Vevishal - 31 in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | વેવિશાળ - 31

Featured Books
Categories
Share

વેવિશાળ - 31

વેવિશાળ

ઝવેરચંદ મેઘાણી

૩૧. દિયર અને ભોજાઈ

“હો હમાલ!” શોફરે તે રાત્રીએ સેન્ટ્રલ સ્ટેશને ગાડી ઊભી રાખી બૂમ મારી.

“હમાલની જરૂર નથી.” નાના શેઠે પોતાની બૅગ ખોલતાં ખોલતાં શોફરને અટકાવ્યો. શોફરને કશી સમજ પડી નહીં.

ત્યાં તો બૅગ પાછી બંધ કરીને નાના શેઠ મોટરમાંથી બહાર નીકળ્યા. શોફરે એમના હાથમાં ટુવાલમાં લપેટેલાં ફક્ત બે જ ફાલતુ કપડાં દીઠાં. એ કાંઈ પ્રશ્ન કરે તે પહેલાં જ નાના શેઠે સૂચના આપી: “આ મારી બૅગ ને બિસ્તર પાછાં લઈ જા. પૂછે તો કહેજે કે જલદી પાછા આવવાનું છે એટલે વધુ સામાનની જરૂર નહોતી; ધોતિયું-ટુવાલ બસ છે.”

“પણ રસ્તામાં બિછાનું…” શોફરને આ બાપડાની દયા આવી, કેમ કે નાના શેઠનું શરીર એક સ્ત્રીના જેવું ગૌર અને સુકુમાર હતું. ગૌરતા ને સુકુમારતા એ બેઉ, દયા-અનુકમ્પાના વીજળી-દીવા પેટાવવાની ચાંપ તુલ્ય છે.

“અરે ગાંડા, કેટલાંય વરસ બિસ્તર વગર આ પાટિયાં ઉપર ગુલાબી નીંદર ખેંચેલ છે. જા, તું તારે લઈ જા!”

એવી થોડી વેવલાઈ દાખવીને નાના શેઠે મુસાફરી શરૂ કરી. ગરમીના દિવસો હતા, એટલે શીતળ રાત મીઠી લાગતી હતી. પણ પોતે સૂતો જ નહીં. વસઈ, પાલઘર, સુરત ને ભરૂચ સુધી એણે દરેક સ્ટેશને ઊતરી ઊતરીને ચા પીધા કરી. સેન્ટ્રલથી એની આંખોએ આખી લાઈન પર ચકળવકળ ચકળવકળ જોયા કર્યું. એકસામટી ભૂખ ભાંગી લેનાર અકરાંતિયા રાંકા જેવી એની વિહ્વળતા હતી. એકલા બેઠા બેઠા એક ખૂણેથી બેસૂર ને ઘોઘરા રાગે એ જે ગીત બોલતો હતો તે પ્રેમનું હતું, હાસ્યરસનું હતું, કે વીરરસનું હતું, એ નક્કી થઈ શકે તેમ નહોતું. એ ગીત તો ‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી’ એ કરુણરસનું ગીત હતું, એવી સાચી વાત જો એ ડબાના શ્રોતાઓને કોઈએ કહી હોત તો તેઓએ કદાપિ માની જ ન હોત. કરુણરસ એના કંઠમાં કદી પેસી જ ન શકે. ગાતાં ગાતાં ચાલી રહેલી એના હાથપગની ચેષ્ટામાં કોઈને વીરરસનો વહેમ જાય કદાચ, એના મોં પરના મરોડો બેશક હાસ્યરસની જ આશંકા જન્માવે, બાકી કરુણનો તો કદી પત્તો જ ન લાગે. છતાં એ હતું તો કરુણનું જ ગાન.

વળતી સવારે તેજપુર ઊતરીને એણે ગામમાં પોતાની પેઢી પર ન જતાં બારોબાર થોરવાડનું વાહન શોધ્યું. આજ સુધીના આવા પ્રવાસોમાં પોતે મોટર-ટૅક્સી વગર ને ટૅકસી ન મળે ત્યારે ઘોડાગાડી વગર ઘા ન કરતો; પણ તે દિવસ એનો જીવ કોણ જાણે શાથી પણ ચોરાયો. એણે એક બળદવાળો એકો જ બાંધીને થોરવાડનો કેડો લીધો.

આવા એકામાં કરેલી અનેક ખેપો એને યાદ આવી. થોરવાડમાં ગામને એક છેડે બાપુકી વેળાનું એક હાટડું માંડીને બેઉ ભાઈ ખજૂરનું એક વાડિયું રાખતા, ગ્યાસલેટનો એક એક ડબો રાખીને તેમાંથી પાઈ-પૈસાનું પાવલું-પળી તેલ વેચતા, અસૂરી રાતે ગામ બહારથી આવતો ચોરાઉ કપાસ તોળી લેતા, ખેડુનાં છોકરાંને ખજૂર અને ખોખાંની લાલચમાં નાખી ઘરમાંથી કપાસ, દાણા વગેરે ચીજો ચોરી લાવતાં શીખવતા. એ દશેક વર્ષ પૂર્વેના દિવસો કેમ જાણે આખે રસ્તે એને સામા મળી મળીને ‘ભાઈ, રામ-રામ’ કરતા હોય એવી સ્મૃતિ જાગી ઊઠી. ખજૂરનું વાડિયું ને ગ્યાસલેટનો ડબો તેજપુરથી ઉધાર લાવતા, માલ પૂરતું જ એકાભાડું ઠરાવીને પોતે બાજુએ ચાલ્યો આવતો, વૈશાખનો ધોમ ધખતો હોય ત્યારે એકાની ને બળદની પડતી આવતી છાંયડીમાં પોતે ચાલતો, પણ એક-બે આના એકાભાડાના વધુ નહોતો ખરચતો, એ વેળા યાદ આવી.

ને એ એકાની ચલનશીલ છાંયડીમાં ફરી ચાલવાનું અત્યારે મન થતાં પોતે નીચે ઊતરી પડ્યો. એકાવાળા ઘાંચીની સાથે વાતો કરતાં કરતાં એણે સમાચાર મેળવ્યા કે પોતાના જૂના ઓળખીતા એકાવાળા વલી ઘાંચી, કુરજી ઠક્કર લુવાણો, ગફૂર ઠક્કર ખોજો, મનકો કોળી વગેરે બધાય મરી ખૂટયા છે.

“બીજું તો ઠીક, પણ કુરજી ને ગફૂર માળા ડોળી તલાવડીએ રોટલા કાઢીને લીલી ડુંગળી કરડાવતા કરડાવતા ખાતા ને, તયેં મને મોંમાં શુંનું શું થઈ જાતું—પણ મારાં ભાભીની શરમ બહુ આવતી. ઘેર જાઉં ને ડુંગળી ગંધાય તો ભાભી બોલે નહીં, પણ માયલી કોરથી એનું કાળજું કપાય, હો! ભાઈના સોગંદ!”

એકાવાળો જુવાન હતો એટલે એને આ અસલી જમાનાની વાતોમાં કે ડુંગળી ખાતાં ભોજાઈની શરમ પાળનાર આ લડધા માણસમાં કશો રસ નહોતો.

“ઓત્તારીની! હીરાપાટ તો ભરી છે ને શું?” એમ કહેતે નાના શેઠે પોતાના ગામની સીમમાં વહેતી નદીનો તાજાં વર્ષાજળે છલકતો અને આછરી ચૂકેલો મોટો ધરો જોયો. જોતાં જ એને કોઈ વળગાડ થયો હોવાની શંકા આવે તેવી હર્ષઘેલછા એણે બતાવવા માંડી.

એકાવાળાને એણે ભાડું ચુકાવી ત્યાંથી જ પાછો રવાના કર્યો. પોતે પોતાની જૂની બહેનપણી હીરાપાટ પર નાહવા ઊતર્યો. નાનપણમાં અંદર પડીને નાહનાર એ બાપડાને વહેમ આવ્યો કે પોતે કદાચ તે દિવસની તરવાની કળા વીસરી ગયો હશે તો! એટલે કાંઠે બેસીને નાહી એણે ધોતિયા, ટુવાલ ને કુડતા સાથે ગામ ભણી ચાલવા માંડ્યું.

મનમાં મનમાં બબડતો હતો કે “કોક દેખે તોય એમ સમજે કે ગામમાં તો કેદુનો આવ્યો હઈશ? ને ભાભી અને સુશીલાના મનમાં પણ હું અણધાર્યો આવી પડ્યો છું એવો ધ્રાસકો નહીં પડે—ખડકીમાં પેસીને દોરીએ ધોતિયું-ટુવાલ સૂકવતો સૂકવતો જ હું સાદ પાડીશ કે ‘કાં ભાભી, હવે રોટલાને કેટલી વાર છે?’ ને સુશીલાને તો જૂના વખતમાં ‘એલી! સંતોકડી, એય ઢેફલી!’ એમ કરીને બોલાવતો તે મુજબ જ આજે જઈને હાક મારીશ: ‘એલી સંતોકડી! એ રાં… ઢેફલી!”

ના, રાં… શબ્દને કાઢી નાખવો જોશે, એમ બબડતો પોતે ‘કાં સંતોકડી! એલી એય ઢેફલી!’વાળા ભૂતકાળના પ્રયોગને ગોખતો ગોખતો મહાવરો પાડતો ગયો. અને પોતાના હૈયાને હાકલી રાખતો ગયો કે “બસ, હસતું જ મોઢું રાખવાનું છે. બસ, પછી નિરાંતે જ વાત કરવી છે. બસ, ખબરદાર, હસતાં હસતાં જ બોલવાનું છે; પણ એક જ બાબત નડે છે. બીક જ એક છે, કે સુશીલા જો કદાચ જોતાંની વાર જ ‘મારી બાને કેમ છે?’ એમ પ્રશ્ન કરશે તો… તો” એટલું બબડતાં બબડતાં એના ચાલુ ચિંતનમાં મોટો ચીરો પડ્યો. જાણે કોઈ કબાટનો આખો અરીસો ચિરાયો.

ઘેર પહોંચીને એણે ઓચિંતાનું જ્યારે ભાન અનુભવ્યું, કે પોતે કલ્પેલા પોતાની ગરીબી-અવસ્થાવાળા માટીના ઘરને બદલે પાકું ચૂનાબંધ મકાન ઊભું છે, ત્યારે જ એણે મનમાં કરેલી ગોઠવણ, વેકૂરીના માંડ વાળેલા લાડુની માફક, હાથમાં ને હાથમાં ભરભર ભૂકો થઈ ગઈ. જે મકાનમાં પોતાને શરણ મેળવવું હતું તે પણ મોટાભાઈની જ કમાણીનું ચણેલું નીકળી પડ્યું. ‘તારા પુરુષાર્થનો અહીં એક પથ્થર પણ નથી મંડાયો,’ એવી જાણે કે એ આખો ઈમલો ચીસ પાડતો હતો. જૂનું ધૂળિયું ઘર હોત તો તેનો અરધ ભાગ પોતાના હકનો કહેવાત. પૈસા પૈસાનું ગ્યાસલેટ અને ચોરેલા દાણાનાં ખજૂર-ખોખાં વેચવામાં વધુ પાવરધો નાનો ભાઈ જૂના ખોરડાનો વધુ હકદાર બની શક્યો હોત. પણ મુંબઈની નવી શ્રીમંતાઈમાં એના પુરુષાર્થનો હિસ્સો ઓછો હતો અને મોટાભાઈએ ગઈ કાલે કહી દીધું હતું કે ‘…ઊભો રહેવા નહીં દઉં.’ પત્નીએ કહ્યું હતું કે ‘મોટાભાઈનાં જૂતાં ઉપાડવા જેટલીય બોણી તો નથી!’

બાજુની એક કુટુંબી વિધવાના ખોરડાને દબાવીને ખડું થયેલું આ પાકું મકાન મોટાભાઈનું જ છે, ધક્કો મારીને એમાંથી મોટાભાઈ બહાર કાઢી મૂકી શકે તેમ છે, ધારે તો મોટાભાઈ ગૃહપ્રવેશનો આરોપ પણ મુકાવી શકે છે, વગેરે વિચારો સાથે પોતે અંદર પેઠો. ભાભીને જોયાં ને એનું ગોઠવી રાખેલું રહસ્ય ભડકો થઈ ગયું; સુશીલાને દીઠી અને ‘સંતોકડી ઢેફલી’ શબ્દોનો એના અંતરાકાશમાં ક્યાંય પત્તો ન મળ્યો. સુશીલા બે નાનાં બાળકોને નવરાવતી હતી. પિતાની સામે ફક્ત એક મીઠું કરુણાળુ સ્મિત કરી, કપડાં સંકોરીને બેઠી બેઠી એ તો ‘પોટી’ને નવરાવવાની ક્રિયા કરતી જ રહી. ભાભીએ કામવાળી બાઈને કહ્યું: “જાવ, બહારથી એમનો સામાન લઈ આવો.”

“આવે છે, સામાન હજુ પાછળ દૂર છે,” એટલું જ કહી એ અંદર ગયો. બેઠકના ઓરડામાં ભાભી પાણીનો લોટોપ્યાલો લઈને હાજર થયાં.

“કેમ ભાઈ, ઓચિંતાના? શા ખબર છે?”

પોતાને ભાઈ કહેનાર—માત્ર કહેનાર જ નહીં પણ ભાઈતુલ્ય જતન કરીને સદા પૂર્ણ શીલથી પાળનાર—આ ભાભીને ભાળવાની સાથે જ પત્ની સાંભરી. પત્નીના અપમાનકારક કુશબ્દો યાદ આવ્યા, ને પોતાને પોતાનું નમાલાપણું કદી નહોતું દેખાયું તેવું અત્યારે પૂર્ણ સ્વરૂપે પ્રત્યક્ષ થયું. આવી ભાભીને અપમાનિત કરનાર સ્ત્રીની જીભ મેં ત્યાં ને ત્યાં ખેંચી કેમ ન કાઢી!

પાણી પીને એણે જવાબ દીધો: “તમને તેડવા મોકલેલ છે.”

“કોણે?”

“મારા ભાઈએ.”

“કેમ એકાએક?”

“રૂપાવટી જઈ વેવાણનું મરણ સુધાર્યું તે માટે.”

ભાભી નિરુત્તર રહ્યાં.

“વળતી જ ટ્રેનમાં લઈને આવવા કહ્યું છે.”

“હં-હં.”

“નીકર કહ્યું છે કે, કોઈને ઘરમાં પગ મૂકવા નહીં દઉં.”

“હં-હં. જોઈએ.”

સાંજ પડી; ભાભીએ પૂછ્યું: “કહેતા’તાને કે સામાન પાછળ આવે છે?”

“સામાન તો પાછો મોકલી દીધેલો તે હું વીસરી ગયો હતો.”

“પાછો ક્યાં?”

“સેન્ટ્રલ સ્ટેશનથી જ પાછો મોટરમાં ઘેર.”

“કેમ?”

“મારો એના માથે હક નહોતો. મને બીક લાગી કે મારા ભાઈ કોક દી એ પણ આંચકી લેશે.”

રાત પડી. નિરાંતે કેટલીક વાતો થઈ. દિયરે કહ્યું: “ભાભી, અંદરથી આતમો જ ના પાડે છે. જે ઘર મારું નથી, મુંબઈની જે સાહેબીમાં મારો જરીકે લાગભાગ પહોંચતો નથી, તેમાં મોટાભાઈના આત્માને ઉદ્વેગ કરાવતા પડ્યા રહેવા અંદરથી મન ના પાડે છે.”

“આપણે બધાં જ કેમ ગાંડાં બનવા લાગ્યાં છીએ!” ભાભીએ જરીક હસીને ઉદ્ગાર કાઢ્યો: “તમે આવા આળા મનના થઈ બેઠા, ત્યારે એ બચાડા જીવનું કોણ?…”

પોતાના જેવી પત્નીથી તજાયેલો ધણી નાનેરા ભાઈને પણ હારી બેઠો છે, એવી પ્રતીતિ થયા પછી પતિની નિરાધારીનું કલ્પનાચિત્ર એના અંતરમાં આલેખાયું ને ‘બચાડા જીવ’ જેવો જૂની આદતવાળો બોલ મોંમાંથી નીકળી ગયો.

દિયરે ભાભીને એકલાં બોલાવીને વાત કહી: “સુખલાલ મળ્યા હતા: મને તો પોતાપણું લાગ્યું હતું. હું અપુત્ર છું: પડખે એવો જમાઈ હોય તો મને સાચવે. મારા જેવા નપાવટને તો, ભાભી, સુધરેલો-ભણેલો બીજો કોઈ નહીં સાચવે.”

“વાત તો મોટી કરો છો, પણ દીકરીનું કન્યાદાન દેતા હશો તે ઘડીએ તમારા ભાઈની ત્રાડ સાંભળશો તો ઊભા નહીં થઈ જાઓ કે?”

“તમે પડખે રહેશો ને, ભાભી, તો હું નહીં ઊઠું; ખીલાની જેમ ખૂતી જઈશ. હું શ્વાસ જ ચડાવી દઈને નિર્જીવ બની બેઠો રહીશ. તમે મારી બાજુએ રહેશો ને, ભાભી, તો હું માણસ મટી ગયેલો પાછો માણસ બનીશ.”

“હું તો તમારી જ વાટ જોતી’તી, ભાઈ.”

***