કુરબાનીની કથાઓ
રવીન્દ્રનાથ ટાગોર
અનુવાદ: ઝવેરચંદ મેઘાણી
કર્ણનું બલિદાન
કુંતી : તું કોણ છે, તાત? આંહીં શું કરે છે?
કર્ણ : પવિત્ર ગંગાને કિનારે, સંધ્યાના સૂર્યને હું વંદી રહ્યો છું. મારું નામ કર્ણ: અધિરથ સારથિનો હું પુત્ર: ને રાધા મારી જનેતા. બોલો, માડી! કોણ છો તમે?
કુંતી : બેટા! હું એ જ, કે જેણે મારા જીવનને પહેલે પ્રભાતે તને પૃથ્વીનાં દર્શન કરાવ્યાં. લાજમરજાદ મેલીને આજ હું મારી ઓળખાણ દેવા આવી છું.
કર્ણ : કાંઈ સમજાયું નહિ, માતા! તો યે તમારી આંખોનાં કિરણો અડયે મારું યોદ્ધાનું હૃદય, સૂર્યનાં કિરણોને સ્પર્શે બરફનો પહાડ દ્રવી પડે એવી રીતે ગળી પડે છે. અને તમારો અવાજ તો જાણે મારા આગલા જન્મોમાંથી આવીને અંતરમાં કોઈ અકળ નવી વેદના જગાડે છે. બોલો, બોલો, હે અપરિચિતા! મારા જન્મની એવી કઈ રહસ્ય-ગાંઠ તમારી સાથે બંધાયેલી છે?
કુંતી: ઘડીવાર ધીરો થા, બેટા! સૂર્યને આથમી જવા દે. સંધ્યાનાં ઘોર અંધારાં સંસાર પર ઉતરવા દે. પછી બધુંયે કહીશ. મારું નામ કુંતી.
કર્ણ : તમે કુંતી? અર્જુનની જનેતા?
કુંતી : હા! અર્જુનની – તારા વેરીની – હું જનેતા. પણ એ જ કારણે તું મને તરછોડતો ના. હજીયે મને સાંભરે છે હસ્તિનાપુરમાં એ અસ્ત્રપરીક્ષાનો દિવસ. તારાઓની મંડળીમાં જેમ અરુણ ચાલ્યો તેમ રંગભૂમિની મેદિની વચ્ચે તું તરુણકુમાર જ્યારે દાખલ થયો, ત્યારે સ્ત્રીઓના ચકની પાછળ શું શું ચાલી રહેલું? એ બધી રમણીઓના વૃંદની વચ્ચે કોણ એ અભાગણી બેઠેલી કે જેના જર્જરિત હૈયામાં પ્રીતિની હજારો ભૂખી નાગણીઓ જાગતી હતી? કોણ હતી એ નારી, જેની આંખોએ તારાં અંગેઅંગને આશિષોનાં ચુંબન આપેલાં? બેટા! એ બીજી કોઈ નહિ, પણ તારા વેરી અર્જુનની જ આ માતા હતી.
પછી કૃપે આવીને તારા પિતાનું નામ પૂછયું. `રાજવંશી વિના અર્જુન સાથે ઝૂઝવાનો કોઈનો અધિકાર નથી' એવું મેણું દીધું. તારા લાલચોળ મોંમાંથી વાચા ન ફૂટી; સ્તબ્ધ બનીને તું ઉભો રહ્યો. એ સમયે કોણ હતી એ નારી કે જેના અંતરમાં તારી એ શરમે બળતરાના ભડકા સળગાવેલા! બીજી કોઈ નહિ. પણ એ અર્જુનની જ જનેતા. ધન્ય છે દીકરા દુર્યોધનને કે જેણે એ જ ક્ષણે તને અંગરાજની પદવી અર્પી. ધન્ય છે એને! કોની આંખોમાંથી એ પળે આંસુ વછૂટયાં હતાં? અર્જુનની માતામાં જ એ હર્ષાશ્રુ હતાં. એવે સમે અધિરથ સારથિ રંગભૂમિ ઉપર રસ્તો કરતા કરતા હરખાતા હરખાતા દાખલ થયા. દોડીને તેં એને `બાપુ' કહી બોલાવ્યા; અભિષેકથી ભીનું તારું માથું તેં એ વૃદ્ધ સારથિને ચરણે નમાવ્યું. આખી સભા તાજ્જુબ બનીને તાકી રહી પાંડવોએ ક્રૂર હાંસી કરીને તને ધિક્કાર દીધો. તે સમે કોનું હૈયું ગર્વથી ફુલાયેલું? કોણે તને વીરમણિ કહીને આશિષો દીધી? એ પ્રેમઘેલી નારી હું – હું અર્જુનની જનેતા – હતી, દીકરા!
કર્ણ : આર્યા! મારા પ્રણામ છે તમને. પણ તમે તો રાજમાતા. તમે આંહીં એકલાં ક્યાંથી? જાણતાં નથી કે આ રણક્ષેત્ર છે, ને હું કૌરવોનો સેનાપતિ છું?
કુંતી : જાણું છું, બાપ! પણ હું એક ભિક્ષા માગવા આવી છું. જોજે હો, ઠાલે હાથે પાછી ન વળું!
કર્ણ : ભિક્ષા! મારી પાસે? ફક્ત બે ચીજો માગશો મા, માતા! એક મારું પુરુષત્ત્વ: બીજો મારો ધર્મ. ત્રીજી ગમે તે આજ્ઞા કરો, ચરણોમાં ધરી દઈશ.
કુંતી : હું તને જ લઈ જવા આવી છું.
કર્ણ : ક્યાં લઈ જશો મને?
કુંતી : તૃષાતુર આ હૃદયની અંદર, જનેતાના આ ખોળામાં.
કર્ણ : ભાગ્યવતી નારી! તમને તો પ્રભુએ પાંચ-પાંચ પુત્રો દીધા છે; એમાં મારું, એક કુલહીનનું, પામર સેનાપતિનું, સ્થાન ક્યાંથી હોય?
કુંતી : એ પાંચેયથી તને ઊંચે બેસાડીશ, સહુથી મોટેરો કરી માનીશ.
કર્ણ : તમારા ઘરમાં પગ મૂકવાનો મારો શો અધિકાર? એક તો તમારા પુત્રોનું રાજપાટ ઝૂંટાયું, અને હવે બાકી રહેલા એમના માતૃપ્રેમમાંયે શું હું પાછો ભાગ પડાવું? જનેતાનું હૃદય બાહુબળથીયે કોઈ ન ઝૂંટવી શકે. એ તો પ્રભુનું દાન છે.
કુંતી : રે બેટા! પ્રભુનો અધિકાર લઈને જ તું એક દિવસ આ ખોળામાં આવેલો; આજ એ જ અધિકારને બળે તું પાછો આવ; નિર્ભય બનીને ચાલ્યો આવ. જનેતાના ખોળામાં આસન લઈ લે.
કર્ણ : હે દેવી! જાણે કોઈ સ્વપ્નમાં બોલતું હોય એવી તમારી વાણી છે. જુઓ, જુઓ ચોમેર અંધારા ઉતરે છે, દિશાઓ ઢંકાઈ ગઈ છે, ભાગીરથીનાં નીર ચુપચાપ ચાલ્યાં જાય છે. કયા એ માયાવી લોકની અંદર, કયા એ વિસારે પડેલ પ્રદેશમાં બાલ્યાવસ્થાના કયા એ પ્રભાતની અંદર તમે મને ઉપાડી જાઓ છો? જુગાન્તરજૂના કોઈ સત્ય સમી તમારી વાણી આજે મારા અંતરની સાથે અથડાય છે. ઝાંખી ઝાંખી મારા બાલ્યાવસ્થા જાણે મારી સામે આવીને ઉભી છે. જનેતાના ગર્ભનું એ ઘોર અંધારું જાણે મને ઘેરીને ઉભું છે. રે રાજમાતા! એ બધું સત્ય હો, કે કેવળ ભ્રમણા હો, પણ આવો, સ્નેહમયી! પાસે આવો. અને પલવાર તમારો જમણો હાથ મારે લલાટે ચાંપો. જગતને મોંયે મેં સાંભળ્યું છે કે મારી માએ મને રઝળતો મૂકેલો, રાત્રિએ સ્વપ્નમાં કેટકેટલીવાર મેં જોયું છે કે મારી મા મને મળવા આવે, રડીરડીને એને કહું: `મા! ઓ મા! ઘૂમટો ખોલો; મોઢું બતાવો – ત્યાં તો સ્વપ્નને છિન્નભિન્ન કરીને મા અદૃશ્ય બની જાય. આજે આ સંધ્યાકાળે, આ રણક્ષેત્રની અંદર, આ ભાગીરથીને કિનારે શું એ જ મારી સ્વપ્નની માતા કુંતીનું રૂપ ધરીને આવી હશે? નજર કરો, મા! સામે કિનારે તો જુઓ! કૌરવોની અશ્વશાળામાં લાખ લાખ અશ્વોના ડાબલા ગાજી રહ્યા છે. કાલે પ્રભાતે તો મહાયુદ્ધ મંડાશે. અરેરે! આજ છેલ્લી રાત્રિએ, આટલો મોડો, મારી માતાનો મધુરો અવાજ મેં અર્જુનની જનેતાને મુખે કાં સાંભળ્યો? એના મોંમાં મારું નામ આટલું મીઠું તે કાં સંભળાય? આજ મારું અંતર `ભાઈ ભાઈ' પોકારતું પાંચ પાંડવોની પાછળ કાં દોડી રહ્યું છે?
કુંતી : `ત્યારે ચાલ્યો આવ, બેટા! ચાલ્યો આવ.
કર્ણ : આવું છું. મા! કશુંયે પૂછીશ નહિ. લગારે વહેમ નહિ લાવું. જરાયે ફિકર નહિ કરું. દેવી! તમે જ મારી માતા છો, તમારો સાદ પડતાં તો પ્રાણ જાગી ઉઠયો છે. આજ યુદ્ધનાં રણશિંગાં નથી સંભળાતાં. મનમાં થાય છે કે મિથ્યા છે એ ઘોર હિંસા, મિથ્યા છે એ કીર્તિ, એ જય ને એ પરાજય. ચાલો, તેડી જાઓ; ક્યાં આવું?
કુંતી : સામે કિનારે જ્યાં ઝાંખી ઝાંખી રેતી ઉપર દીવા બળે છે ત્યાં.
કર્ણ : ત્યાં મારી ખોવાયેલી માતા શું મને પાછી જડશે? તમારાં સુંદર કરુણાળુ નયનોની અંદર ત્યાં શું માતૃસ્નેહ સદાકાળ ઝળકી રહેશે? બોલો દેવી! ફરી એક વાર બોલો, કે હું તમારો પુત્ર છું.
કુંતી : તું મારો વહાલો પુત્ર!
કર્ણ : ત્યારે તે દિવસે શા માટે મને આ અંધ અજાણ્યા સંસારમાં ફેંકી દીધેલો? શા માટે મારું ગૌરવ ઝૂંટવી લીધું. મને કુળહીન કરી નાખ્યો, માનહીન ને માતૃહીન બનાવ્યો? સદાને માટે મને ધિક્કારના પ્રવાહમાં શાને વહેલો મેલ્યો? કુળમાંથી મને કાં કાઢી મેલ્યો? અર્જુનથી મને શા સારુ અળગો રાખી મૂક્યો? એટલે જ, ઓ માતા! નાનપણથી જ કોઈ નિગૂઢ અદૃશ્ય ખેંચાણ, હિંસાનું રૂપ ધરીને મને અર્જુનની પ્રત્યે ખેંચી રહ્યું છે. જવાબ કાં નથી દેતાં, જનની? અંધકારનાં પડો ભેદીને તમારી શરમ તમારા અંગેઅંગને ચુપચાપ અડકી રહી છે, મારી આંખોને દબાવી રહી છે. ભલે, તો પછી ભલે, બોલો ના કે શા માટે તમે તમારા સંતાનના હાથમાંથી જનેતાનો પ્રેમ ઝૂંટવી લીધો! જનેતાનો પ્રેમ: દુનિયાની અંદર પ્રભુનું એ પહેલવહેલું દાન: દેવતાની એ અણમોલી દૌલત! હાય, એ જ તમે છીનવી લીધી! તો પછી બોલો: ફરીવાર મને ખોળામાં લેવા આજ શા કારણે આવ્યાં છો, માડી?
કુંતી: બેટા, વજ્ર સમાં એ તારાં વેણ મારા હૈયાના ચૂરા કરી રહ્યાં છે. તને તજેલો એ પાપે તો પાંચ-પાંચ પુત્રો છતાંયે મારું હૈયું પુત્રહીન હતું. હાય રે! પાંચ પુત્રો છતાંયે સંસારમાં હું! `કર્ણ!' `કર્ણ!' કરતી ભટકતી હતી. તરછોડેલા એ પુત્રને કાજે તો, રે તાત, હૈયામાં વેદનાની જ્યોત સળગાવી હું દેવતાની આરતી ઉતારતી આવી છું! આજ મારાં ભાગ્ય ઉઘડયાં તે તું મને મળ્યો. તારે મોંયે હજુ તો વાચાયે નહોતી ફૂટી ત્યારે મેં તારો અપરાધ કરેલો, બેટા! એ જ મોંયે આજ તું તારી અપરાધી માડીને માફી આપજે. તારા ઠપકાના વેણથીયે વધુ તાપ તો તારી એ ક્ષમા મારે અંતરે સવગાવશે, અને મારા પાપને પ્રજાળી મને નિર્મળ બનાવશે.
કર્ણ : માતા! ચરણરજ આપો. ને મારાં આંસુ સ્વીકારો.
કુંતી : તને છાતીએ ચાંપીને મારું સુખ લેવા હું નથી આવી, પણ તારા અધિકાર તને પાછા સોંપવા આવી છું, વહાલા! તું સારથિનું સંતાન નથી: તું રાજાનો કુમાર છે, તાત! બધી હીનતાને ફેંકી દે. ચાલ્યો આવ. પાંચેય ભાઈ તારી વાટ જુએ છે.
કર્ણ : ના, ના, માડી! હું તો સારથિનું જ સંતાન. રાધા મારી સાચી જનેતા. એનાથી મોટું પદ મારે ન ખપે. પાંડવોનાં માવતર પાંડવોને મુબારક હો! કૌરવોનું કુલાભિમાન ભલે કૌરવ પાસે રહ્યું. મને કોઈની ઈર્ષા નથી, માતા!
કુંતી : તારું જ રાજ્ય હતું. બાહુબળ બતાવી બાપનું રાજ્ય મેળવી લે ને! યુધિષ્ઠિર તને ચામર ઢોળશે, ભીમ તારે મસ્તકે છત્ર ધરશે, અર્જુન તારા રથનો સારથિ થશે, પુરોહિત વેદના મંત્રો ગાશે. શત્રુઓને જીતી ચક્રવર્તીને સિંહાસને ચડી જા, બેટા!
કર્ણ : સિંહાસન! જેણે જનેતાના અમોલા સ્નેહને નકાર્યો તેને તમે તુચ્છ સિંહાસનની લાલચ આપી રહ્યાં છો, દેવી! એક દિવસ મારી જે દૌલત – મારો રક્ત-સંબંધ – તમે ઝૂંટવી લીધેલ છે, તે આજ તમારાથી પાછી નહિ દેવાય. મારી માતા, મારાં ભાંડુઓ, મારો રાજવંશ – પલકમાં તો એ બધાંને તમે મારા જન્મને ટાણે જ સંહારી નાંખ્યાં છે. હવે એ ગરીબ માવતરને છોડીને હું આજે રાજસિંહાસન લેવા દોડું, તો કોટિ કોટિ ધિક્કાર હજો મને મિત્રદ્રોહીને!
કુંતી : તું સાચો વીર, બેટા! ધન્ય છે તને! હાય રે કર્તવ્ય! તારી શિક્ષા તે શું આવી વસમી! તે દિવસે – અરેરે, તે કમનસીબ દિવસે – કોણ જાણતું હતું કે માતાએ રઝળતો મેલેલો નિરાધાર બાળક આવો બળિયો બનશે, ને હાથમાં ખડગ લઈને પોતાના સગા બાંધવોને જ સંહારવા અંધકારને માર્ગેથી એક દિવસ અચાનક ઝબકશે? હાય રે, આવો તે શો પાપ?
કર્ણ : નિર્ભય રહેજો, માડી! વિજય આખરે પાંડવોનો જ થવાનો છે. આ ઘોર સંગ્રામનું પરિણામ આકાશમાં લખાઈ ચૂક્યું છે. આ શાંત રાત્રિએ પણ નભોમંડળમાંથી નિરાશાના અને પરાજયના જ પડઘા સંભળાય છે. અમારી હાર હું તો જોઈ જ રહ્યો છું. જે પક્ષનો પરાજય થવાનો છે એ પક્ષને તજવાનું મને કહેશો ના, માડી! ભલે પાંડવો જીતે ને રાજા બને, હું તો એ હારનાર પક્ષમાં જ પડયો રહીશ. મારા જન્મની રાત્રિએ જે રીતે તમે મને ધૂળમાં રઝળતો મૂકેલો, નનામો ને ગૃહહીન બનાવેલો, આજે એ જ રીતે મનના મોહ મારીને, ઓ માડી, મને આ અંધારા અને અપકીર્તિકારક પરાભવમાં રઝળતો મેલી દો! માત્ર એટલો જ આશીર્વાદ દેતાં જજો, ઓ જનેતા, કે વિજય, કીર્તિ અથવા રાજની લાલચે હું શૂરાનો માર્ગ કદાપિ ન છોડું!
***