દ્રશ્ય: - 22
- “બહુત ગલત ખબર હૈં હમારે લીયે! કેવિનજી! આપસે યહ ઉમ્મીદ નહીં થી. આપકી યોજનાઓમેં ચુક કૈસે હો શકતી હૈં? યહ તો અચ્છા હૈં કી હમારે સેવકો કો કીસીને પહેચાના નહીં. વર્ના ક્યાં સંદેશ જાતાં લોગોમેં હમારે વિરુદ્ધ? પુલીસ-મિડીયા-કુછ જાનેમાને લોગ સબ થે વહાં! સ્વામીજી ઇસબાર આપસે બહુત નારાજ હૈં!” ગૌરાંગી ખુબ નારાજ સ્વરે બોલી. તેણી મુખ્યમંત્રી બંગલાએ આવી હતી. અભિનવ-મુખ્યમંત્રી રાવળ-અંકલ બ્રોડ તેમજ નરૂભા માણેક હાજર હતા.
“તુમ લોગોનેં ક્યાં તય કરકે રખાં હૈં હર આયે દિન મેરી આબરૂ કો દાવ પર લગાકે હી દમ લેના હૈં! પહેલે યુવરાજ કો પ્રમુખ બનાના. ફિર દ્વારકામેં હમલા કરાના. વહ કમ થા તો અભિનવ નરૂભા કો લાકે આયા. નવિનભાઈ હત્યા કેસ! ઔર અબ નિત્યા જીઆઈડીસી કેસ! ઇસબાર તો સબ ફંસ ગયે! શ્રીમાન મહેતા કે શામિલ હોને કે કારણ કેસ બડા હો ગયા! જીજ્ઞાસા ગઢવી જો પહેલે સે હી નવિનભાઈ હત્યાકેસમેં નિત્યા તરફસે વકિલ હૈં અબ ઇસ કેસ ઉસકે વકિલ હોને કે વજહસે કેસ કિ જડ તક જાયેગી. અબ તો લગતા હૈં કી મુઝેં અપના ત્યાગપત્ર તૈયાર કરકે રખના હોગાં.” મુખ્યમંત્રી રાવળ પણ ભારોભાર નારાજ હતા.
“એવું નથી, ડેડ! વિક્કીએ જે કાંઈ કર્યુ એ..”
“ચુપ!” મુખ્યમંત્રી રાવળ તાડુક્યા, “આજે તમારા કારણે મારે અનંતરાય મહેતા કે જેને હું સ્વપ્નેય જોવા નથી ઇચ્છતો એ સામે મારે વિક્કીનો લુલ્લો બચાવ કરવો પડ્યો. મિડીયામાં તો છડેચોક આવે છે મેં મુખ્યમંત્રી પુરૂષોત્તમ રાવળે આ બધુ કરાવ્યુ છે. આજે તમારી કારણે મારે કોઇને જવાબ આપવો મુંશ્કેલ થઇ પડ્યો છે અને ગૌરાંગીજી! તમે આ લોકોની એક બિચારી છોકરી જેનો બાપ પણ મર્યાને અઠવાડિયુ નથી થયું તેની આબરૂ લેનારાઓની મદદ કરવામાં જરાય ખચકાટ ન આવ્યો? તમારી પાસે આવી અપેક્ષા ન હતી. ગૌરાંગીજી!” મુખ્યમંત્રી રાવળે પોતાની વ્યથા ઠાલવી, ગૌરાંગી તો રડવા લાગી, “હવે રડો છો શા-માટે? મને શું વધારે પાપમાં નાખવા ઇચ્છો છો?”
“તમારા જેવા વડિલ ઠપકો આપે એ પણ અમારા માટે પાપ ધોવાની તક સમાન જ હોય છે, મારો વિશ્વાસ કરો. મે-અભિનવે-કેવિનજીએ ત્રણેયને ખુબ રોક્યા હતાં. પણ. તેમણે અમને વિશ્વાસમાં લાવીને ફંસાવ્યા એટલે તો અમે સેવકો પુરા પાડ્યા. નહીંતર આવું અધમ કરવામાં કોણ સાથ આપે?” ગૌરાગીંએ મુખ્યમંત્રી રાવળને સમજાવવાનો પ્રયત્ન કર્યો. મુખ્યમંત્રી રાવળ અભિનવ અને કેવિનબ્રોડ સામે જોઇ રહ્યા.
“ક્યાં ગૌરાગીંજી સચ કહ રહી હૈં?” મુખ્યમંત્રી સાહેબે કેવિનને પૂછ્યુ, કેવિન શું બોલે? “મેં તુમસે બાત કર રહા હૂં, જવાબ દો!”
“હાં! ગૌરાંગીજી સચ કહ રહી હૈં! યહ મેરી હી યોજના થી! અગર યોજના સફલ હો જાતી તો લોગો કા ધ્યાન નિત્યા પર જાતા! આપ નિત્યા કો સહાનુભૂતિ દે કર લોગોમેં ઔર પોપ્યુલર હો જાતે! અભિનવ કો અધિનાયક ઘોષિત કરના હૈં વિક્કી કો પનીશ કરકે અભિનવ લોકો મેં વાહવાહી પા લેતા. પર વિક્કીને કુછ કીયા નહીં હોગા તો કૈસી પનિશમેન્ટ? મેડીકલ મેં કોઇ પ્રુફ હોતા હી નહીં તો વિક્કી ભી બચ જાતા!” કેવિનબ્રોડએ પોતાનો બચાવ કર્યો, “ઔર યહ સબ હુઆ હૈં તો ઉસકી ભી રીસ્પોન્સીબિલિટી મેં લેતાં હું. મેં સબ કુછ ઠિક કર દુગાં. આઈ પ્રોમિસ!”
“આ કેવિનીયાને કોઇ વાતે સખ ન થતુ, તુમ્હારા કારણે અમારા દિકરા ઝિદંગી અને મૌત કી વચ્ચે પડ્યા હૈં, અગર નકુળીયા-વિક્કી ને કાંઇ થઇ ગયું તો?”
“નરૂભા! પોતાની જીભડીને કાબુંમાં રાખો. સાંભળ્યુ નહીં? એણે મારા સારા માટે કર્યું છે, મારી નામના વધે એ માટે કર્યું છે...” મુખ્યમંત્રી રાવળે અંકલ બ્રોડ પ્રત્યે કુણુ વલણ દાખવીને નરૂભાને ટપાર્યા.
“ઇ તી કેવી નામના? દિકરાઓને ભરખી જાય?”
“નરૂભા!” મુખ્યમંત્રી રાવળ ગુસ્સે થઇ ગયાં, “કહ્યુંને ચુપ રહો! કેવિન મારા માટે ક્યારેય ખોટુ ન કરે! તમે આવ્યા એને બે અઠવાડિયા માંડ થયાં છે એટલે અમારા ઘરનાં મામલામાં તો બોલતાં જ નહીં! તમારા નકુળને વિક્કી સાથે ફરવાનો શોખ હતો. વૈભવી જીવન જીવવાના અભરખા હતાં. તો હવે ભોગવો!”
“મને કેવાની હિમ્મત જ કરતાં નઇ, પરષોતમસાહેબ! સત્તર-સત્તર વરહ જે રીતે ચુપ રહ્યો સુ ઇ ફાટતા વાર નઇ લાગે! ભલે સાબિતીયુ ન હોય. પણ. લોકોને ખણખોદ કરીને તમારી ઘોર ખોદતા વાર નઇ લાગે!” નરૂભા ચેતવણી આપીને ચાલતા ગયા. અભિનવે ગૌરાંગી સામે ઇશારો કર્યો.
“મુખ્યમંત્રી સાહેબ! હવે અમને રજા આપો.” ગૌરાંગી પણ નિકળી ગઇ.
“કેવિન! નરૂભા કા કુછ કરના હોગાં..” મુખ્યમંત્રી રાવળ ઇશારામાં બોલ્યા,
“ચિંતા મત કરો, ડિયર! જા-જા કે જાયેગાં કહાં?” કેવિન બ્રોડ નિશ્ચિત હતો.
- “ગૌરાંગી!” ગૌરાંગીએ સભાખંડ છોડીને ચોગાનમાં આવી ત્યાં પાછળ-પાછળ અભિનવ આવી ગયો. ગૌરાંગી ચાલતાં-ચાલતાં અટકીને પાછળ વળીને અભિનવ તરફ જોઇને હસી. અભિનવ તેણીની નજીક આવ્યો. બન્ને એકબીજાને સ્મિત કરતાં જોઇ રહ્યાં.
“બોલો! અભિ! શું કામ હતું?” ગૌરાંગીના અવાજમાં મિઠાશ હતી.
“આભાર! આજે તે...” અભિનવ હજુ બોલતો જ હતો.
“તેમાં આભાર શેનો? એ તો મારી ફરજ હતી, તમને બચાવવા એ તો ખુદને બચાવવા સમાન છે.” ગૌરાંગીએ અભિનવની વાત અધવચ્ચે કાપીને બોલી ઉઠી, “અમે તમારુ કામ કરીએ તો તમે અમારુ કામ કરો.” ગૌરાંગીના ચહેરા પર અભિનવને જોઇ રહીને સતત સ્મિત ફરકી રહ્યું હતું. અભિનવ બન્ને વચ્ચેનું અંતર વધારે ઘટાડતા વધુ નજીક આવ્યો. જોકે બન્ને એકબીજાને સ્પર્શ ન થઇ જાય એ રીતનું અંતર જાળવી રાખતાં હતાં.
“બોલો! હવે તમારું કામ ક્યાં અને ક્યારે કરીએ?”
“એટલી ઉતાવળ શેની છે? આ તો આરામનું કામ છે, એકાંતનું કામ છે.” ગૌરાંગી અભિનવની ધીરજની પરીક્ષા લઇ રહી હતી. છેલ્લાં શબ્દે અભિનવ હસ્યો. પછી આજુબાજુ જોઇને કોઇ સાંભળી રહ્યુ નથી તેની ખાતરી કરી.
“મામલો શાંત થાય એટલે હવન કરવા આશ્રમમાં આવી જઇશ.” અભિનવ બોલી ઉઠ્યો.
“ના! ના! આ હવન તો આશ્રમમાં થાય જ નહીં. આશ્રમ સિવાય જ્યાં તમે નક્કી કરો ત્યાં હું આવી જઇશ..” ગૌરાંગી આશ્રમમાં હવન કરવા અસહમત થઇ.
“ભલે તો હવન કરવા માટે મુખ્યમંત્રી બંગલોથી સારું સ્થળ ક્યુ હોઇ શકે! મામલો શાંત થાય એટલે હવન કરવા તમને બોલાવી લઇશ.” અભિનવે ખાતરી આપી. ગૌરાંગી હસી પડી.
“ભલે સ્વામીજીના દર્શન કરવા આવી જજો...” ગૌરાંગી હસતી-હસતી ચાલી ગઇ, અભિનવ તેના લાંબા વાળ રમાડવા લાગ્યો. જોકે અભિનવને જરાંપણ ખ્યાલ ન હતો કે છેલ્લા અડધી કલાકમાં ભજવાઇ ગયેલી ભવાઇનું લાઈવ ટેલીકાસ્ટ કોઇના લેપટોપમાં થઇ રહ્યું હતું.
“એવોં તે ક્યોં હવન છે જે આશ્રમ જેવી અતિપવિત્ર સ્થાને ન થાય અને મુખ્યમંત્રી બંગલોએ થાય.” લેપટોપ સ્ક્રિનને જોઇ રહેલી એ યુવતિ બોલી ઉઠી, “એક યુવતિ અને એક યુવક વચ્ચે તો એક જ થઇ શકે! અભિનવને મારાથી વધારે કોણ ઓળખી શકે!” યુવતિ સ્ક્રિન તરફ સ્મિત કરતી રહી.
***
- “અનિતા! ચાલ થોડીવાર ઘરે જઇને આરામ કરી લે!” શ્રીમાન અનંતરાય મહેતા અનિતાબહેનને જગાડતા હતા. અનિતાબહેન અવનિને જે સ્પેશિયલ વોર્ડમાં રખાઇ હતી તે ઓરડાના સોફા પર બેઠાં બેઠાં જ સુતાં હતાં. શ્રીમાન મહેતાએ બે વાર ખભા ઢંઢોળીને જગાડવાનો પ્રયત્ન કર્યો. અનિતાબહેન જાગ્યાં. સૌથી પહેલા શ્રીમાન મહેતા પર નજર ગઇ.
“અવનિને ભાન આવી ગઇ?” આંખો હજુ અર્ધખુંલી હતીને અનિતાબહેને અવનિનું પૂછ્યું.
“ના...” શ્રીમાન મહેતા અટકતા-અટકતા બોલ્યા, “હમણાં ડોક્ટર ભટ્ટને મળ્યો, તેમણે કહ્યું છે કે અવનિ જોખમથી બહાર છે, ચોવીસ કલાક અથવા તો આવતીકાલની સવાર સુધીમાં અવનિને ભાન આવી જશે. અનિતા! ડોક્ટર એ કહ્યું છે કે આપણે અવનિ સાથે રહેવાની જરુર નથી. તેને ભાન આવી જશે તો આપણને જાણ કરી દેશે. સૌમ્યાબહેન આવતાં હશે. તે અવનિને ભાન આવશે તો આપણને જણાવી દેશે..”
“પણ મારાથી ઘરે કેમ અવાય? ઘરે મારું શું કામ છે? અંનત! ઘરે મારાથી આરામ કેમ થાય? મારી દિકરી પથારીમાં છેને હું ઘરે કેમ આરામ કરુ? તમને અવનિને મુકીને જવાનું મન કેમ થાય?” અનિતાબહેન બોલી ઉઠ્યાં.
“અનિતા! મારુ પણ મન નથી થતુ. પણ. આપણો ઉદ્ધોગ રાખીને બેઠા છીએ, સવારથી ફોન પર ફોન આવ્યે જાય છે. મારે ઓફિસ જવું પડે તેમ છે, બોર્ડના સભ્યો મિટીંગ બોલાવવા માંગે છે જેથી અવનિ-નિત્યાની સારવારનો ખર્ચ કંપની ઉઠાવી શકે! બીજા ઘણાં કામો છે જે પતાવીને સાંજે અવનિ પાસે જ રોકાઇ શકાય..” શ્રીમાન મહેતાએ મજબુરી દેખાડી, “અનિતા! તને તો ખબર છેને, વકિલ શોધવાનો છે. ઘણાં કામ છે જે તારા વગર હું નહિ કરી શકુ. તને તો ખબર તારા વગર ઘરે મને કાંઇ ન મળે!”
“ભલે! હું આવું છું પણ તમારે ઓફિસ જતાં પહેલાં મને અહિં મુકી જવી પડશે..” અનિતાબહેને શરત મુકી. શ્રીમાન મહેતાએ શરત હસતા-હસતા સ્વીકારી. બન્ને શ્રીમાન પટેલને કોલ કરીને નીકળ્યાં.
- “મારે આ નિત્યા જીઆઈડીસી કેસની પુરી જાણકારી જોઇએ. કોણ ક્યાં આવ્યું? ક્યાં ગયું? આ અપહરણ થયું કઇરીતે? ક્યાં ચુક હતી? પુલીસ-મિડીયા તો જાણીને જ રહેશે. પણ. એ લોકો જાણે એ પહેલાં મને બધી જાણકારી સાંજ સુધીમાં મારા હાથમાં હોવી જોઇએ. મારી દિકરી માટે જો મારા પાવર્સ કામ ન આવે તો મારે આ બિઝનેસ એમ્પાયર ચલાવવાનો હક્ક નથી. માટે કોઇ ચુક કે કોઇને શંકા ન જવી જોઇએ. ઘણાં વર્ષો પછી મુંખ્યમંત્રીસાહેબ જાળ ફંસાયા છે, બચીને ન જવા જોઇએ.” ઓફિસે આવ્યા બાદ પહેલાં તો કોઇને કોલ કરીને શ્રીમાન મહેતાએ આદેશ કર્યો. સામે તેમને નિશ્ચિત રહેવા જણાવાયુ. કોલ કાપીને શ્રીમાન મહેતા ખુશ દેખાવા લાગ્યા.
***
- “અરે! ગૌરાંગીજી! તમે અત્યારે? મુખ્યમંત્રી સાહેબ તો નથી.” સાંજે ગૌરાંગીજી અચાનક આવી ચડતાં લાવણ્યા બોલી ઉઠી, ગૌરાંગી તેણીને જોઇ રહી, તેણીની સાથે ચાર-પાંચ સેવકો આવ્યાં હતાં, જોકે, લાવણ્યાને લાગ્યું કે તેણી સાથે ગૌરાગી વાત કરવા ઇચ્છતી નથી, “તમે બેસો, હું અભિનવ સરને બોલાવી લાવું..”
“એ પહેલાં આ સુચીમાં જે છે તેનો પ્રબંધ કરી આપો, ત્યાં સુધી અમે ત્રીજા માળે રોકાશું, કોઇ આવે તો જરૂર હોય તો જ અમને કહેજો, સમજ્યા?” ગૌરાંગી અલગ જ રુઆબથી બોલી રહી હતી, લાવણ્યા માત્ર માથું હલાવીને સહમત થઇ, ગૌરાંગી તેના કાફલા સાથે સીડીઓ ચડવા લાગી, એક સેવક લાવણ્યાને સુચી આપવા રોકાયો, સુચી જોઇને ખરેખર લાગતુ હતુ કે પવિત્ર સ્નાન તેમજ હવન યોજાવાનો છે, જોકે, લાવણ્યાએ વધારે વિચાર કર્યા વિના સામાન લેવા નોકરોને દોડતાં કર્યા.
“જ્યાં સુધી હું છું ત્યાં સુધી યુવરાજને કોઇ ભિખારી પણ મારી મરજી સિવાય નહીં મળે અને મારા ભાઇની મને ચિંતા નથી, અનિલ શહેરા ક્યાં જવાનો છે? જખ મારીને મારો કેસ લડવો પડશે, અરે! કાલે ઓફિસ આવવનો વિચાર છે, પણ, જોઇએ, આજ રાત કેવી નિકળે! પપ્પા તો અબાડાસા ગયા છે, આજે તો હું એકલો છું, વિચારુ છું કે પેલા રોનકને કોલ કરીને કોઇ માલ છે કે નહીં એ પુછાવી લઉ!” અભિનવ સભાખંડમાં આવતો બેફિકરાઇથી કોલમાં કોઇની સાથે વાતો કરી રહ્યો હતો, “અરે! યાર! બહારની નથી જોઇતી, અહિં હોય તોય ચાલશે, શું કામ ખોટો ખર્ચ કરવાનો? કામ તો એક રાતનું જ છેને?” નફ્ફટાઇથી હસવા લાગ્યો અભિનવ! “ચાલ! મુકું!” આજુબાજુ જોયું તો નોકરો તેના કામમાં પડ્યા હતા, “અરે! આ કામચોરોને શું થઇ ગયું? જાણે કોઇ ફેસ્ટીવલની તડામાર તૈયારી ચાલી રહી છે, લાવાને ખબર હશે.” અભિનવને લાવા જ પહેલા યાદ આવી, “હાં! પણ એ છે ક્યાં?” સોફા પર બેઠો, એક નોકર પાસે પાણી મગાવ્યુ, નોકર પાણી લઇ આવ્યો, પાણી પીને મોબાઇલ પર જામ્યો.
“આ બધો સામાન ઉપર મોકલી દો, સભાખંડમાં મારે કોઇ વસ્તું ન જોઇએ.” મોટા-મોટા બાજઠ-આસનીયા-ગાદલા લઇ આવતા નોકરોને નિર્દેશ આપતી લાવણ્યા આવી, અભિનવે લાવણ્યાને જોતાં જ ઊભો થઇને પાસે ગયો. લાવા! તેને જોઇને બોલી ઉઠી, “અરે! સર! તમે ગૌરાંગીજીને મળ્યાં?”
“શું? ગૌરાંગી આવી છે?”
“હાસ્તો! આ એમણે જ મગાવ્યું છે, કોઇ હવન કરવના છે. તમને ખબર નથી?”
“હવન? આપણે તો કોઇ હવન કરવાના નથી.” અભિને કોઇ ગતાગમ ન પડી, લાવણ્યા પણ તેને જોઇ રહી.
“સર! તમને ખબર ન હોય તેવું તો બને નહીં, કદાંચ વિક્કીની ચિંતામાં તમે ભુલી ગયા હશો, તમે બેસો અથવા ગૌરાંગીજીને મળી આવો.” લાવણ્યા હવે અભિનવને સારી રીતે જાણી ગઇ હતી એટલે તેને ફોસલાવતાં સારી રીતે આવડી ગયું હતું.
“ભલે! તું તારું કામ કર! હું ગૌરાંગીને મળી આવુ.”
“ભલે.” લાવણ્યા અભિનવના કહેવાથી કામે લાગી, અભિનવ દોડ્યો ત્રીજા માળ તરફ! ત્યાં ગયો તો લાવણ્યા સેવકો સાથે બેઠી હતી, તેણી માટે ઊંચું આસન પાથરાયું હતું, અભિનવને દરવાજે જોતા સેવકોને બહાર જવા કહ્યું, સેવકો અભિનવને પ્રણામ કરતાં ચાલ્યા ગયા, અભિનવ તેણીની પાસે આવ્યો.
“ગૌરાંગીજી! આ હવન કરવાનું અચાનક કેમ નક્કી થયું, સ્વામીજીનો કોઇ આદેશ હતો કે પછી પપ્પા સાથે વાત થઇ ગઇ છે?”
“વાત તો નથી થઇ, પણ, તમને લાગે છે કે આ પ્રકારના હવન અંગે આપણે આપણા વડિલો સાથે વાત કરવી જોઇએ.”
“ગૌરાંગીજી! તમે શું કહો છો એ મને સમજાઇ રહ્યું નથી, એવો તે ક્યો હવન છે જેના વિશે વડિલોને વાત ન કરાય?”
“કેમ? વિસરી ગયાં? આ પ્રકારના હવન માટે તો તમે આશ્રમ આવવા તૈયાર હતા.”ગૌરાંગીએ યાદ અપાવી, અભિનવને યાદ આવતાં એ તો ખુશખુશાલ થઇ ગયો, ગૌરાંગીને ભેટવા જતો હતો પણ,અટકી ગયો, એ જોઇને ગૌરાંગી પણ હસી પડી.
“ઓહ્હ! ગૌરાંગી! એ તો મારા મગજમાંથી જ નિકળી ગયું,” અભિનવ તેના વાળ રમાડવા લાગ્યો, “પણ મને અંદાજો ન હતો કે તમે આટલા ઉતાવળા હશો, આઈ મીન”
“હાં! હાં! આવા વિચારો તો અમારા જેવા પામર જીવને જ આવેને! તમે તો રહ્યાં વૈરાગી! કર્મ કરીને વિસરી જાઓ! તમને તો કોઇ મોહ-કામ-માયા સ્પર્શ્યા નથી, જે છે એ અમને જ છેને.” ગૌરાંગી કટાક્ષ કરવા લાગી, અભિનવ હસવા લાગ્યો.
“તો ક્યારે હવન શરુ કરવો છે?” અભિનવ બોલ્યો.
“હમમમ્! હવે તમને કામ પ્રવેશ્યો..” ગૌરાંગી હસી, “પહેલાં હું ન્હાય લઇશ, પછી આપણે જમશું, છેલ્લે એકાંત!”
“ભલે..” અભિનવ ચાલ્યો ગયો, હવનનો સામાન ગોઠવાય ગયો, સેવકો હવનની પહેલાં જમ્યાં, ગૌરાંગીએ ન્હાયને અભિનવ અને લાવાણ્યા સાથે જમ્યું,
“અભિનવજી! આ હવનનું શાશ્ત્રોક્ત ખુબ મહત્વ છે, પણ, આજે એ પુરી રાત ચાલવાનો છે, જો લાવણ્યાને કોઇ કામ ન હોય તો એ ઘરે જાય તો સારું!” અમે તો સંસાર ત્યાગેલો હોવાથી અમને સ્વામીજીએ હવનમાં બેસવાની મંજુરી આપી છે, પણ, આ કુંવારીકાઓને કરવા યોગ્ય નથી.” હવનમાં જતાં પહેલાં જ ગૌરાંગીએ લાવણ્યાને દુર કરવાની તૈયારી કરી રાખી, લાવણ્યાની હાજરીમાં જ ગૌંરાગી બોલી.
“લાવણ્યા! તું થાકી ગઇ હોઇશ, આખી રાત તું નહીં રહી શકે, એટલે તું કાલે સવારે વ્હેલી આવજે..” અભિનવે લાવણ્યાને સમજાવી દિધું.
“જો મારી ખરેખર જરુર ન હોય તો હું જાઉ, કારણકે વસ્તુઓ લેવા માટે કોઇની તો જરુર પડશેને?” લાવણ્ય સહમત તો થઇ પણ, તેણીને લાગ્યું કે તેની જરુર રહેશે.
“અમારા સેવકો તમામ રીતે પારંગત છે, અમારે નોકરોની જરુર રહેતી જ નથી, તું તારા ઘરે જા.” આ વખતે ગૌરાંગી આદેશાત્મક સ્વરે બોલી, લાવણ્યાને અપમાન લાગ્યું હોય તેમ અભિનવ સામે જોવા વગર જતી રહી.
“ગૌરાંગી! હવે શું કરવાનું?” અભિનવને લાવણ્યાની નારાજગીથી કોઇ ફરક પડતો નહોતો.
“હવે હવનને નામે કામદેવની પુજા કરો!” ગૌરાંગી રંગમાં આવી, અભિનવે હાથ પકડ્યો, બન્ને અભિનવના ઓરડામાં આવ્યાં, અભિનવ પથારીમાં પટકાયો, ગૌરાંગીએ ખંભે પરથી લાલચટાક સાડી સરકાવી અને...!
- આગળ જે થયું ફરીથી એ જ લેપટોપમાં લાઈવ-ટેલીકાસ્ટ થઇ રહ્યું હતું, એ યુવતિના હોઠોનું સ્મિત લેપટોપ સ્ક્રિનની લાઈટ ફલેશ થવાને કારણે ચમકી રહ્યું હતું,
***
- “મિસ નિત્યા પટેલ ક્યાં માળે છે?” દાદા-મમ્મી તેમજ કેટલાક કાર્યકરો સાથે નિત્યાને જોવા સિવીલ હોસ્પિટલ આવેલ અધિવેશે રીસેપ્સનીસ્ટને પૂછ્યું.
“પહેલો માળ! ઇમર્જન્સી વોર્ડ!” રીસેપ્સનીસ્ટે જવાબ વાળ્યો. અધિવેશ સહિત બધા પહેલા માળ તરફ સીડી વાટે જતાં હતાં. પહેલા માળ પરીસર આવ્યા ત્યારે નિત્યાના વોર્ડ પાસે સૌમ્યાબહેન સાગરીકા બેઠા હતાં. તેમણે દુરથી રાવળ પરીવારને આવતાં જોઇને સામે ગયાં. દેવિકાબહેન પાસે પહોંચી ગયાં.
“સૌમ્યા! કેમ છે નિત્યાને? સારવારમાં પ્રતિભાવ આપે છે કે નહીં?” દિવ્યરાજદાદાએ પૂછ્યુ. સૌમ્યાબહેને ત્રણેયને બાકડા પર બેસાડ્યાં.
“કાકા! હોસ્પીટલે આવ્યાના સોળ કલાક પછી પણ નિત્યાની સ્થિતી ખુબ ગંભીર છે. તે સારવારમાં પ્રતિભાવ આપી રહી નથી. ડોક્ટરો કહે છે કે જો ચોવીસ કલાકમાં સારવારની અસર ન થઇ તો તેને મુંબઇ કે ચેન્નાઇ લઇ જવી પડશે, પણ, તોયે જોખમ તો રહે તેમ છે..” સૌમ્યાબહેન ભરાય આવ્યાં. રડવાં લાગ્યાં. તેની સાથે દેવિકાબહેન પણ રડવાં લાગ્યાં.
“નિત્યા ની હાલત માટે હું જવાબદાર છું, જો હું એને વહેલી મળી હોત તો એ નરાધમો તમારા ઘરે આવવાની હિમ્મત પણ ન કરત!”
“બેટા! તેમાં તારો કોઇ વાંક નથી. ખુશાલને ત્યા નિત્યા સૌથી સુરક્ષિત હતી. પણ જ્યારે ઘરમાં જ સાપ ઉછરતો હોય તો ત્યારે કોઇ શંકા કેમ કરી શકે.” દિવ્યરાજદાદાએ દેવિકાબહેનને આશ્વાસન આપ્યું. “સૌમ્યાદિકરી આટલું તો નિત્યા માટે કોઇ ન કરે જેટલું તે અને ખુશાલે કર્યું છે, ઇશ્વરને પ્રાર્થના છે કે તમારી મહેનત ફળે.”
“તમારા આશિર્વાદને કારણે જ આ બધુ શક્ય થયું છે,” સૌમ્યાબહેન સાગરીકા સાથે દિવ્યરાજકાકાને પગે લાગીને બોલી ઊઠ્યાં. દિવ્યરાજ કાકા સાગરીકાને માથે હાથ મુકીને બોલ્યાં.
“બેટા! તારુ પત્રકારત્વ કેવું ચાલે છે? અત્યારે તો બહું ભાગદોડ હશે. નહીં?”
“તમારા આશિર્વાદને કારણે બધે પહોચીં શકું છું. દાદાજી!”
“મારા તો આશિર્વાદ સદા તારી સાથે છે,” દિવ્યરાજદાદાએ સાગરીકાને આશિર્વાદ આપ્યાં, ત્યાં નર્સ આવીને દવા લેવાની સુચી હાથ ધરીને ચાલી ગઇ. સાગરીકા લેવા જતી જ હતી ત્યાં દાદા બોલી ઉઠ્યા. “અધિ! સાગરીકા સાથે દવા લેવા જા!”
“ભલે દાદાજી!” દાદા સામે સવાલ કર્યા વિના અધિવેશ સાગરીકા સાથે જવા સહમત થયો. બન્ને સાથે ચાલવાં લાગ્યાં. સાગા અધિવેશને જોઇ રહી.
“તો અધિ! પછી કોઇ વકીલ મળ્યો કે..?” ખાસ્સા સમય અધિવેશ ચુપ રહેતાં સાગરીકાને બોલવું પડ્યું. અધિવેશ ચાલતો-ચાલતો અટકી ગયો. નિચુ જોઇ રહ્યો. સાગરીકાને ખ્યાલ આવી ગયો કે અધિવેશ રડી રહ્યો છે. સાગરીકા તેની નજીક આવી. અને અધિવેશના ખભે હાથ મુકીને બોલી. “માફ કરજે અધિ, મારો ઇરાદો તને દુ;ખી કરવાનો ન હતો.”
“ના! ના! તારે માફ માંગવાની જરૂર નથી. આ તો ઉભરો આવ્યો એટલે રડી પડ્યો. છેલ્લા સાત દિવસથી વકીલ શોધવામાં એટલા પરેશાન થઇ ગયા છીએ કે એક ઢંગનો વકીલ શોધી શક્યો નથી. નહીંતર સાગરીકા! તું તો જાણે છે ને કે કેસ કેવો છે?” સાગરીકાનો હાથ પકડીને બોલ્યો, “સાગરીકા! તું તો પત્રકાર છો. તારા ધ્યાનમાં હોય તો કહેજેને! ફિસની કોઇ ચિતાં નથી...”
“અધિ! ભલે આપણે મળવાનું વધારે થતું ન હોય પણ હું તને અને યુવરાજભાઈને સારી ઓળખું છું, યુવરાજભાઈ ક્યારેય આવું ન કરી શકે એ અમને ગળા સુધીનો વિશ્વાસ છે. તું કેટલી મહેનત કરે છે એ તો તારા ચહેરા પરથી જ નજર આવી જાય છે. આ વધેલા વાળ-આ ઊંડી ગયેલી આંખો ને આ તારો નિસ્તેજ ચહેરો! આટલા હેન્ડસમ ચહેરા પર આ ઉદાસી જામતી નથી, હવે તો મારે કંઇક કરવું પડશે. ચાલ દવા લઇ આવીએ.”
“સાગરીકા! તારા કારણે મને નવો ઉત્સાહ આવ્યો.” બન્ને દવા લેવા મેડીકલ સ્ટોર દવા લઇને પાછા આવતાં હતાં. ત્યાં સાગરીકાને કોલ આવતા તેણી વાત કરવા રોકાઇને અધિને દવા ડોક્ટરને આપવા મોકલ્યો. અધિ પાછો આવતો હતો, પહેલા માળ આવ્યો. એક-બે ઓરડા પસાર થયો હશે ત્યાં એક ઓરડા આગળ પસાર થયો ત્યાં તેને લાગ્યુ કે એ ઓરડામાં દાખલ થયેલી રહેલી વ્યક્તિ તેને જાણીતી લાગી, અધિ અટક્યો. વિચારી પાછળ જોયું તો બે જમાદાર તૈનાત હતા. પોતે થોડોક પાછળ ગયો. ઓરડોની બારી ખુલ્લી હતી. બારી પાસે આવ્યો અને અંદર ડોકીયુ કર્યું. અંદર બેડ પર સુતેલી યુવતિ તેને જાણીતી લાગી. અધિ વિચારવા લાગ્યો કે આ યુવતિને ક્યા જોઇ હતી. અચાનક પાછળ ખભે હાથ આવતા અધિ ભડકી ગયો. પાછળ જોયું તો સાગરીકા હતી. અધિવેશને હાશ થઇ. “સાગરીકા!”
“એ અવનિ છે. નિત્યાને બચાવવા જતાં તેણી પણ ઘાયલ થઇ હતી. તું એને ઓળખે છે?”
“મોટાભાઇની ધરપકડ કરી એ રાત્રે તો હું ખુબ હારી ગયો. ત્યારે રસ્તામાં અવનિ મળી અને મને હિમ્મત આપી ત્યારે આટલે સુધી પહોચીં શક્યો. નહિતર તો ક્યાં હોત?” અધિવેશે કેફીયત આપી.
“ખરેખર ખુબ હિમ્મતવાળી છે અવનિ!
એક જ સમયે વીસ સાથે લડી હતી. એ બધા અત્યારે જીવન અને મોત વચ્ચે જજુમી રહ્યા છે ને આ છોકરી સાજી થઇ રહી છે. શારીરીક-માનસિક રીતે એ એટલી મજબુત છે કે એ સ્થાને કોઇ યુવક હોત તો એ મરી જ ગયો હોત.” સાગરીકા અધિને અવનિ વિશે વધારે જણાવવા લાગી. જોકે. અધિવેશ વિચારોમાં ખોવાઇ ગયો. “શું વિચારે છે? અધિવેશ!”
“કાંઇ નહીં! ચાલ આપણે દવા આપતા આવીએ.” અધિએ બોલ્યો. બન્ને ચાલતાં થયાં.
***
- “પપ્પા! નિત્યા જીઆઈડીસી કેસ માટે વકિલ અંગે વિચાર્યું છે કાંઇ?” સાગરે પૂછ્યું, ખુશાલભાઈની ઓફિસ એ બન્ને વાતો કરતા હતા.
“તેમા વિચારવાનું શું? જીજ્ઞાસાબહેન હમણા આવે એટલે તેમને શું બન્યું એ જણાવી દઇએ. શ્રીમાન મહેતા પણ આવવાના છે એટલે ત્રણેય નક્કી કરી લઇએ.”
“પણ. રૂક્મિન તરફથી વકિલ? તેના માટે પણ કોઇ વકીલ શોધવો પડશેને?” સાગર બોલ્યો, ખુશાલભાઇ જોઇ રહ્યાં. “મારો કહેવાનો અર્થ છે કે ભલે તે ગુનેગાર રહ્યો, પણ છે તો આ પરીવારનો દિકરો ને! ભલે હંસાકાકીએ તો રૂક્મિનને કોઇપણ રીતે બચાવવાની ના પાડી હોય, પણ આખરે એ માઁ છેને! દિકરા માટે લાગણી કોને ન હોય? એમણે આપણાં પર દબાણ લાવ્યું નથી. પણ આપણે તેમની મદદ ન કરીએ તો આપણે નગુણ કહેવાઇએ!” સાગર બોલ્યો. ખુશાલભાઈ મોટી ફાંદ સાથે ખુરશી માંથી ઉભા થયા. સાગર વિવેક ખાતર ઉભો થવા ગયો તો તેમણે બેસાડી દિધો. ખુશાલભાઇ ચિંતામાં આવે એટલે ચાલવા લાગે!
“મને એ જ ચિંતા સતાવે છે. હંસાબહેન સાથે વાત કરવાની મારી તો હિમ્મત જ નથી થતી. નવિનભાઈ ગયા પછી નિત્યા આપણી જવાબદારી છે અને નપાવટ તો નપાવટ તોયે રૂક્મિન ઘરનો દિકરો છે. પરીવારના મોભી તરીકે પરીવારના કોઇપણ સભ્ય પર આવતી આફત એ મારા પર આવેલી આફત ગણાય. પેટે જણ્યો હોય કે લોહીનો સંબંધે જોડાયેલો હોય. કહેવાય તો ઘરનો સભ્ય જ! રૂક્મિનને તેની નિર્દોષતા પુરવાર કરવાની તક તો કાયદો આપે જ છે. આ વખતે તો ખરેખર હું ધર્મસંકટમાં મુકાઇ ગયો છું..” ખુશાલભાઇએ મનની વ્યથા જણાવી.
“મે આઈ કમ ઇન?” શ્રીમાન મહેતાએ દરવાજે ખખડાવતા બોલ્યા.
“અરે! શ્રીમાન મહેતા! આવો! આવો!” ખુશાલભાઇએ આવકાર્યાં. બન્ને નજીક આવ્યા. હસ્તધુનન કર્યું. ખુશાલભાઇ તેમને સોફા સુધી લઇ આવ્યા. ત્રણેય સોફા પર બેઠા. “બોલો! શું લેશો?”
“અરે! કાઇ નહિ!” શ્રીમાન મહેતા બોલ્યા, “બસ! એકવાર આપણી દિકરીઓ સાજી થઇ જાય એટલે બસ! ઓફિસ માં મન નથી લાગતું. તમારો કોલ આવ્યો એટલે દોડતો આવ્યો. તમે ક્યા વકીલને બોલાવ્યા છે?”
“જીજ્ઞાસાબહેન ગઢવી!”
“શું? જીજ્ઞાસા ગઢવી?” શ્રીમાન મહેતા ઉભા થઇ ગયા. ચહેરાનો રંગ ઉડી ગયો. ચહેરા પર પરસેવો વળી ગયો. “તમે એમને બોલાવ્યા છે?”
“શ્રીમાન મહેતા! શું થયું? જીજ્ઞાસાબહેનથી કોઇ વાંધો છે? નવિનભાઇ હત્યા કેસ એ જ લડે છે,” ખુશાલભાઇ શ્રીમાન મહેતાની ગભરામણ ન સમજી શક્યા.
“ખુશાલભાઇ! મે આઈ કમ ઇન?” દરવાજે જીજ્ઞાસાબહેન સાક્ષાત! શ્રીમાન પટેલે આવકાર્યા. અંદર આવ્યા બાદ શ્રીમાન મહેતાને જોઇને બોલી ઉઠ્યાં. “જો મને પહેલેથી જ ખબર હોય કે આ કેસ માટે તમે શ્રીમાન મહેતાને પણ બોલાવ્યા છે તો હું તમને ફોન પર જ આ કેસ લડવાની ના પાડી દેત!”
“જીજ્ઞાસાબહેન! તમને વાંધો શું છે?” ખુશાલભાઇ બોલી ઉઠ્યા.
“મને આ વ્યક્તિ સાથે વાંધો છે જ્યા આ વ્યક્તિ હશે ત્યાં ન્યાય મળવો મુંશ્કેલ છે. હું તમને ચણાના ઝાડ પર ચડાવીને એક નિર્દોષ સાથે રમત ન રમી શકું! હું તમને આ જ કહેવા આવી હતી,”
“પણ, તમને વાધો શો છે? આરોપીઓ ઝબ્બે છે. સાક્ષીઓ છે.”
“ખુશાલભાઇ! મારે જે કહેવું હતું એ મે કહી દીધું. હવે એ તમે જાણો. તમારે કોને વકીલ લેવો એ તમારો અંગત મામલો છે. રહી વાત! નવિનભાઇ હત્યા કેસ ની! તો! એ કેસ તો હું જ લડીશ. પણ. એ આ કેસ સાથે લડાશે નહીં!” જીજ્ઞાસાબહેન શ્રીમાન મહેતા સામે જોયા વગર જ બોલી ઉઠ્યાં. “મને હવે રજા આપો!” જીજ્ઞાસાબહેન જતાં રહ્યાં.
“મને માફ કરજો! હવે તમે જે વકીલ શોધશો એ મને મંજુર હશે. હું તમને જીજ્ઞાસાબહેનને બોલાવવાની ના જ પાડવાનો હતો. પણ..” શ્રીમાન મહેતાએ નિસાસો નાખ્યો. ઉભા થયા અને ચાલતા થયા. પટેલ બાપ-દિકરો એકબીજાને જોઇ રહ્યા.
***