Redlite Bunglow - 15 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | રેડલાઇટ બંગલો ૧૫

Featured Books
Categories
Share

રેડલાઇટ બંગલો ૧૫

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૫

અર્પિતાનો કોલેજનો આજે પહેલો દિવસ હતો. તે સવારે વહેલી ઊઠીને તૈયાર થઇ ગઇ હતી. પણ તેને ખાસ ઉમંગ ન હતો. તે જે ખુશીથી કોલેજમાં પ્રવેશ માટે આવી હતી એ હવે તેના દિલમાં ન હતી. રાજીબહેને તેની કોલેજલાઇફ શરૂ થાય એ પહેલાં જ છીનવી લીધી હતી. કોલેજમાં અભ્યાસ હવે તેના માટે એક ફોર્માલીટી બની રહેવાનો હતો. તેણે અભ્યાસને બદલે તેમના ધંધા પર વધુ ધ્યાન આપવાનું હતું. માતા વર્ષાબેન કેટલા અરમાન સાથે તેને કોલેજમાં લઇ આવ્યા હતા. તેમને જ્યારે પણ ખબર પડશે કે તેમની દીકરીને મદદ કરવાના બહાને કોલેજના ટ્રસ્ટી રાજીબહેને ધંધાદારી સ્ત્રી બનાવીને તેની જિંદગી બરબાદ કરી નાખી છે ત્યારે તેમના પર શું વીતશે એની કલ્પના કરીને તે થથરી જતી હતી. પણ તેને વિશ્વાસ હતો કે તે બહુ જલદી રાજીબહેનને એક પછી એક આંચકા આપીને આ કાદવમાંથી બહાર નીકળી જશે. અને બીજી છોકરીઓને પણ તેની ચુંગાલમાંથી મુક્ત કરશે. રાજીબહેન પર ભીંસ વધારવા હવે રચનાનો સાથ જરૂરી બની ગયો હતો.

અર્પિતા તૈયાર થઇને રચનાની રાહ જોઇને બેઠી હતી. ત્યાં રચના આવી પહોંચી. અને એને જોઇને ખુશીથી ઉછળી પડી:"વાવ! ક્યા બાત હૈ! વેરી બ્યુટીફુલ! આજે તો આખું કેમ્પસ તને જોવામાંથી ઊંચું નહી આવે. સારું છે કે આપણી ગર્લ્સ કોલેજ છે. નહીંતર આજે છોકરાઓ માટે તો એમ્બ્યુલન્સ જ મંગાવવી પડી હોત! તારું કાતિલ રૂપ તેમના હોશ ઊડાવી દે એવું છે."

અર્પિતા મનમાં જ હસીને સ્વગત બોલી:"તું જો તો ખરી કોના હોશ ઉડાવું છું તે..." પછી રચના સામે હસીને બોલી:"ચાલ હવે ચણાના ઝાડ પર ચડાવવાનું રહેવા દે."

રચના કહે:"બાય ગોડ! આ મોર્ડન કપડાંમાં તો તું બહુ સેકસી લાગી રહી છે. અને કોલેજમાં છોકરાઓ નથી પણ કોલેજ બહાર છોકરાઓ ઊભા હોય છે એની તને ખબર છે ને? આજે તો તારા પર જ બધા લાઇન મારશે!"

"રચના, એમને ખબર નહીં હોય કે રાજીબહેને મને કેવી લાઇને ચડાવી દીધી છે" એમ કહેવાને બદલે તેણે કહ્યું:"રચના, જોઉં તો ખરી! આપણી કોલેજ બહાર કેવા રોમિયો હોય છે. હવે કેટલી વાર છે નીકળવાની?"

"હજુ થોડી વાર છે. રાજીબહેન તો આજે આવવાના નથી. તેમની કાર થોડીવારમાં આવશે. ત્યાં સુધી તારો પહેલો "અનુભવ" તો કહે!" રચનાએ "અનુભવ" શબ્દ પર ભાર મૂકી આંખો નચાવીને પૂછયું.

રચનાને અર્પિતાનો પહેલો અનુભવ જાણવાની ભારે તાલાવેલી હતી.

"શું કહું? તું કહેતી હતી એમ પહેલો ગ્રાહક તેના અરમાનના આકાશમાં તો જરૂર ઉડ્યો... પણ પછી એને અચાનક જમીન પર પટકાયો હોય એવું લાગ્યું!"

"શું વાત કરે છે! બેડ પરથી પટકાયો કે શું?"

"બેડ પર તો એણે બહુ મજા કરી! પણ હું વર્જીન ના નીકળી એનો તેને વસવસો રહી ગયો."

"પણ તું તો ખરેખર વર્જીન હતી! આવું કેવી રીતે બન્યું?"

"મને જ ખબર નથી રચના! રાજીબહેનને એ ગ્રાહકે ફરિયાદ કરી ત્યારે તે પણ નારાજ થયા. પણ થાય શું આ તો બધું કુદરતી છે!"

રચના નવાઇથી અર્પિતાને જોઇ રહી. તેને સમજાતું ન હતું કે ડોક્ટરે તપાસી હતી અને તેનું કોમાર્ય અકબંધ હતું તો પછી ઘરે જઇ એવું શું કરી આવી કે વર્જિન ના રહી? રચના વધુ કંઇ વિચારે એ પહેલાં અર્પિતાએ પોતાનું પર્સ ખોલ્યું અને તેને એક ચમકતી વીંટી બતાવી.

રચનાએ વીંટી હાથમાં લીધી અને જોઇને ચોંકી ગઇ. "અરે! આ તો બહુ મોંઘી લાગે છે."

"એક લાખની હશે." અર્પિતાએ ગર્વથી કહ્યું.

"તારી પાસે કેવી રીતે આવી?" રચના કિંમત જાણીને વધુ ચોંકી ગઇ.

"બક્ષિસમાં પહેલા ગ્રાહકે આપી." આંગળીમાં વીંટીને રમાડતી અર્પિતા બોલી.

"પણ આવી રીતે તો કોઇ બક્ષીસ આપતું નથી..." રચનાનું આશ્ચર્ય પણ શમતું ન હતું.

"તને લેતા નથી આવડતું ડાર્લિંગ! આપવા તો બધા જ મજબૂર થઇ જાય. આપણો ખજાનો ખોલતાં પહેલાં એમનો ખજાનો થોડો ખાલી કરવાની આવડત જોઇએ!"

અર્પિતાએ તેને પોતાની રીત બતાવી તો રચના તેની પાસે પહેલી વખત આવતા ગ્રાહક માટે તેનો અમલ કરવા માટે નક્કી કરવા લાગી. એટલે અર્પિતાએ તેને પૂછી લીધું:"બાય ધ વે, રાજીબહેન ગ્રાહકની ફીમાંથી તને કેટલા આપે છે?"

"ગ્રાહકની ફીની તો મને ખબર નથી. પણ મને બે-ત્રણ હજાર આપે છે." મોટી રકમ મળતી હોય એમ રચના ખુશ થઇને બોલી.

"બસ આટલા જ? તને ખબર છે? આ રાજીબહેન પચાસ હજારથી બે લાખ સુધી ગ્રાહક પાસે વસૂલ કરે છે... એ મોટી નોટ લઇ જાય છે અને તારા ગલ્લામાં પરચૂરણ નાખે છે!"

"તો હું શું કરી શકું?" રચનાએ ઉત્સુક્તાથી પૂછ્યું.

અર્પિતાને રચના વધુ પડતી ભોટ લાગી. તે સમજાવતાં બોલી:"જો, મારી વાત માને તો ગ્રાહક જોડે તારે સેટીંગ કરી લેવાનું. તેને કહેવાનું કે હવે ફરી મારી જરૂર હોય તો સીધી મને બોલાવી લેવાની અને રાજીબહેન કરતાં અડધા આપવાના...પછી કોલેજના સમયમાં જઇ આવવાનું. કોઇને ખબર પડશે નહીં."

"આ આઇડિયા સારો છે. સાલીએ મારા શરીરથી ઘણી કમાણી કરી છે. હવે મારા જીવન માટે હું ભેગું કરીશ." રચના ખુશ થઇને બોલી પણ પછી રાજીબહેનનો ડર લાગ્યો એટલે બોલી:"પણ રાજીબહેનને ખબર પડી જશે તો?"

"પછી શાંતિથી તને સમજાવીશ. ચિંતા ના કરતી વાંધો નહીં આવે." અર્પિતાએ તેને રસ્તો શોધવાનું આશ્વાસન આપ્યું.

રચનાને પોતાની વાતમાં ઉતરતી જોઇ અર્પિતાને આનંદ થયો. હવે બીજી છોકરીઓના ગળે પણ પોતાની વાત કેવી રીતે ઉતારવી તે પણ નક્કી કરી લીધું.

રચના તો કમાણીના સપનામાં ખોવાઇ રહી હતી. ત્યાં નીચેથી વીણાની બૂમ આવી.

અર્પિતાએ રચનાને ઢંઢોળી અને તેનો હાથ પકડી નીચે લઇ ગઇ.

દાદર ઉતરતાં રચનાએ તેને કંઇક સમજાવ્યું. બંને નીચે ઉભા હતા ત્યારે રાજીબહેન બહાર આવ્યા. અર્પિતાએ જોયું તો રાજીબહેન ખુલ્લા લહેરાતા ભીના વાળ સાથે કોઇ તાજા ખીલેલા ફૂલની જેમ મહેંકી રહ્યા હતા. ક્લીવેજ દેખાય એવા સ્લીવલેસ ટોપ અને શોર્ટસમાં તે સેક્સી લાગી રહ્યા હતા. બહાર લોકસેવાનો દેખાડો કરતી આ બાઇ ઘરમાં શરીરના ભાગ દેખાય એવા કપડાં પહેરતી હોવાથી અર્પિતાને ગુસ્સો આવી રહ્યો હતો. રાજીબહેનને ઉઘાડી પાડવા તે કમર કસવાની હતી.

પ્રથમ દિવસ હોવાથી બંનેએ તેમના ચરણસ્પર્શ કર્યા. અર્પિતા મનોમન બબડી:"હમણાં તો પગે પડું છું પણ એટલું યાદ રાખ કે તારે મારા પગ પકડવા પડશે. હું તને છોડીશ નહીં."

રાજીબહેને બંનેને શુભેચ્છાઓ પાઠવી.

રાજીબહેનની કારની ચાલકે બંને માટે દરવાજો ખોલી આપ્યો અને પછી કોલેજ તરફ હંકારી લીધી. કોલેજથી થોડે દૂર અર્પિતાએ કાર રોકવા કહ્યું.

અર્પિતાના હુકમથી કારચાલક મહિલા સાથે રચનાને પણ નવાઇ લાગી અને બોલી:" અર્પિતા, શું થયું? કાર છેક કોલેજમાં લઇ લેવા દે. આપણો વટ પડશે."

ત્યારે કાર ઊભી રહેતાં અદાથી ઉતરતાં અર્પિતા બોલી:" થોડું ચાલીને જઇએ. મજા આવશે."

રચના પણ તેની સાથે કારમાંથી ઉતરી એટલે કાર પાછી વળી ગઇ.

રચનાનું આશ્ચર્ય હજુ શમ્યું ન હતું.

અર્પિતા કહે,"તું જ તો કહેતી હતી કે કોલેજની બહાર રોમિયો લાઇન મારવા લાઇન લગાવીને ઊભા હોય છે. હું પણ જોઉં તો ખરી કેવા કેવા હીરાઓ છોકરીઓ પટાવવા આવે છે..."

"ઓહ્હો! તો યે બાત હૈ! પણ જરા સાવધ રહેજે. છોકરાઓ આડુંતેડું બોલતા હોય છે."

"હું પણ હવે ક્યાં સીધી રહેવાની છું" એમ મનોમન બોલી તેણે દૂર દેખાતા કોલેજના વિશાળ દરવાજાની આજુબાજુ નજર નાખી. એક-બે કાર સાથે તો ચાર-પાંચ બાઇક સાથે યુવાનો ટોળે વળી કોલેજમાં જતી છોકરીઓને જોઇ રહ્યા હતા.

રચનાએ ફરી તેને ચેતવી:" અર્પિતા, તું એમની સાથે બબાલમાં ના પડતી. મોટા માથાના છોકરા હોય છે. આમતેમ વાત કરે તો એમને કાન પર લાફો મારવાની વાત ના કરતી. આપણે તેમની વાત એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવાની. એ તને હમણાંથી જ કહી દઉં છું."

"અરે! તું તો મને ગભરાવી રહી છે." અર્પિતાએ તેને કહ્યું:"હું શા માટે બબાલમાં પડું?" અને તે કોલેજ તરફ મટકાતી ચાલે ચાલવા લાગી.

અર્પિતા શરીર સાથે ચપોચપ ચોંટેલા કપડાં પહેરીને લચકતી ચાલે ચાલતી હતી. કોઇ પણ યુવાનની ધડકન વધારી દે એવી તેની અદા હતી. ત્યાં એક બાઇક પર બેઠેલા છોકરાથી રહેવાયું નહી. તેણે પોતાના દોસ્તને ઉત્તેજનાથી કહ્યું:"યાર! શું આઇટમ છે! આજે પહેલી વખત જોઇ રહ્યો છું. શું ભાવ રાખ્યો હશે?"

રચનાએ યુવાનની ટીખળ સાંભળી અર્પિતાને ઇશારાથી જ ચૂપ રહેવા કહ્યું. પણ અર્પિતા સહેજ અટકી અને પાછળ વળીને એ યુવાનને મોહક સ્મિત આપ્યું. એ તો પાણી પાણી થઇ ગયો. અને મિત્રોને કહેવા લાગ્યો:"હસી તો ફસી..."

યુવાનની કલ્પના બહાર અર્પિતા તેની સામે જઇ ઉભી રહી. અને તેની બાઇકની પેટ્રોલની ટાંકી પર નાજુક હાથની આંગળીમાં પહેરેલી વીંટી અથડાય એમ બે વખત આંગળા થપથપાવી બોલી:"આ બાઇકની કિંમત શું છે હીરો?"

પોતાની સ્પોર્ટ્સ બાઇકથી છોકરી પ્રભાવિત થઇ ગઇ છે એમ સમજી તે બોલ્યો:"એંશી હજારની છે. બોલ સવારી કરવી છે? મારી પાછળ કમર પકડીને બેસી જા. હવામાં ઉડાડીશ..."

અર્પિતા હસી અને પોતાની કમર પર હાથ ટેકવી બોલી:"તારે ભાવ જાણવો હતો ને? તો જાણી લે કે આ તારી બાઇક જેટલો નથી. બાઇકની સવારી સસ્તી છે. એના પર જ સવારી કર!"

યુવાન તો ચોંકી જ ગયો. શું બોલવું એ જ તેને સમજાયું નહીં.

અર્પિતા તેને વિચારતો મૂકીને આગળ ચાલવા લાગી. બીજા છોકરાઓ પણ કૂતુહલથી અર્પિતાના કાતિલ અંદાજને જોઇ રહ્યા.

કોલેજના દરવાજામાં પ્રવેશ્યા પછી રચના બોલી:"તેં તો કમાલ કરી નાખ્યો. પેલાની તો બોલતી જ બંધ થઇ ગઇ."

અર્પિતા માત્ર હસી.

કોલેજમાં પહેલો દિવસ હોવાથી બધી છોકરીઓ નવા કપડાં પહેરીને ઉમંગથી ફરી રહી હતી. અર્પિતાને જોઇ ઘણી છોકરીઓને તેના રૂપની જલન થવા લાગી. એક-બે તો મોં મચકોડી જતી રહી.

રચનાએ તેનો ક્લાસ બતાવ્યો અને પોતાના ક્લાસ તરફ જતી રહી.

પહેલો પિરિયડ શરૂ થવાને હજુ સમય હતો. અર્પિતાએ આમતેમ નજર નાખી. કોલેજમાં ચહલપહલ વધી રહી હતી. તે કંઇક નક્કી કરીને ધીમે પગલે કોલેજના પ્રિંસિપલની ઓફિસ તરફ જવા લાગી.

પ્રિન્સીપલ રવિકુમારની ઓફિસ પાસે પહોંચીને તેણે જોયું તો બહાર એક પિયુન ઊભો હતો. તેણે સંમતિ માગી:"કાકા, સાહેબને મળવું છે."

"બેટા, સાહેબ અત્યારે કોઇને મળતા નથી. કોલેજ પૂરી થાય પછી આવજે. હમણાં પહેલો પિરિયડ શરૂ થશે..." પિયુને નિયમ બતાવ્યો.

"મને જવા દો... સાહેબ મને ઓળખે છે...." કહી અર્પિતા અંદર ઘૂસવા ગઇ.

"અરે! મારી વાત..." પિયુન બોલતો હતો ત્યાં અર્પિતાનો અવાજ સાંભળી તેને જોઇને રવિકુમારે પિયુનને સૂચના આપી:"શંકરભાઇ, એને આવવા દો."

પિયુન નવાઇથી અર્પિતાને જોઇ રહ્યો.

અર્પિતા અંદર જઇ રવિકુમારના ટેબલ સામે ઊભી રહી અને જમણો હાથ લાંબો કરી ક્લીવેજ દેખાય એ રીતે ચરણસ્પર્શ કરતી હોય એમ ઝૂકીને કહ્યું:"સાહેબ, આશીર્વાદ આપો. આજે પહેલો દિવસ છે!"

રવિકુમારની નજર અર્પિતાના ચહેરા પરથી ક્લીવેજ પર પડી. પછી મુશ્કેલીથી નજર ફેરવી અર્પિતાને કહ્યું:"બેસ્ટ લક. બરાબર ભણજે."

"થેન્કયુ સર!" કહી અર્પિતા અદબ વાળીને એવી રીતે ઊભી રહી કે તેના હાથથી ઉરોજ દબાય. એ જોઇ રવિકુમારે તેને બેસવા કહ્યું. અને એક-બે સામાન્ય વાતો પૂછી. અર્પિતા સતત નખરા સાથે પોતાના શરીરને હલાવીને રવિકુમારને વિચલિત કરતી રહી. અર્પિતાને ખ્યાલ આવી ગયો કે પ્રિંસિપલના દિલમાં કંઇક થઇ રહ્યું છે. બીજી મુલાકાતમાં જ તે પ્રિંસિપલનું દિલ અને મન જીતવામાં સફળ થઇ રહી હતી. યુવાન અને કુંવારા રવિકુમાર પણ એના રૂપથી પહેલી જ મુલાકાત વખતે પ્રભાવિત થઇ ગયા હતા એનો અર્પિતાને ખ્યાલ હતો. અર્પિતા હવે રવિકુમાર માટે બાજી ગોઠવી રહી હતી. તેને આશા ન હતી કે તે આટલા જલદી તેના રૂપ અને ચેનચાળાથી પલળી જશે. કોઇને કોઇ વાત કાઢી તે અર્પિતાના રૂપને આંખોમાં ભરી રહ્યા હતા. ત્યાં પહેલા ઘંટ વાગ્યો. રવિકુમાર સહેજ નિરાશ થયા. અર્પિતા ઊભી થઇ ગઇ. અને લાડથી બોલી:"સર! હવે હું જઉં?!"

રવિકુમાર કહે:"હાહા... તું ક્લાસમાં જા. અને કોઇપણ કામ હોય કે જરૂરત હોય તો વિનાસંકોચ મને કહેજે. ગામડાની છોકરીને મદદ કરવી એ આ કોલેજનો નિયમ છે. મારા લાયક પણ કોઇ કામ હોય તો કહેજે...."

"થેન્કયુ સર!" કહી અર્પિતા લચકતી ચાલે તેમની ઓફિસમાંથી બહાર નીકળી. અર્પિતાને ખબર હતી કે પ્રિંસિપલ તેની લચકતી કમરને પાછળથી જોઇ રહ્યા હશે. એટલે વધારે મટકતી બહાર નીકળી.

અર્પિતા મનોમન ખુશ હતી. રાજીબહેનને વધુ એક આંચકો આપવા તેણે પ્રિંસિપલ રવિકુમારને હાથો બનાવવાની યોજના શરૂ કરી દીધી હતી. જે રૂપને લીધે રાજીબહેને તેને પસંદ કરી હતી એ રૂપને જ હથિયાર બનાવી એક પછી એક બાજી જીતવા અર્પિતાએ સોગઠાં ગોઠવવાનું શરૂ કરી દીધું હતું.

અર્પિતા રવિકુમારને રાજીબહેન સામે હથિયાર બનાવી શકશે ? પણ કેવી રીતે? એ જાણવા હવે પછીનું પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં.