Funk marvi pan ek kada chhe in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | ફૂંક મારવી પણ એક કળા છે....!

Featured Books
Categories
Share

ફૂંક મારવી પણ એક કળા છે....!

ફૂંક મારવી પણ એક કળા છે...!

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંકફુગ્ગો ફુટતા વાયરે ભળી જાય થૈ મૂક.

રામ જાણે મને કોણ ફૂંક મારી ગયું તે મને પણ ફૂંક ઉપર લખવાની ઉપાડી છે. એમાં કોઈ કવિની ઉપરની પંક્તિ હાથમાં આવી ગઈ. ફૂંકના યથાર્થ સાથે, પેટ છૂટી વાત કરીને, આ કવિ કેવાં હળવા ફૂલ થઈ ગયાં હશે, એનું ચિંતન કરું છું. કવિનો જો આધારકાર્ડ મળ્યો હોત, આઈ મીન...એમનું ઠેકાણું જો મળ્યું હોત તો જાતે જઈને, એમના કાનમાં ફૂંક મારી આવત કે, કવિતાની બે લીટીમાં તમે તો જિંદગીનો નિચોડ આપી દીધો દાદુ...!

વરસો પહેલાં ફૂંક મારવાના ‘પાવર’ માત્ર ભગત-ભુવા પાસે જ હતાં. એમની ફૂંક દમ વગરની નથી, એવું પણ લોકો માની લેતાં. એવું છડેચોક કહેવાતું કે, એની એકજ ફૂંકમાં સામેવાળાનો તાવ-તરિયો પણ પલાયન થઈ જતો. યાદ કરો પેલાં ફૂંકવાળા ખેરાળુબાપુને....! લોકો પાણીના બાટલા લઈને એમની ફૂંક કેચ કરવા હજારોની સંખ્યામાં ભેગા થઈ જતાં. પછી એમને કોણે ફૂંક મારી તે પાછાં જોવામાં જ નહિ આવ્યાં...! પણ આ વાત મેડિકેટેડ ફૂંકની નથી. સામાને ચકરાવે ચઢાવનારી ફૂંકની વાત થાય છે. કોઈનો કાચો કાન જોયો નથી, ને મોઢાં માંથી ફૂંક નીકળી નથી. જેનાં કાનમાં ફૂંક પડે એના પગમાં એવાં પૈંડા લાગી જાય કે, બિચારો હડકાયા શ્વાનની માફક દૌડતો થઈ જાય....! અમુક તો એવાં મહેનતુ કે, કોઈના કાનમાં જ્યાં સુધી ફૂંક નહિ મારે ત્યાં સુધી એનો દિવસ આથમે નહિ. પછી એ રાજકારણ હોય, સામાજિક વાતાવરણ હોય કે, સાંસારિક કારણ હોય. આ બધાના ઠેકાણે ચોરે ને ચૌટે હોય. ઊંધાને સીધો કરવાને બદલે, ફૂંક મારીને સીધો અવળો કેમ પડે એ જ એમનો ઉદ્યમ...! એમાં બધાંજ એવાં હોય એવો આપણો દાવો નથી. પણ ખેલ ખેલવાનો આવ્યો તો ખેલી નાંખે એવી ત્રેવડવાળા તો ખરા મામૂ....!

આપણે પણ જાણીએ કે, જેનાં મોઢામાં ફર્નીચર જ નહિ હોય, તો એ વળી શું ફૂંક મારવાનો...? બાકી એમને નોલેજ તો ખરું કે, સંગીતના સાધનોમાં ફૂંક મારીએ તો, ખાલી મધુર મધુર જ વાગે. પણ કોઈના કાનમાં ફૂંક મારીએ તો કદાચ આપણને પણ વાગે. પણ ફૂંક મારતા પહેલાં એ નકકી કરવું પડે, કે આગ લગાડવી છે કે, તર્જ વગાડવી છે....?

પણ મઝા આવે યાર...! આપણે એટલા બધાં આસ્તિક નથી કે, કયા ફૂંકણીયા દેવની કૃપા આ ફૂંક પાછળ રહેલી છે, એની ખબર પડે. કયા રાજા-મહારાજાના સમયથી ચાલી આવે છે, એની પણ ખબર નથી. એટલી જ ખબર છે કે, ફૂંકનો સદુપયોગ ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં જ સારો થયેલો. કોઈના કાનમાં ફૂંક મારવાને બદલે એ કાનજીએ વાંસળીમાં ફૂંક મારેલી. ગોકુળ મથુરાનું આખું વાતાવરણ પલટી નાંખેલું. ગોપીઓ ને ગાયો તો ઘેલી ઘેલી થઈ ગયેલી. પણ એ શ્રીનાથજીએ વાંસળી છોડીને શંખ ફૂંકવાનું શરૂ કર્યું, ત્યારથી સૂરને બદલે એ અસુરોના રવાડે ચઢી ગયાં. વાંસળીને બદલે આંગળીમાં સુદર્શન આવી ગયું. ગોપીઓ ઘૂમ થઈ ગઈ ને, રાસલીલાની જગ્યાએ કૌરવોની રકાસલીલા શરૂ થઈ.

ફૂંક મારવી આમ તો એક શોખ છે. બ્રહ્માસ્ત્ર કદાચ નિષ્ફળ જાય, પણ બાકી ફૂંક ક્યારેય ફેઈલ નહિ થાય. ફૂંક મારવાના કોઈ તાલીમ કેન્દ્રો નથી, છતાં અમુકની ફૂંક તો એવી પાવરપેક હોય કે, ગુજરાતમાં ફૂંક મારી હોય તો, દિલ્હી સુધી પણ પહોંચે...! ફૂંકને તો ધંધો બનાવવા જેવો યાર....! ૧૦૦ ટકા કેશલેસ....! એકવાર લાગ મળે ને લાકડું જો ભાંગ્યું, તો શેર બજાર પણ ઊંચું-નીચું થઈ જાય. ફૂંકના ધંધામાં નહિ કોઈ રોકાણ કરવાનુ, કે નહિ કોઈ મોંઘામૂલની મોકાની જગ્યા શોધવાની. માત્ર કાચા કાનવાળા જ શોધવાના. બાકી આ ધંધામાં પણ તો રહેવાનું જ..! પણ કયા મામલામાં આજે જોખમ નથી ? જોખમ ઉઠાવ્યા વગર અને મહેનત કર્યા વગર આજે વળે છે કોનું...? માત્ર ફૂંક જ મારતાં આવડવું જોઈએ. પછીની વાત પછી....! બાકીનું તો બધું ઓટોમેટિક સેટ થઈ જાય. ફૂંકણીઓ ફૂંકવામાં ફૂંક બગાડવી, એના કરતાં કોઈના કાનમાં ફૂંક મારવાથી વધારે સળગાવી શકાય એવી સમઝદારી હવે બધામાં આવી ગઈ છે. સળગે નહિ તો ધુમાડો તો નીકળે છે ને, એનો પણ એને સંતોષ છે....! આ ફૂંક મારવામાં આપણા દેશનો કેટલામો નંબર આવે છે, એનો જવાબ મારી પાસે તો શું, ખુદ ગુગલ પાસે પણ નથી. બનવાજોગ છે, જવાબ નહી આપવા માટે ગુગલના કાનમાં પણ કોઈ એ ફૂંક મારી હોય....! કહેવાય નહિ દાદુ...! સમઝીને અડવાણીજીની જેમ બેસી રહેવું સારું. શું કહો છો મામૂ....?

ગજમાં વધારે પડતી હવા ભરાય જાય તો, બિચારો કાઢે પણ ક્યાં ? છે ને, ફૂંક મારીને કોઈના કાન સાફ કરી લેતો. એ બહાને સામેવાળાના કાન પણ સાફ થાય, ને બે વાત નંખાય પણ ખરી. આધાર ફૂંક ઉપર છે. કોણ ક્યારે કઈ જગ્યાએ કેવી અને કેટલાં વોલ્ટની ફૂંક મારે એના ઉપર બધું ટકેલું હોય. કેટલીક ફૂંક એવી હાઈબ્રીડ પણ હોય, કે જે કામ વાવાઝોડું નહિ કરે, એ એક મામુલી ફૂંક પણ કરી નાંખે, એક જ ફૂંકે એવો ધ્વંસ કરી નાંખે કે, એનો ઈલાજ પછી ડોક્ટર પાસે પણ નહિ હોય. ડોક્ટર પણ કહે કે,. “ શરીરમાં આંતરડું વધેલું હોય તો ખેંચી આપું, પણ કોઈની ફૂંકને ખેંચવાનો ઈલાજ મારી પાસે નથી....!’ વાત પણ સાચી ને...? ફૂંકવાળું જેનાં ભણવામાં જ નહિ આવ્યું હોય, એવાં ખેલ તો એ કેમનો કરી શકવાનો ?

રામાયણમાં એક વાત આવે છે કે,મંથરાએ કૈકૈયીના કાનમાં ફૂંક મારેલી, એમાં ભગવાન શ્રી રામચંદ્રને ૧૪ વર્ષની લાગી ગયેલી. ભગવાન શ્રી રામચંદ્રે સીતાનો ત્યાગ કરેલો, એ ઘટના પાછળ પણ કોઈની ફૂંકે જ જમાવટ કરી હશે ને....? આ તો એક વાત, બાકી નાની નાની ફૂંકે તો કંઈ કેટલાના ઘરમાં રેડ પાડેલી હશે...! હિસાબ રાખે કોણ....?

આમ જુઓ તો કનૈયાનું કામ પણ ફૂંક મારવાનું તો હતું જ....! ગોપીઓના કાનમાં ફૂંક મારવાનો રેકોર્ડ એમના પછી હજી કોઈએ પણ તોડ્યો નહિ હોય. મોરલીમા ફૂંક મારવાનું પૂરું થયું, તો શંખમાં ફૂંક મારે. અને શંખમાં ફૂંક મારવાનું પૂરું થયું તો અર્જુનને ફૂંક મારે કે ' ચાલ ઉભો થા, અને યુદ્ધ કર.....! ' ક્યાં તો મોરલીમાં ફૂંક મારીને ગોપીઓને રાસ રમાડવાના, ક્યા તો કોઈના માખણ ને છાસ ઢોળવાના, ક્યાં તો યુદ્ધમા લોકોને બેભાન કરવાના....! રાસલીલા હોય કે યુદ્ધલીલા, બધાનો એક જ ડાયરેક્ટર એટલે ભગવાન શ્રી કૃષ્ણ....! ભગવાન શ્રી રામની માફક બીજો કોઈ સપોર્ટિંગ સ્ટાફ પણ નહિ. જાતે જ હનુમાનજી જાતે જ સુગ્રીવ ને જાતે જ જાંબુવન....!

ફૂંક માર્યા પછી, મોરલી વેરણ થાય કે છેરણ થાય, પણ એક જ લગન " શ્યામ બીના મોહે કછુ નહિ ભાવે....! કનૈયો શંખમાં ફૂંક મારે કે, વાંસળીમાં, ઢગલાબંધ ભગવાનમાં પણ, જો કોઈ ગમતો ભગવાન હોય તો તે છે, શ્રી કૃષ્ણકુમાર નંદલાલ યાદવ....!

આ એક જ એવાં ભગવાન છે કે, જેના ખભા ઉપર હાથ મૂકીને આપણે ' હલ્લો ' કહી શકીએ....!

બાકી ભગવાન શંકર ભોલેનાથ ખરાં, પણ એના ખભે હાથ મુકીને જો " હલ્લો....હાવ આર યુ " કરવાં ગયાં, તો પેલો ફેણીયો ક્યારેય આપણો સગો નહિ થાય. ફૂંફાડા જ મારે....! જયારે કાનુડો તો આપણને પોતીકો લાગે. ત્યાં સુધી કે, જાણે ગઈ કાલે જ શ્રી કૃષ્ણ મોલમાં માખણ ખરીદવા આવ્યાં હોય, અને આપણને જોઈને સ્માઈલ આપ્યું હોય, એવાં ફ્રેશ લાગે. એની તો ફૂંકમાંથી પણ ફ્લાવર નીકળે. આપણને શોધેલી એક કામવાળી નથી મળતી, ત્યારે એમની પાસે તો ૧૬૦૦૦ રાણીઓનો સ્ટોક હતો....! છતાં કોઈ દિવસ કોઈ બબાલ નહિ.....! અત્યારે તો ખાલી કામવાળી જ વેરણ થવી જોઈએ. પોલીસ સ્ટેશને ૧૦૯૧ ની ઘંટડી રણકી જ સમઝો. એ વખતે આપણને કનૈયો પણ બચાવવા નહિ આવે.

પણ આને જ કહેવાય ડાયનેમિક પ્રેમ. નિસ્વાર્થ પ્રેમ. આજના જેવો ચાઈનીશ લવ નહિ કે, સવારે પ્રેમ થાય, બપોરે તૂટી જાય અને સાંજે પાછો ચાઈનીશ પ્લાઝામાં જઈને જ્યાંથી ફાટ્યું, ત્યાં ટાંકા મારવા બેસી જાય....! બસ.… કોઈની એકાદ ફૂંક જ કાફી...!!

***