Ek chhabini chhabi - 3 in Gujarati Moral Stories by ARUN AMBER GONDHALI books and stories PDF | એક છબીની છબી

Featured Books
Categories
Share

એક છબીની છબી

એક છબીની છબી

(પ્રકરણ – ૩)

આકાશ જાણતો હતો હે ઉર્વશી એક ચિત્રકારની પ્રેમિકા છે, પત્ની છે. જેટલી કાબિલીયત સમીરની ચિત્રો બનાવવાની હતી એટલી જ પ્રવીણતા આકાશની પ્લાસ્ટિક સર્જરીમાં હતી. એકની જીન્દગીમાં પેન્સિલ, રંગ, બ્રશ, કેનવાસ કે કાગળો હતાં તો બીજાની જીન્દગીમાં સર્જરીના શસ્ત્રો, આંગળીઓની રમત, આધુનિક સાધનો અને સફળતાં આપે એવો આત્મવિશ્વાસ અને જીદ.

હોસ્પિટલનો સ્ટાફ હેન્ડસમ હતો તો નર્સો પણ સુંદર હતી પણ એમની નોકરીનાં નિયમ ભારે હતાં, ત્યાં ડિસિપ્લીન હતું. હોસ્પિટલમાં કાંચનો ઉપયોગ થયેલ હતો પરંતું કોઈપણ કાંચમાં પ્રતિબિંબ ના દેખાય એની પૂરી કાળજી અને તકેદારી લીધી હતી. ત્યાં કોઈ અરીસા નહોતાં. હોસ્પિટલની વ્યવસ્થા લાજવાબ. હોસ્પિટલના કોરીડોરમાં મુકેલી તસ્વીરો ખૂબ જ સુંદર રૂપલતાઓની હતી. હોસ્પિટલમાં દરેક રૂમમાં એક વિશિષ્ટ મહેક, સુગંધ તાજા ફૂલોની જેમ મહેકતી રહેતી. શબ્દો ત્યાં પોતાનો ધ્વની પસારી શકતાં નહોતાં. બધું શાંત. ટાંકણી પડે તો અવાજ સંભળાય. આખી હોસ્પિટલમાં ફક્ત પેશન્ટ અને સ્ટાફ શિવાય કોઈ નહિ. કોઈને પેશન્ટ પાસે રહેવાની કે રોકાવવાની પરમીશન નહોતી. નિયત, નક્કી કરેલ સમયે પેશન્ટ ડિસ્ચાર્જ થાય પછી ફરી ક્યારેય આવવાની જરૂર ના પડે એટલી સચોટ ટ્રીટમેન્ટ. ડોક્ટર આકાશ એક અનોખો મૂર્તિકાર સમો હતો.

આકાશ પ્લાસ્ટિક સર્જરીની દરેક પ્રોસેજરમાં માહિર હતો. કોસ્મેટિક સર્જરી, નોસ સર્જરી, લીપોસક્શન સર્જરી, ટૂંકમાં પ્લાસ્ટિક સર્જરીની દુનિયાનો એ નિષ્ણાતોમાં પણ નિષ્ણાંત હતો. દરેક સર્જરીની પાછળનું જોખમ પણ એ જાણતો હતો. દુનિયાની લેટેસ્ટ ટેકનોલોજીના માહિતી એ રાખતો સાથે સાથે દુનિયાભરના માર્કેટમાં આવેલી નવી દવાઓ તથા ટેકનીકથી એ હંમેશ માહિતગાર રહેતો. દરેક દેશમાં ચાલી રહેલાં સંશોધનોથી એ વાકેફ રહેતો. ઉર્વશીના સંશોધન અંગે પણ એને જાણ હતી.

ઉર્વશીના ચહેરાનું બેન્ડેજ આજે ખુલવાનું હતું જેથી ચહેરાનો અભ્યાસ કરી સર્જરીની તૈયારી કરી શકે. ચહેરાનાં જરૂરી સ્કેનીંગ બધું પોતે એકલા હાથે કર્યું. ઓપેરેશન થીએટરમાં બીજું કોઈ હાજર નહોતું. ઉર્વશી સંપૂર્ણ સ્વસ્થ હતી પરંતું આકાશે પહેરેલ કપડાં અને ચહેરાપરના માસ્કને લીધે એ આકાશનો ચહેરો જોઈ શકી નહિ. ઉર્વશીએ એની સાથે વાત કરવાની કોશિશ કરી પણ એણે પોતાનાં મોં પર આંગળી મૂકી ચુપ રહેવાનો ઈશારો કર્યો અને પોતાની સ્ટડી ચાલું રાખી. દરેક નિરીક્ષણો પોતાની ડાયરીમાં એ નોંધી રહ્યો હતો ખુબજ ગંભીરતાથી. ઉર્વશીને અકળામણ થતી હતી પરંતું ચુપ રહેવું પડશે એ સમજી શકતી હતી. નિરંતર ચાર કલાકના અભ્યાસ બાદ ઉર્વશીના ચહેરાં ઉપર જરૂરી ઓઇન્ટમેન્ટની ટ્રીટમેન્ટ અને બેન્ડેજ કરી એ બહાર નીકળી ગયો. સ્ટાફ દ્વારા ઉર્વશીને એનાં રૂમમાં ખસેડવામાં આવી. બોલવાથી ચહેરા ઉપર અસર થશે એટલે ઉર્વશીને બોલવાની ના પાડવામાં આવી હતી. જરૂર હોય તો બેડની બાજુમાં આપેલ બેલ સ્વીચનો ઉપયોગ કરવો એવી સખત સુચના હતી. હલનચલન પર રોક હતી. એ સમીર સાથે પણ ફોન ઉપર વાત કરી શકતી નહોતી. તદ્દન સમીરથી છૂટી પડી ગઈ હતી. દવાના અસરથી એ તરત સુઈ ગઈ.

પોતાનાં રૂમમાં આકાશ ઉર્વશીના સ્કેન, સ્કલ અને ચહેરાનાં બગડેલ ભાગોનો અભ્યાસ કરી રહ્યો હતો અને સર્જરી માટે ઉપયોગી પોઈન્ટસનું નોટિંગ કરી રહ્યો હતો. કોઈપણ હિસાબે ઉર્વશીનો કેસ ડોક્ટર આકાશ માટે ચેલેન્જ હતો. દિવસ-રાત એક કરી એ પરિણામ લાવી આપવાં માટે કટીબદ્ધ હતો. લેબ ઘટનાની સંપૂર્ણ હકીકત અને લેબમાં તે દિવસે ચાલી રહેલ પ્રોસેસની જાણકારી મેળવવી જરૂરી હતી. આખાં દિવસની ઉર્વશી અંગેની માહિતી એ ઈમેલથી સમીરને જણાવતો. સમીરને અકસ્માતવાળા દિવસની સંપૂર્ણ પ્રોસેસના ડોક્યુમેન્ટ લેબમાંથી લઇ ઇમેલ કરવા કહ્યું અને એની જરૂરિયાત પણ જણાવી. લેબ ઇન્ચાર્જ ડોક્ટર રાવ પહેલાં તો એ આપવાં તૈયાર નહોતાં, કારણ સંશોધનના ડોક્યુમેન્ટ લીક થાય તો કોઈ એનો ફાયદો લઇ શકે છે. સમીરે બાહેંધરી આપી કે એવી પરિસ્થિતિ ઉભી નહિ થાય કારણ આ ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ફક્ત ટ્રીટમેન્ટને સહાયરૂપ માહિતી માટે થવાની છે. છેવટે એક પતિ તરીકે સમીરે દલીલ કરી એટલે લેબના ઇન્ચાર્જ પાસે ડોક્યુમેન્ટ આપવાં શિવાય કોઈ બહાનું નહોતું બીજું કે લેબના એક્ષ્પેરિમેન્ટમાં કયા કેમિકલ અને ગેસનો ઉપયોગ થયો હતો તેની માહિતી સંપૂર્ણ રીતે ઉર્વશીના ટ્રીટમેન્ટ માટે જરૂરી હતી જેથી કોઈ દવાનું રીએક્શન ના થાય અને જરૂરી તકેદારી લઇ શકાય.

બીજા દિવસે ડોક્ટર આકાશને ઈમેલથી બધાં ડોક્યુમેન્ટસ મળી ગયાં. ડોક્યુમેન્ટસનો સ્ટડી કર્યો. એક્ષ્પેરિમેન્ટના દરેક સ્ટેપ અને એનાં પરિણામો સાચાં હતાં એની એને ખાતરી થઇ. વાંચતી વખતે એનાં ચહેરાં ઉપર હાસ્ય હતું કદાચ સફળતાનું.

કોસ્મેટીક પ્રોડક્ટસ ઉત્પાદન કરનાર લેબોરેટરીનું આ એક ઉત્તમ સંશોધન હતું જે માર્કેટમાં આવતાં કરોડો રૂપિયા કમાવી આપી શકે એ ચોક્કસ હતું. સંપૂર્ણ વિશ્વમાં કોસ્મેટિક્સનું બજાર મોટું છે. કોસ્મેટિક્સના બજારે જ મિસ સીટી, મિસ સ્ટેટ, મિસ ઇન્ડિયા, મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ જેવી સૌંદર્ય સ્પર્ધાઓને જન્મ આપ્યો છે. આ બધી સૌન્દર્ય સ્પર્ધાઓ પાછળ કોસ્મેટિકસ બનાવનાર કંપનીઓનો હાથ હોય છે. રાષ્ટ્રીય સ્થરની સ્પર્ધાના પરિણામ સ્પર્ધાના સ્પોન્સર પોતાના ગણતરી અનુસાર કરાવે છે. ઉપરાંત અનેક બીજી કંપનીઓ અને અંદરવલ્ડૅના લોકો પણ એમાં સંડોવાયેલા હોય છે. સુંદરતાનો બીજો એક ચહેરો ખૂબ કદરૂપો છે !

***

આજે આકાશને શાચી યાદ આવી. પ્લેનમાં એની પ્રથમ મુલાકાત થઇ હતી. શાચી ખૂબ સુંદર હતી. કોઈ મેગેઝીન કે પેપરમાં એનાં ફોટાં જોયા હોય એવું લાગતું હતું પરંતું ચોક્કસ યાદ આવતું નહોતું. પ્લેનમાં એ સતત આકાશ સામે જોઈ રહી હતી અને સુંદર સ્મિત સાથે કદાચ એ કંઇક કહેવાં માંગતી હતી. એનાં ચહેરાનાં હાવભાવ જોતાં એમ લાગતું હતું કે એ પરેશાન છે અને કોઈકનાં જાપ્તામાં છે. કદાચ એ એનાં બોડીગાર્ડ પણ હોય શકે. એમની લાઈનમાં બેઠેલાં એક કદાવર પ્રવાસીની નજર સતત શાચી ઉપર હતી. કદાચ એને ખાતરી થઇ ગયી હતી કે શાચીના પ્રયત્નો કોઈને પરિસ્થિતિની હિન્ટ આપવાની હોય. શાચીના પ્રયત્ન હતાં કે એની સાથે જે અઘટિત થયું છે એમાંથી છુટવા. આકાશને એનું આકર્ષણ થયું પણ કંઇક ગંભીર સમસ્યા હોવાનો અંદાજ આવી ગયો હતો કારણ કે પેલી કદાવર વ્યકિતએ પોતાનો કોટ ઉંચો કરી પિસ્તોલ બતાવી ચુપ રહેવાનો ઈશારો કર્યો હતો. આકાશને પસીનો છૂટી ગયો. કોઈકને મદદ કરવા જતાં જાનનું જોખમ છે એ સમજી ગયો હતો અને શાંત બેસી ગયો. મનનાં વિચારો જંપ લેવા દેતા નહોતા, વચ્ચે વચ્ચે બંનેની નજરો મળી જતી અને પોતે નજર ફેરવી લેતો.

શાચીએ પોતાની નાની બેગ ખોલી એમાં એક નાનાં બોક્સમાં કંઇક હેન્ડી હોય એવાં મેકઅપના સાધનો હતાં. ચહેરાને ટચઅપ કરવાનો ઢોંગ કરી એક ફોટાની પાછળની બાજુમાં લીપસ્ટીકથી એક મોબાઈલ નંબર લખ્યો જેના ઉપર પોતાનું અપહરણ થયું છે એવી જાણ કરવાની હતી.

વિમાન લેન્ડ થયું અને બધાં પેસેન્જરો ઉતરતાં હતાં ત્યારે બહુજ હોશિયારીથી એ ફોટોકાર્ડ આકાશના કોટના ખીસામાં સરકાવી દીધો. સદનસીબે એનાં ઉપર જાપ્તો રાખનાર વ્યક્તિને પણ એની ખબર ના પડી. જયારે એ ચાલી રહી હતી ત્યારે ખબર પડી કે કુલ ત્રણ માણસોના સંકજામાં એ હતી જે એની આગળ-પાછળ ચાલી રહ્યાં હતાં.

આકાશ જાણી જોઈને હવે અલગ થઇ ચાલી રહ્યો હતો બેફીકર થઈને જાણે કંઇ પડી જ ના હોય. એરપોર્ટની બહાર એક આલીશાન ગાડીમાં એ લોકો ગોઠવાઈ ગયાં. આકાશ પણ એક ટેક્સીમાં ગોઠવાયો અને આગળ જતી આલીશાન ગાડીને ફોલો કરવા કહ્યું. લગભગ પાંચ મિનિટના ડ્રાઈવ બાદ એમની ગાડી એક આલીશાન બિલ્ડિંગના પોર્ચમાં ઉભી રહી. બધાં નીચે ઉતર્યા અને લીફ્ટ પાસે જતાં હતાં ત્યારે શાચીની નજર આકાશ પર પડી. આકાશ હવે એથી આગળ એનો પીછો કરી શકે તેમ નહોતો તેથી લીફ્ટ તરફ ચુપચાપ દોડ્યો. લીફ્ટ બિલ્ડીંગની બહાર હતી અને લીફ્ટની નીચેના તળિયા ઉપર ફ્લોર નંબર ડિસ્પ્લે થતાં હતાં. આકાશની નજર લીફ્ટના તળિયા ઉપર હતી. લીફ્ટ એકવીસમા ફ્લોર ઉપર ઉભી રહી, પરંતું અચાનક નીચે ઉભાં રહેલ આકાશ ઉપર પેલી કદાવર વ્યક્તિની નજર પડી અને બંનેની નજર કદાચ એક થઇ. આકાશ પોતાની ગાડી તરફ ઉતાવળમાં દોડ્યો અને પાછળ ફરીને જોયું તો લિફ્ટ તરત જ નીચેની તરફ આવી રહી હતી અને એમાં એ કદાવર વ્યકિત હતી. જાનને જોખમ છે એ વાત આકાશ સમજી ગયો હતો.

(ક્રમશઃ)