ગીતામંથન
સંક્ષિપ્ત
કિશોરલાલ ઘ. મશરૂવાળા
અર્જુનનો ખેદ
અધ્યાય પહેલો
‘ગીતા’નો આરંભ કેવી રીતે છે?
યુદ્ધ કરવું કે ન કરવું, એ યોગ્ય કે અયોગ્ય, એ પ્રશ્નો હવે રહ્યા નથી. યુદ્ધનો નિશ્ચય થઈ ચૂક્યો છે. બંને પક્ષનાં સૈન્યો સજ્જ થઈને ગોઠવાઈ ગયાં છે, અને સેનાપતિ તરફથી લડવાનો હુકમ નીકળે એટલી જ વાર છે.
પછી તો બંને પક્ષમાં રણનાં વાજિંત્રો વાગ્યાં. પૃથ્વી અને આકાશને ધણધણાવી નાખે એવો ભયંકર અવાજ થયો. દરેક વીરે પોતપોતાનો શંખ વગાડી પોતાની સેનાને પાનો ચડાવ્યો. અર્જુનના શંખનાદે પ્રતિસ્પર્ધીઓનાં હૃદયોમાં થથરાટી ઉપજાવી.
શંખ વગાડયા બાદ અર્જુનને થયું : “ચાલોને, મારે કેવા માણસો સામે લડવાનું છે તે જરા જોઉં તો ખરો; દુર્યાેધનને વિજય અપાવવા માટે આવેલા વીરોનાં મોઢાં તો જોઈ લઉં!” આ વિચારથી, એણે પોતાના સારથિ થયેલા શ્રીકૃષ્ણને પોતાના રથને બંને સૈન્યની વચ્ચે ઊભો કરવા વિનંતી કરી.
ત્યાંથી અર્જુને બંને બાજુનાં સૈન્યોને સારી પેઠે નિહાળ્યાં, અને જેમ જેમ નિહાળતો ગયો તેમ તેમ આ યુદ્ધની ભયંકરતા એને પ્રત્યક્ષ થતી ગઈ. એણે જોયું કે આ કાંઈ સામાન્ય યુદ્ધ નથી, કૌટુંબિક યુદ્ધ છે. બેઉ પક્ષમાં જ્યાં જોઈએ ત્યાં સગાંઓ સિવાય કોઈ નથી. આ યુદ્ધ એટલે વડીલો, આચાર્યાે, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો અને સ્નેહીઓનો કચ્ચરઘાણ! આ દૃશ્ય જોઈને એની લાગણીઓ હાલી ઊઠી. લડાઈની વાતમાંથી એનું મન પાછું હઠી ગયું.
ખેદથી દીન બનેલો અર્જુન શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો : “હે કૃષ્ણ! મને કંઈક થઈ જાય છે, મારાથી ઊભા રહેવાતું નથી; મને ફેર આવતા હોય એવું લાગે છે.”
આમ કહીને એ બેસી ગયો અને રડવા જેવો થઈ ગયો. શ્રીકૃષ્ણ આનું કારણ જાણી તો ગયા, પણ અર્જુનને ઉત્સાહ આપવા માટે બોલ્યા : “ભાઈ, એકાએક આ શું કહેવાય? અરે, જે વખતે તારે તારી બધીય શક્તિઓ અને શૌર્ય બતાવવાનો સમય આવી પહોંચ્યો, ત્યારે આમ ઢીલો કેમ થઈ ગયો? શત્રુને જોઈને તું ગભરાઈ જાય, એમ કેમ બને? વિજય, રાજ્ય, સુખ, એ બધાં તને વરવાને ટાંપીને ઊભાં છે, તે જો! એક ઘડીવારમાં તું આ યુદ્ધનો અંત લાવવાનો છે અને શત્રુઓને મારી નિશ્કંટક રાજ્ય કરવાનો છે એમ ખાતરી રાખ.”
આના ઉત્તરમાં અર્જુન બોલ્યો : “વિજય? મને તો વિજયનાં કશાં લક્ષણ નથી જણાતાં, પણ પરાજયનાં સર્વ ચિહ્નો જણાય છે. હા, કેવળ વિરુદ્ધ પક્ષનો નાશ થાય એટલાને જ તમે વિજય કહેતા હો, તો તમારી સહાય મેળવવા ભાગ્યશાળી બનેલો હોવાથી, એમાં મને શંકા નથી લાગતી. પણ એ વિજય પરાજય કરતાં ભૂંડો નહિ હોય? આ વિરુદ્ધ પક્ષ એટલે શું? એને વિરુદ્ધ પક્ષનો નાશ કહેવો કે સ્વજનોનો? શું મારા કૃપાળુ ગુરુ દ્રોણને કે મારા પૂજ્ય દાદા ભીષ્મને મારીને મારે વિજય માનવો? આ સામે ઊભેલા એ તે કોણ છે? એમાંના કોને મારીને મારે આનંદ માનવો? અરે, આ ભીષ્મ કે દ્રોણ મારા પર તલવારનો ઘા કરવા આવે, તો ફૂલની માળાની માફક હું ગરદન પર ઝીલી લઉં. તેમના સંતોશાર્થે હું ત્રિલોકના રાજ્યનેયે જતું કરું, તો એક અર્ધા કુરુદેશને માટે હું આટલાં સગાંઓનો નાશ કરું અને કરાવું?”
અર્જુનની વાત સાંભળી શ્રીકૃષ્ણ કહેવા લાગ્યા : “ત્યારે હવે કૌરવોના અન્યાયનું શું? એમણે કરેલા વિશ્વાસઘાતનું અને અપમાનોનું શું?”
અર્જુન બોલ્યો : “સાચું, કૌરવો લોભવશ થવાથી એમની મતિ બગડેલી છે. એમને સારાસાર સૂઝતો નથી. રાજ્ય અને સુખ એમને સર્વસ્વ લાગે છે. આથી આવો ભયંકર કુલનાશ એમને ખટકતો નથી. પણ કૌરવો અધર્મ કરે, માટે અમારેયે શું અધર્મ કરવો? જ્ઞાની પુરુશોએ કુલક્ષય કરવાનું પાપ કેવું ભયંકર બતાવ્યું છે! અરે, આ તો કુલનાશ એટલે માત્ર કુરુવંશનો જ નાશ નહિ, પણ આખી ક્ષત્રિયજાતિનો અને તેમની મારફતે આખા આર્યાવર્તનો નાશ થવા બેઠો છે. જો આ ખૂનખાર લડાઈ આપણે ચાલવા દઈશું, તો આપણે સનાતન ધર્મ, કુલધર્મ, જાતિધર્મ સર્વનો ઉચ્છેદ કરવાના છીએ. એમાંથી પ્રજાઓનો જે અધપ્પાત થશે, તેમાંથી તે હજારો વર્ષે પણ માથું ઊંચું કરી શકવાની નથી.
“આહાહા! આ ઠીક થયું કે મારી આંખો મોડી મોડી પણ આજે ખૂલી. અરેરે, બે દિવસના રાજ્યવૈભવ માટે કેવો ભયંકર અધર્મ કરવા આપણે તૈયાર થયા છીએ! ધિક્કાર છે આ રાજ્યલોભને અને ધિક્કાર છે આવા મિથ્યા શૌર્યને! મારું ક્ષત્રિયપણાનું અભિમાન આજે સાવ ગળી ગયું છે. હું કહી દઉં છું કે મને મારો ધર્મ દીવા જેવો સૂઝી ગયો છે. હું હવે લડવાનો નથી. આ હું નિશ્શસ્ત્ર થઈને બેસું છું — ભલે કૌરવો આવીને મારો વધ કરે.”
આમ કહી અર્જુન ઉદ્વેગભર્યે ચિત્તે ધનુશ્ય-બાણ છોડીને રથની બેઠક પર બેસી ગયો.
***