Geetamanthan - 8 in Gujarati Motivational Stories by Kishorelal Mashruwala books and stories PDF | ગીતામંથન - 8

Featured Books
Categories
Share

ગીતામંથન - 8

ગીતામંથન

સંક્ષિપ્ત

કિશોરલાલ ઘ. મશરૂવાળા

દૈવી અને આસુરી સંપત્તિ

અધ્યાય સોળમો

અર્જુનના પ્રશ્નોનો અંત આવ્યો નહોતો. હજુ એના મનની ગડીઓ બરાબર બેઠી નહોતી. આથી તેણે પ્રશ્ન પૂછયો : “કોઈ માણસ દૈવી પ્રકૃતિનો છે કે આસુરી પ્રકૃતિનો, તે કેમ ઓળખાય? મારા પોતાના હૃદયને હું તપાસું છું, તો પરમાત્મા પ્રત્યે અનન્ય ભક્તિ અને નિશ્ઠાનાં મારામાં લક્ષણો નથી જોતો. માન, મોહ, આસક્તિ, સુખદુ:ખમાં વિશમતા, અધ્યાત્મજ્ઞાન સિવાયની બીજી ઘણીયે ઐહિક વિદ્યાઓમાં રસ — એ બધું મારામાં સારી પેઠે ભરેલું છે એમ હું જોઉં છું. એટલે હું આસુરી પ્રકૃતિનો મનુષ્ય છું કે દૈવી પ્રકૃતિનો તે, તથા દૈવી અને આસુરી પ્રકૃતિનાં લક્ષણો મને વિસ્તારપૂર્વક કહો.”

આ ઉપર ઘનશ્યામ બોલ્યા :

“અર્જુન, મનુષ્ય અપૂર્ણ હોવાથી જ આસુરી પ્રકૃતિનો કહેવાતો નથી. જીવની ઉન્નતિ દૈન્યમાંથી ઐશ્વર્ય પ્રત્યે, અધર્મમાંથી ધર્મ પ્રત્યે, આસક્તિમાંથી વૈરાગ્ય પ્રત્યે અને અજ્ઞાનમાંથી જ્ઞાન પ્રત્યે થાય છે; અને અવનતિ અલ્પ કાર્પણ્યમાંથી વિશેષ કાર્પણ્ય પ્રત્યે, નાના અધર્મમાંથી મોટા અધર્મ પ્રત્યે, થોડી આસક્તિમાંથી વિશેષ આસક્તિ પ્રત્યે, અને અલ્પ અજ્ઞાનમાંથી દૃઢ અજ્ઞાન પ્રત્યે થાય છે.

“રાજ્યનો વિસ્તાર, રાજ્યની આવક, સૈન્યબળ, યુદ્ધની સામગ્રીનો ભંડાર, ઝવેરાત, સુશોભિત મહેલો, ધાન્ય અને ઘાસના કોઠાર, હાથી, ઘોડા, ગાય વગેરે પશુઓ — એ બધાંની ગણતરી પરથી રાજાની સંપત્તિ અંકાય છે, અને તેની વૃદ્ધિ એ રાજ્યસમૃદ્ધિનું લક્ષણ મનાય છે. એથી ઊલટું, રાજ્યની અલ્પ મર્યાદા, રાજ્યનું દેવું, આત્મરક્ષા માટે બીજા રાજાનો આશ્રય લેવાની ગરજ, ખાલી પડેલા ભંડાર-કોઠાર ને પશુશાળાઓ, ખંડિયેર થતાં મકાનો, પ્રજામાં ભૂખમરો અને અસંતોશ — એ સર્વેની ગણતરી પરથી રાજાની દરિદ્રતા અંકાય છે, અને તેની વૃદ્ધિ એ રાજ્યની પડતીનું ચિહ્ન થાય છે.

“એ જ રીતે દૈવી પ્રકૃતિને સૂચવનારી સંપત્તિઓ જુદા પ્રકારની હોય છે, અને આસુરી પ્રકૃતિને સૂચવનારી સંપત્તિ — બલ્કે આપત્તિઓ જુદા પ્રકારની હોય છે. એ સંપત્તિ મનુષ્યના ચિત્તના ગુણોમાં, એનાં મન અને ઈદ્રિયોના વ્યાપારમાં અને એની સાંસારિક પ્રવૃત્તિઓમાં દેખાઈ આવે છે. મનુષ્ય દિવસે દિવસે કઈ સામગ્રીને એકઠી કરતો જાય છે, તે બધાંની એકંદર ગણતરી પરથી તેની પ્રકૃતિ દૈવી છે કે આસુરી એ ઠરાવી શકાય છે. એકાદ ગુણની પ્રાપ્તિ કે અભાવથી કોઈ માણસને દૈવી પ્રકૃતિનો કે આસુરી પ્રકૃતિનો ઠરાવવો યોગ્ય નથી.

“આથી, હું તને દૈવી અને આસુરી સંપત્તિના જુદા જુદા ગુણધર્મો કહું છું તે સાંભળ : દિવસે દિવસે નિર્ભય બનતાં જવું, કઠણ પ્રસંગોમાં હતવીર્ય ન થવું, મુશ્કેલી જોઈને એની સામે થવાની શક્તિ મેળવવી, જોખમમાંયે ધર્મમાંથી ન ડગવાની હિંમત કેળવવી — એ અભય નામની એક અતિશય કીમતી દૈવી સંપત્તિ છે.

“અર્જુન, જીવોને જન્મથી જ ભયભીત રહેવાની ટેવ પડેલી છે, એ એમની આધ્યાત્મિક દરિદ્રતાનું મોટામાં મોટું કારણ છે. પોતે પરમાત્માના જ ગુણધર્મવાળો, સ્વતંત્ર અને સંપૂર્ણ ચૈતન્યસ્વરૂપ હોવા છતાં, એ અનેક પ્રકારનાં સાચાં કે કાલ્પનિક અને ક્ષણિક નિમિત્તોથી ડર્યાં કરે છે, અને તેથી પોતાનાં ધર્મ અને સ્વરૂપ બન્નેથી પતિત થાય છે. જરા, મરણ, રોગ, પ્રિયજનોનો વિયોગ, ટાઢ-તડકો, ભૂખ-તરસ વગેરેનો એને માત્ર ડર લાગતો નથી, પણ એ ડર એનામાં અબુદ્ધિ અને જડતા નિર્માણ કરે છે. આથી એ બેબાકળો બની દેવદેવીઓને બળિ ચડાવે છે, રાજના સેવકોથી થથરે છે, શ્રીમંતોની ગુલામી કરે છે, ભૂત-પ્રેત વગેરેની પૂજા કરે છે અને જેનીતેની ખુશામત તથા પ્રાર્થના કરતો ફરે છે. ભય અલ્પ હોય, ત્યાં સુધી મનુષ્ય બીજાને રીઝવીને અને અધીન થઈને વર્તે છે. પણ જ્યારે ભયની માત્રા વધી જાય, ત્યારે એ સર્પના જેવો ઝેરીલો બની જાય છે અને વેર તથા હિંસાનો ઉપાસક બને છે. આસુરી સ્વભાવ જાતે ભયભીત રહે છે એટલુ જ નહિ, પણ તેને પરિણામે અન્યને ભયથી જ વશ કરવા પ્રયત્ન કરે છે. ભયમાંથી અભયપ્રાપ્તિ અને અભયદાન પ્રત્યે પ્રયાણ એ દૈવી ભાવ છે; ભયમાંથી ભયંકરતા, વૈર અને હિંસાબળ પ્રત્યે પ્રયાણ એ આસુરી ભાવ છે. ભયભીતતા એ નિર્બળતા હોઈ, દૈવી બળ પણ નથી અને આસુરી બળ પણ નથી, પણ કેવળ પામરતા^છે.

“સત્ત્વસંશુદ્ધિ એ એક બીજી દૈવી સંપત્તિ છે. અર્જુન, સત્ત્વ એ બુદ્ધિનું બીજું નામ છે. અને તેમાં ચિત્તની ભાવનાઓ તેમજ વિચારશક્તિ બન્નેનો સમાવેશ થાય છે. પ્રસન્નતા, પ્રેમ, સમભાવ વગેરે કોમળ લાગણીઓની તીવ્રતા, તેમ જ વિચાર, વિવેક અને ન્યાયવૃત્તિની સ્પષ્ટતા તથા સુક્ષ્મતા એ સત્ત્વગુણના ઉત્કર્શને પરિણામે પ્રાપ્ત થાય છે, અને તે ચિત્તની મલિનતા ઓછી થયાનાં ચિહ્ન છે. આવું નિર્મળ થયેલું ચિત્ત જ સત્ત્વને નામે ઓળખાય છે. તેની વૃદ્ધિ દૈવી ભાવ છે અને ક્ષય એ આસુરી ભાવ છે.

“ત્રીજી સંપત્તિ તે વ્યવસ્થિતિ. વિચારમાં, વાણીમાં અને કર્મમાં વ્યવસ્થા એ અતિ મહત્ત્વનો અને પ્રાપ્ત કરવા જેવો ગુણ છે. અરજુન, અવ્યવસ્થિત પુરુશમાં કોઈક પ્રકારની જડતા અને પશુતા પણ રહી જ જાય છે. ઘણી વાર અતિ બુદ્ધિવાન માણસો પણ ઘણા અવ્યવસ્થિત જોવામાં આવે છે, પણ તું એને કદી એમનું પ્રશંસા કરવા યોગ્ય લક્ષણ સમજીશ નહીં. એમણે વિવેક, વિચાર, કર્મકૌશલ્ય અને ઈદ્રિયો તથા મનને યોગ્ય રીતે કેળવવામાં કાંઈક પણ ન્યૂનતા રાખી છે, એમ નિશ્ચિત માનજે. બીજા અનેક સદ્ગુણો હોવાથી એ ખામીને સ્નેહીઓ કદાચ ક્ષમ્ય ગણી નિભાવી લે એમ બને, પણ એની સાથે વ્યવહાર કરવામાં એ ખામી અગવડભરી થયા વિના રહેતી નથી. વળી, એ ખામીને લીધે એ પુરુશ અનેક પ્રકારની બીજી દૈવી સંપત્તિ હોવા છતાં, પૂર્ણ કૃતાર્થતા અને સમાધાન મેળવી શકતો નથી. એને પોતાનેયે એ ખામીથી ડગલે ને પગલે અડચણ ઉત્પન્ન થાય છે. એના આરોગ્યમાં કે વ્યવહારમાં તેને લીધે વારંવાર વિઘ્નો ઊભાં થાય છે. અને તેને લીધે જીવનમાં ક્યાંક અસંતોશ રહી જ જાય છે. માટે, મહારથી, તું વ્યવસ્થિતિને નજીવો ગુણ સમજી ઉપેક્ષા કરીશ નહિ. અતિ શ્રમ લઈને એ પ્રાપ્ત કરવા યોગ્ય સંપત્તિ છે.

“સોનુંચાંદી સંપત્તિ છે એમ જેને સમજાય, તેને જુદાં જુદાં ઘરેણાં એ સંપત્તિ છે એમ કહેવાની જેમ જરૂર રહેતી નથી; તેમ સત્ત્વસંશુદ્ધિ અને વ્યવસ્થિતિરૂપી સોનાચાંદીની કિંમત જેણે જાણી છે તેને દાન, ઈદ્રિયનિગ્રહ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ વગેરે માટે તેનો પ્રયત્ન હોવો જોઈએ, એ સમજાય એવું છે. પણ ગુરુજનો તથા પ્રિયજનો જેથી મનુષ્યના પર સંતુશ્ટ રહે છે અને તેને પોતાના પ્રેમ તથા વિશ્વાસનું પાત્ર બનાવે છે, એ સરળતાનો ગુણ પણ એક મહત્ત્વની દૈવી સંપત્તિ છે. અર્જુન, આસુરી પ્રકૃતિવાળાને વક્રતા અને કપટમાં જ શરદ્ધા હોય છે અને સકારણ કે નિશ્કારણ તેને જ આચરે છે; તેથી ઊલટું, દૈવી પ્રકૃતિનો પુરુશ સરળતામાં જ નીતિ માને છે અને જાણે બાલ્યાવસ્થા ફરીથી ભોગવવા ઇચ્છતો હોય તેમ દિવસે દિવસે સરળપણું વધારવા મથે છે. માટે સ્વભાવની સરળતાને તું મહત્ત્વનું ધન જાણજે.

“અહિંસાધર્મ પ્રત્યે પ્રગતિ, એ દૈવી પ્રકૃતિનું એક બીજું મહત્ત્વનું ધન છે. હિંસામાંથી અહિંસા પ્રત્યે પ્રયાણ એ શ્રેયસ્સાધન છે, અને હિંસામાંથી વિશેષ હિંસા પ્રત્યે પ્રયાણ એ અધોગતિનું સાધન છે. પણ અહિંસાની બાબતમાં ઘણી ગેરસમજ થાય છે, માટે અહિંસા એટલે શું તે તું ધ્યાનપૂર્વક સમજી લે.

“અર્જુન, ભૂખતરસ, વૃદ્ધિક્ષય, સુખદુ:ખ, જરાવ્યાધિ, જન્મમરણ વગેરે ભાવોનું જેમાં થોડુંઘણું પણ દર્શન આપણે કરી શકીએ છીએ, તે જીવસ્રુશ્ટિ છે એમ આપણે કહીએ છીએ. જ્યાં એ ભાવોનું આપણે દર્શન કરી નથી શકતાં, તેને આપણે જડસ્રુશ્ટિ કહીએ છીએ.

“આપણા પોતાના જીવપણાના અનુભવથી આપણે જાણીએ છીએ કે ભૂખ, તરસ, વ્યાધિ, આઘાત, મરણ, કટુવાણી વગેરેથી આપણને ખેદ અને પીડા થાય છે અને એ વેદનાઓ આપણને પ્રતિકૂળ લાગે છે. દૈવી પ્રકૃતિનો મનુષ્ય પોતાને પ્રતિકૂળ લાગનારાં કર્મો બીજા પ્રત્યે ન આચરવાના વ્રતવાળો હોય એ સ્વાભાવિક છે. આમાંથી જ અહિંસાનો ઉદ્ભવ છે.

“પણ વિશ્વનું ચક્ર એવી રીતે ગોઠવાયું છે કે જીવનું ધારણપોશણ બીજા જીવો દ્વારા જ થાય છે. મોટા જીવ નાના જીવ ઉપર જ નિર્વાહ કરે છે, અને અસંખ્ય જીવો એવા સુક્ષ્મપણે ચોમેર ફેલાયેલા છે કે શ્વાસોચ્છ્વાસ લેવામાંયે સેંકડો જીવોનો નાશ થઈ જાય છે.

“મનુષ્ય ગમે તેટલી દૈવી પ્રકૃતિથી વિભૂશિત હોય છતાં, જ્યાં સુધી એને કશુંયે પ્રાપ્ત કરવાનું અને જાણવાનું રહ્યું છે ત્યાં સુધી એને જીવનની ધારણપોશણની વાસના ટળી જઈ શકતી નથી. દૈવી પ્રકૃતિવાળો મનુષ્ય મરણથી ડરતો નથી. છતાં જે ખાસ ધર્મના પાલન માટે એ આજીવન મથતો હોય છે તે ધર્મની સિદ્ધિ માટે જ એ જીવવાની ઇચ્છા — અને જરૂર પડે તો મરવાની તૈયારી — રાખે છે. પણ તે સિવાયના બીજા અનેક ધરમોના પાલન માટે એ પ્રયત્ન કરે, છતાં જીવનનું ધારણપોશણ અશક્ય થાય તેટલી હદ સુધી એ જઈ શકતો નથી.

“આ રીતે હિંસાકર્મની અનિવાર્યતા અને અહિંસાધર્મનો આદર્શ એ બે વચ્ચે મર્યાદા શોધવામાં સર્વે દૈવી પ્રકૃતિવાળા મનુષ્યોનો પ્રયત્ન ચાલ્યા કરે છે. દૈવી પ્રકૃતિવાળો મનુષ્ય હિંસાથી સાવ મુક્ત નથી; પણ એનો સતત પ્રયત્ન વિશેષ હિંસામાંથી ઓછી હિંસા પ્રત્યે, એટલે અહિંસા પ્રત્યે પ્રયાણ કરવાનો છે. અને તેથી એ અહિંસાધર્મી કહેવાય છે.

“હિંસાનાં બે અંગો છે : દ્વેશ અને પીડા. આમાંથી દ્વેશ એ માનસિક કર્મ છે અને પીડા એ વાણી તથા શરીરનું કર્મ છે.

“શ્રેયસ્સાધનમાં ચિત્તશુદ્ધિ એ મુખ્ય છે; ચિત્તની શુદ્ધિ થાય તેને પરિણામે વાણી તથા શરીરના આચારમાં સહજપણે જે જે ફરક પડે તે જ સાચું ધર્માચરણ કહેવાય. જેમ શિક્ષાના ભયથી કોઈ માણસ ચોરે નહિ તે ભલે આવશ્યક હોય, છતાં એથી તે માણસ દૈવી સંપત્તિવાળો છે એમ ન કહી શકાય; તેમ હિંસાના વિશયમાં કેવળ વાણી અને શરીરના આચારનું નિયંત્રણ આવશ્યક હોય તોયે, તેથી દૈવી સંપત્તિ વધી છે એમ કહી શકાય નહિ. માટે અહિંસાનું મહત્ત્વનું લક્ષણ એ અદ્વેશવૃત્તિ છે, અને મનમાં પોશાયેલી અદ્વેશવૃત્તિને પરિણામે વાણી અને કર્મમાં જે અહિંસામય આચાર ઊતરે એ દૈવી સંપત્તિનું બાહ્ય ચિહ્ન છે.

“પણ, પાંડવ, ધર્મનો માર્ગ અત્યંત સૂક્ષ્મ અને અટપટો છે. અનેક સંયોગો, પરિસ્થિતિઓ અને બાબતોનો વિવેકપૂર્વક વિચાર કરી ધર્માચરણનો માર્ગ ઠરાવવો પડે છે. આથી એવું બને છે કે મનમાંથી દ્વેશભાવને સંપૂર્ણપણે કાઢયા છતાં, બાહ્યતહ્ બીજા જીવને પીડા થાય એવાં વાણીનાં કે શરીરનાં કર્મો કર્યા વિના ચાલતું નથી. એવી પીડા ન કરવામાં આવે તો કાં તો બીજો અધર્મ થાય છે, અથવા જીવનનું ધારણપોશણ અશક્યવત્ થઈ જાય છે.

“આથી દૈવી પ્રકૃતિવાળો વિવેકી પુરુશ અહિંસાધર્મનું આ રીતે પાલન કરે છે : જીવ માત્ર પ્રત્યે, અત્યંત અધમ શત્રુ પ્રત્યે પણ, યત્કિંચિત્ દ્વેશભાવ મનમાં ન રહે, એ માટે તે પ્રયત્નની પરા- કાષ્ઠા કરે છે. સ્પષ્ટપણે સ્વધર્મ તરીકે ન આવી પડે ત્યાં સુધી વાણીથી કે શરીરથી કોઈ પણ જીવને ન દૂભવવા પ્રયત્નશીલ રહે છે. સ્પષ્ટ ધર્મ થઈ પડતાં હિંસા કરવામાં એ આનંદ નથી માનતો, પણ સંકટ સમજીને જ કરે છે. વળી તેવો સ્વધર્મ બજાવતાં એ ઓછામાં ઓછી હિંસાનો માર્ગ શોધે છે. એકને પીડા કર્યે ચાલે તો અનેકને નથી કરતો; વાણીથી પીડા કર્યે ચાલે તો શરીરથી નથી કરતો; તાડનથી ચાલે તો ઘા નથી કરતો; ઘાથી ચાલે તો વધ નથી કરતો. વળી જે પીડા કરવી જ પડે, તે એ પ્રાણીને ઓછામાં ઓછો સમય સહન કરવી પડે અને ઓછામાં ઓછી વેદના જણાય એવી રીતના ઉપાયો તે યોજે છે.

“ક્ષત્રિય હોય તોયે તે જ્યાંત્યાંથી યુદ્ધ વહોરવા નથી ઇચ્છતો, પણ એને ટાળવા સર્વે પ્રયત્નો કરે છે. યુદ્ધ અનિવાર્ય જ થાય, ત્યારે એ ધર્મયુદ્ધથી લડે છે, કપટયુદ્ધ નથી કરતો. સ્ત્રી, બાળક, અતિ વૃદ્ધ, વિશ્વાસ રાખી આવેલો, નિર્બળ, નિશ્શસ્ત્ર, શરણાગત કે નિદ્રાવશ શત્રુ પર ઘા નથી કરતો. રથી ઘોડેસવાર જોડે નથી લડતો; કવચ ન પહેરેલા જોડે કવચ પહેરીને નથી લડતો. સૈન્યમાં જેઓનું કામ લડવાનું નથી, પણ વાદિત્રો વગાડવાં, રણગીત ગાવાં, સામગ્રી પૂરી પાડવી, શુશ્રૂશા કરવી, ઇત્યાદિ પ્રકારનું હોય છે, તેમના પર ઇરાદાપૂર્વક શસ્ત્ર નથી ચલાવતો. આ રીતે કઠોર કર્મમાંયે એ પોતાની અહિંસાપ્રિયતા બતાવે છે.

“વળી અહિંસક મનુષ્ય પોતાનાં શરીરનાં ધારણપોશણ માટેયે, અન્ય જીવોને ઓછામાં ઓછી પીડા થાય એવી રીતો ઉત્તરોત્તર શોધતો રહે છે. બનતાં સુધી તો, મંદજ્ઞાનશક્તિ ધરાવનારાં હોવાથી જેને પીડાની વેદના ઓછી થતી જણાય છે એવા વનસ્પતિજન્ય આહારને જ એ લે છે. માંસાહારમાંયે, અહિંસાધર્મનું આચરણ કરનારો પુરુશ નિરુપાય સમજીને જ પ્રાણીઓનો આહાર કરે છે. વળી એ અન્નનો નિશ્કારણ બગાડ ન થાય એ રીતે જ એનો ઉપભોગ કરે છે. આ રીતે સમબુદ્ધિમાંથી પરિણામ પામતી અહિંસાવૃત્તિ એ દૈવી સંપત્તિનું એક મહાન વ્રત છે.

“અહિંસા જેવી જ મહાન દૈવી સંપત્તિ સત્યની છે. જેમ હાથીના પગલામાં બધાં પગલાં સમાઈ જાય છે, તેમ સત્યમાં સર્વે વ્રતો સમાઈ જાય છે. સત્યસંપત્તિ એવી તેજસ્વી છે કે જે આસુરી પ્રકૃતિવાળા પોતાના વર્તનમાં એની અવગણના કરે છે, તેમનેય એનો મહિમા સ્વીકારવો પડે છે, અને સત્ય લાગે એવો દાંભિક આચાર બતાવવો પડે છે.

“સત્યસ્વરૂપ પરમાત્મા જ સર્વે જગતનું મૂળ અને આધાર છે એમ જેની નિશ્ઠા થઈ છે, તે જીવનની સર્વે ક્રિયાઓમાં સત્યનો જ સાક્ષાત્કાર કરવા પ્રયત્ન કરે છે. એ અસત્ય વિચાર પણ પોશવા નથી ઇચ્છતો, પોતે જે સત્યરૂપે જાણે છે તેને જ વાણીમાં કોઈ પણ જાતના ઢાંકપિછોડા વિના રજૂ કરવા મથે છે, અને વર્તનમાં જેમાં જરાયે ચોરી ન હોય એવો સત્યવ્યવહાર જ કરવા પ્રયત્નશીલ રહે છે. આથી એને જીવનની શરૂઆતમાં અગવડ થાય એવું બને છે, પણ સત્યમાં શરદ્ધાવાળો એથી નાઉમેદ નથી થતો. વળી વિશેષ અનુભવથી એ એમ પણ જાણવા લાગે છે કે સત્યનો દુશ્કર લાગતો માર્ગ જ અંતે સહેલો, ટૂંકો અને ખાતરીપૂર્વક યશસ્વી નીવડે છે.

“અસત્યને છોડી સત્યને સેવવું, એ દૈવી પ્રકૃતિ છે. દિવસાનુ- દિવસ અસત્યમાં પારંગત થતા જવું એ આસુરી પ્રકૃતિ છે.

“હવે હું તને ત્યાગ નામની દૈવી સંપત્તિનું લક્ષણ કહું છું. એ દૈવી સંપત્તિથી ઊલટી આસુરી સંપત્તિ લોભની છે. અર્જુન, ‘જીવો જીવ પર નભે છે,’ એ વચન બે અર્થમાં સાચું છે. એનો પહેલો અર્થ એવો થાય છે કે જીવો બીજા જીવોને મારીને અથવા તેમની આજીવિકા હરી લઈને નભે છે. આસુરી પ્રકૃતિવાળા એ વચનનો એટલો જ અર્થ કરે છે, અને એને જ જીવનનિર્વાહનો નિયમ માને^છે. પણ એનો બીજો અર્થ એ છે કે જીવો બીજા જીવોએ ઉદારતાપૂર્વક કરેલા ત્યાગ વિના નભી શકતા નથી. પશુપંખીઓની યોનિમાં તેમ જ મનુષ્યયોનિમાં માતાપિતા પોતાનાં બચ્ચાંને પોતે ભૂખમરો વેઠીનેયે પોશે છે, તથા સબળ પ્રાણીઓ નિર્બળને વારંવાર મદદ કરી નિભાવે છે. બીજાની ઉત્તમ વસ્તુઓ મેળવવાની અને ભોગવવાની તક જે શોધે છે, તે લોભી માણસ આસુરી પ્રકૃુતિનો છે એમ જાણ. પણ જેની હંમેશાં એવી ઉદાર અભિલાશા રહે છે કે, મારી પાસે જે કાંઈ હોય તે અન્યના ઉપયોગમાં આવે, અને જે જાતે અગવડ વેઠીનેયે પોતાની જાત તેમજ સંપત્તિ સદૈવ બીજાની સેવાર્થે અર્પણ કરતો રહે છે, તે ઉદારચરિત નર ત્યાગવૃત્તિનો છે.

“કોઈ પણ પ્રાણીને દુખ્ખિત જોઈ, તે સહન ન થઈ શકવું અને તેનું નિવારણ કરવા આતુર થવું એ દૈવી સંપત્તિ છે, એ કહેવાની જરૂર નથી.

“વળી લજ્જા એ પણ દૈવી સંપત્તિ છે, અને નફટાઈ એ આસુરી સંપત્તિ છે. સાત્ત્વિક અને કોમળ હૃદયના પુરુશને શિરચ્છેદ કરવા કરતાં ઠપકાથી વધારે ત્રાસ થાય છે. પોતાથી યત્કિંચિત દોશ થયો હોય, તો તેની એને એટલી શરમ લાગે છે કે તેને સુધાર્યા વિના તથા તે માટે ઘટતું પ્રાયશ્ચિત્ત લીધા વિના એને જીવવું ભારરૂપ લાગે છે.

“આથી, આવો પુરુશ ઉતાવળે કશો નિર્ણય કરતો નથી અને વિચારપૂર્વક કરેલા નિર્ણયને ઝટ લઈને ફેરવતો નથી. વળી એને યુક્તિ કે કાવાદાવામાં શર્દ્ધા જ બેસતી નથી, પણ એ સીધે માર્ગે જાય છે.

“હવે, દૈવી પ્રકૃતિનું એક બીજું વિચારવા જેવું લક્ષણ સાંભળ. એ તેજસ્વિતાની સંપત્તિ છે. પણ તેજસ્વિતા આસુરી પણ હોય અને દૈવી પણ હોય. માટે દૈવી તેજસ્વિતા કેવી હોય તે વિવેકથી સમજી લે. જ્યાં જ્યાં વિશેષપણે પુરુશાર્થ વસે છે, ત્યાં તેજસ્વિતાનો ગુણ છે એમ કહી શકાય. ક્રોધમાંયે તેજ રહેલું છે, પરાક્રમ પણ તેજસ્વી છે. આ બધાં તેજ સરખાં જ નથી. જે તેજ પોતાને તેમજ બીજાને ઉદ્વેગ પમાડનારું અને બાળનારું હોય, તે તેજ દૈવી નથી. પણ જે તેજ પોતામાં તેમજ બીજામાં ઉત્સાહ વધારનારું, હિંમત અને વિશ્વાસ આપનારું, હૂંફ અને પ્રકાશ પહોંચાડનારું હોય તે સાત્ત્વિક અને દૈવી^છે.

“દૈવી તેજ જીવનદાયક શક્તિના જેવું હોય છે. એ ભય, લોભ, કામ વગેરે પર વિજય મેળવી પુરુશને ધર્માચરણ કરવાની શક્તિ આપે છે, તથા સત્ય પર દૃઢ રહેવાની હિંમત પ્રેરે છે. એ પોતાની સત્ત્વહાનિ થવા નથી દેતું, તેમ બીજાની સત્ત્વહાનિ કરવા પણ પ્રયત્ન નથી કરતું. એ પોતે પ્રકાશે છે અને બીજાનેયે પ્રકાશ અર્પે છે. એની હિંમતે કાયર ડરી નથી જતો, પણ હિંમત પકડે છે.

“એવી સાત્ત્વિક તેજસ્વિતામાંથી જ સાત્ત્વિક ધ્રુતિનો ગુણ પણ ઉદ્ભવે છે. ધ્રુતિવાળો પુરુશ વિશમ પરિસ્થિતિમાંયે દૃઢ રહે છે; પોતાની ટેકને કદી છોડતો નથી. એ નિશ્ચયી અને સત્ય પ્રતિજ્ઞાવાળો હોય છે અને કઠણ પ્રસંગમાંયે ગભરાઈ જતો નથી.

“આ ઉપરાંત અનેક દૈવી સંપત્તિઓ ગણાવી શકાય; પણ એ સર્વેનો વિસ્તાર કરવાની જરૂર નથી. દૈવી સંપત્તિથી ઊલટી આસુરી સંપત્તિ છે. એનું ચલણી નાણું અજ્ઞાન છે અને એ અજ્ઞાનની મદદ વડે ખરીદાતી બીજી સંપત્તિમાં દંભ, અભિમાન, ક્રોધ, કઠોરતા વગેરે આવે છે. દૈવી સંપત્તિઓ ચિત્તને શુદ્ધ કરી આત્મસ્થિતિ પ્રત્યે પહોંચાડનારી છે, અને આસુરી સંપત્તિઓ ચિત્તને મલિન કરી દિવસે દિવસે અધોગતિમાં નાખનારી છે.

“આસુરી જનોમાં મુખ્ય ખામી વિવેકના અભાવની હોય છે. કયાં કર્મમાં પ્રયત્નપૂર્વક પ્રવૃત્ત થવું જોઈએ અને કયાં કર્મોનો તેટલા જ પ્રયત્નથી ત્યાગ કરવો જોઈએ, એ તે સમજતા નથી. જીવન એ એક પવિત્ર વસ્તુ છે, એવી તેઓને ભાવના થતી નથી. ચિત્તને પવિત્ર રાખવું જોઈએ, શરીરથી પવિત્ર આચારો જ થવા જોઈએ, એવી નીતિધર્મની દૃષ્ટિને તેઓ હસી કાઢે છે. આથી સત્યને માટે તેમને આદર જ નથી હોતો, તો આગ્રહ તો ક્યાંથી જ હોય? હેતુસિદ્ધિને મુખ્ય સમજતા હોવાથી એ સાધનોની શુદ્ધિ માટે પરવા રાખતા નથી. આથી અસત્ય કે અનીતિથી જો પોતાનો હેતુ સિદ્ધ થવો શક્ય જણાય તો તત્કાળ તેનો આશ્રય લે છે.

“આસુરી મનુષ્યો મોહવશ થઈ અધર્મના જ આગ્રહો રાખે છે. એમની કામવાસના સદાયે ઉતૃપ્ત રહે છે. વળી, એ લોકોની એવી માન્યતા હોય છે કે વાસનાઓ જેટલી વધે તેટલી જીવનની સુધારણા થાય. આથી સેંકડો પ્રકારની વાસનાઓમાં તેમનાં ચિત્ત ચોટેલાં રહે છે, અને તેની તૃપ્તિને અર્થે તેઓ અન્યાય કરીનેયે અર્થના સંગ્રહને ઇચ્છે છે.”

અહીં અર્જુને એક પ્રશ્ન પૂછયો : “આસુરી પ્રકૃતિમાં ન સપડાવાના મુખ્ય ઉપાયો કયા?”

શ્રીકૃષ્ણ બોલ્યા :

“અધપ્પાત કરનારા, નરકના દરવાજા જેવા ત્રણ મોટા વિકારો છે : કામ, ક્રોધ તથા લોભ. એ ત્રણ દરવાજાને જે ચૂકવી દે છે, તે પોતાનું શ્રેય કરી શકે છે; જે એમાં સપડાય છે, તેને અધપ્પાતમાંથી બચવું મુશ્કેલ થાય છે.

“આ માટે સલામત માર્ગ સચ્છાસ્ત્રોનો છે. શું કરવા જેવું છે અને શું નથી, તેના નિર્ણય માટે માણસે સાચાં શાસ્ત્રનું મનન કરવું જોઈએ. સત્પુરુશોએ પોતાના જીવનના અનુભવથી સત્કર્મો તથા અપકર્મોને, અને કર્મો કરવાની સાચી રીતોને નક્કી કરેલાં હોય છે; તેને અનુસરીને જ માણસે કર્માકર્મનો નિર્ણય કરવો જોઈએ.”

***