Magnet Pin in Gujarati Comedy stories by Navneet Marvaniya books and stories PDF | મેગ્નેટિક પીન..!!

Featured Books
Categories
Share

મેગ્નેટિક પીન..!!

મેગ્નેટીક પીન

નવનીત પટેલ

આ લેખનું શીર્ષક વાંચીને તમને કદાચ નવાઈ લાગે તો ના નહિ..! પણ તમનેય મારી જેમ આવા ‘મેગ્નેટીક પીન’વાળા લોકોનો ભેટો અવશ્ય થયો હશે. અત્યારે CD કે DVD પ્લેયર આવે છે તેવા પહેલાના જમાનામાં ‘તાવડીવાજા’ આવતા. તેમાં ચાવી દઈને પીન મૂકો એટલે સંગીતની સૂરાવલી તેના ભૂંગળામાંથી સરી પડતી. પણ ડીસ્ક(તાવડી) જૂની થઈ જાય કે પીનમાં(હેડમાં) કંઇક પ્રોબ્લેમ થઇ જાય તો પીન એક જ જગ્યાએ ચોંટી જાય, પરિણામે ગીતની એકની એક લાઈન ફરીથી વાગ્યા જ કરે... આવું તો તમે કદાચ બહુ વપરાઈ ગયેલી CD કે DVDમા થતું જોયું હશે. પણ હવે તો આધુનિક ટેકનોલોજીની કમાલ કહો કે લોકોના ભેજાની માલામાલ કહો.. લોકોની પીન પણ ચોંટવા માંડી છે.!!

આ ઉનાળાની ભર બપોરે બહાર નીકળેલા, પરસેવે નીતરતા કરસનને ઉભો રાખીને તમે કોઈ પણ સીધો-સાદો સવાલ પૂછો તો શરૂઆતમાં ગરમીને લીધે તેનું બોઈલર ગરમ થઇ જાય અને પછી જો તમે એની સાથે વધારે માથાઝીંક કરો તો ૧૦૦% તેની પીન ચોંટી જાય અને ઉનાળાની કાળઝાળ ગરમીનો ખાર તમારા ઉપર ઉતારી બે-ચાર અડબોથ વરગાડી દીયે તો ના નહિ...!!

અમારા મિત્ર વર્તુળમાં ભીખો જો ઉપરા-ઉપરી ચાર-પાંચ સવાલો થોભણને પૂછી લ્યે અને વળી પાછો એ જ સવાલ કરસન જો થોભણને પૂછે તો થોભણની પીન ચોંટી જાય. આવી વાતમાં પીન ચોંટે, એ તો તમે પણ તમારા સહ-કર્મચારીઓ, સાહેબો કે ધર્મપત્ની (અધર્મ પતિ !) સાથે અનુભવ્યું હશે પણ અમુક લોકોની તો પીન જ મેગ્નેટીક હોય એટલેકે જ્યાં લોખંડ દેખે ત્યાં ચોંટી જ જાય. કોઈપણ સીધી-સાદી વાત કરી તો પણ આવા મેગ્નેટીક પીનવાળા મહાશયને ખોટું લાગ્યા વગર રહે જ નહિ અને જે તે પ્રસંગનું પુનરાવર્તન લોકો સમક્ષ એટલી બધી વાર કરે કે આપણને તો એમ જ થાય કે આટલી વાર રામાયણ કે મહાભારત રીપીટ કર્યુ હોય તો ય આખું ગોખાઈ જાય...!!!

હમણાં હું ગીતામંદિરથી કાલુપુર રેલ્વેસ્ટેશન જવા માટે રીક્ષામાં બેઠો, તો રીક્ષાવાળો આવો જ મેગ્નેટીક પીનવાળો ભટકાણો ! કાલુપુર આવતા સુધીમાં લગભગ એકની એક વાત ૧૨ થી ૧૩ વખત રીપીટ કરી. બન્યું’તું એવું કે તે બે મીનીટ માટે રીક્ષા NO PARKING મા પાર્ક કરી બાજુના ગલ્લે ફાકી લેવા ગયો. ત્યાતો પોલીશવાળા આવીને તેની રીક્ષા લઇ ગયા. આ મહાશય મોજથી મોઢામાં માવો ગલોફે ચડાવીને જ્યાં પિચકારી મારવાની તૈયારી કરે છે ત્યાં તો રીક્ષા ગાયબ.....!! એ જોઈને પહેલા તો તે થૂકનો તમાકુવાળો ઘૂંટડો ગળી ગયો ! અને એવો રાતો-પીળો થઇ ગયો કે તેની રીક્ષાને લઇ જનાર ગાડી પાછળ જાણે હડકાયું કૂતરું તેની પાછળ પડ્યું હોય એમ દોડ્યો. તેની વાતો પરથી તો મને લાગ્યું કે તેની દોડવાની સ્પીડ તેની રીક્ષા કરતા પણ વધારે હોય તો ના નહિ !! અંતે પોલીસવાળા સાથે લમણાઝીંક કરી, વગર બોણીએ મોટો ચાંદલો કરી (!) રીક્ષા પાછી છોડાવી લાવ્યો અને પાછો તેને આ દિવસનો પ્રથમ પેસેન્જર હું જ મળ્યો...! પછી તો જેમ નર્મદાજીના પાટિયા ખોલો ને પાણી વહેવા માંડે તેમ તેના મો માંથી પોલીસવાળા પ્રત્યે વગર પૂછ્યે ગાળોનો વરસાદ વરસવા માંડ્યો.

શરૂઆતમાં તો મેં પણ બે-ચાર વાર હોંકારો દીધો, પણ એકની એક વાત રીપીટ થતી લગતા, આ વાતનો અંત ક્યારે આવશે તેની હું રાહ જોવા લાગ્યો. એ તો સારું થયું કે કાલુપુર સ્ટેશન જલ્દી આવી ગયું નહિતર આ રીક્ષાવાળાની વાત સાંભળી ને મારી પણ પીન ચોંટી જાત...!!

કાલુપુર સ્ટેશનના પ્લેટફોર્મ પર હજુ હું પગ મુકું છું ત્યાં તો એક કાળઝાળ કુલીનો ભેટો થયો. તે પણ આવો જ મેગ્નેટીક પીન વાળો ! તેની પીન પણ સવારથી તેના ધન્ધાભાયું (દુશ્મન) બીજા કુલીગ્રુપ પર ચોંટી ગઈ હોય એવું જણાતું હતું. તેનું કારણ એવું હતું કે આ કુલીએ જે મુસાફરનો સામાન તેની હાથલારીમાં ખડક્યો હતો તે મુસાફરની ટ્રેન બીજા કુલીઓની ભીડના કારણે જતી રહી. પરિણામે ગુસ્સે ભરાયેલા કુલીને રોષે ભરાયેલા મુસાફરે એક પણ પૈસો આપ્યા વગર છુટો કરી દીધો !! પછી શરુ થઈ કુલીની મેગ્નેટીક પીનવાળી રેકર્ડ..!!

આવા લોકો કોની સાથે વાતો કરે છે તે જ તમને તો ખબર ના પડે હો..! એકલા-એકલા બોલ્યે જ જતા હોય, સામો માણશ હોંકારો આપે છે જે નહિ તેની તો તેને કોઈ પરવાહ જ ના હોય. છતાં ‘લોકો તેની વાત સાંભળે તો છે ને?’ એવું ચેકિંગ એ આજુ-બાજુ નજર ફેરવીને કરી લેતો હોય છે. આ મેગ્નેટીક પીનના ધારકોની પીન ચોંટવાના કારણો તપાસતા મને એવું જણાય છે કે “સત્તાવાળાઓ સામે બોલી પણ ન શકાય અને સહન પણ ના કરી શકાય એવી પરિસ્થિતિમાં ફસાઈ પડે ત્યારે આવો વિભાવિક ગુણ (દુર્ગુણ !) ઉભો થઈ જતો હોય છે અને વારંવાર આ વસ્તુનું પુનરાવર્તન થવાથી હૈયું થોડું હળવું થયું તેવા સંતોષની લાગણી આવા ગુણધારકને થતી હોય છે.

મારી જેમ તમને પણ રોજ-બરોજ બનતી ઘટનાઓમાં આવા મેગ્નેટીક પીન ધારકોનો ભેટો થતો હશે. પણ ખરી મજા તો ત્યારે આવે કે જયારે બે મેગ્નેટીક પીનવાળા સામે-સામે આવી જાય...!! એકેય એકેય નું સાંભળે નહિ અને એક-બીજાને બોલવા પણ ના દે ! આ સંસારમાં પણ જરા ઊંડું ઉતરીને જુઓ તો આવું જ હોય છે....!! લગ્નની શરૂઆતમાં પતિ-પત્ની બંનેની પીન પર કલર કરેલો લાગે એટલે શરૂઆતમાં ના ચોંટે પણ જેમ-જેમ દિવસો , મહિનાઓ અને વર્ષો વીતતા જાય તેમ આ કલર ઘસાતો જાય અને બંન્નેને એક-બીજાની સાચી પીનની ઓળખ થતી જાય અને સમય જતા આ લોખંડી પીનો સ્વયંભુ મેગ્નેટીક પીનમા કન્વર્ટ થતી જાય.

આમ તો આ “મેગ્નેટીક પીન” પર છેલ્લા ઘણા દિવસોથી વિચારો આવ્યા જ કરતા હતા પણ આજે સવારથી મારી પીન આ “મેગ્નેટીક પીન” પર લેખ લખવા માટે ચોંટી ગઈ હતી એટલે લખવાની પેન પણ ચોંટી જતી હોવા છતાં આ લેખ ભરડી જ કાઢ્યો... હવે એને વાંચવાની જવાબદારી તમારી ! વાંચતી વખતે જો તમારી પીન પણ મારા પર ચોંટી જાય તો ક્ષમા કરજો, નહિતર થાય તે કરી લેજો...!!

***