Vevishal - 11 in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | વેવિશાળ - 11

Featured Books
Categories
Share

વેવિશાળ - 11

વેવિશાળ

ઝવેરચંદ મેઘાણી

૧૧. ખાલી પડેલું બિછાનું

‘ભાભી કહેવી રેઢી નથી પડી!’ એવો પોતાની બાનો છણકો સુશીલાને સારો ન લાગ્યો. નણંદનો કાગળ એણે ધીરે ધીરે હાથમાં લીધો, અને બે-પાંચ વાર ઉપાડ-મૂક-ઉપાડ કરીને પછી બા થોડે દૂર ગઈ કે તરત પોતે કાગળ ગજવામાં સેરવ્યો. પોતાનાં કપડાં લઈ નાહવાની ઓરડીમાં ગઈ, અને બેથી ત્રણ વાર વાંચ્યા છતાં પોતે તૃપ્ત ન થઈ. ‘ભાભી’ સંબોધનમાં કઈ એવી તોછડાઈ હતી કે બા છેડાઈ ઊઠેલાં? આ કાગળની લખાવટ તો હૈયાના હેતે છલકાય છે: ભાભી શબ્દે સંબોધાવું એ તો ઊલટાનું માનભર્યું લાગ્યું.

ખરું તો એ હતું કે સુશીલાને કોઈ ભાભી હતી નહીં. એણે કદી કોઈને ભાભી કહેવાનો લહાવ લીધો નહોતો. તેમ ભાભી નામના પાત્રમાં કયું તિરસ્કૃત તત્ત્વ હોઈ શકે એની સુશીલાને જાણેય નહોતી. આ ગ્રામ્ય નાની કન્યાની ‘ભાભી’ થવા જવામાં ગ્રામ્ય સુખલાલની સ્ત્રી પણ થવું પડે છે, એમ પણ સુશીલાને સૂઊયું નહીં. સુખલાલનું તો ઓસાણ જ એને આ વખતે આવ્યું નહીં. કોઈક માંદગીને બિછાને પડેલી સ્ત્રી પોતાની પાસે નિર્મલ સામાયિકોનું પુણ્ય માગે છે; પોતાને જોઈ લેવા ઝંખે છે; પોતાનો મેળાપ થયે એક મૃત્યુ પામતા માનવીની સદ્ગતિ થઈ શકે તેમ છે; ને પોતાની ઊતરેલી ચોપડીઓની બીતી બીતી માગણી કરનાર એક કન્યા પોતાને સ્વપ્નમાં જોવા તલસે છે, આ બધું સુશીલા જેવી સાદા મનની કન્યાના અંતરમાં મમતાનો આંબો ઉગાડવા માટે પૂરતું રસાળ ખાતર નહોતું શું?

પોતાના શરીર પર એણે ફુવારો ખુલ્લો મૂક્યો. પાણીની ધારાનો સ્પર્શ એકાએક ઘણો મીઠો બન્યો. કાનમાં કોઈક ‘ભાભી ભાભી’ કહ્યા કરે છે; બરડા સુધી ઘસવા હાથ પહોંચી શકતો નથી એટલે જાણે કહે છે, ‘લ્યો ભાભી, હું તમારો વાંસો કરી દઉં? લ્યો ભાભી, આવડા લાંબા તમારા વાળ છે, તમારાથી ચોટલો શેં ચોળાશે? લ્યો હું ચિકાખાઈ ને આંબળાં ચોળી દઉં?’

ફુવારો બંધ કરીને બાથરૂમની કમ્મરપૂર આરસીમાં જોતી જોતી એ શરીર પર ટુવાલ ઘસવા લાગી. શ્યામળો શરીર-વાન ઊઘડતો લાગ્યો. છાતી અને પેટ પરથી, કપાળ અને ગાલ પરથી દડ દડ દોટ લઈ નીચે ઊતરતાં જળબિંદુ જીવવાળાં જણાયાં. એકાએક એને વિચાર આવ્યો: વિજયચંદ્રને નાનાં ભાઈ-બહેન છે કે નહીં? મા હશે? હોય એમ લાગતું નથી. એના મોં પરથી જ ભાસ થતો નથી. ચહેરાની રેખાઓ જ કહે છે કે, હું તો ફક્કડરામ છું, મારે બીજી કશી વળગણ નથી. જાણે કોઈક ઓરડીમાં પેસતાં જ ઓરડી આપણને કહેતી હોય છે કે, ‘હું તો આઠ બાય આઠની (આઠ ફૂટ ઓરસચોરસ) છું; મારી પાસે બીજી કશી લપછપ નથી.’ કેટલાક માણસોના ચહેરા પણ સુશીલાને આવા ‘આઠ બાય આઠ’ જેવા જણાતા. એવો ચહેરો વિજયચંદ્રનો હતો. જે હતું તે બધું જ એ ચહેરાની સપાટી પર હતું. સપાટી બહાર કોઈ ઈતિહાસ નહોતો.

ટુવાલ ઘસીને કપડાં બદલાવતી સુશીલા જ્યારે વિજયચંદ્રને ભાઈ-બહેનો હોવા ન હોવા વિશેની માનસિક ભાંજગડમાં પડી હતી, ત્યારે ‘લગ્ન’નો પ્રશ્ન જ એના દિલમાં આપોઆપ ચર્ચાઈ રહ્યો હતો. બહાર હીંડોળાખાટે બેઠેલી બા બોલતી હતી: “મારે તો લાખ વાતેય મારી છોકરીને જાડાં માણસોની વેજા વચ્ચે નથી દેવી. છોકરીને ફોલી જ ખાય કે બીજું કાંઈ થાય? એયને કોઈક સવતંતર છોકરો જોવો. બે માણસનું રસોડું પતાવીને નિરાંતે મનધાર્યું જીવી શકે! સવતંતર છોકરા ક્યાં થોડા મળે છે આજકાલ?”

એ ‘સવતંતર’ શબ્દ સુશીલાની બાના મોંમાં લીંબુની મીઠી પીપરમેટ સરીખો બની જતો. બા જાણે કે બોલતી નહોતી, એ શબ્દને ચગળી ચગળી ચૂસતી ચૂસતી રસ લેતી હતી. ‘સવતંતર’ અર્થાત્ ‘સ્વતંત્ર!’

ને પછી બાએ એવાં ‘સવતંતર’ દંપતીઓનાં નામો પણ ગણાવ્યાં: “ઓલી જેતપુરવાળી વનિતા, ઓલી પીપળલગવાળાની કુમુદ, હાલરિયાવાળાં રામકોર બાઈની ઓલી જયા… એય જો ને રૂપાળાં અમનચમન કરે છે! દશ બજ્યામાં ભાયડાને જમાડીજૂઠાડી નોકરીએ વળાવી દીધા પછી, છે કોઈનો ટુંકારોય ખમવાપણું? છે કોઈ કરતાં કોઈ એટલુંય કહેનાર કે બાઈ, તું આંઇથી ઉઠી આંઇ બેસ! એવું ‘સવતંતર’ મેલીને જાડેરણમાં પડવાની શી જરૂર? છે કોઈની ઓશિયાળ! આ તો અણસમજણમાં ને અણસમજણમાં સગપણ થઈ ગયું. મુંબઈમાં ઠરીને ઠામ થયાં ત્યારે આંખ ઊઘડી કે આ તો ભૂલ થઈ છે.”

બાના આ શબ્દો બાથરૂમમાં ઊભાં ઊભાં સાંભળવાની સુશીલાને મજા પડી. બાએ જેનાં જેનાં નામો લીધાં તે જુવાન સ્ત્રીઓને સુશીલા ઓળખતી હતી. ઘણીવાર તેમાંની એકાદને ઘેર પોતે બેસવા જતી, તો કાં તાળું જ મારેલું હોય, અથવા ઘેર હાજર હોય તો અરધા કલાકથી વધુ ચાલી શકે તેટલી વાતચીત જ સિલકમાંથી નીકળે નહીં. હદમાં હદ એક કલાકે તો ત્યાંથી ઊઠી આવવાનું જ મન થાય.

તે બધીઓ ‘સવતંતર’ હતી એમ બા કહેતી. પણ કેટલીક વાર તેઓનાં ઘરમાં બબે દિવસનાં એઠાં વાસણોનો ખડકલો સુશીલાએ જોયો હતો. પૂછતાં સુશીલાને જવાબ મળતો કે “હોળીના તહેવાર છે, તે ત્રણ દીથી મારા રોયા ઘાટી જ નથી આવ્યા. રોયા ગાંડાતૂર બનીને નાચતા હશે. હાથે તો ઉંટકે મારી બલારાત! બહાર લોજમાં જઈને અમે તો બેય જણાં જમી આવીએ છીએ.”

આવી ‘સવતંતર’ બહેનપણીઓ વિશે હજુ સુશીલાના વિચારો સ્થિર નહોતા થયા, પણ કશુંક જાણે અળખામણું તત્ત્વ એમાં લાગ્યા કરતું.

“હાય! હાય! જુઓ તો ખરાં, ભાભીજી!” સુશીલાની બાએ સુશીલાને સ્નાન કરીને બીજા ઓરડામાં જતી નિહાળી ભાભુ પ્રત્યે મીઠો હાયકારો કર્યો: “આ છોકરીના શરીરમાંથી જાણે કિરણ્યું જ ફૂટી પડી છે. આમ તો જોવો, છોકરીનું શું થવા બેઠું છે? રૂપ જ કાઢવા મંડી છે. હેં ભાભીજી! આનું તે શું કરશું? જૂનું વેશવાળ તોડ્યા વગર એકેય વાતે છૂટકો રહ્યો છે હવે?”

“ગાંડાં તે…કાંઈ…ગાંડાં!” જેઠાણીએ મલકતે મોંએ આંખો તાણી: “જાવ, ભલાં થઈને કામે લાગો. છોકરી ક્યાંક સાંભળશે.”

“હાલ્યને સુશીલા!” ભાભુએ સ્નાન પછીની શોભીતી સુશીલાને કહ્યું: “મોટર ઊભી છે ને? તો હાલ્ય કેરીની ખબર કાઢતાં આવીએ.”

એમ કહીને એણે સુશીલાને મોટરમાં સાથે ઉપાડી. ભૂલેશ્વર જઈ કેરી લીધી, ને પછી પૂછ્યું: “દવાખાનું આંહીંથી કેટલુંક છેટે છે? આ રિયું. હાલો, હું થાતી આવું. તું તારે બહાર મોટરમાં જ બેઠી રહેજે. હું ઊભી ઊભી વહી આવીશ.”

“ભલે,” કહીને સુશીલાએ માથા પરથી ઊતરેલી સાડી પાછી ઢાંકી. એણે કંટાળો કે ઉત્સુકતા બેમાંનું કશું જ ન બતાવ્યું.

શોફરને મોટર ઇસ્પિતાલની બહાર થોભાવવા કહીને અંદર જતાં ભાભુ સહેજ પાછાં ફર્યાં; સુશીલાને કહે કે “ચાલ્ય ને જરા, મને છેટેથી ઓરડો તો દેખાડી જા, બાઇ!”

“ઓ ઓરડો,” સુશીલાએ ધડકતી છાતીએ નીચેનો વોર્ડ ચીંધાડ્યો, પણ પછી “આંહીં સામા ખૂણામાં જ…” એટલું કહેતી સ્તબ્ધ બની ગઈ: સુખલાલવાળું બિછાનું તો બહારથી દેખાતું હતું, પણ એ ખાલી કેમ હતું? ‘કોટ’ ગાદલા વિનાનો કેમ હતો? ભંગી ત્યાંની ભોંય લૂછતો કેમ હતો? અને આવા હેબત ખવરાવનારા દૃશ્યથી ઊલટા પ્રકારની એંધાણી દેતો વોર્ડની નર્સોનો આનંદજન્ય કોલાહલ શાનો હતો?

એ ખાલી બિછાનું અને લીલા ગાભા વડે લુછાતી ભોં દેખતાં સુશીલાને હૈયા સોંસરી જે એક છૂપી હેબત નીકળી ગઈ તેનું ફક્ત ક્ષણવારનું દૃશ્ય ભાભુએ સુશીલાના મોં પર ભયભીત આંખે દીઠું. એમણે પૂછ્યું: “કેમ બેન, આટલી ફડકી ગઈ!”

“ના, કંઈ નહીં ભાભુ, ચાલો બતાવું.”

“હાલ્ય ને બેટા! કાંઈ વાંધો નહીં. તું તારે એક કોર ઊભી રે’જે ને! ક્યાં કોઈ કરડી ખાય છે!” એમ કહેતાં ભાભુએ સુશીલાને સાથે લીધી.

થરથર ધ્રૂજતા પગે સુશીલા બારણાંની અંદર જોઈ રહી. વિચિત્ર દૃશ્ય દીઠું. વચ્ચેની મેટ્રનની ખુરશી પર નર્સ લીના બેઠી છે, ને ચાર-પાંચ નર્સો, બે મેતરાણી, ત્રણ વોર્ડ-બોય વગેરે બધાં લીનાને વીંટળાઈ વળીને ઠઠ્ઠા કરે છે.

એક પછી એક મેણાંની ઝડી પડતી હતી:

“એઈ જો, લીના બાબાનું મોઢું પડ્યું.”

“જો, હમણાં બાબા રડી પડશે.”

“બલા જાણે, ક્યાંનો પેશન્ટ ને ક્યાંની તું? એવા તો હજાર આવે ને હજાર જાય. રડવા શાની બેઠી છે? તો પછી પરણીને છોકરાં સંભાળવાં’તાં ને?”

“હવે મરો ને આંહીંથી બધાં!” કરતી લીના પગ પછાડવા લાગી, “હું કહું છું કે મને કાંઈ નથી.”

“ત્યારે એ ખાલી બિછાના સામે શું તાકી રહી છે?”

“ત્યારે શું આંખો ફોડી નાખું?”

“ત્યારે ડોકટરને છેલ્લા આઠ દિવસથી શા માટે છેતરતી’તી? તારો પેશન્ટ રાતો રાણ જેવો થઈ ગયેલો છતાં કેમ તાવના ટેમ્પરેચરના ને પલ્સના ધબકારાના લાલવાદળી લીટાનાં ખોટેખોટાં ડુંગર ને ખીણો ચીતરતી હતી ચાર્ટમાં?”

“ખોટાં! જાવ ને હવે! ખોટાં!” લીનાના મોં પરની રેખા ખેંચાતી હતી. એની રડવાની તૈયારી હતી.

“એનું સરનામું લઈ લીધું છે કે?”

“મારી તો ભૂખરાત લે છે!”

લીનાએ આપેલો એ જવાબ જૂઠો હતો. વસ્તુત: સુખલાલ પાસેથી એણે લાંબું લાંબું સરનામું લખવા મહેનત કરેલી, પણ સુખલાલ પૂરું અંગ્રેજી ન જાણે. લીનાને થોરવાડ, પીપળલગ વગેરેના સ્પેલિંગ ન આવડે. એટલે અરધો કલાક સુધી કરેલી માથાફોડ પડતી મૂકેલી.

આ તમાશો જોતી સુશીલા અંદર ગઈ ને એણે એ ટોળાને પૂછ્યું:

“આ પેશન્ટ ક્યાં?”

“એની જ આંહીં લાગી પડી છે, મે’રબાન!” એક મહેતરાણી બોલી.

“ક્યાં ગયા?” સુશીલાએ મહેતરાણીને પૂછ્યું.

“ઉશકી તો શૂટી હો ગઈ.” સુરતી મહેતરાણીએ હિન્દીમાં હાંક્યું. સુશીલાનો શ્વાસ અરધો હેઠો બેઠો.

સુશીલાને ઓળખી પાડનારી લીના એકાએક ઊભી થઈ. તે જ વખતે એક બીજી નર્સ હાઉસ-સર્જનની ઓફિસમાંથી તાળીઓ પાડતી ને નાચતી-કૂદતી આવી બૂમ પાડી ઊઠી:

“લીના, લીના, તારા ખાલી પડેલા બિછાના પર એક બીજો વધુ વહાલો લાગે તેવો ‘સ્માર્ટી’ આવે છે. આંહીં આવ, ઓફિસમાં બેઠેલો બતાવું.”

“ક્યાં છે, ક્યાં છે?” કરતી લીના સિવાયની બીજી બધી નર્સ ઓફિસ તરફ લટાર મારી મારીને મોં આડા રૂમાલો દેતી પાછી આવી. છાની છાની હસતી તેઓ પરસ્પર કહેતી કે: “પુઅર પુઅર લીના! ભયંકર બુઢ્ઢો મારવાડી પેશન્ટ આવે છે એ બિછાના પર!”

“અત્યારથી બાપડીને કોઈ બિવરાવો ના.”

“પેલો છોકરો ગયો એથી એને અત્યંત વસમું શા માટે લાગ્યું છે?”

“તમને ખબર છે? લીના વિધવા છે. દેખાય છે પચીશ વર્ષની પણ પાંત્રીસ-ચાલીશની વય છે. એનો એક પંદર વર્ષનો છોકરો બે વર્ષ પર ગુજરી ગયો છે, તેથી કોઈ મા વગરનો કિશોર આંહીં આવે છે ત્યારે લીના હંમેશાં એવી જ પ્રેમઘેલી, અને જાય ત્યારે એવી જ વ્યાકુળ બને છે.”

આ દરમ્યાન લીના ધીરે ધીરે સુશીલા પાસે પહોંચી ગઈ હતી. એને તો આશા હતી કે ત્રણ દિવસ પર આવેલી આ સ્ત્રીને ઘેર જ ‘સ્માર્ટી’ ગયો હશે. એને ઉમેદ હતી કે સ્માર્ટીની જ મોકલી આ બાઈ કાં તો કશીક ભુલાયેલી ચીજ લેવા આવી છે, અથવા તો મને ‘થેંક્સ’ (આભાર) આપવા આવી છે.

“કેમ, ‘પેશન્ટ’ પહોંચી ગયા ને તમારી પાસે?” એટલું કહીને સુશીલાના ચમકતા મોંનો ખોટો જ અર્થ બેસારનારી લીનાએ પોતાની જીભ ચાલુ જ રાખી: “મેં સ્માર્ટીને ઘણું કહ્યું કે તારી કઝિનને (પિત્રાઈ બહેનને) ખબર આપવા દે. પણ એ કહે કે, નહીં, મારે તો ઓચિંતા જઈને સૌને ચકિત કરવાં છે. મારે તો એને હજુ વધુ આરામ લેવરાવવો હતો, પણ આ ઘાતકી ડોકટરો, આ ક્રૂર અદેખાઓ, મારી સામે ચાડી કરી બેઠા, એટલે મારી બાજી ઊંધી વળી ગઈ. મફતિયા પેશન્ટને નજીવા આરામ જેવું જણાય કે બસ તે જ વખતે આ નિષ્ઠુરો કાઢી મૂકે છે.” કહેતી કહેતી એ હાથ પછાડવા લાગી. “અબ કહો, સ્માર્ટી મને યાદ કરે છે કે નહીં? મને કશું કહેવરાવ્યું છે? ગયો તે વખતે ‘થેંકસ’ જેટલો બોલ પણ ન બોલતો ગયો. બસ, કહે કે, જે કાંઈ શબ્દો મારી આંખોમાં છે તે જ વાંચી લ્યો, સિસ્ટર!”

આ બધી પીંજણ સુશીલાને પસંદ થોડી જ આવે? આંખોના ભાવ વાંચવાનું સુખલાલે આ ખ્રિસ્તી નર્સને શું ખરેખર કહ્યું હશે? એવું રસાત્મક વાક્ય બોલતાં એને આવડતું હશે? એની આંખોના બોલ! યાદ કર્યું એનું મોં. યાદ કરી એની આંખો. ત્રણ જ દિન પૂર્વે આ સામેની જ પથારીમાં એ આંખો શું શું બોલતી હતી તે યાદ કર્યું, અને સુશીલા અધીર બની.

“એને હજુ સમાલજો, હો કે!” લીના સુશીલાની નિરુત્તર બની. સમજ્યા વગર જ બોલી: “દાકતરો તો જુઠ્ઠા છે. તેમને રોગની ખબર જ નથી પડતી. ડંફાસુ છોકરાઓ છે!”

“મારે ત્યાં એ નથી આવેલ,” શુષ્ક અવાજે સુશીલાએ કહ્યું.

“નહીં?” લીના ચકિત બની. “તમારા સિવાય તો આંહીં આટલા દિવસોમાં બીજું કોઈ મળવા જ નથી આવ્યું ને?”

“એના પિતાએ કાંઈ ન કહ્યું કે, ક્યાં જઈએ છીએ?”

“ના, એણે કહેલું કે મેમસા’બ, હું એક વાર પાછો આંહીં જરૂર આવી જઈશ.”

“શા માટે?”

“વાત એવી બની કે રિવાજ મુજબ એને ઓફિસમાં કોઈએ કહ્યું કે કાંઈક દવાખાનાની ધર્માદા-પેટીમાં નાખવું હોય તો નાખજો. એણે મને છાનુંમાનું કહ્યું કે, મેમસા’બ, મારી પાસે અત્યારે કાંઈ નથી, પણ હું પાછો આવીને જરૂર નાખી જઈશ. એમ કહી, શરમના માર્યા છાનામાના ચાલ્યા ગયા લાગે છે. શરમ શાની? આંહીં તો લક્ષાધિપતિઓ પણ આ ધર્માદા કલાસમાં આવીને પડે છે, અને એક પાવલી પણ આ મે’તરાણીઓને આપ્યા વગર ચાલ્યા જાય છે! ને આ તો બાપડા, મે’તરાણીઓ ને વોર્ડ-બોય આવીને ઊભાં રહ્યાં ત્યારે સૂનમૂન ઊંધું ઘાલીને પોતાનો સામાન બાંધતાં બાંધતાં અપરાધી ચહેરો રાખી ચાલ્યા. પુઅર ઓલ્ડ ફાધર! મને કહે કે, મેમસા’બ, આ લોકોને કશુંક આપવા હું આવીશ હો. પછી મેં તો આ મે’તરાણીઓની ને વોર્ડ-બોયની ધૂળ કાઢી નાખી. અને એ તો મેં જ લાવીને એમને ચાર-ચાર આના આપી દીધા.”

સુશીલાનાં ભાભુ થોડે દુર ઊભાં ઊભાં શાંત ભાવે આ નર્સના શબ્દસપાટા સાંભળી રહ્યાં હતાં. એને તો એ સાંભળતાં સાંભળતાં એવું લાગતું હતું કે જાણે કોઈ નટવી ઊંચા નટ-દોર ઉપર રૂમઝૂમ પગલે નાચી રહી છે. એમણે ધીરે ધીરે પોતાના ગજવામાંથી પાંચ રૂપિયા કાઢ્યા અને કહ્યું: “સુશીલા, આ લે તો.”

“યે કોન હૈં?” લીનાએ પૂછ્યું.

“મારાં મા છે.”

“ઓહ, ટુ હેવ સચ એ બ્યૂટિફુલ મધર! વ્હોટ એ ગોલ્ડન લક! (આવી રૂપાળી મા હોવી એ તો કેવું સૌભાગ્ય!)” એમ બોલતી લીના એમની પાસે ગઈ.

“એમને આપ, બેન, કે મે’તરાણી વગેરેને તેમ જ ધર્માદામાં સુખલાલની વતી આપી દે,” ભાભુએ કહ્યું.

“નેઇ, નેઇ,” સમજેલી લીના પોકારી ઊઠી, “તુમ કાયકો? મૈને દિયા હૈ.”

“નહીં, લ્યો ને લ્યો જ,” સુશીલાએ લીનાનો હાથ ઝાલ્યો. “લેના જ પડેગા. અમારા બી ઉસમેં-ઉસકો-ઉસ-” સુશીલા ગોટવાઈ ગઈ. એને શું કહેવું હતું? કાંઈક એવું કહેવું હતું શું, કે જે કહેવા જતાં જીભ કદી જ સીધી ચાલી નથી! શું કહેવું હતું? ‘ઉસમેં’ એટલે કે સુખલાલમાં એને શો રસ હતો? સુખલાલના આરામમાં એને કયો આનંદ હતો? ગરીબો પ્રત્યેના એ ભાવમાં શું સુખલાલ પ્રત્યેના ભાવનું આવિષ્કરણ હતું?

“નેઇ, નેઈ, નો, બિલકુલ નો,” એમ કરતી લીનાએ કહ્યું, “અમારા ભી ઉસ પર ‘ફીલિંગ’ થા, ફીલિંગ —ફીલિંગ—તુમ ઉસકો ક્યા કહતે હો, હેં? ફી… લિંગ!”

‘ફીલિંગ’ શબ્દનો અર્થ લીના ન કરી શકી. ત્યાં તો અંદરથી અવાજ પડ્યો: “લીના, જલદી આવ, તારા નવા ‘સ્માર્ટી’ પધારે છે, જલદી ચાર્જ લઈ લે.”

રૂપિયા પાંચ એના હાથમાં મુકાતા હતા તે ન પકડતાં લીના અંદર દોડી. જ્યોર્જ છાપનાં પાંચ ચાંદી-ચગદાં ઠણણણ કરતા નીચે પડી દડવા લાગ્યાં, એને વીણવા નમેલી સુશીલાની આસપાસ દરવાન, વોર્ડ-બોય, મહેતરાણીઓ વગેરે દોડ્યાં આવ્યાં, એ દરેકને સુશીલા આપવા લાગી. અને બીજી બાજુ ‘સ્માર્ટી’ શબ્દના શ્રવણથી ઘડીભર એક સુખદ ફાળ ખાતી સુશીલાએ અંદર જોયું. એક ચીતરી ચડે તેવા વૃકોદર અને દુર્ગંધ મારતા દર્દીને લીના બાથમાં લઈ સુવાડતી હતી તે દેખીને સુશીલા ભાગી, અને કહ્યું: “ભાભુ, ચાલો, આંહીં તો કોઈને ખબર નથી.”

“એક મિનિટ સબૂર!” બહાર આવેલી લીનાનો સ્વર આવ્યો: “મને માફ કરજો, મેં તમને તે દિવસે એની સાથે બોલવા જ નહોતું દીધું. મને એના પર કંઈક ફીલિંગ…ફીલિંગ…” કરતી એ પાછી પેસી ગઈ. એની પીઠ પર પણ જાણે કોઈ પ્રચંડ આવેગ છલકતો હતો.

“ક્યાં ગયા હશે? દેશમાં તો નહીં ચાલ્યા ગયા હોય? બચ્ચાડા જીવ એમ જ કાં ઊપડી ગયા? નરસ બચ્ચાડી જીવ દયાળુ લાગી. એટલી બધી તે શી ઊલટથી વાતો કરતી’તી? ઢેલ દાણા ચણે એમ એ તો વેણ બોલતી’તી. વિચાર કરવાય થોભવું નો’તું પડતું. તને એ ખંભે ને માથે અડતી’તી, ત્યારે તો મને કાંઈનું કાંઈ થઈ જાતું’તું.”

ચાલતી મોટરે ભાભુના આવા બોલ ઝીલતી સુશીલાના મનમાં, માળામાં માદા પંખી પેસી જાય તેમ, મૌન પેસી ગયું હતું. માળામાં લપાયેલી માદાને કાને નમતી સંધ્યાની તરુ-ડાળે પેસીને ગાતા નર પક્ષીની કવિતા જે રીતે સરતી હોય તેવી જ રીતે સુશીલાના અંતર પર સુખલાલની યાદ સરતી હતી.

***