અધુરા અરમાનો - ૧૧
'સૂરજ, તારા વિના હું નહીં જીવી શકું. તુ અને તારી યાદ બંને મને તડપાવશે. તું આમ અચાનક મને છોડીને જાય છે અને મારું રોમેરોમ રૂંવે છે. હૈયું હીજરાય છે. સૂરજ, પળની જુદાઈ નહોતી ખમાતી અને હવે! હવે આ લાંબો વિરહ મારાથી નહીં સહેવાય, નહિ જ. આ આંખ તને જ જોવા ઝંખે છે અને તું હવે મારાથી દૂર ચાલ્યો જાય છે! સૂરજ, માય ડિયર અને...!' અને એ જોરથી રડી પડી. સુરજની ગોદમાં મો છુપાવીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. સુરજ એને પંપાળીને શાંત પાડી રહ્યો હતો.
આટલીવાર ચૂપચાપ બેઠેલો અને માંયને માંય રડી રહેલો સૂરજ! એનેય ઘણું કહેવાની ઈચ્છા હતી. એનું હૈયુ એક ક્ષણ માટે સેજલને છોડવા તૈયાર નહોતું પણ એ કરેય શું? અંતરના અડીખમ મહેલના મજબૂત કાંગરા ખેરવી રહ્યો હતો. સેજલ તો જોકે આટલું બોલી શકી પણ સુરજથી એક લબ પણ ન બોલી શકાય એવી એની મનોદશા થઈ ગઈ હતી.
બપોરના તાપમાં જુદાઇના, ભીષ્ણ ભાવિના બીજ અત્યારથી જ રોપાઈ રહ્યાં હતાં. આખરે પ્રિતમિલનની ઘણી બધી વાતો કરીને એ બંને જુદાઈને હસ્તે વદને ગળે લગાવીને વિરહની વાટે ચાલી નીકળ્યા.
સુરજ પ્રેમની સાથે-સાથે માણસનો અને માણસાઈનો પણ એટલો જ ચાહક હતો. કોઈ પણ અજાણ્યો માણસ મળે કે તરત જ મીઠાશથી હસી દેતો. ઘણીવાર તો સામેવાળા માણસો તેને એકટસ જોતાં જ રહેતા. એય મનમાં વિચારતા હશે કે આ ગાંડો થઈ ગયો છે કે શું? નથી કોઇ જાણ નથી કોઈ પહેચાન છતાંય મરકમરક મલકાઈ રહ્યો છે! કોઇ ઠપકો આપે તોય એ હસી લેતો એટલો જ દયાળું. એ હંમેશા વિચારતો રહેતો કે આ પ્રાણીની જાત કેવી ભોળી અને નિખાલસ? ગમે તે પ્રદેશના હોય તો પણ જો એકબીજાનો ભેટો થઇ જાય તો બંને એકબીજાને વહાલ કરે, શીંગડા લડાવે, જીભથી ચાટી પૂંછડું પસવારે ને કેવા એકબીજા સામે જોઈને ઉભા રહી જાય છે?! જાણે વર્ષોનો પરિચય ન હોય! જ્યારે માણસ! સમજદારીનો મોટો પહાડ, બુદ્ધિનો મોટો બારદાન. છતાં માણસથી દુર ભાગે છે. બે અજાણ્યા માણસો ઘડીભર વાતો તો શું કરે પણ એકબીજાના ચહેરાનેય નથી જોતા. પછી પરિચયની તો વાત જ શક્ય નથી. મુસાફરી દરમિયાન પોતાની બાજુની સીટમાં કોણ બેઠું હતું એની એને જાણ ન હોય પણ જો કોઈ યુવતી કે સ્ત્રી હોય તો એનું આખું કુળ જાણી લે તેવો છે આ માણસ!
સૂરજ દરેક માણસમાં વિરલ વ્યક્તિના, મહાન માણસ ના દર્શન કરતો. કોઈ નેકદિલ માણસ મળી આવે ત્યારે તો એ ગદગદિત થઈ ઊઠતો. કદાચ કોઈ માણસાઈનો પૂજારી મળી આવે ત્યારે તો એ પીગળીને એના ચરણોમાં ઢળી પડતો. દુઃખ, દર્દથી પીડાતી આ દુનિયાને પ્રેમના માર્ગે વાળવામાં મંડી રહેતો. તેના સંપર્કમાં આવનાર દરેક માણસને, દરેક યુવાનને એ અદ્ભુત અને નિર્મળ નિષ્પાપ પ્રેમ કરવાનું સૂચન કરતો. એના જીવનનું એક જ સૂત્ર હતું:' પ્રેમ કરો. માત્ર પ્રેમ કરો. અવિરતપણે પ્રેમ કરો.' આમ કરીને એણે કેટલાયે લોકોના દિલ જીતી લીધા હતા. પરંતુ એનું એક વાજબી કારણ હતું કે તે સેજલથી દૂર ગયા પછી દરેક વ્યક્તિમાં એને સેજલના જ દીદાર થતાં હતાં. અને એટલા માટે જ એ જગતને 'પ્રેમ કરો' એવું સૂચન કરતો હતો. કારણ કે જો દુનિયા એકબીજાને ચાહવા લાગશે તો જ આ જગત ટકી રહેશે, નહી તો આ દુનિયા ખેદાનમેદાન થઈ જશે.
પી.ટી.સી.નું પ્રથમ વર્ષ ગમેતેમ કરીને હેમખેમ વીતી ગયું. ક્યારેક સૂરજ સેજલ માટે જ વતન આવતો તો વળી, ક્યારેક સેજલ ખુદ પાટણ જઈ પોતાના વહાલમને પ્રેમથી ભેટી આવતી. જુદાઈ-વિરહ, મિલન-મોજથી જીંદગી, જવાની અને સમય વીતતો રહ્યો.
બીજા વર્ષના મંગલ પ્રવેશની પ્યારી પળે જ સૂરજની કોલેજમાંથી મહારાષ્ટ્ર પ્રવાસનું આયોજન થયું. સૂરજને ફી ની માંડ વ્યવસ્થા થતી હતી ત્યાં પ્રવાસમાં જવાનું તો ક્યાંથી વિચારી જ શકાય? કિન્તું કોલેજનો વણલખ્યો નિયમ હતો કે ગમે તે ભોગે પ્રવાસમાં તો આવવું જ! જો પ્રવાસ ન આવવું હોય તો પણ ફી તો ભરવી જ! હવે જવું ક્યાં? સૂરજ ઘમાસાણભર્યા ઘેરા વિમાસણમાં ઘેરાયો. એવામાં તિતલીની માફક હવામાં ઉડતી-ઉડતી આ વાત સેજલના કાને અથડાઈ. એણે પળનીયે પરવા કર્યા વિના મારતે ઘોડે ને દોડતી હવાને સંગ પૂરા પાંચ હજાર સૂરજની કોલેજના હેડમાસ્ટરના હવાલે કરી આપ્યા.
શિયાળાની મખમલી મસ્તાન મોસમ જામી હતી. ઠંડી હવા આહલાકતાનો અદભૂત અનુભવ કરાવી રહી હતી. આવી શીત ઠંડી સૌ માનવ હૈયાઓને ગરમ-ગરમ હુંફની જરૂરિયાત ઊભી કરી રહી હતી.
હૈયાઓની તો ઝાઝી જાણ નથી પરંતું શિયાળામાં ડિલ અન્યના ડિલની સાવ નજીક જ આવવા વલખા મારતા હોય છે!
સાપુતારા છોડીને બસ મહારાષ્ટ્રની ભૂમિમાં દાખલ થઈ. એક એક કરતા દરેક જોવાલાયક સ્થળોની રમણીયતા, ભવ્યતા, કલાકારીગરી ઝીણી કીકીઓમાં કેદ કરીને આગળની મંઝીલે રવાના થઈ રહ્યાં હતાં. એમ કરતાં એક દિવસ બસ મંબઈના પ્રખ્યાત બાગ એવા 'કમલાનેહરૂ' પાર્કના દરવાજે આવી ઊભી રહી. કોલેજીયનોને આનંદ થઈ ગયો.
એક એક કરતા દરેક જોવાલાયક દશ્યોને આંખમાં ભરીને મોજ માણી રહ્યાં હતાં. સૂરજ પોતે જોયેલી દરેક વસ્તુની વિગતે નોંધ કરી લેતો હતો. એ પહેલીવાર આ અજાયબીઓ જોતો હતો. મુંબઈ અને મહારાષ્ટ્ર એના માટે ગૌરવની વિરલ ઘટના હતી એનાથીયે વધારે દસ્તાવેજી વધારે હતી. કારણ કે એ એના ગામનો એક એવો પહેલો વ્યક્તિ હતો જેણે પહેલીવાર મહારાષ્ટ્ર તથા મોહમયી મુંબઈના આંગણે પગ મૂક્યો હતો! સૂરજ એના મિત્રો સાથે આગળ વધી રહ્યો હતો એવામાં એક અજીબ ઘટના ઘટી ગઈ.
એક યુવતી મગરને જોતી જોતી મગરના પાંજરામાં પહોંચી ગઈ!
બન્યું એવુ કે જે પાંજરામાં મગરને રાખ્યો હતો એનો દરવાજો ગમે તે કારણે ઢીલો થવાથી ખુલી ગયો. ને અચાનક એક યુવતી મગરની લગોલગ પહોંચી ગઈ. એ જોઈને સૌના હૈયા હેઠાં બેઠાં. સૌએ એ યુવતીને મોતના મુખમાં જતી જોઈ. સૂરજની એના પર નજર પડી. પળનીય પરવા કર્યા વિના મગર પેલી યુવતીનો કોળિયો કરે એ પહેલા દોડતો જઈને બેભાનીથી ઢળીપડવાને આરે ઊભેલી યુવતીને હેમખેમ બહાર લઈ આવ્યો. ને ઝટ કરતી જાળી વાસી દીધી! મગર મોં વકાસીને જોઈ રહ્યો. જોનારા સૌ સૂરજની બહાદુરી તથા હિંમતથી અંજાઈ ગયા.
ઘડીકમાં જ યુવતી ભાનમાં આવી. અને એ જ સમયે એકસાથે બે યુવતીઓની આંખે સૂરજ ચડ્યો. અને ઉરમાં ઉતરીને ચમક્યો. એક, જેનો જીવ બચાવ્યો હતો એ યુવતી અને બીજી, જેણે મોતના મુખમાંથી જીવ બચાવતા, બીજા કાજે પોતાની જીંદગી હોડમાં મૂકતા જોનાર એક યુવતી. આ બંને યુવતીઓ સૂરજના કોલેજની જ હતી. સહાધ્યાયી હતી. બંને પ્રણયાતુર બની સૂરજને હૈયાના હિંડોળે જુલાવી રહી.
બીજા દિવસે પ્રવાસ એસેલવર્ડ પહોચ્યો. ત્યાં ઈલેક્ટ્રીક કારની રાઈડની મજા માણીને બહાર આવતા સૂરજનો રસ્તો રોકાયો. એણે ઊંચી નજરે જોયું તો બંને યુવતી હાથમાં કંઈક લઈને ઊભી હતી. એકસામટા બંનેએ સૂરજ સામે હાથ લંબાવ્યો. સૂરજે બંનેને સેકહેન્ડ આપ્યા. બીજી જ પળે બે બોક્સ સૂરજ સામે આવીને ઊભા રહી ગયા.
'શું છે આ?' કંઈ ન સમજાતા સૂરજે સવાલ કર્યો.
'ગિફ્ટ!' એક જ સાથે એક જેવા શબ્દોમાં ઉત્તર રૂપે અવાજ નીકળ્યો.
'ગિફ્ટ!! કોના માટે અને શા માટે?' અચરજભેર સૂરજે બીજો સવાલ કર્યો.
એને ફરી સામટો ઉત્તર મળ્યો:"તારા માટે જ. પરંતું શા માટે એનો જવાબ અંદર મૂકેલો જ છે વાંચીને સમજી લેવો." કહીને બંને યુવતી કંઈક વિમાસણમાં ગરકાવ થઈને એકમેક તરફ શંકાની નજરે તાકી રહી.
સૂરજ ઘડીક બંને યુવતીઓ તરફ તો વળી, ઘડીક ગિફ્ટ તરફ અવાક બની જોઈ રહ્યો.
પળનીયે પરવા કર્યા વિના એણે ગિફ્ટ સ્વિકારવાનો ધરાર ઈન્કાર કર્યો.
બંને યુવતી આંસું સારવા લાગી. બહું રકઝક બાદ સૂરજે એ સ્વિકારી.
'વોટ અ સરપ્રાઈઝ! હું મારી વહાલી સેજલ માટે કંઈક ગિફ્ટ લેવાનું વિચારી રહ્યો હતો ને મને જ ગિફ્ટ મળી ગઈ! વાહ!' એ મનમાં જ બબડ્યો.
સાંજે રૂમ પર પહોંચતાં જ પ્રથમ કામ એણે ગિફ્ટ જોવાનું કર્યું. એના મિત્રો અનેક શંકાથી સૂરજને જોઈ રહ્યાં. કેટલાંક વળી સૂરજને એકસાથે બે યુવતીનો પ્રેમ મળ્યાની ખુશીમાં સૂરજને નવરાવી રહ્યાં હતાં.
સૌની ઉત્સુકતા વચ્ચે જ સૂરજે બોક્સ ખોલ્યા. જોયું તો એકમાં કાંડા ઘડિયાળ અને સોનાની વીંટી હતી. અને બીજા બોક્સમાં એક જોડ કપડા હતાં. સૂરજ ઘડીભર બંનેને તાકી રહ્યો.
સૂરજ બેમાંથી કંઈ ગિફ્ટને સ્વિકારે છે ? એ વાંચો આવતા અંકે..!
ક્રમશ: