સૌરાષ્ટ્રનું પાણીપત: ભૂચર મોરી
આજના જામનગર જિલ્લામાં ધ્રોલ નગરેથી આશરે બેએક કિલોમીટર અંતરે આવેલી ભૂચર મોરીની ધરા પર સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી ભયંકર યુદ્ધ ખેલાયેલું જેને ઇતિહાસકારોએ ‘સૌરાષ્ટ્રના પાણીપત’ની ઉપમા આપી છે. ગુજરાતના સુલ્તાન મુઝફ્ફર શાહ ત્રીજાને રક્ષણ પૂરું પાડવા થયેલ આ યુદ્ધ નવાનગર (જામનગર) રજવાડાના રાજવી જામ સતાજીની આગેવાની હેઠળ કાઠિયાવાડના સૈન્ય અને મુઘલ બાદશાહ અકબરના સૈન્ય વચ્ચે થયેલું જેમાં ભારે નરસંહાર થયો હતો.
મુઘલ બાદશાહ અકબરે ઇ.સ. 1573 માં ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝફ્ફર શાહ ત્રીજાને હરાવ્યો. તેને આગ્રાના કેદખાનામાં પુરવામાં આવ્યો. મોકો મળતા ઇ.સ. 1583 માં મુઝફ્ફર શાહ આગ્રાના કેદખાનામાંથી ભાગી છૂટ્યા અને ગુજરાત પરત ફર્યા. થોડો સમય રાજપીપળામાં વીતાવ્યા બાદ સોરઠમાં સરધાર જિલ્લાના ખીરી ગામમાં લોમા ખુમાણને મળ્યા. તેના ત્રણ કે ચાર હજાર કાઠી યોદ્ધાની મદદ મળતાં મુઝફ્ફર શાહે તેમની સાથે અમદાવાદ પર ચડાઈ કરી. ત્યારે અમદાવાદના સૂબા તરીકે તાજેતરમાં જ શાહબુદ્દીનની જગ્યાએ ઇતિમાદ ખાનની નિમણુંક થયેલી હતી. મુઝફ્ફર ખાન ચડાઈ કરવા આવે છે એ વાતની જાણ ઇતિમાદ ખાનને થતા શાહબુદ્દીનની મદદ લેવા નજીકના કડી ગામે ગયો. એ સમય દરમિયાન નબળા સૈન્યબળનો લાભ લઈ મુઝફ્ફર શાહે અમદાવાદ પર આક્રમણ કર્યું અને જીતી ગયો. ત્યારબાદ બરોડા અને ભરૂચ કપટ કરી પડાવી લીધા જેમાં ખંભાતના જાગીરદારે તેમને મદદ કરેલી. આ વાતની જાણ બાદશાહ અકબરને થતા તેમણે મિર્ઝા અબ્દુલ રહીમ ખાનને મોટી સૈન્ય ફોજ સાથે ગુજરાત રવાના કર્યો. મુઝફ્ફરને આ વાતના સમાચાર મળતા તે અમદાવાદ પાછો ફર્યા। તેની સૈન્ય અને મિર્ઝા અબ્દુલ રહીમ ખાનના સૈન્ય વચ્ચે સરખેજ પાસે તુમુલ યુદ્ધ થયું જેમાં મિર્ઝા અબ્દુલ રહીમ ખાન જીતી ગયો. બાદમાં તેની યાદમાં ત્યાં ફતેહવાડી બાંધવામાં આવી જે આજે પણ છે.
હારી ગયેલા મુઝફ્ફર શાહે ઘણા સ્થળે આશરો મેળવી સત્તા સ્થાપવવા પ્રયત્ન કર્યા પણ અંતે સફળતા ન મળતાં તેમણે કાઠિયાવાડ પરત ફરવું પડ્યું. મુઝફ્ફર શાહને નવાનગરના રાજા જામ સતાજીએ બરડાના ડુંગરોમાં આશરો આપ્યો. ઇ.સ. 1588 માં બાદશાહ અકબરે મિર્ઝા અબ્દુલ રહીમ ખાનની બદલીમાં મુઝફ્ફર શાહને પકડવા પોતાના સાવકા ભાઈ મિર્ઝા અઝીઝ કોકાને માળવાથી ગુજરાત મોકલ્યો.
ધ્રોલમાં એક ભૂચર નામનો માલધારી રહેતો હતો. તેનું ધણ જે ધરા પર બેસતું એ ધરા ભૂચર મોરીના નામે ઓળખાઈ. ધરતી પર કેટલીક આફતો આવવાની હોય ત્યારે કુદરતી રીતે તેની આગાહીઓ મળતી હોય છે. યુદ્ધ અગાઉ મળેલી આવી કુદરતી આગાહીઓની રસપ્રદ વાત ‘યદુવંશ પ્રકાશ’ની અગિયારમી કળામાં આપેલા ચારણી ગીતમાં આ રીતે નોંધવામાં આવી છે:
રાત્રે આ ધરા પર વિચિત્ર પક્ષીઓ આવીને ભયંકર અને બિહામણા અવાજ કરવા લાગ્યા. એ વાત ગોવાળીયાએ જઈને ભૂચરને કરી. તેને શંકા પડતા, ત્યાં જઈ રાત રોકાયો. છ ઘડી રાત જતા વિચિત્ર મોઢાવાળા, વિકરાળ રૂપ નખ અને દાંતવાળા પક્ષી બિહામણા અવાજ કરતા. આ વાત જઈને ભૂચર મોરીએ નવાનાગરના જેસા વજીરને કરી. તેમણે પંડિતોને બોલાવ્યા, તેમણે તારણ કાઢ્યું કે અહીં રામાયણ- મહાભારત જેવું ભયંકર યુદ્ધ થશે.
આ આગાહીનો ભેદ જાણવા પક્ષીની ભાષા સમજી શકે તેવા સિધ્યને ભૂચર મોરીની ધરતી પર મોકલ્યા. તેમના કહેવા પ્રમાણે, શ્રાવણ મહિનાના વદ આઠમના દિવસે બાદશાહ અને જામ સતાજી વચ્ચે યુદ્ધ થશે. મોટો નરસંહાર થશે, માંસના ઢગલા થશે, લોહીની નદીઓ વહેશે. કુંવર અજાજી લાડીને પરણીને યુદ્ધના રણ મેદાનમાં સુઈ જશે. ઘણા વીર પુરુષોના ધડ માથાથી અલગ થશે. બહુ મોટો વિનાશ થશે. અને જામ સાહેબના હાથમાં રણક્ષેત્ર રહેશે. હિન્દૂ મુસલમાનો વચ્ચેનું ઐતિહાસિક યુદ્ધ હશે.
મિર્ઝા અઝીઝ કોકાએ તેના સૈન્ય સાથે વિરમગામ પડાવ નાખ્યો અને તેના સરદાર નૌરંગ ખાન મોકલ્યો જેણે છેક મોરબી સુધી આવી જામ સતાજીને મુઝફ્ફર શાહને સોંપવા કહેણ મોકલાવ્યું. પણ જામ સતાજીએ ચોખ્ખી ના પાડી દીધી ને કહ્યું, “બાદશાહ અમારી શરણે આવેલા છે અને શરણે આવેલનું રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે. આથી અમે તમને નહીં સોંપીએ.” આ જાણ્યા પછી અકબરે આગ્રાથી બીજું સૈન્ય મોકલ્યું. મિર્ઝા અઝીઝ કોકા આશરે નવ હજાર સૈનિકો લઈને નવાનગર તરફ આગળ વધ્યો અને નૌરંગ ખાનને મળ્યો. જામ સતાજી નવાનગરને લૂંટફાટ અને લડાઈના પરિણામથી બચાવી શકે એટલા માટે ધ્રોલની સરહદ સુધી પોતાના સૈન્યને લઈ આવી પહોંચ્યા.
મુઘલ સૈન્યમાં રોમન, આરબ, રશિયન, તુર્કી, હબસી, ફિરકાની, મરકાની, મુકરાની, સિંધી, કંદહાર, કાબુલ, ખોરાસન, અને ઈરાનના સૈનિકોનો સમાવેશ થતો હતો. જામ સતાજીએ મુઘલોને હેરાન કરવા તેમને મળતી ચીજવસ્તુઓનો પુરવઠો અટકાવ્યો. આ ઉપરાંત તેમના ઘોડા, હાથી લૂંટી લીધા. બીજી તરફ, કાઠિયાવાડના સૈન્યમાં સત્તરથી એકવીસ હજાર સૈનિકો હતા. તેમાં હાપા, કાના, બાળાચ, જીયા, કબર, દલ, મોડ, રાવ વગેરે જાડેજાઓના જૂથ, સોઢાઓ, આહિરો, તુંબેલ, ચારણો, ઘૂંધણ, ધમણ, સુમરા ને સંધી, રાજગોર અને બારોટનો સમાવેશ થતો હતો. કુંવર જસાજી, ભાણજી દલ, હાલા મહેરામણ, તોગાજી સોઢા, જેસો વજીર, ડાયો વજીર, નાગજી વજીર વગેરે સરદારો હતા. જામ સતાજી સાથે જૂનાગઢના નવાબ દૌલત ખાન ઘોરીના પંદર હજાર સૈનિકો, જૂનાગઢના જાગીરદાર રા’ખેંગાર, ખેરડી અને કુંડલાના લોમા ખુમાણ દશ હજાર કાઠી સૈનિકો, કચ્છના રાવ ભારમલજી પહેલાના પાંચ હજાર સૈનિકો, ઓખાના સાંગણજી વાઢેર અને મૂળીના વાસાજી પરમાર, ભદ્રેસરના મહેરામણ અજાણી પોતાના ચૌદ દીકરા સાથે જોડાયા. દ્વારકાથી હિંગળાજદેવી યાત્રાએ જતા પંદરસો જેટલા નાગા બાવાઓ પણ તેમની સાથે જોડાયા, આ સૈન્ય પાસે મોટી સંખ્યામાં તોપ, ઊંટ, ઘોડેસવાર, અને ચોર્યાસી હાથી હતા.
મુઘલ સૈનિકો ભૂચર મોરી પહોંચ્યા ત્યારે જામ સતાજીએ સૌથી પહેલાં કચ્છના સૈન્ય દ્વારા હુમલો કરાવ્યો. વરસાદને કારણે બે દિવસ યુદ્ધ પાછું ઠેલાયું. ત્યાર પછી મોટા યુદ્ધને બદલે નાની નાની લડાઈઓ લડાઈ, જેમાં જામ સતાજી જીતી જતા. આવું ત્રણ મહિના સુધી ચાલ્યા કર્યું. મુઘલોને મળતો માલ પુરવઠો અટકી પડતા છેલ્લે કંટાળીને મિર્ઝા અઝીઝ કોકાએ હળવદના જાગીરદાર ચંદ્રસિંહ જોડે શાંતિમંત્રણા ચલાવી જેમાં જો મંત્રણા સફળ રહે તો જામ સતાજીને બે લાખ આપવા ને ચંદ્રસિંહને ખાનગીમાં એક લાખ આપવાનું નક્કી કર્યું.
કુંડલાના કાઠી લોમા ખુમાણ અને જૂનાગઢના દૌલત ખાને થોડા વર્ષો પહેલાં મિર્ઝા અઝીઝ કોકા સાથે થયેલા યુદ્ધ દરમિયાન મુઘલ સૈન્યમાં લૂંટ ચલાવેલી ત્યારે મદદે આવેલ જામ સતાજીના જસા વજીરનું એક હાથી લઈ જવું તેમને પસંદ આવ્યું ન હતું. બીજી તરફ શાંતિ મંત્રણા થાય તો એમના પોતાના રાજ્ય પણ જોખમમાં મુકાય એમ વિચારી લોમા ખુમાણ અને દૌલત ખાને જામ સતાજી જોડે દગો કર્યો અને મિર્ઝા અઝીઝ કોકા જોડે ખાનગીમાં સુલેહ કરી. મિર્ઝા અઝીઝ કોકાએ ફરી યુદ્ધની ઘોષણા કરી.
જ્યારે ફરી યુદ્ધ શરૂ થયું ત્યારે લોમા ખુમાણની અને દૌલત ખાનની દગાખોરી વિશે ખબર પડતા, જામ સતાજીના મંત્રી જસા વજીરે પરિવાર અને રાજ્યની સલામતી માટે જામ સતાજીને નવાનગર જતા રહેવા માટે કહ્યું. જસા વજીરની વાત સાચી લાગતા, જામ સતાજી હાથી પરથી ઉતરી, થોડા સાથીદારોની સાથે મુઘલ સૈન્યથી બચતા બચતા ઘોડા પર બેસી નવાનગર જવા નીકળ્યા. જસા વજીર અને તેમના દીકરાએ સાંજ સુધી યુદ્ધ ચાલુ રાખ્યું. અને જામ સતાજીના પરિવારને હાનિ ના પહોંચે એની માટે સલામત રીતે દરિયાઈ માર્ગે ભગાડી દીધા. યુદ્ધ ત્રણ પ્રહર સુધી એટલે કે લગભગ નવ કલાક સુધી ચાલ્યું ત્યારે યુદ્ધ ભૂમિ પર આશરે ત્રીસ હજાર જેટલા સૈનિકો હતા અને ભારે ખુવારી થઈ.
એ દિવસે જામ સતાજીના કુંવર અજાજી ત્રીજાના લગ્ન હતા. લગ્ન મંડપેથી તેઓ સીધા પાંચસો રાજપૂત જાનૈયાઓ સાથે યુદ્ધમાં જોડાઈ ગયા. કુંવર અજાજીના અણધાર્યા આવવાથી જામ સતાજીના સૈન્યમાં નવો જોમ આવ્યો.
ઘોડા પર સવાર કુંવર અજાજીએ મુઘલ સૈન્યમાં ઘુસી જઈ હાથી પર સવાર મિર્ઝા અઝીઝ કોકા પર ભાલાથી હુમલો કર્યો પણ ભાલો નિશાન ચુકી ગયો. આથી મુઘલ સૈનિકોએ કુંવર અજાજી પર હુમલો કર્યો ને એ હુમલામાં કુંવર અજાજી વીરગતિ પામ્યા. કાઠિયાવાડના સૈન્યના જસા વજીર, મેહરામણજી, ડુંગરાણી, ભાણજી દલ, ડાયો વજીર, નાગજી વજીર અને તોગાજી સોઢા પણ માર્યા ગયા. આ ઉપરાંત કાઠિયાવાડના બે હજાર જેટલા સૈનિકો મૃત્યુ પામ્યા. મુઘલ સૈન્યમાં મોહમ્મદ રફી, સૈયદ સૈફુદીન, સૈયદ કબીર, સૈયદ અલીખાન પણ શહીદ થયા. માન્યતા પ્રમાણે લગભગ બન્ને પક્ષે મળીને દશ હજાર સૈનિકો માર્યા ગયા. આ સિવાય એક હજાર નાગા બાવા પણ મૃત્યુ પામ્યા. જામ સતાજીના દીકરા અજાજી ઉપરાંત ભત્રીજા અને જમાઈ સહિત સડસઠ પરિવારજનો પણ યુદ્ધમાં મૃત્યુ પામ્યા. ભદ્રેસરના મહેરામણજીના ચૌદ પુત્રોએ જીવ ગુમાવ્યો. નવાનગરના સાતસો ઘોડા ઘાયલ થયા.
મુઘલ સૈન્ય નવાનગર તરફ આગળ વધ્યું, જામ સતાજીએ પહેલાથી રાણીઓને કહેણ મોકલેલું કે બંદર માર્ગે ભાગી છૂટવું. સાચણાના ઇસરદાસજી બારહટના દીકરા ગોપાલ બારહટ મૃત્યુ પામેલ કુંવર અજાજીની પાઘડી લઈ નવોઢા સુરજકુંવરબા પાસે પહોંચ્યા. તરત સુરજકુંવરબા ત્યાંથી યુદ્ધ ભૂમિએ જવા નીકળી ગયા. રસ્તામાં મુઘલ સૈન્યઓ એ તેમની પર હુમલો કર્યો પણ એ વખતે ધ્રોલના ઠાકુર સાહેબ, જેમણે જામ સતાજી જોડે અંગત મનદુઃખને કારણે યુદ્ધમાં ભાગ લીધો નહતો, તેમ છતાં પણ સુરજકુંવરબાની રક્ષા કરી મુઘલ સૈન્યથી બચાવ્યા. રણભૂમિ પર કુંવર અજાજીના પાર્થિવ દેહના મસ્તકને ખોળામાં લઈ સુરજકુંવરબા ચિતાએ ચઢ્યા અને સતી થયા.
મિર્ઝા અઝીઝ કોકા નવાનગર પહોંચ્યા અને લૂંટ ચલાવી. જામ સતાજી, મુઝફ્ફર શાહ અને યુદ્ધમાં ઘાયલ થયેલા દૌલત ખાન ભાગી જૂનાગઢ પહોંચ્યા જ્યાં દૌલત ખાનનું મૃત્યુ થયું. નૌરંગ ખાનની આગેવાની હેઠળ મુઘલ સૈન્ય જૂનાગઢ તરફ આગળ વધ્યું, ઘેરો ઘાલ્યો પણ જૂનાગઢે શરણાગત કરી નહીં. મિર્ઝા અઝીઝ કોકાના આવ્યા બાદ પણ કોઈ ફરક પડ્યો નહીં. મુઘલ સૈન્ય લાંબા સમયથી યુદ્ધ લડતું હોવાના કારણે થાકેલું હતું અને અનાજની તંગી હતી એટલે અમદાવાદ પરત ફર્યુ. સાત આઠ મહિના પછી ઇ.સ. 1592 માં મિર્ઝા અઝીઝ કોકાએ કાઠિયાવાડમાં નવા સૈન્ય સાથે હુમલો કર્યો અને જૂનાગઢનો ફરી ઘેરો ઘાલ્યો. ભાગતા ફરતા જામે નવાનગર પાછું સોંપે તો મુઘલ સૈન્યને મદદ કરવાની રજુઆત કરી જે મિર્ઝા અઝીઝ કોકાએ સ્વીકારી લીધી. જામ નવાનગર પરત ફર્યા અને મુઘલ સૈન્યને અનાજની મદદ કરી. ઘેરાના ત્રણ મહિના પછી જૂનાગઢે શરણાગત સ્વીકારી લીધી. મુઝફ્ફર શાહ ત્યાં સુધીમાં બરડાના ડુંગરોમાં ભાગી ગયો હતો. મુઘલ સૈન્ય જૂનાગઢમાં સૂબા નીમી અમદાવાદ પરત ફર્યું. એ ઉપરાંત પ્રભાસ પાટણ, દ્વારકા અને બેટ દ્વારકા પણ મુઘલોએ કબ્જે કર્યા.
મુઝફ્ફર શાહ બરડાના ડુંગરોમાંથી ભાગી જઈ દ્વારકા-ઓખામાં થોડો સમય રોકાયા. મિર્ઝા અઝીઝ કોકાએ તેમના દીકરાને મુઝફ્ફર શાહને ત્યાં પકડવા મોકલ્યા. ઓખાના વાઢેરોની મદદથી મુઘલોથી બચી મુઝફ્ફર શાહ વસ્તા બંદરથી દરિયામાર્ગે અખાત ઓળંગી કચ્છ પહોંચ્યા અને ત્યાંના રાવ ભારમલજી પાસે આશરો માંગ્યો બીજી બાજુ આ જાણી મુઘલ સૈન્ય મોરબી ઓળંગી કચ્છની સરહદે પહોંચ્યું. ભારમલજી જૂનાગઢ અને નવાનગરની શું દશા થઈ એ જાણતા હતા એટલે તેમણે મુઝફ્ફર શાહને પકડી મુઘલ સૈન્યને સોંપી દેવામાં શાણપણ માન્યું. તેમણે મિર્ઝા અઝીઝ કોકાને સંદેશો મોકલ્યો કે તેઓ મુઝફ્ફર શાહને સોંપી દેશે જો મુઘલ સૈન્ય કચ્છમાં પ્રવેશ ન કરે અને તેમને મોરબી આપવામાં આવે. કોકાએ સંધિ સ્વીકારતા તેમણે મુઝફ્ફર શાહને પકડી મુઘલ સૈન્યને સોંપ્યો. મુઝફ્ફર શાહને જ્યારે મોરબીની મુઘલ છાવણી તરફ લઈ જવામાં આવતો હતા ત્યારે આખી રાતની ઘોડેસવારી બાદ, ઘોડેથી નીચે ઉતરી અને કોઈક બહાનું કાઢી ઝાડ પાછળ જઈ છરા વડે પોતાનું ગળું કાપી આત્મહત્યા કરી લીધી. તે દિવસ 24 ડિસેમ્બર ઇ.સ. 1592 હતો. મુઝફ્ફર શાહના મૃત્યુ સાથે અંદાજે પોણી બે સદીથી ગુજરાત પર રાજ કરતા મુઝફ્ફરીદ વંશનો અંત આવ્યો. મિર્ઝા અઝીઝ કોકાએ મુઝફ્ફર શાહનું માથું અકબરના દરબારમાં મોકલી આપ્યું. અકબરે મુઝફ્ફર શાહને પકડવામાં મદદ કરવા બદલ સંધિ મુજબ કચ્છના રાવ ભારમલજીને મોરબી ભેટમાં આપ્યું.
ઇ.સ. 1593માં જામ સતાજી નવાનગર પાછા ફર્યા હતા પરંતુ રાજ્યશાસન મુઘલ અધિકારી દ્વારા એમની સંમતિથી ચલાવવામાં આવતું. જામ સતાજીના પુત્ર જસાજીને થોડો સમય દિલ્હીમાં રાખવામાં આવ્યા હતા.
નવાનગર રજવાડાના કાર્યાલયના અહેવાલ પ્રમાણે યુદ્ધ બુધવારના દિવસે પૂરું થયું એ દિવસે વિક્રમ સંવત 1648 (જુલાઈ, ઇ.સ. 1591)ના શીતળા સાતમ (શ્રાવણ વદ સાતમ)નો દિવસ હતો. આ ઉપરાંત આ દિવસની નોંધ ગંભીરસિંહના દુહામાં પણ છે, “સંવત સોળ અડતાલીસે, સાવણ માસ ઉદાર, જામ અજો સુરપુર ગયો, વદ સાતમ બુધવાર.” મુઘલ દસ્તાવેજો મુજબ આ તારીખ ઇ.સ. 1591ની 14થી 18 જુલાઈ વચ્ચે ગણવામાં આવેલી છે.
આ યુદ્ધ પરથી ઘણી લોકકથા, ગીતો, કાલ્પનિક ઐતિહાસિક વાર્તાઓ લખાઈ. હાલારમાં આ ઘટનાને લીધે ભૂચર મોરી હત્યાકાંડનો સમાનાર્થી શબ્દ ગણાવવા લાગ્યો. ભૂચર મોરીના આ ઐતિહાસિક સ્થળે કુંવર અજાજીનો પાળિયો ઘોડાના મૂર્તિના સ્વરૂપે છે. તેની દક્ષિણે સુરજકુંવરબાનો પાળિયો છે જેમાં હાથ કંડારેલો છે અને તેના પરનો શિલાલેખ હવે વાંચી શકાય એમ નથી. નજીકની તકતી પરથી એ જાણવામાં આવે છે કે આ સ્થળનું જામ વિભાજીએ પુનઃ નિર્માણ કરાવેલું અને અજાજીના પાળિયા પર દેરી બંધાવેલી. આ દેરીની ઉત્તર દીવાલે સોળમી સદીના પરંપરાગત શૈલી પ્રમાણે, ઘોડા પર બેઠેલા અજાજી હાથી પર બેઠેલા મિર્ઝા અઝીઝ કોકાને ભાલા વડે હુમલો કરતા હોય તેવું દ્રશ્ય દોરવામાં આવેલું છે. દેરીની ઉત્તરે આઠ પાળિયા આવેલા છે જેમાં એક જસા વજીરનો પાળિયો છે. દેરીની દક્ષિણે છ પાળિયા આવેલા છે જેમાંના ત્રણ ખંડિત છે. આ પ્રાંગણમાં કુલ ત્રેવીસ પાળિયા છે જ્યારે બીજા આઠ પાળિયા પ્રાંગણની બહાર છે જે પૈકી એક રખેહર ઢોલીની યાદમાં ઉભો કરેલ છે. દેરીના નૈઋત્ય ખૂણામાં આઠ કબરો છે. એવું મનાય છે કે મૃત્યુ પામેલ મુઘલ સૈનિકોને સામુહિક દફનાવી તેમના આઠ સરદારોની આઠ કબર તેની ઉપર બાંધવામાં આવેલી છે, જેની ફરતે કાંટાળી વાડ છે. અહીં એક કૂવો છે અને તેની બાજુમાં મસ્જિદ છે.
શીતળા સાતમના દિવસે કુંવર અજાજીનું મૃત્યુ થયું હોવાથી નવાનગરના અને હાલારના લોકોએ શીતળા સાતમનો તહેવાર ઉજવવાનો બંધ કરી દીધો હતો પણ અઢીસો વર્ષ બાદ જામ રણમલજીના દીકરા બાપુભાનો જન્મ એ દિવસે થયો ત્યારથી ફરી ઉજવણીની શરૂઆત કરવામાં આવી. આમ પ્રજાજનોએ લગભગ અઢીસો વર્ષ સુધી કુંવર અજાજીના મૃત્યુનો શોક પાળ્યો.
ગુજરાત સરકાર આ સ્થળને સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને વનોત્સવ ઉજવી શહીદોની યાદમાં ‘શહીદ વન’ બનાવવામાં આવ્યું છે. આ સ્મારકનું પુન:નિર્માણ ઇ.સ. 2007માં શરૂ થયું અને ઇ.સ. 2015ના સપ્ટેમ્બર મહિનામાં પૂર્ણ થયું. ઇ.સ. 2016ના ઓગસ્ટ માસમાં આ નવનિર્મિત સ્મારક જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું. આ યુદ્ધને ચારસો વર્ષ પુરા થયે ઇ.સ. 1992થી શીતળા સાતમના દિવસે ત્યાં મેળો ભરવાની શરૂઆત થઈ જેમાં ક્ષત્રિય જાતિના હજારો લોકો ભાગ લે છે. શૂરવીરો ખાંડાના અને તલવારના ખેલ ત્યાં પ્રદર્શિત કરે છે. ખુદ જામ સાહેબ પણ આ મેળામાં પહેલા હાજરી આપતા હતા. દર વર્ષે જામનગરના લોકો સિંદૂર ચડાવવા આવે છે. ત્યાં કસુંબો કરી ડાયરાને પાઈ પાળિયાને ચોખાનું નૈવેધ કરી અજાજી અને સુરજકુંવરબાના પાળિયાનું પૂજન કરે છે.
બાદશાહ અકબરના દરબારના કવિ દુરસા અઢાએ ‘કુમાર શ્રી અજાજીની ભૂચર મોરીની ગજગત’ શીર્ષક હેઠળ આ ઐતિહાસિક યુદ્ધ પર પ્રેમ અને પરાક્રમનું કાવ્ય લખ્યું હતું. નવાનગરના કવિ વ્રજમાલજી મહેન્દુએ ‘વિભાવિલાસ ‘ (ઇ.સ. 1893) અને માવદાનજી રત્નુએ ‘યદુવંશ પ્રકાશ’ (ઇ.સ. 1934)ની રચના કરી હતી. ગુજરાતી લેખક હરિલાલ ઉપાધ્યાયે ‘રણમેદાન’ (ઇ.સ. 1993) નામે નવલકથા લખી અને તેમના સુચનથી જ ભૂચર મોરીએ સાતમના મેળાની શરૂઆત થયેલી.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ભૂચર મોરીના મેદાનની મુલાકાત લીધા બાદ આ યુધ્ધ પરથી ‘સમરાંગણ’ (1938) નામની નવલકથાની રચના કરી હતી. તેમણે નોંધ્યું હતું, “આ કેવળ સંહારભૂમિ નથી, ભૂચર મોરીનું એ પ્રેતસ્થાન માનવતાના સદ-અસદ, આવેશોની લીલાભૂમિ છે. ‘સમરાંગણ’ એક જ મહિનામાં ચાલુ કામ સાથે પૂરી કરેલી. જેવી હો તેવી, મને તો મારા અંતરની અંદર સંઘરાયેલી કવિતા જેવી હતી...”
શરણે આવેલનું રક્ષણ કરવાના ક્ષાત્રધર્મને ઉજાગર કરતી ભૂચર મોરીની ધરતી પર ખેલાયેલાં આ યુદ્ધની કથા માત્ર સૌરાષ્ટ્રના જ નહિ પણ ગુજરાતના ઇતિહાસમાં ક્ષત્રિયોના શૌર્યની અમર ગાથા છે.
-----