વેવિશાળ
ઝવેરચંદ મેઘાણી
૧૮. નહીં છોડું
દીકરાને મુક્કી ઉગામતો દેખ્યો ત્યારે બાપને વધુ બીક લાગી. સુખલાલના સ્વભાવનો એ પિતા પૂરો જાણકાર હતો. કાઠી-ગરાસિયાઓની જાડી વસ્તીવાળા એ ગીર-ગામડા રૂપાવટીમાં સુખલાલની વીશ વર્ષોની જુવાની સીધાસાદા માર્ગે જ કાયમ નહોતી વહ્યા કરી. સહન કરી શકાય ત્યાં સુધી તો ભલો ને ભદ્રીક, નરમ ને નમતો રહેતો સુખલાલ, સહનશક્તિની હદ લોપાયા પછી વનપશુ જેવોય બની જતો. કાઠીના છોકરાઓનાં શરીર પર સુખલાલના દાંત બેઠેલા તેના ચિહ્નો મોજૂદ હતાં. દુશ્મનના પંજા નીચે દબાતો ને ઘૂસ્તે-પાટુએ ગૂંદાતો સુખલાલ એક ચીસ પણ પાડ્યા વગર માર ખમતો ખમતો લોહીલોહાણ બટકાં ભરી શકેલો.
પોતાની ગજવાની ચીજ પોતે વેરીના હાથમાંથી બચાવી નહીં શક્યો હોય ત્યારે પછી, એ ચીજને એણે ધૂળમાં રોળી અણખપની તો કરી જ નાખી હતી. રૂપાવટીથી રોજ દેવલપુરની નિશાળે ભણવા માટે એક ગાઉ ચાલતા જતા સુખલાલે પોતાને ખાવા માટે માએ બાંધી આપેલ ભાતું રસ્તે ઓડા બાંધીને બેસતા ગરાસિયાના છોકરાઓને હાથ પડવા દીધા પહેલાં ધરતીમાં રગદોળી નાખેલું, માર ખાધેલો ને સામાં વડછકાં ભરેલાં; છતાં કોઈ દિવસ ઘેરે આવીને એણે માતપિતા પાસે વાત નહોતી કરી. પોતાને પડેલા માર પર એ છૂપો છૂપો હળદર ચોપડતો. તેના લૂગડે પડતા ડાઘ ઉપરથી જ આખરે માને દીકરાના બૂરા હાલની જાણ થતી.
મોટા થયા પછી બાપાની દુકાને પણ એણે કાઠી તાલુકદારોને શેકેલી સોપારી કે ખજૂર-ખોખાંનો નાસ્તો કરાવવાની ના પાડવા બદલ ધમકીઓ ખાધેલી, કેટલીક વાર એ રાત્રિએ દિશાએ પણ નહીં નીકળી શકેલો; છતાં પિતાનું રક્ષણ એણે માગેલું નહીં.
આ બધી ખાસિયતોના જાણભેદુ પિતાએ ઈસ્પિતાલમાં લીનાને ખોળે પડેલા ડાહ્યાડમરા સુખલાલને બદલે, સુશીલાની વાત નીકળતાં શરમના ગલભર્યા ગાલવાળા પ્રેમી સુખલાલને બદલે, તેમ જ ખુશાલભાઈના આજ્ઞાંકિત શિષ્ય સુખલાલને બદલે આ મુઠ્ઠીઓ ભીડતા સુખલાલનું બીકાળું રૂપ જોયું; જોઈને એણે કહ્યું: “ભાઈ, જોજે હો! પારકો પરદેશ છે. ગમ ખાજે. ભૂલેચૂકેય એ દૃશ્યમાં હાલીશ મા!”
“રસ્તો ક્યાં કોઈના બાપનો છે?” સુખલાલનું બોલતું મોં બારણા બહાર તાકતું હતું.
“એની વાત નથી. ઠાલાં નજરું મળ્યાંનાં ઝેર છે ને?”
“ત્યારે તો આંહીં એણે તમને તમારી આ દશા કરવા તેડાવ્યા!” સુખલાલ ગોઠવી ગોઠવી બોલતો ગયો.
“કાંઈ સંભારવું જ નહીં, બેટા! કાળ કાળનું કામ કરે છે. પણ તું પૂરી ગમ ખાજે, હો ભાઈ! નીકર ત્યાં બેઠે અમારો જીવ ઊડી જશે.”
“હો.” સુખલાલને પોતાને જ ગમ નહોતી રહી કે આ હોકારો પોતે શું સમજીને દેતો હતો.
“શું ખાવા-નખાવાની વાતું હાલે છે બાપદીકરા વચ્ચે?” એમ બોલતો ખુશાલ દાખલ થયો. એના હાથમાં એક કરંડિયો હતો. કરંડિયો ફુઆને આપતાં કહ્યું: “લ્યો, બાંધી લ્યો ભાતું.”
પિતાપુત્ર બંને કરંડિયામાં ઠાંસોઠાંસ ભરેલ લીલાસૂકા મેવા અને રમકડાંના જથ્થા તરફ જોઈ રહ્યા.
“એમાં ઝોડની જેમ જોઈ શું રિયા છો, ફુઆ! ઝટ કરો, ગાડીનો વખત થાય છે.”
“પણ… પણ… આટલું બધું…”
“ત્યારે શું ઘરને આંગણે ધોયેલ મૂળા જેવા જઈને ઊભવું’તું? છોકરાંને ખોબો આંસુ પડાવવાં’તાં?” ખુશાલે એ ખૂલેલ કરંડિયાને ફરી પાછો કસકસતો બાંધતે બાંધતે એની આખાબોલી રીતે કહ્યું.
સુખલાલ પણ ભાડુંઓ યાદ આવતાં ઝંખવાણો પડ્યો. એણે ઇસ્પિતાલની પથારીએ પડ્યાં પડ્યાં પોતાની નાની બહેન સૂરજનો સુશીલા પરનો કાગળ બાપ પાસેથી લઈને વાંચી જોયો હતો. એ સૂરજ, પિતા જ્યારે ઘેર પહોંચશે ત્યારે, પિતાની બચકી પાસે ટરપરટોયાં મારતી ઊભી રહેશે. બીજાં ભાંડરડાં તો ફળ ને મેવાથી મોં ભરીને, પિતા મુંબઈ જઈ બીજું શું શું લાવ્યા તે જાણવાની ખેવના જ નહીં કરે; પણ શરમાળ સૂરજ પિતા પાસેથી ભાભીનો સંદેશો મેળવવાની ફોગટ રાહ જોતી જોતી આખરે જ્યારે છાનીમાની પિતા પાસેથી ભાભીનો જવાબ માગશે, ભાભીએ કશુંક—અરે, કંઈ નહીં તો જૂની ચોપડીઓ મોકલી છે કે કેમ તે જાણવા સૂરજ ઉત્કંઠ ઊભી રહેશે, ત્યારે એનો શો જવાબ જડશે? માતા-પિતાની વચ્ચે ખાનગીમાં થનારી આ વેવિશાળ-ફારગતીની વાત ચકોર સૂરજની જાણ બહાર શું થોડી જ રહેવાની છે? જાણશે ત્યારે એને શું શું થશે! ‘ભાભી-ભાભી-ભાભી’ એવા અણધરાયા અંતરના અક્કેક તલસાટ સમ શબ્દનું બહેને જે પત્રમાં પચીસ વાર જપન કરેલું, એ પત્ર પર આ કહેવાની પણ ન રહેતી ‘ભાભી’એ થૂથૂકાર કર્યાની કેવી કેવી દારુણ કલ્પનાઓ કરશે મારી બહેન સૂરજ!
સૂરજને થોડા દિવસ કોઈક છેતરી રાખે તો કેવું સારું! ‘આ તારી ભાભીએ ભેટ મોકલી છે,’ એમ લખીને મેં મારા આજના પાંચ રૂપિયામાંથી એક ઓઢણી સૂરજને મોકલી હોત તો કેવું સારું થાત! પણ વખત રહ્યો નહોતો. ત્રણે જણા સામાન લઈ નીચે ઊતર્યા. સ્ટેશને જઈ ફુઆને ગાડીમાં સારી એક બેઠક મેળવી આપવા માટે ખુશાલભાઈ પાંચ પેસેન્જરો સાથે બાઝી પડ્યા, ને આખરે ખુશાલના હાથનું ચૌદમું રતન ચાખનારા એ ઉતારુઓ ટાઢા પડ્યા પછી ખુશાલે પોતાને ને સુખલાલને માટે મરીન લાઈન્સના ઘાસ પર બેસી ખાવા માટે રાખેલાં થોડાંક ફ્રૂટ ને મેવા એ કજિયો કરનારાં કુટુંબનાં જ બાળકોને આપી દીધાં. ફુઆએ ગરીબ વાણિયાની રેલ-મુસાફરીની ‘સંકટ સાંકળ’ સમી સૂડી-સોપારી પણ કાઢી હતી. ગાડી ઊપડી ત્યાં સુધી ફુઆએ એક શબ્દ એવો ન ઉચ્ચાર્યો, ન તો ચહેરા પર એવો એક ભાવ દેખાડ્યો, કે જે પરથી ખુશાલને પેલા બની ગયેલા માઠા બનાવની શંકા સરખીય આવે.
પાછા જતાં ખુશાલને લાગ્યું કે સુખલાલ બાપથી વિખૂટો પડવાને લીધે ગમગીન છે. ગમગીની ઉડાવવા એણે પોતાના ઘર છોડવાના સમયની કરુણતાભરી ને શૌર્યભરી વાતો કરી: “છ મહિનામાં તો તું આંહીં ઓરડી રાખીને સૌને તેડાવી શકીશ, ને તારો સસરો જો વાંકો નહીં હાલે તો તો આંહીં જ વીવા જમાવી દેશું, દોસ્ત! એક વાર વહુને હાથ કરી લઈએ, પછી જખ મારે ને જોડા ફાડે તારો મોટો સસરો ને તારી સાસુ. મુદ્દાની વાત એક જ છે સુખા, કે સંતોકડીની—અરે ભૂલ્યો ભાઈ, સુશીલાની—મરજી તારે જાણી લેવી. નાહકનું સાલ ઘરમાં ન પેસાડવું, હો ભાઈ! જીવતાં સુધી સૌનાં લોહી પીવે, ને પોતાનુંય પિવરાવે, ઈ ધંધે નથી ચડવું; ભલે ને પછી ઢેડવાડે દ્યે! કોના બાપની ગુજરાત! સાડી સત્તરસો કન્યાયું ગામડે ગામડે સડે છે. વાત તો બહુ બહુ તો બે કોથળીની છે! થઈ રહેશે, ભાઈ સુખા! આંહીં તો અમે આપણા પચાસક ભાઈઓનાં ડૂબતાં વહાણ એમ જ કરીને પાર ઉતારી દીધાં છે. જાડા જૂથની મજા જ એ છે ને! પણ પછી હુતો ને હુતી બે થિયાં એટલે તું જાણે કે એકલો સાંતાકરૂઝ રે’વા વયો જાઉં! —તો એ વાત બ્રહ્માંડ ફર્યેય નહી બને.”
સુખલાલ ફક્ત શ્રોતા જ રહ્યો રહ્યો ઓરડીએ પહોંચ્યો. એના મનમાં ખુશાલની બળભરી વાત પણ ચટકા ભરતી હતી, કેમ કે એમાં તો સુશીલાને જતી કરવાની જીવલેણ સૂચના હતી. એ સાંભળીને સુખલાલની રગેરગમાં જાણે સરપો સળવળ્યા.
‘સુશીલાની મરજી!’ તેણે પથારીમાં પડ્યે પડ્યે ત્રાગડા કાંત્યા: ‘હા, હા, સુશીલાની મરજી હશે તો મૂકી દઈશ! ના, ના, મરજી વગરની સુશીલાને પણ કેમ કરી મૂકું? હિંમત નથી. મૂકી શકું જ શી રીતે? દરિયામાં ડૂબતો માણસ તણખલાનેય મૂકી શકતો નથી. અરે, પણ આ વિચારો કરનાર હું કોણ? મૂકી તો મને જ દેવામાં આવ્યો છે. ને હું ક્યા મોઢે હજુ સુશીલાને મૂકવા-ન-મૂકવાની વાત વિચારું છું? પણ મને મૂકી દીધો કોણે? સુશીલાએ મને મૂકવો હતો તો ઉજાણીમાં એ શા માટે વાતો કરવા આવી હતી? ઇસ્પિતાલમાં શા માટે ચોર-મુલાકાત લીધી હતી? ને ફરી પાછા આવીને લીનાને શા માટે ‘ક્યાં ગયા’ના પ્રશ્નો પૂછ્યા હતા?
‘લીનાને જ પૂછી આવું. લીનાએ એને તે દિવસે જેવી જોઈ હશે તેવી એ મને વર્ણવી દેખાડશે. હું પૂછીશ, એ કન્યાના મોં પર પ્રશ્નો પૂછતે પૂછતે કોઈ રંગો ઘોળાતા હતા? આંખોમાં અમીભર તલસાટ ઊછળતા હતા? મારું નામ લેતી હતી? હાં, હાં, એ એક ખરી કસોટી થઈ જશે. ચહેરા પરના રંગો ને આંખોના તલસાટો તો ભુલાવામાં નાખે તેવી વાતો છે.
‘ભરોસો કરવા લાયક આ એક જ પ્રશ્ન: એ કન્યા મારું નામ લેતી હતી કે નહીં? હિંદુ કન્યા એક જ માણસનું નામ નથી લેતી, જે એના હૈયાનો વધુમાં વધુ નિકટવાસી હોય તેનું. એ એક જ પ્રશ્નનો ઉત્તર મારે માટે બસ થશે. પછી તો હું જોઈ લઈશ—મારી પોં’ચ, મારી ત્રેવડ, મારી છાતીનું જોર.’
એમ કરતો કરતો આ ગામડિયો જુવાન ઊંઘી ગયો.
***