અમેરીકન હિરોઝ... ભારતીય ચમક...
થોડાં દિવસો પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક ભારતીય મહિલાને તેના અંતરીક્ષ ક્ષેત્રે આપેલા યોગદાન બદલ ‘અમેરિકન હિરો’ કહીને બિરદાવવામાં આવ્યા. આ મહિલા એટલે નારી સશક્તિકરણનું બેજોડ દ્રષ્ટાંત અને લાખો મહિલાઓ માટે પ્રેરણામૂર્તિ એવા કલ્પના ચાવલા. લોખંડી મનોબળ અને ઊંચાઈઓને સ્પર્શ કરવાની જ્વાળામુખી જેવી તમન્ના એ તેમની જિંદગીના વિશેષ પાસા હતા. આવાં વ્યક્તિત્વ ઉપર કોઈ પણ દેશને ગૌરવ હોય એ સ્વાભાવિક છે. ઘણાં બધા એવાં નામો છે જે ભારતની બહાર જઈને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઝળહળી રહ્યાં છે. ભારતીય મુળના હોવાને લીધે આપણને તેનું ગૌરવ જરૂર હોય છે. દુનિયાના કોઈ પણ ખૂણે હોય, તેમનું હિન્દુસ્તાની દિલ તેઓને હમેશા દેશ સાથે જોડી રાખે છે. આજે વાત કરીએ એવી જ કેટલીક હસ્તીઓની, જે ખરેખર અમેરિકન હિરોઝ છે પણ તેની ચમક ભારતીય છે.
હાલ અમેરિકામાં ભારતીયોની બોલબાલા છે એવું નિશ્ચિતપણે કહી શકાય. દરેક ક્ષેત્રોમાં ભારતીયોએ મજબુત લીડરશીપ આપીને એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે. બીઝનેસ અને ઉદ્યોગ, આર્ટસ અને એન્ટરટેઈનમેન્ટ, કલા સાહિત્ય, પોલીટીક્સ, સ્પેસ, જર્નાલીઝમ વગેરે ક્ષેત્રોમાં ભારતીયોએ પોતાની ‘ઇન્ડિયન ટેલેન્ટ’ નો દુનિયાને પરિચય કરાવ્યો છે.
‘હું એક મહાન લોકતંત્ર દેશમાં જન્મી છું અને બીજા એક મહાન લોકતંત્ર દેશમાં રહું છું.’ આ શબ્દો છે ભારતની મિટ્ટીમાં જન્મેલી અને વર્તમાનમાં પેપ્સીકો કંપનીની સીઈઓ ઈન્દ્રા ક્રિષ્નામૂર્તિ નુયીના. એક એવો હીરો જેની ચમક પૂરી દુનિયામાં ફેલાઈ ગઈ. એક એવું વ્યક્તિત્વ જેણે સ્ત્રી શક્તિનો અંદાજ બતાવ્યો. મહિલા ઉર્જા અને આવડતનો ભરપુર સ્ત્રોત છે એવું સિદ્ધ કરી બતાવ્યું. કોઈ પણ કાર્ય પુરા દિલથી કરવું અથવા તો તેને ત્યાં જ છોડી દેવું’ આ વિચાર ને તેઓ અનુસરે છે. વિશ્વની સો સૌથી પાવરફુલ મહિલાઓમાં તેમનું સ્થાન રહ્યું છે. અમેરિકામાં બીઝનેસ ક્ષેત્રમાં તેમનું ખુબ મોટું નામ છે. ભારતમાં તમિલનાડુ રાજ્યમાં ૧૯૫૫ માં તેમનો જન્મ થયો. નાનપણમાં ઘણી કઠીન પરિસ્થિતિઓનો સામનો કરીને તેમણે કલકત્તામાં આઇઆઇટીમાંથી માસ્ટર ડીગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ તેમણે અમેરિકાની ધરતી પર કદમ મુક્યાં. ત્યાં તેમણે યેલ યુનીવર્સીટીમાંથી પબ્લિક એન્ડ પ્રાઇવેટ મેનેજમેન્ટ નો અભ્યાસ કર્યો. નુયી ૧૯૯૪ માં પેપ્સીકોમાં જોડાયા. પેપ્સીકોને તેમણે નવી ઉંચાઈ આપી. વિશ્વ પ્રસિદ્ધ ફોર્બ્સ મેગેઝીન દ્વારા વિશ્વની સૌથી પ્રભાવશાળી ત્રીસ મહિલાઓમાં તેમને સ્થાન આપવામાં આવ્યું છે. જે તેમના શ્રેષ્ઠ વ્યક્તિત્વની ઝલક દર્શાવે છે. ૨૦૦૭ માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યાં. અમેરિકા જ્યારે આર્થિક મંદીની ઝપેટમાં હતું ત્યારે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આર્થિક રણનીતિ નક્કી કરવા માટે તેમની રાય લીધી હતી. તેમનામાં આર્થિક બાબતોને લઈને ખુબ જ સારી સુઝબુઝ હતી. આપણી જોબ એ માત્ર જોબ નહિ પણ પેશન હોવું જોઈએ એવી પ્રેરણાશીલ વિચારધારા તેઓ ધરાવતા હતા. દેશ તેમના પર ગર્વની લાગણી અનુભવે છે.
૨૦૧૫ માં બાર્સેલોનામાં એક મોટું એક્ઝીબીશન ‘મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ’ નું આયોજન થયું હતું. જેમાં દુનિયાના બસ્સો જેટલા દેશોમાંથી મોટી સંખ્યામાં ઓર્ગેનાઈઝેશન્સ પાર્ટીસિપેટ થઈ હતી. બ્લુમ્બર્ગ બીઝનેસ વીક ના સીનીયર રાઈટર બ્રેડ સ્ટોને ગુગલના કોઈ એક્ઝીક્યુટીવને સ્ટેજ પર સ્પીચ માટે બોલાવ્યા. વળી આ જ અરસામાં બ્રેડે તેની ચેનલના મેગેઝીનમાં તે જ વ્યક્તિને ‘મોસ્ટ પાવરફુલ મેન ઇન મોબાઈલ’ ના વિશેષણ થી નવાજ્યાં પણ હતાં. હા.. આપણે વાત કરવી છે ગુગલના ભારતીય મુળના સીઈઓ સુંદર પીચાઈની. ‘ગુગલ’ શબ્દ આજકાલ જીવનનો એક ભાગ બની ગયો છે. ગુગલ બાબા બધા માટે ઓલ્વેઝ હેલ્પર ની ભૂમિકામાં જયારે જુઓ ત્યારે હાજર જ હોય છે. ગુગલ અને ઈન્ટરનેટ એક સિક્કાની બે બાજુ હોય એવું લાગે છે. ૧૯૭૨ માં તમિલનાડુમાં જન્મેલ સુંદર આજ સાત સમુંદર પાર ગુગલ ની હાઈ ટેક ઓફિસમાં સર્વોચ્ચ સ્થાન પર બિરાજમાન છે. તેમણે માત્ર સત્તર વર્ષની ઉમરમાં આઇઆઇટી પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. તેઓ ખુબ જ પ્રતિભાસંપન્ન અને શાર્પ માઈન્ડેડ હતા. તેમણે પેન્સીલ્વેનીયા યુનિવર્સીટીમાંથી એમબીએ કમ્પ્લીટ કર્યું. અનેક નાની મોટી જોબની ઓફરને ઠુકરાવી દીધી કારણ કે તેમને કંઇક ડીફરન્ટ કરવું હતું. તેમના સપનાઓ થોડાં મુઠ્ઠી ઉંચેરા હતા. ૨૦૦૪ માં ગુગલ જોઈન્ટ કર્યા બાદ તેમણે પોતાના કામથી સૌને પ્રભાવિત કર્યાં. ઇનોવેટીવ માઈન્ડ ધરાવતાં સુંદર ને એક જબ્બર વૈશ્વિક પ્લેટફોર્મ મળી ચુક્યું હતું. તેમની સૌ પ્રથમ કામગીરી ગુગલ ટુલબાર અને સર્ચ રીલેટેડ હતી. ત્યારબાદ તેઓની ઈચ્છા હતી કે ગુગલને પોતાનું વેબ બ્રાઉઝર પણ હોય. તેમના આ વિચારે ૨૦૦૮ માં દુનિયાને એક નવું બ્રાઉઝર આપ્યું. આ બ્રાઉઝર એટલે આપણે જેનો ખુબ ઉપયોગ કરીએ છીએ તે ગુગલ ક્રોમ. ૨૦૧૨ માં તેમને ગુગલના સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ ની પોસ્ટ આપવામાં આવી. ત્યારબાદ એન્ડ્રોઈડનાં ઇન્ચાર્જ તરીકે તેમણે કામ સંભાળ્યું. સુંદર પીચાઈના ફ્યુચર વિઝનને જોઇને તેમને પ્રોડક્ટ ચીફ બનાવી દેવામાં આવ્યાં. હવે વારો હતો ગુગલના સર્વોચ્ચ પદ પર બિરાજવાનો. આખરે તેમની મહેનત રંગ લાવી અને ઓગષ્ટ ૨૦૧૫ માં તેમને ગુગલના સીઈઓ તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો. આજે વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતી ગુગલ બ્રાન્ડ ની કમાન એક ભારતીયના હાથમાં છે એ બાબત જ આપણને ગૌરવ અપાવનારી છે.
વિન્ડોઝ, સરફેસ પ્રો, માઈક્રોસોફ્ટ અને સત્યા નારાયણ નડેલા . ટેક કંપનીઝના વધુ એક ભારતીય સીઈઓ. વિશ્વના સૌથી ધનિક પર્સનાલીટી એવા બીલ ગેટ્સ ની કંપની માઈક્રોસોફ્ટ ના સૌથી મોટાં પદ પર નિયુક્ત સત્યા નડેલા ઇનોવેટીવ પર્સન છે. ટેકનોલોજી વિશ્વની સિકલ બદલી શકે છે એ બાબતને ધ્યાને લઈને તેઓ કંઇક નાવીન્યપૂર્ણ સર્જન ને પ્રાધાન્ય આપે છે. સીઈઓ બન્યા બાદ કંપનીને આગળ લઇ જવામાં સત્યા નડેલા સફળ રહ્યાં છે. માઈક્રોસોફ્ટને માર્કેટમાં મહત્વનું સ્થાન અપાવ્યું છે. તેમની પાસે કુશળ માઈન્ડ છે તો સાથે સતત આગળ ધપવાની ધગશ પણ. જે તેમની પર્સનાલીટીને ગ્રો કરે છે. સત્યા નડેલાનો જન્મ ૧૯૬૭ માં હૈદરાબાદ ના તેલુગુ પરિવારમાં થયો હતો. તેમના પિતા આઈએએસ ઓફીસર હતા. તેઓ ક્રિકેટના શોખીન હતા. તેઓ કહેતા કે ટીમ વર્ક અને લીડરશીપના ગુણો તેમને આ રમતમાંથી શીખવા મળ્યા. શાળા અભ્યાસ પુર્ણ કરીને તેમણે મણીપાલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં એડમીશન લીધું. અહી અભ્યાસ દરમિયાન તેમને સમજાયું કે તેમનું પેશન તો હકીકતમાં કમ્પ્યુટરની અંદર છે. આથી તેઓ માસ્ટર્સ ઇન કમ્પ્યુટર સાયન્સ કરવા અમેરિકા ગયા. પોતાની રીસર્ચ પુરી કરવા નડેલા રાતે પણ લેબમાં જ સુઈ જતાં. તેમણે ૧૯૯૦ માં માસ્ટર્સ ડીગ્રી પુર્ણ કરીને સન માઈક્રોસીસ્ટમ સાથે તેની ટેકનોલોજી ટીમમાં કામ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ માઈક્રોસોફ્ટમાં જોબ, એમબીએનો અભ્યાસ અને ફેમીલી એમ ટ્રીપલ જવાબદારીઓ સંભાળી. ક્યારેય તેઓએ પીછેહઠ ના કરી. માઈક્રોસોફટમાં તેમના કાર્યની નોંધ કંપનીના ફાઉન્ડર બીલ ગેટ્સ દ્વારા પણ લેવાઈ. સમય જતાં કંપનીમાં તેમની જવાબદારીઓ વધતી ગઈ. બિંગ, ઓફીસ ૩૬૫, સ્કાઇપ, વન ડ્રાઈવ, એક્સબોક્સ લાઈવ, કલાઉડ એન્ડ એન્ટરપ્રાઈઝ વગેરેની સુકાન સત્યા નડેલા કુશળતાપૂર્વક સંભાળી રહ્યાં હતાં. આજ માઈક્રોસોફ્ટ સત્યા નડેલા ની લીડરશીપ હેઠળ પોતાની નવી છબી પ્રસ્તુત કરવામાં સફળ રહી છે. સત્યા નડેલાએ ડીઝીટલ ટેકનોલોજી પર ભાર મુક્યો છે. ટેકનોલોજીના માધ્યમથી ઉત્પાદકતા વધારવામાં આવે એ ખુબ જરૂરી છે. `સત્યા નડેલાએ વિશ્વ ફલક પર ભારતનું ગૌરવ વધાર્યું છે.
‘પૃથ્વી એક સુંદર અને વિશાળ ગ્રહ છે. જેમાં કોઈ સીમા કે વિભાજન રેખા નથી. સમજાતું નથી કે આ ગ્રહ પર કોઈ ક્ષેત્ર વિશેષ ને લઈને શાં માટે ઝઘડો કરે છે ?’ આ શબ્દો છે ભારતીય અમેરિકન એસ્ટ્રોનોટ સુનીતા વિલિયમ્સના. દ્રઢ નિશ્ચય અને પરિશ્રમ ની પાંખો વડે આસમાનને સ્પર્શવાની ચાહત ધરાવીને તેમાં સફળતા પ્રાપ્ત કરનારી સુનીતા વિલિયમ્સ ભારતની શાન છે. એક કવયિત્રી, હેલીકોપ્ટર પાયલટ, પશુપ્રેમી, અંતરિક્ષયાત્રી એવા વિશેષણોસભર બહુમુખી પ્રતિભા એટલે સુનીતા વિલિયમ્સ. તેમનો જન્મ ૧૯૬૫ માં અમેરિકાના ઓહાયો સ્ટેટમાં બે બહેતરીન સંસ્કૃતિઓનો સમન્વય ધરાવતાં પરિવારમાં થયો હતો. પિતા દીપક પંડ્યા ગુજરાતી અને માતા બોની પંડ્યા સ્લોવેકિયન. ૧૯૮૩ માં સ્નાતક થયા બાદ ૧૯૮૭ માં તેમણે યુ.એસ. નૌકાદળ તાલીમ કેન્દ્રમાંથી શારીરિક વિજ્ઞાનમાં બેચલર ઓફ સાયન્સની પદવી મેળવી. ત્યારબાદ ફ્લોરીડા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરીંગ મેનેજમેન્ટ વિષય સાથે માસ્ટર ઓફ સાયન્સની ડીગ્રી પણ પ્રાપ્ત કરી હતી.
અંતરીક્ષમાં કેવી પરિસ્થિતિ નો સામનો કરવો પડશે તેની અગાઉ ટ્રેનીંગ આપવામાં આવી હતી. આ ટ્રેનીંગથી સ્પેસમાં તેના માટે કામ આસાન બની ગયું હતું. આખરે તેની મહેનતનું પરિણામ તેને મળ્યું. ડિસ્કવરી સ્પેસ શટલના અંતરીક્ષ મિશન માટે તેની પસંદગી કરવામાં આવી. ૧૦ ડીસેમ્બર, ૨૦૦૬ ના રોજ અંતરીક્ષ માટે ઉડાન ભરીને ઈતિહાસ રચી દીધો. સુનીતાને અનેક બહુમાનો થી નવાજવામાં આવ્યા હતા. અમેરિકામાં હ્યુસ્ટન ખાતે ભારતનો પ્રતિષ્ઠિત નાગરિક એવોર્ડ પદ્મ ભૂષણ થી તેમનું સન્માન કરાયું હતું. વિશ્વ ગુજરાત સોસાયટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ એનાયત થયો. સુનીતા વિલિયમ્સ એક એવું નામ જે હમેશા ગુંજતું રહેશે. ભારત દેશ તેની આ બેટી પર હર હંમેશ ગૌરવાન્વિત થતો રહેશે.
ભારતીય મુળની ઘણી હસ્તીઓ આજે અમેરિકા અને અન્ય દેશોમાં ઘણાં ઉચ્ચ સ્થાન પર કામ કરે છે. આજે તેમના નામ જીકે ના સવાલ બની ગયા છે. તેમના નેતૃત્વ નીચે ખુબ જ તેજીથી પ્રોગ્રેસ થઈ રહી છે. ભારતમાં એવું પ્લેટફોર્મ આપણે ઉભું કરી શક્યાં નથી. વિદેશમાં વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે. આજના સમયમાં ઇનોવેશન નું જ મહત્વ છે. વિદેશોમાં કંઇક અવનવું સર્જન કરવા માટે સતત કાર્ય ચાલુ હોય છે અને પુરતું પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. ઈન્ટેલીજન્ટ આર્ટીફીસીયલ ક્ષેત્રે ત્યાં સારું પ્લેટફોર્મ મળી રહે છે. ઉપરાંત ત્યાં દુનિયાની બેસ્ટ વિશ્વ વિદ્યાલયો ડેવલપ થઈ છે. ત્યાની શિક્ષણ પ્રથા ખુબ વિકસિત થયેલી છે. જો આંખોમાં સપના હોય અને એ પુરા કરવા માટે અથાક પ્રયત્નો કરવાનો હૌસલો હોય તો સફળતાને પ્રાપ્ત કરી શકાય છે. ટેકનોલોજીમાં ફોરેન કંટ્રીજ ખુબ આગળ છે. ભારતીયો પોતાની આવડત અને ઈન્ટેલીજન્સ ના બળ પર પોતાની ચોક્કસ જગ્યા બનાવી લે છે. વિશ્વની લીડીંગ કંપનીઓમાં પોતાના મેનેજમેન્ટ પાવરને લીધે ટોચના પદ મેળવવામાં સફળ રહે છે. આવાં મહેનતું અને ભેજાબાજ લોકોએ દુનિયામાં ભારતને એક નવી ઓળખ અપાવી છે.
• ટ્યુબલાઇટ •
મેરાં જૂતા હૈ જાપાની, યે પતલુન ઈંગલીશતાની,
સર પે લાલ ટોપી રુસી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની...
Published : વાઇબ્રેશન - અમરેલી એક્સપ્રેસ
Posted by : Nilesh Nakum
Mobile : 9904944613