Ame talvare tolya ta jiv in Gujarati Adventure Stories by Bhavik Radadiya books and stories PDF | અમે તલવારે તોળ્યા તા જીવ

Featured Books
Categories
Share

અમે તલવારે તોળ્યા તા જીવ

અમે તલવારે તોળ્યા 'તા જીવ

ભાવિક રાદડિયા

સુંડલા જેવી આંટાંળી પાઘડી, પાસાબંધી કેડીયુ, કેડ્યે પછેડીની ભેંટ ને' બગલમાં તલવાર.....

પાઘડી ઉપર મરણનો ખરખરો કરવા માટે ઓઢેલું આખેઆખું ફાળીયું ઓઢીને એક ગજાદાર આદમી જુનાગઢના નવાબનાં મહેલમાં દાખલ થયો. મહેલમાં આજે શાહજાદાના જન્મદિવસનો ઉત્સવ ઉજવાય રહ્યો હતો.

ખુશાલીમાં વાગતાં વાજીંત્રો ચુપ થઇ ગયા. ઉમંગના ઉછળતાં મોજા થંભી ગયા. ખીલેલા બગીચા જેવો નવાબ 'હામદખાન'નો ચહેરો તંગ બની ગયો. એની આંખોમાં ખૂણે ક્રોધનાં ટશીયાં ફૂટ્યા. કંકોત્રીનાં કંકુ વચ્ચે મેશનું ટપકું થઈને ટપકી પડેલો આ આદમી છેક રાજ્યાંગણ સુધી પહોંચી ગયો.

"મહેલનાં રક્ષકો ક્યાં ગયા..?" નવાબની આંખો ચોકિયાતો ઉપર કાતર બનીને ફરી વળી.

"ભારે કરી આ અભાગીયા માણસે... કોઈદિ' નહીંને આજે જ, આ હરખના દહાડે માથે ફાળીયું ઓઢીને અમારા રોટલા અભડાવવા આવ્યો..!!" ચોકિયાતોએ મનોમન આ આદમી ને કોસ્યો..

એક ચોકિદારે આગળ આવીને નવાબ પાસે અરજ કરી - "ગરીબ પરવર.... અમે આને ઘણો રોક્યો....પણ આજે શાહજાદાના જન્મદિવસની ખુશાલીમાં હથિયાર મિયાન રાખવાની આપની આજ્ઞા અને આવા ખુશીના પ્રસંગે નાહક લોહી રેડાય એ અમને ઉચિત ન લાગ્યું... એટલે આ માણસ અહીં સુધી દોડી આવ્યો....."

નવાબે સત્તાવાહી હાથ ઊંચો કર્યો અને આંગતુક ને પ્રશ્ન કર્યો...

"ક્યાં રહેવું ભાઈ..? અને આ શું માંડી છે..?!"

''રહેણાંક રાજુલા...''

માથા પરનું ફાળીયું લીધા વગર, નીચું મોં રાખીને પેલા આદમીએ ઉમેર્યું....

''મારું નામ મામૈયો ધાંખડો."

"મામૈયો ધાંખડો....?!!"

આ આદમીને નવાબે પગથી માથા સુધી નિરખીને જોયો. ને' નવાબની સુરતાની ચોપડીના પાનાં એક પછી એક ઉથલવા લાગ્યા.

"મામૈયો ધાંખડો"

નવાબની નજરમાં ઠેકડાં મારતો રોષ એકાએક ઠેકાણે આવી ગયો..

"અરે બાપ તું તો રાજુલાનો ધણી..!!" નવાબે હાથ ફેલાવી માન આપ્યું.

''બાદશાં સા'બ હું તો આવ્યો તો' દિવાન અમરજીનાં ખરખરે, પણ ગઢમાં ખુશાલી હાલે છે, એટલે લોકીક કરી નહીં..." મામૈયા ધાંખડાએ વાતની શરૂઆત કરી.

"ભારે થઈ બાપ...! દિવાન અમરજી જેવો થાંભલો તુટી ગ્યો.. તમારે દિવાન સાથે શું સગપણ દરબાર?"

"મર્દાનગી અને માણસાઈનો બાપ. દિવાન અમરજી એટલે મરદને માથે બે બાચકા... દુઃખી નો બેલી... સંકટ સમયની સાંકળ અને અમ જેવાનો હોંકારો...!!" મામૈયા ધાંખડાએ જાણી જોઇને દિવાનના વખાણ આદર્યા.

મૂછમાં હસતા નવાબે ધાંખડા સામે ત્રાંસી નજરે જોઈને કહ્યું, "દિવાન દેવ થયા એને આજે એક વરહ થયું હો...! અટાણે કાંઇ ખરખરો હોય?"

''એક શું, સો વર્ષેય સાંભરે બાપ, દુઃખ પડે તયે દુઃખીનો બેલી જ સાંભરે બાપ....''

''તમારે શું દુઃખ પડ્યાં દરબાર?''

''મારું વાટકીનું શીરામણ 'રાજુલા' અટાણે જવા બેઠું છે. આપા'વને એનો ગરાસ જાતો હોય એનાથી મોટું દુઃખ બીજુ ક્યું હોય બાપુ?"

''એમ?! કોણ લઈ લેશે તમારું રાજુલા..?''

''ભાવનગરનાં ઠાકોર આતાભાઈ...."

''કોઈ કારણ?"

''મારા રાજુલાનો બગીચો બાપ... કોઈએ મારા બગીચાના વખાણ કર્યા, ને' આતાભાઈને હવે બગીચા હારે રાજુલા'ય લઈ લેવું છે." આમ કહીને મામૈયા ધાંખડાએ આકાશ સામે આંગળી ચીંધીને ઉમેર્યું, ''અમારે તો હવે ઊંચે આભ ને' નીચે ધરતી."

''એમ ભાંગી પડો માં દરબાર."

''દિવાન અમરજીના મરણ પછી અમે ભાંગી પડ્યા બાપ...! નીકર જુનાગઢ રાજ તો અમારું પાડોશી, અમારી સામે કોઈથી આંખ ઊંચી શેની થાય...!!''

''દિવાન દેવ થયા તો શું થયું આપા?! જુનાગઢનો ધણી હજી બેઠો છે." નવાબના અંતરમાં આપા મામૈયાએ ધુણી ધખાવી દીધી હતી.

''તમારી એને જો બીક હોત તો અમને ધમકી થોડી આપતાં..?''

''શાની ધમકી..?''

''આજથી ચોથે દાડે કિશ્ત (લશ્કર) લઈને આવશે ને' મારું રાજુલા આંચકી લેશે...''

''એમ....? ચોથે જ દિવસે...?''

''હા સરકાર. એને કોની બીક..? અમારી પાસે નથી બંદુકો, નથી તોપું, નથી લાવ-લશ્કર. નીકર અમેય પોંખણા કરવામાં કાંઇ ઓછાં નો ઉતરીએ. પણ કાંઇ નથી બાપુ. ભાવનગરમાં અત્યારે રેંકડા ઉપર તોપું ગોઠવાય છે, હથિયાર સરાણે ચડ્યાં છે, ઘોડે પલાણ મંડાઈ છે. કાળો કોપ થવાનો નવાબ સા'બ... દરિયા જેવડી ભાવનગરની ફોજ મારું રાજુલા ઉજ્જડ કરશે ને' જુનાગઢનાં પાડોશમાં મોંકાણ મંડાશે....''

''બસ દરબાર બસ.... હાંઉ કરો હવે... ગિરનાર જેવડી ફોજ છે મારી પાસે. બોલો કેટલા સીપાઈ જોહે...?''

''બે હજાર સિપાઈ.''

''બીજુ કાંઈ...?''

''તોપું.... બંદુકુ...''

''બધુંય મળશે..''

''બસ બાપ બસ, બીજુ કાંઈ નહીં. તો પછી તમ તમારે એય ને ખુશાલી મનાવો..''

નવાબનું ફરમાન છુંટ્યુ... માર્યા મર્યાનાં રાસડા જેવા બે હજાર આરબોની સિરબંધી તૈયાર થવા માંડી. બંદુક, ભાલા અને ખંજરથી સજ્જ થઈને અઢારનાં માપનાં અરબસ્તાની ઘોડે પલાણ માંડીને બે હજાર આરબો સાથે તોપનાં રેંકડા ને' આખી ફોજ બાબરીયાવાડનાં પંથે રવાના થઈ....

મરક મરક હસતાં મામૈયા ધાંખડાએ આ સેનાની આગેવાની લીધી હતી. ભાવનગરની ફોજ હજી રાજુલા આવવાની તૈયારી કરે એ પહેલાં તો મામૈયા ધાંખડાની ચાલાકી એ રાજુલાને ઢગલી માંથી ડુંગરો બનાવી દીધું...!! વાત માંથી વતેસર થયેલી વાતને, આપા મામૈયા આડસર બનીને ઓળંગી ગયા હતાં.

આખાય બાબરીયાવાડમાં અચંબો ફેલાયો કે, આપા મામૈયાએ એવો ક્યો જાદુ કર્યો કે, આખું જુનાગઢ, રાજુલાની પડખે આવી ગ્યું?!

લોકોને શું ખબર કે, ધીંગાણા અને રાજરમતમાં સાંગોપાંગ ઉતરેલી કાઠી કોમે આજે અસલ કાઠીકળા વાપરી હતી!

પણ એવું તો શું થયું કે, આપા મામૈયાને ઠેઠ જુનાગઢનો ધક્કો થયો...? વાતમાં કાંઈ માલ નહોતો. નય જેવી વાત માંથી આખું કરુક્ષેત્ર સર્જાયુ હતું, આખી ધટનાનું મુળ હતો એક બગીચો. હા બગીચો જ!

***

ભાવનગરનાં રાજવી વજેસિંહ મહારાજ, જેને લોકો હુલામણા નામે આતાભાઈ કહીને બોલાવતાં. તેઓ વીસેક રાજપુતોને લઈને ફરવા નીકળ્યાં હતાં.

ફરતાં ફરતાં પાલીતાણાની સીમનો એક બગીચો જોઇને એની આંખ ઠરી. ફુલોથી લચી પડતો બગીચો જોઇને ઉદાર અને મોજીલા રાજવીનાં ઉરમાં ઉમળકો આવ્યો ને' આ ઉમળકાના શબ્દો મોઢેથી સરી પડ્યાં...

''વાહ બગીચો.... વાહ ફુલવાડી... જુઓ રાજપૂતો. આને બગીચો કહેવાય...!''

''બાપુ...!!" આતાભાઈની હારે જે માણસો હતા એમાંથી એક જણ આટલું બોલી ને ચુપ થઇ ગયો. પછી બધાંયે એકબીજા સામે જોયું ને' મૂછમાં મર્માળુ હસ્યાં.

''કાં ભાં? આમ મુંગા મુંગા શીદને હસો છો? ઝીણાં એવા મરમને પારખી જનારો આ રાજવી, આવા દેખીતાં મરમને કેમ ન પીછાણે..."

''કાંઈ નઈ બાપુ, આપને મોજ બોવ આવે.''

''કેમ? આ મારી મોજ ખોટી છે ભાં?" આતોભાઈ ગંભીર થયા.

''ના બાપુ. પણ આપના વખાણ થોડા વધું પડતાં છે''

''કેમ... આ બગીચો વખાણવા લાયક નથી..?''

''આને બગીચો નઈ વાડી કેવાય બાપુ. બગીચો જોવો હોય તો રાજુલે જાવું પડે...એકવાર જોવો તો આંખ ઠરે. અઢારભાર વનસ્પતિ હિલોળા લ્યે છે!"

''રાજુલામાં કોનો બગીચો!!?''

''મામૈયા ધાંખડાનો. બાદશાહ જહાંગીરના શાલીમાર જેવો બાગ છે બાપુ. એમ થાય કે, ભુખ્યા ને' તરસ્યા ત્યાં જ બેસી રહીએ."

''તો હાંકો ઘોડા...'' આતાભાઈએ તો ઘોડો ફેરવ્યો. ને' વીસેય ઘોડાની લગામ ખેંચાઈ ગઇ..

''અટાણે... રાજુલે...!!"

''હા, હાલો. આજ તો એ બગીચો જોયે પાર...'' ને' આ વીસ ઘોડાનો કાફલો. પાલિતાણાની સીમની ધૂળ ઉડાડતો રાજુલાને પંથે પડ્યો..

બરાબર આકાશની કોરે આવીને ઉભેલો સુરજ રાજુલાના પાદરમાં આવેલા અવેડાનાં તાજા તેલ જેવા પાણીને રંગી રહ્યો હતો એવે ટાણે આ વીસ ઘોડાનો કાફલો સીધો જ અવેડે આવીને ઉભો.

લાંબો પંથ કાપીને ઘોડા અવેડાના પાણીને ડખોળતા મોઢે ચહકાવવા લાગ્યાં અને એના ધણીનાં હેતાળા હાથ બધાય ઘોડાની ગરદને ફરી રહ્યા. બાપ ચ્યો... ચ્યો... નાં બચકારા થઈ રહ્યા હતા ને' ઘોડા નિરાંતે પાણી પી રહ્યા હતાં એ વખતે...

"થૈંડ..!" એક લાકડી અવેડાના છીપરા સાથે અથડાણી... અસવારોની નજર ને' ઘોડાની ડોકું ઉચકાણી.

હાથણી જેવી વિસેક ભેંસોનું ખાડુ વાળતો એક ગોવાળ ભેંસોને પાણી પાવા અવેડે આવ્યો હતો. વગડાનું સંતાન, ભેંસોનો સહવાસ અને આછો પીળો તડકો. અસવારો એને જોઈ રહ્યા...

માથા ઉપર રાતી મજલીનની પાઘડી, ડોકમાં રાતા પારાનો ગાંઠો, લીલી કિનારી વાળી પંચીયાની કાછડી, કેડ્યે એકાદ કિલો રૂપાનો ધોંસરા જેવો કંદોરો ને' હાથમાં અડધા કિલાનું સરલ, આંખમાં આંજેલી મેશ ને' વીંછીનાં આંકડા જેવી જુવાની ફરકાવતી મુંછો. જોનારની આંખો તેનાં પરથી ખસવાનું નામ ના લેય.

પણ આ ગોવાળ બોલીનો સાવ કોબાડ. આખાય બાબરીયાવાડનો ધણી હોય એવો રુઆબ. તેણે આતાભાઈ કે એના માણસોને રામ રામ પણ ન કર્યા! આતાભાઈ થોડાક સતપ તો થયા, પણ ભોળુ અને સરળ વરણ છે એમ માનીને એની અજ્ઞાનતાને માફ કરીને આતાભાઈ બોલ્યા...

''એલા ગોવાળ... આ ભેંશુ...!?''

''ભેંશુ રાજુલાના ધણીની''

''આપા મામૈયાની...?''

''એ હા.."

''અને તું?''

"હું એનો ગોવાળ... તમને બીજું કાંઈ કળાય છે?"

"તારી આખપ ભારે હો...''

''આખપ તો હોય જ ને..! મામૈયા બાપુ બે સાવજ વચાળે બેસીને પાણી પીવે છે...''

"અલ્યાં કાંઈ રીતભાત શીખ્યો છો કે નહીં...?" આતાભાઈના માણસોને હવે આ ગોવાળની મિજાજી વધુ પડતી લાગી.

"રીતભાત્ય વળી શેની..?''

''આ તારી સામે ઉભા એને ઓળખ્ય છો...? એ ભાવનગરનાં ધણી છે... આતાભાઈ''

''તે એમાં મારે શું...? મારે ક્યાં કોઈને ઘરે વાળું કરવા જાવું છે'' ગોવાળની ભોળી પણ વિવેક વગરની વાણીમાં ભાવનગરનાં રાજવીને મામૈયા ધાંખડાનો અહંકાર દેખાતો હતો.

છેલ્લે આ ગોવાળે આગમાં ઘી ઉમેરતું વેણ ઉચ્ચાર્યું, ''મને તો મામૈયા બાપુએ કીધું છે કે કોઈથી દબાવું નય..''

ભાવનગરના ધણીનાં રૂંવાડા ખરડાય ગયાં. તલવારે હાથ ગયો, પણ માણસોએ રોક્યા કે, ''ના બાપુ ના... ગંગાજળીયો રાજવી ને' એમાંય આ તો ગઢનો ગોવાળ કે'વાય. એની ઉપર ઘા ન થાય, એને માર્યાનું દહોંદ ચડશે...''

''બાપુ, વાંક આ ગોવાળનો નથી. જેને લીધે આનો આ મિજાજ છે, એ મામૈયા ધાંખડાને જ પાંસર્યો કરીએ તો...!!?'' બીજા એકે ઉમેર્યું.

ભાવનગરનાં રાજવીની સમજણના ખાનામાં સલાહકારોની વાત, માપની થઈને બંધ બેસી ગઈ. આમેય મામૈયો ભાવનગર રાજને ખટકતો હતો. કારણ કે ભાવનગરનાં ગિરાસની તકરાર ઉભી કરીને આતાભાઈનો એક પિતરાઈ 'હમીરજી ગોહિલ' ભાવનગર સામે જ બહારવટે ચડ્યો હતો. કલોગો ઘા કરીને આ હમીરજી ઘણીવાર ભાવનગરનાં ગામડા ભાંગતો અને પછી બાબરીયાવાડ ની નદી, ડુંગરા કે ગીરમાં ઉતરી જતો. ને' મામૈયો ધાંખડો એને આશરો આપતો. પણ ભાવનગર રાજ સાથે રાજુલાને ઉપર ઉપરના સારા સંબંધો એટલે રાજવી કાંઇ કરી ન શકતા. બોલીને બગાડવા કરતાં, ચૂપ રહેવામાં જ ભલાઈ લાગતી. આમપણ એ કૌટુંબિક મામલો હતો.

પણ આજ આતાભાઈના હાથમાં સારો દાવ આવ્યો. પચ્ચીસને પડઘે સોગઠી મારવાનો મોકો મળ્યો.

''એલા ગોવાળ...! તારા મામૈયા બાપુને કહેજે કે આજથી ચોથે દા'ડે ભાવનગરની કિશ્ત આવશે... તૈયારી રાખે...''

''ઓઈ.. ઘોડે ના...''ગોવાળ એની વગડાઉ ભાષામાં બોલ્યો, ''અમારા મામૈયા બાપુએ તમારા કાંઈ લુણ ઉતારી લીધા...?''

''જંગલી....!!''આતાભાઈના માણસો ધગ્યા.

''ઇ હંધુય તારા મામૈયા બાપુને કે'જે...'' હહીને માણસો સહિત આતાભાઈએ ઘોડાના પેટમાં એડી ફટકારી ને' ધુળની ડમરી ઉડાડતા ઘોડા નીકળી ગ્યાં.

''તે... કેશુ... ઈમા ડોળા શીદને તાણતા જાવ છો'' બબડતો બબડતો ગોવાળ પણ ભેંસો હાંકી ગયો.

બગીચો બગીચાને ઠેકાણે રહ્યો ને' લીલોતરી નીરખવાને ઠેકાણે લીલા માથા વધેરવાની વેળા આવીને ઉભી રહી!

***

''બાપુ...!'' ઓસરીની પાળે વાળું (સાંજનું ભોજન) કરવા બેઠેલ મામૈયા ધાંખડાને એની ઉભડી ભાષામાં ગોવાળે કહ્યું, ''આપડી ઉપર ભાવનગરની કિશ્ત આવશે''

''હેં....?!'' દરબાર મામૈયા ધાંખડાના હાથનો કોળીયો થંભી ગયો, ''શું લેવા ને...?!"

''શું લેવા ને શું...!! આપણે કાંઈ હાલી મવાલી છંઈ બાપુ..!!''

''એલા વાત કરને હબ...''

''કાંઈ નઈ બાપુ. એ આપડે અવેડે થોડાંક અસવાર ઘોડાને પાણી પાવા આવ્યા, પણ માળા હંઘાય રીસના જાળા હો... એમાં એક તો ભારે લોંઠકો! મને કેય કે આજથી ચોથે દિ' ભાવનગરની ફોજ આવશે, તારા મામૈયા બાપુને કેજે...''

''કોણ હતું એ...?''

''આતાભાઈ નામ દીધું''

''આતાભાઈ ઠાકોર...?!!'' આપા મામૈયાએ હાથનો કોળીયો થાળીમાં મુકી દીધો અને વીજળી પડી હોય એવા સબાકે ઉભા થઈ ગયા.

''એલા તે એની હારે કાંઈ ગુસ્તાખી તો નથ કરી ને..?''

''રામ રામ નો કર્યો ઈ જ''

''નક્કી તે જ ગાંડપણ કર્યું લાગે છે. તને કાંઈ ખબર પડે છે..? ઈ તો ગંગાજળીયા રાજવી અઢારશે પાદરના ધણી કે'વાય. ઈ તો લોક લાજેય મર્યાદા નો મુકી શકે."

''બાપુ એણે તો કાંઈ નો'તુ કીધું. પણ એની હાર્યે હતાં એણે તમને બેએક વસમા વેણ કીધા એટલે મેં ય પરખાવ્યું કે, અમારે ક્યાં તમારે ઘેર ભાણું માંડવુ છે...''

''એલા એને એમ નો કે'વાય. ભાવનગરના રાજવી આપણા ગામને પાદરે આવે તો એનું સામૈયું કરવુ પડે બાપ...!''

''ઇમા મને ખબર નો પડે..''

''રાજની રીત્યુ ની તને ખબર નથી એમાં તો તું ગોટાળો કરી આવ્યો..''

''હવે જે કરવું હોય ઈ કરો, એણે મને આવો ડારો દીધો છે.''

''તે કોપ કર્યો ગોવાળ.'' લમણે હાથ મુકીને આપા મામૈયા ઓસરીની પાળે બેસી ગયાં.

***

રાત સુધીમાં ઘોડા દોડાવીને આપા મામૈયાએ આખાયે બાબરીયા વાડના ભાયાતોને ભેગા કર્યા. રાતે આપા મામૈયાના મોટા ફળિયામાં કાઠીઓનો ડાયરો ભરાણો.

''શું કરવું છે આપા? બોલો..!!'' બધાએ એક સુરે પૂછ્યું અને ''અમે ધિંગાણા માટે તૈયાર છીએ'' એવી સંમતિ પણ બતાવી.

ખૂબ ઊંડો વિચાર કર્યા પછી હતાશ ચહેરે અને ઊંડા નિસાસે મામૈયા બાપુએ આદેશ છોડ્યો...

''રાજુલા માંથી ઉચાળા ભરો બાપ...''

''ઉચાળા શું ભરે બાપુ? આતાભાઈની વાગે તો આપણી ક્યાં નથી વાગતી, ભલેને માથા ઉડતા...!!' '- ડાયરો મમતે ચડ્યો.

''ના બાપ. મા-ભારતના જુધમાં પાંચમે કોઠે હંધાય કૌરવે મળીને એકલા અભેમન્યુને ગુડી નાખ્યો 'તો એને ધિંગાણું નો કે'વાય.... ભાવનગરની દરીયા જેવડી ફોજ સામે આપડો ગજ નો હાલે બાપ. અને તમે હંધાય મારા ભાયુ-દિકરા છો, એમ વધેરી થોડા નંખાય?!''

''તો શું કરશું...?''

ભાયાતોના આ સવાલના જવાબમાં આપા મામૈયાને કાંઈક સૂઝ્યું હોય એવી ચમક એના મોઢે દેખાણી અને બોલ્યા...

''અટાણે તો હું રાજુલાનો ગઢ ખાલી કરુ છું, આતાભાઈ આવશે તો બે દિ' અયાં ભલે આરામ કરતા. મારે આપાગત કરવી જ પડશે, ઈ વિના આતાભાઈને નય પુગાઇ...''- આટલું કહીને આપા મામૈયા ઉભા થયા.

''ક્યો રસ્તો લેશો આપા?'' ભાયાતો અચંબિત ચહેરે જોઈ રહ્યા.

''તુલશીશ્યામનો બાપ. મારો શામળીયો કરે ઈ ખરું. સવારે જુનાગઢ પહોંચવાનું છે. લ્યો ત્યારે રામ રામ ડાયરાને!!''- આપા મામૈય એ ઘોડે રાંગ વાળી.

ભાયાતોને ભરોસો હતો કે આપાના દાવ-પેચ જેવા તેવા ના હોય. ચતુર આદમી અને ચતુરાઇને ઘરે અવતાર, આપા મામૈયા રાજરમતને અનેક વખત કસુંબામાં ઘોળીને પી ગયેલા.

આપાને વિચાર સુજ્યો કે, "ત્રણ જ દિવસ બાકી છે અને નવાબનું ખાતુ આંધળું. કાગળમાં અરજીયું આપવાનો વખત નથીં, એમાં તો મહિનો જાય. ત્યાં તો મારુ રાજુલા પાદર રંગાઇ જાય..."

આપાએ પોતાની ભીતર વલોવાતા ધીંગાણામાં વ્યુહ ગોઠવી લીધો. દિવાન અમરજીને મર્યે એક વર્ષ થયું હતું અને મહેલમાં શાહજાદાના જન્મ દિવસની ખુશાલી ચાલતી હતી. આ બંને વાતને એણે સાંકળી લીધી અને માથે ફાળયું ઢાંક્યુ... આખરે આપાએ ધારેલું પરીણામ ચાલાકીથી આણી દીધું. આમ જુનાગઢની ફોજ રાજુલે ઉતરી આવી.

આપા મામૈયાની ચાલાકીએ સાડા ત્રણ કાંકરી ભેગી કરી વાળી. હવે ભાવનગરની ફોજ આવે એટલી જ વાર.

નાનકડા એવા રાજુલાના પાદરમાં જુનાગઢના બે હજાર આરબ અને ભાવનગરના બારસો જેટલા ગોહિલોની બટાજટી બોલવાની ઘડીઓ ગણાવા લાગી. આતાભાઈને ખબર નહોતી કે રાજુલામાં જુનાગઢની ફોજ સ્વાગત કરવા માટે ઉભી છે.

***

"આપા મામૈયાની ચાલાકીથી રાજુલાના પાદરમાં જુનાગઢની બે હજાર આરબોની ફોજ કડેમકોડે થઇને ભાવનગરના લશ્કરની રાહ જોઈ રહી છે." - આવા પાક્કા સમાચાર ભાવનગરના બહારવટિયા અને આતાભાઈના પિતરાઈ હમિરજી ગોહિલને મળ્યાં. બેલડા બાળક જેવા બબ્બે વિચારોમાં અટવાતા હમિરજી ઘડીક ઉભા થાય ને' ઘડીક બેસી જાય.

"મને રાત-અધરાતે મદદ કરનાર મામૈયા ધાંખડાની વારે જાવ કે સાત પેઢીએ પણ મારો પિતરાઈ એવા આતાભાઈની મદદે જાવ...?" હમિરજી ભારે મુંઝાયા.

"આતાભાઈ મારા પિતરાઈ ખરા પણ હાડોહાડ શત્રુ. ભાવનગરની બહોળી ઠકરાતના કૅફમાં એમણે મારો ગરાસ આંચકી લીધો અને એટલે જ મારે બહારવટું પોકારવુ પડ્યું... મામૈયો તો મારો અન્નદાતા કેવાય." આમ વિચારોના ઝુલામાં હિંચકા ખાતો હમિરજી ઘોડાની પીઠે સામાન ગોઠવીને ઘડીક પેઘડે પગ માંડે ને' વળી ઉતારે. "મામૈયો મારો ભાઇબંધ તો ખરો પણ ભાવનગરને ધમરોળવા એણે ઈસ્લામી ફોજ ઉતારી છે. જુનાગઢ સામેનાં ધીંગાણામાં ભાવનગરને ખુંવારી ભોગવવી પડે ઈ તો મારે માટે આનંદની વાત... પણ... એને ઈસ્લામી ફોજ ધમરોળે એમાં તો રાજપુતાઈ લજવાશે. ગરાસની વાત તો કુંટુંબનો મસલો છે પણ, મુગલ સલ્તનતનો પંજો મારી માતૃભૂમિ ઉપર પડે એ મારાથી કેમ જોવાઈ? ના, ના. તો તો હું ખુંટલ ગણાઉ..."

''જય જોગમાયા...'' કહીને બહારવટિયા હમિરજીએ ઘોડે રાંગ વાળી ને' ઘોડી ભાવનગરના પંથે વહેતી થઈ.

અધરાતનો ગજર ભાંગ્યા ટાણે હમિરજીની ઘોડી ભાવનગરના રાજમહેલની ડેલીએ આવી ને ઉભી રહી.

"ખડીંગ..." તંદ્રાવસ્થામાં પહેરો ભરતા ચોકિદારને લોખંડી કમાડમાં ભાલાની બુડીના અવાજે ચોંકાવી દીધો.

''કોણ...?''

''હું હમિરજી.''

''ભાવનગર નો બહારવટિયો..?''

''હા''

'ચોકિયાતો વસમુ હસ્યા, "માનતા માની છે, હમિરજી...?!''

''શેની..?''

''તમારા માથાની..!!''

''વાત કરવાની વેળા નથી, ઠાકોરને જગાડો. મળવું પડે એવી વેળા આવી છે.'' હમિરજી ગોહિલનો અધિરાઈ ભર્યો સ્વર રાતની શાંતિમાં પડઘાઈ ઉઠ્યો..

''પણ આજ નાગ કરંડીયે કાં આવ્યો...?'' ચોકિદારો મર્માળુ હસ્યા.

''જમાદારો માથાકુટ મેલો. ભાવનગરના રાજ ઉપર હળ હંકાઇ જશે, બાપુને ઉઠાઠો.''

બોલચાલ સાંભળીને આતાભાઈ જાગ્યા, મેડીને ઝરુખેથી ડોકાયા, ''કોણ..?''

''ઠાકોર...!! હું હમિરજી, તમારો ભાઈ...નીચે આવો.''

''કાં...?''

''આપણાં કુળની માટી ઉપર વિશ્વાસ હોય તો વગર હથિયારે આવો. નહીંતર સાબદા થઇને આવો..."

''વિશ્વાસ છે હમિરજી. લે આવું." કહી ને આતાભાઈ મહેલ ના પગથિયાં ઉતર્યા.

''કેમ આવી અસુરી વેળાએ હમિરજી...?!''

''વેળા અસુરી, પણ વાત વસમી છે ઠાકોર. મુંઝવણનો પાર નથી.''

''હથિયાર છોડવા છે બાપ..!?''

''ના બાપુ... ગોહિલોનાં કુળમાં પાછીપાની કરવાનો રિવાજ નથી એ તમથી ક્યાં અજાણ્યું છે.''

''તો અધરાત કેમ લીધી હમિરજી..?''

''વાત ગામ ગરાસની નથી ઠાકોર, પણ મારી મા ના ઓઢણામાં ડાઘ પડે ઇ આ હમિરજીથી નો જોવાય...''

''રજપુતાણીના ઓઢણા આડી હજી તલવારુ છે બાપ, પાણી ઉતર્યા નથી. તમે કઇ મા ની વાત કરો છો? કાંઇક ફોડ પાડો...''

''મારી જનમભુમી - ભાવનગર ઈ મારી મા નઈ...?"

''ભાવનગરને માથે આફત આવી હોય તો એના બહારવટિયાને રાજીપો થાય કે મુંઝવણ...?!'' ભાવનગર ના રાજવી મૂંછમાં હસ્યાં.

''મુંઝવણ થાય આતાભાઇ...!! ગમે એમ તોય સાતમી પેઢીએ ય તમારો ભાઈ છું. અને ભાઈ નો હોવ તોય આ ધરતી તો મારી મા ને...!!''

આતાભાઈનો ચહેરો ગરવાઈથી ખીલી ગયો ''રંગ છે, હમિરજી. આજ ઓળખ્યો બાપ તને...''

''આતાભાઈ, રાજુલાનો મોહ મુકી દ્યો...''

''ના ભાઈ મારે રાજુલાના ગરાસની કોઈ લાલચ નથી, પણ મામૈયાને પાઠ ભણાવવો છે.''

''રાજુલામાં જુનાગઢની છાવણીના ખીલા ધરબાઈ ગયા છે."

''શું વાત કરે છે?!'' આતાભાઈ બે ડગલાં આગળ આવી ગયાં.

"મામૈયાની સખાતે બે હજાર આરબોની ફોજ પુગી છે. ભાઈ તમારો ને' મારો હિસાબ પછી સમજશુ...પણ ગોહિલવાડની ધરતી ઉપર બાબીવંશનો પંજો પડે ઈ તમારા કે મારા એકેય ના હિતમાં નથી...''

''મારો બાપલીયો..." હમિરજીના વતન પ્રેમ, ઊંડી સૂઝબૂઝ અને દિર્ધદ્રષ્ટિથી પ્રભાવિત થયેલા આતાભાઇ એને ભેંટી પડ્યા. ''ધન્ય છે બાપ તારી જનેતાને''

હમિરજી ખરેખર ધન્યવાદને પાત્ર હતા. વાત જ્યારે વતન, કુળ કે ધર્મની હોય ત્યારે પોતાના વ્યક્તિગત ઝગડાઓ કે વ્યક્તિગત નિષ્ઠાને પણ કોરે મુકે એજ સાચો મનુષ્ય છે.

''આતા ભાઈ મને'ય ખબર છે કે, બે હજાર આરબોને પહોંચી વળે એવા તમારી પાસે સાડા ત્રણ હજાર કાઠી રાજપૂતો છે. પણ હથિયારબંધ આરબોને જીતવા સહેલા નથી. કેટલીય ખુંવારી ભોગવવી પડે. વળી બે હજાર રાજપૂતો રાજુલાથી આવે એને ત્રણ ચાર દિ' લાગે... એટલે ત્યાં લગી ભાવનગરનો રાજમહેલ રેઢો પડે. 'આંકડે મધ, ને માખીયું વિનાનુ' જાણીને કોક ત્રાટકે તો?!'' યુદ્ધકળાનાં નિષ્ણાત સેનાપતિ જેવી હમિરજીની વાત આતાભાઈને ગળે ઉતરી ગઈ.

"તું કહે, શું કરવું જોઈએ..?''

''ખાલી એક અરજ કરવા જ આવ્યો છું બાપુ, કે રાજુલા તમારી ફોજ નો આવે...!!'' - હમિરજીએ આતા ભાઈનો ખભો ઝાલી ને અરજ કરી.

''નઈ આવે બસ... પણ હમિરજી, આજ તું બહારવટિયો મટીને મારી ભુજા બન્યો. આ ભાનગર રાજ તારુ ઋણી રહેશે બાપ...''

''હું તો મારો ધરમ નિભાવું છું આતાભાઇ. લ્યો ત્યારે રામ રામ... મારે મામૈયાને નિર્ભય કરવો છે.''

અડધી રાત ઉપર એક આંગળની વેળા થઇ હશે ને' હમિરજીની ઘોડી ભાવનગર રાજની બજારમાં ડાબલાની ચલતી વગાડતી નીકળી ગઇ.

***

સુરજ મહારાજનું લાલચોળ બિંબ હજી તો પૂર્વની ક્ષિતીજમાં ડોકાતું હતું ત્યાં ઘોડી રાજુલાનાં ગઢમાં આવી ને ઉભી.

''મામૈયા...!!'' હમિરજીનો હરખાતો સ્વર ગઢ મા ફરી વળ્યો.

''ઓ હો... મારો વિસામો આવ્યો..." મામૈયો ધાંખડો ઉતાવળે પગે ઉંચા પડથારની ઓસરીમાં આવ્યો.

બેય ભાઈબંધો મળ્યાં...બેયની ભાઈબંધીમાં મીઠી મશ્કરીનો રિવાજ એટલે મામૈયાએ મીઠું મેણું મારી લીધુ...

''રાજુલાનાં પાદરમાં ધીંગાણાનાં ઢોલ ગડેડતા સાંભળ્યા નય બાપ? કે એમાંય નોતરાની વાટ જોતો 'તો....''

''ઈ સિંધુડા રાગને સામૈયાનાં રાગમાં ફેરવવા આખી રાત ઘોડી દોડાવી છે મામૈયા..!! ગઢમાં કે'વરાવ કે લાપશીના આંધણ મુકે. તારું ધીંગાણું આ હમિરજી ઓળઘોળ કરીને આવ્યો છે...''

''કાંઇક ફોડ પાડ...'' વિસ્મય ની કરચલીઓ ખેંચતો આપો મામૈયો હમિરજી સામે જોઈ રહ્યો.

''ભાવનગરની ફોજ હવે રાજુલા ઊપર નહીં આવે...''

''રંગ છે હમિરજી.... બાપ તે તો કમાલ કરી...'' કહીને મામૈયો ભેંટી પડ્યો. મિત્રોની છાતીઓ ભીંસાવાનો આનંદ અનેરો હોય છે.

''તારા રાજુલાને ઉની આંચ નહીં આવે બાપ...''

રાજુલાને ભાવનગર તરફથી અભય વચન મળ્યા પછી આનંદમાં ખીલી ઉઠેલાં મામૈયાનાં સૂરજમુખી જેવા ચહેરામાં હજી પણ ક્યાંક ચિંતાનું ડાભોળીયું સળવળતું હતું.

''કેમ ભાઈ... હજી આજ બપોરે લાપશી ખવરાવની ઈચ્છા નથી લાગતી...''

''ઈ બધુંય તો ઠીક હમિરજી પણ......''

"પણ શું? શાની મુંઝવણ છે.'' હમિરજીએ આપા મામૈયાને પૂછ્યું.

''ભાવનગરની ફોજ તો નય આવે, પણ આ આવી ગ્યા ઈ આરબો ખર્ચી વગર ના જાશે...? છેક જુનાગઢથી આવેલી નવાબની ફોજ કાંઈ નું કાંઇ વળતર માંગ્યા વગર પાછા ન ફરે..." વાતની ગંભીરતા હમિરજી પણ જાણતા હતા.

''આનો ઉકેલ તો આતાભાઈ જ કરી શકે. તું આરબ જમાદારોની મેમાન નવાજી કર... હું આવ્યો.'' કહીને હમિરજીએ ફરી પાછી ઘોડે રાંગ વાળી.

ભાવનગર કચેરીમાં બેઠેલા રાજવીની ખાનગી મુલાકાત માંગીને હમિરજી ગોહિલ "ગાધકડા"નો દસ્તાવેજ લઇ આવ્યા...

એમ કહેવાય છે કે ઉદાર રાજવીએ ગાધકડા ગામ હમિરજી ગોહિલને આપેલું. જે બક્ષિસ રુપે હમિરજીએ જુનાગઢની નવાબી ફોજને સુપ્રત કર્યું.

આમ, બાબરીયાવાડની ધરતીને લોહીયાળ પળો માંથી એક બહારવટિયાની ખાનદાની અને સૂઝબૂઝે ઉગારી લીધી... અને ત્યાંરથી ભાવનગરનું પરગણું 'ગાધકડા' જુનાગઢમાં ગયું અને ગાધકડાની ધરતી પર નવાબી કિલ્લાનાં પાયા નંખાઈ ગયા. આજે પણ ગાધકડા ગામમાં નવાબી કિલ્લાના અવશેષો અને ગઢની મહાકાય દિવાલ આ વાતની સાક્ષી પુરે છે.

(સમાપ્ત)

(મારી જન્મભૂમિ 'ગાધકડા' મૂળ ભાવનગરની ધરોહર જુનાગઢ અને તેમાંથી અત્યારે અમરેલી જીલ્લામાં, એમ ત્રણ ત્રણ જીલ્લાઓમાં શા માટે સમયાંતરે ફરતું રહ્યું હશે એ જાણવાની ઘણી ઈચ્છા થતી. ગામના વડીલો અને દસ્તાવેજો માંથી મળેલા પુરાવાઓની કડીઓ જોડીને આ વાત રસપ્રદ રીતે રજૂ કરતાં આનંદ થાય છે. ચારણી શૈલીમાં કરેલી રજુઆત વાચકોને જુસ્સાથી તરબોળ કરશે એવી આશા સહ આભાર.)