પ્રણયનું પ્રાગટ્ય
બિપીન એન પટેલ
1
કવિની કલમેથી....
મિત્રો, શબ્દ રૂપી નાવડી અને લાગણી રૂપી હલેસા લઈ આ સાહિત્યનાં મહાસાગરમાં સફરની શરૂઆત કરી છે. અનુભવ રૂપી મોતી મેળવવાનાં ઈરાદાથી આ નવિન અને રોમાંચક સફરની શરૂઆત કરી છે. બસ, જરુરીયાત રહેશે તમારા સાથ, સહકાર, હુંફ, લાગણી અને પ્રેમની....
અભ્યાસ દરમ્યાન સાહિત્ય જગતમાં પગરણ કરતા કેટલીક કવિતાઓ રચી હતી. ત્યાર બાદ વચ્ચે એક શૂન્યવકાશનો સમય આવ્યો, અને હવે ફરીથી સાહિત્ય જગતમાં પગ માંડતા અનેરો આનંદ થયો છે. કેટલીક રચનાઓ થયા પછી એક વિચાર સૂજ્યો કે શાં માટે હું મારી રચનાઓને બે પૂંઠાની વચ્ચે કેદ રાખું... ? અને પછી એને સાહિત્યના મહાસાગરમાં તરતું મૂકવાનો વિચાર કર્યો... અને આજે એની ફલશ્રૃતી તમારી સામે છે.
મિત્રો, કવિતાઓ મે જુદા જુદા પ્રકારની અને જુદા જુદા વિષય ઉપર લખી છે, પરંતું પ્રથમ પુસ્તકની શરૂઆત પ્રણય કાવ્યથી કરી છે. 'પ્રણયનું પ્રાગટ્ય' નામનાં આ પ્રથમ પુસ્તકની રચનાઓમાં મારા અનુભવો અને કલ્પનાઓને મે કલાત્મક ઘાટ આપવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે આશા રાખુ કે આના દ્વારા ચોક્કસ તમારા હ્રદય સુધી પહોચુ, અને તમારી લાગણી અને પ્રેમ મેળવું.....
બિપીન એન પટેલ
બામરોલી, તા-દેત્રોજ,
જિ-અમદાવાદ.
2
અનુક્રમણિકા
મુલાકાત
અમારી ફરીયાદ
અબોલા
નજર અંદાજ
સાથી
સંગાથ
સમયની ઢાલ
બદનામી
કંઈ નહીં
કવિતાનો કેફ
સહવાશી
***
3
મુલાકાત
પ્રથમ મુલાકાતમાં મન પામી ગયું,
પરીચયનું પ્રથમ પગરણ થયું.
અજાણતા લાગણીનું વમળ થયું,
બન્ને તરફથી મળી એક થયું.
મન કંઇક પૂછવા મથી રહ્યું,
બે બોલ માટે મન તરશી રહ્યું.
લાગ્યુ જાણે ભાવિ આપણું થયું,
વિના આશ,ચિર સંભારણું થયું.
તારામૈત્રકથી ઉરનું આપાદાન થયું,
પામી એને જીવન ધન્ય થયું.
સઘળુ કામ એકમેકનું થયું,
ઠામનું પણ કંઇક એવુ જ રહ્યું.
પરસ્પરના સાથનું ભાન થયું,
જાણી ઉર-મન નાચી રહ્યું.
4
અમારી ફરીયાદ
વેણ અમારા અવ્યક્ત છે છતાં,
આમ અચાનક રીસાઈ જાઓ,
તો ફરીયાદ અમારી રહેવાની.
આટલા સંદેશ મોકલ્યા છતાં,
કોઈ સંદેશ તમારો ના આવે,
તો ફરીયાદ અમારી રહેવાની.
અમે લાગણી વ્યક્ત કરતા રહીએ,
અને અમને મૌન તમારુ સતાવે,
તો ફરીયાદ અમારી રહેવાની.
કંઈક કહેવાનુ વિચારુ ને ત્યાજ,
એક શબ્દ પણ બોલવાની ના પાડો,
તો ફરીયાદ અમારી રહેવાની.
5
અબોલા
આમ ટાળ નહિ વાત કરવાનું, ઝગડવાનું, કે મળવાનું,
કઇંક બહાનું આપવુ પડશે, આમ અચાનક રીસાવાનું.
એટલુ તો જણાવ ક્યાં સુધી આમ અબોલ રહેવાનું,
ક્યારેક તો તને મન થશે નાજુક લાગણી વહાવવાનું.
થોડીક તો તૈયારી બતાવ તું, મારી વાત કાને ધરવાની,
ક્યારનીય તૈયારી છે, ફરીયાદો ને પ્રિયવચન કહેવાની.
આમ અબોલ રહીશ તો કેટલીય વાત અધુરી રહેવાની,
મારુ જવા દે, છે તારી તૈયારી ચિર વિરહને સહેવાની?
6
નજર અંદાજ
કેમ કરો છો પ્રયાસ વાત અમારી ટાળવાનો?
ખરેખર કંઈજ નથી ઉપાય તમને પામવાનો?
અમારી પરિસ્થિતિથી ક્યા છો તમે અજાણ !
તમારી પરિસ્થિતિનીય તો છે અમને જાણ!
તમે શું વિચારો છો,એ અમારે નથી જાણવું,
મુંઝવણ એવી સતાવે, અમારે હવે શું માનવું.
ક્યારેય નહી કરો પ્રયત્ન,નજીક આવવાનો?
અરે એક મોકો તો આપો તમને મનાવવાનો.
આમ ક્યા સુધી કરશો નજર અંદાજ અમને?
ભાવિમાં ક્યારેક તો આવીશું આમને સામને.
7
સાથી
સાહિત્યનાં સાથી સરખાં,
લોકલાજને રાખી ફરતાં.
મજાક મશ્કરી કરતાં કરતાં,
કડવા વેણ ન કાને ધરતાં.
નયનભાવ ન કળવા દીધા,
અરમાણોને ધરબી દીધા.
આશા નિરાશા ખંખેરી દીધા,
અંતરથી સહવાશી કીધા.
8
સંગાથ
સમયસંજોગો એવા સર્જાયા છે,
યાદોના શમણા વસાવ્યા છે.
જાણું આ જન્મે મળવુ મુશ્કેલ છે,
સંગાથનાં સપના સજાવ્યા છે.
ઉરમા ઉમટ્યા છે વિરહના વાદળા,
શબ્દ રુપે પ્રેમથી વરસાવ્યા છે.
વધ્યા સ્નેહ અને લાગણીના વમળ,
હૈયા પર હામ ભરી વાળ્યા છે.
મનના મનોરથો, હ્રદય ના અરમાણો,
શબ્દો પણ જીદ સામે હાર્યા છે.
9
સમયની ઢાલ
વહેતી અખુટ લાગણીઓ વચ્ચે,
દબાયેલી લાગણીઓ આજે ઢાલ બનીને આવી છે.
વહેતા હ્રદયનાં ભાવોની વચ્ચે,
શાંત રહેલી ઉર્મિઓ આજે ઢાલ બનીને આવી છે.
કંઇક સમજાવવા માંગુ ત્યારે,
કેળવાયેલી સમજણ આજે ઢાલ બનીને આવી છે.
ભાવ ભરેલા શબ્દોની વચ્ચે,
શૂન્ય બનેલી કવિતા આજે ઢાલ બનીને આવી છે.
રંગીન બનેલી પળો વચ્ચે,
નિઃશબ્દ રહેલી પળો આજે ઢાલ બનીને આવી છે.
10
બદનામી
રહી પળભરની જીંદગી,
આવ્યુ બદનામીનું પૂર.
કેમ કરી હવે બચવું,
ઓછરી ગયુ છે શૂર.
કોઇક તો હવે રોકો,
ફના તરફ છે જીંદગી.
લાખ પ્રયત્ન પછી પણ,
ના ફરી કોઇ બંદગી.
પાછા ફરવુ છે હવે મારે,
શરાફતની ગલીઓમાં...
ઉણપ વર્તાશે મારી,
મિત્રોની મહેફીલમાં.....
11
કંઇ નહી
સંબંધની શરૂઆત કરુને, શું કરો છો? પૂછું ત્યારે,
જવાબ મળતો-કંઇ નહીં
પ્રેમના બે શબ્દો બોલુ ને, કંઇક કહેવા કહુ ત્યારે,
જવાબ મળતો- કંઇ નહીં.
મળવાની ઇચ્છા કરુ ને, સમયની માંગ કરુ ત્યાં,
જવાબ મળતો-કંઇ નહીં.
કલાત્મક શબ્દો રચુ ને, બે શબ્દોની માંગ કરુ ત્યાં,
જવાબ મળતો-કંઇ નહીં.
પળેપળની વાત કરુ ને, શું ચાલે છે?- પૂછું ત્યારે,
જવાબ મળતો-કંઇ નહીં.
લાગણીથી બંધાયા પછી, શું કરીશું? પૂછું ત્યારે,
જવાબ મળતો-કંઇ નહીં.....
12
કવિતાનો કેફ
વિધ વિધ પ્રકારે શબ્દોને સજાવું છું,
કવિના કેફમાં જીવન ઘુંટાવું છું.
શાયરીની સુવાસ ને પ્રક્રૃતિના સાથથી,
ગઝલના તેજમાં પ્રકાશુ છું.
હ્રદયના ધબકારે ને ઉર્મિના સથવારે,
ગરબીના રાગમાં રેલાઉ છું.
હાઇકુથી હામ ભીડી, સોનેટને શણગારતો,
ગીત બની શબ્દમાં સમાઉ છું.
વિયોગના દર્દથી, પ્રણયના પડકારથી,
કાવ્યમાં અર્થ બની જાઉ છું.
કવિના કેફમાં જીવન ઘુંટાવું છું,
વિધ વિધ પ્રકારે શબ્દોને સજાવું છું.
13
સહવાશી
વહી ગયો ભૂતકાળ ને વર્તની પણ તૈયારી છે,
ભવિષ્યની ભ્રાંતિના સોનેરી સપના છે.
ભૂત વિચારી ખુશ થાઉ, વર્તને સજાવું છુ,
હુંફ, લાગણી, ને પ્રેમ, આપ કાજે વહાવું છું.
જીવન તમારા સાથ સહકારથી સજાવુ છું,
પ્રેમ ઘણો મેળવી આનંદીત થાઉ છું.
સુખ દુઃખનાં સોનલા યાદોથી મઢાવું છું,
રોમે રોમ નામ માત્ર તમારૂ લલકારુ છું.
જગમાં શ્રેષ્ઠ જોડી, આપણી ગણાવું છું,
ભવે ભવ સાથ તમારોજ તો હું ચાહુ છું.
***