પ્રસ્તાવના
સૌપ્રથમ તો આ નવલકથા વિશે થોડી ઘણી વાત કરી લઉં.."દિલ કબૂતર" એને નવલકથા કહ્યા કરતાં એક લઘુ નવલ કહેવી વધુ પસંદ કરીશ કેમકે આ નવલકથા વધુ લાંબી નથી.
મને પહેલાં થી વાંચન નો ખુબ જ શોખ છે..એમાં પણ ક્રાઈમ અને થ્રિલર મારા મનપસંદ વિષયો હતાં.. આ સાથે મને લોક સાહિત્ય માં પણ સારો એવો રસ છે.મારા માટે લેખન કરવું એ સરળ તો નહોતું પણ હું કંઈક લખવા માટે પ્રેરાયી એનો બધો શ્રેય મારા મોટા ભાઈ જતીન.આર.પટેલ ને જાય છે..જેમની બેકફૂટ પંચ અને આખરી દાવ નોવેલ તમે વાંચી હશે..અને અત્યારે પણ ડેવિલ એક શૈતાન ધૂમ મચાવી રહી છે.
મારી અત્યાર સુધી ચાર સ્ટોરી રિલીઝ થઈ ચુકી છે..જે સમાજ ના વિવિધ મુદ્દા ને સ્પર્શતી હતી..અને એ બધા ને આપ સૌ નો અઢળક પ્રેમ મળ્યો છે..જેના લીધે મારો ઉત્સાહ બેવડાયો અને હું એના ફળ સ્વરૂપ આ લઘુ નવલ આપ સૌ માટે લઈને આવી છું.
"દિલ કબૂતર" નામ સાંભળતા જ સમજાઈ જાય કે આ એક લવ સ્ટોરી હશે..હા આ એક સુંદર મજા ની અને શુદ્ધ પ્રેમ ના દર્શન કરાવતી એક સરળ શબ્દો માં રજૂ કરેલી લવ સ્ટોરી જ છે..વચ્ચે વચ્ચે અમુક ખૂટતી વસ્તુ ઓ મારા ભાઈ ના સલાહ સુચન થી ઉમેરી છે.
સૌપ્રથમ તો મારા વીરા નો, મમ્મી પપ્પા નો અને માં મહાકાળી નો ઉપકાર માનવો ઘટે જેમની પ્રેરણા થી હું આ નોવેલ લખી શકી.પ્રેમ, સામાજીક રીત રિવાજો, ધર્મ, અને નિસ્વાર્થ લાગણી ના સમન્વય સમાન આ નોવેલ આપ સૌ માટે રજૂ કરું છું.
-દિશા. આર. પટેલ
દિલ કબૂતર
ભાગ -૧
"ચા"...બંગાળી ને મીઠી જોઈએ, પંજાબી ને કડક, સાઉથ ઇન્ડિયન ને મોળી જોઈએ તો રાજસ્થાની ને આખા દૂધની..પણ ગુજરાતી માટે તો ગમે તેવી હોય પણ જોઈએ એટલે જોઈએ.."ચા ની ચાહ"ના હોય એને ગુજરાતી સમજવો કે નહીં એ જ પ્રશ્નાર્થ છે.!!
અમદાવાદ ના નરોડા પાટિયા જોડે આવેલી કેશવલાલ ચાલી ની મધ્ય માં આવેલ વડ ના વૃક્ષ નીચે ઉભેલી ભીખાભાઈ ની ચા ની કીટલી પર અત્યારે ચાર મિત્રો કાળુ, જોની, રાજુ અને શિવ બેઠાં બેઠાં વાતો ના વડા કરી રહ્યાં હતાં.ચા ની ચૂસકી સાથે આખી ચાલી ની નાના માં નાની ખબર કાળુ અત્યારે ન્યુઝ રિપોર્ટર ના જેમ આપી રહ્યો હતો..જે બાકી ના મિત્રો એનું મન રાખવા સાંભળી લેતાં હતાં.. બાકી આવી ચાલી માં કોઈ વસ્તુ બની હોય તો પાંચ મિનિટ માં તો બધા ના કાન સુધી પહોંચી જતી હોય છે.
કાળુ ના પિતાજી પલમ્બર નું કામ કરતાં હતાં..કાળુ પણ એ કામ શીખી ગયો હતો..બાપ દીકરો મળી ઠીક ઠાક આવક મેળવી લેતાં.. જોની ના પિતાજી ને લેડીઝ કટલરી ની દુકાન હતી પણ જોની ને ત્યાં બેસવામાં કોઈ રસ નહોતો..એટલે અત્યારે એ ગવર્મેન્ટ એક્ઝામ ની તૈયારી કરી રહ્યો હતો..આમ પણ માઈનોરિટી માં આવતો હોવાથી પોતાનો ક્યાંક તો મેળ પડી જ જવાનો એવું વિચારતાં જોની નો સ્વભાવ શાંત અને સરળ હતો.
રાજુ..આમ પણ જેનું નામ રાજુ, રાજ, રાજ્યો, રાજેશ હોય એ બધાં ખૂબ મસ્તીખોર હોય જ છે, એવું મારુ માનવું છે..આ રાજુ પણ એવો જ હતો..વડ ના વાંદરા ઉતારે એવો..એના ઘર ની પરિસ્થિતિ પ્રમાણ માં કાળુ અને જોની કરતાં સારી હતી.રાજુ ના પિતા મકાન પાડવાના અને એમાં થી નીકળતો ભંગાર વેચવાના કોન્ટ્રાકટ રાખતાં.. રાજુ પણ મૂડ આવે તો એમની સાથે જતો.
ચોથો મિત્ર એટલે શિવ..સાચું નામ શિવાનંદ શાસ્ત્રી..પિતા શંકર શાસ્ત્રી ત્યાં આવેલા વિશ્વેશ્વર મહાદેવ મંદિર ના મુખ્ય પૂજારી..આજુ બાજુ ના વિસ્તાર માં એમનું સારું એવું નામ અને ઈજ્જત હતી.શિવ આર્ટ્સ માં ગ્રેજ્યુએટ હતો પણ એને પાંચ સાત હજાર ની નોકરી માં રસ નહોતો..શંકર શાસ્ત્રી ને શિવ ની ઈચ્છા ને માન આપી ત્યાંજ મારુતિ કુરિયર ની ફ્રેન્ચાઈઝી લઈને એક ઓફીસ કરી આપી હતી.શિવ પણ પોતાની મહેનત અને લગન થી મહિને પચ્ચીસ ત્રીસ હજાર રૂપિયા કમાઈ લેતો.
આજે પણ ચા ના પૈસા શિવ ને જ ચૂકવવાના હતાં..ચારે મિત્રો રોજ સાંજે આમ જ એકઠાં થતાં અને એકબીજા સાથે કલાકો સુધી બેસી ગપ્પાં મારતાં. કાળુ ની વાતો ખૂટવાનું નામ ન્હોતી લેતી..રોજ ની એકધારી એની બકબક થી બધાં કંટાળતા તો ખરાં પણ કાળુ ની વાતો સારો એવો ટાઈમપાસ કરાવી દેતી એટલે કોઈ એને કંઈપણ કહેતું નહીં.
ચા ની કીટલી પર રાખેલાં ટેપ રેકોર્ડર માં સુંદર ગીતો વાગી રહ્યાં હતાં..અત્યારે પણ મોહમ્મદ રફી સાહેબ નું ગીત...
"યે રેશમી ઝુલ્ફે યે શરબતી આંખે..
ઇન્હે દેખકર જી રહે હૈ સભી..."
વાગી રહ્યું હતું..ગીત ના શબ્દો એ કાળુ ના મગજ માં કંઈક નવી વાત પેદા કરી હોય એમ બાકીનાં મિત્રો ની સામે જોઈને એ બોલ્યો.
"અલ્યા તમને બધાં ને ખબર છે..."આ એનો તકીયકલામ હતો કે બધી વાતો ની શરૂવાત માં અલ્યા તમને બધાં ને ખબર છે બોલવું.
"હા ભાઈ અમને બધી ખબર છે.."જોની એ કહ્યું.
"બસ લ્યા કાળિયા બહુ થયું..કાલ માટે થોડી વાતો બચાવી રાખ"રાજુ એ પણ હસતાં હસતાં કહ્યું.
"જોવો ભાઈઓ તમને ખબર તો છે હવે એ વાત નહીં કહું તો મને આખી રાત પેટ માં દુઃખશે..."કાળુ એ વાત કહેવાની પોતાની હઠ ના છોડી.
"સારું ભાઈ..ચાલુ કરો.."જોની એ કહ્યું.
"તમને ખબર છે..આ ચાલી માં એક નવો ફટકો આયો છે...જોરદાર લાગે લ્યા.."કાળુ એ પોતાના આગવા અંદાજ માં કીધું.
"હા હવે ખબર છે..તું પેલી ચંપા કાકી જોડે રહેવા આવી એ બિંદુ ની વાત કરે છે ને"રાજુ એ કહ્યું.
"ના લ્યા..બિંદુડી ના આયે તો ટાઈમ થઈ જ્યો..આતો બે દિવસ પહેલાં જ આવી..ગજબ છે યાર.."કાળુ બોલ્યો.
"તું કોની વાત કરે છે...અને આમ તને દરેક વાત ને ખેંચવાની ટેવ શું પડી છે.."શિવ કંટાળી ને બોલ્યો.
"મોટાભાઈ..ખમ્મા કરો..હજુ મારી વાત પૂરી સાંભળો..પછી જે કહેવું હોય એ કહેજો.."કાળુ એ શિવ ના ખભે હાથ મૂકીને કહ્યું.
"હા ફાટ ને જલ્દી.."જોની એ અકળામણ માં કીધું.
"કાલે સવારે હું અને મારા બાપા..શારદા કાકી ની જોડે પેલું બે માળ નું મકાન છે એમાં ગયાં હતાં..પાઈપ રીપેરીંગ માટે..ત્યાં એક મુસ્લિમ પરિવાર રહેવા આવ્યો છે..એમની એક દીકરી છે..જ્યારે એ ચા લઈને આવી ત્યારે મારી તો હવા નીકળી ગઈ..મારા જોડે શબ્દો નથી એની સુંદરતા નું વર્ણન કરવા માટે..ટૂંક માં કહું તો માલ હતી..માલ.. એનું નામ.."કાળુ ને ઘણું વિચારવા છતાં નામ યાદ નહોતું આવી રહ્યું.
"અમાયા"અચાનક શિવ ના મોંઢે થી નીકળી ગયું.
"હા બસ એવું જ કંઈક છે.."કાળુ એ શિવ ની સામે જોઈને કહ્યું.
"પણ ભાઈ તને એનું નામ કઈ રીતે ખબર..?"જોની આંખો ને મોટી કરીને સવાલ કર્યો.
"હા લ્યા હું તો એના ઘરે ગયો હતો એટલે ખબર પણ તને કઈ રીતે ખબર..?અને તે એ વાત અમને બધા ને કરી કેમ નહીં?"હવે સવાલ કરવાનો વારો કાળુ નો હતો.
"અરે ભાઈ મારે કુરિયર ની ઓફીસ છે..આજે સવારે જ મારી ઓફીસ માં એક કુરિયર આવ્યું હતું..એમાં કંઈક ડોક્યુમેન્ટ હતાં અને ઉપર લખ્યું હતું..અમાયા હુસૈનમિયાં કાદરી..એડ્રેસ ચાલી નું જ હતું એટલે ભુરાની જગ્યા એ હું એ એડ્રેસ પર કુરિયર આપવા ગયો ત્યાં દરવાજો એક ૩૦-૩૨ વર્ષ ના પહેલવાન જેવા લાગતાં માણસે ખોલ્યો અને મને પૂછ્યું..કોનું કામ છે..?"
"મેં કીધું અમાયા હુસૈનમિયાં કાદરી નું..એમના નામે એક કુરિયર આવ્યું છે.તો એને જોર થી અમાયા બુમ પાડી અને થોડી વાર માં એક વીસ બાવીસ વર્ષ ની યુવતી આવી અને એ ભાઈ ને પૂછ્યું..
"શું કામ હતું અબ્દુલ ભાઈ..?"
"આ ભાઈ કોઈ કુરિયર આપવા આવ્યાં છે.."એ ભાઈ આટલું બોલ્યાં અને પછી ત્યાંથી ચાલ્યાં ગયાં..
"મેં એ કુરિયર અમાયા ને આપ્યું અને પછી ત્યાં થી નીકળી ગયો.બસ આ રીતે મને એનું નામ ખબર છે..'અમાયા'..."વિગતવાર બધી વાત શિવ એ જણાવી.
"અલ્યા કેવું નામ છે..."અમાયા.."..રાજુ એ મોં બગાડતાં કહ્યું.
"રાજ્યા તને ખબર પણ છે અમાયા નો અર્થ શું થાય ..".અમાયા એટલે રાતે વરસતો વરસાદ..."..જેવો સુંદર ચહેરો એવું જ સુંદર નામ.."જાણે કે પોતે કોઈ બીજી જ દુનિયા માં ખોવાઈ ગયો હોય એમ શિવ બોલ્યો.
"ભાઈ શિવલા ક્યાં ખોવાઈ ગયો...અને વાહ ભાઈ તને કઈ રીતે ખબર અમાયા નો અર્થ શું થાય?"રાજુ એ શિવ નો હાથ પકડી એને હલાવતાં કહ્યું.
"એતો હવે...યાર જવા દો એ વાત ને..મને ખબર હતી..બીજું તો શું.."રાજુના સવાલ નો જવાબ આપતાં શિવ એ કહ્યું.
"ના ભાઈ ના..તું કહે એટલે અમારે માની લેવાનું..તારો આ લાલાશ પડતો ચહેરો અને આંખો તો બીજું કંઈક જ કહે છે..જો ભાઈ તારે કહેવું તો પડશે..કે તું અત્યારે શું વિચારી રહ્યો છે.."જોની એ કહ્યું..કાળુ અને રાજુ પણ એની વાત માં તૂટી પડ્યા અને ત્રણેય શિવ ને મન માં ચાલી રહેલી વાત જણાવવા ફોર્સ કરી રહ્યાં હતાં.
"હા બસ હવે હું કહું છું...સવારે હું કુરિયર આપવા જાણી જોઈને ગયો હતો..મને ખબર હતી કે શારદા કાકી ના જોડે કોઈ નવો મુસ્લિમ પરિવાર રહેવા આવ્યો છે..કાલે સાંજ ના સમયે ઘર ની બાલ્કની માં મેં એક પરી ને જોઈ..આહહ...શું રૂપ હતું એનું.."જાણે એ દ્રશ્ય ને અત્યારે મહેસુસ કરતો હોય એમ શિવ આંખો બંધ કરી ને બોલી રહ્યો હતો.
"આગળ...શું થયું ભાઈ...જલ્દી બોલ"કાળુ એ બેતાબી પૂર્વક કહ્યું.
"કાળીયા તારી વાત સાચી છે..એ છોકરી કયામત છે..જન્નત ની કોઈ હૂર છે..કોઈ ના સપના ની રાણી તો વિનસ ની જીવતી જાગતી પ્રતિકૃતિ છે..આય હાય એની આંખો જાણે ધનુષ હોય અને એની નજર કોઈ તીર હોય એમ એ મને ઘાયલ કરી ગઈ..ચહેરા નું વર્ણન કરવા માટે આખી ડિક્સનરી ઓછી પડે.. સુંદર, શાલીન, અદ્ભૂત, ગજબ, સોહામણી, રૂપાળી, મનમોહક જેટલા પણ વિશેષણો વાપરું એટલા ઓછા છે.."અમાયા ના રૂપ ને શબ્દો માં રજૂ કરતો શિવ અત્યારે ક્યાંક ખોવાઈ ગયો હોય એવો લાગતો હતો.
"મારો ભાઈલો પહેલી બોલ પર જ ગોલ્ડન ડક..."રાજુ એ જોની ને તાળી આપતાં કહ્યું.
"હા ભાઈ એમ જ સમજો..પછી તો રાત ભર એના જ વિચારો મગજ માં ઘુમરાતાં રહ્યાં.. સવારે ત્યાં થી નીકળ્યો ત્યારે એના ઘર તરફ નજર કરી પણ એ દેખાઈ નહીં..ઓફિસે જઈને જોયું તો એમના ઘર ના એડ્રેસ નું જ કુરિયર હતું..એટલે મન ની લાલચ ને રોકી ના શકતાં હું જાતે જ કુરિયર આપવા ગયો..અને મને ફરીવાર એ મલ્લિકા એ હુસ્ન ના દર્શન થયાં..લાલ અને સફેદ રંગ ના રેશમી ડ્રેસ માં એ કોઈ હિરોઈન ને પણ શરમાવે એવી લાગી રહી હતી..કુરિયર આપતાં પણ મારી નજર એના ચહેરા ને જાણે આંખો થી પી રહી હતી..એક છુરી જેવી સ્માઈલ સાથે એને કહેલું "શુક્રિયા" હજુ પણ કાનો માં પડઘાય છે.."શિવ ની વાત સાંભળી રાજુ, કાળુ અને જોની પણ ધ્યાન મગ્ન થઈ ગયાં હતાં...શિવ આગળ બોલે જ જતો હતો.
"પછી હું ઓફિસે આવ્યો..બીજું કામ પડતું મૂકી કોમ્પ્યુટર ઓન કર્યું અને ગૂગલ માં "અમાયા" નો અર્થ શોધ્યો એટલે જાણ્યું કે "અમાયા" એટલે રાત્રે પડતો વરસાદ..મારા વેરાન પડેલા દિલ માં વરસાદ ના અમી છાંટણા કરી ગઈ અમાયા.."શિવ એ એની વાત પૂર્ણ કરી.
"ભાઈ ભાઈ...!! એક દિવસ માં મારો ભાઈ હતો ના હતો થઈ ગયો.."રાજુ બોલ્યો.
"ઇશ્ક ને હમેં નિકકમા કર દિયા ગાલિબ..
વરના આદમી હમ ભી બડે થે કામ કે..."
કાળુ એ પ્રસંગ ને અનુરૂપ શાયરી પણ કહી સંભળાવી..એને સાંભળી બધાં ના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું.
"તો હવે શિવ ભાઈ નું સેટિંગ કઈ રીતે કરવું એની જવાબદારી આપણી..હવે અમાયા નહીં અમાયા ભાભી બોલવાનું.."રાજુ એ કહ્યું.
"એ ભાઈ આ ભાભી ભાભી શું છે બધું...?"શિવ ખોટો ગુસ્સો કરતાં બોલ્યો.
"જો શિવલા તને પ્રથમ વાર કોઈ છોકરી ગમી છે..સ્કૂલ, કોલેજ અને આ ચાલી માં ઘણી છોકરીઓ તારી પાછળ પાગલ છે પણ તું કોઈને પણ ભાવ નથી આપતો પણ આજે કોઈ તારા દિલ ના તાર છંછેડી ગયું એ વાત આનંદ ની કહેવાય..એટલે હવે તારું ચોકઠું અમાયા ભાભી જોડે ગોઠવવા ની બધી જવાબદારી અમારી"જોની એ કહ્યું.
"પણ તમે કરશો કઈ રીતે બધું...?"એમની વાતો સાંભળી શિવ ના હૃદય માં ચાલી રહેલ હરખ નો રેલો ચહેરા સુધી દેખાતો હતો.
"મારી પાસે એક આઈડિયા છે..જા તું અમારા માટે ગોલ્ડફલેક લેતો આવ ત્યાં સુધી અને ડિસ્કસ કરી લઈએ..એક અઠવાડિયા સુધી માં ગમે તે કરી તારી મુલાકાત અમાયા ભાભી જોડે ગોઠવવા ની રિસપ્નોસબીલીટી અમારા ત્રણ ની..!!" ફૂલ કોન્ફિડન્સ થી રાજુ એ કહ્યું.
રાજુ ની વાત સાંભળી શિવ ગોલ્ડફલેક લેવા ગયો અને રાજુ એ કાળુ અને જોની ને નજીક બોલાવી એમને જ સંભળાય એમ ધીરે થી થોડી ચર્ચા કરી..પછી ત્રણેય એ એકબીજા ના હાથ ઉપર હાથ મૂકી મિશન અમાયા ભાભી માટે હામી ભરી.
શિવ એ લાવેલી ગોલ્ડફલેક ના કશ ખેંચ્યા પછી..બધા મિત્રો પોતપોતાના ઘર તરફ જવા નીકળી ગયાં.. શિવ માટે આ ત્રણેય શું તીકડમ ભીડાવવા ના હતા એ ચિંતા નો વિષય હતો..પણ સાથે સાથે પોતાના મિત્રો પર વિશ્વાસ પણ હતો કે કંઈક તો કરશે જે પોતાની મુલાકાત અમાયા જોડે ગોઠવી દે...!!!
***
શિવ અને અમાયા ની મુલાકાત કરવા એના મિત્રો શું કરવાના હતાં એ જાણવા વાંચો દિલ કબૂતર નો નવો ભાગ આવતા સપ્તાહે.....
કોઈપણ જાત નો અભિપ્રાય આપ કોમેન્ટ માં આપી શકો છો..ખુટતું સુધારવા નો પ્રયત્ન કરીશ..
-દિશા. આર. પટેલ