સાત લોકો હતા- રાજશ્રી, સમીર, કૌશિક, જય, શ્રુતિ અને રિંકલ. બોટલ ફરી અને જય પર આવીને અટકી. ટ્રુથ ઔર ડેર? જય રહ્યો થોડો રફ એન્ડ ટફ. એટલે તરત કહી દીધું-“ ડેર” રિંકલે ડેર આપ્યું-“ મારું સ્કર્ટ પહેરવાનું અને આઈટમ સોંગ પર ડાન્સ કરવાનો.” થોડીવાર માટે તો જય પણ થયું કે – ક્યાંથી ડેર લઈ લીધું? પછી જયે સ્કર્ટ પહેરીને ‘શીલા કી જવાની’ પર ડાન્સ કર્યો. જયને સ્કર્ટમાં ડાન્સ કરતો જોઈને બીજા લોકો જે ગાર્ડનમાં બેઠા હતા તે પણ હસવા લાગ્યા.

હવે બોટલ ફરીથી ફેરવવામાં આવી. આ વખતે બોટલ રાજશ્રી પર અટકી. સમીરે પૂછ્યું- ટ્રુથ ઔર ડેર? રાજશ્રીએ કહ્યું- ટ્રુથ. રાજશ્રી ના ગ્રુપમાં બધાને ખબર હતી કે રાજશ્રી સીધી-સાદી અને સમજુ છે. લવ વિશેના તેના અભિપ્રાયો પણ તેમણે સાંભળ્યા હતા. રાજશ્રી હંમેશા કહેતી કે-“ પ્રેમ એ કંઈ ઢીંગલા-ઢીંગલી નો ખેલ નથી કે જે આજે એક સાથે હોય અને કાલે બીજા સાથે થઈ જાય.” ખરેખર પ્રેમ વિશે રાજશ્રી ના વિચારો બહુ ઉચ્ચ કોટિના હતા. રાજશ્રીના દોસ્તો ઘણીવાર પૂછતા કે આવા વિચારો તારા દિમાગમાં ક્યાંથી આવે છે. ત્યારે રાજશ્રી કહેતી-“ રાજશ્રી નામ હે મેરા. રાજશ્રી સબ જાનતી હે.” આજે બરાબર મોકો મળ્યો હતો. એટલે સમીરે પૂછી જ નાખ્યું-“ તો રાજશ્રી ધ લવ ગુરૂ. આપ કે પ્યાર કે બારેમે વિચાર ઉચ્ચકક્ષા કે હૈ. તો ક્યા આપ હમે એ બતાને કી કૃપા કરોગી કે આપકો કભી પ્યાર હુઆ હૈ યા નહી?” સમીર નો સવાલ સાંભળતાં જ રાજશ્રી ના મોં પર એક સ્માઈલ આવી ગઈ. રાજશ્રીએ બોલવાનું ચાલુ કર્યું-“ વત્સ.. પ્રેમ એક એવી વસ્તુ છે ને કે જે કરવામાં નથી આવતી પણ થઈ જાય છે. પ્રેમ…” કૌશિક એ રાજશ્રીને વચ્ચેથી જ અટકાવતા કહ્યું-“ બાબા ફિલોસોફર…. અમને તમારી ફિલોસોફી માં કોઈ જ રસ નથી. અમારે એ જાણવું છે કે તમને ક્યારેય પ્રેમ થયો છે કે નહીં?” રાજશ્રીએ કહ્યું-“ એ પ્રેમ છે કે નહીં એ તો મને નથી ખબર. પણ હા એક છે જેને હું આજ દિવસ સુધી ક્યારેય મળી નથી એટલે સુધી કે એનો ફોટો પણ મેં નથી જોયો. પણ એની વાતો, એની શાયરીઓ, ગઝલો, એના પ્રેમ પરના વિચારો, સામેવાળી વ્યક્તિને પોતાની વાત સાથે સહમત કરવાની રીત, કોઈ રીસાઈ જાય તો એને મનાવવાની આવડત.. આ બધું જ મને ગમે છે” રાજશ્રી એક જ શ્વાસે આટલું બધું બોલી ગઈ. બધા ખડખડાટ હસવા લાગ્યા. ત્યારે રાજશ્રી ને ભાન થયું કે એ કંઈ વધારે પડતું જ બોલી ગઈ છે. રિંકલે રાજશ્રી ને ચીડવતા પૂછ્યું-“ જીજાજી નું નામ તો કે.” રાજશ્રીના ગાલ પર શરમના લીધે લાલાશ ઉભરાઈ આવી.-“ જા…ને હવે એ કંઈ તારા જીજાજી નથી. અભિનવ નામ છે એનું.” આટલું બોલીને રાજશ્રીએ બે હાથ વચ્ચે ચહેરો છુપાવી દીધો. આ જોઈને બધા હસવા લાગ્યા.

ફરીથી બોટલ ફરી. આ વખતે બોટલ અટકી શ્રુતિ પર. શ્રુતિએ પણ ટ્રુથ પસંદ કર્યું. આ વખતે કૌશિક એ પૂછ્યું-“ એવી કોઈ વાત જે આજદિવસ સુધી તે કોઈને નથી કરી.” સવાલ સાંભળતાં જ શ્રુતિનું મો નાનું થઈ ગયું. તેને નીચે જોઈને જ બોલવાનું ચાલુ કર્યું-“ આ વાત એવી છે કે જેને હું ખરાબ સપનું ગણીને ભૂલી જવા માંગું છું પણ તે રહી-રહીને મારા સપનામાં આવે છે અને મારી ઊંઘ ખરાબ કરી નાખે છે. આજથી ૧૨ વર્ષ પહેલાંની વાત છે. હું પાંચમા ધોરણમાં હતી. અમારી બાજુમાં વિશ્વાસ ભાઈ રહેતા હતા. એ સારા એવા ચિત્રકાર હતા. એકવાર હું, પપ્પા અને વિશ્વાસ ભાઈ ઘરે હતા. વિશ્વાસ ભાઈ મારું ચિત્ર બનાવી રહ્યા હતા. પપ્પાને અચાનક કામ આવતા તે વિશ્વાસ ભાઈને મારું ચિત્ર બનાવી આપવાનું કહીને નીકળી ગયા. પપ્પાના ગયાના થોડીવાર પછી વિશ્વાસ ભાઇનું મન બગડ્યું અને મને ચિત્ર બતાવવાના બહાને ખોળામાં બેસાડીને અડપલા કરવા લાગ્યા. મારા નાનકડા એવા દિમાગ ને થોડી વાર સુધી તો કંઈ ખબર ન પડી પણ અચાનક મને કંઈક સૂઝ્યું અને હું દોડીને રસોડામાં ઘૂસી ગઈ અને તરત જ મેં દરવાજો બંધ કરી દીધો. વિશ્વાસ ભાઈ એ પહેલાં તો ચોકલેટની લાલચ આપી અને પછી આ વાત કોઈને ન કહેવાની ધમકી આપી. તે દિવસે જો મને રસોડામાં જવાનું સૂઝ્યું ન હોત તો કદાચ હું અત્યારે તમારી સાથે ન હોત. પપ્પાનો વિશ્વાસ ભાઈ પ્રત્યેનો વિશ્વાસ ન તૂટે એટલે મેં આ વાત કોઈને ન કરી.” આટલું બોલતાં જ શ્રુતિ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી.માંડમાંડ શ્રુતિને શાંત કરી. હળવાશનો માહોલ ગમગીન બની ગયો અને પછી આગળ રમવાનું પડતું મૂકીને બધા પોતપોતાની રૂમમાં સુવા માટે ચાલ્યા ગયા.

બીજા દિવસે સવારે બંને ગ્રુપ પોતપોતાની રીતે ભોમિયા બનીને જંગલ ખૂંદવા નીકળી પડ્યા. અભિનવ અને તેનું ગ્રુપ રાજશ્રીના ગ્રુપ થી થોડું પાછળ હતું. સવારનો સમય હતો. સૂર્યનારાયણ તેમના અશ્વવાળા રથ પર સવાર થઈને આવી ચૂક્યા હતા. ગાઢ વૃક્ષો વચ્ચેથી ચળાઈને આવતા સૂર્યનાં કિરણો પાંદડા પરના ઝાકળના બિંદુઓને હીરાની જેમ ચમકાવતા હતા. પક્ષીઓ કલરવ કરતાં-કરતાં દાણા પાણીની શોધમાં આમતેમ ઊડી રહ્યા હતા. દૂર કોઈ ઝરણું વહેતું હોય એનો અવાજ આવી રહ્યો હતો. ફૂલછોડ આળસ મરડીને બેઠા થઈ રહ્યા હતા. જેની સાથે હસ્તધૂનન કરવા માટે રંગબેરંગી પતંગિયા આમતેમ ઊડી રહ્યા હતા. મસ્ત ખુશનુમા સવાર હતી. મુંબઈની ભીડભાડવાળી સવારથી તદ્દન અલગ. મજાક મસ્તી કરતા કરતા બંને ગ્રુપ આગળ વધતા હતા. વચ્ચે-વચ્ચે સસલાઓ અને નાના-નાના જંગલી પ્રાણીઓ અને અવનવા પક્ષીઓ દેખાય જતાં હતાં.

રાજશ્રી ને ફોટોગ્રાફીનો શોખ હોવાથી તે ફોટા પડતી જતી હતી. ફરતા ફરતા તેઓ એક નાનકડી તળાવ જેવી જગ્યાએ આવ્યા. રાજશ્રીએ જોયું તો એક નાનકડું રંગબેરંગી પક્ષી જે તેણે આજ સુધી ક્યારેય જોયું ન હતું તે પોતાના આગવા અંદાજમાં તળાવ પરથી ઉડતું અને પછી નીચે આવીને માછલી પકડીને ઉડી જતું હતું. પક્ષીનો માછલી પકડતી વખતે બરાબર ફોટો લઇ શકાય એટલે રાજશ્રી થોડી નજીક ગઈ. પણ આ શું… કિનારાની ચીકણી ભીની માટી ના લીધે રાજશ્રી નો પગ લપસ્યો અને તે પાણીમાં ડુબવા લાગી. તેણે બચવા માટે કોશિશ કરી પણ તળાવની ભીની માટીમાં તે વધારે ફસાતી જતી હતી. રાજશ્રીને ડૂબતી જોઈને શ્રુતિ, રીંકલ અને કૌશિક બચાવો-બચાવોની બૂમો પાડવા લાગ્યા. ત્રણેયમાંથી એકેયને તરતા નહોતું આવડતું. સમીર અને જયને આવડતું હતું. તે બંને હેડફોન લગાવીને સોંગ સાંભળતાં-સાંભળતાં પોતાની ધૂનમાં આગળ નીકળી ગયા હતા. આ બૂમો તે બંનેને ન સંભળાઈ પણ પાછળ પાછળ જ આવી રહેલા અભિનવને સંભળાઈ ગઇ. પછી પોતાનું બેગ દર્શનને આપીને અભિનવ એ અવાજની દિશામાં દોડ લગાવી. પહોંચીને જોયું તો એક છોકરી ડૂબતી હતી. કંઈ જ વિચાર્યા વગર અભિનવ એ પાણીમાં પડતું મૂક્યું. પોતે બાળપણથી ગામડામાં જ ઉછરેલો. ગામડાનો શુધ્ધ ખોરાક અને કસાયેલું શરીર. ગામના તળાવમાં નાહીને પાક્કો તરવૈયો બની ગયેલો. થોડીવારમાં જ રાજશ્રીને કિનારે લઈ આવ્યો. ત્યાં સુધીમાં કૌશિક જય અને સમીરને બોલાવી લાવ્યો હતો. અભિનવ નું ગ્રુપ પણ ત્યાં પહોંચી ગયું હતું. રાજશ્રીના ફેફસામાં પાણી જવાથી બેભાન થઈ ગઈ હતી. ત્યાં જ પાણી કાઢવાની ટ્રાય કરી પણ કંઈ ફાયદો ન થયો એટલે હોસ્પિટલ લઈ જવાનું વિચાર્યું.

જેમતેમ કરીને બધાએ ભેગા મળીને રાજશ્રીને હોસ્પિટલ પહોંચાડી. ડોક્ટરે તપાસ કરીને કહ્યું કે ફેફસામાં વધારે પડતું પાણી ગયું હોવાથી ભાનમાં આવતા થોડી વાર લાગશે. અભિનવ લોકોને મુંબઈ પહોંચવાનું હોવાથી એ લોકો રાજશ્રીની ખબર પૂછીને નીકળી ગયા. બીજી તરફ સાંજે જ્યારે રાજશ્રી ભાનમાં આવી ત્યારે તેના ફ્રેન્ડ એ કઈ રીતે અભિનવે તેને બચાવી અને અહીં સુધી પહોંચાડી એ કહ્યું. રાજશ્રીએ તરત પૂછ્યું-“ એનું નામ શું હતું ?”ત્યારે રાજશ્રીના ફ્રેન્ડસને યાદ આવ્યું કે રાજશ્રીની ચિંતામાં ને ચિંતામાં તેઓ નામ પૂછવાનુ તો ભૂલી જ ગયા હતા. ત્યાં જ શ્રુતિ બોલી-“ નામ તો નથી પૂછ્યું પણ તેના હાથ પર ‘A’ લખીને ટેટુ બનાવેલું હતું. નીચે લવ લખેલું હતું. કદાચ એની ગર્લફ્રેન્ડનું નામ ‘A’ ઉપરથી હશે.” આટલું સાંભળતા જ રાજશ્રીના મગજમાં ચમકારો થયો. અભિનવે પણ તેની ડાયરીમાં તે જેને પ્રેમ કરતો હતો તેનું નામ લખવાને બદલે ખાલી ‘A’ જ લખેલું. શું તેને બચાવવા વાળો અભિનવ જ હતો? બીજી જ ક્ષણે થયું –ના…ના. એ અહીં માથેરાનના જંગલમાં ક્યાંથી હોય? પછી અભિનવને કોલ કરીને પૂછવા માટે રિંકલ પાસેથી પોતાનો ફોન માગ્યો. પણ એ તો પાણીમાં પડી જવાથી બંધ થઈ ગયો હતો. હવે શું…? તેને તો અભિનવ નો નંબર યાદ ન હતો…

અભિનવ એવું તે શું કર્યું હતું કે જેથી પૈસા અને કાસ્ટના લીધે અધૂરી રહેલી લવ-સ્ટોરીમાં એનું પોતાનું પણ નામ હતું. શું એની અને અવંતિકાની જ સ્ટોરી હતી કે બીજી કોઈ? રાજશ્રી અને અભિનવ મળ્યા તો ખરા પણ એકબીજાને ઓળખી ન શક્યા. રાજશ્રીને અભિનવનો કોન્ટેક નંબર યાદ નહોતો. હવે કઈ રીતે રાજશ્રી અભિનવને મળશે? શું રાજશ્રી અભિનવના પ્રેમમાં હતી? બધા સવાલોના જવાબ મળશે લવની ભવાઈ ના આગળના પાર્ટમાં.

આ બધા સવાલોના જવાબ મારી પાસે છે પણ મારા બે સવાલોના જવાબ તમારી પાસે છે. આજની ૨૧મી સદીમાં પણ મોટાભાગની લવસ્ટોરીના બે વિલન હોય છે. Money એન્ડ Cast. જેના પર પ્રકાશ પાડવા માટે બે વાતો આ પાર્ટમાં કરેલી છે. અને બીજી આજની સદીનો સળગતો પ્રશ્ન છે- જાતીય સતામણી. એના પર પણ એક વાત કીધેલી છે. નીચેના બે પ્રશ્નો પર આપના અભિપ્રાયો મને જણાવી શકો છો.

* બે પ્રશ્નો પ્રેમ પર

૧) શું ખરેખર પ્રેમથી દિલની જ ભુખ સંતોષાય? પેટની ભૂખ સંતોષવા માટે પૈસા જ જોઈએ?

૨) શું પ્રેમ કરવા માટે કાસ્ટનું બંધન હોવું જોઈએ?

Hiren Moghariya

Whatsapp : 9426602396