વેવિશાળ
ઝવેરચંદ મેઘાણી
૨૬. અનુકંપાની પહેલી સરવાણી
મુંબઈની એક નાની પોસ્ટ-ઓફિસમાં રજિસ્ટર લેવાતાં હતાં. તે બારીએ હાથમાં એક પરબીડિયું લઈને ઊભેલા સુખલાલની પીઠ જ ફક્ત અંદર જનારને દેખાતી હતી. એ પીઠ તો હવે જોવા જેવી પણ થઈ હતી ખરી ને! એ પીઠ ધીરે ધીરે બાજઠનો ઘાટ ધારણ કરતી હતી. પીઠ પરના ડગલામાંથી કરચલીઓ રોજેરોજ રજા લેતી હતી.
એ ઝાઝી વાર ઊભો રહ્યો. છતાં ટપાલનો કલાર્ક પોતાના ચોપડામાંથી માથું ઊંચું કરતો નહોતો.
બારીના લાકડા પર પરબીડિયાના ટપાકા કરીને સુખલાલને કલાર્કનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો. જવાબમાં કલાર્કે માથું ઊંચકીને ભવાં ચડાવીને સુખલાલને પોતાની સભાનતાનો પરિચય આપ્યો: “ઉતાવળ હોય તો એક આંટો મારીને પછી આવોને, મિસ્તર!”
“આંટો મારવો પરવડે તેમ નથી માટે તો ઉતાવળ કરું છું,” સુખલાલે કહ્યું.
“તો કાલે આવજો.”
“કાંઈ કારણ પણ?”
“તમારા કામ સિવાય બીજાં પણ કામ હોય છે અમારે.”
દિવાળી ટાણાના વાસણ-વેચાણના તડામાર કામમાંથી મહામહેનતે સમય કાઢીને બાપ પર રૂ. 50નું રજિસ્ટર કરવા આવેલો સુખલાલ આવા અનુભવથી ઝંખવાઈ પડ્યો. ઘર છોડીને છ મહિનાથી આવેલો છતાં એક રૂપિયો પણ ઘેર નહીં મોકલી શકેલો, તે લજ્જાનું સાટું વાળવાની તેના હૃદયની તાલાવેલીની ટપાલના કારકુનને ખબર નહોતી, ખબર પડવાની સંભાવના પણ ક્યાં હતી?
રૂપાવટીમાં ઘેર માંદી માને ખાટલે ઝટ રૂપિયા પચાસ પહોંચે તેટલી જ તેના મનની અબળખા હતી. માની આંખો મીંચાય તે પૂર્વે માને એટલી જ ખાતરી કરાવવી હતી કે, મા હું રળી શકું છું, રળતો થઈ ગયો છું, ને હવે હું બૂઢા બાપની ને નાનાં ભાંડુઓની રોટલી પૃથ્વીને પાટુ મારીને પણ પેદા કરી લઈશ. જીવનના બાવીસ વર્ષો સુધી બાપની જ કમાઈનાં અન્નવસ્ત્ર વાપરી વાપરીને યૌવનમાં પહોંચેલો પુત્ર કમાઈ ન કરી શકે ત્યાં સુધી તેનો જીવ થાળે પડતો નથી. પોતાની કમાઈનું એ સૌ પહેલી વારનું પરબીડિયું આજે જાણે એના જીવતા પુરુષાતનની ભુજા ઝાટકતું માંદી માના બિછાના પાસે પહોંચવા તલસતું હતું. ઊભો ઊભો સુખલાલ કલ્પના કરતો હતો કે ચાર જ દિવસ પછીના એક બપોરે રૂપાવટી ગામમાં તેજપુરનો પોસ્ટમૅન જબ્બર એક ચમત્કાર કરશે, ને ગામ વાહ વાહ બોલશે.
આવી તીવ્ર ઉત્કંઠાએ ઊંચા કરેલા એ યુવાનના મસ્તક પર પોતે કેવો લાફો લગાવી રહેલ છે, તેની ટપાલના કલાર્કને ખબર નહોતી. એનો પદાઘાત પામેલ સુખલાલ બોલ્યા વગર ન રહી શક્યો કે, “માસ્તરસાહેબ, જરાક માણસાઈ રાખતા જાઓ, માણસાઈ!”
“ચૂપ,” ક્લાર્કે ચોપડો બંધ કરીને ઊભા થઈ ડોળા કાઢ્યા. એટલે સુખલાલે ખુશાલભાઈ સમા પારસમણિને પ્રતાપે શીખેલો ઈલમ અજમાવ્યો: એણે મોટેથી બરાડા પાડવા માંડ્યા કે “આંહીં કોઈ મોટા માસ્તર સાહેબ છે કે નહીં? શા સબબસર મારું આ રજિસ્ટર નથી લેતા? માણસને કામધંધો હોય કે નહીં? મુંબઈમાં કાંઈ જખ મારવા કે મજા કરવા કોઈ થોડા જ આવે છે! ગામડાંના માણસ જાણીને, બસ, દબાવવા જ હાલી નીકળ્યા છો…”
એ બરાડાઓએ ટોળાને એકઠું કર્યું. મોટા માસ્તર આવી પહોંચ્યા. એણે સુખલાલને શાંત પાડીને કલાર્કને તાકીદ કરી. ક્લાર્ક બબડાટ કરતો કરતો જરૂરી વિધિ પતાવતો હતો, તે વખતે સુખલાલની પાછળ એક ગૃહસ્થ ચુપકીદી પકડીને ઊભા હતા. ઊભા ઊભા એ સુખલાલના હાથનું રજિસ્ટર પરબીડિયું જોતા હતા. એની આંખો ખાસ કરીને લાલ અંડર લાઈન કરેલા અક્ષરો પર ચોંટી હતી: ‘રૂ. 50નો વીમો ઉતરાવેલ છે.’ એ શબ્દો રૂપાવટી ગામડાના એક પરિચિત વણિક-નામના સરનામા સાથે મુકાયા હોવાથી આ પાછળ ઊભેલા ગૃહસ્થના મન પર મીઠી અસર કરનારા નીવડ્યા. મોકલનાર ધણીનું નામ પણ સ્વચ્છ અક્ષરે વંચાયું, એટલે એ ગૃહસ્થે ત્યાં ઊભવાની વધુ સબૂરી પકડી.
સ્ટવને બુઝાવી નાખ્યા પછી પણ થોડા વખત તપેલીનું પાણી ખદખદ બોલતું રહે છે, એ જ ન્યાય માણસના મગજને—ખાસ કરીને પોસ્ટ ઓફિસના કારકુનોના મગજને—અક્ષરશ: લાગુ પડે છે. એટલે ક્લાર્ક ધૂંધવાતો ધૂંધવાતો “લાવો આઠ આના”… “લ્યો ભાઈ, આ સ્ટૅમ્પ”… “લગાવો કવર ઉપર” વગેરે બાફેલાં રીંગણાં જેવા બોલ કાઢતો હતો, ત્યારે એ પ્રત્યેકના જવાબમાં સુખલાલ દાઢી દાઢીને “હા જી”… “લ્યો આપું”… “ખુશીથી સાહેબ”… “હું ક્યાં ના કહું છું, બાપા?”… “જરા હોલ્ડરની મહેરબાની કરશો?” એવા ઉચ્ચાર કરતો હતો. સામાન્ય દરજ્જાના ક્લાર્કને આ માન મીઠું અમૃત જેવું લાગ્યું. તેની પણ વરાળ ધીમી પડી. તેણે એ કવરની વિધિ કરતે કરતે પોતાની કામગીરીનાં રોદણાં રડવા માંડ્યાં. તેના જવાબમાં સુખલાલ મૃદુ બોલ ગોઠવી ગોઠવીને બોલતો હતો:
“બીજું તો કાંઈ નહીં, મારી મા માંદી છે; બાપા પાસે ખરચી નથી. હું આંહીં છ મહિનાથી સડું છું, નાનાં ભાઈબેન છે, ખરચી ઝટ પહોંચે તો માંદી માતા સંતોષ પામીને, કોને ખબર છે, જીવીય જાય…”
એથી વધુ સુખલાલથી ન બોલી શકાયું. આ બધું સાંભળ્યા પછી કલાર્કને મનમાં બહુ ભોંઠામણ થયું. એણે વાતને જરા વિનોદમાં લઈ જવા ટકોર કરી: “ને પાછાં ‘મૅરેજ’ પણ થયાં હશે, છોકરાં પણ હશે—ખરું?”
“ના, ના, એ આફતમાંથી તો માંડ બચ્યો છું.”
“શું કહો છો? હજુય માછલું જાળમાં નથી આવ્યું?”
“આવેલો, પણ છટકી શક્યો છું.”
“વિશ યુ ગુડ લક! તમારું સુભાગ્ય ઈચ્છું છું,” એમ કહીને કલાર્કે રસીદ એના હાથમાં મૂકી. એટલે એ લઈને સુખલાલે કહ્યું: “દુ:ખના માર્યા થોડી ઉતાવળ થઈ ગઈ તે બદલ માફ કરજો, હો ભાઈ!”
“ધૅટ્સ ઓલ રાઈટ!” કલાર્કે હાથ ઊંચા કરીને જવાબ દીધો. અને પછી એણે કહ્યું: “મારેય દેશમાં વિધવા મા છે, મારી બેનનું ને મારું સામસામાં લગ્ન થયાં છે. બહેનના દુ:ખનો આજે કાગળ હતો, એની ધૂનમાં હું ગરમ થયો હતો.”
એક સમદુ:ખી ઉપર વગર સમજ્યે માછલાં ધોયાં તેવું સમજીને ભોંઠા પડેલા સુખલાલે મૂંગા મૂંગા પીઠ ફેરવી, એટલે સામે જ ઊભેલા ગૃહસ્થે એને જરાક અચકાતે, થોથરાતે સ્વરે બોલાવ્યો: “કેમ છો, શરીર તો સારું છે ને?”
“ઠીક છે.”
સુખલાલે એને ઓળખ્યા. એ હતા નાના શેઠ: સુશીલાના જન્મદાતા પિતા. એના ચહેરાની મુદ્રામાંથી હમણાં જ જાણે સુશીલા સળવળી ઊઠશે તેટલી બધી એ પિતાની મુખરેખાઓ પુત્રીની મુખરેખાઓને મળતી હતી.
એવું સામ્ય ધરતા ચહેરા પર ગુસ્સો કરવાનું, સુખલાલની ઈચ્છા છતાંય, મુશ્કેલ બની ગયું, ને એનાથી જવાબ અપાઈ ગયો: “ઠીક છે.” છતાં એને ભોંઠપ તો આવી, કે આ ભાઈસા’બ મારી પાછળ ક્યારના ઊભેલા હશે? હમણાં બનેલો તમાશો ને મેં ઉચ્ચારેલાં વાક્યો એમણે માણેલ તો નહીં હોય!
“તમને હરકત ન હોય તો ચાલો, જરા ચહા પીયેં,” એમ કહેતે નાના શેઠે સુખલાલ સામે કુમાશભરી નજરે જોયું.
એ આંખો સુશીલાના જનકની હતી. અત્યાર સુધી ધારીને કદી ન જોયેલી એ આંખો પર તે ક્ષણે સુખલાલની નજર થંભી. થંભતાં જ એ આંખોમાંથી કાલાવાલાના હાથ લંબાતા દેખાયા.
“ચાલો,” કહીને સુખલાલે સાથે કદમો માંડ્યા. રસ્તામાં નાના શેઠે પોતાની ભૂખ ઉપર પ્રવચન માંડ્યું: “હમણાં હમણાં સાલી ભૂખ બહુ કકડીને લાગે છે. હમણાં હું મોટરમાં નથી બેસતો—ચાલીને જ આવું છું ને જાઉં છું. ને સવારે બહુ વહેલો જમીને નીકળી પડું છું, એટલે અત્યાર થાય છે ત્યાં તો પેટમાં ગલૂડિયાં બોલતાં હોય છે. પેઢી પર નાસ્તો મગાવીને ઓરડામાં એકલા બેસી ખાવું મને ગમતું નથી. એટલે પછી છાનોમાનો બહાર જ નીકળી જાઉં છું. તમને કેવીક ભૂખ લાગે છે? આંહીં કરતાં દેશમાં વધુ લાગે, હો! દેશનું તો પાણી કાંઈ! ઓહો! વા! વા! શું વાત કરું! આંહીં તો મૂળ શિયાળો જ ન મળે ને! મોંમાંથી ધુમાડા કોઈ દી તમે નીકળતા જોયા છે! નહીં જુવો. મુંબઈ તો હાથિયુંનાંય હાડ બાફી નાખનારી ગરમાગરમ નગરી.”
વગેરે વગેરે પ્રવચનમાં પોતાના બાળક સમા ભોળપણને વહેતું મૂકનારા નાના શેઠે એક ખાંચામાં આવેલી રેસ્ટોરાંનાં પગથિયાં ચડતે ચડતે કોણ જાણે શાથી પણ સુખલાલને ખંભે હાથ મૂકીને ટેકો લીધો. ટેકવાઈને એ પગથિયા પર બે ઘડી ઊભા રહી ગયા. એની આંખો મીંચાઈ ગઈ હતી. થોડીક વારે આંખો ખોલીને એણે હસતે હસતે સુખલાલને કહ્યું: “ચાલો હવે, એ તો સહેજ હમણે હમણે એવું થઈ જાય છે.”
“શું થઈ જાય છે?” સુખલાલના હૃદયમાં પહેલીવહેલી અનુકંપાની સરવાણી ફૂટી.
“ના, ખાસ કાંઈ નથી; એ તો અમસ્તું કોઈ વાર અંધારાં આવી જાય છે. હમણાં બેત્રણ દિવસથી જ થઈ જાય છે, અગાઉ નહોતું થતું. હમણાં હમણાં ક્યાંય ગમતું નથી; હમણાં હમણાં જ કાંઈક એકલા એકલા જેવું લાગે છે.”
સુખલાલે એ ત્રણ દિવસની ગણતરી બાંધી: સુશીલાને ગયાં બેત્રણ દિવસ જ થયા હતા.
***