“એ ય પ્યાદા !! તું સમજે છે શું પોતાની જાતને? એક મેયરના છોકરાનો મેમો ફાડશે? તને જીવડાની માફક મસળી નાખીશ”, એક મોટા શહેરના મેયરના દીકરાએ હેલ્મેટ પહેર્યા વગર બાઈક ચલાવવાના ગુના માટે મેમો બનાવી રહેલા ટ્રાફિક પોલીસના અમલદારને ઉદ્ધતાઈથી કહ્યું.
“મોઢું સંભાળીને વાત કરો સાહેબ”, અમલદારે હજીયે પોતાની સભ્યતા છોડી નહતી, “કાયદો તમામ માટે સરખો હોય છે. એ પછી દેશનો ગમે તે નાગરિક હોય!”
“તું તારી હોશિયારી રહેવા દે”, પેલો છોકરો ગુસ્સામાં લાલપીળો થયો, “તું હમણાં મેમો ફાડ પછી તારું કામ લઉં છું પપ્પાને કહીને”, એણે રૂઆબ ઝાડ્યો.
“પપ્પા પપ્પાનું શું રટણ કરો છો ક્યારના? તમારું પોતાનું કોઈ વર્ચસ્વ નથી તો પપ્પા પર આધાર રાખવો પડે છે?”, હવે અમલદારનો પારો છટકવા માંડ્યો હતો.
“તારી આટલી હિંમત?”, કહીને પેલો છોકરો બાઈક પરથી ઉતર્યો.
“મેમો તો ફાટશે જ અને તમારે દંડ પણ ભરવો જ પડશે”, અમલદારની સૌમ્યતા પાછી ફરી.
“તમારા જેવા હલકાઓને પાઠ ભણાવતા મને બરાબર આવડે છે, તારા જેવા તો કેટલાય રોજ મારી આગળ પાછળ પૂંછડી હલાવતા હોય છે”, કહેતા કહેતા પેલા નબીરાએ પોતાનો મોંઘો ફોન કાઢ્યો અને એમાંથી કોઈક મોટા અધિકારીને ફોન કર્યો.
“હેલ્લો, સોલંકી અંકલ”
“હા બોલ દીકરા”, સામે છેડે શહેરના ટ્રાફિક પોલીસ સમિતિના હેડ એવા સોલંકી હતા. મેયર સાથે ‘સારા’ અને ખુશામતભર્યા સંબંધોના લીધે તેઓ એને દીકરો કહીને જ સંબોધતા.
“આ તમારું એક નાનું પ્યાદું મારો મેમો ફાડે છે, એની સાથે જરા વાત કરો અને એને સમજાવો કે હું કોણ છું”
“આપ એને ફોન”
નબીરાએ ફોન પેલા ટ્રાફિક પોલીસને આપ્યો.
“જય હિન્દ સાહેબ”, એને ખબર હતી કે સામે પોતાનો ઉપરી અધિકારી હતો.
“જય હિન્દની વાત છોડ, તું કોણ બોલે છે એમ કહે પહેલા”, રૂઆબ ઝાડતા સોલંકીએ કહ્યું.
“હું અકોટા સેક્શનમાંથી રામસિંગ ડાભી બોલું છું સાહેબ”, રૂઆબને નમ્રતાએ જવાબ આપ્યો.
“જો રામસિંગ, બહુ મોટો રામવાદી ના બન અને એને જવા દે, મેયરનો છોકરો છે એ”, સોલંકીએ આદેશાત્મક સ્વરમાં કહ્યું.
“સાહેબ મારો પોતાનો છોકરો હોત તો ય ન જવા દેત”, રામસિંગની નમ્રતા હજીયે એવી ને એવી હતી
“એટલે તું મારા આદેશનું ઉલ્લંઘન કરીશ એમ?”, સોલંકીને ગુસ્સો આવ્યો.
“લેખિતમાં આપો સાહેબ તો હાલ જ જવા દઉં”, રામસિંગ બધું જાણતો હતો.
“લેખિતમાં? એટલે હવે તું મને સમજાવીશ કે મારે શું કરવાનું ને શું નહિ? માપમાં રહે નહીતર બદલી કરાવીને ક્યાંનો ક્યાંય પહોચાડી દઈશ ખબર પણ નહિ પડે”, હવે સોલંકી રીતસર રામસિંગને ધમકાવતો હતો.
“તમે મારી ઉપરના અધિકારી છો, તમને ફાવે એમ કરી શકો છો. હું મારી ફરજ નિભાવીશ આભાર.”, કહીને રામસિંગે ફોન પેલા નબીરાને પાછો આપી દીધો.
“હા બોલો અંકલ”
“દીકરા તું ત્યાં જ રહેજે હું કંઈક કરું છું”
“હા”, ગુસ્સાથી લાલપીળો થઈને એણે ફોન મુક્યો.
“એક કામ કર, લે આ પચાસ રૂપિયા અને મને જવા દે ચલ”, પાકીટમાંથી પચાસની નોટ કાઢીને એણે કહ્યું.
“જુઓ ભાઈ, હું આવા રૂપિયા લેતો નથી. જે કાયદેસર થતું હોય એ જ કરું છું. કાયદા મુજબ ફેન્સી નંબર પ્લેટ, હેલ્મેટ વગર ગાડી ચલાવવા બદલ અને ઉપરથી ટ્રાફિક પોલીસ સાથે દુર્વ્યવહાર કરવા બદલ ત્રણ ચાર કલમ લાગશે અને જેના લગભગ ૧૦૦૦ રૂપિયા થશે. એની તમને લેખિતમાં પર્ચી પણ આપીશ. જે કાયદેસર છે એ જ કરવાનું મને પોસાશે”, રામસિંગે ખુબ જ સભ્યતાથી કહ્યું.
“ઈમાનદારીની પૂંછડી ના જોઈ હોય તો મોટી! તું ઉભો રહે, પપ્પાને જ વાત કરું છું”, કહીને એણે શહેરના મેયરને ફોન લગાવ્યો.
“હા બોલ બેટા”, સામે છેડે ફોન ઉપડ્યો.
“પપ્પા અહી અકોટા પાસે એક સામાન્ય પ્યાદા જેવો ટ્રાફિક પોલીસ મારો મેમો ફાડવાની વાત કરે છે. એને જરા સમજાવો કે હું અને તમે કોણ છીએ?”
“મેમો કેમ ફાડે છે એ?”
“મારે હેલ્મેટ નથી અને ફેન્સી નંબર પ્લેટ છે એટલે. એ મુર્ખ સમજતો નથી કે હું મેયરનો છોકરો છું.”, નબીરાએ નઠારી મહાનતા દર્શાવી.
“તું ત્યાં જ ઉભો રહેજે. હું આવું છું”
“ઓકે પપ્પા”
ફોન મુકાયો.
“હવે તું જો સાલા પ્યાદા! તારી ખેર નથી. પપ્પા અને સોલંકી અંકલ બંને અહી આવશે અને પછી તારું કામ લેવાશે. ફરી કોઈ વાર આવી હિંમત નહિ કરે તું”, પેલાએ ભડાશ કાઢી.
“જે આવે એને આવવા દો. તમારી ચાવી આપો, મારે ટ્રાફિક હેન્ડલ કરવાનો છે”, કહીને રામસિંગે ચાવી લઇ લીધી, જેથી પોતાનું ધ્યાન ટ્રાફિકમાં હોય ત્યારે એ છટકી ન જાય.
“લઇ લે લઇ લે! હમણાં તારો ટાઈમ છે, તું તારી મનમાની કર, એક વાર એમને આવવા દે પછી જો મારો ટાઈમ શરુ થશે”, નબીરાએ કહ્યું.
રામસિંગ કોઇપણ પ્રતિક્રિયા આપ્યા વગર ટ્રાફિક હેન્ડલ કરવામાં મશગુલ થઇ ગયો.
થોડીવારમાં મેયર અને સોલંકી ત્યાં પહોચ્યા. પેલા નબીરાના મોઢા ઠાલા ગર્વનું સ્મિત આવી ગયું.
એ બંનેએ આવીને પહેલા રામસિંગને બોલાવ્યો.
“બોલ ભાઈ ડાભી, કેમ હોશિયારી મારે છે આટલી બધી? તને ખબર છે ને તારી કિંમત શું છે? ખોટી ઈમાનદારીની મિસાલ બતાવીશ નહિ, ચાવી આપ અને જવા દે એને”, સોલંકીએ કહ્યું.
“કિંમત મારી તો જે હશે એ પણ મારી ઈમાનદારીની કિંમત વધારે છે. હું કોઈ ગેરકાયદેસર કામ કરતો નથી અને લાંચ તો ક્યારેય નહિ. પણ હા, ગેરકાયદે ટ્રાફિક નિયમો ભંગ કરનારને દંડ કરવો જોઈએ એવું મને જોઈનીંગ કરતી વખતે તમારા જેવા સાહેબોએ જ શીખવ્યું છે”, રામસિંગે કહ્યું.
“એટલે તું નહિ માને એમ અને મેમો ફાડીને જ રહીશ એવું કહેવા માંગે છે તું?”, સોલંકીને પોતાની ધરાર ઈન્સલ્ટ મહેસુસ થઇ.
“હા”, રામસિંગ પોતાના નિર્ણય પર અડગ હતો, “અને જો તમે એવું ન ઇચ્છતા હોવ તો લેખિતમાં આપી દો કે આ વ્યક્તિનો મેમો ફાડવો નહી”, જે એને ખબર હતી કે સોલંકી કોઈ કાળે આપશે નહિ.
“ઓકે, તો તું મેમો ફાડ અને ત્યાં તારો ટ્રાન્સફર લેટર ફડાવું છું”, મેયર ગુસ્સામાં રાતોપીળો થઇ ગયો.
“મને કોઈ વાંધો નથી સાહેબ. મારે તો આ જ કામ ત્યાં કરવાનું થશે. તમે મને માત્ર ટ્રાન્સફર જ આપી શકો છો ટર્મિનેશન નહિ”, રામસિંગને પોતાની ઈમાનદારી પર ગર્વ હતું.
રામસિંગે પેલા નબીરાના નામનો મેમો બનાવ્યો અને જે કલમોનું ઉલ્લંઘન થયું એ બધી કલમો હેઠળ ગુનો નોંધ્યો અને અંકે એક હજાર રૂપિયાનો દંડ વસુલ્યો.
મેયરે પોતાના કોન્ટેક લગાવીને રામસિંગનું ટ્રાન્સફર એક ઓક્વર્ડ જગ્યાએ કરાવવાનો હુકમ જારી કરાવડાવ્યો. પણ રામસિંગ ખુશ હતો, કે પોતાની ઈમાનદારી, લાગવગ સામે જ્વલંત વિજયી બની હતી.
મેયર, સોલંકી અને પેલો નબીરો, ત્રણેય જણ રામસિંગની ઈમાનદારીને ગાળો આપતા અને પોતાના પાવર હોવા છતાં દંડ ભરવો પડ્યો એટલા માટે છુપી નિરાશા લઈને ચાલતા થયા.