ગીતામંથન
સંક્ષિપ્ત
કિશોરલાલ ઘ. મશરૂવાળા
ધર્મનો આત્મા
ઉપસંહાર
ધાર્મિક ગ્રંથોનું મનન કરનારા બે પ્રકારના હોય છે : એક, જેના મનનો કુદરતી અભિલાશ એવો બનેલો છે કે, હું શી રીતે વધારે શુદ્ધ વૃત્તિનો, વધારે ભલો, વધારે પ્રેમાળ, પરોપકારશીલ, પોતાનાં દુ:ખોને ન ગણકારનારો અને સત્યનિશ્ઠ થાઉં. અને આમ પ્રયત્ન કરતાં કરતાં હું ઈશ્વરને ઓળખી તેનામાં લીન થાઉં. આ પ્રકારનું બળ મેળવવા એ ઈશ્વરનું શરણ લે છે, એની ભક્તિ ને ઉપાસના કરે છે, તથા એ માટે વ્રત-તપ-ઉપવાસ, ઇંદ્રિયનિગ્રહ-મનોજય, પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્ત વગેરે આચરતો રહે છે. પોતાની આવી અભિલાશાને પોશણ ને પ્રેરણા મળે, અને આજુબાજુનાં વાતાવરણ ને પરિસ્થિતિને લીધે લાલચોમાં લપટાઈ ન જવાય, તે માટે એ સત્પુરુશો અને સદ્ગ્રંથોનો સમાગમ શોધતો રહે છે.
ધાર્મિક ગ્રંથ વાંચનારાઓનો બીજો પ્રકાર ચિત્તશુદ્ધિની અથવા આત્મજ્ઞાનની જ આકાંક્ષાવાળો નથી હોતો. એ ધર્મ-, અર્થ-, અને કામ-પરાયણ હોય છે, અને તે સિદ્ધ કરવા માટે સાધારણ બુદ્ધિને જે માર્ગો દેખાતા હોય તેની ઓછીવત્તીયે પરવાનગી આપે એવાં ધર્મશાસ્ત્રો તેમને જોઈતાં હોય છે. દા.ત. ઘણા માણસોને ખૂબ ધનવાન થવાની આકાંક્ષા હોય છે. જો કોઈ ધર્મશાસ્ત્ર એ વાસનાને સાવ અધર્મની ઠરાવી મનાઈ કરે, અને ધનવાનો પર ઠોક જ પાડે, તો તે વાતો એમને ગળે નહિ ઊતરે. એનો વિરોધ કરવાનું તેમનું બળ ન હોય તો તેઓ એ શાસ્ત્રને જીભની માન્યતા આપશે, પણ જો બળ હોય તો તે ધર્મના ઉપદેશકનો પ્રાણ લેવા પર્યંત પણ વિરોધ કરશે. પણ જો એ શાસ્ત્ર એને ધનસંપાદનની પરવાનગી આપે, અને માત્ર એના બદલામાં એના ઉપર દાનાદિકની નાનીમોટી ફરજો નાખી એની સંપત્તિને આશીર્વાદ આપે, તો તેઓ તે ફરજો સ્વીકારશે અને તે શાસ્ત્રને સાચું ગણીને પૂજશે.
આમ મોક્ષધર્મ અને ધર્મ-અરથ-કામ સંબંધી ત્રિવર્ગ ધર્મ વચ્ચે વિરોધ મનાતો આવ્યો. ‘ગીતા’ એ બે માર્ગોમાં મેળ સાધવાનો રસ્તો સૂચવે છે. એ મેળ નિશ્કામ કર્મયોગ દ્વારા. એની પાછળ રહેલી વિચારસરણી આવી છે : ત્રિવર્ગપરાયણ લોકો એ માર્ગે જવાના જ. મોક્ષધર્મના અને સંન્યાસવૃત્તિના હજાર ધર્મગ્રંથો ઉત્પન્ન થાય અને કર્મમાર્ગનો તિરસ્કાર કરે, તોયે લોકો એ માર્ગે રહેશે. લોકોને સારા માર્ગદર્શક નહિ મળે તો ગમે તે રીતે કર્મમાર્ગનું આચરણ કરશે, પણ તેને છોડશે નહિ. આથી નહિ સાચી મુમુક્ષતા વધે, અને નહિ કર્મમાર્ગમાંયે યશ મળે. પણ એથી ઊલટું, સત્પુરુશ એમના માર્ગદર્શક થાય તો તેઓ વધારે ને વધારે શુદ્ધ, ધર્મ્ય અને કુશળ રીતો ખોળી કર્મમાર્ગને ઉત્તરોત્તર વિશુદ્ધ કરી શકે અને પોતાનીયે ચિત્તશુદ્ધિ કરી શકે. આવો આ ‘ગીતા’એ સૂચવેલો માર્ગ છે.
પણ જે ધર્મગ્રંથ અર્થ-કામની વાસનાને ઉત્તેજન આપતો હોય તે રાગદ્વેશને પોશનારો ઠર્યાે. એને ધર્મ નામ જ કેમ આપી શકાય? એ જાણવું ઘટે છે. રાગદ્વેશ તો આપણામાં હોય છે જ. એને પોશવા માટે ધર્મની જરૂર જ નથી. જુગાર કેમ રમવો તે શીખવનાર પુસ્તક જો ધર્મગ્રંથ થાય, તો તે કોઈ પ્રકારના જુગારને એ માન્ય ઠરાવે છે એટલા માટે નહિ; પણ સર્વે વર્ગોમાં જુગારની અદમ્ય વાસના રહેલી જોઈ, એ રમવો જ હોય તોયે અમુક મર્યાદામાં જ રમાય એવા અંકૂશ એ મૂકે છે તે માટે.
આ જ રીતે, જો કોઈ ધર્મગ્રંથમાં લખ્યું હોય કે માણસે પચીસમે વર્ષે લગ્ન કરવું, અથવા યજ્ઞમાં કરેલું માંસભક્ષણ તે હિંસા નથી, અથવા યુદ્ધમાં થતી હિંસાથી પાપ લાગતું નથી; તો તેનો અર્થ એ નથી કે પચીસમું વર્ષ બેસતાં માણસે લગ્ન કર્યે જ છૂટકો, યજ્ઞમાં માંસભક્ષણ કર્યે જ છૂટકો, અથવા યુદ્ધમાં બેલાશક ડાયરશાહી ચલાવી જ શકાય. પણ માણસમાં રહેલી અદમ્ય કામવાસના, માંસાભિરુચિ, યુદ્ધપ્રિયતા વગેરે રાગદ્વેશોને પોતાના કાળના સમાજમાંથી સાવ નિર્મૂળ કરવા શક્ય નથી એમ જોઈ, એ રાગદ્વેશોથી સમાજને ઓછામાં ઓછું નુકસાન થાય એ હેતુથી તે ધર્મો ઠરાવેલા હોય છે. આવા ધર્મોની આ કે તે વિગતો કદી સનાતન કાળ માટે એકસરખી હોઈ શકતી નથી. એમાં પરિસ્થિતિ અનુસાર વધઘટ થયા જ કરે. દીર્ઘદર્શી પુરુશો એ વધઘટ ઠરાવે કે રુઢિઓ એને ઠરાવે, પણ એમાં ફેરફાર થયા જ કરે.
પણ, આમ તો દરેક જણ પ્રાચીન ધર્મગ્રંથોમાં દખલ કરવાની છૂટછાટ લઈ લે. માટે અમુક નિયમ ધર્મનું કાયમનું અંગ છે કે જમાના પૂરતું છે તે જાણવાનો માર્ગ હોવો જોઈએ. એટલે કે, ધર્મનું ધર્મત્વ શું? ધર્મનો આત્મા શું?
જો એ ઉત્તર આપવાનો મને અધિકાર હોય, તો હું કહું કે સમબુદ્ધિ એ ધર્મનો આત્મા છે. અમુક પુસ્તક અથવા અમુક સલાહ ધર્મયુક્ત છે કે નહિ તે જાણવાની કૂંચી એ કે એથી એકંદરે સમદૃષ્ટિની દિશામાં પ્રયાણ થાય છે કે તે વિશમદૃષ્ટિમાં સ્થિર કરાવે છે? ધર્મનો અમુક વિધિ કે નિશેધ એ ધર્મનો આત્મા નથી, પણ માત્ર ઉપરનું કલેવર છે. એની પાછળ રહેલી ધર્મ રચનારની દૃષ્ટિ જો સમબુદ્ધિમાંથી ઊઠી હોય અને તેને વધારતી હોય, તો તે ધર્મ છે; નહિ તો અધર્મ અથવા માત્ર તાત્કાલિક ઇલાજ છે.
આ સમબુદ્ધિનું પ્રત્યક્ષ સ્વરૂપ યુગેયુગે વ્યાપક થતું જાય, તો ધર્મનો વિકાસ થયો ગણાય; જો તે સંકુચિત થતું જાય, તો ધર્મનો હ્રાસ થયો ગણાય. દા.ત., શત્રુને ગમે તે કાળે, ગમે તે સ્થિતિમાં, પૂરો જ કરી નાખવો એવો જ્યાં સર્વત્ર આચાર હોય, ત્યાં તેને મારવામાંયે અમુક મર્યાદા પાળવી જોઈએ એવા આચારનો ઉપદેશ કરનારના હૃદયમાં સમબુદ્ધિનો ઉદય થયો છે એમ સૂચિત થાય છે. એ સમબુદ્ધિનું પ્રત્યક્ષ સ્વરૂપ તે કાળની પરિસ્થિતિથી મર્યાદિત જ રહેવાનું; છતાં એણે ધર્મનો માર્ગ બાંધ્યો એમ કહી શકાય. પછી જ્યારે સમબુદ્ધિ એથીયે આગળ વધે ત્યારે એના નિયમોનું ફરીથી શોધન થાય, અને છેવટે શત્રુને શત્રુ જ ન ગણવો એટલે સુધી પહોંચી શકે.
શ્રેયાર્થી ધાર્મિક પુરુશની ધર્મગ્રંથો વાંચવા-વિચારવામાં આ જ દૃષ્ટિ રહે છે. અમુક ધર્મગ્રંથ એનામાં રહેલી સમદૃષ્ટિની નૈસર્ગિક વૃત્તિને ખીલવવામાં ઉત્તેજન આપનાર છે કે ચિમળાવી નાખનાર છે? એને પોતાના કાળની સંકુચિત રાગદ્વેશથી બંધાયેલી મર્યાદાઓમાં જ જકડી રાખનાર છે, કે એને તોડી સમદૃષ્ટિ વધારવામાં પ્રોત્સાહન આપનાર છે? જે એની સમદૃષ્ટિને ઉત્તેજન આપે તે શાસ્ત્રવાક્યો જ એને ધર્મના આત્મારૂપ લાગે છે, અને તેવાં વાક્યોને લીધે જ એ ગ્રંથ એને પૂજ્ય ને પ્રિય બને છે.
આ રીતે એ ‘બાઇબલ’ વાંચે તો, તેમાં ‘જૂના કરાર’માં આંખને સાટે આંખ અને દાંતને સાટે દાંત લેવાની પરવાનગી છે, માટે ડાબા ગાલ પર કોઈ મારે તો તેની આગળ જમણો ગાલ ધરવો એવો ઈશુનો ઉપદેશ અઘટિત છે, એવો સાર નથી કાઢતો. પણ તે એમ વિચારે છે કે જે કાળમાં યહૂદીઓ એટલા ઝનૂની હશે કે આંખ અથવા દાંતનો નાશ કરનારનું ખૂન જ કરી નાખે, તે કાળમાં, જેટલી ઇજા થઈ હોય તેથી વધારે શિક્ષા ન કરી શકાય એવો નિયમ સમદૃષ્ટિ તરફ પ્રયાણ સૂચવનારો જ ગણાય, અને તેથી ધર્મ જ હતો; પણ ઈશુ ખ્રિસ્તે ધર્મના આત્માને ઓળખેલો હોવાથી તેના વિકાસની દિશા સૂચવી.
એ પ્રમાણે એવો શ્રેયાર્થી ‘કુરાન’ વાંચી, એમાં ચાર સ્ત્રીઓ કરવાની પરવાનગી છે, ઇસ્લામના શત્રુઓનો અમુક રીતે નાશ કરવાની પરવાનગી છે, એવો સંકુચિત અર્થ નથી કરતો. પણ તે એમ વિચારે છે કે એ ગ્રંથનું વલણ પેગંબરની પહેલાં સ્ત્રીજાતિની જે માઠી દશા હતી તેમાં કંઈક સુધારો કરવાનું છે, જંગલી અરબો વિરોધી પર ઘાતકીપણું ગુજારતા તેમના પર કેટલીક મર્યાદાઓ નાખવાનું છે, અને પેગંબરનો ઉપદેશ એકંદર સમબુદ્ધિને પોશક છે. એમ વિચારનાર મુસલમાન શ્રેયાર્થી ધર્મનો એ આત્મા વધારે ને વધારે વિકાસ પામે તે રીતે એના ઉપદેશોની મર્યાદા વધારવા પ્રયત્ન કરશે.
શ્રેયાર્થી હિંદુ ‘મહાભારત’, ‘ગીતા’ વગેરે ગ્રંથોનું અધ્યયન ધર્મનું આ જ સ્વરૂપ શોધવા માટે કરે છે. એમાં કૃષ્ણે અર્જુનને લડવા પ્રેર્યાે, લડાઈમાં કપટો કર્યાં વગેરે વાતો ધર્મનું પ્રાણરૂપ અંગ નથી. સમદૃષ્ટિ, નિશ્કામબુદ્ધિ, સત્ય, અહિંસા એ આખાયે ગ્રંથનો એકંદર ધ્વનિ છે. કૃષ્ણનાં અમુક આચરણો સનાતન ધર્મનાં દ્યોતક નહિ, પણ સમદૃષ્ટિનું ધ્યેય અને પોતાના કાળની પરિસ્થિતિ એ બેના મિશ્રણથી થયેલા મર્યાદિત પ્રયોગો છે. પાછળ થઈ ગયેલા મહાપુરુશોનાં છૂટક આચરણો બધાં અનુકરણીય નથી હોતા, પણ એ આચરણની પાછળ રહેલી ધર્મનિશ્ઠા જ આચરવાની હોય છે. જેટલે અંશે ધર્મદૃષ્ટિ પાછલા જમાનાઓ કરતાં આગળ વધી હોય, તેટલે અંશે પાછલા કાળના ધાર્મિક પુરુશોનાં જીવનનાં આ કે તે કૃત્યો અનુપયોગી ઠરે છે.
જો ધર્મનો આત્મા સમબુદ્ધિ છે એ વાત આપણે સમજીએ, તો ધર્મનું બાહ્ય સ્વરૂપ યુગે યુગે વિકાસ પામતું જવાનું. જે ધર્મ એવો વિકાસ ન કરે, તે લકવો થયેલા અવયવની જેમ નિશ્પ્રાણ થઈને પડશે.
આડે માર્ગે જવાની આપણને લાલચ થયા જ કરે છે. સત્ય અને ધર્મનો માર્ગ કઠણ, લાંબો, અવહેવારુ લાગે છે. ઘણી વાર રાજમાર્ગ કરતાં આડીઅવળી પાયદંડીઓ ટૂંકી હોય છે, તેમ અસત્ય અને અધર્મ ટૂંકા રસ્તા લાગે છે.
પણ આમ લાગવાનું કારણ આપણામાં કેળવાયેલી ખોટી ટેવો જ છે. અણઘડ શિક્ષકને વિદ્યાર્થીને મારવાનું જ મન થાય છે; બાળકને સુધારવાનો એ જ સહેલો ઉપાય એને લાગે છે. કારણ એમાં એને સંયમ પાળવો પડતો નથી. વિદ્યારથીનું માનસ તપાસવાની કે શિક્ષણશાસ્ત્રનો વિચાર કરવાની કડાકૂટમાં પડવું પડતું નથી. પણ જે એ રસ્તો છોડી દે છે અને શાસ્ત્રીય રીતે પોતાની કુશળતા વધારીને શીખવવાનો પ્રયત્ન કરે છે, તેને પાછા પહેલે માર્ગે જવું ગમતું જ નથી. શાસ્ત્રીય માર્ગ, ટેવાયા બાદ, વધારે સહેલો, કાર્યસાધક અને શિક્ષક તેમ જ વિદ્યાર્થી બંનેને રોચક પણ લાગે છે.
આ જ નિયમ આપણે જીવનના બીજા વહેવારોમાંયે જોઈ શકીએ છીએ. કોઈ સુતારને ખોટી રીતે ઓજાર પકડવાની ટેવ પડી હોય, પછી એને કોઈ સાચી રીત બતાવવા જાય, તો એ સાચી રીત એને વધારે કઠણ લાગે છે. શરૂઆતમાં સાચી રીતે કામ કરવા જતાં તેને નિશ્ફળતાયે આવે છે. આથી એ ઘણીવાર “મને પેલી જ રીત ફાવે છે” એમ કહી નવી રીત ગ્રહણ નથી કરતો. પણ જો ધીરજ રાખી એ નવી ટેવ પડવા દે છે, તો એને અનુભવ થાય છે કે એની કાર્યશક્તિ વધી, શ્રમ ઘટયો અને ખોટી રીત ગમે તેટલી ફાવી ગઈ હતી છતાં નવી રીત જ શ્રેષ્ઠ છે.
એ જ પ્રમાણે આપણને અસત્ય, અધર્મ, કપટ, હિંસા વગેરે આચરીને જ આપણાં કામો ઉકેલવાની ટેવ પડેલી હોવાથી સત્યનો, ધર્મનો, સરળતાનો, અહિંસાનો માર્ગ કઠણ અને નિશ્ફળ જનારો લાગે, અને અધ્રમનો સહેલો લાગતો માર્ગ લેવાનું મન થયા કરે. પણ સત્યને જ વળગવાની ટેવ પાડીએ, તો છેવટે એ જ માર્ગ સીધો, સહેલો અને વધારે પરિણામદાયક છે, એમ અનુભવ થશે.
આનું પારખું લેવા એકદમ જગતનાં મોટાં કાર્યો ભણી જોવું ન જોઈએ. પણ આપણા નિત્ય જીવનના વ્યવહારોમાં એનું પહેલું પારખું લેવું જોઈએ. એમાં આપણે જો ચીવટથી ધર્મને માર્ગે રહીએ જ, અને એની ટેવ આપણને પડી જાય ત્યાં સુધીની અગવડો ભોગવી લઈએ, તો એ અનુભવ થવાનો જ. પછી આપણી ખાતરી થવાની કે મોટાં કાર્યો પણ એ રીતે થાય તો ત્યાંયે એ જ માર્ગ સરળ થાય.
કોઈ પણ ધર્મગ્રંથનો અભ્યાસ કરતી વખતે આપણે કેટલોક વિવેક વાપરવો પડે છે.
કેટલીક બાબતોમાં, ખાસ કરીને ચિત્તશુદ્ધિ સાથે સંબંધ ધરાવતી બાબતોમાં, સર્વે ધર્મોમાં સરખાપણું હોય છે. દાખલા તરીકે, સત્કર્મ, સદ્વર્તન, સદ્વાણી, સદ્વિચાર, ન્યાય, પ્રેમ, ક્ષમા, સુખદુ:ખ વિશે સમતા, ભક્તિ, વૈરાગ્ય વગેરે પર ભાર મૂકવામાં સર્વે ધર્મો એક મતના હોય છે.
જગતનાં તથા આત્મા-પરમાત્માનાં સ્વરૂપ વિશે સર્વ ધર્મગ્રંથોમાં કેટલાક વિચારો હોય છે, પણ તેમાં બધા વચ્ચે એટલી એકવાક્યતા નથી હોતી. પોતાના ધર્મના ગ્રંથોનો આવો જે ભાગ હોય છે, તેનો અર્થ સાધુસંતો વગેરે પોતપોતાની દૃષ્ટિ મુજબ કરે છે. આને લીધે દુનિયાના દરેક ધર્મમાં પંથો ઊપજ્યા છે. આથી ધર્મગ્રંથનો અભ્યાસ કરનારે આવી બાબતમાં પોતાની વિવેકબુદ્ધિને યોગ્ય લાગે તેટલું જ સ્વીકારવું ઘટે છે.
વળી પૂજા, આચાર, પ્રાયશ્ચિત્ત, કર્મકાંડ વગેરેને લગતું પણ કેટલુંક નિરૂપણ ધર્મગ્રંથોમાં હોય છે. આ એ ગ્રંથનો સાંપ્રદાયિક ભાગ કહેવાય. આ બાબતમાં જુદા જુદા ધર્મગ્રંથો એકબીજાને મળતા ન આવે એમ બને છે. આવી સાંપ્રદાયિક બાબતો તે સંપ્રદાય માટે ભલે અતિશય મહત્ત્વની હોય, પણ ધર્મનો વિશાળ દૃષ્ટિએ વિચાર કરીએ ત્યારે ગૌણ બની જાય છે. તેથી, પોતાના સંપ્રદાય કરતાં જુદી જાતની માન્યતા બીજાના ધર્મગ્રંથમાં જણાય, તો તેને વિશે અનાદર કે તુચ્છબુદ્ધિ હોવી યોગ્ય નથી. પણ જેવી પોતાના ધર્મની એક શ્રદ્ધા છે, તેવી એ પણ એક ભક્તિમય શ્રદ્ધા છે એમ સમજી તે પ્રત્યે સમભાવની દૃષ્ટિ કેળવવી જોઈએ.
ધર્મગ્રંથોનાં નિત્ય વાચન અને મનનથી આપણને કાંઈ ને કાંઈ વિચારવાનો, આચારવાનો અને પચાવવાનો ખોરાક મળ્યા જ કરે છે. ધાર્મિક વાચનની ટેવ સારી રુચિ નિર્માણ કરે છે, વિચારને પ્રેરે છે, તથા અંતરાત્માને ક્યારેક પણ જગાડી દે છે. એમાંનું ઘણું પહેલે વાચને ન સમજાય એ શક્ય છે. સમજાઈનેયે એનું પૂરું તાત્પર્ય લક્ષમાં ન આવે એ પણ શક્ય છે. એ વિશય જ એવો છે કે એ જીવનના વિકાસની સાથે સાથે જ સમજાય.
જીવનનો વિકાસ એટલે માત્ર વયની વૃદ્ધિ નહિ, પણ શુદ્ધ જીવન ગાળવાનો પ્રયત્ન, સત્યનો આગ્રહ, આત્મનિરીક્ષણ, જગતનું નિરીક્ષણ, સૂક્ષ્મ અવલોકન અને વિચાર કરવાની ટેવ, તથા પવિત્ર પુરુશોનો સહવાસ — અને એ બધાંની સાથે જગતનો અનુભવ — આ વાત ઘણાના લક્ષમાં નથી. ઘણાનો એવો ખ્યાલ હોય છે કે ઉત્તમ પ્રકારે તર્ક કરવાની શક્તિ હોય, ઘણાં શાસ્ત્રોનું બારીકાઈથી અધ્યયન કરેલું હોય, ચર્ચામાં રુચિ હોય અને પૂરતું ભાષાજ્ઞાન હોય, તો તત્ત્વજ્ઞાન પણ સમજાવું જોઈએ જ. પણ તત્ત્વજ્ઞાન અથવા જીવન વિશેનું સાચું દૃષ્ટિબિંદુ કેવળ બુદ્ધિગમ્ય નથી. બુદ્ધિ ઉપરાંત એમાં ભાવનાશુદ્ધિની તેમ જ જીવનના અનુભવની અપેક્ષા રહે છે. એ પુસ્તકો કે ઉપદેશોમાંથીયે ન મળી શકે. હજારો પુસ્તકોથીયે જેની કલ્પના ન આવી શકે તે, અનુભવ થતાં પલકારામાં સમજાઈ જાય.
વિચારી પુરુશને માર્ગદર્શક થઈ પડે એવા જે કેટલાક ગ્રંથો જગતમાં ગણાવી શકાય તેવા છે, તેમાં ‘ગીતા’નું સ્થાન ઘણું ઊંચું છે; અને હિંદુ ધર્મના સંસ્કાર તળે ઊછરેલાને માટે તો બહુમતે એને જ પહેલું સ્થાન મળે.
***