ભઈલુની દિવાળી
બીના રાઠોડ
મામાના ઘરેથી બે મોટી થેલી ભરીને કપડા અને ફટાકડા આવી ગયા હતા. એક થેલીમાં બે ફ્રોક,ભઈલુ માટે એક ટીશર્ટ ને જીન્સની જોડી અને મમ્મી માટે બે સાડી કાઢતા કાઢતા જ મીતુડી એ પોતાને ગમતું ફ્રોક પહેલા જ બગલમાં દબાવી રાખીને મને બીજું ફ્રોક આપીને ડાહ્યું ડાહ્યું હસતા કહ્યું,”બબી, આ ફરાક મને નઈ થાય.આ તને જ બરાબર થાસે !”
મીતુ મારા કરતા બે વર્ષ નાની હતી પણ એ મારા જેવડી જ બાર વર્ષની લાગતી.છતા પણ બે વસ્તુનો જો ભાગ પડવાનો હોય ત્યારે પોતાને ગમતી વસ્તુ લઈને બીજી વસ્તુ મને બંધબેસાડી દેતી.
મમ્મી એ જોયું કે આજે જગડ્યા વગર બંને બહેનોએ દિવાળીને દિવસે શું પહેરવું એ નક્કી કરી લીધું છે. પછી જ તે અમારી પાસે આવી અને ભઈલુને બદલે મમ્મી જ ભઈલુ માટે મામાએ શું મોકલ્યું છે તે જોવા લાગી.
ભઈલુ મારા કરતા બે વર્ષ મોટો છે અને મોટા લોકોને દિવાળીની ઉત્સુકતા ન હોય એવું મને લાગતું.કારણ કે મમ્મી પપ્પા કે ભઈલુ આ ત્રણે જણ ક્યારેય દિવાળીના દિવસોમાં અમારા જેવા રાજી ન દેખાતા.
બીજી થેલી મે ખોલી કારણ કે મીતુડીનો વારો પુરો થઈ ગયો હતો.થેલી માંથી ફટાકડાના બોક્સ અને ચાંદલિયા ફોડવાની એક પિસ્તોલ નીકળી.મીતુડી કાંઈ બોલે એ પહેલા જ મમ્મી બોલી,”ઈ ભઈલુ માટે છે હોં...!”
મનમાં થયું મમ્મીને તો બસ ભઈલુ જ દેખાય.ત્યાં મીતુડી મારા મનની વાત જોરથી બોલી,”તને તો બસ ભઈલુની જ પયડી હોય.”
મમ્મી કાંઈ ન બોલી ને થેલી માંથી નીકળેલા બધા કપડા ને ચેક કરતા કરતા કહ્યું,”મીતુ તારું ફરાક મેલું છે.એને એક વાર ધોઈને ઈસ્ત્રી કરી લેજે એટલે નવું જ લાગસે.”પછી મમ્મી મારી સામે જોઈને બોલી,”બબી તારા ફરાકની ચેન બગડી ગઈ છે, એમાં તને બટન ટાંકી દઈસ.” ભઈલુ મામાના ઘરેથી શું આવ્યું એ જોવા ઊભો ન થયો, એટલે મમ્મીએ ભઈલુને કહ્યું,”ભઈલુ ! આ પેંટ પેરી જો તો. એટલે ખબર પડે કેટલા ટેભા ભરવા.”
દિવાળીને દિવસે મે ને મીતુ એ મામાના ઘરેથી આવેલા કપડા નવા કરીને પહેર્યા.
તેમના આપેલા ગયા વર્ષના ફટાકડા માંથી અમુક ફૂટ્યા ને બાકીના ન ફૂટેલા ફટાકડાના અમે સુરસુરીયા કરતા હતા.
ત્યાં મમ્મી ભઈલુની ચિંતા કરતી આવી, ને બોલી,”કોણ જાણે તમારો બાપ પીને ક્યાં પયડો હસે ?આ ભઈલુ કારખાનેથી આવતા આવતા એને ગોતવા નીકળો છે તી હજી ન આયવો !”
***
ભઈલુની ઉત્તરાયણ
૧૯૯૧ ની સાલમાં બીલ્ડીંગની અગાસી પરના એન્ટીના એવા લાગતા, જાણે સેટેલાઈટ નામના શિકારીએ અગાસીના ડિલને તેના બાણોથી વિંધી નાંખ્યા હોય.
હું ને મીતુ અગાસીમાં છાંયડો ગોતીને બેઠા બેઠા એન્ટીના પર વિંટળાયેલા માંજા ભેગા કરીને અંગૂઠા થી ટચલી આંગળી પર ‘ઇન્ફિનીટ ચિહ્ન’ જેવું વીંટાળી રહ્યા હતા.
મીતુએ વીંટવાનું શરુ કર્યું ત્યારે હોશિયારી મારતા મને શીખવી રહી હોય એમ કહ્યુ,”આ તો સાવ સેલ્લુ છે બબી.મને જો હું કંઈ રીતે કરુ છું.” ને થોડી વારમાં માંજો ગુંચવાઈ જતા છટકતા બોલી, ”બબી હું ઘરે જઈને ભઈલુ અને તારી માટે પાણી લઈને આવું.” કહેતા માંજાનું ગૂંચડુ મને આપતી ગઈ.
ભઈલુંનો પ્રિય તહેવાર એટલે આજનો દિવસ.ભઈલુ પતંગ ઊડાડવામાં માસ્તર હતો. તેને ખબર હતી કઈ પતંગ સ્થિર રીતે ઉડી શકે.
ઉત્તરાયણના થોડા દિવસ અગાઉ જ તેણે પ્લાસ્ટિકની થેલીઓ અને જૂના વાંસના બાંબુ ભેગા કરી ઘણા પતંગ બનાવી નાંખ્યા.
મે ભઈલુને કન્ની બાંધવા ભેગો કરેલો માંજો આપ્યો એટલે તેણે પોતાની કારીગરીનો એક નમૂના મને આપતા કહ્યું,”જોતો બબી ! જોઈ છે આવી પતંગ ક્યાંય ? આ પતંગ એક બે ને ત્રણ કરતા તો એયને આકાશમાં ઊંચી ઉડતી હસે.”
ભઈલુએ મીતુડીને આ પતંગ ન આપતા મને પહેલા આપ્યો એવું વિચારીને હું ફુલાય ગઈ.ભઈલુ પર વહાલ આવી ગયો હોય એમ મે ભઈલુને કહ્યું,”ભઈલુ તું ખમ,મમ્મીને ઓલા ઈલા આંટીએ ચીક્કી બનાવવાનો મોટો ઓર્ડર આયપો છે.એમાથી તને ચાખવા જેટલી ચીક્કી લઈને આવું...!”
ત્યાં દાદરા ચડીને હાંફતી હાંફતી મીતુ દોડીને અમારી તરફ આવતા એક હાથ ઊંચો કરીને તેની તરફ બોલાવી રહી હોય એવો ઇશારો કર્યો. હું ને ભઈલુ એના ચહેરાના ભાવ જોઈને તેના તરફ દોડ્યા.
મીતુ ગોઠણ પર બે’ય હાથ ટેકવી બોલી,” તમે બે’ય ઘરે હાલો,મમ્મીના પગ પર ગરમ ગરમ ગોળનો પાયો ઢોળાયો છે.”
અમે એક સાથે બે બે દાદરા કૂદીને ચાર માળ ઊતર્યા. મમ્મીના જમણા પગના પંજા પર અને ડાબા પગના અંગૂઠા પર ગોળના પાયો જાણે સીલ મીણ હોય તેમ ચોંટી ગયો હતો.
અમે મમ્મીને દવાખાને લઈ ગયા.ડોક્ટરે પણ મમ્મીને જોતા જ દવા લેવા આવેલા કાપડિયા શેઠના દીકરાને બહાર બેસવાનું કહી મમ્મીને તપાસવા અંદર બોલાવી.
દવા લઈને મમ્મીના પગ પર ડ્રેસિંગ કરાવ્યુ તેના પંચોતેર રૂપિયા થયા.
હજુતો ધરે આવ્યા કે મીતુડીએ ભઈલુ અને મારી ફરિયાદ કરતા મમ્મીને કહ્યું,”મમ્મી તને ખબર છે ભઈલુએ કેટલી બધી પતંગ બનાવી હતી ? એણે એક પતંગ બબીને’ય આયપી’તી,પણ મને ન આયપી..! ને બાકીની બધી પતંગ ઓલા કાપડિયા શેઠના છોકરાને એંસી રૂપિયામાં વેચી નાયખી”
***
ભઈલુનો બાળદિવસ
બધા વિદ્યાર્થીઓ બસમાં એ રીતે ગોઠવાઈ ગયા હતા જાણે બધાને બારી વાળી સીટ જોઈતી હોય. હું હંમેશાની જેમ મીતુની બાજુમાં ન બેઠી કારણે કે મને કિરણએ બારી વાળી સીટ આપી, વળતી વખતે મારે તેને બારી વાળી સીટ આપવાની શરતે.
સવારના પોણા સાત વાગી ગયા હતા.પંદરેક મિનીટ માં બસ ઊપડવાની તૈયારી હતી.ભઈલુ હજી આવ્યો ન હતો.હું તે ન આવ્યોની ચિંતા કરી રહી હતી.મીતુ તેની બાજુમાં બેસેલી પલ્લુ સાથે જગડી રહી હતી કે,”મારો ભઈલુ આવે એટલે તું પાછળ જતી રેજે હોં...! આ બારી વાળી સીટ મે બબીને પણ નથી આપી તો તને ક્યાંથી આપું ? મારા ભઈલુ માટે રાખી છે મે.... સમજી ને ? “ “પણ ભઈલુ કેમ ન આવ્યો હજી ? બબી ?”કહેતા મીતુએ બે સીટની વચમાં પડતી જગ્યા માથી એક આંખે મારી તરફ પાછળ જોઈને પૂછ્યું.
મે તેને કાન નજીક લાવવાનો ઇશારો કરી ધીમેથી કહ્યું,” ઈ છે ને આપણા બે’ય માટે પોપીન્સ પીપર લેવા ગ્યો છે. મને બસમાં બઉ ઉલ્ટી જેવું થાય છે ને એટલે.”
મીતુના ગાલ પોપીન્સનું નામ સાંભળતા જ મલક મલક થઇને,પોપીન્સના સ્ટ્રોબેરી ફ્લેવર જેવા લાલ થઈ ગયા.
ત્યા બસના દાદરા ધબ....ધબ કરીને કોઈ આસ્તે આસ્તે ચડ્યું. બધાને લાગ્યું દરવખતની જેમ હેડમાસ્તર સ્કુલ પીકનીક માટે સૂચનાઓ દેવા આવ્યા. ઘબઘબ અવાજ સાંભળતા જ બસની જમણી બાજૂ વાળી બધી સીટના બધા વિદ્યાર્થીઓ ચુપચાપ અદબ વાળી બેસી ગયા. પણ ડાબી બાજુ વાળા વિદ્યાર્થીઓ ખીખી ખીખી કરતા હસવા લાગ્યા. કારણ કે ડાબી બારીઓ માથી લગભગ બધાએ ફાંદાળા પિયુન ‘ભીમા ભાઈ’ને જોઈ લીધા હતા. તે જ્યારે પણ આમારા વર્ગમાં આવતો,ત્યારે તેની ફાંદ વર્ગનો ઉંબરો પહેલા ઓળંગતી. એ જ રીતે બસમાં ચડ્યા પછી તેની ફાંદ દેખાતા જમણી બાજુના વિદ્યાર્થીઓ પણ બાકી બચેલી ખીખીયારીમાં જોડાઈ ગયા.
હું ને મીતુ ભઈલુની જ વાટ જોઈ રહ્યા હતા. મીતુને લાગ્યું ભઈલુ બસ ઊપડ્યા સુધી નહી આવે તો ?,એટલે તેનાથી ગુસ્સામાં બોલાઈ ગયું,” બબી તારે એને ના પાડવી તી ને અત્યારે પીપર લેવા જાવાની.એક તો માંડમાંડ આ વખતે પીકનીકમાં એનો મેળ પયડો છે.”
હું કાંઈ બોલવા જાઉં એ પહેલા ડ્રાઈવિંગ સીટ પાસેથી ધડ કરતો દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો. ડ્રાઇવર આવી ગયાની જાણ થતા જ બધા જોર જોરથી હે.... હે..... કરવા લાગ્યા, ત્યાં મારો ને મીતુનો ઉચાટ વધી ગયો.
ડ્રાઇવરે બોટલથી પાણી પીને એક જાડો રૂમાલ પોતાના શર્ટના કોલર પર ખોસ્યો ને ઘર્ર-ઘર્ર કરતા બસ સ્ટાર્ટ કરી.
હેડમાસ્તરે આવીને દરવખતની જેમ પોતાનું ગોખેલું બોલવાનું શરુ કર્યું,”મારા વહાલા વિદ્યાર્થીઓ.બાળ દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આપણી શાળાના ટ્રસ્ટીઓએ આજની ‘એસ્સલવલ્ડ’ ની આ પીકનીકનું આયોજન કર્યું છે.જેના માટે આપણે સહુ એ તેમનો આભાર માનવા આવતી કાલે શાળાના પ્રાંગણમાં ભેગા થવાનું છે. તો જે કોઈ વિદ્યાર્થી આવતી કાલે ગેરહાજર રહેશે,તેમને આવતા વર્ષે પીકનીક પર લઈ જવામાં નહી આવે.” તે સિવાયની સૂચનામાં હેડમાસ્તર ક્યાંય ગંદકી કરવી નહી, એસ્સલવલ્ડ ની પ્રોપર્ટીને નુકસાન કરવું નહી,સમય સર બસ પર આવી જવું,વગેરે વગેરે સૂચના જોડી રહ્યા હતા.
આમતો મને દર વર્ષે સાંભળેલી આ સૂચનાઓ સાંભળવાનો કંટાળો આવવો જોઈતો હતો.પણ બસ હજુ પાંચ સાત મિનીટ નહી ઉપડે ની ખાતરી થઈ એટલે સૂચનાઓમાં કોઈ રસ ન હોવા છતાં’યે આજે હેડમાસ્તરની સૂચનાઓ મને ધિરજ આપી રહી હતી એટલે જ ગમી રહી હતી. હેડમાસ્તર હજુ દસેક મિનીટ બોલ્યા જ કરે તો સારું, એમ લાગી રહ્યું હતું.
મીતુએ જોરથી સીટ પર બેઠા બેઠા જ કુદકો મારતા કહ્યું,”બબી ! મને ભઈલુ દેખાણો, જો..... ઓલો આવે હાથમાં પોપીન્સ લઈને..!”
ભઈલુ અમારી બારી પાસે આવ્યો. અમારા હાથમાં પોપીન્સ આપવા હાથ ઊંચો કરતા બોલ્યો,” હું પીપર લઈને આવતો જ હતો, ત્યાં દુકાન વાળા પટેલ કાકા’યે મને પાછળથી બોલાયવો,મે વળીને જોયું તો પટેલ કાકા’યે એના કાન પર પોતાની લોકલ પી.સી.ઓ. નું રિસીવર રાયખુ’તુ ને મને બૂમ મારતા કીધું,” એ ભયલુ તારા શેઠનો ફોન છે,તને કારખાને બોલાયવો છે, નવી ધડી આવી છે. ( સોનાના દાગીના બનાવના કારખાનામાં નવા કામનો ઓર્ડર આવે તો તેને ‘ધડી’ મળી છે કે આવી છે એવું કહેવાય.ત્યારે કારખાનાનો શેઠ તેના કારીગરોને ફોન કરીને આમ અચાનક પણ કામ કરવા બોલાવી લે.) કીધું છે કે ભઈલુને ક્યો કે સાત ચાલીસની (લોકલ) ટ્રેન પકડીને આવી જાય.”
***