Ketluy khute chhe - 8 in Gujarati Short Stories by Ranna Vyas books and stories PDF | કેટલૂય ખૂટે છે!!! (ભાગ - 08)

Featured Books
Categories
Share

કેટલૂય ખૂટે છે!!! (ભાગ - 08)

તાકાત

ગામડા માં હવે ભુલાઈ ગયેલી એક પ્રથા તો નહી પણ છતાં જાણે ગામડા ની ખાસિયત – ગામ ના પાદરે કઈ ચોરા ચૌટા કે ટાવર પાસે મોટુ ટી.વી. લગાવેલું હોય. જેના ઘર માં ટી.વી. ના હોય એ બાળકો જરૂરીયાત થી ને જેના ઘર માં હોય એવાં કેટલાંય ખાલી મોજ થી ભાગોળે ટી.વી. જોતાં હોય. ગરીબ કે જેના ઘર માં ટી.વી.નથી તેને મન મજબુરીથી જોવા નો ભાવ ના હોય અને પૈસાદાર ને મન ગરીબ બાળકો પાસે બેસી પોતાના ઘર માં ટી.વી. હોવા છતાં જાહેર માં જોવાનો છોછ ન હોય એ જ તો ગામડા ની ઓળખ. અને એમાંય ઉનાળા ના વેકેશન માં તો ગામ ભાગોળે જાણે ઉત્સવ. ક્રિકેટ મેચ હોય ત્યારે તો મોટેરાં ય જોડાય. ધીમે ધીમે વી.સી.આર. અને પછી ડી.વી.ડી. આવ્યાં અને આવી મોટી સ્ક્રીન ની સુવિધા. બાળકો પણ હવે બદલાયાં ને ધીમે ધીમે કોઈ સારી મુવી જોવા નું આગોતરુ આયોજન કરી સાથે ખાણી-પીણી ને ઉજાણી પણ થવા માંડી. ગામ ભાગોળ ને બદલે હવે પોત પોતા ના ફળિયા માં આયોજન વધારે થતુ.

ચરોતર ના નાનકડા ગામ સોજીત્રા ની આ વાત છે. શ્રીમાળી ની પોળ નામે બ્રાહ્મણો ની મોટા ભાગ ની વસતિ ધરાવતી એક પોળ માં રહેતાં પંદર થી પચીસ વર્ષ ના છોકરા છોકરીઓ એકવાર મુવી જોતા હતા. એક બે વૃદ્ધાઓ પણ તુવેર ફોલતી બેઠેલી. નાના પાટેકર અભિનીત એ ફિલ્મ માં શાર્પ શુટર નાના પાટેકર એક ડાયલોગ હાથ ની આંગળીઓ લમણે મૂકી બોલેલ – “તાકત યહાં હોતી હૈ.” લમણે હાથ મૂકી ‘યહાં’ થી એનો મતલબ મગજ. મર્મ એવુ કે માણસ ની તાકાત એના બાહુબળ કરતાં એના મન-જીગર માં હોય. પંદર વર્ષ ની મુગ્ધા તો એ વાત બરાબર સમજી પણ નહી..પણ એક વૃદ્ધા – કુંદન બાએ એ ડાયલોગ પર તાળી પાડી. બધાં એ બા સામે જોઈ રહ્યા પણ પછી બધાં ને જાણે ખ્યાલ આવ્યો કે ફરી પેલી અનેક વાર સાંભળેલી વાત સાંભળવી પડશે એટલે ઝડપથી બધાં ટી.વી. બાજુ વળ્યાં.

કુંદન બા ઘણી વાર કહી ચુકેલાં કે એમના સ્વર્ગસ્થ પતિ – રતિલાલ શરીરે એકવડીયા પણ મન થી જબરી હિંમત. એકવાર જુવાની માં કુંદન બા કોઈ જગ્યા એ લગ્ન માં ગયેલાં અને ત્યાં એક માથા ભારે ગણાતા છોકરા એ એમની છેડતી કરી. એ વખતે તો સત્તર વર્ષ ની કુંદન કુવારી. એના બે સગા ભાઈ સાથે જ હતા પણ એ બદમાશ છોકરા ની ધાક જ એવી કે ભાઈઓ એ બહેન ને એ વાત અવગણવા કહ્યું.એની સામે કઈ બોલવાની ભાઈઓ એ હિંમત ના બતાવી ત્યાં એ જ પોળ માં રહેતા રતિલાલ હાજર હતા જે એ વખતે વીસ વર્ષ નો મરદાલ છોકરો. દેખાવે પણ સામાન્ય અને ઘર પણ સાધારણ. પોળ ની છોકરી ની છેડતી ની ખબર પડતાં જ રતિલાલ સીધા એ બદમાશ પર ચિત્તા ની અદા થી કુદ્યા ને એનો હાથ તોડી નાખ્યો.

આભારવશ કુંદન ના બન્ને ભાઈઓ એ એ દિવસે રતિલાલ નો ઘેર જઈ દિલથી આભાર માન્યો. ઘરે જઈ કુંદને તો એની માં ને ચોખ્ખું જ કહ્યું કે “મારી ઈજ્જત જાળવે એવો છોકરો જ મને ખપે. હું ભાઈઓની જવાબદારી ગણાઉં તોય એમણે એક શબ્દ બોલવાની હિંમત ન કરી ત્યાં આ છોકરો મારા માન માટે જીવ ના જોખમે લડ્યો. હવે પરણીશ તો એને. આપડી જ્ઞાતિ એક જ છે. તુ માગુ નાંખ નહીતર હું પહેરેલે કપડે એને ઘેર જઈ એની બા ના પગે પડી જઈશ.” ને કુંદન ની બા એ દીકરી ની ઈચ્છા જાણી માંગુ નાખ્યું ને ત્રણ મહિના પછી લગ્ન પણ સાદાઈ થી લેવાઈ ગયાં. ભાઈઓ ની ઈચ્છા ઓછી હતી. એક તો ઘર સાધારણ ને પાછો રતિલાલ એવો પ્રભાવક પણ નહી. પણ કુંદન ની ઈચ્છા આગળ બધાં નું કઈ ન ચાલ્યું. જેમ ધારેલું એમ રતિલાલે જીવનભર કુંદન નું માન જાળવ્યું. જે પોતાની પત્ની માટે લગ્ન પહેલાં જ કોઈ અંગત સંબંધ વગર ફક્ત ફળિયા માં રહેતી છોકરી તરીકે માથાભારે માણસ સામે લડ્યો હોય એ કેવા હેત થી પત્ની ને જાળવે એ તો જેને એવો જીગરવાન પતિ મળ્યો હોય એ જ જાણે. કુંદન બા નો દીકરો એ વખતે સત્તર જ વર્ષ નો. એના પપ્પા જેવો એ પણ દેખાવ માં સાધારણ અને શરીર સુકલકડી. ઘણું ખરું બીજા છોકરાઓ વચ્ચે લઘુતા અનુભવતો જીત વેકેશન માં હોસ્ટેલ માં થી આવે ત્યારે પણ બીજાં બાળકો સાથે ઓછુ ભળતો. એની લઘુતા અનુભવવા પાછળ નું કારણ બીજા છોકરાઓ ધ્વારા એના સુકલકડી શરીર ને લઇ કરાતી મજાક સાથે કુંદન બા ની એના પિતા અંગે વાતો કરવાની ટેવ પણ જવાબદાર. કુંદન બા ને ખબર નહી કે ઘણી વખત છોકરાં માત્ર ટીખળ કરવા કુંદન બા ને રતિલાલ વિશે પુછતા. ઘણા લોકો વૃદ્ધાવસ્થા માં પણ જાજરમાન દેખાતાં કુંદન બા ને પૂછી બેસતાં કે એમણે રતિલાલ જેવા સાધારણ દેખાતા પુરુષ ને પતિ તરીકે કેવી રીતે પસંદ કરેલો? અને ઘણી વાર એક ની એક પેલા બદમાશ ની છેડતી વાળી વાત કહેતાં કુંદન બા ને કંટાળો પણ નહતો આવતો.

કુંદન બા ની વાત અવગણવા જ બધાં એ ફિલ્મ જોઈ લીધી. એ ટોળા માં એક વીસ વર્ષ નો છોકરો જીત. કસાયેલું શરીર અને દેખાવડો પણ એટલો. બાર-તેર વર્ષ ની ઉંમરે ગોપીઓ ને મોરલી થી મોહી લેતો રાસ રમતો કાનુડો કુસ્તી માં કંસ ને હરાવી મારે ત્યારે વિચારવું પડે કે એનું શરીર સૌષ્ઠવ કેવું હશે! બસ એવું જ કૈક આ જીત ની બાબત માં. કરડાકી વગરનો મોહી જવાય એવો ચહેરો અને શરીર તો જાણે ગોવર્ધન ઉચકી શકે એવો કાનુડો. મુગ્ધા તો એની પાછળ આફરીન. અને મુગ્ધા હતી પણ મુગ્ધાવસ્થામાં – પંદર વર્ષ ની ઉંમર. પોળ માં ઉનાળા માં પાતળા સધરા માં ફરતા જીત ના હાથ નાં બાવડાં જોઈ કોઈને પણ ખ્યાલ આવે કે એ નિયમિત કસરત કરે છે. શનિવારે અચૂક હનુમાનજી ના મંદિરે જતો જીત બ્રાહ્મણ હોવા છતાં બાહુબળ વધારવા ના બહાને નોનવેજ ફૂડ ખાતો. અલબત્ત એના પિતાની એમાં મંજુરી. મંજુરી ના આપે તો આજના છોકરા થોડા વાત માનવાના હતા? કહ્યા વગર બહાર ખાઈલે એના કરતાં હા પાડી દેવી સારી એવુ જીત ના પિતા એ વિચારેલુ. બધા છોકરા સાથે સારા માં સારી રીતે ચેસ અને કેરમ રમતો જીત ક્રિકેટ માં પણ પાવરધો અને સારુ હાર્મોનિયમ વગાડી સારી રીતે ગઈ પણ શકતો. જીતની માતા ને તો એના પર ભારે ગર્વ.

પુષ્પ ખરે તેમ દિન વહેતા ગયા ને કુંદન બા પણ ઉંમર થતાં સ્વર્ગે સીધાવ્યાં. હવે મુગ્ધા એકવીસ વર્ષ ની હતી અને જીત છવ્વીસ. કુંદન બા ના ઘર માં હવે એમનો મોટી ઉંમરે થયેલો એક નો એક દીકરો પ્રશાંત જ રહેતો.ભણવા નું પતાવી એ હવે નજીક ના શહેર માં નોકરી કરતો. નામ પ્રમાણે એ સ્વભાવે શાંત અને અંતર્મુખી. હવે એના મન માં લઘુતા નહતી રહી. પોળ ના બધા છોકરાઓ કરતાં વધારે ભણી ને પ્રશાંત નાની ઉંમરે સારુ કમાતો થઇ ગયેલો.

શ્રીમાળી ની પોળ માં મોટા ભાગે બધાં બ્રાહ્મણ નાં ઘર. પણ બાજુ માં જ મુસલમાન વસતિ. સંપ સારો એટલે કોઈ દિવસ ચિંતા જેવું નહી લાગેલુ. પણ એક દિવસ અચાનક ચિંતા કરવાનો વારો આવ્યો. મધ રાતે પોળ ના દરવાજા ખખડાવી મુસલમાન મિત્રો એ હિંદુ ભાઈઓ ને ચેતવ્યા કે બીજા ગામ ના મુસલમાન હુલ્લડ ના ઈરાદાથી આવી રહ્યા છે. એ વર્ષ ગોધરા કાંડ નું વર્ષ હતુ જયારે રાજ્યભર માં કોમી હુલ્લડ થયેલાં. મુસલમાન ભાઈઓ ના કહેવા પ્રમાણે એમણે આવનાર બાજુ ના ગામ ના એમના બિરાદરો ને વારવા પ્રયત્ન કરેલો પણ એ લોકો રોકાય એમ નહતા. એકાદ કલાક માં જો આવી ચડે તો આ પોળ ઝપટ માં આવી જાય એવી દેહશદ. બે જ મિનીટ માં પોળ નું દરેક ઘર જાગી ગયુ. અને બધાં સંતલસ કરવા ભેગાં થયાં. ખરેખર જો મુસલમાન ટોળુ આવી ચડે તો શું કરવું એવું વિચારી રહ્યાં. જો ઝડપથી ઘર બંધ કરી બીજા સલામત વિસ્તાર માં કોઈ સગા સંબંધી કે મિત્ર ને ત્યાં જતા રહે તો મુસલમાન ટોળુ ઘર સળગાવી દે એવી પણ બીક. ચર્ચા વિચારણા હજી તો શરુ થઇ ત્યાં બાઈક નો અવાજ આવ્યો. અને બધાએ જોયું તો જીત બાઈક લઇ આવ્યો અને બોલ્યો, ”હું કાકા ને ઘેર જઈ રહ્યો છું.”.....બધાં સ્તબ્ધ. જે હંમેશાં દીકરા પર ગર્વ કરતી એ માતા જ બોલી, “જીત, તુ આટલો સ્વાર્થી કેવી રીતે થઇ શકે? અમે હજી કઈ નક્કી કરીએ એ પહેલાં તારી જાત બચાવવા ચાલ્યો! અને અમારુ નહી તો એટલું તો વિચાર કે ઘર માં આ જુવાન બહેન છે તારી. ટોળુ જો ખરેખર આવી ચઢે તો તારી જરૂર છે અહી.” પણ જીત શરમ છોડી બોલ્યો, “ એને ય આવવું હોય તો લઇ જાઉં. પણ તમે લોકો ઘર સાચવવા બેસી રહો તો હું અહી રહેવા તૈયાર નથી.” આટલુ બોલી જીત એની બહેન નો આવવા માટે નકાર માં હાલેલો ચહેરો જોઈ બાઈક લઇ જતો રહ્યો. મુગ્ધા સાથે ઉભેલાં તમામ વિચારી રહ્યાં કે આ રૂડો રૂપાળો પહેલવાન કેટલો સ્વાર્થી છે! જ્યારે કસાયેલા શરીર ની જરૂર છે ત્યારે બ્રાહ્મણ બાપ જેણે નોનવેજ ખાવાની પણ છૂટ આપી રાખી છે એની દરકાર કર્યા વગર બાઈક લઇ ઉપડી ગયો.

મુગ્ધા ના મન પર થી તો એ પળે જ જીત ઉતરી ગયો. અને હવે એ ક્યાં મુગ્ધાવસ્થા માં હતી? બે ચાર દિવસ પસાર થયા. શાંતિ હતી. એ રાતે જયારે મુસલમાન ટોળુ આવવાની બીક હતી ત્યારે તો એ ગામ ના મુસલમાન ભાઈઓ ની સમજાવટ કામ કરી ગઈ. રોજ જેની સાથે રહેવાનું એની સાથે શું કામ હુલ્લડ સમયે વેર બાંધવું એવું એમણે વિચારેલુ. શાંતિ લાગતાં જીત પણ ઘરે પાછો આવી ગયેલો. ચાર દિવસ કાકા ના ઘરે રહી આવ્યા બાદ એને એના આ કાયરતા ભર્યા પગલા પર અફસોસ હોય એવુ કઈ એના વર્તન પરથી લાગ્યુ પણ નહી. અલબત્ત એનાં માતા-પિતા એની સાથે ખપ પુરતુ બોલતાં. દીકરાની આ કાયરતા એમના દિલ માં વાગેલી. એની બહેન તો એની સાથે રીતસર ઝઘડેલી. ત્રણ ચાર દિવસ પોળ ના દરવાજા જે રાત્રે જ વસાતા એ દિવસે પણ બંધ રહ્યા. પણ પછી એ વાત વિસરાઈ ગઈ.

પંદર દિવસ પસાર થયા. રવિવાર હતો. લગભગ આખી પોળ ના લોકો બહાર બેઠેલા. અને અચાનક કૈક અવાજ થયો. કોઈ કઈ સમજે વિચારે એ પહેલાં તો મુસલમાન ટોળુ ધસી આવતુ દેખાયુ. પોળ ના દરવાજા બંધ કરવા નો પણ સમય નહતો. બધાં પોત પોતા ના ઘર તરફ દોડ્યાં. ક્ષણ ના ય વિલંબ વગર કુંદન બા નો ...ના...ના... રતિલાલ નો દીકરો પ્રશાંત પહેલા ઘર તરફ દોડ્યો. એ ઘરે કોલ્ડડ્રીંક્સ વેચાતાં ઘર ના ઓટલા પર જ ફ્રીજ મુકેલું રહેતુ. રાત્રે ઓટલા ને શટર પાડી દેતા એ લોકો. ચિત્તા ની ત્વરા થી એણે ફ્રીજ માં થી કાચ ની બોટલો કાઢી ટોળા તરફ ફેંકવા માંડી. ટોળુ આગળ ના વધી શક્યું. એની આ હિંમત અને ત્વરા સહુ જોઈ રહ્યાં. ત્યાં તો એણે ઝડપ થી બૂમ પડી, ”જીત, જલદી દરવાજા બંધ કર.” બધાં ની આંખો જીત ને શોધી રહી પણ જીત તો ક્યારનોય ઘર માં જતો રહેલો. અને..... ઝડપથી મુગ્ધાએ દોડી ને દરવાજા બંધ કરી દીધા. કોઈએ પોલીસ ને ફોન કરેલો એટલે બે જ મિનીટ માં પોલીસ પણ આવી ગઈ. હવે કોઈ ખતરો નહતો. પોલીસ આવી એટલે બાજુ ના ગામ માં થી આવેલુ ટોળુ પણ નાસી ગયુ. બધાએ જીત ની એટલી જ મનોમન ટીકા કરી જેટલી પ્રશાંત ની જાહેર માં પ્રશંસા. અને પાંચ વર્ષ પહેલાં જોયેલી નાના પાટેકર ની મુવી નો ડાયલોગ “તાકત યહાં હોતી હૈ” નો ભાવ આજે મુગ્ધા ને બરાબર સમજાયો કે માણસ ની તાકાત એનાં બાવડાં માં નહી પણ એના જીગર માં હોય છે.

બીજે દિવસે જાણે ઈતિહાસ નું પુનરાવર્તન થયુ. કુંદનબા એ એમની માતા ને રતિલાલ ને પરણવા ની ઈચ્છા અંગે જણાવેલું એમ મુગ્ધા એ એની મમ્મી ને પોતે પ્રશાંત ને પરણવા ઈચ્છે છે એમ જણાવ્યું. અલબત્ત નવી પેઢી ની મુગ્ધા એ આગલી સાંજે પ્રશાંત સમક્ષ જાતે પ્રપોઝ કરેલ અને અલબત્ત પ્રશાંતે પણ દરવાજા વાસવા કોઈ છોકરો ના આવ્યો ત્યારે ત્વરાથી ધસી આવેલી મુગ્ધા ને મનોમન પસંદ કરી લીધી હતી.

***