Geetamanthan - 5 in Gujarati Motivational Stories by Kishorelal Mashruwala books and stories PDF | ગીતામંથન - 5

Featured Books
Categories
Share

ગીતામંથન - 5

ગીતામંથન

સંક્ષિપ્ત

કિશોરલાલ ઘ. મશરૂવાળા

ધોરી રસ્તો

અધ્યાય પાંચમો-છઠ્ઠો

યાદવચંદ્રે કહેલો આત્મજ્ઞાનનો મહિમા અર્જુને ઉત્સાહપૂર્વક સાંભળ્યો. પણ વળી પાછો એ મૂંઝવણમાં પડી ગયો અને બોલ્યો : “વહાલા માધવ, તમે હમણાં કહ્યું કે આત્મજ્ઞાનથી પર કાંઈ નથી. માટે મારે એ જ પ્રાપ્ત કરવું જોઈએ. આ ઉપરથી જણાય છે કે સાંસારિક કર્મોની પ્રવૃત્તિના કરતાં, સંન્યાસ લઈ આત્મજ્ઞાનની સાધનામાં જીવન ગાળવું એ જ શ્રેયનો માર્ગ છે. તો પછી પુનહ્ કર્મયોગનું આચરણ કરવાનું તમે શી રીતે કહો છો, તે હું સમજી શકતો નથી. એક વાક્યમાં તમે સંન્યાસને અનુકૂળ વિચારો દર્શાવો છો, અને પછી બીજા જ વાક્યમાં કર્મયોગનો ઉપદેશ આપો છો! તો, લાંબી ચર્ચા જવા દઈ મને એક નિશ્ચિત વાક્યમાં જ કહી નાખોને કે સંન્યાસ વધારે સારો કે કર્મયોગ?”

અર્જુનનાં આવાં વચનો સાંભળી શ્રીકૃષ્ણ રાજી થયા અને પ્રેમથી તેનો વાંસો થાબડી બોલ્યા :

“અર્જુન! જો એક વાક્યથી જ તું સમજી જવાને તૈયાર હોત, તો તો આ બાણો છોડવાને ટાણે મારે શું કામ ચર્ચામાં ઊતરવું જ પડત? અલ્યા ભાઈ, તારે લડવું જોઈએ, નહિ લડે તો તું અધર્મમાં પડીશ, અજ્ઞાની ઠરીશ, મોહમાં પડેલો ગણાઈશ, એમ કહી કહીને તો મારું ગળું સુકાઈ ગયું; છતાં ક્યાં એ તારા ધ્યાનમાં ઊતરે છે? અને વળી, મને ઠપકો દે છે કે હું નિશ્ચિત અભિપ્રાય આપતો નથી! તું તો મારી પાસે તત્ત્વચર્ચા માગે છે! તત્ત્વચર્ચા માગે, એટલે મારે બેય પક્ષો તને સમજાવવા પડે, બેયની વિશેષતા સમજાવવી પડે. આમ હું એકના ગુણોનું વર્ણન કરું ત્યારે તું એમ સમજી લે છે કે બીજો માર્ગ ખોટો, અને બીજાનું ગુણવર્ણન કરું ત્યારે પહેલાને ખોટો માનવા માંડે છે !

“અર્જુન, સંન્યાસ તેમજ કર્મયોગ, બંને શ્રેયદાતા છે. બેમાંથી ગમે તેનું આચરણ બરાબર થાય, તો તે એક જ સ્થાને પહોંચાડે છે. પણ તેમાંથી સંન્યાસ કરતાં કર્મયોગને હું વિશેષ માનું છું. આનું કારણ એ છે કે કર્મયોગનો માર્ગ એ ધોરી રસ્તા જેવો છે. હજારો ને લાખો લોકોનો એ સ્વાભાવિક માર્ગ છે. વિવેકી અને શ્રેયાર્થી પુરુશ એ માર્ગે પણ તે જ સ્થાને પહોંચે છે જ્યાં સંન્યાસી પહોંચે. બન્નેની છેલ્લી પ્રાપ્તિ સરખી જ છે. પણ સંન્યાસમાર્ગ એ સહજ નથી, બધાને તે સિદ્ધ થતો નથી.

“ધોરી રસ્તે ચાલનારો માણસ રઝળતો રઝળતો જાય, ક્યાંક ઊભો રહી જાય, રસ્તાને છોડયા વિના આગળ જાય અને પાછો આવે, તોયે તે ભૂલો પડી જઈ શકતો નથી. એને પહોંચવામાં વિલંબ થાય, એટલું જ. પણ ધોરી રસ્તાને છોડી, જંગલોની કેડીએ ચાલવા ઇચ્છનાર જો પ્રમાદમાં પડી દિશાનું સંધાન ચૂકે, તો ગોથાં જ ખાયા કરે અને કદાચ નયે પહોંચે એમ બને : કારણ, એણે હજારોનો સાથ છોડયો છે. કર્મયોગનું સ્વાભાવિક ક્ષેત્ર છોડી જે સંન્યાસમાર્ગે જાય, તે જો પ્રમાદ કરે તો એ કર્મયોગથી પડેલો તો છે જ, અને સંન્યાસીની સિદ્ધિને તો પામે ત્યારે ખરો.

“કારણ, હું કહી ચૂક્યો છું કે કર્મોનો કે દ્રવ્યનો સ્થૂળ ત્યાગ એ કાંઈ સંન્યાસ નથી; પણ તે વિશેની આસક્તિ, તેને માટે રાગ અને દ્વેશ, તેનાં લાભહાનિથી થતા હર્ષશોક — તે સૌનો ત્યાગ એ સાચો સંન્યાસ છે.

“અર્જુન, કોઈ માણસ સંન્યાસીનું જીવન ગાળે છે કે કર્મમાર્ગીનું, તેની ભાંજગડમાં જ તું ન પડ. એ યોગીનું જીવન ગાળે છે કે નહિ, તે જ તું વિચાર. જો એ કાયાથી, મનથી, બુદ્ધિથી તેમજ ઇંદ્રિયોથી પણ આસક્તિરહિત થઈને આત્મશુદ્ધિ માટે કુશળતા- પૂર્વક, સમતાપૂર્વક અને વિવેકપૂર્વક પોતાનાં કર્તવ્યકર્મો કરતો હોય, તો તે યોગી છે. એવી રીતે કર્મનાં ફળ વિશે અનાસક્ત થઈ તે બરાબર કર્માચરણ કરે, તો અખંડ શાંતિને પામે.

“આ સમદૃષ્ટિ એ અત્યંત મહત્ત્વની વસ્તુ છે. જગતના અનેક દુશ્ટ વ્યવહારોના મૂળમાં વિશમ દૃષ્ટિ જ કારણરૂપ રહેલી છે. ધૃતરાષ્ટ્ર્રની વિશમદૃષ્ટિ એ તમારી આપત્તિઓનું મૂળ છે. બ્રાહ્મણો અને પુરુશોની વિશમદૃષ્ટિને લીધે શુદ્રો અને સ્ત્રીઓને ‘વેદ’ના અધિકારથી વંચિત રહેવું પડે છે.

“પાંડવ, હું તને પહેલાં કહી ગયો તેમાં કાંઈ વિશેષ ઉમેરો કરતો નથી. પણ એકની એક વાત એક રીતે કહેવાથી થોડીક સમજાય છે, બીજી રીતે કહેવાથી વળી થોડીક સમજાય છે. એમ પુનરુક્તિ કરવાથી એનો બોધ વિશેષ સ્પષ્ટ અને દૃઢ થતો જાય છે. માટે જ જુદી જુદી રીતે હું તને ફરી ફરીને કહેતો રહું છું.

“જે પુરુશે સમબુદ્ધિનો અભ્યાસ સંપૂર્ણ કર્યા છે, તેની ઢેફું અને સોનું, શત્રુ અને સગો, સાધુ અને પાપી, સર્વેને વિશે સમદૃષ્ટિ હોય છે. એટલે કે સોનું પ્રાપ્ત થવાથી એ પોતાને ભાગ્યશાળી માનતો નથી, અને ઢેફું જ મળવાથી દુર્ભાગી માનતો નથી; મિત્રોનું જ હિત કરવું અને શત્રુનું અહિત કરવું, એમ ઇચ્છા કરતો નથી. વળી, એ સાધુપુરુશનો સત્કાર કરે છે ત્યારે પાપીનો તિરસ્કાર કરતો નથી, પણ પાપીને માટે યે મનમાં અનુકંપા અને કરુણા રાખી તેનું ભલું કરવા પ્રયત્ન કરે છે.

“સામાન્ય જનને સોનાને માટે જે આસક્તિ અને ઢેફા માટે જે નિરાદર હોય છે, તેવું સિદ્ધને નથી હોતું. આથી સત્યરક્ષા માટે અથવા કોઈ પ્રાણીના હિતાર્થે, જાણે એ ઢેફાનો ત્યાગ કરતો હોય તેટલી સહજ રીતે સોનાનોયે ત્યાગ કરે છે; અને સર્વે પદારથોના નાશવંતપણાને જાણતો હોવાથી, જેમ ઢેફું ખોવાઈ જવાથી સામાન્ય પુરુશ ઉદ્વેગ્ કરતો નથી તેમ, મૂલ્યવાન રત્નોનો નાશ થતાંયે તે ઉદ્વેગ કરતો નથી.

“વળી, એના પોતાના મનમાં શત્રુ પ્રત્યેયે મિત્રભાવ રહે છે; એ શત્રુને મિત્ર બનાવવા ચાહે છે. પણ જ્યાં સુધી તે શત્રુપણું જ રાખી રહે ત્યાં સુધી, આવશ્યક થાય ત્યારે એનો વિરોધ કરવાનો માર્ગ પણ એને લેવો પડે છે.

“તે જ પ્રમાણે, સમદૃષ્ટિવાળાની સાધુ અને પાપીમાં સમબુદ્ધિ, તેનો અર્થ રખે તું એમ કરતો કે એ સદ્વર્તન અને દુર્વર્તન સરખી કોટિનાં જ સમજે છે, અને પુણ્ય તથા પાપ માટે એને સરખો જ ભાવ હોય છે. પાપ માટે એને ઘ્રુણા હોય છે, પણ પાપીનો એ તિરસ્કાર નથી કરતો. એ જાણે છે કે પાપી પોતાની પ્રકૃતિને વશ હોઈ, પરતંત્ર જેવો છે. આથી જે સિદ્ધ યોગી છે, તે પાપી પ્રત્યે અનુકંપા રાખે છે અને તેના ચિત્તને સુધારવા પ્રયત્ન કરે છે.”

***