Kedi No. 420 - 12 in Gujarati Fiction Stories by jadav hetal dahyalal books and stories PDF | કેદી નં ૪૨૦ - 12

Featured Books
Categories
Share

કેદી નં ૪૨૦ - 12

કલ્પના અને આદિત્ય સેન્ટ્રલ જેલ ની બહાર નીકળતા જ હતા કે આદિત્ય ને કંઇક યાદ આવ્યું ને એ બોલ્યો,”તું બહાર મારી રાહ જો ને હું બસ બે મિનિટની માં એક ફોન કરીને આવું છું.. ”કલ્પના સારું કહિને બહાર નીકળી ગઇ ને આદિત્ય ની રાહ જોવા લાગી. પાંચ મિનિટ પછી આદિત્ય બહાર આવ્યો. પણ કલ્પના એ જોયું તો આદિત્ય ના ચહેરા પર કંઇક વિચિત્ર ભાવ હતા જાણે કંઇક કહેવા માગતો હોય.. કલ્પના સમજી ના શકી કે આદિત્ય ચિંતામાં કેમ દેખાય છે. આદિત્ય ધીમેધીમે કલ્પના ની નજીક આવ્યો ને એકદમ કલ્પના ની નજીક આવી ગયો. આદિત્ય ને આ રીતે નજીક આવવાથી કલ્પના ને બેચેની થવા લાગી. એના હ્રદય ના ધબકારા ય એકદમ વધી ગયા. આદિત્ય એ નજીક આવીને કહ્યું, ”મારે તને હોસ્પિટલમાં હતો ત્યારથી એકવાત કહેવી છે પણ ખબર નથી પડતી કે કેવી રીતે કહું. ખબર નહિ હું તને એ કહીશ પછી તું કેવું રિએક્ટ કરીશ ?”

“કઇ વાત?કલ્પના એ ગભરાતા ગભરાતા પુછ્યું. કલ્પના ને એનું ગળું સુકાતું લાગ્યુ.

“તું મારી સાથે નજીકના થિએટર માં મુવી જોવા આવીશ ?”

“શું?“ કલ્પના ના મોઢા માંથી નીકળી ગયું. પછી આદિત્ય થી થોડી દુર જઇને ગુસ્સા માં પીઠ ફેરવીને બોલી, ”તારે આ વાત કહેવી હતી!”એ ગુસ્સામાં મોઢું ફુલાવીને ઉભી રહી ગઇ.

“ હા. આ જ કહેવાનું હતું. આ તો સલમાન ખાન નું મુવી છે ને ‘ટાઇગર જિંદા હૈ’ કેટલાય દિવસ થી જોવું હતું પણ મેળ જ નહોતો પડતો. આજે મેળ પડ્યો છે ને PVR માં પણ લાગ્યું છે તો જોઇ લેવાનો વિચાર આવી ગયો. પણ મને એ વાત ની ખબર ના પડી કે તું કઇ વાત સમજી હતી?”

“કંઇ જ નહિ પણ અત્યારે… મુવી ……”કલ્પના અચકાતા અચકાતાં બોલી. એની એ રીત જોઇને ને આદિત્ય એ કહ્યું, ” મને ખબર હતી તું આવું જ કરવાની છે. એટલે તને પુછતા પહેલા વિચારતો હતો કે પુછું કે નહિ? કંઈ નહિ. તારે ના આવવું હોય તો ના આવ. મારે ય નથી જવું. ટીવી પર જોઇ લઇશ. બસ ખુશ. ”

“ એવું નથી પણ અજય સરે આપણ ને કામ કરવા માટે મોકલ્યા છે મુવી જોવા નહિ. ત્યાં આપણું કામ હશે તો? આદિત્ય duty comes first you know. આપણે ઓફિસ માં પાછા જવું જોઇએ. ”

“તને ખબર છે હું અજયસર નો ફેવરિટ કેમ છું. કેમ કે જ્યારે કામ ની વાત આવે ત્યારે મે ક્યારેય મારા જીવ નીય પરવા નથી કરી. અને એટલે જ એ મને અમુક છુટ આપે છે. અને આ બાબતે ય મે એમની રજા લીધી હતી. એમની પરમિશન લઇને જ તને મુવી જોવા માટે પુછ્યું હતું. પણ તું તો સાથે ના આવવું પડે એટલે લેક્ચર આપવા બેસી ગઇ. ને તારે ના આવવું હોય તો ના પાડી દે ને એટલે વાત પતે આમ બહાના ના બનાવ. ચાલ હવે પાછા ઓફિસમાં જ જઇએ. એમ કહીને આદિત્ય ગુસ્સા માં જ બાઇક પર બેસી ગયો ને બાઇક સ્ટાર્ટ કરી દીધું. ને બોલ્યો, ”ચાલ હવે ઓફિસે જવાનું મોડુ થાય છે”

કલ્પના બાજુમાં આવીને પોતાના કાન પકડીને બોલી. ”Ok,I am sorry”મને શું ખબર હતી કે તે એમની પરમિશન લીધી છે? તે મને પહેલા જ કહી દીધું હોત તો. આ બધી માથાકુટ જ ના કરત ને. સારું ચાલ તારું ફેવરિટ મુવી જોવા જઇએ. ”

“ના, હવે મુડ નથી. ઓફિસ માં જઇને કામ જ કરીએ ને એ જ બરાબર છે. duty comes first you know”

“એકવાર સોરી કહ્યુ ને મે. હવે કાન પકડીને ઉઠક બેઠક કરાવીને જ જંપીશ કે. સારું તારા માટે એ ય કરી દઉં બસ. પણ એક ફ્રેન્ડ ને માફી માટે આટલું તરસાવવું સારું નહિ હોં”. તોય આદિત્યએ કંઈ જવાબ ના આપ્યો. એટલે કલ્પના એ કહ્યું, ” આદિત્ય પ્લીઝ, માફ કરી દે ને. જો હવે તો મારા હાથ ય દુખવા લાગ્યા કાન પકડી ને. ”હવે આદિત્ય એ કલ્પના સામે જોયુ તો એ કાન પકડીને એની માફી ની રાહ જોતી હતી. એણે સામે જોયું તો કલ્પના ના ચહેરા સામે જોઇ પીગળી ગયો. અને બોલ્યો, ”સારુ. ઠીક છે. માફ કરી પણ જો હવે પછી આદિત્ય ને કામ બાબતે ક્યારેય લેક્ચર ના આપતી. ચાલ હવે જવું છે પીવીઆર માં કે પાછું ઓફિસે જવું છે. ”

“તું જ્યાં લઇ જઇશ ત્યાં જઇશ. બસ”એમ કહેતા કલ્પના આદિત્ય ની પાછળ બેસી ગઇ. અને આદિત્ય બાઇક ને પીવીઆર નીદિશામાં લઇ ગયો. કલ્પના એ આદિત્ય ને હા તો કહી પણ મનમાં હજુ ય મુંઝવણ ચાલી રહી હતી. એ મન માં વિચારવા લાગી,”આદિત્ય ને સાચે મુવી જ જોવું હશે ને કે ક્યાંક એનો કોઇ બીજો ઇરાદો તો નથી ને. બાજું માં પ્રેમા આન્ટી ની સ્વીટી કહેતી હતી કે જ્યારે એ એના બોયફ્રેન્ડ સાથે મુવી જોવા ગઇ હતી ત્યારે એણે તો મુવી જોવા ના બદલે સ્વીટી સાથે અડપલાં કરીને જ મુવી ખતમ કર્યું હતું. અને સ્વીટીને પણ તો મજા આવતી હતી એટલે એણે એને રોક્યો નહિ. ક્યાંક આદિત્ય એવું કંઈ તો નહિ કરે ને. એટલે જ ના જવા ના બહાના બનાવતી હતી. પણ હવે તો ગયા વગર છુટકો જ નથી. હા જો એણે એવું કંઈ પણ કરવા નો પ્રયત્ન કર્યો છે ને તો હું આજ પછી એની સાથે દોસ્તી ય નહિ રાખું. જોઇએ કે એના મનમાં છે શું?”એમ વિચાર કરતી હતી ત્યાં તો થિયેટર ય આવી ગયું. આદિત્ય જઇને બે ટિકિટ લઇને આવ્યો. બંન્ને થિયેટર ના અંધારિયા હોલમાં ગયા. મુવી શરુ થઇ ગયું હતુ. પણ કલ્પના નું ધ્યાન તો મુવી કરતાં આદિત્ય ની હરકતો પર જ હતું. સલમાન ખાન અને કેટરિના નું ‘દિલ દિયા ગલ્લાં ‘સોન્ગ ચાલુ હતું. અને હવે તો કલ્પના ય સોન્ગ એન્જોય કરીરહી હતી. ત્યાં કલ્પના ના હાથ પર ને કોઇ નો સ્પર્શ થયો. જોયું તો આદિત્ય નો હાથ એના હાથ પર હતો. કલ્પના ને એક રીતે એનો સ્પર્શ સારો લાગતો હતો. પણ બીજી તરફ ડર ય લાગી રહ્યો હતો કે ક્યાંક આદિત્ય સાથે ની દોસ્તી ટુટી ના જાય. પણ થોડી જ વારમાં એને લાગ્યું કે આદિત્ય નું બધું ધ્યાન મુવીમાં જ હતું. જાણે એ વાત ની ખબર જ નહોય કે એનો હાથ કલ્પના ના હાથ પર છે એવું લાગતું હતું. અને થોડી વાર માં તો આદિત્ય એ હાથ લઇ લીધો. એટલે કલ્પના ને શાંતિ થઇ. એ પછી આખા મુવી દરમ્યાન ક્યાંય આદિત્ય નો ભુલેચુકે ય સ્પર્શ ના થયો. એટલે કલ્પના ના મનમાં આદિત્ય માટે રિસ્પેક્ટ અને પ્રેમ બંન્ને વધી ગયા. મુવી ખતમ થયા પછીય જ્યારે બંન્ને બાઇક પર બેઠા ત્યારે આદિત્ય મુવી વિશે વાત કરે જતો હતો પણ કલ્પના તો માત્ર આદિત્ય ના જ વિચારો માં ખોવાયેલી હા હં એમ ટુંકમાંજવાબ આપે જતી હતી.

આદિત્ય એ કલ્પના ના ઘર આગળ બાઇક ને ઉભું રાખ્યું. એટલે કલ્પના ને ધ્યાન માં આવ્યું એટલે એ બોલી, ”કેમ અહિયાં ?”

“ તું ભુલી ગઇ. મને આજ રાતે ડિનર પર આમંત્રણ આપ્યું હતું ને. આમેય સાત વાગવા આવ્યા છે. હવે ઓફિસે જઇશું તો બહુ વાર થઈ જાય એટલે અહિંયા આવવું જ વધારે સારું. એટલે અહિં લઇ આવ્યો.

કલ્પના એ ઘરની ડોરબેલ વગાડી. ગીતાબેને દરવાજો ખોલીને ને જોયું કલ્પના આદિત્ય ની સાથે ઉભી હતી. ગીતા બેને કહ્યું, ”અરે તમે બંન્ને આવી ય ગયા. સારું થયું બંન્ને ય અંદર આવો ગિતા બેને બંન્ને ને આવકાર આપ્યો. પછી પાણી અને શરબત આપીને સ્વાગત કર્યું. આદિત્ય એ કહ્યું, ”તમને શું લાગે છે કે હું મહેમાન ની જેમ આવીશ. અહિંયા બેસીને ટીવી જોઇને ટાઇમપાસ કરીશ અને તમે બંન્ને કિચન માં ડિનર બનાવશો તો એવું તો હું નહિ થવા દઉં. હું માત્ર એક જ શરતે અહિં ડિનર કરીશ કે ડિનર બનાવવામા તમે મારી મદદ લેવી પડશે.. નાનીમોટી જે હોય એ મારી મદદ તો તમારે લેવી જ પડશે. ”

“અરે એવું થોડી હોય તું મહેમાન છે આ ઘર નો. તારી પાસે થી કામ ના કરાવાય “

“ઓહ તો હું મહેમાન છું. એટલે તમે એવું ઇચ્છો છો ને કે હું આ ઘરમાં ફરી ક્યારેય ના આવું. આજે ડિનર કરીને જતો રહું એટલે તમારું કામ પતે એમને. ”

“મારા કહેવાના અર્થ એ નથી. હું તો માત્ર એટલું કહેવા માગું છું કે અમે તને રાત ના ભોજન માટે આમંત્રિત કર્યો છે તો તારી પાસે થી કામ કેવી રીતે કરાવીએ. ”

“રહેવા દે મમ્મી. આને રિસાઇને બેસી રહેવા દે અહિયાં. આમે ય આને તો વાતવાતમાં રિસાઇ જવાની આદત છે. બપોરે ય રિસાઇ ગયો હતો. માંડ માંડ મનાવીને ઘરે લાવી છું. ” કલ્પના એ આદિત્ય ને ચીડવતાં કહ્યું.

“ તને એમ કે હું અહિંયા બેસી રહીશ. હું તો ઘરે જતો રહીશ. તમે લોકો બનાવો તમારું ભોજન. હું તો આ ચાલ્યો.

“તું ય શું મનમાં આવે એમ બોલી નાખે છે કલ્પના. આદિત્ય દિકરા તું જેમ કહીશ એમ જ કરીશું બસ. ”ગીતા બેને આદિત્ય ને રોકવા માટે કહ્યું.

“એકબાજુ દિકરો કહો છો અને બીજી બાજુ મારી મદદ લેતા અચકાઓ છો. જો મને દિકરો કહ્યો છે તો હવે પછી કંઈ પણ કામ હોય મને બિનદાસ્ત બોલાવી લેવાનો. એમાં અચકાવાનું નહિ. ”

“સારું જનાબ કિચન માં જઇએ મોડુ થાય છે. પાછું મોડું થશે તો તું જ ભુખ સહન નહિ કરી શકે. ને પછી બુમો પાડવા લાગીશ કે મને જમવાનું આપો અને મમ્મી આને જ્યારે ભુખ લાગે છે ને તો ફર્નિચર ખાવાની ધમકીઓ આપે છે. એટલે આપણા ઘરના ફર્નિચર માટે આપણે જલ્દીથી બનાવવાનું ચાલુ કરી દેવું જોઇએ. ”

“એ તો એવી ધમકીઓ આપવી પડે નહિ તો તું એટલી બધીવાર કરે કે રાતનું ડિનર મારે સવારના બ્રેકફાસ્ટ માં લેવું પડે. ”

એમને લડતા જોઇને ગીતા બેન હસી પડ્યાને બોલ્યા, “બસ બસ તમે બંન્ને ઝગડો કરવાનું બંદ કરશો. આદિત્ય તું હવે ટમેટા ડુંગળી ને આ બીજા શાક સમાર. કલ્પના તું પુરીઓ નો લોટ બાંધી દે. ને હું દાળભાત, અને બીજી વાનગીઓ હું બનાવી દઇશ. ”

ત્રણેય પોતાનું કામ કરવા લાગ્યા. એટલી વારમાં દરવાજા નો બેલ વાગ્યો ને કલ્પના એ જઇને દરવાજો ખોલ્યો. અમોલ ભાઇ ઘરમાં આવ્યા. થોડી વાર પછી આદિત્ય અને ગીતા બેન ની વાતો અને હસવાના અવાજો સાંભળીને અમોલભાઇ કિચન માં આવીને જોયું ને બોલ્યા, ”ગીતા, કલ્પના આપણા ઘરમાં મહેમાનો પાસે કામ કરાવવાનો રિવાજ ક્યારથી ચાલુ કર્યો. પહેલીવાર જમવા ઘરે બોલાવ્યો ને કિચનમાં કામે લગાડી દીધો બિચારાને. ”

“ પપ્પા, આ કંઈ બિચારો નથી. આ કામ એણે માગીને જ લીધું છે. એની પાસે કામ ના લેત ને તો એ ડિનર કર્યા વગર જ જતો રહેત. એટલે મમ્મીએ નાનું એવું કામ બતાવ્યું છે. ”

આદિત્ય કામ મુકીને અમોલભાઇ જોડે આવીને કહ્યું. ”નમસ્તે અંકલ. એ તો મને થયું કે જો હું એમજ બેસી રહીશ તો પછી આપણો એકબીજા સાથે સારી રીતે પરિચય ના થાય. જો હું કિચનમાં મદદ કરાવું તો હું સારી રીતે તમારા બધા ના સાથ નો લાભ લઇ શકું એટલા માટે હું મદદ કરાવતો હતો. ”

“તો પછી મારે ય તારા પરિચયનો લાભ લેવા માટે કિચનમાં મદદ કરાવવા આવવું પડશે એમને. ”અમોલભાઇએ કહ્યું.

“આદિત્ય, તારું કામ થઈ ગયુ હોય તો બહાર રાહ જો હવે. મોટાભાગનું બની ગયું છે. બસ થોડું કામ બાકી છે જે. હું અને કલ્પના મળીને ડિનર બનાવી લઇશુ. અને તને વધારે રાહ નહિ જોવડાવીએ. ”ગીતાબેન ની વાત માનીને આદિત્ય હાથ ધોઇને બહાર બેસી ગયો. અમોલભાઇ ફ્રેશ થઇને આદિત્ય સાથે બેઠા. થોડી વાર સુધી તો બંન્ને ચુપચાપ બેઠા. પછી અમોલભાઇ એ પુછ્યું, ”આદિત્ય, એકવાત પુછવા માંગુ છુ જવાબ આપીશ. ?”

“જરુર”આદિત્ય એ કહ્યું.

“તું એકાદ અઠવાડિયા થી હોસ્પિટલમાં દાખલ હતો તો પણ તારા ઘરમાંથી કોઇ આવ્યું કેમ નહિ?”તારા માતાપિતા ને તારી ચિંતા નથી કે શું ?”

“એમને મારી ચિંતા હોય તો પણ એ નહિ આવી શકે કેમ કે એ બંન્ને આ દુનિયા માં નથી. ”

“ઓહ,આઇ એમ સોરી. એટલે તારા ઘરમાં બીજું કોઈ નથી ?”

“મારા નવીન કાકા છે ને મને દિકરા ની જેમ જ રાખે છે એમને કોઈ સંતાન નથી ને. પણ જ્યારે આ હું હોસ્પિટલમાં હતો ત્યારે એ બિઝનેસ મિટિંગ માટે મલેશિયા માં હતા. જો એમને ખબર પડત તો બધું કામકાજ પડતું મુકીને આવી જાત. એટલે મને થયુકે જ્યારે એ પાછા ફરશે ત્યારે જણાવી દઇશ. નાહક ની એમને દોડાદોડ થઈ જાત. આમેય મને એટલું બધું વાગ્યું નહોતું ને. ”

“એ સારું કર્યું. કોઇ વાર અમદાવાદ આવે તો ઘરે લઇ આવજે. એમને મળીને આનંદ થશે. એમને. જો કે તારા માતાપિતા નું નામ શું છે? “

“સુરેશ ભાઇ શ્રીવાસ્તવ. અને સાવિત્રી બેન શ્રીવાસ્તવ. ”

“એટલી વાર માં ગીતાબેને કહ્યું, ”ચાલો હવે જમવાનું તૈયાર છે. તમે હાથ મોં ધોઇ આવો. ”

ચારેય જણ ડિનર ટેબલ પર બેઠા. ડિનર માં ગીતા બેને મલાઈ કોફ્તા, મટર પનીર, દાળ ભાત, શીરો, સલાડ વગેરે થી ડાઇનિંગ ટેબલ સજાવીને રાખ્યું હતું. એ જોઇને આદિત્ય બોલ્યો, ”અરે આટલી બધી મહેનત ક્યાં કરી. તમારું રોજનું જ બનાવી દેવું હતું ને. ”

“તારા એકલા માટે નથી બનાવ્યું હોં. અમે પણ છીએ જમવામાં” કલ્પના એ ટીખળ કરી.

“તે રોજ તું આટલું બધું ખાઇ જાય છે?અંકલ ને આન્ટી ના ભાગમાં કાંઇ આવે છે કે નહિ?કે પછી એમને અર્ધા ભુખ્યા સુઇ રહેવું પડે છે હં?”

“અરે આનું જમવાનું તો એટલું છે ને કે નાના છોકરાઓ નું જમવાનું પણ વધારે લાગે. કેટલી વાર ટકોર કરી પણ સાંભળે તોને. ”ગીતાબેને આદિત્ય ને ચપાતી આપતા કહ્યું.

“અરે એ તો મમ્મીઓ ને એમના છોકરાઓ નું જમવાનું ઓછું જ લાગે. પેલા દિવસે અમે રેસ્ટોરન્ટ માં જમવા ગયા હતા ત્યારે તો મારું ખીસું ખાલી થઈ ગયું એને જમાડવામાં એટલું ખાધું હતુ. ”

“ કલ્પના, તું આદિત્ય ની સાથે જમવા રેસ્ટોરન્ટ માં ક્યારે ગઇ?તમને બંન્ને ને મલ્યે તો વધારે સમય ય નથી થયો ને?ગીતા બેને પ્રશ્ન કર્યો એટલે અમોલભાઇ પણ જમતા જમતાચ જવાબ માટે કલ્પના ની સામે જોવા લાગ્યા. એ સાંભળીને કલ્પના ને મનમાં થયું કે આને ક્યાં બધું બકવાની જરુર હતી. એમ વિચારીને એ બોલી, “એ તો એવું છે ને મમ્મી અમારી પહેલી મુલાકાત માં આ મારી સાથે ભટકાઇ ગયો હતો ને એણે તારો આપેલો નાસ્તો ય ઢોળાવી દીધો. અને અમે બંન્ને મ્રૃણાલ મા નું ઇન્ટરવ્યુ લઇને આવતા હતા એમાં ખાસી બપોર થઈ ગઇ હતી. એને ને મને ખુબ ભુખ ય લાગી હતી એટલે આદિત્ય મને રેસ્ટોરન્ટ માં લઇ ગયો હતો. ”

અમોલભાઇએ કહ્યું, ”આદિત્ય, તું સાચે જ કલ્પના નું બહુ ધ્યાન રાખે છે. તું તારી જાત ને એકલો ના સમજીશ. અમે પણ તારા પોતાના જ છીએ. તને ક્યારેય અમારી જરુર પડે કે અમારી યાદ આવે તું અડધી રાતે ય ઘરે આવતા કે અમને બોલાવતા અચકાતો નહિ. આ ઘર ને તું એટલું જ તારું સમજજે જેટલું તું તારા ઘરને સમજે છે”

“થેન્ક્સ અંકલ,આજે હું અહિંયા આવ્યો ને તમને બધાને મળ્યો મારો દિવસ બની ગયો. આમ તો મોંઘી હોટલોમાં જમ્યો છુ્ં પણ આટલી લાગણી ને પ્રેમ મને ત્યાં ય નથી મળ્યા. પછી કલ્પના તરફ જોઇને કહ્યું, ”થેન્ક્સ, કલ્પના મને તારા મમ્મી પપ્પા થી મુલાકાત કરાવવા માટે. ”

“સારું તમે જમી લો. મારે ઓફિસનું કામ કરવાનું છે. માફ કરજો પણ મારે એ કરવું પડે એમ છે. એટલે હું મારા રુમ માં જઉં છું. આદિત્ય તારી સાથે મજા આવી. અને હા યાદ રાખજેજ્યારે પણ અમારી કંઇ પણ જરુર હોય કહેતા અચકાતો નહિ. ઓકે. ”

“ઓકે અંકલ”

અમોલભાઇ એમના રુમમાં જતા રહ્યાં. અને થોડી વારમાં બધાએ પોતાનું જમવાનું પુરુ કરી લીધું. અડધા કલાક પછી આદિત્ય એ પણ ઘરે જવાની રજા માગી. અને એ પણ ઘરે જતો રહ્યો. કલ્પના એને જતા જોઇ રહી જયાં સુધી એનું બાઇક દેખાતુ બંધ ના થયું. કલ્પના અને ગીતા બેને ડાઇનીંગ ટેબલ વ્યવસથિત કર્યું ને બંન્ને સુવા માટે રુમાં ગયા. કલ્પના આજે બહુ જ ખુશ હતી. આદિત્ય અને મમ્મી પપ્પા ની આ મુલાકાત થી ખબર નહિ પણ એ ખુબજ ખુશ હતી. ને ખુશી ના લીધે એને ઉંઘ જ નહોતી આવતી. એટલે એ બહાર પાણી પીવા આવી તો અમોલભાઇ અને ગીતાબેન ના રુમ નો દરવાજો સ્હેજ ખુલ્લો હોવાથી એમની વાતચીત સંભળાતી હતી.

ગીતા બેન ખુશ થઈ ને બોલતા હતા,”આજ આદિત્ય ડિનર પર આવ્યો તો મજા આવી નહિ. મહેમાન થઈ ને આવ્યો છતાં ય કિચન માં અમારી મદદ કરાવી. એ સમયે એવી તો એણે વાતો કરી હસાવી હસાવીને પેટ દુખાડી દીધું. તમે આવ્યા એટલે પાછો શાંત બની ગયો. કેવો સરસ મસ્તીખોર, હસમુખો,અને વિવેકી છે નહિ. જો આપણી કલ્પુ માટે એના જેવો કોઈ મળી જાય ને તો એને હાથમાંથી જવા ના દઉં. તરત જ કલ્પુ ના હાથ પીળા કરાવી દઉં. ” અમોલભાઇએ પણ હુંકારો ભર્યો.

કલ્પના નું હ્રદય એક ધબકારો ચુકી ગયું. ને આગળ કંઈ સાંભળ્યા વગર જ શરમના લીધે દોડતી પોતાના રુમમાં જતી રહી. મમ્મી ની એ વાત જ કાનોમાં ગુંજવા લાગી. લજ્જા અને ખુશી ના લીધે એના ગાલ સફરજન નીજેમ લાલ થઈ ગયા. ને એ સમયે કલ્પના નું મુખ ગુલાબ ના ગોટા જેવું થઈ ગયું.. એને આભાસ થયો કે આદિત્ય એ પાછળથી જાણે એને બાંહોમાં જકડી લીધી હોય. પણ બીજી જ પળે સ્વપ્ન હોવાનું યાદ આવતા પોતાની જ કલ્પના પર હસી પડી. ને બિસ્તરમાં આડી પડીને બે હથેળીથી મુખ છુપાવી દીધું. ને પછી અરીસામાં જોવા લાગી. કલ્પના ને થયું કે પ્રતિબિંબ જીવંત થઈ ને બોલ્યું, ”કેમ તું તો બહુ ના ના કરતી હતી કે મારા અને આદિત્ય વચ્ચે કંઈ નથી તો પછી મમ્મીની વાત સાંભળી ને કેમ તારા ગાલ લજ્જા થી લાલ થઈ ગયા ?”

“મે તો બહુ રોકી મારી જાત ને કે એના પ્રેમ માં ના પડું પણ એ છે જ એવો. કંઇક જાદુ કરી દીધું છે એની વાતોથી મારા પર. એમ થાય છે કે બસ દરેક પળ એની સાથે જ વીતાવું. એ દુર જાય છે તો મન થાય છે કે કંઇક બહાનું કરીને એને રોકી લઉં. હું એનાથી દુર જઉં છું તો પાછા વળીને એને નીરખી લેવાની મારી એ તીવ્ર ઇચ્છા ને હું કેમ કરીને દબાવું છુ મને જ ખબર છે. ”

“ક્યાં સુધી રોકીશ. ક્યારેક તો ખબર પડી જશે ને કે તારા વર્તન, તારા હાવભાવ પર થી તું એને કેટલો પ્રેમ કરે છે?એ પહેલા કે એને ખબર પડે તું જ કહીદેને”

“હું એને પ્રેમ કરું છું પણ જો મને એ માત્ર ફ્રેન્ડ ની નજરે જ જોતો હશે તો બધું જ બગડી જશે. અમારી ફ્રેન્ડ્શિપ પર એની અસર પડશે ને હું નથી ઇચ્છતી કે એવું થાય. હું એને નહિ કહું સમજી”

“એક કામ કર. આદિત્ય બહુ મજાક કરતો હોય છે ને તું પણ એ રીતે એને આઇ લવ યુ બોલી દે. પછી જો એના એક્સપ્રેશન ગંભીર જણાય તો હસીને કહી દેજે કે તું માત્ર મજાક કરતી હતી. એમ કરવાથી તમારી ફ્રેન્ડ્શિપ પર પણ અસર નહિ પડે ને તું એ પણ જાણી શકીશ કે તારા માટે કેવું ફીલ કરે છે. કદાચ એમ પણ બને કે એ તને પોતાની બાંહોમાં જકડીને આઇ લવ યુ ટુ બોલે. ”

“ચુપ બેશરમ !”એમ કહીને એ બારી તરફ આવી ને બંધ બારી ને ખોલી. બારીમાંથી ઠંડી હવા આવીને કલ્પના ના વાળથી રમત કરવા લાગી. આકાશમાં ચંદ્ર પુર્ણ રુપ થી પ્રકાશતો હતો. એ જોઇ ને કલ્પના વિચારવા લાગી. ”એક રીતે જોતા આઇડિયા ખોટો નથી પણ જો એના મનમાં પ્રેમ નથી એ ખબર પડ્યા પછી એની સામે હસતા હસતા નાટક કરવું બહુ જ અઘરું કામ છે. પણ જોઇએ છીએ કાલ મળીશ તો એને કહેવાની હિંમત તો જરુર થી કરીશ. જે થશે એ જોયું જશે. કોને ખબર કાલ નો દિવસ મારા માટે લકી પણ હોય”એમ વિચારીને પોતાના બેડ પર પડીને સુવા નો પ્રયત્ન કરવા લાગી. પણ ક્યાય સુધી પડખા ફેરવતી રહી. પછી ઉઠી ને ડાયરીમાં લખવા લાગી. એ ડાયરી જે એને જીવથી ય વધારે વહાલી હતી. લખતા લખતા ક્યારે આંખ મીંચાઈ ગઇ ને ટેબલ પર જ માથુ ઢાળીને સુઇ ગઇ એને ખબર જ નારહી. સવારના જ્યારે સુરજ ના કોમળ કિરણો એ એના ગાલ ને સ્પર્શ્ કર્યું. ત્યારે એ ઉઠીને સ્નાન કરવા ગઇ. રાત ના વિચારો હજુ ય મનમાં ગલગલિયા કરતા હતા. વાળમાં શેમ્પૂ કરીને વાળ ધોયા. ને સ્નાન કરી બહાર આવી. મનમાં થયું કે આજે તો એ રીતે તૈયાર થઇને જવું છે કે એ મને જોઇને જ મારા પ્રેમ માં પડી જાય. પછી જોઉ છું ને કે કેમ મને ના પાડી શકે છે. ”

કલ્પના એ કબાટમાંથી લાલ રંગ નો ચુડીદાર કાઢીને પહેર્યો. વાળ ઓળીને વાળને નીચે થી કર્લી લુક આપીને પોતાના ચહેરા ને એક અલગ જ લુક આપ્યો. આજે એણે વાળને હાફ પોનીમાં ના બાંધ્યા. સ્વર્ગ ની અપ્સરાએ જાણે લાલ રંગ ના વસ્ત્ર માં જમીન પર આવી હોય. પોતાના આ રુપ ને જોઇને કલ્પના પોતે જ શરમાઇ ગઇ. એમાં ય જ્યારે લાલ રંગ ની બિંદી લગાવી ત્યારે તો સુંદરતા ય જાણે હદ પાર કરી દીધી. એની માસુમ, ભાવવાહી, અને ધનુષાકાર આઈ બ્રો વાળી બે આંખો ની વચ્ચે લગાવેલી લાલ ડ્રેસ ની મેચિંગ બિંદી જ બધા ને ઘાયલ કરવા પુરતી હતી.

કલ્પના એ ઘડિયાળ માં જોયું હજુ માત્ર સાડા સાત જ થયા હતા. કલ્પના ને થયું, ”આ સમય પણ કેવો છે?જ્યારે આદિત્ય સાથે હોવાનું મન હોય છે ત્યારે પાંખો લગાવીને ઉડી જતો હોય છે અને અત્યારે ઘડિયાળ ના કાંટા ય કાચબા ની ગતિ એ ચાલે છે. એ એમ વિચાર જ કરતી હતી ત્યાં એના ફોન ની રિંગ વાગી. સ્ક્રીન પર આદિત્ય નું નામ જોતાજ એના ખુબસુરત ચહેરા પર સ્માઇલ આવી ગઇ. ત્યાં ફોન ની રિંગ વાગી અને ફોન ની સ્ક્રીન પર આદિત્ય નું નામ ફ્લેશ થતું હતુ. કલ્પના એ ફોન ઉપાડ્યો તો આદિત્ય એ જણાવ્યું કે એ કલ્પના ને લેવા નહિ આવી શકે. એટલે એ ઓફિસ પોતાની રીતે ચાલી જાય. કલ્પના ના ઉત્સાહ પર ઠંડુ પાણી ફરી વળ્યું. એણે પોતાની બધી વસ્તુઓ લીધી. અને નાસ્તો કરીને નીકળી ગઇ. એને એ વાત નો ય ખ્યાલ ના રહ્યો કે ભુલમાં એણે પોતાની પર્સનલ ડાયરી ય મુકી દીધી છે.

ઓફિસ પહોંચીને કલ્પના એ જ્યારે જોયું કે એની ડાયરી એ ભુલથી સાથે જ લઇ આવી છે ત્યારે એણે ડાયરીને પોતાના ટેબલ ના ડ્રોઅર માં મુકી દીધી. એમ વિચારીને કે ઘરે જતી વખતે સાથે લઇ જશે. પણ ત્યારે એણે એવી ક્યાં ખબર હતી એ જ ડાયરી એના રહસ્ય ને કોઇક એવાની સામે ઉજાગર કરી દેશે જે આવી જ તક ની રાહ જુએ છે. એ જ્યારે કોઇક કામથી અજય સરની કેબિનમાં ગઇ ત્યારે સાનિયા પણ કોઈક કામ થી એના વર્કિંગ ટેબલ પાસે આવી. ટેબલ માં થી બીજી કામ ની વસ્તુ શોધવા જતા એની નજર ડાયરી પર પડી. એણે ખોલીને જોયું તો ખબર પડીકે કલ્પના ની પર્સનલ ડાયરી છે એટલે એને જોવા લાગી પણ કલ્પના ને પાછી આવતા જોઇને જ એણે ડાયરી પાછી મુકી દીધી.

કલ્પના એ આવીને પોતાનું કામ કરવા લાગી. એણે સુહાની ને પણ કામ માં મદદ કરાવી. એટલી વાર માં આદિત્ય આવી ગયો. કલ્પના ને હતું કે આદિત્ય એને નોટિસ કરશે પણ આવતાંવેંત એ અજયસરની કેબિન માં જતો રહ્યો. થોડી વાર પછી અજયસરે કલ્પના ને કેબિન માં બોલાવી એટલે એ કેબિન માં ગઇ. આદિત્ય અજયસરની સામે ઉભો હતો ને કંઇક વાત કરી રહ્યો હતો. કેબિન ના ખુલવાના અવાજથી બંન્ને નું ધ્યાન એ તરફ ગયું. પણ આદિત્ય એ જેવી કલ્પના ને જોઇ કે એને જોતો જ રહી ગયો. અજયસરે એને ચારપાંચ વાર બોલાવ્યો ત્યારે એનું ધ્યાન હટ્યુ. અજયસરે બંન્ને ને સાબરમતી સેન્ટ્રલ જેલ માટે નીકળી જવા કહ્યું. એમના ગયા પછી સાનિયા એ આવીને કલ્પના ના ટેબલ ના ડ્રોઅર માંથી ડાયરી કાઢી લીધી.

કલ્પના ને હતું કે આદિત્ય એની તારીફ કરશે પણ આદિત્ય તો ચુપચાપ બાઇક ચલાવે જતો હતો. એથી કલ્પના ને નવાઇ લાગી કે એક મિનિટ ય ચુપ નહોતો રહિ શકતો અને આજે જ કેમ એક શબ્દ ય બોલતો નથી. થોડી વારમાં જ બંન્ને સાબરમતી જેલ પહોંચી ગયા કલ્પના ને થયુ કે રસ્તો થોડો વધારે લાંબો હોત તો કેટલું સારુ હોત.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં જઇને એમને ખબર પડી કે ઇન્સપેક્ટર કામત બહાર ગયા છે એટલે એક હવાલદારે એમને રુમ માં બેસાડ્યા. થોડી વાર માં પેલો હવાલદાર મ્રૃણાલમા ને લઇને આવ્યો. ને એમને રુમ માં મોકલી ને જતો રહ્યો. થોડી વાતચીત પછી મ્રૃણાલમા એ પોતાની વાત કહેવાનું શરુ કર્યું.

“અમે પેલું ઘર છોડીને રાજકોટમા રહેવાનું શરુ કર્યું. જ્યાં હું મારા પિતાજી થી નારાજ રહેતી હતી. પરંતુ ધીમે ધીમે હું સામાન્ય થવા લાગી. એવામાં એકદિવસ મારી મા ને એક વાહને ટક્કર મારી. અને ત્યારે એક વ્યક્તિ મારી માની મદદે આવી. એણે મારી માને દવાખાને પહોંચાડી ને એની દવા કરાવી. મારી માના પગે સહેજ ફ્રેક્ચર થયું હતું એટલે પ્લાસ્ટર બંધાવીને એ મારી માને ઘર સુધી મુકી ગયો. એણે કમલેશ યાદવ તરીકે પોતાનો પરિચય આપ્યો હતો. એક કંપની તરફ થી એ જાદુ ના સ્ટેજ શો કરતો હતો.. હવે એ મા ની ખબર પુછવા ના બહાને અવારનવાર આવતો થયો.. મને એનું ઘરમાં આવવું ગમતું નહોતું. કેમકે જ્યારે એ ઘરમાં આવતો ત્યારે કોઇને કોઇ બહાને મારી નજીક આવવાનો પ્રયત્ન કરતો. એકવાર તો તક જોઇને એ રસોડામાં આવી ગયો. ને મારો હાથ પકડી લીધો. મે એનો વિરોધ કર્યો તો ત્યારે તો ઘરમાંથી જતો રહ્યો. પરંતુ બીજા દિવસે એ આવ્યો. અને મારા માતાપિતા પાસે મારી સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી.

મને એ કમલેશ દીઠો ય ગમતો નહોતો. કેમ કે એ ભરાવદાર શરીરનો હતો. એનો રંગતો પંકજ કરતાં ય વધુ કાળો હતો. અને એના ઉપર એની જાડી મુછો જેનાથી મારા હિસાબે એના દેખાવ ને વધારે કદરુપો બનાવતી પરંતુ એના હિસાબે એના જાદુગર ના દેખાવ ને અનુરુપ હતી. મે બહુ આનાકાની કરી કે મારે એની સાથે લગ્ન નથી કરવા. પરંતુ મારા માતાપિતા ના હિસાબે મે જે મોટી ભુલ કરી હતી એ પછી કોઈ મારો હાથ પકડવાનું નહોતુ. આખરે મારે એમની મરજી સામે ઝુકવું પડ્યુ. પરંતુ મે શરત મુકી કે હું એને સત્ય જણાવીને પછીજ લગ્ન કરીશ. મને એમ હતું કે મારો ભુતકાળ જાણીને કદાચ એજ લગ્ન કરવાની ના પાડી દેશે. પણ મારી ધારણા થી બિલકુલ ઉલ્ટુ થયુ. મારા ભુતકાળ ને જાણ્યા પછી ય એણે લગન કરવાનું મંજુર રાખ્યુ. મને એના પર એટલી ચીડ ચડતી કે કંઇક કરીને એવુ કરી દઉં કે હું એનાથી બચી જઉં. એની સાથે લગ્ન કરવા કરતા મરી જવું એવી ઇચ્છા થતી પણ એમ કરવાની ય હિંમત ના ચાલી. ને નાછુટકે મારા એની સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા. એની સાથે ની એ પહેલી રાત મારા માટે બહુ જ ત્રાસદાયક હતી. પણ શું કરી શકતી હતી. આખરે એ મારો પતિ હતો. એને સહન કર્યાં સિવાય શું કરી શકતી હતી. એકદિવસ એ ગુસ્સામાં ઘરે આવ્યો. મને ખબર પડીકે એણે કંપની તરફથી જાદુ ના શો નહિ કરે. હવે પોતાની રીતે જાદુ ના શો કરશે.

એણે કોઈ પાસે થી ઉધાર રુપિયા લઈને જાદુ ના શો કરવા કરવાનું ચાલુ કર્યું. એ જાદુગરીમાં એટલો પ્રવિણ હતો કે કોઇ ગમે એટલું મગજ દોડાવે તો ય જાદુની ટ્રિક્સ ને સમજી શકતો નહિ. અને એ સાથે બોલવાની છટા જે નાના બાળકો ની સાથે મોટાઓ પણ છેલ્લે સુધી બેસી રહેતા.. ધીમેધીમે એની લોકપ્રિયતા વધવા લાગી. એના સ્ટેજ શો વખણાવા લાગ્યા. અમે ભાડાનું ઘર છોડી ને રાજકોટ ના પોશ એરિયામાં પોતાનો બંગલો લીધો.. ધીમેધીમે નોકર, ગાડી, બધું જ એની જાદુ ના શો ને લીધે આવી ગયુ. અમે અમીર બની ગયા હતા. એ બધું જ મને માત્ર કમલેશ ના લીધે મળ્યુ જે મારી જિંદગી માં ય કોઇ દિવસ મને મળ્યુ નહોતુ. પરંતુ એ સુખની સેજ પર પણ કમલેશ મને સુખી નહોતો કરી શકતો. એ આમ તો શો કરવામા વ્યસ્ત રહેવા ના લીધે અઠવાડિયાના બે કે ત્રણ જ દિવસ ઘરે આવતો. પણ જ્યારે આવતો ત્યારે ભુખ્યા વરુ ની જેમ મારી પર ટુટી પડતો પથારીમાં પોતાની વાસના સંતોષીને પડખુ ફરીને એ સુઇ જતો. પણ હું પડખા બદલતી રહેતી. એ મને ક્યારેય સંતુષ્ટ ના કરી શક્યો. ઉપર થી કુદરતે મને મા બનવા ના સુખથી પણ વંચિત રાખી. જે બળતા માં ઘી હોમવાનું કામ કરતું. હા મને જરુર હતી કોઇક એવા ના પ્રેમ ની જે મને પંપાળે, બહેલાવે, મારા મનમાં ઉઠતા તરંગોને હકીકત નું સ્વરુપ આપે. પણ કમલેશ ને બસ મારા શરીરમાં જ રસ હતો. આમે ય એ મને ક્યારેય મારા લાયક નહોતો લાગ્યો. હા પણ દિવસે દિવસે મારું રુપ ખીલતું હતું. એમાં ય જ્યારે શ્રુંગાર કરીને બહાર નીકળતી ત્યારે તો ગમે તેને મારા રુપ ના બાણ થી ઘાયલ કરી શકતી.

એક દિવસ જ્યારે બહાર જવા જતી હતી ત્યારે કારમાં બેસતા પહેલા મારુ ધ્યાન ગયું કે રોજ ના ડ્રાઇવર કરતા એક અલગ જ યુવક હતો. અશોક નામ હતું એનું. ગોરો રંગ, ભુરી આંખો, કામદેવ જેવો સોહામણો લાગતો,તેમજ કસરત થી કસાયેલું શરીર. એને જોઇને જ મને કંઇક અજીબ અનુભુતિ થઇ. મે એને પુછ્યું તો ખબર પડી કે એના પિતા બીમાર હોવાના લીધે એમની જગ્યાએ ડ્યુટી પર આવ્યો છે. એ દિવસે ગાડીમાં મે એને બધી પુછતાછ કરી લીધી. એ બી. કોમ માં ફર્સ્ટ ક્લાસ થી પાસ હોવા છતાં બેકાર બેઠો હતો. મે એને કહ્યું કે એના પિતા ને બદલે હવેથી એ જ નોકરી પર આવે. એના પિતા આમેય બહુ ઘરડા છે તો એમને આરામ કરવા દે. બદલામાં હું એનો પગાર ડબલ કરી દઇશ. અને એ તૈયાર થઈ ગયો.

ત્યારે એને ખબર નહોતી કે મારી અધુરી ઇચ્છાપુર્તિ નું સાધન બનવાનો હતો. મારા મરી ગયેલા સપના,અધુરી ઇચ્છાઓ મારી વાસના બધું એ જ તો પુરા કરવાનો હતો. મે એને મારી મીઠી મીઠી વાતો ના જાળમાં ફસાવાનું શરુ કર્યું. ધીમેધીમે એ પણ મારી પ્રેમજાળ માં ફસાવા લાગ્યો. મે એની સામે મારા દુખ દર્દ મારી તકલીફો ના રોદણા રોઇને પુરેપુરો એને મારો દિવાનો બનાવી દીધો. હવે હું પણ પોતાની જાત ને રોકી નહોતી શકતી. આખરે એક રાત્રે મે બિમાર હોવાનું નાટક કરીને જરુરિયાત ના બહાને ઘરમાં જ રોકી રાખ્યો. કમલેશ તો ઘરે નહોતો. બધા નોકરો ને પણ પહેલેથી જ રજા આપી દીધી હતી. હું નાઇટ ગાઉન પહેરી ને બહાર આવી. મને જોઇને જાણે એ પાણી પાણી થઇ ગયો હોય એવું એને જોઇને લાગતું હતુ.. એની હાલત જોઇને મને હસવું આવતુ હતુ પણ આજ તો મારા અરમાન પુરા કરવા ની રાત હતી. મે એને મારા માથા માં દુખાવો થાય છે એથી માથું દબાવી આપવાની વિનંતી કરી. એ રાતે એ મારું માથું દબાવતો હતો. પછી મે એને કમર દર્દ નું બહાનું કરીને માલિશ કરવાનું કહ્યું. એ ધ્રુજતા હાથે મારી કમર અને પીઠ પર માલિશ કરવા લાગ્યો. એના સ્પર્શ થી મારી જે હાલત થઇ કે હું મારા પર નો કાબુ ગુમાવી દીધો. ને એને વળગી પડી. એ પછી એ જ થયું જે મે પહેલેથી જ વિચારી રાખ્યું હતું. એ રાત્રે એણે મને અદ્ભુત આનંદ આપ્યો કે જે ક્યારેય કમલેશ નહોતો આપી શક્યો.

હવે અમને બંન્ને એકબીજાને ગાઢ પ્રેમ કરવા લાગ્યા હતા. જ્યારે પણ કમલેશ ઘર થી બહાર હોય ત્યારે રોજ રાતે રોકાઇ ને મારી રાતોને રંગીન બનાવતો. બદલામાં હું એને રુપિયા પણ આપતી. હવે તો એ પણ મારા વગર રહી શકતો નહોતો.

પણ એક વાર કમલેશ નો શો કેન્સલ થવાના લીધે એ અચાનક ઘરે આવી ગયો. ને ત્યારે અશોક અને મને બંન્ને ને કઢંગી હાલત માં જોઇ ગયો. અશોક ને મારી મારીને ઘરની બહાર કાઢી મુક્યો. અને મને પણ એ રાતે જાનવર ની જેમ માર માર્યો. બે દિવસ પછી પાછો ગયો ત્યારે મને ધમકી આપી કે હવે જો એ મને અશોક સાથે જોઇ જશે તો અમારા બંને નું કાસળ કાઢી નાખશે. એના ગયા પછી મે અશોક ને એક ગુપ્ત જગ્યા એ બોલાવ્યો. અને માર ના નિશાન બતાવી ને એની આગળ ખુબ રડી. એ ક્રોધ માં સળગી ઉઠ્યો ને મને કહ્યુંખે એ એને જાનથી મારી નાખશે. પણ મે એને સમજાવીને શાંત પાડ્યો કે એનું ખુન તો જરુરથી થશે પણ એ રીતે કોઇ ને લેશ માત્ર ય આપણા પર શંકા ના જાય. અને એ મારા જ હાથે મરશે. બસ તારે મને થોડી મદદ કરવાની છે. ક્યારે અને કેવી રીતે એ પાછળ થી નક્કી કરીને હું તને કહીશ. એમ નક્કી કરીને અમે છુટા પડ્યા.

ક્રમશઃ