No return - 2 part - 10 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-10

Featured Books
Categories
Share

નો રીટર્ન-૨ ભાગ-10

નો-રીટર્ન-૨

ભાગ-૧૦

(આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- પવન જોગી અમદાવાદની બજારમાં વિનીત નામનાં યુવકનો પીછો કરે છે. ત્યારબાદ તે ગેલેક્ષી હોટલમાં ઉતરેલી પેલી યુવતીને શોધવા નીકળી પડે છે....બીજી તરફ ઇન્દ્રગઢમાં લાઇબ્રેરીયન રાજન બિશ્નોઇ ઉપર થયેલા હુમલાનાં ઘેરા પ્રત્યાઘાતો પડવાનાં શરૂ થાય છે. હવે આગળ વાંચો...)

ગેલેક્ષી હોટલ મધ્યમ કક્ષાની હતી. દૂરથી તો એ કોઇ સામાન્ય હોટલ હોય એવું પ્રતિત થતું હતું. હું એ તરફ ચાલ્યો. ચાર માળની ગેલેક્ષી હોટલ બજારનો જ એક ભાગ હતી. ગાંધી રોડ ઉપર પ્રવેશતાં ડાબી તરફ મકાનો અને દુકાનોની એક સરખી લાઇન હતી. એ લાઇનની બરાબર મધ્ય ભાગમાં ગેલેક્ષી હોટલ હતી. મારી મંઝીલ એ હોટલ હતી. પગપાળા ચાલતો હું એ હોટલ સામે આવીને ઉભો રહયો. હોટલમાં નીચે ગ્રાઉન્ડ ફલોર ઉપર કાચનું પાર્ટીશન હતું. પાર્ટીશનની પાછળ અંદર એક તરફ રીસેપ્શન કાઉન્ટર હતું... એ રીસેપ્શન કાઉન્ટરની બરાબર સામેનાં ભાગે હોટલનું જ પોતાનું અલાયદુ રેસ્ટોરન્ટ હતું. સામાન્યતહઃ આવી ગોઠવણ હવે લગભગ દરેક હોટલોમાં જોવા મળે છે. હોટલોની પોતાની રેસ્ટોરન્ટ હોવાનો એક ફાયદો એ થતો કે અહી રોકાતા લોકોને ચા-નાસ્તા અને જમવા માટે બહાર ભટકવું પડતું નહી, ઉપરાંત તેનાં લીધે હોટલને એક એકસ્ટ્રા ઇન્કમ પણ થતી.

ફોટા બે દિવસ પછી વિનીતનાં હાથમાં આવવાનાં હતાં એટલે મારી પાસે પણ બે દિવસનો સમય હતો. પેલી યુવતી આ જ હોટલમાં રોકાઇ છે એવું તેણે સ્પષ્ટ પણે વિનીતને કહયું હતું. જો મારે એ યુવતીને મળવું હોય, તેની ઓળખાણ વધારવી હોય તો અહી રોકાવું એજ એક શ્રેષ્ઠ વિકલ્પ હતો. એવું જ કંઇક મન બનાવી હું હોટલનાં પગથીયા ચડયો અને દરવાજાનો કાચ ધકેલી રીસેપ્શન ડેસ્ક પર પહોંચ્યો. ડેસ્ક પાછળ એક આધેડ ઉંમરનો વ્યક્તિ બેઠો હતો. મને જોઇ એ તેની જગ્યાએથી ઉભો થયો.

“ યસ સર...! મે આઇ હેલ્પ યુ...! ” ભારે વિનમ્રતાથી તેણે મને પુછયું.

“ જી...! મારે એક રુમ જોઇએ છે, બે દિવસ માટે. “

“ ઓ.કે. સર, મળી જશે...! ” તે બોલ્યો અને મારી તરફ ધારીને જોઇ રહયો. મારો અપ ટુ ડેટ પહેરવેશ અને સામાનમાં ખભે લટકતા એકમાત્ર હોલ્ડ- ઓલને કારણે કદાચ તેને આશ્વર્ય થતુ હતું. “ સર...! સિંગલ કે ડબલ બેડ...? ”

“ ગમે તે ચાલશે, બસ રૂમ કમ્ફર્ટેબલ હોવી જોઇએ. ” તેનાં આશ્વર્ય સાથે અત્યારે મને કોઇ જ નિસ્બત નહોતી. બીજો કોઇ સમય હોત તો જરૂર વિસ્તારથી તેને સમજાવ્યું હોત કે અહી હું શું કામ આવ્યો છું. અત્યારે સૌથી વધારે અધીરાઇ મને પેલી યુવતીને મળવાની હતી. એ પણ આ જ હોટલમાં રોકાઇ હતી એટલે ગમે તેમ કરીને તેને શોધવી જરૂરી હતી. પણ કેવી રીતે તેને શોધીશ...? હું વિચારમાં પડયો. સૌથી આસાન રસ્તો આખો દિવસ અહી, એટલે કે રિસેપ્શન ફોયરમાં બેસીને તેની રાહ જોવાનો હતો. પછી ખુદ મને જ મારા એ બાલીશ વિચાર ઉપર હસવું આવ્યું. એમ આખો દિવસ અહી બેસી રહું તો પણ કોને ખબર એ કયારે અહીથી નીકળે...? એના કરતાં આ રિસેપ્શનિસ્ટને જ પુંછી જોઉં તો...! એ જ બેસ્ટ રહેશે. પણ એમ કોઇ અજાણી યુવતી વિશે ઇન્કવાયરી કરવી થોડી અજૂગતી બાબત લગતી હતી. સામે ઉભેલા ભાઇને જો થોડોઘણો પણ સંદેહ ઉદ્દભવે તો નાહકનો હું કોઇ બીજી મુસીબતમાં મુકાઇ જાઉં. તો શું કરવું...? મુંઝવણ અનુભવતો થોડીવાર હું ત્યાં જ ઉભો રહયો. મને કોઇ રસ્તો સુઝતો નહોતો. આવું ઘણી વખત મારી સાથે બનતું. કોઇ બાબત વિશે જલ્દી નિર્ણય ન લઇ શકવો એ મારી કમજોરી હતી. એક હીન ભાવના તેનાથી મારામાં જન્મતી. ખરેખર તો મારામાં એ સીવાય બીજી એકપણ પ્રકારની અન્ય કમી નહોતી. હું એક રાજવી પરીવારનું સંતાન હતો એટલ સ્વાભાવિકપણે મારી વર્તુણક અને મારા બોલવા- ચાલવામાં એક વિશિષ્ઠ સલૂકાઇ દેખાતી, એક રૂઆબ આપોઆપ છલકતો. ઉપરાંત, મારા દેખાવ બાબતે પણ આજ સુધી કોઇ નકારાત્મક કોમેન્ટ મને સાંભળવા મળી નહોતી. મારા મિત્રો મને હેન્ડસમ માનતાં, કદાચ તેઓ મારા વ્યવસ્થિત રીતે જીવવાનાં અંદાજને કારણે એવું માનવા પ્રેરાતા હશે. ખેર...એ જે હોય તે, પણ મારો ખરો પ્રોબ્લેમ એ નહોતો, પ્રોબ્લેમ મારા મનમાં હતો. મારી લઘુતાગ્રંથિએ ચારેકોરથી મને જકડી રાખ્યો હતો. એમાંથી છૂટવા માટે જ કદાચ હું અત્યારે એક અજાણી યુવતીનો પરિચય કેળવવા નીકળી પડયો હોઇશ.

“ સર...! આપનું નામ...? ” અચાનક પેલા ભાઇએ મને સજાગ કર્યો. તેઓ ક્યારનાં મારી સામુ સંદેહભરી નજરોએ તાકી રહયાં હતાં. કદાચ તેને હું કોઇ ધૂની માણસ લાગતો હોઇશ.

“ પવન...! પવન જોગી...! ” મેં કહયું. તેણે ચોપડામાં મારું નામ નોંધ્યું અને પછી ચોપડો મારી તરફ સરકાવ્યો.

“ આપનું પુરુ સરનામું, ફોન નંબર અને બાકી ડિટેઇલ્સ્ ભરી સાઇન કરી દો. આપનું એક આઇ.ડી.પ્રુફ પણ આપજો. ” ભારે વિનમ્રતાનો ડોળ કરતો હોય એવા લહેકામાં તેણે કહયું. મેં મારુ પર્સ ખોલી આઇ.ડી. પ્રુફ તેને આપ્યું એટલે એ તેની ઝેરોક્ષ નિકાળવા કાઉન્ટરની પાછળની બાજું ચાલ્યો. એ દરમ્યાન મેં મારી વિગતો ચોપડામાં ભરી દીધી. ઝેરોક્ષ મશીન રિસેપ્શન કાઉન્ટરની પાછળ આવેલી મેનેજરની કબીનમાં હતું. અહીથી મને કાચનું પાર્ટીશન મઢેલું કેબીન અને તેમાં એક ટેબલ ઉપર પડેલું ઝેરોક્ષ મશીન દેખાતું હતું. પેલા રિસેપ્શનિસ્ટ ભાઇએ મશીનની સ્વીચ ઓન કરી અને મશીન પ્રોપર ચાલુ થાય તેની રાહ જોવા લાગ્યાં. તેની પીઠ મારી તરફ હતી. અચાનક... સાવ એકાએક જ મારા મનમાં એક વિચાર ઝબકયો. એ ઝબકારામાં મને મારી સમસ્યાનું સમાધાન છુપાયેલું દેખાતું હતું. રિસેપ્શનિસ્ટે જે ચોપડો એન્ટ્રી કરવા મને આપ્યો હતો એ ચોપડામાં નોંધાયેલી વિગતોમાં જરૂર પેલી યુવતીની વિગતો પણ નોંધાયેલી હોવાની જ. એ યુવતી પણ મારી જેમ એકલી જ હતી એ મને ખ્યાલ હતો એટલે સ્વાભાવીક રીતે તેણે પોતાનાં નામે જ અહી રૂમ બુક કરાવી હોવી જોઇએ. મેં ઝડપથી એન્ટ્રીઓ તપાસવા માંડી. જે પાના ઉપર મારી વિગતો લખતો હતો એ પાના ઉપર મારી આગળ બીજા બે મુસાફરોની વિગતો લખેલી હતી. પરંતુ તે બન્ને એન્ટ્રી પુરુષોનાં નામે હતી અને તેઓ પુરી ફેમીલી સાથે આ હોટલમાં રોકાયા હોય એવું જણાતું હતું. સાવધાનીથી, સતર્કતાપૂર્વક મેં ચોપડાનું એક પાનું પાછળ ફેરવ્યું. તેમાં ગઇકાલની તારીખ મારેલી હતી. ગઇકાલે કુલ છ મુસાફરો આ હોટેલમાં ઉતર્યા હતાં.. હું એક પછી એક બધાનાં નામ વાંચતો ગયો. સાવ છેલ્લી, છઠ્ઠી એન્ટ્રી ઉપર આવીને મારી આંગળી અટકી ગઇ. મને મારું અનુમાન સાચુ પડતું લાગ્યું. સૌથી છેલ્લી એન્ટ્રી એક સ્ત્રીનાં નામે હતી. મારુ હ્દય એ નામ વાંચીને એક ધબકારો ચૂકી ગયું. એક તો ચોરી-છુપીથી હું આ કામ કરી રહયો હતો, અને ઉપરથી જેનું નામ જાણવા માટે છેલ્લા બે-ત્રણ કલાકથી હું બહાવરો બનીને અહી- તહીં ભટકી રહયો હતો એ નામ... પેલી બોબ્ડ કટ વાંકડીયા વાળ વાળી યુવતીનું નામ અત્યારે મારી આંગળીનાં ટેરવા નીચે હતું. હવે તમે જ કહો...! જેને પામવા માટે તમે દર- બદર ભટકતા હોંવ, એ જ વ્યક્તિ અચાનક તમારી સામે આવીને ઉભી રહી જાય તો તમારી હાલત કેવી થાય...? અત્યારે મારી હાલત પણ બસ, એવી જ થઇ હતી. ભલે એ યુવતી મારી નજરો સમક્ષ અત્યારે ઉપસ્થિત નહોતી, પરંતુ તેનાં હોવાપણાં વિશેની લગભગ સંપૂર્ણ જાણકારી આ ચોપડામાં લખાયેલી હતી. ધડકતા હ્દયે મેં સૌથી પહેલાં તેનું નામ વાંચ્યું....

“ અનેરી ભાગવંત પાલીવાલ...” નામ વાંચતાંજ મારા મનમાં એક ન સમજાય એવી મીઠી ઝણઝણાટી વ્યાપી ગઇ. મારા મોં માંથી આપોઆપ શબ્દો સ્ફુર્યા... ” અનેરી... ” આવું યુનીક નામ આજ પહેલાં કયાંય સાંભળ્યું હોય એવું મને યાદ આવતું નહી. તે જેટલી દિલકશ હતી, દીલફરેબ હતી, તેનું નામ પણ એટલું જ અનોખું હતું. “ અનેરી... ” મારા અંતરમનનાં દ્વાર સુધી એ નામ પડઘાતું હું અનુભવી રહયો. જો મને પેલા રિસેપ્શનિસ્ટ ભાઇ પાછા આવી ચડવાની બીક ન હોત તો કદાચ હું એમ જ... તેનાં નામની માળા જપતો ત્યાં જ ઉભો રહી ગયો હોત. પરંતુ મારે ઝડપ કરવી જરૂરી હતી. પેલો ઝેરોક્ષ કરીને આવે એ પહેલા મારે અનેરી વિશેની તમામ વિગતો જાણી લેવાની હતી. મેં જલદીથી વાંચવા માંડયું... અને, જેમ- જેમ એ ચોપડામાં લખાયેલી વિગતો હું વાંચતો ગયો તેમ- તેમ આશ્વર્યનો એક મહાસાગર મારી સમક્ષ ઉમડતો ગયો. મારી આંખો વિસ્મયથી પહોળી થતી ગઇ અને મોં આશ્વર્યથી ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું. એક એવું સત્ય મારી સમક્ષ ઉજાગર થઇ રહ્યું હતું જેની કલ્પના સુધ્ધા હું કરી શકતો નહોતો.

બરાબર એ જ સમયે મેનેજરની કેબીનનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો એટલે ઝડપથી મેં પાનું ફેરવી નાંખ્યું. રિસેપ્શનિસ્ટ ભાઇનાં એક હાથમાં મારું આઇ.ડી.પ્રુફ હતું અને બીજા હાથમાં તેની ઝેરોક્ષ હતી. તેની નજરો એ બંને વચ્ચે ખરાઇ કરવામાં પરોવાયેલી હતી એટલે મારી તરફ તેનું બીલકુલ ધ્યાન નહોતું. મને “હાશ” થઇ કે તણે મને પાનાં ફેરવતો જોયો નહોતો. તેણે આવીને મને આઇ.ડી.પ્રુફ પાછું આપ્યું અને ડિપોઝીટનાં રૂપિયા લઇ મને એક ડબલબેડની રૂમ ફાળવી આપી. હોટલનાં બીજા માળે રૂમ નં.૨૦૮ તેણે મને અલોટ કર્યો હતો. પેલી યુવતી “અનેરી” ની રૂમ પણ બીજા માળે જ હતી. ચોપડામાં એ મેં વાંચ્યું હતું. તેનો કમરા નં. ૨૦૧ હતો.. એક પછી એક સરપ્રાઇઝ મળવાથી હું આભો બની રહયો હતો. ચોપડામાં તેનાં વિશે લખાયેલી વિગતોનાં આશ્વર્યાઘાતમાંથી હજુ બહાર નીકળ્યો નહોતો ત્યાં મને બીજું સરપ્રાઇઝ મળ્યું. મને બરાબર તેની સામેનો રૂમ જ ફાળવવામાં આવ્યો હતો તે એક વિસ્મયકારક ઘટનાથી કમ તો નહોતું જ.

“ સર...! આપનાં રૂમની ચાવી...! લીફ્ટ સામેની તરફ છે... ” પેલા ભાઇએ ફરીથી મને સજાગ કર્યો. જે રીતનું વર્તન હું અત્યારે કરતો હતો તેનાં લીધે એ ભાઇને કદાચ હું કોઇ રઇશ બાપની ભેજાગેપ ઓલાદ જેવો લાગતો હોઇશ. પણ મેં અગાઉ કહયુંને કે મને તેનાથી કોઇ ફરક પડતો નહોતો. મારે જે જાણવું હતું એ સાવ અચાનક અને બહું આસાનીથી મને જાણવા મળી ગયું હતું. અને...જે જાણવા મળ્યું હતું એ અચંભીત કરનારું હતું.

કાઉન્ટર ઉપર મુકાયેલી રૂમની ચાવી લઇને હું લીફટ તરફ ચાલ્યો. મારી પાસે એક થેલા સિવાય અન્ય કોઇ સામાન નહોતો એટલે એ ઉંચકવાની ઝંઝટ નહોતી. લીફ્ટ નીચે જ હતી. તેમાં દાખલ થઇ મે દરવાજો બંધ કર્યો અને બે નંબરનું બટન દબાવ્યું. લીફ્ટ ઉપર ચાલી. બીજા ફલોર પર આવીને લીફ્ટ ઉભી રહી એટલે હું બહાર નીકળ્યો. લીફ્ટનો દરવાજો બીજા માળનાં કોરીડોરમાં ખુલતો હતો. કોરીડોરની બન્ને બાજું ચાર- ચાર કમરા હતાં. લીફ્ટમાંથી બહાર નીકળતા ડાબા હાથ ઉપર કમરાનં.૨૦૧ નો દરવાજો હતો. કોરીડોરમાં ચાલતો હું એ દરવાજાની બરાબર સામે આવીને ઘડીક ઉભો રહયો. તે દરવાજો બંધ હતો. મનમાં એક તિવ્રત્તમ ઇચ્છા ઉદ્દભવી કે એ કમરાનો બેલ વગાડું. જો એ યુવતી કમરામાં હશે તો જરૂર દરવાજો ખોલશે. પણ, પછી હું એને કહીશ શું...? એક અજનબી યુવાનને દરવાજે ઉભેલો જોઇ તે પુંછશે કે તમે કોણ છો, અને તમારે કોનું કામ છે...? તો હું શું જવાબ આપીશ..! એ ખ્યાલ આવતાં જ આપોઆપ મારો ઉત્સાહ ઠંડો પડી ગયો.. ૨૦૧ની બરાબર સામે મારો ૨૦૮ નં. નો કમરો હતો. બંન્ને કમરાનાં દરવાજા બરાબર આમને- સામને પડતાં હતાં. ૨૦૮ ની ચાવી મારા હાથમાં હતી. હળવે રહીને હું એ તરફ ચાલ્યો અને ૨૦૮ નો દરવાજો ખોલી હું કમરામાં દાખલ થયો. કમરાનો દરવાજો મેં જાણી જોઇને અધખુલ્લો રહેવા દીધો. રૂમ સરસ હતો. અંદર દાખલ થતાં જમણાં હાથ બાજુ ટોઇલેટ બ્લોક હતો અને પછી પ્રમાણમાં ઘણો મોટો કહી શકાય એવો બેડરૂમ હતો. રૂમની વચ્ચોવચ મુલાયમ ગાદલા મઢયો ડબલબેડ હતો. ખભેથી હોલ્ડ-ઓલ ઉતારીને મેં ગાદલાં ઉપર નાંખ્યો. મારુ માથું ભમતું હતું. ખુબ જ ટૂંકા સમયમાં ઘણીબધી ઘટનાઓ મારી સાથે ઘટી હતી. રાત્રે દાદાનું સ્વપ્નમાં આવવું... ઇન્દ્રગઢ જવાનો હુકમ કરવો... ક- મને પણ મારુ ઇન્દ્રગઢ જવાનું નક્કી થવું... રેલ્વે પ્લેટફોર્મ ઉપર એક અસાધારણ ખુબસૂરત યુવતીને જોવી... તેની વાતો સાંભળીને મુંબઇ જવાનું કેન્સલ કરવું... પેલાં ફોટોગ્રાફ્સ પાછળ ભાગવું... અને હવે અહી આ હોટલમાં બરાબર એ યુવતીનાં સામેનાં કમરામાં જ રોકાવું....!! ભયાનક ઝડપે બધું બન્યું હતું. એ બધા વિચારો એક સાથે મારા માથામાં ઘુમરાઇને ઘમાસાણ મચાવી રહયા હતાં. અને પેલા ચોપડામાં લખેલી વિગતો...! માય ગોડ...! કેટલું વિચિત્ર...! અહો આશ્વર્યમ્...!

મેં વાંચ્યું હતું...! બરાબર વાંચ્યું હતું, તેનું નામ અનેરી હતું. તેનાં પિતાજીનું નામ ભાગવંત હતું અને અટક પાલીવાલ હતી. પાલીવાલ, મતલબ કે તે રાજસ્થાની યુવતી હતી. પાલીવાલ એ રાજસ્થાનની ખુબ જ પોપ્યુલર અટકોમાંથી એક હતી. પરંતુ એ બધું એટલું અગત્યનું નહોતું. અગત્યનું અને વિશ્મયકારક તો ત્યારબાદ તેણે જે વિગતો લખી હતી એ હતું. સરનામાની કોલમમાં તેણે “ ઇન્દ્રગઢ ” નું સરનામું લખ્યું હતું. એ જ “ ઇન્દ્રગઢ ”, કે જ્યાં જવા હું ખુદ નીકળ્યો હતો. જે મારું પોતાનું રજવાડું હતું. આ યુવતી મારા જ રાજ્યની વતની હતી એ વાત મને સૌથી વધારે નવાઇ પમાડતી હતી. મોટાભાગની હોટલોમાં વપરાતી એન્ટ્રીબુકમાં યાત્રી કયાંથી આવે છે અને ફરી અહીથી કયાં જવાનો છે તેની અલાયદી કોલમો હોય છે. એ બંને ખાનામાં અનેરીએ ઇન્દ્રગઢનું નામ લખ્યું હતું. મતલબ કે તે ઇન્દ્રગઢથી અહી અમદાવાદ આવી હતી અને વળી પાછી તે અહીથીં ઇન્દ્રગઢ જવાની હતી.

બધું જ ભૂલ- ભૂલામણી ભરેલું લાગતું હતું, જાણે કોઇ રહસ્યમય ચલચિત્ર ચાલતું હોય એવું. મારુ મગજ બહેર મારી ગયું. કોણ છે આ યુવતી..? અને તેનું ઇન્દ્રગઢ સાથે શું કનેકશન છે..? જ્યાં સુધી શાંતીથી બેસીને એક-એક વાતનું હું અનુસંધાન શોધી ન લઉં ત્યાં સુધી હવે મને જંપ વળવાનો નહોતો. બેડ ઉપર પાથરેલાં મુલાયમ ગાદલાની કોરે બેસીને વિચારવાનું શરૂ કરું, એ પહેલાં અનેરીનો મોબાઇલ નંબર, જે મેં પેલા એન્ટ્રી રજીસ્ટરમાંથી બઠ્ઠાવ્યો હતો એ મારા મોબાઇલમાં “ અનેરી “ નાં નામે સેવ કર્યો. તેનું નામ લખતી વખતે મારા હાથ રીતસરનાં ધ્રુજતાં હતાં.

(ક્રમશઃ)

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

આપને નો-રીટર્ન-૨ કેવી લાગી એ પ્રતીભાવ ૯૦૯૯૨૭૮૨૭૮ પર લેખકને વોટ્સએપ કરી શકો છો. અથવા તેમની સાથે ફેસબુક પેજ Praveen Pithadiya સાથે જોડાઇ શકો છો.

ધન્યવાદ.

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નસીબ.

અંજામ.

નગર.

આંધી. પણ વાંચજો.