કુરબાનીની કથાઓ
રવીન્દ્રનાથ ટાગોર
અનુવાદ: ઝવેરચંદ મેઘાણી
1 - શ્રેષ્ઠ ભિક્ષા
2 - ફૂલનું મૂલ
***
1 - શ્રેષ્ઠ ભિક્ષા
`શ્રાવસ્તી નગરીનાં ઓ નરનારીઓ! જાગો છો કોઈ? આંખો ઉઘાડશો? બુદ્ધ પ્રભુને માટે હું ટહેલ નાખી રહ્યો છું. ભિક્ષા આપશો?'
આખી નગરી નિદ્રામાં પડેલી છે. શ્રાવસ્તીપુરીની ગગનઅડતી અટારીઓ ઉપર પરોઢિયાની ઝાંખી પ્રભા રમે છે. દેવાલયોમાં વૈતાલિકોનાં પ્રભાતગાન હજુ નથી મંડાયાં. સૂર્ય ઉગશે કે નહિ ઉગે, એવા સંદેશથી કોયલ હજુ ધીરુંધીરું જ ટહુકી રહી છે.
એ કોણ છે? આવા વખતે, આથમી જતા તારાઓના ઝાંખા પ્રકાશમાં નગરીના માર્ગેમાર્ગે અને શેરીએ શેરીએ એ કોણ ટેલી રહ્યું છે? મેઘગર્જના સમાન એ કોનું ગળું ગુંજે છે?
એ તો શ્રી બુદ્ધપ્રભુનો શિષ્ય: ભિખ્ખુ અનાથપિંડદ.
સૂતેલાં સ્ત્રી-પુરુષો એ સૂર સાંભળી સળવળ્યાં; સંન્યાસીનો સાદ કાન માંડી સાંભળ્યો. ભિખ્ખુએ ફરી પોકાર્યું: `સુણો, ઓ લોકસંઘ! વર્ષાની વાદળીઓ પોતાના દેહપ્રાણ ગાળીગાળીને જગતમાં જળ આપે છે. ત્યાગધર્મ એ જ સકળ ધર્મનો સાર છે. ઓ ભાવિક જીવો!'
કૈલાસના શિખર પરથી દૂરદૂર સંભળાતી, ભૈરવોના મહાસંગીત સમી એ ભિખ્ખુની વાણી પ્રભાતની કાગાનીંદરમાં પોઢેલાં લોકોને કાનેકાને ગંુજવા લાગી.
સૂતેલાં સ્ત્રી-પુરુષો બેઠાં થયાં. રાજા જાગીને વિચાર કરે છે કે વ્યર્થ છે આ રાજદૌલત: ગૃહસ્થો ભાવે છે, કે મિથ્યા છે આ આળપંપાળ: ને કોમળ દિલની રાણીઓ તો દિલમાં દ્રવી જઈ અકારણ આંસુડાં પાડી રહી છે. ભોગીજનો ભાવી રહ્યા છે, કે ઓહ! આ અમનચમન આખરે તો કેવાં છે! ગઈ રાતે પહેરેલી ફૂલમાળાનાં પ્રભાતે છુંદાયેલા સુકાયેલાં ફૂલો જેવાં જ ને!
ઊંચીઊંચી અટારીઓનાં દ્વાર ઉઘડયાં. આંખો ચોળીને સહુ અંધારા પંથ ઉપર કૌતુકથી નિહાળી રહ્યાં: સૂના રાજમાર્ગ ઉપર એક નિદ્રાહીન ભિખારી ઝોળી ફેરવતો, `જાગો! ભિક્ષા આપો!' એવા સવાલ નાખતો એકલો ચાલ્યો જાય છે.
ઓહો! આ તો પ્રભુને દાન દેવાની સુભાગી ઘડી: એ ઘડી કોણ અભાગી ભૂલે?
રમણીઓએ મુઠ્ઠીઓ ભરીભરીને રત્નો વેર્યાં: કોઈએ કંઠના આભૂષણો તોડીતોડી ફેંક્યાં, તો કોઈએ વેણીનાં મોતી ચૂંટી ચૂંટી ધરી દીધાં; લક્ષ્મીના વરસાદ વરસ્યા. વસ્ત્રાભૂષણોથી રાજમાર્ગ છવાઈ ગયો.
પરંતુ ભિખ્ખુનો પોકાર તો ચાલુ જ રહ્યો: `ગૌતમ પ્રભુ માટે ભિક્ષા આપો!' તે ચાલ્યો. આભૂષણો અને લક્ષ્મીનાં પૂર વચ્ચે થઈને તે ચાલ્યો. તેનું પાત્ર તો ખાલી જ હતું.
ઓ અજબ ભિખ્ખુ! તને શાની ભૂખ રહી છે? તારે શું જોઈએ છે? પ્રભુની શી ઇચ્છા છે?
`નગરીનાં ઓ નરનારીઓ! તમારો પ્રબુ મણિમુક્તાનો ભૂખ્યો ન હોય; તમારો પ્રભુ સુંદર વસ્ત્રાભૂષણો ન વાંચ્છે. ફકીરોના પણ એ ફકીરની ભૂખ અનેરી છે, એને તો તમારું સર્વશ્રેષ્ઠ દાન જોઈએ છે.'
ચકિત બનેલાં નરનારીઓ નિ:શ્વાસ નાખતાં નિહાળી રહ્યાં. બુદ્ધ પ્રભુનો ભિખ્ખુ ખાલી ઝોળી સાથે નગરનો દરવાજો વટાવી ગયો. નિર્જન અરણ્યમાં પણ જાણે વનચરોને, પશુ-પક્ષીઓને, વૃક્ષને સંભળાવતો હોય તેમ તે પોકારતો જ રહ્યો : ગોતમ પ્રભુને માટે ભિક્ષા આપો!
ધોમ મધ્યાહ્ન તપી રહ્યો હતો તે ટાણે આ નિર્જન અરણ્યમાં કોણ બોલ્યું? કોણે ઉત્તર આપ્યો? ત્યાં જુઓ – એક કંગાળ સ્ત્રી ભોંય ઉપર સૂતી છે. એને અંગે નથી આભૂષણ, નથી ઓઢણી; એના દેહ ઉપર એક જ વસ્ત્ર વીંટેલું છે. ક્ષીણ કંઠે એ બોલી : `હે ભિક્ષુ! ઉભા રહેજો. એ દેવના પણ દેવને આ રંક નારીની આટલી ભેટ ધરજો.'
એમ કહેતી એ નારી પાસેના ઝાડની ઓથે ભરાઈ ગઈ, અને ઝાડની પાછળ પોતાના આખા દેહને સંતાડી એણે માત્ર હાથ બહાર કાઢયો. એ હાથમાં શું હતું! તેના નગ્ન શરીરને ઢાંકનારો પેલો એકનો એક ટુકડો.
ફાટેલું વસ્ત્ર એણે ભિખ્ખુની ઝોળીમાં ફગાવ્યું.
`જય હો! જગત આખાનો જય હો! મહાભિખ્ખુનું હૃદય આજે ધરાવાનું. આજે ગૌમતનો અવતાર સફળ થયો. જય હો, ઓ જગજ્જનની!'
જૂના ને ફાટેલા એ વસ્ત્રને શિર ઉપર ઉઠાવી, બુદ્ધ દેવના ખોળામાં ધરાવવા માટે ભિખ્ખુ ચાલ્યો ગયો.
***
ફૂલનું મૂલ
શિયાળાના દિવસો હતા. કડકડતી શીતમાં ફૂલો સુકાઈ ગયેલાં. કુંજોમાં અને બગીચામાં ફૂલઝાડ બધાં શિશુહીન માબાપ જેવાં ઉદાસ ઉભાં હતાં.
પણ પેલું સરોવર કોનું? એ સરોવર વચ્ચોવચ એક કમળ ઉઘડેલું છે. એ તો સુદાસ માળીનું સરોવર. એવું ફૂલ તો વસંતમાં યે ન ખીલે.
સુદાસ આનંદથી છલકાઈ ઉઠયો. એના મનમાં થયું કે `રાજાજીને આજે આ ફૂલ ભેટ કરી આવીશ. ફૂલોના શોખીન રાજાજી આજે અકાળે આ કમળ જોઈને મને મોંમાગ્યાં મૂલ આપશે.'
વાયુનો એક હિલોળો વાયો; કમળે જાણે ખુશખુશાલ બનીને છેલ્લો હીંચકો ખાધો; માથા ઉપરથી એક કોયલ ટહુકતી ગઈ; માળીએ માન્યું કે મંગળ શુકન થયાં.
સહસ્ત્ર પાંખડીનું એ ફૂલ લઈને સુદાસ રાજમહેલની સામે વાટ જોઈ ઉભો છે; રાજાજીને સમાચાર કહેવરાવ્યા છે. હમણાં જ રાજા બોલાવશે. મૂલનો લોભી સુદાસ એ ફૂલને શી શી જતના કરી રહ્યો હતો! એની પાંખડી ઉપરથી ઝાકળનું એક બિન્દુ પણ સુદાસે ન પડવા દીધું.
એટલામાં જ રસ્તે એક આદમી નીકળ્યો. કમળને જોતોજોતો એ પુરુષ પાસે આવ્યો. સુદાસને પૂછ્યું : `ફૂલ વેચવાનું છે?'
`રાજાજીને ધરવાનું છે.' સુદાસે ટૂંકો ઉત્તર દીધો.
`મારે તો રાજાના પણ રાજાજીને ધરવા મન છે. આજે બુદ્ધદેવ પધાર્યા છે. બોલો, શું દામ લેશો?'
`પણ હું એક માષા* સુવર્ણની આશા કરીને નીકળ્યો છું.'
`કબૂલ છે.'
ત્યાં તો નોબત ગડગડી. શરણાઈનો સૂર આવ્યો. કુંકુમચંદનના થાળ માથે મેલીને રમણીઓનું વૃંદ ગીતો ગાતું ચાલ્યું આવે છે. રાજા પ્રસેનજિત પગે ચાલતા બુદ્ધદેવનાં દર્શને ઉપડયા છે. નગરની બહાર પ્રભુ ગૌમત પધાર્યા છે.
કમળ જોઈને રાજા હર્ષ પામ્યા. મનમાં થયું કે પ્રભુના પૂજનમાં આજે પુષ્પની ઉણપ હતી તે પૂરી થશે. રાજાજીએ પૂછ્યું : `ફૂલનું શું લઈશ, સુદાસ?'
* સોનું તોળવાનું પ્રાચીન કાલનું માપ.
સુદાસ કહે : `મહારાજ! ફૂલ તો આ સજ્જને રાખી લીધું.'
`કેટલી કિંમતે?'
`એક માષા સુવર્ણ.'
`હું દસ માષા દઉં.'
રાજાજીને માથું નમાવીને પેલો પુરુષ બોલ્યો : `સુદાસ! મારા વીસ માષા.'
રાજાજીનું મોં પડી ગયું. તેમનું હૃદય જરા દુભાયું. પેલો પુરુષ બોલ્યો : `મહારાજ! હું અને આપ બન્ને પ્રભુ બુદ્ધના દર્શને ચાલ્યા છીએ. મારે પણ આ પુષ્પ પ્રભુના ચરણે જ ધરવાનું છે. આ પુષ્પને માટે આજ આંહીં આપણે રાજા-પ્રજારૂપે નથી ઉભા, બે ભક્તોરૂપે ઉભા છીએ. રોષ કરશો મા, હે સ્વામી! આજે ભક્તિનાં પૂર દુનિયાદારીની મર્યાદા માનતાં નથી.'
હસીને રાજાજી બોલ્યા : `ભઉતજન! હું રાજી છું. સુખેથી માગણી કરો. તમે વીસ માષા કહ્યા, મારા ચાળીશ.'
`તો મારા....'
એટલું બોલવા જાય ત્યાં તો સુદાસ બોલી ઉઠયો: `માફ કરજો, મહારાજ! માફ કરજો સજ્જન! મારે આ ફૂલ વેચવું જ નથી.' એટલું કહીને તેણે દોટ મૂકી. બન્ને ભક્તો ચકિત નજરે જોઈ રહ્યો.
સુદાસ માળી ફૂલ લઈને નગર બહાર નીકળ્યો. એકલો ઉભોઉભો એ વિચાર કરે છે કે જે બુદ્ધદેવને ખાતર આ ભક્તો આટલું દ્રવ્ય ખરચે, એ પુરુષ પોતે કેટલા ધનવાન હશે! કેટલા દિલાવર હશે! એને જો આ ફૂલ આપું તો મને કેટલું બધું દ્રવ્ય મળશે!
પદ્માસન વાળીને વડલાની છાંયે બુદ્ધ બેઠા છે. ઉજ્જવલ લલાટ: મોં પર આનંદ: હોઠમાંથી સુધા ઝરે છે: આંખમાંથી અમી ટપકે છે: જેવો વાદળાંનો ઘેરો ગંભીર ઘરઘરાટ એવો જ તપસ્વીની વાણીનો નિર્મળ નાદ છે.
સુદાસ સ્તબ્ધ બનીને ઉભો. એના મોંમાંથી ઉચ્ચાર પણ નથી નીકળતો. એ તો જોઈ રહ્યો છે પેલા સાધુ સામે.
ભોંય ઉપર બેસીને સુદાસે એ પરમ તપસ્વીના પગ આગળ કમળ ધરી દીધું. વડલાની ઘટામાંથી પંખીઓએ ગાન કર્યું; વાયુની એક લહરી વાઈ; કમળની પાંદડીઓ ફરીફરીને હસવા લાગી. સુદાસને શુકન ફળ્યાં.
હસીને બુદ્ધે મીઠે સ્વરે સવાલ કર્યો: `હે વત્સ! કાંઈ કહેવું છે? કાંઈ જોઈએ છે?'
ગદ્ગદ્ સ્વરે માળી બોલ્યો : `બીજું કંઈયે નહિ, તમારી ચરણરજની માત્રે એક જ કણી.'
***