એક ચાલ તારી
એક ચાલ મારી
- લેખક -
પિન્કી દલાલ
( 12 )
એરપોર્ટથી ઘરે જવા નીકળેલી સલોનીના દિલમાં ચચરાટ શમવાનું નામ નહોતું લેતો.
મહિનાઓ સુંદર-સ્વચ્છ દેશમાં ગાળ્યા પછી મુંબઇ એરપોર્ટ પર ઊતરતાં તો જાણે એવું પ્રતીત થયું કે ચહેરા પર કોઇ ગંદું કપડું ઘસી દીધું હોય. વાતાવરણમાં બાફ સાથે કોઇ આછેરી દૂર્ગંધ શામેલ હતી, જે કદાચ બહાર વિદેશમાં લાંબા વસવાટને કારણે જણાઇ રહી હતી. બાકી તો એ જ કોલાહલ.. એ જ ગંદકી... ક્યાં કઇ બદલાયું હતું ?
અનીતા અને પરી સાથે રિસીવ કરવા આવેલી કારમાં સલોની ગોઠવાઇ તો ખરી, પણ મનમાં ઉદ્દભવેલા રંજનું કારણ પણ કદાચ આ કાર જ હતી ને !
ફ્લાઇટ દરમ્યાન તંદ્રામાં સરી ગયેલી ત્યારે તો ગૌતમની મેબેક લઇ શૉફર રિસીવ કરવા આવશે એવી કલ્પના કેટલી મીઠી લાગી હતી. એ પૂર્વધારણાનો ખુરદો બોલી ગયો એક જ ક્ષણમાં, રિસીવ કરવા આવેલી હોન્ડા સિટી કારને જોઇને ! બાકી હોય તેમ લગેજ માટે જે કાર આવી હતી એ તો નક્કી વિરવાનીઝની પ્રાઇવેટ કારના કાફલામાં નહોતી. ગુરૂનામ વિરવાની પાકાં ખેલાડી હતા. પોતે એમની કૂનેહ માપવામાં કોઇ ગફલત તો નહોતી કરી ને ? સલોનીનું મગજ હજી ઘણી દલીલ અને પ્રતિદલીલ કરવાના મૂડમાં હતું, પણ ત્યાં તો નેપાળી ડ્રાઇવરે એક આલીશાન દેખાતા બિલ્ડિંગનાં પૉર્ચમાં કારની એન્ટ્રી લીધી.
‘અરે, યે કૌન સી જગહ હૈ... ?’ સલોનીને મગજમાં ચાલી રહેલા વંટોળ પર બ્રેક મારવી પડી.
‘જી.. મૅડમ... મને તો અહીંની જ સૂચના આપવામાં આવી હતી.’ ડ્રાઇવર બહાદૂરે ઉપલા પૉકેટમાંથી પોતાનો મોબાઇલ ફોન કાઢી એસએમએસથી મળેલા મેસેજને ફરી ચેક કર્યો :
‘જી. મેમ... આ જ છે અલ-સીડ બિલ્ડિંગ...’ સલોની સ્તબ્ધ રહી ગઇ. મનની આશંકા સાચી પડતી હોય એમ લાગી રહ્યું હતું ?
ડ્રાઇવર સાથે મગજમારી કરવાનો અર્થ નહોતો. સલોનીની જેમ અનીતા પણ એટલી જ અવાચક હતી. ફરક માત્ર એટલો હતો કે સલોનીના મનમાં ઘરનો અર્થ બ્લુ બર્ડ મૅન્શન હતો, જ્યારે અનીતાના મનમાં મોન્ટાના, એટલે સલોનીનું ઘર રમતું હતું.
‘મૅડમ, ઘરે જવાનું છે કે પછી અહીં બધું સેટ કરી લઉં ? ‘અનીતા સમદારીથી મામલો સાચવી લેવા માંગતિ હોય એમ પૂછી રહી.
‘હ્મ્મ, અનીતા... હમણાં તો લગેજ સેટ કર.. આપણું ઘર તો તદ્દન બેહાલ હશે... એ જરા ઠીક કરી લઇશું પછી વાત.’ સલોની એટલી સાહજિકતાથી બોલી કે જાણે પોતે જ આ ગોઠવણ કરી હોય. પોતાના દિલનો ઉત્પાત અનીતા ક્યાંક ન જોઇ જાય !
અનીતાને તો વિદાય કરી દીધી, પરંતુ સલોનીના હ્રદયમાં અસલામતીની ભરતી ચઢવા લાગી.
ઍપાર્ટમેન્ટ હતું અતિશય ખૂબસૂરત એમાં કોઇ શંકા નહોતી. પાંચ બેડરૂમ્સ, વિશાળ લિવિંગરૂમ, એની સાથે એટેચ્ડ ડાઇનિંગ, કિચન, સર્વન્ટ ક્વાર્ટસ અને વિશાળ ટેરેસ ને એમા લહેરાતા ખૂબસૂરત પામ્ઝ સાથેનો ગાર્ડન... અલ-સીડ્નો ટૉપ ફ્લોર આખો આ એક એપાર્ટમેન્ટમાં કન્વર્ટ કર્યો હતો અને પ્રાઇવેટ લિફ્ટ પણ ખરી, જે સીધી લિવિંગરૂમમાં દાખલ થવા પૂર્વે આવતી લાઉન્જમાં ખૂલતી. ખરેખર તો આ જગ્યા જોઇને સલોનીનું દિલ બાગ બાગ થઇ જવું જોઇતું હતું, પણ એ જ કારણ ચચરાટ કરાવી ગયું. એનું કારણ માત્ર પોતાને બ્લુ બર્ડ મૅન્શનથી દૂર રાખવામાં આવી એવું પણ નહોતું. મૂળ કારણ હતું નીચે લાગેલી નેમ પ્લેટ પરનું નામ : બ્લુ બર્ડ પ્રાઇવેટ લિમિટેડ.
એનો અર્થ એવો પણ થતો હતો કે આ ફ્લેટ સલોનીને કે સલોની માટે નહોતો, બલ્કે આ તો હતું વિરવાનીઝનું પ્રાઇવેટ ગેસ્ટહાઉસ,જેનો ઉપયોગ હાઇ પ્રોફાઇલ ક્લાયન્ટને ઉતારો આપવા થતો... એટલે કે પોતે હજી વિરવાનીઝ કુટુંબનો ભાગ નથી બની ? કે પછી એ પણ બે-ચાર દિવસ માટે આવતા ગેસ્ટ જેવી હેસિયત ધરાવે છે ?
સલોની શૂન્યમનસ્કે સામે દરિયામાં ઉછળતાં મોજાંને તાકતી રહી.
* * *
‘પુટ મી ટુ મિસ્ટર વિરવાની, પ્લીઝ..’
સલોનીએ બે દિવસ રાહ જોયા પછી સામેથી જ ગુરુનામ વિરવાનીની ઑફિસે ફોન જોડવો પડ્યો.
‘મેં આઇ નો હુઝ ઑન ધ લાઇન,પ્લીઝ ? રિસેપ્શનિસ્ટે પોતાની સ્વાભાવિક પૂછપરછ કરતાં પૂછ્યું. જે સાંભળતાં જ ક્ષણભર માટે તો ખચકાઇ ગઇ સલોની.
‘સલોની દેશમુખ...’ આગળ વધુ કંઇ ન બોલતાં પોતાનું નામ આપીને ચૂપ રહેવું બહેતર હતું.
‘રિગાર્ડિંગ... ?’
ગુરુનામ વિરવાની સાથે વાત શા માટે કરવી છે એનું કારણ રિસેપ્શનિસ્ટ પૂછી રહી હતી. આખરે ચૅરમેનને આવતા ફોન કોલ્સ સ્ક્રીનિંગ વિના કઇ રીતે આપી દે.
‘તમે એમનું મારું નામ આપો... એ મને ઓળખે છે..’ સલોનીને આ બોલવું પણ ભારે કઠ્યું. પોતે ધારી હતી એટલી સહેલી આ બાજી નહોતી એનો ખયાલ એને હવે આવી રહ્યો હતો. થોડી ક્ષણ એમ જ વીતી ગઇ, ગુરુનામ વિરવાની લાઇન પર આવે જ નહીં તો ? એ વિચાર સલોનીને ડરાવી ગયો.
‘યૅ.. સ...’ ગુરુનામ વિરવાનીનો ગંભીર, ઘૂંટાયેલો અવાજ કાન પર અથડાયો. સલોની ક્ષણભર માટે ખચકાઇ ગઇ :
ગુરુનામ વિરવાનીને સંબોધન શું કરવું ?
બાબુજી ? જે લગભગ મોટા ભગનો સ્ટાફ કરતો હતો કે પછી ડેડીજી... કે પછી ચીફ... ? જે સંબોધન ગૌતમ કરતો હતો.
‘સર... ગુડ નૂન... સલોની હિયર..’ પોતે વિચારતી હતી એમાંથી એકેય સંબોધન જીભ પર ન આવ્યું.. ને આવ્યું તો એક લાગણીવિહીન સંબોધન.
’ ઓહ.. રાઇટ.. હાઉ આર યુ.. ? ઓલ વેલ ?’ ગુરુનામે વિવેક્પૂર્ણ પૃચ્છા કરી, પણ એમાં તરી રહેલો હિમ સલોનીને સ્પર્શ્યા વિના ન રહ્યો.
એ પછી બે-પાંચ મિનિટ ઔપચારિક વાતો થતી રહી. જોવાની ખૂબી તો એ હતી કે હોસ્પિટલમાં જે બાળકીને પોતાની પ્રિય મૃત પત્નીની નિશાની આપીને રમાડવા આવનારી વ્યક્તિ પરીનુ નામ પણ યાદ ન આવ્યું હોય એમ ઠંડકથી પૂછ્યું :
‘બેબી કેમ છે ?’
સલોનીના મનમાં ઊંડે રમ્યા કરતું હતું કે એક વાર આઇસ બ્રેક થાય એટલી વાર પછી ગુરુનામ વિરવાનીના ખોળામાં પરી મૂકીશ એટલે દાદાનું દિલ પોતાના અંશને જોઇને જરૂર પીગળશે,પણ એ વાત કંઇ બનતી લાગી નહીં.
‘સર, આપને મળવા આવવું હતું..’ સલોનીએ સામે ચાલીને જ નિમત્રંણ માંગી લેવું પડ્યું.
‘હમ્મ..’સામે ગુરુનામ વિરવાની કોઇ વિચારમાં હોય એમ જવાબ આપવામાં વિલંબ કરી રહ્યાં હોય એવું લાગ્યું.
‘એટલે કે તમારી અનુકુળતાએ...’ સલોનીએ વિરાથી સાથે જોડી દેવુ પડ્યું.
‘ઓકે....’ સલોનીના એ પ્રતિસાદ થી ગુરુનામ વિરવાનીએ હા ભણતા હોય એમ કહ્યું :
‘બે દિવસ તો હું આઉટ ઓફ ટાઉન છું, શનિવારે પાછો આવીશ.. તો શનિવારે લગભગ ચારેક વાગે મળીયે...’
ગુરુનામે એટલી સ્વાભાવિકતા કહ્યું કે સલોનીનું મન ચિંતામૂકી્ત થઇ ગયું. પોતે નાહકની ચિંતા કરી રહી હતી. વર્કહોલિક માણસનું આવી નાની નાની વાતોમાં ધ્યાન ન પહોંચે એ સ્વાભાવિક છે.
એક તરફ, ફોન કોલની આ વતચીતથી સલોની હળવી થઇ ગઇ તો બીજી બાજુ, એ જ વાત ગુરુનામ વિરવાનીને વિચારતાં મૂકી ગઇ વ્હોટ નેક્સ્ટ.. !
સલોની સાથે વાત પતાવ્યા પછી તરત જ વિરવાનીએ એમના સલાહકાર કમ વકીલ ચોપરાને ફોન કર્યો હતો.
‘ગુરુનામ... લેટ હર કમ.. જોઇએ તો ખરાં, એના મનમાં શું છે ?
‘ચોપરા, એમ તો મેં બે દિવસ વાત ટાળી દીધી છે.... કહ્યું કે આઉટ ઓફ ટાઉન છું,પરંતુ આ વાતને ઝાઝી ખેંચવામાં પણ મજા નથી... શુ કહે છે ?’ ગુરુનામ વિરવાનીએ પોતાની કાબેલિયત અને માણસો પારખવાની શક્તિ પર ભારે ગુમાન હતું, પણ છેલ્લાં થોડાં સમયમાં સંજોગો જ એવા ઉપસ્થિત થઇ રહ્યાં છે કે ગુરુનામ વિરવાનીને પોતાના પણ ખયાલ ન રહ્યો કે એ ક્યારે ચોપરા પર આટલા બધા ઇમોશનલી ડિપેન્ડન્ટ થઇ રહ્યા છે.
‘ગુરુનામ... એ બધું છોડ... આ મિટિંગમાં તું કહે તો હું આવીશ, પણ મને લાગે છે કે એની જરૂર નથી... મારી હાજરીમાં કદાચ એ હ્રદય ખોલીને વાત ન કરી શકે એવું પણ બને ! એવા સંજોગોમાં આપણે જાણવું જરૂરી બને છે કે હવે એને આપણી પાસે જોઇએ છે શું ?’
ગુરુનામ વિરવાની સાથે વાત કર્યા પછી હળવી થઇ ગયેલી સલોનીએ ટેરેસ ગાર્ડનના હીંચકા પર જમાવ્યું. ઢળતી સાંજે, દરીયાનુ મુલાયમ સંગીતઅને વહીને આવતો મખમલી પવન.... લાઇફ ઇઝ બ્યુટીફુલ... સલોનીના મનમાં ઊઠ્યું.
‘મૅમ... ફોન...’ અનીતાએ આ સુખની અવસ્થા લાંબી ટકવા દેવી હોય એમ આવીને સલોનીના હાથમાં મોબાઇલ ફોન થમાવતાં કહ્યું.
’કોણ ?’
સલોનીની આંખમા ડોકાઇ રહેલો પ્રશ્ન સમજી ગઇ હોય એમ એ પૂછે તે પહેલાં જ અનીતા બોલી:
‘આઇ... બીજું કોણ ?’
ઓહ... પોતે શું સમજી ? સલોનીએ પોતાની જાતને ટપારી-ફોન માત્ર વિક્રમનાં જ આવે ? સામે છેડે આઇ હતી. ચિંતાગ્રસ્ત અવાજમાં કેટલાય પ્રશ્નોની ઝડી વરસી રહી.
‘આટલી મોટી થઇ, પણ સમજદાર ન થઇ... અરે ! મુંબઇ આવી ગઇ તો કોઇ મા-બાપ જાણ કરે ને !’ સુહાસિનીએ દીકરીની લાપરવાહી સામે રોષ વ્યક્ત કર્યો.
‘પરવીન, ફરી એક વાર સૂર્યવંશી ને મોરેને રિમાઇન્ડર આપી દેજો, ઓકે ?’ બહાર નીકળતા ફરી એકવાત ચોક્કસાઇ કરતાં સુદેશ સિંહે પૂછ્યું :
‘અરે, મમ્મા... ફોન કરવાની જ હતી, પણ...’ સલોનીને આગળ બોલતાં આઇએ અટકાવી.
‘સલોની.. મને થયું કે તને નાહકની ચિંતા થશે એટલે તારા બાબાના આદેશથી તને જણાવ્યું નહીં.. તારા બાબા આજે જ ઘરે આવ્યા..’ સુહાસિનીના અવાજમાં હળવો કંપ હતો.
‘એટલે ?’ હવે અચંબો પામવાઓ વારો સલોનીનો હતો.
‘બાબા હોસ્પિટલ હતા.. પૂરાં સત્તર દિવસ...’ કઠણ કાળજાની સુહાસિનીએ કદાચ ધરબી રાખી હશે તે લાગણીનું ચોસલું નાનકડું ધ્રૂસકું બનીને સરી પડ્યું.
‘શું થયું બાબાને... ?’ સલોનીને ઝાટકો લાગ્યો હોય એમ એ હીંચકા પરથી ઉતરી ગઇ.
‘વેન્ટ્રિક્યુલર ફેલ્યોર..’ પ્રાયમરી સ્ફૂલમાં વર્ષો સુધી શિક્ષિકા રહેલી સુહાસિનીએ સ્વભાવ પ્રમાણે પતિની વ્યાધિ વિશે તલસ્પર્શી માહિતી એકઠી કરી લીધી હોય અને ગંભીરતાથી ડરી ગઇ એમ બોલી :
‘એ તો તારા બાબાએ જ આજે કહ્યું કે શક્ય છે, સલોની મુંબઇ આવી પણ ગઇ હોય..’
‘હમ્મ..’ કહીને સલોની વિચારમાં પડી ગઇ. પોતે કલ્પી નહોતી એ રીતે જિંદગી કરવટ બદલી રહી હતી.
થોડીવાર વાત કર્યા બાદ આઇનો ફોન મૂક્યા પછી પણ સલોની વિચારમાં ગુમાયેલી રહી. રોજની જેમ અનીતા બેબીને તૈયાર કરી સ્ટ્રોલરમાં મૂકી રહી હતી. છ-સાત મહિનાનું કુમળું ફૂલ જેવું બાળક પોતાની કાલી કાલી ભાષામાં સલોની સામે જોઇ હાથ હલાવીને ખિલખિલ હસી રહ્યું હતું.
ક્યારેય પોતાના અંશ જેવી ન લાગતિ પરી પર પહેલીવાર સલોનીને વહાલ ઊભરાઇ આવ્યું હોય એમ અનીતાનાં હાથમાં રહેલી પરીને લઇ એણે હૈયાસરસી ચાંપી.
માતૃત્વનો ધબકાર પિતાના હ્રદયના મંદ થતાં ધબકારા વખતે કેમ જન્મયો ?
થોડીક વાર પરીને વહાલ કરીને એને ફરી સ્ટ્રોલરમાં ગોઠવી દીધી.
‘અનીતા...’ સલોનીએ આઇ સાથે વાત કર્યા પછી બે જ ઘડીમાં કંઇક નિર્ણય લઇ લીધો હોય એમ અનીતાને હાક મારી.
બેબીને સ્ટ્રોલરમાં મૂકી અનીતા ટેરેસગાર્ડનની સહેલ કરાવી રહી હતી.
‘અનીતા.. બહાદૂરને કહે તૈયાર રહે... પાંચ જ મિનિટમાં પૂણે જવું છે.’ સલોનીએ અનીતાને કામ સોંપી તૈયાર થવા રૂમ જતાં કહ્યું. ગણતરીની ક્ષણોમાં સલોની બહાર આવી ત્યારે હૅન્ડબૅગ સાથે એક બીજી નાની બૅગ હતી.
‘મૅમ.. બેબી.. ?’ અનીતાએ માત્ર બે જ શબ્દમાં જાણે આખી પરિસ્થિતિ પૂછી લીધી.
‘નહીં, અનીતા, બેબી મારી સાથે નહીં, અહીં જ રહેશે... તારી પાસે... કદાચ કાલે બપોર સુધીમાં કે પછી મોડામાં મોડું સાંજ સુધીમાં તો હું પાછી આવી જ જઇશ...’ સલોનીએ એકશ્વાસે પોતાનો પ્રોગ્રામ જણાવતાં કહ્યું :
‘કંઇ પણ પ્રોબ્લેમ હોય તો મારો નંબર તો છે જ... અને બહાદૂરને જણાવ્યું ? એને કહેવાનું રહી ગયું કે કદાચ ઓવરનાઇટ રહેવું પડે તો એક જોડી કપડાં સાથે લે.’
‘મૅમ.. બહાદૂર કઇ રીતે આવશે ? એ તો તાવમાં ધગી રહ્યો છે..’ અનીતાના ચહેરા પર થોડી મૂંઝવણના ભાવ તરી રહ્યાં. આઇના ફોન પછી જે રીતે સલોનીએ પુણેનો કર્યક્રમ ઘડ્યો એ જોતા લાગ્યું હતું કે કશુંક બરાબર નથી,પણ સલોનીને પૂછવું પણ કઇ રીતે ? ગૅરેજમાં જ કામચલાઉ વ્યવસ્થા કરી બહાદૂર નીચે રહેતો હતો. જ્યારે અનીતાએ ફોન કર્યો ત્યારે પાસે રહેલા બહાદૂરના મિત્રએ ફોન ઉપાડી જાણ કરી ત્યારે ખબર પડી.
‘તો હવે.. ? ‘સલોની જરા મુંઝાઇ.
‘મૅમ, મોન્ટાનામાં આપણી કાર તો છે જ, પણ...’
અનીતાએ વિકલ્પ શોધવાનો નિરર્થક પ્રયાસ કર્યો.
‘ના... એની બૅટરી તો રનડાઉન થઇ ગઇ હશે... ને પ્રભાકરને ક્યાં જાણ જ કરી છે કે આપણે મુંબઇ આવી પહોંચ્યાં છીયે..’સલોની કંઇક વિચારતાં મગજમાં પ્લાન ગોઠવી રહી. પોતાના આગમનની હાણ ન તો સુઝીને હતી કે ન ડ્રાઇવર પ્રભાકરને... અત્યારે એ બધી વાતો વિચારવાનો પણ સમય ક્યાં હતો ?
‘કંઇ વાંધો નહીં, અનીતા... તું નીચે જઇને બહાદૂર પાસે કાર કી લઇ આવ..’ સલોનીએ કંઇક દ્રઢતા સાથે કહ્યું.
સલોનીનો ચહેરો અનીતા તાકતી રહી ગઇ.
એની શંકા સાચી હતી, મનમાં ધાર્યું હશે તો આ જાતે ડ્રાઇવ કરીને પણ પુણે પહોંચી જવાની..
વર્ષોથી છૂટી ગયેલી ડ્રાઇવિંગની પ્રેક્ટિસને કારણે ઇગ્નિશન ઑન થતાં જ સલોનીના શરીરમાંથી ઝણઝણાટી પસાર થઇ ગઇ. આમ વર્ષોના ગેપ પછી સીધા મુંબઇ –પુણે એક્સપ્રેસ-વે પર...
મનની નબળાઇને ખંખેરી નાખવી હોય એમ સલોનીએ રિયરવ્યુ મિરર સેટ કરી પોતાનો ચહેરો જોઇ લીધો. અધૂરી બાજી મૂકી દેવાનું ક્યારેય સ્વભાવને રાશ જ નહોતું આવ્યું ને!
* * *
‘અરે ! તુ... !’
ટિંગ ટોંગ, ટિંગ ટોંગ... એકસાથે રણકેલી ડોરબેલ સુહાસિનીને પુત્રી સલોનીની જૂની આદતની યાદ અપાવી દીધી હતી. બેડ પાસે બેસીને સંતરાના પીસીના ઝીણાં ઝીણાં રેષા ચીવટથી કાઢીને પતિના હાથમાં આપી રહેલી સુહાસિનીએ ડોર ખોલ્યું ને સામે ઊભી હતી સલોની.
‘મારા તો માનવામાં નથી આવતું..’ સુહાસિનીના ચહેરા પર એકસાથે દસ-પંદર દીવા ઝળહળી ઊઠ્યાં હોય એવો આનંદ છવાઇ રહ્યો.
‘આઇ... મને અંદર તો આવવા દઇશ કે બહાર જ ઊભી રાખીશ ?’ સલોનીએ મીઠો છણકો કર્યો ત્યારે સુહાસિનીને ખયાલ આવ્યો કે પોતે બારણું ખોલીને સલોનીને અંદર આવકારવાને બદલે રસ્તામાં જ ઊભી રહી ગઇ હતી.
‘ઓહ.. સાચે જ હું માની નથી શકતી..’ સુહાસિનીની આંખમાં ભીનાશ તરી આવી અને એ સાથે જ એણે સલોનીને બાથમાં લઇ લીધી.
મા-દીકરીનું મિલન હજી લાંબુ ચાલ્યું હોત જો અનંતરાવ અંદરથી અવાજ ન દેત :
‘કોણ આવ્યું છે, સુહાસ ?’
‘જુઓ તો ખરા, કોણ આવ્યું છે ?’ સુહાસિનીની મલપતાં ચહેરે બેડરૂમમાં પ્રવેશતાં બોલી.
‘કોણ.. ?’ અનંતરાવના ચહેરા પરનો પ્રશ્નાર્થ હજી અકબંધ હતો.
‘ચલ, બાબાને સરપ્રાઇઝ આપીએ !’
પિતાના રૂમમાં પ્રવેશવા પૂર્વે આઇએ આપેલી સૂચનાનું પાલન કરતી હોય એમ સલોની હજી બેડરૂમના બારણાં પાસે જ લપાઇને ઊભી રહી :
‘અરે, બોલ તો ખરી.. કોણ આવ્યું ?’ અનંતરાવ જરા અધીરા થઇ બોલ્યા. માંદગી અને વળી ઘરમાં રહીને એમનો સ્વભાવ થોડો ચીડિયો થઇ ગયો હતો.
‘અરે... તમે કલ્પના તો કરો... કોણ હશે ?’ સુહાસિનીનો આનંદ છલકાઇ ગયો.
અનંતરાવ થોડી ક્ષણ માટે વિચાર કરતા હોય એમ એમના કપાળ પર બે-ચાર કરચલી ઊપસી આવી.
‘ના, નથી ખ્યાલ આવતો, બોલી દે..’ હથિયાર નાખી દેવાના મૂડમાં કંટાળાભર્યા સ્વરે અનંતરાવ બોલ્યા:
‘ચાલો, એક હિન્ટ આપું.. તો ? મુંબઇથી કોઇ આવ્યું છે તમને મળવા...’સુહાસિની મસ્તીભર્યાં અવાજે બોલી. ન જાણે કેટલાય મહિનાઓ પછી ખુશ થવાની ઘડી આવી હતી. !
‘હં...’ અનંતરાવ થોડી વાર વિચારતા હોય એમ અચાનક બોલ્યા :
‘કોણ વિક્રમ આવ્યો છે ?’
બેડરૂમની બહાર કાન સાબદા કરીને મા-પિતાની મીઠી નોંક-ઝોંક સાંભળી રહેલી સલોનીના કાન ચમક્યા.
બાબાએ વિક્રમ મળવા આવ્યો હોય એવું અનુમાન કેમ કર્યું ? વિક્રમની મજબૂત નબળી કડી આ ઘરમાં જ મોજુદ હતી ?
બાબાના મોઢે વિક્રમનું નામ સાંભળીને સલોની રીતસરની થીજી ગઇ.
‘અરે.. ચલ...’ સુહાસિનીએ સલોનીનો હાથ પકડી રીતસર દોરવી પડી :
‘અરે,બાબાનો સ્વાભાવ તો તું જાણ્ર છેને ! એમ કંઇ ખોટું લગાડાય ? અને તું જ કહે... બાબા કઇ રીતે કલ્પ્ના પણ કરે કે તું આમ અચાનક અહીં આવી પહોંચી છે !’ સુહાસિનીને થયું કે સલોનીને માઠું એ વાતનું લાગ્યું છે કે બાબાએ એનું આગમન ન કલ્પતાં કોઇ ત્રાહિત મિત્રનું કલ્પી લીધું.
બાબાના રૂમ સામે આવીને ઊભાં રહ્યાં પછી તો સલોનીનો સંકોચ ઔર વધી ગયો.
‘અરે! મારી સલોની... દીકરા... ક્યારે આવી ?’
અનંતરાવે બેડમાંથી ઊતરવાનો પ્રયત્ન કર્યો.
‘અરે, અરે ! આસ્તે આસ્તે.. હવે એ જ છે, કંઇ ભાગી નથી જવાની...’ પતિને રોકતાં, ધરપત આપતી હોય એમ સુહાસિની બોલી.
‘હા દીકરા, હવે આ વખતે પંદર દિવસથી ઓછું કંઇ નહીં, હં..’ દીકરીથી નારાજ રહેતા,ભાગ્યે જ બોલતા અનંતરાવ પહેલીવાર આટલી આત્મીયતાથી બોલ્યા.
‘એ તમે નહીં કહો તો પણ રહેશે.. સોનુ, લગેજ ક્યાં ?’ માએ પહેલીવાર નોંધ્યું કે સલોની પાસે તો સામાન જ નથી.
‘મા, આજે તો માત્ર એક જ દિવસ માટે આવી છું.. ફરી આવીશ ત્યારે લગેજની સાથે સાથે સમય પણ લઇને આવીશ... બસ !’
સલોનીએ થોડું ભારે હ્રદયે કહેવું પડ્યું. પોતાની રાહ જોતાં મા-બાપ સાથે અજાણતાં જ કેટલું ક્રૂર વર્તન પોતે કરી રહી હતી એનો ખયાલ હવે આવી રહ્યો હતો.
‘ના, હં... સોનુ, આ વખતે કોઇ બહાનાબાજી નહીં.. ; ક્યારેય પોતાના સમય કે અંગત વાતોમાં માથું ન મારનાર બાબાને આમ કહેતા જોઇ સલોની ખરેખર લાગણીવશ થઇ રહી.
‘પહેલા તો તારી પાસે સમય નથી... સમય નથી... એવું કહેવા માટે ઠોસ કારણ હતું.. હવે ? હવે શું છે ? ન તો તારી કોઇ સિરિયલ ચાલુ છે કે ન કંઇ.... એમ સમજજે કે તું પેલા સ્વિત્ઝરલેન્ડના અસાઇનમેન્ટ પર જ છે.... પછી શું ?’ સમસ્યાનો તોડ કાઢતી હોય એમ આઇ બોલી.
‘હા, સલોની.. હવે આવી છે તો અઠવાડિયું તો રહે અમારી પાસે... આમેય ત્યાં કોણ છે તારી રાહ જોવાવાળું ? ‘બાબા બોલ્યા હતા એકદમ સ્વાભાવિક અર્થમાં,પણ સલોનીના ચહેરા સામે પરીનો ચહેરો તરવરી ઊઠ્યો:
આઇ-બાબા કઇ રીતે જણાવવું કે હવે રાહ જોનારું કોણ છે !
* * *
અનંતરાવ નિદ્રાધીન થયા પછી પણ મા-દીકરીની વાતનો દોર અવિરતપણે મધરાત સુધી ચાલતો રહ્યો.
આઇને પરીની હયાતિ વિશે વાત કરવી કે ન કરવી એ ગડમથલમાં મન પરોવાઇ જતું જોઇ સુહાસિની એક વાર બોલી પણ ખરી.
‘સલોની, તું તો વિદેશ જઇને ઘણી બદલાઇ ગઇ. આટલું ઓછું બોલતી ક્યારથી થઇ ગઇ ? કે પછી મારાથી કંઇ છુપાવવાનું છે ?’
‘ઓહ, આઇ... તું પણ બસ... !’સલોનીએ પ્રશ્ર્નનો પીછો છોડવવો હોય એમ બોલી.
‘પણ સોનુ.. તું તો ઠીક... હું પણ હવે ક્યાં તારા બાબાને બધી વાત કરી શકું છું ?’ સુહાસિની આછો નિ:શ્વાસ નાખી બોલી :
‘કેવું કેવું બોલાતું, છપાતું રહ્યું તારા માટે ! આ મિડીયાવાળાનાં હ્રદયમાં દયા જેવી કોઇ ચીજ જ નહીં હોય.. ?’ સુહાસિનીનો અવાજ જરા ભારે થયો :
‘ટીવી –છાપાંમાં એટલી ગંદી વાતો ચાલી કે અમારે તો ક્યાંય મોઢું બતાડવું ભારે થઇ ગયું... મેં તો બધું જીરવી લીધું. પણ તારા બાબાથી નહીં જીરવાયું. પહેલા એક માઇનર અટેક, એ પછી એક સિવિયર અટેક... અને હવે આ વેન્ટ્રિક્યુલર ફેલ્યૉર..’ સુહાસિનીની આંખમાં આંસુ ધસી આવ્યાં, જે એણે પોતાના પાલવથી લૂછી નાખ્યાં.
‘સોનુ, તારી આ બધી વાતોએ તારા બાબાને કાચનું વાસણ બનાવી દીધા ને મને.. મને પત્થર..’ સુહાસિનીની આંખોમાં વરાળ થઇને ઊડી ગયેલા આસુંની જગ્યા લીધી હતી કોરીધાકોર નિર્લેપતાએ.
‘એ તો ભલું થજો પેલા વિક્રમનું... એ વારે વારે ફોન કરીને અમારા દુ:ખમાં સામેલ થતો રહ્યો.’ સુહાસિની બોલી સપાટ સ્વરે, પણ એમા રહેલો કૃતજ્ઞતાનો ભાવ સલોનીથી અજાણ્યો ન રહ્યો. શાંતિથી માની વાતો સાંભળી રહેલી સલોનીના કાન ફરી ચમક્યા.
‘વિક્રમ !... કોણ વિક્રમ ?’ સલોનીએ પોતાના આશ્ર્વર્યને દબાવતાં ખાતરી કરવા પૂછ્યું.
‘અરે, સલોની.. આ આપણો વિક્રમ, તારો પેલો દોસ્ત...’ સુહાસિની અહોભાવથી બોલતી રહી :
‘બિચ્ચારો, બાબા માટે એવો જીવ કાઢતો હતો કે દર થોડાં દિવસે ફોન તો જરૂર કરે જ... અમારા હાલ પૂછે... બાબાએ જણાવ્યું કે તું વિદેશ છે એટલે એણે તો જાણે અમારી જવાબદારી પોતે માથે લઇ લીધી હોય એમ અઠવાડિયે બે-ત્રણ ફોન તો કરતો હતો !’
ઓહ ! તો વિક્રમને પોતાના સ્વિત્ઝરલેન્ડના સગડ કોઇ જાસૂસે નહીં, બલકે પોતાના ઘરમાંથી જ મળી ગયેલા એમ !
સલોનીએ જે ઘડીએ આ વાત સમજાઇ એ જ મિનિટે મનમાં ઉત્પાતે જબરદસ્ત ઉપાડો લીધો. એનો અર્થ એ પણ ખરો કે વિક્રમે પોતાની,પરીના જન્મની વાત પણ આઇ-બાબાને જણાવી દીધી હશે ?
‘એ તો વિક્રમ્ની સારપ એટલે વિદેશમાં બેઠાં બેઠાં આટલા ખબરઅંતર પૂછે.. બાકી, આજના જમાનામાં કોણ કોને પૂછે !’
વિક્રમના વખાણ કરવામાં સુહાસિની પાછી પડતી નહોતી. એ બિચારી ભોળી સ્ત્રીને શું ખબર કે વિક્રમ એમના ખબરઅંતર પૂછવા નહીં, સલોનીના સગડ જાણવા સંપર્કમાં રહેતો હતો.
‘વિક્રમે તને કહ્યું નહીં ?’ અચાનક જ સુહાસિની બોલી.
‘શું ?’ હવે ચોંકવાનો વારો સલોનીનો હતો.
‘અરે, એ જ કે અમારી તો નિયમિત વાતચીત થયી રહે છે... એણે એક વાર કહ્યું પણ ખરું કે તમે સલોનીને કહેતા નહીં કે હું તમારી સાથે સંપર્કમાં છું.. બલકે હું જવાનો જ છું ત્યાં એને સરપ્રાઇઝ આપીશ...’ સુહાસિની એટલી સહજ રીતે બોલી રહી હતી કે એ હજી વિક્રમને એની દીકરી સલોનીનો ખરો દોસ્ત અને હમદર્દ માનતી હોય.
હવે પિકચર ક્લિયર થઇ ગયું હતું. વિક્રમને મળતી માહિતીનો સ્ત્રોત પણ આઇ-બાબા જ હતાં અને બાકીનુ કામ પોતાની ચાલાકીઓથી પૂરૂં કર્યું હતું. એમાં એ પણ સ્પષ્ટ થતું હતું કે વિક્રમે પોતાની પરીના જન્મની વાતનો ઉલ્લેખ આઇ-બાબા સામે કર્યો નહોતો. એનો અર્થ એ જ કે વિક્રમ દ્વારા થઇ રહેલી જાસૂસીની મકસદ ખુન્નસ ની નહીં, માત્ર ને માત્ર પૈસા ઓકાવવાની હતી.
જોકે સલોનીને ક્યાં ખબર હતી કે વિક્રમના દિલમાં કેવો વેરનો મહાસાગર ઘૂઘવી રહ્યો હતો અને એમાં નિમિત્ત બનનારું બીજુ કોઇ નહીં અને ગૌતમ જ હતો.
***