Chees in Gujarati Short Stories by Tarulata Mehta books and stories PDF | ચીસ - વાર્તા

Featured Books
Categories
Share

ચીસ - વાર્તા

'ચીસ '

તરૂલતા મહેતા

શિયાળાની હાડ ઠારી દેતી ઠન્ડીમાં રાતના અંધકારને ચીરતી ચીસ ... કેવી દર્દીલી ચીસ ... સર્વ કાઈ લૂંટાઈ રહ્યાની ચીસ .. '

. 'મારી ગીતુ ક્યાં ગઈ ? બાવરાં પગલાં ચારેકોર દોડતાં હતાં ... મારો ભીખુ કોઈએ જોયો ?

ચીસાચીસથી અમે દોડીને ફટાફટ બારણાં ખોલી બહાર બગીચામાં આવી ગયાં .

હજી થોડીકવાર પહેલાં આંગણામાં જાનમાં જઈ આવેલાં લોકો મહાલતા, ટહેલતા હતા. બસમાંથી બેગો ઉતારવામાં મદદ કરતા યુવકો નીચે ઊભેલી સવિતાને કહેતા હતા :

' બેગ કોની છે તે જાણીને પહોચાડજે. '

બધું થાળે પડી ગયું. મોટાભાઈએ બસનું ભાડું ચૂકવ્યું અને સારી એવી ટીપ આપી .

ડરાઇવર સાથે શેકહેન્ડ કરી "ગુડ નાઈટ 'કહ્યું. ડરાઈવર ખુશ થઈ બોલ્યો ; સાહેબ તમે અમેરિકાથી આવ્યા છો તે જાણીને જ હું આવેલો, અહીંના લોકો લગ્નમાં ધૂમ ખર્ચા કરે ને બસનું ભાડું ચૂકવતી વખતે કચકચ કરે '

મોટાભાઈએ ઘરમાં આવી સવિતાને તેમની બેગ રૂમમાં લઈ જવા કહ્યું ત્યાં બાએ બધાંને પાણી આપવા કહ્યું . સવિતા કામમાંથી નવરી પડતી નથી, એનાં છોકરાં ઝાઝા માણસ વચ્ચે ક્યાં પડ્યાં હશે? તે શોધતી હતી. બહેનની અલ્પુ જોડે ગીતુ માંડવામાં રમતી હતી પછી એ બસમાં બેગો ચઢાવવા દોડી . 'ક્યાંક છોકરાં પડ્યા હશે, જરીક નવરી પડું એટલે ભાળ કાઢું '

સવિતા ઝીણી નજરે છોકરાંને શોધ્યા કરે છે ને હાથ -પગ કામ કરે એમ કરતા મોટા રૂમમાં બધાં વાતે વળગ્યા એટલે સવિતા ઘરમાં બધે ફરી વળી. અલ્પુ અંદરના રૂમમાં સૂઈ ગઈ હતી. સવિતા અધીરી બધે ફરી વળી, એને ધ્રાસકો પડ્યો, 'રખે ને આણદ વાડીમાં રહી ગયાં હશે? બસમાં પડી રહ્યાં હશે? ક્યાં શોધવાં ? એ બેબાકળી ચીસો પાડવા લાગી .

***

નાના ભાઈ હરીશના લગ્ન મહાલી બસમાં અમે સૌ હેમખેમ આણદથી ઘરે નડિયાદ આવી ગયાં, ઘણાં વર્ષે બધાં ભેગાં થઈ નિરાંતે હસીખુશી ગપ્પાં મારતાં હતાં. ત્યાં અચાનક ચીસ અને બુમાબૂમથી અમે સૌ ચોકી ગયાં.

આખા દિવસની દોડાદોડી અને કામથી થાકેલી સવિતા ઠોકરો ખાતી દોડતી હતી. એની સાડીના છેડાનું ઠેકાણું રહ્યું નહોતું, એનું એકવડું શરીર પ્રાણ વિનાનું હોય તેમ જાણે ઊડતું હતું, અમારા સોના ઘડી પહેલાંના આનંદને સ્થાને અજ્ઞાત અમંગલ ઝઝૂમી રહ્યું

'મારાં છોકરાં ક્યાં ગયાં ?', કોઈએ જોયો મારા ભીખાને ?'' મારી ગીતુ ક્યાં ગઈ?' સવિતા બાવરી બની ચારે બાજુ જોતી દોડીને સોસાયટીના રોડેથી રડતી, કકળતી બૂમો પાડતી હતી. અમે સૌ અવાચક થઈ શું કરવું તેની મૂઝવણમાં પડી ગયા.

બા દોડીને પાછળના રૂમમાં શોધવાં લાગ્યાં, હું અલ્પુને બોલાવતી હતી, 'તું ગીતુ સાથે બસમાં રમતી હતી ? ' બન્ને જણાંની જોડી બરોબર હતી. અમેરિકાથી આવ્યાને બીજે દિવસથી ગીતુ સાથે રમવામાં અલ્પુ મમ્મીને ભૂલી ગઈ હતી, હું બે દિવસ બહાર ગઈ હોઉં તો ય મારી પડી નહોતી, 'અરે ગીતુ તો મારી સાથે આવવાની છે 'એમ કહેતી .

બાપૂજીએ ઘાંટો પાડી કહ્યું :

'જા, હરીશ સવિતાને બોલાવ, બધાં બસમાં આવ્યાં ત્યારે કોઇએ સવિતાના છોકરાંની ભાળ રાખી હતી કે નહી?' બાપૂજીનો પ્રશ્ન સાંભળી સૌ નીચું જોઈ ગયાં. અમે મોટો ગુનો કર્યો હોવાનું અનુભવતાં હતાં. સવિતા એટલે બા -બાપૂજીની હાથલાકડી, ઘરના નાનામોટા કામ તે જ કરતી. અમે ચાર ભાઈ -બહેન અમેરિકા વસેલાં, અમારી ગેરહાજરીમા સવિતાના છોકરાંની દોડાદોડથી ઘરમાં વસ્તી લાગતી. બા -બાપુજીનું હેત જોઈ સવિતા કહેતી :

' છોકરાંને મન તમે હાંચાં દાદા-દાદી છો, ઘેર એનો બાપા લડે ત્યારે 'દાદા દાદા 'કહી દોડે છે. '

બાપૂજી મારી તરફ જોઈ બોલ્યા, 'તેં મોટા ઉપાડે બઘી જવાબદારી લીધી હતી, તારી દીકરી અને ગીતુને મંડપમાં મેં રમતાં જોયાં હતાં, બધાયનાં છોકરાં બસમાં બેઠાં, સવિતાનાં છોકરાં કોઈને યાદ ન આવ્યાં?' બા સવિતાને બરડે હાથ ફેરવતાં બોલ્યાં, 'બઘાની બેગો -વસ્તુઓનું ધ્યાન રાખવામાં ખુદના છોકરાં ભૂલી ગઈ?'

બાપૂજીનો પિત્તો ઉછળ્યો, 'ઘરના માણસ 'સવિતા આ લાવ, ને તે લાવ કરી બિચારીને અધમુઈ કરી દે છે. એનાં છોકરાનું જતન ક્યારે કરે?'

મેં હરીશના સાસરે ફોન જોડ્યો, રીંગો જતી હતી કોઈ ફોન ઉપાડતું નહોતું, ત્રીસેક વર્ષ પહેલાં દેશમાં મોબાઈલ ફોનનું ચલણ નહોતું, હું અકળાતી હતી, ફોનથી સમ્પર્ક થાય તો સવિતાના છોકરાં વિષે જાણવા મળે. સવિતાનું રડવાનું ચાલુ જ હતું, 'મારાં છોકરાંને કોઈ ભરમાવી ઉપાડી જશે તો મારો વર મને જીવતી નહિ છોડે, '

મેં તેને શાંત પાડતા કહ્યું , 'તારાં છોકરાંને ગમે તેમ કરીને લઈ આવીશું. '

***

જાન્યુઆરીની કાતિલ ઠંડીમાં મધરાત્રે રીક્ષામાં થરથરતા હરીશના સાસરે જવાનું હતું. નાના ગામમાં ટેક્ષીઓ મળવી મુશ્કેલ હતી. બાજુવાળા સુરેશભાઈ જાનમાં આવેલા તે જાગી ગયા હતા, એમણે કહ્યું 'મારા ટેમ્પામાં જઈએ, નડિયાદથી આણંદ અડધો કલાક થશે. ' હરીશ એમની સાથે જવા તેયાર થયો એટલે મારો વચલો ભાઈ કહે ', હું જઈશ. ' એને વહેલી સવારે ફ્લાઈટ પકડવાની હતી એટલે હું સ્વેટર લઈને ટેમ્પામાં બેઠી, દોડીને સવિતા આવી, જીદ કરીને મારી પાસે બેસી ગઈ. ટેમ્પાની એ અડધા કલાકની મુસાફરી દરમ્યાન સવિતા તેનાં સંતાન માટે હેયાફાટ રડતી અને તડપતી રહી. કામ કરીને રુક્ષ થઈ ગયેલા તેના હાથને ઝાલીને સાંત્વના આપતા મારું મન ડંખતું હતું, હું મા હતી પણ સ્વાર્થી માત્ર મારા સંતાનની ચિતા કરતી, લાડ કરતી અને ખુશ રહેતી હતી.

સવિતાની ગીતુ સાથે રમવાનું મારી અલ્પાને ખૂબ ગમતું. અમેરિકામાં આવું રમનારું કોણ મળે?બાની ઘેર સવિતા કામકાજમાં મદદ કરતી, અને અલ્પુને કમ્પની મળી ગઈ એટલે બજારના કામકાજ મને છુટ્ટોદોર મળી ગયો હતો. અત્યારે સવિતાની મોઘી અનામતને જો આંચ આવશે તો મારે ઢાંકણીમાં પાણી લઈ ડૂબી જવું પડે તેવી દશા થશે. એના છોકરાં એકલાં ગભરાઈને ક્યાંક જતાં રહેશે તો કેમ શોધીશું?વાડીમાં લગ્ન હતાં, પરવારીને બધા જતાં રહેશે. અમારાં છોકરાંનું ધ્યાન રાખ્યું ને ગીતુ અને ભીખુને ભૂલી, અરર.. બા -બાપૂજી કદાચ માફ કરે પણ મારો અતરઆત્મા કેમ માફ કરશે?અલ્પુ મોટી થઈ પૂછશે કે ગીતુ ક્યાં ગઈ ?

સુરેશભાઈએ વાડી આગળ ટેમ્પો ઊભો રાખ્યો. વાડીમાંથી સામાન લાવી મજૂરો બહાર ખટારામાં મૂકતા હતા, સવિતા સીઘી વાડીમાં દોડી ને , 'ભીખુ , ગીતુ ને બોલાવવા લાગી', બહાર આવીને મને વળગી પડી. 'કોઈ બોલતું નથી, હાય , હું ક્યાં શોધીશ? ' સુરેશભાઈએ મજૂરોને પૂછ્યું 'આટલામાં બે નાનાં છોકરાં ફરતાં જોયાં છે?'મજૂરે કહ્યું , 'અંદર તપાસ કરો, અમે કામમાં છીએ. '

વાડીમાં મોટાભાગની લાઈટો બંઘ હતી, સુરેશભાઈએ ટેમ્પામાંથી બેટરી લાવી બધે જોવા માંડ્યું , એક ખૂણામાં પાથરણા વાળીને મૂક્યા હતા. ત્યાં સવિતા બોલી ઉઠી , ભીખુ ઉઠ તારી મા છું , ગીતુ.. બિચારા ઠંડીમાં ઠીગરાઈ ગયાં છે, બોલતા ય નથી '. મેં સુરેશભાઈને કહ્યું , 'તમે અડઘી રાત્રે મદદ કરી, છે તે એક માની આતરડી ઠારી, થેંક્યું વેરી મચ'

મારા મનમાં હું સુરેશભાઈનો એમ પાડ માનતી હતી કે આજે તેમને કારણે એક મોટા અપરાધમાંથી બચી ગઈ. હા એવો અપરાધ કે મારા જેવી સ્વાર્થી માને બીજી મા જેણે પોતાના સંતાનો ખોયાં છે તે કદી માફ ન કરે.

મારી પાસે બેઠેલી સવિતાના ખોળામાં બેસવા ચડસાચસડી કરતાં એનાં છોકરાં જોઈ અત્યાર સુધી બાંધી રાખેલી મારી લાગણી પ્રવાહી બની વહેવા લાગી. '

સવિતાએ સગી બહેનના ખોળામાં બેસાડતી હોય તેમ ગીતુને મારા ખોળામાં મૂકી દીધી બોલી: હવે ઢીલા હું થાવ છો ?કાલે માતાજીને હુંખડી ધરાઈ દઈશ, '

'સવિતાનો ચહેરો એનાં છોકરાના ખીલખીલાટથી માતાજીની ચૂંદડી જેવો ઝળહળતો હતો, એનો છોકરો માના ખોળે સિંહાસન મળ્યું હોય તેમ બિન્દાસ તોફાન કરતો હતો. ગીતુ મારા ખોળામાં કૂદાકૂદ કરતી રમતી હતી. થાકીને છોકરાં અને સવિતા ઝોલે ચઢ્યાં.

સવિતાનની દીકરી મારી છાતી પર માથું ઢાળી નિદ્રામાં ઝૂલતી હતી, એના વાળમાં ફરતી મારી આંગળીઓ અલ્પુના વાળમાં ફરતી હતી. અલ્પુની 'મા' બનવા લાયક થઈ હોય તેવો ભાવ થયો,

તરૂલતા મહેતા