Vevishal - 4 in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | વેવિશાળ - 4

Featured Books
Categories
Share

વેવિશાળ - 4

વેવિશાળ

ઝવેરચંદ મેઘાણી

૪. વિજયચંદ્રનું વ્યક્તિત્વ

પંગત ગોઠવાતી હતી, ત્યારે મોટા શેઠે પ્રાણજીવનને બોલાવીને ધીમેથી કહ્યું: “પ્રાણિયા, એ રઢિયાળાને મારી સામે બેસવા દઈશ મા!”

“એ હો, ફિકર નહીં.”

પછી પ્રાણજીવને જે જુક્તિથી સુખલાલને એક પછી એક ફેરફારો કરીને ખૂણાની જગ્યામાં ખેસવી દીધો, તે જુક્તિ જોઈને મોટા શેઠને ખાતરી થઈ ગઈ કે કોઈક દિવસ આ ગુંડો પ્રાણિયો મારી પેઢીનો ભાગીદાર બનશે! દરમ્યાન પ્રાણજીવને સુખલાલની બાજુમાં બેસીને પડખામાં ઘુસ્તા ચડાવવા માંડ્યા હતા. મારતો મારતો ગણગણ સ્વરે બોલતો હતો: “પરાક્રમ કર્યું લાગે છે! સોગંદ પાળ્યા નહીં ને? ઉતાવળે બાફી નાખ્યું ને? હવે લબાચા બાંધો રાજ, અચકો મચકો કારેલી!”

તે દરમ્યાન તો પેલા માનવંત યુવાન પરોણા વિજયચંદ્રે સૌની આંખોને રોકી લીધી. વિજયચંદ્રે પોતાનો હાફકોટ અને બદામી રેશમી ટોપી આસ્તેથી ઉતારીને પોતાની બેઠકની ઉપરની જ ખીંટી પર લટકાવ્યાં. બાકીના તમામે પોતાનાં કપડાં દીવાનખાનામાં ઉતાર્યાં હતાં. આવા એક નાના કામમાં પણ વિજયચંદ્ર બીજા સૌથી જુદો તરી આવ્યો. એની ટોપી નીચેથી પ્રગટ થયેલું માથું ચીવટ અને સુવ્યવસ્થાનો એક અપૂર્વ નમૂનો હતું. એકેએક વાળ પોતાના સ્વસ્થાને લશ્કરી શિસ્તનું પાલન કરતો હતો. જુલફાં ઊડ ઊડ થતાં રાખવાની વિજયચંદ્રની આદત નહોતી. એનું ખમીસ પણ જાણે કોઈ જીવતું જાગતું સાથી હોય તેવી સાચવણી પામતું, શરીર સાથે પૂર્ણ મહોબ્બતથી મેળ ખાતું હતું. એના ધોતિયાનો એક પણ સળ ઉતાવળ, બેપરવાઈ અથવા ‘ઠીક છે, ચાલશે’ એવું ક્ષુદ્ર સંતોષીપણું બતાવતો નહોતો. એક પણ ચરકા કે વાળ વગરની એની હજામત પણ જીવન જીવવાની કળાની સાક્ષી પૂરતી હતી.

એને પોતાની અડોઅડ બેસારીને જમતાં જમતાં મોટા શેઠે ઠીક ઠીક વાતો જાણી લીધી. પિતા-માતા નાનપણથી જ ગુજરી ગયાં છે. પોતે બહેન-બનેવીને ઘેર ઊછર્યો હતો. ટ્યૂશનો કરી કરીને અભ્યાસ આગળ ધકેલ્યો છે. “વચ્ચે બે વાર નોકરી કરવી પડેલી તેથી ભણતર છોડી દીધેલું, નહીંતર તો વીસ વર્ષેં ગ્રૅજ્યુએટ થઈ ગયો હોત. શેઠ મનસુખલાલ બાલાભાઈ તરફથી વિલાયત જનાર છું. તેમના બિઝનેસની એક શાખાની ખિલવણીમાં મારે માટે ‘ફ્યુચર પ્રોસ્પેક્ટસ’ (ભવિષ્યની આશાઓ) છે.”

“વિલાયત કેટલુંક રહેવું પડે તેમ છે?”

“બે’ક વર્ષ.”

“પછી તો દેશમાં જ સ્થાયી થવાના ને?”

“હા જી.”

વિજયચંદ્ર પણ કાઠિયાવાડના ગામનો જ વતની હતો. એના કુળની સાથે તો ઘણી નજીકની સંબંધ-કડીઓ નીકળી પડી. અને મોટા શેઠને જોકે વિજયચંદ્રના કુળનું સ્થાન પોતાના કુળથી ઊતરતું લાગ્યું, છતાં છોકરાનું કરમીપણું તેમના મન પર સજ્જડ છાપ બેસાડી ચૂક્યું.

“આવો, બંગલો તો જોઈએ,” એમ કહી મોટા શેઠે વિજયચંદ્રને જમ્યા બાદ આસપાસ આંટા મારવા માટે સાથે લીધો. વિજયચંદ્રે જેટલા જતનપૂર્વક કોટ અને ટોપી ઉતાર્યાં હતાં તેનાથી વધુ ચીવટ રાખીને પાછાં તે ચડાવી લીધાં. એના ડગલાની બાંય ન જોનારની આંખે પણ ઊડીને વળગે અને અવાજ કરી કરીને જાણે કહેતી લાગે કે ‘જુઓ, છે મારા પર એક પણ કરચલી!’ એટલી બધી એ અકબંધ રહેતી. છતાં ખૂબીની વાત તો એ હતી કે વિજયચંદ્રની આ સુઘડતાં, ટાપટીપ અથવા ઠઠારો, આછકલાઈ અથવા વરણાગિયાવેડા ન લાગે. પ્રયત્નથી માણસ શું નથી કરી શકતો? પરસ્પર વિરોધી જેવી લાગતી છતાં શું એ સાચી વાત નથી, કે માણસની સ્વાભાવિક દેખાવાની સફળતા પણ પ્રયત્નોની જ સિદ્ધિ છે? વિજયચંદ્રની બાબતમાં તો પ્રયત્ને અને ઉદ્યમે જ આ ભાગ ભજવ્યો હતો, નહીંતર એના ગજવામાંથી દેખાતો રૂમાલ રેશમી અને ખુશબોદાર હોવા છતાંય કેમ સભ્યતાનો જરાય ભંગ નહોતો દાખવતો? જોનારને જરાય અરુચિકર તો ન થાય, પણ ઊલટું એમ જ લાગે કે વિજયચંદ્રના ગજવાનો રૂમાલ બરાબર એટલો જ બહાર દેખાવો જોઈએ ને સુગંધિત પણ એટલો જ હોવો જોઈએ. ન હોય તો તેટલું એનું વિજયચંદ્રપણું—એનું વ્યક્તિત્વ—ખંડિત!

આંટા દેતાં દેતાં, આડીઅવળી કૌટુમ્બિક વાતો કરતાં ‘આ બંગલો ખરીદીએ તો તમને કેમ લાગે છે?’ એવો અભિપ્રાય પૂછતા મોટા શેઠ એને બૈરાં બેઠાં હતાં તે ખંડમાં તેડી ગયાં; પોતાની પત્ની સાથે ઓળખાણ પડાવી: “આમનાં ફઈબાને તો તમે સારી પેઠે ઓળખો: તમારા પિયરનાં એ તો નજીકનાં સંબંધી: આપણી ન્યાતમાં તો સામસામાં કેટલાં બધાં સગપણો નીકળી પડે છે! આ ભાઈ મનસુખલાલ બાલાભાઈ શેઠના ખાતા તરફથી વિલાયત જનાર છે” વગેરે.

મોટાં શેઠાણીએ પોતાનું મોં ઊંચું કરીને વિજયચંદ્રને જોઈ લીધો. જોયા પછી તેની આંખો પતિ તરફ જ રહી. ચકળવકળ ચારે બાજુ આંખો નચાવવાની એને ટેવ નહોતી. નિ:સંતાન હોવાથી એનું નારીરૂપ ચાલીસ વર્ષે પણ ત્રીસથી વધુ કળાવા દેતું નહીં. ગરવું માનવી કેવું હોય એનો કોઈ જીવતો આદર્શ બતાવવા માટે સૈકાઓ સુધી સાચવી રાખવાનું મન થાય, ને મૂઆ પછી મસાલા ભરીને પણ એ દેહનું જતન જરૂરી લાગે, એ આ સ્ત્રીને જોનારના મનને સ્વાભાવિક હતું.

“ક્યાં ગઈ સુશીલા?” મોટા શેઠે વાતમાં ને વાતમાં સહજ લાગે તેમ પૂછી લીધું. પણ વિજયચંદ્ર, મોટાં શેઠાણી, લાજ કાઢીને બેઠેલાં નાનાં શેઠાણી, તેમ જ બાજુની ઓસરીમાં ઊભેલી સુશીલા, વગેરે બધાં આ ખબર પૂછવાનો ને આ પારકો બંગલો બતાવવા માટે પરોણાને છેક સ્ત્રીઓની બેઠક સુધી લઈ આવવાનો શેઠનો મનોભાવ સમજી ગયાં હતાં.

“આ રહી.” સુશીલા જ્યાં હતી ત્યાંથી બોલી.

“કાં બહેન, ત્યાં કેમ ઊભી છો? આંહીં આવ ને! તું જમી? કેટલા વાટકા રસ પીધો? રસ ખાવે તો સાવ નાદાર છે સુશીલા!”

દરમ્યાન સુશીલા જરા પણ શરમિંદી બન્યા વગર ઓરડામાં આવીને ઊભી હતી. એને જોયા પછી મોટાં શેઠના મનમાં એટલો તો વસવસો રહી ગયો કે અરધા કલાક પહેલાંના રુદનવાળું મોં સુશીલાએ ધોઈ નાખ્યું હોત તો ઠીક થાત. બેશક, વિજયચંદ્રની આંખોએ તો ધોયેલા મોં કરતાં આસુંવાળું મોં જ વધુ સોહામણું માન્યું. વિજયચંદ્ર નાની વયમાં પણ એટલું તો સૌંદર્યશાસ્ત્ર સમજી ચૂક્યો હતો કે નારીરૂપને સદાકાળ નવપલ્લવિત રાખવા માટે જ પ્રકૃતિએ એની આંખો પાછળ અખૂટ અશ્રુ-ટાંકાં ઉતાર્યાં છે.

છેક સાંજે ઉજાણી વીખરાઈ ત્યારે વિજયચંદ્રને શેઠે મોટરમાં સાથે લીધો. એ શોફરની બાજુમાં બેઠો. પોતાની પછવાડે મોટાં શેઠશેઠાણી તથા બેઉ વચ્ચે સુશીલા બેઠી છે એ પોતે પાછળ જોયા વિના પણ જાણી લીધું. મોટા શેઠે વિજયચંદ્રના ગળામાં આખે રસ્તો વાતોનો ગાળિયો નાખીને પોતાની તરફ જ જોઈ રાખવાની મીઠી ફરજ પાડી હતી. મોટા શેઠ તરફ મંડાયેલી એની આંખોને સુશીલા તરફ નિહાળવા માટે જરા ત્રાંસી પણ થવાની જરૂર નહોતી; તેમ છતાં એ શાણો જુવાન સીધી લીટીથી એક દોરાવા પણ દૃષ્ટિને ચાતર્યા વગર આખે માર્ગે એક શેઠની જ સામે જોઈ રહ્યો. કેટલાકને ત્રાટક-વિદ્યા સ્વાભાવિકપણે વરેલી હોય છે.

રસ્તામાં એને સર પી. ને બંગલે જવાનું હતું એમ પોતે કહ્યું હતું, એટલે શેઠે ગાડીને મલબાર હિલનો ચકરાવો લેવરાવીને પણ એના કહ્યા મુજબ ઉતારી મૂક્યો. વિદાય લેતાં કહ્યું: “કોઈક વાર રાતને વખતે નિરાંતે આવતા રહેજો, વ્યાપારની વાતો કરશું.”

પછી મોટા શેઠે માર્ગમાં પત્નીને કહ્યું: “આજની મારી ઉજાણી તો કડવી ઝેર થઈ જાત, જો આ માણસ ન આવ્યો હોત તો. કાંઈ જેવો તેવો ગજબ કરી નાખ્યો છે એ કમજાતના પેટનાએ!”

સુશીલા બીજી જ બાજુ જોઈ ગઈ હતી, તેમ ભાભુએ પણ પતિને જવાબ ન આપવામાં જ ઘર સુધીની મુસાફરીની સલામતી માની મૌન સેવ્યું હતું. ધણીને બોલવું હતું તેટલું બધું જ બહાર ન આવી શક્યું. વાર્તાકાર હોંકારો મળ્યા વગર હતોત્સાહ બની ગયો.

સુશીલાની મોટર જ્યારે ઘેર પહોંચી ગઈ હતી, અને વિજયચંદ્રના ખમીસનો કોલર જ્યારે મલબાર હિલના શીતળ પવનહિલોળામાં પોતાની પાંખો હલાવતો હતો, ત્યારે પ્રાણજીવન વગેરે દુકાન-ગુમાસ્તાઓની મોકળી મશ્કરીઓના માર ખાતો સુખલાલ હજુ તો ત્યાંનો ત્યાં ઉજાણીનાં ઠામડાં ગણતો, છરી-ચપ્પાને કોથળામાં નાખતો, વધેલાં તેલ-ઘી અને મીઠું-મસાલા પાછાં ભરી લેતો દોડાદોડ કરતો હતો. કેમ કે રસોયાઓ પોતાના કામથી પરવારી ગયા પછી પાનતમાકુ ખાવાનો તેમ જ સૂવાનો હક ભોગવતા હતા. પ્રાણજીવન પોતાની હવે પછીની ફરજ સૂતો સૂતો સૂચનાઓ આપવા પૂરતી જ સમજતો હતો. પ્રાણજીવન સિવાયના પણ ઘણાખરાએ એમ જ કહી દીધું કે “આખરે તો આ બધો સ્વારથ સુખલાલ મે’તાનો જ છે; ઠામડાં-ડબલાંની માલિકી એમની છે, અમારી નથી. એક પવાલું પણ આઘુંપાછું થશે ને નાનાં શેઠાણી હાજરી લઈ નાખશે, તો સુખલાલ મે’તા! અમે તો કહી દેશું કે તમારા જમાઈને ભળાવ્યું હતું.”

સાંજે સરંજામ ખટારામાં ભરીને સૌ દુકાનવાળા મુંબઈ ઊપડી ગયા, તે પછી ત્રીજે જ દિવસે શનિવાર આવ્યો.

એ શનિવારની અધરાતે સુખલાલના મગજનો કૂપો એકાએક ફૂટી ગયો અને બહોળી નાખોરી ફૂટી.

—ને એ હરકિશનદાસ હોસ્પિટલમાં પહોંચતો થયો.

***