ગીતામંથન
સંક્ષિપ્ત
કિશોરલાલ ઘ. મશરૂવાળા
શાંતિ જોઈતી હોય તો —
અધ્યાય ચોથો
વાસુદેવનાં આ વાક્યો સાંભળી અર્જુન પાછો વિચારમાં પડી ગયો. તેણે વધારે જાણવાની ઇચ્છાથી પૂછયું : “યદુનાથ, ચિત્તશુદ્ધિની ઇચ્છાથી, ભક્તિભાવથી, કૃતજ્ઞ-બુદ્ધિથી અને સાર્વજનિક હિત માટે કરેલું સત્કર્મ તે યજ્ઞકર્મ કહેવાય, એમ તમે મને સમજાવ્યું હતું. એવા યજ્ઞો કેટલી જાતના થઈ શકે તે મને સમજાવીને સંતુશ્ટ કરો.”
યદુવીરે જવાબ આપ્યો :
“સામાન્ય રીતે લોકો જેને યજ્ઞ કહે છે તેમાં યજમાન અગ્નિ પ્રગટાવી તેમાં પોતાની કાંઈક મૂલ્યવાન વસ્તુઓને હોમે છે. એ વસ્તુઓ બળીને નાશ પામે છે અને યજમાનને સ્થૂળ દૃષ્ટિએ તે વસ્તુનું નુકસાન થાય છે. પરંતુ પોતાની શ્રદ્ધા, ભક્તિ અને કૃતજ્ઞતાને લીધે યજમાન તેને માટે શોક કરતો નથી. પણ ઊલટો પોતે એટલું હોમી શક્યો અને ખરચ ખમી શક્યો તે માટે હર્ષિત થાય છે અને ઈશ્વરનો પાડ માને છે. આમાં જ એની ચિત્તશુદ્ધિ રહેલી છે.
“આ પ્રમાણે જ્યાં જ્યાં માણસ પોતાને કાંઈક પ્રિય અને કીમતી જણાતી સ્થૂળ વસ્તુનો, સુક્ષ્મ વિશયનો કે વાસનાનો ત્યાગ કરી પોતાને કઠણ લાગતું, પરિશ્રમ આપતું કાંઈક કર્મ સતત કરે ત્યાં યજ્ઞ થાય છે.
“માણસ ભોગ ઇચ્છે કે મોક્ષ ઇચ્છે, પહેલાં પોતાનું કાંઈક પ્રિય, કાંઈક મૂલ્યવાન, કાંઈક છોડવું કઠણ પડે એવું તેણે અર્પણ કરવાનું છે, ને પછી પામવાની આશા કરવાની છે. જે અર્પણ કરવાને, છોડવાને તૈયાર નથી, તે મેળવી શકતો જ નથી. ખેડૂત પહેલું ગાંઠનું બી જમીનમાં દાટે, તો જ પાક મેળવે — એ ખેતીનો નિયમ વિશ્વની સર્વ સિદ્ધિઓને લાગુ પડે છે.
“અર્જુન, મોક્ષની ઇચ્છાવાળો પુરુશ સૌથી પહેલાં દ્રવ્યયજ્ઞ કરે. એ પોતાનાં ધન-ધાન્ય-સંપત્તિ સર્વે ઈશ્વરપ્રીત્યર્થે કરી મૂકે. એટલે કે, એ સર્વેને પોતાનાં ન સમજી, પરમેશ્વરનાં સમજી, જગતનાં ભૂતોના હિતાર્થે તેનો વિનિયોગ કરે.
“સર્વ જડ ધન પરથી આસક્તિ છોડી બેઠેલો મુમુક્ષુ એટલેથી પોતાને કૃતાર્થ થયેલો ન માને. એ ઉપરાંત, તપરૂપી યજ્ઞ પણ એણે કરવો રહ્યો. ધનધાન્યનો મોહ છોડવો સહેલો નથી, પણ ઇંદ્રિયોને સંયમમાં રાખવી એથીયે વિશેષ કઠણ છે. માટે શ્રેયાર્થીએ દ્રવ્યયજ્ઞથી વિશેષ સૂક્ષ્મ અને શ્રેયસ્કર તપયજ્ઞ પણ કરવો જોઈએ.
“પણ દ્રવ્યને અને ઇંદ્રિયોના વિશયોને અર્પણ કરી બેઠેલો માણસ જડ થઈને બેસી રહે એવો સંભવ છે. યજ્ઞનું પ્રયોજન અને શ્રેયાર્થીનું લક્ષ્ય એના ધ્યાનમાં જ ન આવ્યું હોય એમ બને. આથી એણે તપયજ્ઞથી વધારે સૂક્ષ્મ અને શ્રેયસ્કર એવો સ્વાધ્યાય-યજ્ઞ કરવો જોઈએ. ઇંદ્રિયોને આત્મજ્ઞાનને સહાયરૂપ થનારા સદ્વિશયોમાં યોજવી જોઈએ.
“આ રીતે આત્મજ્ઞાન માટેની ભૂમિકા તૈયાર કર્યા બાદ તેણે જ્ઞાનયજ્ઞમાં પ્રવૃત્ત થવું જોઈએ. આત્માને ઓળખવો, એ સિવાય બીજી સર્વે વાસનાઓનો ત્યાગ કરી, ભક્તિથી અને જ્ઞાનથી ચિત્તને શુદ્ધ કરવું, એ જ્ઞાનયજ્ઞનાં અંગો છે. આ જ્ઞાનયજ્ઞ એ સર્વે યજ્ઞોને શિખરે છે.
“પણ અર્જુન, શ્રદ્ધાવાન પુરુશ જ જ્ઞાન પામી શકે. શ્રદ્ધાવાન એટલે બુદ્ધિ વિનાનો, અજ્ઞાન, જે તે વસ્તુને માની લેનારો, એમ નહિ. શરદ્ધાવાન એટલે સત્યમાં શ્રદ્ધાવાળો. સત્યથી કશું શ્રેષ્ઠ નથી એમ જે સમજે છે, અને તેથી તેને માટે બાકી બધું જતું કરવાની હિંમતવાળો છે, તે શ્રદ્ધાવાન કહેવાય.
“વળી, જેમ તેને અંતિમ સત્યમાં શ્રદ્ધા હોવી જોઈએ, તેમ એનાં સાધનરૂપ સાત્ત્વિક ગુણોમાં અને કાર્યોમાંયે એને શ્રદ્ધા હોવી જોઈએ. સદ્વાણી, સત્કર્મ, સદ્ગુણ અને સદ્વિચારનંુ નિરંતર અનુશીલન કરવાવાળો, તે માટે આદર રાખવાવાળો, અને તેને જ સંપત્તિ સમજી તે પ્રાપ્ત કરવા મથનારો તે હોવો જોઈએ.
“વળી, હે પ્રિય, શ્રદ્ધાવાનનું વિશેષ લક્ષણ કહું તે સાંભળ. શરદ્ધાવાન પુરુશ નિરભિમાની હોય. પશુ, પંખી અને જડ ભૂતોમાંથીયે એ ઉપદેશને શોધે; નાના બાળક પાસેથીયે શીખવા જેવું શીખી લેતાં એ શરમાય નહિ. કોઈ પણ વિશયને લગતો સાચો વિચાર કે રીત બતાવનાર બ્રાહ્મણ હોય કે ક્ષુદ્ર, પુરુશ હોય કે સ્ત્રી, સ્વામી હોય કે ગુલામ, એ નિરભિમાની થઈ તેની પાસેથી શીખે, અને જેની પાસેથી રજ જેટલુંયે શીખ્યો હોય તેના પ્રત્યે હંમેશાં કૃતજ્ઞ રહે.
“અર્જુન, આવો પુરુશ આત્મજ્ઞાનરૂપી પરમસત્ય મેળવે છે. પરમશાંતિ એ આત્મજ્ઞાનનું ફળ છે. શાંતિ એટલે સમતા. શાંતિ એટલે આનંદની ભરતી નહિ કે વિશાદની ઓટ નહિ. શાંતિ એટલે પ્રેમનું વેવલાપણું નહિ અને લાગણીશૂન્યતાનું શુશ્કપણું નહિ. શાંતિ એટલે સારા કે નરસા ભાવોનો આવેશ કે ઉન્માદ નહિ. શાંતિ એટલે મૂંઝવણમાંથી માર્ગ મળે તો હર્ષ અને ન મળે ત્યાં સુધી ગભરાટ, એમ નહિ. પણ શાંતિ એટલે સર્વ પરિસ્થિતિમાં ધીરજથી વિચાર કરવાની શક્તિ, અનિવાર્ય દુ:ખોને વગર ફરિયાદે સહન કરી લેવાની શક્તિ, સુખથી ઘેલા ન થઈ જવાની શક્તિ.
“તારે શાંતિ અને સમાધાન જોઈતાં હોય, તો મારા ઉપદેશેલા કર્મયોગનું આચરણ કર.”
***