Sada saat minute in Gujarati Short Stories by Anya Palanpuri books and stories PDF | સાડા સાત મિનિટ

Featured Books
Categories
Share

સાડા સાત મિનિટ

સાડા સાત મિનિટ

રાતનો સમય હતો, લગભગ સવાઆઠ-સાડાઆઠ થયા હતાં. અમદાવાદ શહેરનો મણીનગર વિસ્તાર, અર્પિતા ફ્લેટ્સ અને ચોથો માળ. પ્રણય તેની વાઈફ તથા ભાઈ-ભાભી અને તેમના નાની બાળકી કવિતા સાથે ત્યાં રહેતો હતો. પ્રણયને લગ્ન કરે હજુ સાત મહિના થયા હતા. કવિ પાંચ મહિનાની થઇ હતી. પ્રણયના ભાઈ ચાંગોદરની ઇન્ટાસ કંપનીમાં જોબ કરતા હતા અને પ્રણય એક પ્રાઈવેટ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે.

“અલલ...આવી જા. અહી આવીજા કવિ...” પ્રણયે કહ્યું. પ્રણય તેના બેડરૂમનાં ફરસ પર પાથરેલાં ગાદલાં પર બેઠો હતો. તેની બાજુમાં તેની પત્ની કંઇક ગુજરાતી સાહિત્ય વાંચી રહી હતી.. કવિને તેની મમ્મી ધીમે-ધીમે ચાલતા શીખવતી હતી. કવિ પોતાના નાના પગ વડે મોટા-મોટા ડગલાં ભરી પ્રણયના રૂમમાં પ્રવેશી. તેની નાની-નાની આંખો અને ગોળમટોળ નાક તેના ચહેરાને વધુ આકર્ષક બનાવતા હતા.

“એ...આવી ગઈ...” પ્રણય કવિને ભાભીના હાથમાંથી પોતાના હાથમાં લેતા બોલ્યો અને પોતાના ખોળામાં બેસાડી.

પ્રણયની પત્નીએ સાહિત્ય બાજુ પર મુક્યું અને કવિને રમાડવાનું ચાલુ કર્યું.

“કવિ...કવિ...તું મારી પાસે આવી જા” પ્રણયની પત્નીએ બે હાથ આગળ કરી લોભામણા અવાજમાં કહ્યું. કવિનું ફરીથી મન લલચાયું અને તેને મોટા-મોટા ડગલાં ભરી તે તરફ ચાલવાનું શરૂ કર્યું.

“ધબાક...”તેની કાકીએ તેને જીલી અને તેની આગળ ગાદલાં પર બેસાડી. કવિની મમ્મી પણ હવે ત્યાં જ વાતો કરવા બેસી ગઈ.

“કવિ..તારા પપ્પા ક્યા છે?” કવિની મમ્મીએ પૂછ્યું. કવિ આજુબાજુ જોવા લાગી અને તેના પપ્પા ન દેખાતા રોવા લાગી.

“અલે.. ના… ના.પપ્પા હમણાં જ આવતા હશે. બેટા...” કવિની મમ્મીએ તેને ડાબા ગાલ પર પપ્પી આપતા કહ્યું અને પ્રણયની પત્નીએ બાજુમાં મુકેલું સાહિત્ય ઉપાડ્યું. પ્રણય તેના મોબાઈલમાં “ટપ” થઈને આવી પડેલા મેસેજોને ફેદવા લાગ્યો.

“અરે આવું તો કાઈ હોતું હશે?” કવિની મમ્મી સાહિત્યમાં જોઇને બબડી.

“શું છે?” એમ કહી પ્રણયની પત્ની તે જોવા ભાભી તરફ નમી. કવિ આ જોઈ થોડી ઊંચી થવા લાગી, તેને ચોપડી હાથમાં પકડવી હતી. અચાનક જ તેણે તેનું સંતુલન ગુમાવ્યું અને “ધડામ” લઈને તેનું માથું ગાદલા સાથે અથડાયું.

બધાજ ચોંકી ઉઠ્યા. પ્રણયે તેનો મોબાઈલ સાઈડમાં મુક્યો. કવિ રોઈ નહોતી. કવિની મમ્મીએ સાહિત્ય સાઈડમાં મુકયું અને કવિને ખોળામાં લીધી.

“હાશ...સારૂ છે કે રોઈ નહિ...નહીતર આટલી વાર તો ભેંકડો તાણ્યો હોત” કવિની મમ્મી બોલી અને પાછળ હાથ ઘસવા લાગી.

“તને કંઈ ભાન પડે છે? નાની છોકરી હાથમાં છે ને તું ડાફેરા મારે છે” પ્રણય તેની પત્નીને વઢવાં લાગ્યો.

“અરે પણ હું તો ખાલી આ બાજુ જોવા ગઈ અને એટલામાં તો..” પ્રણયની પત્ની બોલાતી હતી અને કવિની મમ્મીએ અટકાવી “કાઈ વાંધો નહિ...આ ગાદલું હતું એટલે વાગ્યું નથી તે સારૂ છે” તેમણે કવિને પાછળ હાથ ઘસતાં-ઘસતા આગળ લાવી.

“કવિ… કવિ...” કહીને તેની મમ્મી બુમો પાડવા લાગી. પ્રણયે અને તેની પત્નીએ તે તરફ જોયું. કવિની આંખો ચકરાવો લેતી હતી અને તેણે તેની ડોક છોડી દીધી હતી. તેની ડોક આમતેમ ઝોલા ખાતી હતી. આ બધું અચાનક જ બન્યું હતું. ઘરમાં અચાનક જ અશાંતિ અને ક્ષોભનું વાતાવરણ સર્જાવા લાગ્યું.

“કવિ… કવિ...શું થયું બેટા. ઉઠ...” કવિની મમ્મી અને કાકી બુમો પાડવા લાગ્યાં.પ્રણયને તો કાઈ સુઝતું જ નહોતું કે આવી પરિસ્થિતિમાં શું કરવું ને શું ન કરવું. તે ઉભો થઇ આમતેમ આંટા મારવા લાગ્યો.

“પાણી લાવો...પ્રણયભાઈ પાણી...” કવિની મમ્મી બોલી અને પ્રણય તરત જ રસોડા તરફ દોડ્યો અને ગ્લાસભરી પાણી લઇ આવ્યો. પ્રણયની મમ્મીના આંખમાંથી આંસુ સરવાના ચાલુ થયાં. પ્રણયની પત્નીએ હળવેકથી તેના ગાલ પર “કવિ...કવિ...” કહીને થાપો મારવાની ચાલુ કરી. કવિની મમ્મીએ તેના મોં પર પાણી છાંટ્યું પણ તેને કાઈ અસર જ ન થઇ. તેની આંખો હજુ ભમે જતે હતી. બધાં જ ગભરાઈ ગયા.

“પ્રણય...હવે...” પ્રણયની પત્ની ગભરાયેલાં અવાજે બોલી. તે વધુ ગભરાઈ હતી કારણકે કવિ તેની પાસે હતી અને આ બધું થયું. ‘પ્રણય...તમે ડોક્ટર પાસે જાઓ...પ્લીઝ...પ્લીઝ” તે રોતા અવાજે ફરીથી બોલી.

“હા… હા. ડોક્ટર પાસે. ચાલો ડોક્ટર પાસે” પ્રણય અચાનક બોલ્યો અને બાઈકની ચાવી શોધવા લાગ્યો.

કવિની મમ્મી હજુ પણ “કવિ...દીકું...કવિ” કહીને આસુઓના રેલા કાઢે જતી હતી. પ્રણયને ચાવી મળી, તેને ફટાફટ તેણે પહરેલી ફાટેલી કેફરી બદલી પેન્ટ પહેરી.

“ચાલો..ભાભી. ફટાફટ” પ્રણયે કહ્યું. તેના ભાભી જલ્દી જલ્દી ઉભા થયાં અને કવિને લઈને દરવાજા તરફ દોડવા લાગ્યા. પ્રણયે પાકીટ તેના ખીસામાં મુક્યું અને સીડીઓ તરફ ચાલ્યો. ફલેટ્સમાં લીફટ ન હોવાથી તેઓ ફટાફટ સીડીઓ ઉતારવા લાગ્યાં. પ્રણયની પત્ની ત્યાં જ ઘરમાં ઉભી રહી બે હાથ જોડી ભગવાનને આજીજી કરવા લાગી.

“હે માલિક...હે માલિક..Please not with us.” પ્રણય સીડીઓ ઉતરતાં-ઉતરતાં પ્રાર્થના કરવા લાગ્યો. તેના ભાભી “કવિ...કવિ...” કહેતા-કહેતા આગળ ચાલ્યે જતા હતાં. આજુબાજુનાં લગભગ બધાજ ઘરની બહાર આવી ગયા હતા અને પુછવા લાગ્યા “શું થયું? શું થયું ગુડિયા ને?” પ્રણય કે તેના ભાભી બે માંથી એકેયને પાસે અત્યારે જવાબ આપવાનો સમય નહોતો.

કવિની મમ્મી આંસુએ નાહી ચુકી હતી. તેઓ નીચે પહોચ્યાં. પ્રણયે ફટાફટ બાઈક ચાલુ કરી અને તેની ભાભી આગળ ઉભી રાખી.

“પ્રણયભાઈ...મારી કવિને કાઈ નહિ થાય ને?” તેમણે નિર્દોષભાવે પૂછ્યું અને બેઠાં.

“ભાભી તમે ચિંતા નાં કરો...કવિને કાઈજ નહિ થાય. આપણે ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું....આપણી સાથે પણ કાઈજ ખોટું નહિ થાય” અને તેઓ નીકળી પડ્યાં.

“આગળથી જમણી બાજુ. આપણે નીરવ બેનાનીને ત્યાં જઈશું. અમે દર વખતે કવિને ત્યાંજ બતાવીએ છીએ” પ્રણયની ભાભીએ પ્રણયને રસ્તો બતાવતાં કહ્યું.

“સારૂ… ભાભી મેં જોયું નથી. તમે કહેતા રહેજો” પ્રણયે કહ્યું અને ગીયર બદલ્યો. ભાભીના આંસુથી હવે પ્રણયની ટી-શર્ટ પણ પલળી રહી હતી.

“હે કુળદેવી....તમે જે ઈચ્છો એ...પણ મહેરબાની કરીને મારી કવિને કાઈ ન થાય....પ્લીઝ...હે માં..અંબા..હે માં જગદંબા. તમે જે કહેશો એ હું માનીશ...હું અગરબતી અને નારિયેળ ચડાવીશ....તમે જ એક આધાર છો” કવિની મમ્મી બધાજ ભગવાનને વિનંતિ કરી રહી હતી. પ્રણય આ બધું સાંભળી રડવા જેવો થઇ ગયો હતો અને મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.

તેઓ આગળનાં સર્કલ પર પહોચ્યાં. “કવિ… કવિ...” હવે ભાભી વધારે જોરથી ચીસો પાડવા લાગ્યા હતા. પ્રણય જોરથી હોર્ન વગાડી “હટો...પ્લીઝ...હટો” ની બુમો પાડે જતો હતો. સદનસીબે આજે રોજ કરતા ઘણું ઓછું ટ્રાફિક હતું.

“હે માલિક...Save her” પ્રણય અંદરથી બળી રહ્યો હતો. “તમારે જે સજા આપવી હોય તે મને આપજો...પણ કવિ ને સાજી કરી દેજો. એના બધા જ દુઃખ મને આપી દેજો”. પ્રણયનાં ભાભી હજુ કવિને ગાલ પર હળવા હાથથી થાપો મારીને ડુસકા ભરી રહ્યા હતા.

“બસ...પ્રણયભાઈ આગળથી જમણી બાજુ...સામે” પ્રણયનાં ભાભી અચાનક જ રડતા અવાજમાં બોલ્યા. પ્રણયે પાછળ જોયા વગર જ બાઈક જમણી બાજુ વાળ્યું. પાછળ ગાડી વાળો તેને અડાડતો રહી ગયો. તેણે કાચમાંથી હાથ બહાર કાઢી પ્રણયને બે ગાળો બોલી. પ્રણયને હાલ કોઈની જ પરવાહ નહોતી. તેઓ પહોચ્યાં. કવિની મમ્મી ફટાફટ લીફ્ટ પાસે દોડી. પ્રણય આવ્યો. “ચોથો માળ..” તેઓ બોલ્યા. લિફ્ટ નીચે આવી જ નહોતી રહી. તેઓ કંટાળ્યા અને સીડીઓથી જવાનું નક્કી કર્યું. પ્રણયનાં બોલતા પહેલા તેના ભાભી સીડીઓ ચઢવા લાગ્યા હતાં. સીડીઓ પર આવતા-જતાં બધા જ તેમની તરફ ધારી-ધારીને જોઈ રહ્યા હતા. ભાભીનું રુદન એકદમ તીવ્ર થઇ રહ્યું હતું. પ્રણયની આંખો પણ ભરાઈ ગઈ હતી, પણ ભાભી સામે તે રોઈ ન શક્યો. તેણે તેના ભાભીને ઓવરટેક કર્યા ને રસ્તો બનાવતો-બનાવતો દોડ્યો.

તેઓ ચોથા માળ પર પહોચ્યાં. સામે જ “ડૉ.નીરવ બેનાની” લખ્યું હતું. પ્રણયનાં જીવમાં જીવ આવ્યો, તે ભાભીની રાહ જોતા ઉભો રહ્યો. ભાભી કવિનાં મોં સામે જોતા-જોતા ત્યાં પહોચ્યાં. બંને સાથે અંદર ગયા, અંદર જતા જ એક કમ્પાઉન્ડર તેમની સામે આવ્યો અને બરાડ્યો “અરે ભાઈ...ચપ્પલ..ચપ્પલ બહાર”. આવા સમયે આટલું સાંભળતા જ પ્રણયનો પિત્તો ગયો અને બોલ્યો “અરે હા...ડોક્ટરને બોલાવ ચપ્પલવાળી...અહી જીવ જાય છે ને તું...ડોક્ટર...” કમ્પાઉન્ડર આગળ કાઈપણ બોલ્યો નહિ અને ડોક્ટરને બોલાવવા ગયો, એટલામાં સામેથી જ ડોક્ટર ત્યાં આવ્યાં...ભાભીને રડતાં જોઇને તેઓ સમજી ગયા અને તરત તપાસવા લાગ્યા. પ્રણયની ભાભી આંસુથી ભરાઈ ગયા હતા. બીજી જ સેકન્ડે ડોકટરે જોરથી કવિને કમર પર ચુટલી ભરી અને અચાનક જ કવિ રોવા લાગી. બધા એકબીજા સામે જોવા લાગ્યા. પ્રણયની આંખમાંથી ગંગા વહેવા લાગી અને તે બહાર દોડ્યો. આ બધું માત્ર સાડા સાત મીનીટમાં બન્યું હતું.

ડોકટરે કવિને બે દિવસ દવાખાનામાં રાખવાં જણાવ્યું. પ્રણયે સૌથી પહેંલા તેની પત્નીને ફોન કર્યો અને તેને થોડા સામાન સાથે બોલાવી અને ત્યારબાદ તેના મોટાભાઈને. તેનો ભાઈતો આટલું સાંભળતા જ ધ્રુજવા લાગ્યો અને ફટાફટ ત્યાં પહોચ્યો. કવિના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં.

બીજા દિવસે સવારે રિપોર્ટ આવ્યો અને આખરે ડોકટરે કહ્યું “શક્તિની ઉણપ છે… બીજું કાઈ નથી....” અને બધાનાં જીવમાં જીવ આવ્યો.

-- અન્ય પાલનપુરી