Redlite Bunglow - 16 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | રેડલાઇટ બંગલો ૧૬

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

રેડલાઇટ બંગલો ૧૬

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૬

અર્પિતાએ કોલેજના પહેલા જ દિવસે પ્રિંસિપલને પોતાના પર લટ્ટુ બનાવવામાં સફળતા મેળવી હતી. પોતાની આકર્ષક અદાઓથી રવિકુમારને પોતાના રૂપની પૂનમના પાગલ બનાવી દેવાની અને એ પછી રાજીબહેનને ઝટકો આપવાનું અર્પિતા વિચારી રહી હતી. એ માટે રવિકુમારની મુલાકાત વધારે લેવાની હતી. તેમની વધુને વધુ નજીક જવાનું હતું. એટલે આજે પહેલા દિવસે છેલ્લો પિરિયડ ફ્રી હતો તેનો લાભ તેણે રવિકુમારને આપવાનું નક્કી કરીને તેમની ઓફિસ પાસે પહોંચી ગઇ.

પ્રિંસિપલની ઓફિસ બહાર ઊભેલા પિયુન શંકરલાલને તેણે હાથના ઇશારાથી અંદર જઇ રહી હોવાનું કહ્યું ત્યારે તેણે તેને જવા દીધી. આ વખતે કોઇ પ્રશ્ન પૂછ્યો નહીં કે અટકાવી નહીં. તે રવિકુમારની નારાજગી વહોરવા માગતો ન હતો.

પ્રિંસિપલ રવિકુમાર મોબાઇલમાં કંઇક જોઇ રહ્યા હતા. અર્પિતાએ તેમની ઓફિસમાં પ્રવેશ કરીને "સર, આવી શકું ને?" કહીને મીઠો ટહુકો કર્યો. એટલે રવિકુમારે મોબાઇલને બંધ કરી કહ્યું:"આવ અર્પિતા..."

અર્પિતાને ફરીથી આવેલી જોઇ રવિકુમારના રોમેરોમમાં આનંદ વ્યાપી ગયો હોવાથી તેમના ચહેરા ઉપર ખુશીનો ગુલાલ ઉડ્યો હતો. અર્પિતાને ખ્યાલ આવી ગયો કે તેમની અપેક્ષા વગર એ જઇ પહોંચી હતી એટલે વધુ ખુશ હતા. "સોરી સર, તમને હેરાન કરું છું..."

"એમાં હેરાન શું થવાનું? બોલ કેવો રહ્યો પહેલો દિવસ?" રવિકુમારે ઔપચારિક પ્રશ્ન પૂછ્યો.

"બહુ જ સરસ! કોલેજ ગમી ગઇ છે. આ તો છેલ્લો પિરિયડ ફ્રી હતો એટલે થયું કે આ મહિને જ કોલેજ ક્વીન સ્પર્ધા છે એના માટે તમારું માર્ગદર્શન મેળવી લઉં."

"જરૂર હું તને ગાઇડ કરીશ. તું કોલેજક્વીન બનવા માટે પૂરી લાયકાત ધરાવે છે..." રવિકુમારે તેના આખા શરીર પર નજર નાંખી કહ્યું.

"મારે તો તમારા દિલની રાણી બનીને રાજીબહેનને રંડી બનાવવી છે..." એવા શબ્દો તેના મોં ઉપર આવી ગયા. પણ તે હસીને બોલી:"સર, પ્રયત્ન તો બધા જ કરીશ. તમારો સાથ હશે તો હું જરૂર કોલેજક્વીન બનીશ."

"હા હા કેમ નહીં. તું મને મળતી રહેજે..." રવિકુમારને અર્પિતાનું સાન્નિધ્ય મળવાની ખુશી હતી.

થોડી વાતો કરી ત્યાં છેલ્લો પિરિયડ પૂરો થવાનો ઘંટ વાગ્યો એટલે અર્પિતાએ રવિકુમારની રજા લીધી.

કોલેજના ગેટ પાસે રચના તેની રાહ જોતી હતી. તેણે નવાઇથી પૂછ્યું:" અર્પિતા, આજે પહેલા જ દિવસે કોઇ નવી બહેનપણી બનાવી લીધી કે શું? મને ભૂલી ગઇ કે શું? ક્યારની અહીં રાહ જોતી ઊભી છું."

"રચના, બહેનપણી તો હજુ કોઇ મળી નથી પણ પ્રિંસિપલ સાથે દોસ્તી જરૂર થઇ ગઇ છે!" અર્પિતા આનંદથી બોલી.

"શું વાત કરે છે? પ્રિંસિપલ સાથે મિત્રતા?" રચનાને નવાઇ લાગી પછી બોલી:"મેં પહેલાં જ કહ્યું હતું ને કે આજે છોકરાઓ તારા પર લાઇન મારશે!"

"ચલ હટ!" કહી તે ગેટ બહાર ઊભેલી રાજીબહેનની કાર તરફ ચાલવા લાગી.

એક સપ્તાહમાં તો અર્પિતાએ પ્રિંસિપલ સાથે ઘણી મુલાકાતો કરીને કોલેજક્વીન અંગે વાતો કરી તેમના પર પોતાના રૂપનું વશીકરણ કરી દીધું હતું. અર્પિતાએ પ્રિંસિપલ પાસેથી આડકતરી રીતે એ જાણકારી પણ મેળવી લીધી કે તેમને રાજીબહેનના કોલેજની છોકરીઓ પાસે કરાવાતા ધંધા અંગે માહિતી છે અને રાજીબહેનને એમાં તેઓ મદદ કરે છે. અર્પિતા માટે હવે કામ સરળ બની રહ્યું હતું.

અર્પિતાએ બીજા અઠવાડિયે કોલેજથી આવીને રાજીબહેન બીજી કોલેજીયન છોકરીઓ પાસે કેવી રીતે ધંધો કરાવે છે તેની માહિતી રચના પાસેથી મેળવી ત્યારે એ ચોંકી ગઇ. રાજીબહેને શહેરના ઓછી વસ્તીવાળા વિસ્તારમાં એક જર્જરિત બિલ્ડીંગમાં દસેક જેટલી છોકરીઓના રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી આપી હતી. એ છોકરીઓ કેવી રીતે ગ્રાહક પાસે જતી હતી એ જાણવાનો અર્પિતાને રસ પડ્યો. પણ રચનાએ વધારે વાત કરવાનું ટાળ્યું. એટલે અર્પિતાએ કહ્યું:"ચાલને કાલે એ છોકરીઓને મળી આવીએ!"

"તું કેવી વાત કરે છે.. આપણે શું કામ છે? એ જાણે એમનું કામ જાણે." રચનાને ઝંઝટમાં રસ ન હતો.

"પણ આપણે થોડું જાણીએ તો વાંધો શું છે?" અર્પિતાએ જીદ કરી.

"કોલેજની બહાર નીકળવાનું મુશ્કેલ છે. આવતા જતાં તો રાજીબહેનની કાર સાથે હોય છે." રચનાએ દુવિધા ઊભી કરી અર્પિતાને ટાળવાનો પ્રયત્ન કર્યો.

અર્પિતાએ એ માટે રસ્તો બતાવ્યો અને આગ્રહ ચાલુ રાખ્યો એટલે રચનાએ ઝૂકવું પડ્યું.

અર્પિતા શરીર વેચતી રાજીબહેનની છોકરીઓને મળીને તેમના વિરુધ્ધ ભડકાવવાનું આયોજન કરી ચૂકી હતી. પણ છોકરીઓ કેવો પ્રતિસાદ આપે છે તેના પર બધો આધાર હતો.

બીજા દિવસે અર્પિતાએ પ્રિંસિપલ રવિકુમાર સાથેની દોસ્તીનો ઉપયોગ કરી વચ્ચેના બે પિરિયડમાં કોલેજ બહાર જવાનું ગોઠવી દીધું. રચનાની જાણકારી મુજબ ધંધો કરતી મોટાભાગની છોકરીઓ કોલેજમાં અનિયમિત આવતી હતી અને રવિકુમાર રાજીબહેનની સૂચનાથી એમની હાજરી પૂરાવી દેતા હતા.

અર્પિતા અને રચના કોલેજ બહારથી રીક્ષા પકડીને છોકરીઓ રહેતી હતી એ બિલ્ડીંગ પાસે પહોંચી ગઇ. અર્પિતાએ જોયું તો બે માળની એક જર્જરિત થવા આવેલી બિલ્ડિંગમાં આઠ જેટલા ફ્લેટ હતા.

રચનાએ એક ફ્લેટનો દરવાજો ખખડાવ્યો. એક સામાન્ય દેખાવની છોકરીએ અધૂડકો દરવાજો ખોલી નજર નાખી અને રચનાને જોઇને આખો દરવાજો ખોલી તેને આવકારી. મીના નામની એ છોકરી રચનાને ઓળખતી હતી. રચના કોલેજક્વીન બની અને તે રાજીબહેનની ખાસ હોવાની વાત જાણ્યા પછી તેને સારો આદર આપતી હતી.

"આ અર્પિતા છે. આ વખતે કોલેજક્વીન સ્પર્ધામાં ભાગ લઇ રહી છે. એને આપણે જીતાડવાની છે. આ તો આ અર્પિતાને આપણી બહેનપણીઓને મળવું હતું એટલે... એ આપણી સાથે જોડાઇ છે અને આપણા ભલા માટે વિચારી રહી છે.." રચનાએ અર્પિતાનો પરિચય આપ્યો એટલે અર્પિતાએ વાત તરત જ શરૂ કરી દીધી. "જો બહેન, અમે જાણીએ છીએ કે તમે આ ધંધો મજબૂરીમાં જ કરો છો. તમને બીજું કોઇ કામ કરવાનું મન થતું નથી?"

"બેન, હવે અમે બીજું કોઇ કામ કરવાને લાયક જ રહ્યા નથી. અને આ પાર્ટટાઇમ ધંધામાં સારી કમાણી છે. મારી સાથેની બીજી બે છોકરીઓએ બહાર કોઇ દુકાનમાં કે કોઇ કંપનીમાં નોકરી કરી જોઇ તો ત્યાં પણ અમારી આવડત નહીં પણ આ શરીર જ તેમને જોઇતું હતું.. તો આ શું ખોટું છે?"

મીનાની વાતો સાંભળી અર્પિતા કોઇ દલીલ કરી શકી નહીં. મીના રાજીબહેન વિરુધ્ધ કંઇ સાંખી નહીં લે એનો ખ્યાલ આવી ગયો એટલે વધારે કંઇ કહેવાનું યોગ્ય ના લાગ્યું. અને કોલેજક્વીન સ્પર્ધાની વાત કરી પોતાને મત આપવાનું કહી બહાર નીકળી ગઇ.

બહાર આવ્યા પછી અર્પિતાએ ધીમેથી રચનાને પૂછ્યું કે ગ્રાહક દરેક છોકરીના ઘરે આવે છે? એમ થાય તો આજુબાજુના લોકોને ખબર ના પડી જાય?"

રચનાએ ઘડિયાળમાં જોયું તો સમય ઓછો હતો. છતાં તે અર્પિતાને લઇને બિલ્ડીંગની અગાસી પર ગઇ. અર્પિતાએ નવાઇથી પૂછ્યું:"રચના, આવી અગાસી પર ધંધો ચાલે છે?"

રચના કહે:"ના...સામે જો..." અને તેને સમજાવ્યું.

અર્પિતાએ જોયું તો તે નવાઇ પામી ગઇ. રાજીબહેનની ચાલાકી તેને ફરી આંચકો આપી ગઇ.

***

અર્પિતા ફરી શહેરમાં જતી રહી એટલે વર્ષાબેનને થોડી હાશ થઇ હતી. એક તરફ દિયર હરેશભાઇ સાથેના સંબંધની ચિંતા હતી તો એ કારણે લાલજીએ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું એનો ડર ઊભો હતો. અર્પિતાને તો કોઇ વાતની ગંધ આવવા દીધી ન હતી. પણ લાલજી તેનો રંગ બતાવે એ પહેલાં કોઇ નિર્ણય લઇ લેવાનું હવે જરૂરી બની ગયું હતું. હરેશભાઇને લાલજીની વાત કરવી કે ના કરવી એ સમજાતું જ ન હતું. એનો ઓછાયો તેમના મગજ પર સતત રહેતો હતો. અર્પિતા ગઇ એ દિવસે હરેશભાઇ ખુશ હતા. આજે ઘણા દિવસ પછી વર્ષા તેમની બાંહોમાં સમાવાની હતી. આજે તે ખેતરેથી વહેલા આવી ગયા હતા. રાત્રે વર્ષાબેને જમવાનું મોકલાવી દીધું હતું. તે આજે હરેશભાઇના ઘરે જવા માગતા ન હતા. વર્ષાબેનને ખબર હતી કે આજે હરેશભાઇ તેની રાહ જોશે. પણ તે બંને બાળકો ઊંઘી ગયા પછી પણ ઊભા ના થયા. ઘડિયાળમાં બારના ટકોરા પડ્યા એટલે કંઇક વિચારી તે ઊભા થયા અને હરેશભાઇના દરવાજાને સહેજ હડસેલો માર્યો. હરેશભાઇએ દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો. તે વર્ષાબેની રાહ જોતા પડી રહ્યા હતા. દરવાજાનો અવાજ સાંભળી બેઠા થઇ ગયા. વર્ષાબેનને આવેલા જોઇ ખુશીથી ઝૂમી ઉઠ્યા અને તેમને પકડીને બાંહોમાં ભીંસી નાખ્યા. વર્ષાબેનને કંઇક બોલવાની તક જ આપતા ન હતા. પણ વર્ષાબેને સહેજ હડસેલો મારી દૂર થતાં કહ્યું:"આજે મને ઠીક નથી. અર્પિતા ગઇ ત્યારથી ઉદાસ છું. ચેન પડતું નથી. તમે સૂઇ જાવ..."

હરેશભાઇને ખ્યાલ આવી ગયો કે અર્પિતા હવે મહિનાઓ સુધી આવવાની નથી એટલે મન લાગતું નથી. હરેશભાઇને ઇચ્છાઓ સંકેલી લીધી. તેમના પર કોઇ દબાણ ના કર્યું અને જવા દીધા.

આખી રાત વર્ષાબેનું વિચારચક્ર ચાલતું રહ્યું. વચ્ચે બે કલાક સારી ઊંઘ આવી ગઇ પણ લોલકની જેમ વિચારો બે તરફ ઝૂલતા રહ્યા. લાલજીને શરીર સોંપી દઇ હરેશભાઇ સાથેના સંબંધની વાતને દબાવી દેવી કે હરેશભાઇને લાલજીની વાત કરી કોઇ પરિણામ લાવી દેવું?

આખરે એક નિર્ણય તેમણે લઇ જ લીધો. વર્ષાબેન સવારે વહેલા ઊઠી ગયા. અને ઝડપથી બધું કામકાજ પરવારીને બંને બાળકોને ઊઠાડી તૈયાર કરી સ્કૂલે રવાના કરી દીધા.

વર્ષાબેન તૈયાર થઇ ગયા અને હાથમાં વાંસનો ટોપલો લઇ ઘર બહાર નીકળ્યા. તેમના પગ લાલજીની દુકાન તરફ વળ્યા. વર્ષાબેનને ખબર હતી કે સવારે લાલજી ખાતરની બેગ તૈયાર કરતો હોવાથી કોઇ ગ્રાહક આવતા નથી અને પોતાને કોઇ જોશે તો પણ એમ સમજશે કે ખાતર લેવા આવી હશે.

તે દુકાને પહોંચી ત્યારે બહારનો દરવાજો અડધો ખુલ્લો હતો. તે આજુબાજુથી કોઇ આવતું ન હોવાની ખાતરી કરીને ઝડપથી અંદર ઘૂસી ગયા અને ધીમેથી બૂમ પાડી:"લાલા...લાલજી..."

વર્ષાબેનનો અવાજ સાંભળી લાલજી તરત જ બહાર આવ્યો.:"મને ખબર જ હતી કે તું જરૂર આવીશ પણ આજે મારે ત્યાં આટલો જલદી અને સવારે ચાંદ ઊગશે એની ખબર ન હતી!"

"લાલા, જો આ પહેલી અને છેલ્લી વખત છે. હવે પછી જો મને બોલાવી તો હું તને બદનામ કરીશ."

"અરે! ગુસ્સે ના થા રાણી, ઢોલિયો ઢાળું છું. જલદી અંદર આવી જા અને દરવાજાને કડી મારી દે." લાલજી રંગમાં આવી ગયો.

વર્ષાબેન દરવાજાને કડી મારવા ગયા ત્યાં કોઇએ બહારથી સાંકળ ખખડાવી.

વર્ષાબેન ચોંકી ગયા. તેમના દિલની ધડકન વધી ગઇ. તેમણે લાલજી તરફ જોયું. લાલજીએ તેને દરવાજા પાછળ છુપાવાનો ઇશારો કર્યો અને પોતે દરવાજો ખોલવા આગળ આવ્યો.

લાલજીએ પહેલાં બૂમ પાડી પૂછ્યું:"કોણ છે આટલી સવારે?"

"તારો કાળ....." કહી કોઇએ જોરથી દરવાજાને ધક્કો માર્યો.

ઘડીના છઠ્ઠા ભાગમાં દરવાજો ખૂલી ગયો.

લાલજીએ જોયું તો હાથમાં ધારીયા સાથે હરેશભાઇ ઊભા હતા.

લાલજીના મોતિયા મરી ગયા. દરવાજા પાછળ ઊભેલા વર્ષાબેનને લાગ્યું કે તેમના દિલે ધડકવાનું બંધ કરી દીધું છે.

***

અર્પિતા રાજીબહેનની કઇ ચાલાકી જોઇને ચોંકી ગઇ હતી? લાલજી સામે ધારીયા સાથે ઊભેલા હરેશભાઇ કયું પગલું લેશે? તે કેવી રીતે અહીં આવી ગયા એ જાણવાની વર્ષાબેન સાથે આપને પણ ઉત્સુક્તા હશે જ. એ જાણવા હવે પછીનું પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં.