Shak-A-Ishq - 1 in Gujarati Love Stories by Rohit Suthar books and stories PDF | શક-એ-ઇશ્ક-૧

Featured Books
Categories
Share

શક-એ-ઇશ્ક-૧

છેલ્લા ત્રણ દિવસથી ઇશા વિવેકને કૉલ અને મેસેજીસ કરતી હતી, પણ વિવેક ના તો ફોન રિસીવ કરતો હતો કે ના મેસેજનો રિપ્લાય કરતો હતો. આજે માંડ તેણે ફોન ઉપાડયો અને ઇશાના જીવમા જીવ આવ્યો.

“ક્યા છે તું? કઇ ભાન પડે છે તને, મે તને કેટલા ફોન અને મેસેજ કર્યા, પણ તે કોઇ જવાબ ના આપ્યો, કેમ?” ઇશા ગુસ્સાથી બોલી.

વિવેકે પણ ગુસ્સાથી જ જવાબ આપ્યો, “હું અહી નવરો નથી બેઠો, કેટલી મહેનત કરુ છું અહી, ડાયરેક્ટર-પ્રોડ્યુસરની ઓફિસના ધક્કા ખાવા, કાસ્ટિંગ ડાયરેક્ટરને આજીજીઓ કરવી. સવારથી રાત સુધી સ્ટ્રગલ કરુ છું કે એક ફિલ્મ મળી જાય અને તને ફોનની પડી છે?”

“છેલ્લા ઘણા વર્ષોથી તું સ્ટ્રગલ જ કરી રહ્યો છે, તને જોયાને આજે ચાર વરસ થઇ ગયા, પણ હવે તારે બેમાંથી એક ને જ પસંદ કરવા પડશે કાં તો ફિલ્મી કરીયર કાં તો હું.” ઇશાએ કહ્યુ.

“મતલબ?” વિવેકે આશ્ચર્યથી પૂછ્યું.

“મારા પપ્પાએ મારો સંબંધ નક્કી કરી દીધો છે, જો તું મને ચાહતો હોય તો એ બધુ છોડીને અહી આવી જા, પપ્પાને આપણા બેના લગ્ન માટે મનાવી લઇશ.” ઇશાએ કહ્યુ.

“અરે ગાંડી થઇ ગઇ છે કે શું? મારે મારા કરિયરનુ નહી જોવાનુ?” વિવેકે ખીજાઇને કહ્યુ.

“અને હું...?” ઇશાની આંખોથી આંસુ સરી પડ્યા.

“જો સ્વીટ હાર્ટ, એકવાર કરિયર સેટ થઇ જાય પછી લગ્ન કરવાના જ છે ને યાર, તું તારા પપ્પાને ના પાડી દે કે અત્યારે તારે લગ્ન નથી કરવા સિમ્પલ....” વિવેકે કહ્યુ.

“છેલ્લા બે વરસથી હુ ટાળી જ રહી છું, પણ હવે મારી પાસે લગ્ન કરવા સિવાય કોઇ વિકલ્પ નથી, ઘરમા બધાય જીદ પકડીને બેઠા છે, હવે બધુ તારા હાથમા છે, કરિયર કે પછી હું?” ઇશાએ કહ્યુ.

“મને મારી ફર્સ્ટ ફિલ્મ મળે એવી છે, એટલે સફળતાની આટલી નજીક પહોચીને પાછળ ના ખસી શકું.” વિવેક સ્વાર્થી થઇને બોલ્યો.

“તો આનો મતલબ કે તું મને છોડી શકે છે, એ બકવાસ કરિયરને નહિ.” ઇશાએ કહ્યુ.

“એમ જ સમજ, કદાચ આપણો સાથ અહી સુધીનો જ હશે.” વિવેકે કહ્યુ.

ઇશાએ ફોન મુકી દીધો અને રડતા રડતા જમીન પર ઢળી પડી. છેલ્લા સાત વરસના પ્રેમ પ્રણયનો આજે અંત આવ્યો હતો. વિવેકને તો કોઇ ફરક ના પડ્યો, પણ ઇશા મનથી તુટી ગઇ.

કોલેજના ફર્સ્ટ યરના પહેલા દિવસે જ્યારે બંનેએ એકબીજાને જોયા હતા ત્યારથી જ આકર્ષણ જાગ્યુ હતું. વિવેક કોલેજનો સૌથી હેંડસમ ચાર્મીંગ બોય અને ઇશા એટલે ખુબસુરત શબ્દ માત્ર એના માટે જ બન્યો હશે. ભગવાને પણ એને બનાવવા માટે ઓવરટાઇમ કરવો પડ્યો હશે. કોલેજના આ ત્રણ વર્ષોમા ઘણા યુવાનોનુ કરિયર બગડે એમ હતુ, કારણ માત્ર “ઇશા”.

વિવેક અને ઇશા વચ્ચે પહેલા દોસ્તી અને પછી ક્યારે પ્રેમ થઇ ગયો ખબર જ ના પડી. આ વાતની કોઇને નવાઇ ન લાગી, કારણ બંનેની જોડી એકબીજા સાથે શોભતી હતી. ત્રણ વરસ સુધી બંને પ્રેમ નામની ખુબસુરત ચીજનો આસ્વાદ માણતા રહ્યા. વિવેકને અભિનયમા પહેલેથી જ ખુબ રસ હતો. કોલેજના ત્રણેય વર્ષમાં તે અભિનય સ્પર્ધામા વિનર રહ્યો હતો. કોલેજમા ઘણી યુવતીઓ એની પાછળ પ્રેમમા પાગલ હતી, પણ એ માત્ર ઇશાને સાચા દિલથી ચાહતો હતો.

ઇશા ખુબ જ સંસ્કારી યુવતી હતી, જ્યારે વિવેક સાથે પ્રેમનો સ્વીકાર કર્યો એણે એ જ દિવસે ઘરે જાણ કરી હતી. વિવેક સાથેની મુલાકાત બાદ એના પિતાએ શરત મુકી હતી, “જો વિવેક સારુ કરિયર બનાવી શકે તો મને આ સંબંધથી વાંધો નથી.”

અભિનયનુ એવુ ભુત એના માથે સવાર થયુ કે એણે બોલિવુડમા પોતાનો પગ જમાવવાનો નિર્ણય કરી લીધો. કોલેજ બાદ તે મુંબઇ શિફ્ટ થઇ ગયો. ઘણી સ્ટ્રગલ બાદ એક-બે સિરિયલ અને ફિલ્મોમા સહાયક અભિનેતા તરીકેના રોલ મળ્યા હતા. થોડી ઘણી જાહેરાતોમા કામ મળ્યુ અને હજી તો મંજીલ ઘણી લાંબી કાપવાની બાકી હતી.

વિવેકના મુંબઇ ગયા બાદ ઇશા સાથે વાતચીત ઘણી ઓછી થતી. ઇશા એની યાદોમા સમય વિતાવતી હતી. જ્યારે તે ૨૨ વરસની થઇ ત્યારથી એના પરિવારે યોગ્ય પાત્ર શોધવાનુ કામ શરૂ કરી દીધુ હતુ, એના પિતા એને સમજાવતા કે વિવેક કરતા પણ સારો છોકરો મળી જશે, એને ભુલી જા, પણ દરેક વખતે ઇશા છોકરામા કોઇ ને કોઇ ખામી કાઢીને ના કહી દેતી. જેથી વિવેકને પામવાની આશા બનેલી રહી.

ઇશા હવે ૨૪ વરસની થઇ ચુકી હતી. એનાથી મોટી બહેન સુરભીને વડોદરા પરણાવી હતી. નાનો ભાઇ જય પણ લવ મેરેજ કરી ચુકયો હતો. ૨૪ વરસ હજુ નાની ઉમર જ કહેવાય, પણ એક દિકરીના માતા પિતાને સતત ચિંતા સતાવ્યા કરતી હોય છે.

એક દિવસ એના પિતા કેશવભાઇ થાકી હારીને બોલ્યા, “તારી સામે હાથ જોડુ છુ, હવે તો પરણીને ઠરીઠામ થઇ જા, ક્યા સુધી એ વિવેકની રાહ જોઇશ.” કેશવભાઇની સાથે એની મમ્મી આરતીબેન પણ રડવા લાગ્યા.

માતા પિતાને રડતા જોઇને ઇશા પણ રડવા લાગી, “મમ્મી પપ્પા તમે રડશો નહી, તમે કહેશો તેમ જ હુ કરીશ.” ઇશાને એ દિવસે ખુબ દુખ થયુ કે એના કારણે મમ્મી પપ્પાને મનની વેદના સહેવી પડી રહી છે. પરિવારના સખત આગ્રહને વશ થઇ તે લગ્ન કરવા તૈયાર થઇ ગઇ.

વિવેક સાથેની વાતથી ઇશા એટલુ જાણી ગઇ હતી કે એના માટે મારા કરતા એનુ ફિલ્મી કરીયર વધારે મહત્વનુ છે. આજે તો તેણે કહી જ દીધુ હતુ એટલે હવે મમ્મી પપ્પાને દુખી કરવા કરતા એ કહે એમ કરવુ જ વધારે ઉચિત રહેશે.

***

કાસ્ટીંગ ડાયરેક્ટર અબ્બાસની મદદથી વિવેકને ફર્સ્ટ ફિલ્મ મળી ગઇ. તેમા વિલનનો રોલ વિવેક પ્લે કરવા વાળો હતો. તેણે અબ્બાસને પહેલી વારમા તો ચોખ્ખી ના જ પાડી હતી, “યાર હુ અહી હિરો બનવા આવ્યો છુ, વિલન થોડી? ઇમેજ કેવી બનશે મારી?” તે ખિજાઇ ગયો હતો.

અબ્બાસે તેને ખુબ સમજાવ્યો, “યાર ક્યા સુધી સપોર્ટિવ રોલ જ પ્લે કરીશ? પહેલી વાર ચાંસ મળ્યો છે, તો ના છોડ. વિલન તો વિલન, પણ લાઇમ લાઇટમા તો આવી જઇશ ને?” વિવેક આખરે માની ગયો.

***

ટોની ફિલ્મનો ડાયરેક્ટર હતો. સુપર સ્ટાર રાહુલ કપુર અને ન્યુકમર એક્ટ્રેસ સંજના ચોપડા હિરો-હિરોઇન હતા. નદી કિનારે શુટીંગનો પ્રથમ દિવસ હતો. ટોની બંનેને સીન સમજાઇ રહ્યો હતો.

“જો રાહુલ અહી તારે ઉભા રહેવાનુ છે અને સંજના દોડતી દોડતી તારી પાસે આવશે અને તારે એને બાહોમા ભરી લેવાની છે, ત્યાર બાદ બે મિનિટનો કિસ સીન ફિલ્માવવાનો છે. બાદમા વિવેક તારે સંજના પર બંદુક ચલાવવાની છે એ મરી જશે, પોલિસ આવીને તને પકડી લેશે અને રાહુલ પછી તારે નદીમા કુદીને આત્મહત્યા કરવાની છે, પછી સ્ટોરી ભુતકાળમા જશે, ઓકે?.” ટોનીએ હસતા હસતા કહ્યુ.

પહેલો સીન પરફેક્ટ રીતે ભજવાઇ ગયો. સંજના દોડીને રાહુલની બાહોમા આવી ગઇ.

બીજો સીન બંનેએ કિસ કરવાનો હતો.

પાંચ વાર રાહુલે સંજનાને કિસ કરી, પણ શોટ ઓકે નહોતો થતો. છઠ્ઠી વાર તો છેક સુધી યોગ્ય રીતે સીન ફિલ્માવાઇ રહ્યો હતો, પણ અંતિમ સમયે રાહુલ પાછળ ખસી ગયો. “અરે યાર હુ અસહજ થઇ રહ્યો છુ.” રાહુલે કહ્યુ.

રાહુલ આ બધુ જાણી જોઇને કરતો હતો જેથી તે સંજના સાથે આનંદ ઉઠાવી શકે. આ વાત વિવેક હવે જાણી ગયો હતો. એને બહુ જ ગુસ્સો આવી રહ્યો હતો, પણ તે ચુપ રહ્યો. શુટીંગ પર અંગત સીન હોવાથી બહુ જ જરૂરી લોકોને ત્યા રાખવામા આવ્યા હતા.

“શુ કરે છે રાહુલ, એક કિસ સીન પ્લે કરવામા આટલી વાર?” ટોનીએ ચિડવાને બદલે પ્રેમથી જ વાત કરી, કારણ સામે સુપર સ્ટાર ઉભો હતો. તેને નારાજ કરવાનો મતલબ કારકીર્દીંનો અંત આણવો.

સંજના ખુબ નર્વસ થઇ ગઇ હતી. સેટ પર હાજર લોકો આનંદ ઉઠાવી રહ્યા હતા. સાતમી વાર ફરી સીન શરૂ થયો. આ વખતે રાહુલે હદ કરી નાખી. સંજનાને કિસ કરતા કરતા તેણે એના ઉભાર ઉપર હળવેથી હાથ ફેરવ્યો અને ઝડપથી હાથ સરકાવી દિધો. સંજના અસહજ થઇને અચાનક પાછળ હટી ગઇ. વિવેક આ જોઇ ગયો હતો.

ટોની ખિજાઇને સંજનાની ઝાટકણી કાઢવા જતો જ હતો, ત્યા ગુસ્સામા વિવેક આગળ આવ્યો અને રાહુલને જોરથી મુક્કો માર્યો, તંબર આવતા રાહુલ જમીન પર ઢળી પડ્યો.

“એ...એ...પાગલ...જાણે છે તે કોના પર હાથ ઉપાડ્યો?” ટોનીએ વિવેકને ટપલી મારી.

“હા ખુબ સારી રીતે, એક વિકૃત માનસિકતા ધરાવતા માણસને જે બિચારી માસુમ છોકરીનો ફાયદો ઉઠાવી રહ્યો હતો.”

સુપરસ્ટાર રાહુલનો ઇગો ઘવાયો હતો. તેણે ગુસ્સામા વિવેકને તમાચો માર્યો. વિવેક એની સાથે લડવા માંગતો હતો, પણ બધાએ એને પકડી લીધો. રાહુલ પગ પછાડતો હોટલ જતો રહ્યો. શુટીંગ એ દિવસનુ કેંસલ કરવામા આવ્યુ હતુ.

સંજના વિવેકથી ખુબ જ ઇમ્પ્રેસ થઇ હતી. એણે વિવેકનો આભાર માન્યો. પહેલી જ નજરમા હેંડસમ વિવેક એની આંખોમા વસી ગયો હતો. એની સાથે વાત કરવાનો મોકો એ ગુમાવવા નહોતી માંગતી. બંનેએ રાતના આઠ વાગ્યા સુધીનો સમય સાથે વિતાવ્યો હતો. મોબાઇલ નંબરની આપલે પણ થઇ ગઇ હતી. બે સ્ટ્રગલર્સ સારા એવા દોસ્ત બની ગયા હતા.

બીજા જ દિવસે રાહુલના કહેવાથી પ્રોડયુસરે વિવેકને ફિલ્મમાથી નીકાળી દિધો. વિવેકની સાથે તેની દોસ્તી જામી ગઈ એ વાત જાણીને તેણે સંજનાને પણ ફિલ્મમાંથી કઢાવી મૂકી. ફિલ્મ સેટ પર હાજર લોકોનુ માનવુ હતુ કે રાહુલ સાથે દુશ્મની કરીને વિવેકની કારકીર્દી હવે ખત્મ.

***

કેશવભાઇએ અમન નામના યુવક સાથે ઇશાના લગ્ન નક્કી કરી દીધા. અમન સ્ટેટ બેંકમા કલાર્ક તરીકે ફરજ બજાવતો હતો, સારી એવી પગાર હતી. તે જ્યારે ૧૬ વરસનો હતો ત્યારે જ તેના પિતાનુ અવસાન થયુ હતુ. ઘરની તમામ જવાબદારી એના પર આવી ગઇ હતી. મા અને વિધવા મોટી બહેન જ તેના પરિવારમા હતા. તેણે જે રીતે સંઘર્ષ કરીને પરિવારને સાચ્વ્યો હતો, એ આખુ પટેલ સમાજ જાણતુ હતુ. કેશવભાઇ પણ અમનથી સારા એવા પ્રભાવિત હતા. સંસ્કારી પરિવાર હતુ અને ત્યા ઇશાના લગ્ન નક્કી કરીને કેશવભાઇ અને આખો પરિવાર ખુબ ખુશ થયો હતો.

વિવેક સાથે સંબંધ તુટવાના કારણે તે મનથી ભાંગી પડી હતી, પણ તે પરિવારને ખુશ કરવા માટે કઇ પણ કરી શકે એમ હતી. આ જ કારણથી તે લગ્ન કરવા તૈયાર થઇ હતી.

અમન અને ઇશાના લગ્ન ધામધુમથી સંપન્ન કરવામા આવ્યા. અમનના મિત્રોએ બેડરૂમ ખુબ સુંદર રીતે સજાવ્યો હતો. ગુલાબ ના ફુલોથી સુસજ્જ પલંગ. આખા રૂમમા સુગંધીત કેન્ડલસ. રૂમમાથી આવતી મીઠી માદક સુગંધ. રૂમ એટલો સુંદર રીતે સજાવ્યો હતો કે પતિ-પત્ની આવા મદહોશીથી ભર્યા વાતાવરણમા એકબીજાની બાહોમા રહેવા તત્પર થઇ જાય.

અમન જ્યારે રૂમમા પ્રવેશ્યો ત્યારે આવુ મનમોહક સુંદર વાતાવરણ જોઇને અભીભુત થઇ ગયો. પહેલી જ નજરમા ઇશા તેની આંખોમા વસી ગઇ હતી. આજે સુહાગરાતનો સમય, અમનની આંખોએ છેલ્લા અઠવાડિયાથી ઇશા માટે હજારો સપના જોયા હતા. આજે સુહાગરાતમા પોતાની પ્રિયતમ ઇશાના આલિંગનમા તેનુ સાનિધ્ય માણવાની, પ્રેમ પામવાની તેની ઇચ્છા હતી.

અમન ઇશાની નજીક બેસ્યો. કેંડલના આછા પ્રકાશમા તે ઇશાની સુંદરતાને નિહાળવા માંગતો હતો. તેણે ઇશાની આંખોમા જોયુ અને અવાચક થઇ ગયો. ઇશાની આંખોમા આંસુ હતા. મનોમન તે વિચારી રહ્યો, “લગ્નના પહેલા દિવસે તો પતિ-પત્નીના મનમા કેટલી ખુશી હોય છે, કેટલા સપનાઓ એકબીજા માટે, એકબીજાનો સાથ અને પ્રેમ પામવાની એ તલપ....એ કામના....શુ આ બધુ ઇશાના મનમા મારા માટે નહી હોય?”

થોડી વાર બાદ ફરી અમનને વિચાર આવ્યો, “કદાચ હોઇ શકે કે એને મમ્મી પપ્પાથી અલગ થવાની પીડા હોય.”

અમને ઇશાના ગાલ પર રહેલા આંસુ લુછીને તેનો હાથ પકડ્યો, પણ ઇશાએ હાથ પાછો લઇ લીધો. અમનને થોડી નવાઇ લાગી અને તેને જોતો રહ્યો.

“હુ આજે એકલી રહેવા માંગુ છુ, પ્લીઝ.” ઇશાએ કહ્યુ.

આ સાંભળી અમનને ખુબ દુખ થયુ. આ દિવસ માટે તો એણે કેટલાય સપનાઓ સેવ્યા હતા. માત્ર થોડા જ સમયમા એ સપનાઓથી બનેલી દુનિયા હકીકતમા વિખેરાઇ ગઇ. અમન પડખું ફેરવીને સુઈ ગયો. ઇશા પણ સુતી રહીને વિવેક સાથેના પ્રેમભર્યા એ દિવસોને યાદ કરતી કરતી આંસુઓ સારતી રહી. તે એની જગ્યાએ સાચી હતી, વિવેકથી દુર થવાના દુખને ભુલી ના શકી, એ હજુ એના જ પ્રેમમા હતી. બસ પરિવારના કહેવાના કારણે એણે અમન સાથે લગ્ન કરી લીધા, પણ એ ના વિચાર્યુ કે આ બધામા અમનનો શુ વાંક?

***

ક્રમશ:

રોહિત સુથાર “પ્રેમ”