તેણે પેલા માણસને કહ્યું, “હેય બ્રો. ડુ યુ ગીવ મી યોર ફોન ફોર ફ્યુ મિનિટ્સ?” પેલો બોલ્યો, “બટ વાય મિસ્ટર?” આઝાદ નાટક કરતા બોલ્યો, “બ્રો.. આઈ વૉન્ટ ટૂ કોલ માય ગર્લફ્રેંડ. આઇ મિસ હર સો મચ.” ગર્લફ્રેંડનું નામ પડતા લગભગ પેલા ઘુઘેશને પણ ક્યારેક પ્રેમ થયો હશે તેથી તે બોલ્યો, “ઓકે ઓકે આઇ વિલ ગીવ યુ. વેઇટ અ સેકન્ડ.” એમ કહી તેણે પોતાનો ફોન આઝાદને આપ્યો. આઝાદે ફોન લઈ તેના મિત્ર જીગરને ફોન કર્યો. જીગરની અમદાવાદમાં ચવીંગમની એજન્સી હતી. કોલ ઉપડતા જ આઝાદે પોતાનું નાટક શરૂ કરી દીધું, “હેય બેબી, હાવ આર યુ? આઈ મિસ યુ સો મચ.” પેલો ઘુઘેશ હજી ત્યાં જ ઉભો હતો તેથી આઝાદે તેને ભગાડતા કહ્યું, “હેય બ્રો. એક્યુઝ મી. કેન યુ લિવ મી અલોન ફોર ફ્યુ મિનિટ?”(તમે થોડા સમય માટે મને એકલો રહેવા દેશો) પેલાને લાગ્યું કે આઝાદને વાત કરવામાં શરમ આવે છે તેથી તે હસતા બોલ્યો, “ઓકે ઓકે. આઈ વિલ ગો. બટ યુ હેવ ઓન્લી લિટલ ટાઈમ.”(હા હું જાવ છું. પણ તારી પાસે થોડોક જ સમય છે.)
તેના ગયા પછી આઝાદે સરખી વાત કરતા કહ્યું, “જીગર હું આઝાદ બોલું છું. અત્યારે મારે તારું ખાસ કામ છે. મારી પાસે સમય બહુ ઓછો છે. અત્યારે તું મને કોઈપણ સવાલ ન કરતો. હું તને બધું સમજાવીશ.” જીગર બોલ્યો, “હા પણ તું ક્યાં ગાયબ થઈ ગયો? ચાલ એ બધું છોડ. મારુ શુ કામ પડ્યું?” આઝાદે પૂછ્યું, “જીગર અત્યારે એજન્સીમાં સેંટો ફ્રેશનો કેટલો સ્ટોક છે?” જીગર કહે, “એમ તો ઘણો છે પણ તું શા માટે પૂછે છે?” આઝાદે પૂછ્યું, “એક ટ્રક ભરાય એટલો હશે?” જીગરે કહ્યું, “હા એટલો તો છે જ” આઝાદે કહ્યું, “એક કામ કર એ બધો સ્ટોક તું ટ્રકમાં ભરી રિવરફ્રન્ટ આવી જા અને ત્યાં પાર્કિંગમાં તે પાર્ક કરી નાખજે.”
આઝાદના કહેવા પ્રમાણે જીગરે સેંટો ફ્રેશથી ભરેલો ટ્રક રિવરફ્રન્ટના પાર્કિંગમાં મૂકી દીધો. આઝાદે પેલાને કીધું, “હેય બ્રો. ડુ યુ લાઈક ફાર્મ?” (તને ખેતર/વાડી ગમે છે) પેલો કહે, “યસ. આઇ લાઈક વેરી મચ.” આઝાદે મોકો જોતા કહ્યું, “સો બ્રો. વેર આર વિ ગોઇંગ? લેટ્સ ગો માય અંકલ્સ ફાર્મ. વી વિલ સ્ટેય ઘેર ફોર વન નાઈટ એન્ડ થેટ બેસ્ટ પ્લેસ ફોર હાઈડ ડ્રગ્સ.(તો આપણે ક્યાં જઈએ છીએ ચાલો મારા કાકાના ખેતરે જઈએ અને અપને ત્યાં એક રાત રોકાશું. તે જગ્યા ડ્રગ્સ છુપાવવા માટે શ્રેષ્ઠ છે.) પેલાને થાક લાગ્યો હતો તેથી તે માની ગયો અને આઝાદનો પ્લાન ધીમે ધીમે સફળ થતો હતો.
ખેતરમાં ટ્રક રાખી બંને ત્યાંના ઘરમાં ગયા તો જાણ થઈ કે આઝાદના કાકા બહાર ગયા છે. તેથી આઝાદે ત્યાં ભોજનની વ્યવસ્થા કરી પેલા ઘુઘેશને જમાડયો. લાંબી મુસાફરીના કારણે તે સુવાની તૈયારીમાં હતો. આઝાદ એ જોઈ સમજી ગયો કે આ સુવાનો થયો છે. તેથી તે ઝાડી ઝાંખરમાંથી કઈક વિચિત્ર વનસ્પતિ લઈ આવ્યો અને તેનો રસ બનાવી પેલાને દીધો અને કહ્યું, “હેય બ્રો. ડ્રિન્ક ઇટ. ઇટ ઇસ ગુડ ફોર હેલ્થ.” પેલાને આઝાદ પર વિશ્વાસ હતો કે તે ચાલાકી નહિ કરે. તેથી તે રસ ગટકી ગયો.
થોડીકવાર થઈ અને તે બેભાન થઈ ગયો. આઝાદને તક મળી ગઈ તે ટ્રક લઈ રિવરફ્રન્ટ આવી ગયો અને ડ્રગ્સ અને સેંટો ફ્રેશની અદલાબદલી કરી નાખી. સવાર થવા પહેલા તે ખેતરે પહોંચી ગયો. તેણે સવારે ઉઠીને પેલાને ચા નાસ્તો કરાવી કહ્યું, “બ્રો લેટ્સ ડુ અવર વર્ક.” બંને જણા ટ્રક લઈ અમદાવાદમાં ફર્યા અને ડ્રગ્સની જગ્યાએ ડ્રગ્સ પહોંચાડી નાખ્યા પણ અંદરની વાત તો માત્ર આઝાદ જાણતો હતો.
અમદાવાદમાં ડ્રગ્સ પહોંચાડી બાકીના સ્થળો મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ, ઉત્તરપ્રદેશ, કોલકતા અને છેલ્લે દિલ્હી એમ બધા સ્થળોએ માલ પહોંચાડી દીધો. આઝાદની યુક્તિ કામ કરી રહી હતી પણ આઝાદ એક માત્ર પ્લાન નહતો બનાવી રહ્યો. જુગનુ પણ એટલો જ ચતુર હતો. તેણે સી. બી. વિક્રાંતને જાણ કરી કે આઝાદનું કામ હવે પૂરું થઈ ગયું છે માટે હવે તેને ડ્રગ્સ સ્મગલિંગના કેશમાં જેલ કરવામાં આવે. ખબર મળતાના બીજા જ દિવસે સી. બી. વિક્રાંતે આઝાદની ધરપકડ કરી.
ઘટના સ્થળે વિક્રાંત ત્યાં પહોંચી ગયો. જોકે આ આર્મી ઑફિસરનું કામ ન હતું. પણ આ જુગનુની રાજરમત હતી. જેવો વિક્રાંતે આઝાદને પકડ્યો ત્યારે આઝાદે તેના હાથમાંથી છૂટતા કહ્યું, “હેય હાથ ન લગાડતો મને. હું આવું છું. તારી જેવા ભ્રષ્ટ ઑફિસરોથી મને નફરત છે. તારું કામ તો હું જ તમામ કરીશ. તું માત્ર જો.” આઝાદના શબ્દો સાંભળી વિક્રાંત બોલ્યો, “ઓહ. સરસ. મજા આવી ગઈ. શુ દેશદાઝ છે તારામાં! પણ છેને દેશ કરતા પૈસો મોટો છે. એ તું વહેલા મોડો સમજી જઈશ. ફિલહાલ તો સાસરે ચાલો.”
આઝાદને જેલમાં રાખી વિક્રાંત જુગનુ સાથે વાત કરી રહ્યો હતો. તે કહેતો હતો, “જુગનુ મેં મારું કામ કરી નાખ્યું હવે મારુ ઇનામ જટ મારા ખાતામાં મોકલી દે અને હા આ કુતરાનું શુ કરવું છે?” આઝાદ એ સાંભળી બોલ્યો, “મને એની સાથે વાત કરાવ મારુ કામ હજી બાકી છે.” આઝાદને વાત કરાવવામાં આવી. આઝાદે જુગનુને કહ્યું, “મેં મારું કામ પતાવી નાખ્યું છે. હવે તું મેજર સાહેબને હેમખેમ ભારત મોકલી દે.” જુગનુ હસતા બોલ્યો, “અરે નમૂના. તે ક્યાંય સાંભળ્યું છે કે આતંકવાદી પોતાના વચન પર અડગ રહ્યો હોય? ભૂલી જા એ મેજરને. તેને તો હું કૂતરાની મોતે મારીશ. હવે તું આજીવન જેલમાં આરામ કર.”
આઝાદે કહ્યું, “વાંધો નય જુગનુ. મને તારા પર વિશ્વાસ હતો જ કે તું એમને છોડીશ નહિ. પણ આવતા અડતાલીસ કલાકમાં તું ગમે તેમ મને સંપર્ક કરીશ. રહી વાત મેજર સાહેબની તો સાંભળી લે. મારા જીવતા એમને કાઈ નહિ થવા દઉં. જસ્ટ વેઇટ એન્ડ વોચ. સી યુ સૂન.” જુગનુ કહે, “હવે એવું તો આજ સુધી નથી બન્યું કે કોઈ મારા પર ગેમ રમી જાય. તું જ્યાં છો ત્યાંથી તું કદી નહિ છટકી શકે. આવતા અડતાલીસ કલાકમાં તું મને શું સરપ્રાઈઝ આપીશ પણ હું આવતા અડતાલીસ કલાકમાં તારી બ્રેકીંગ ન્યૂઝ બહાર પાડીશ.” જુગનુએ વિક્રાંતને આઝાદના ડ્રગ્સ સ્મગલિંગની વાત મીડિયામાં ફેલાવા કહ્યું. વિક્રાંતે જુગનુના કહેવા પ્રમાણે મીડિયાને બોલાવી ડ્રગ્સના સ્મગલિંગની વાત જાહેર કરી. મીડિયાએ જુગનુના વિચાર્યા મુજબ આઝાદની ખબર બ્રેકીંગ ન્યૂઝમાં નાખી દીધી. ટી. વી. પર આઝાદના ફોટા આવવા લાગ્યા અને તેમાં ટાઇટલ હતું, “કોણ બચાવશે આ કપૂતોથી?” આ ન્યૂઝ અમદાવાદમાં પણ આવ્યા અને સ્વાતિને જાણ થઈ. સ્વાતિ કહેવા લાગી, “મેં આ ઈડીઅટને ઘણો સમજાવ્યો હતો. પણ એકનો બે ન થયો.” આઝાદના પરિવારે પણ આ ન્યુઝ જોયા અને બધા ચિંતામાં આવી ગયા. આઝાદના માં રડતા રડતા કહેવા લાગ્યા, “અરે આઝાદના બાપુ મારા તો નસીબ ફૂટી ગયા. આ દેશદ્રોહી કરતા મેં પથ્થર જણ્યો હોત તો સારું હતું. મેં તેને કઈક કામ ધંધો કરવા કહ્યું હતું પણ તે આવું કરશે એ મને નહતી ખબર.”
સ્વાતિ આ સાંભળી ન શકી તે કહેવા લાગી, “પ્લીઝ આંટી બસ કરો. આઝાદે એવું કોઈ કામ નથી કર્યું કે જેનાથી તમારું માથું નીચું થાય. એ બધું મારા કાકા માટે કરી રહ્યો છે. મેં એને ઘણો સમજાવ્યો પણ તે એકનો બે ન થયો.” એટલું કહી સ્વાતિએ આઝાદના બધા રહસ્યો તેના માતાપિતાને જણાવી દીધા. એ બધું સાંભળી આઝાદના પિતાશ્રી બોલ્યા, “સવુ, તારે રડવાની જરૂર નથી. મને તો વિશ્વાસ હતો જ કે આઝાદ કદી આવું ન કરે અને તું માં થઈને આવી વાત કરશ. તું જો પેલા આઝાદ કોનો ભાણો છે? નાનપણથી તેના મામા સાથે મોટો થયો છે થોડી દેશભક્તિનો ઘુટડો તો તેના મામાએ પાયો હશે ને?”
સ્વાતિ આ બધી વાતો સમજી ન શકી. તે પૂછવા લાગી, “અંકલ આઝાદના મામા અને દેશભક્તિના ઘૂટડા આ બધું હું સમજી નય.” આઝાદના પિતાએ સ્વાતિને સમજાવતા કહ્યું, “બેટા સ્વાતિ, આ ઘણા સમય પહેલાની વાત છે જ્યારે આઝાદ ચારેક વર્ષનો હતો. એ સમયે અમે કચ્છમાં રહેતા હતા. અમારું ગામ ભારત-પાકિસ્તાન સરહદથી થોડે નજીક હતું. તેથી લશ્કરના જવાનો અમારા ગામમાં શાકભાજી અને દૂધદહીં વગેરે લેવા આવતા હતા. તેમાં એક બળવાન પંજાબી ઓફિસર હતા. તે દર વખતે અમારા ઘરેથી દૂધ લઈ જતા અને અમુક સમયે અમારા ઘરે જ જમી લેતા. આઝાદની માએ તે ઓફિસરને ભાઈ માન્ય હતા.
તે દર રક્ષાબંધનમાં રાખડી બંધાવા અહીં આવતા. આઝાદને એમની સાથે ગમતું તેથી જ્યારે તે પંજાબ રજાઓમાં જતા ત્યારે આઝાદને સાથે લઈ જતા. આમ તો આઝાદ પંજાબમાં જ મોટો થયો છે. પણ હાલ એક વર્ષ પહેલાં તેમણે શહીદ થયા. તેથી આઝાદ અમારી સાથે અમદાવાદમાં આવી ગયો. તેમના મૃત્યુને કારણે આઝાદમાં કઈક અલગ જ લાગણી આવી ગઈ અને તે હંમેશા મને કહેતો કે, “બાપુ મામા શહીદ નથી થયા પણ તેમની જાણી જોઈને હત્યા થઈ છે. તેમના હત્યારાઓને હું તડપાવી તડપાવીને મારીશ.” મને લાગ્યું કે જુવાનીના જોશમાં એ બધું બોલી રહ્યો હતો. પણ જ્યારે તેણે હત્યારાઓને શોધવા આમતેમ ફાંફા મારવાના શરૂ કરી દીધા એટલે અમને તેની ચિંતા વધી ગઈ એટલે આઝાદની માએ તેને સમ આપી શાંત પાડી દીધો અને ત્યારથી આઝાદ દૂધ વેચવા લાગ્યો.
અમે તેને માંડમાંડ શાંત પાડ્યો હતો. તે અમને દરરોજ એક જ વાત કરતો કે મારે આર્મીમાં જવું છે અને મામાનું સપનુ ‘આતંકવાદ વીંનાનું ભારત’ એ સાકાર કરવું છે. શરૂ શરૂમાં અમે તેને ઘણો સમજાવ્યો. પણ જ્યારે મેજર સાહેબને તે ઘરે લઈ આવ્યો ત્યારે અમે મેજર સાહેબને ઓળખી ગયા. તારા કાકા આઝાદના મામાના ખાસ મિત્ર હતા. મેજર સાહેબે આઝાદના મામાની મૃત્યુની હકીકત જણાવી અને એ જાણી મેં આઝાદને મેજર સાહેબની આજ્ઞા માનવાનું કીધું. પણ અમને એ નહતી ખબર કે મેજર સાહેબ પણ સંકટમાં છે. આઝાદના મામાની દેશ પ્રત્યેની વફાદારીના ગુણ આજે મને આઝાદમાં જોવા મળ્યા.” સ્વાતિને વાત થોડી ગળે ન ઉતરી તેણે પૂછ્યું, “અંકલ તેમનું નામ શું હતું?” ત્યારે આઝાદના પિતાએ કહ્યું, “સૂરજસિંહ”.
સૂરજસિંહનું નામ સાંભળતા જ સ્વાતિ બધી જ ઘટના સમજી ગઈ અને કહેવા લાગી, “તો હવે હું સમજી કે આઝાદમાં આતંકવાદી પ્રત્યે આટલી નફરત શા માટે છે. વિષ્ણુકાકાએ સૂરજસિંહ અંકલની મૃત્યુની હકીકત આઝાદને કહી દીધી હશે. પણ આઝાદ હવે આવશે કઈ રીતે? ના, હું પણ દિલ્હી જઈશ અને તેને છોડાવીશ.” આ સાંભળી આઝાદના પિતા બોલ્યા, “બેટા, તું આઝાદની ચિંતા ન કર. તેને કઈ નહિ થાય. તારે દિલ્હી જવાની જરૂર નથી.”
ન્યુઝ મળ્યાના અડતાલીસ કલાક થયા અને જુગનુએ આઝાદ માટે કોલ કરાવ્યો. ફોન આઝાદને આપવામાં આવ્યો. જુગનુ આઝાદને કહેતો હતો, “અરે કૂતરા તું અડતાલીસ કલાકનું શુ કહેતો હતો? આ અડતાલીસ કલાકમાં તે શું ફોડી લીધું? યાદ રાખજે કૂતે કભી શેર કા શિકાર નહિ કરતે.” આઝાદે હસતા કહ્યું, “તો ઉતાવળ શાની છે? થોડીવારમાં તારી જેવા શિયાળ થઈ જશે. સિંહ બોલવાથી સિંહ બની નથી જવાતું તેના માટે હિંમત જોઈએ. જે તારા જેવા શિયાળીયામાં નથી. એટલે જ મેજર સાહેબને કેદ કરી મારા પર રમત રમી રહ્યો છો. પણ ચિંતા ન કર રમત તારી હશે પણ ખેલનું કૌશલ્ય મારા છે. બસ થોડી કલાક રાહ જો.”
ફોન કટ થયાના ત્રણ કલાક થયા અને વળી આઝાદની ન્યુઝ આવવા લાગી પણ આ વખતે ન્યૂઝમાં કઈક ટ્વીસ્ટ હતો. ન્યુઝ રિપોર્ટર બોલી રહ્યા હતા, “ બે દિવસ પહેલા જે શખ્સને આર્મી ઓફિસર સી.બી. વિક્રાંતે અરેસ્ટ કર્યો હતો. તેને અત્યારે રિહા કરવામાં આવી રહ્યો છે. હા હું આઝાદની જ વાત કરી રહ્યો છું. જેને બધા દેશદ્રોહી સમજતા હતા. તો મિત્રો વાત એમ છે કે કાલ મેડિકલ ખાતા દ્વારા આઝાદ પાસેથી ઝડપાયેલા માલની તપાસ કરવામાં આવી અને તેનું પરિણામ જે આવ્યું એ સાંભળીને આપ સૌને હસુ આવશે. હા ઝડપાયેલો માલ નશાકારક પદાર્થ નહિ પણ સેંટો ફ્રેશ ચવીંગમ છે. વચ્ચે જાણવા મળ્યું હતું કે સેંટો ફ્રેશ જેવા દેખાવવાળા નશાયુક્ત પદાર્થનું સ્મગલિંગ થઈ રહ્યું છે. તેના લીધે જ આ નિર્દોષ આઝાદને ઘણી તકલીફ પડી. તો શું આ નિર્દોષના ધંધામાં થયેલા નુકશાનની ભરપાઈ સરકાર કરશે? એ જાણવા માટે ફરી મળીશ એક બ્રેક બાદ..હું રમણ જોષી ફરી મળીશ એક બ્રેક બાદ...જોવાનું ચૂકશો નહિ...”
ન્યુઝ મળતા જ જુગનુના પગ નીચેથી જમીન સરકી ગઇ અને તેણે તરત જ વિક્રાંતને ફોન કર્યો. વિક્રાંતે તેને ગભરાતા જવાબ આપ્યો, “સોરી જુગનુ મને ખબર નથી આમ કેમ બન્યું, પણ તે ડ્રગ્સ જ મોકલ્યા હતા ને?” જુગનુ ગુસ્સામાં બોલ્યો, “તને હું મૂર્ખ લાગુ છું. આ કૂતરાને કેમ ખબર પડી કે ડ્રગ્સનો દેખાવ સેંટો ફ્રેશ જેવો છે? આ કૂતરાએ કઈક કાળા ધોળું કર્યું લાગે છે. તું એને ગમે એમ શોધીલે. એની પાસે મારો કરોડોનો માલ છે. એ બચીને જવો ન જોઈએ અને સાંભળી લે મને નિષ્ફળ લોકો ગમતા નથી.”
વિક્રાંતની ઊંઘ ઊડી ગઈ. તેને મોતનો ડર લાગવા લાગ્યો. તેણે આઝાદને શોધવામાં દિવસ રાત એક કરી નાખ્યા અને બે દિવસ પછી આઝાદ તેને બાપૂની સમાધિ એટલે કે રાજઘાટ પરથી મળ્યો. તેણે આઝાદને પકડી કેદ કર્યો. તેને ઘણો ટોર્ચર કર્યો પણ આઝાદે ડ્રગ્સનું ઠેકાણું ન કીધું. આખરે વિક્રાંતે જુગનુને ફોન કર્યો, “જુગનુ આઝાદ મળી ગયો છે. મેં તેને ઘણો ટોર્ચર કર્યો પણ તે બકતો જ નથી.”
જુગનુએ આઝાદને ફોન આપવા કહ્યું અને ફોન આઝાદ પાસે પહોંચતા તે બોલ્યો, “એય કૂતરા મારા કરોડોના ડ્રગ્સ ક્યાં છે? જો તું મને નહિ કહે તો હું મેજરને ટપકાવી દઈશ.” આઝાદે હસતા કહ્યું, “અરે કૂતરા જેમ તો તું મને શોધી રહ્યો હતો. યાર એ વખતે તારા ચહેરાના ભાવ જોવાની ઈચ્છા હતી, પણ વાંધો નય પછી ક્યારેક જોઈ લઈશ. તું મેજર સાહેબની ચિંતા ન કર. જો એમને તું મારી નાખીશ તો તને કઈ ફાયદો નથી થવાનો. વળી, એ શહીદ ગણાશે. જો તારી પાસે ડ્રગ્સ પહોંચ્યા નહિ તો રશિયન માફિયા તારા કાકા થોડી છે કે તને છોડી દેશે. વળી, તું એટલી રકમ ક્યાંથી કાઢીશ? માટે તારી ભલાઈ એમાં જ છે કે મારી અમુક શરતો માની જા.”
આઝાદની વાતોએ જુગનુની દુખતી નસ પર પગ મૂક્યો હતો. તે પહેલી વખત પોતાના સર્વનાશને તેની સામે જોઈ રહ્યો હતો. તે કહેવા લાગ્યો, “ભસી નાખ. શુ શરત છે તારી? મને કોઈપણ સંજોગે મારા ડ્રગ્સ જોઈએ. પણ એક વાત યાદ રાખજે જુગનુ અત્યારે મજબૂર છે, નહિતર તારી જેવા કૂતરાની શુ ઓકાદ કે એ મારી ઉપર ગેમ રમી જાય. વાંધો નય અત્યારે તારો સમય છે. મોજ કરી લે. એકવાર મારા ડ્રગ્સ આવી જવા દે પછી તને બતાવીશ કે જુગનુ લવિંગ્યું છે કે સુતડી બોમ્બ.” આઝાદ તેની વાત સાંભળી હસવા લાગ્યો, “યાર ડાયલોગ તો સારા બોલ. બસ ફટાકડા જેટલી જ ઓકાદ છે તારી! તો તું પણ યાદ રાખી લે, આ દિવાળીમાં તને ફોડીશ. આવડો મોટો ફટાકડો હોય તો ફટાકડા ખરીદવામાં પૈસા શા માટે બગાડવા જોઈએ. વળી, પાછા ચાઈનાનો માલ હોય છે. ચલે તો ચાંદ તક નહિ તો શામ તક. એટલે આ વખતે ભારતનું પ્રોડક્ટ વાપરવું છે. ના સમજ્યો? તું જ છોને ભારતીય ફટાકડો.”
જુગનુના ગુસ્સાનો પાર ન રહ્યો તે કહેવા લાગ્યો, “ઉડાવી લીધી મારી મજાક. હવે મુદ્દા પર આવ.” આઝાદે કહ્યું, “મારી પહેલી શરત એ છે કે મને ચોવીસ કલાકની અંદર મેજર સાહેબ હેમખેમ ભારતમાં અને એ પણ હું કહું ત્યાં જોઈએ. બીજી વાત કે બાકીની શરત હું ડ્રગ્સ દેવા આવીશ ત્યારે કહીશ પણ યાદ રાખજે જ્યારે મારી શરત પૂરી થશે ત્યારે જ તારો માલ તને પાછો મળશે.” જુગનુ બોલ્યો, “ સારું તે ભારત પહોંચી જશે પણ એ તારી પાસે આવી ગયા પછી તું મારા ડ્રગ્સ મને પાછા આપીશ એની શુ ગેરન્ટી?” આઝાદે કહ્યું, “ભૂલ નય કે ભારતીય કદી પોતાના બોલ ભૂલતો નથી. તારા ડ્રગ્સ જરૂર તને મળી જશે.”
આઝાદનો પ્લાન કામ કરી ગયો. હવે આઝાદ ટેંશન ફ્રી થઈ ગયો. તેણે આ આનંદ સ્વાતિ સાથે વહેંચવા સ્વાતિને કોલ કર્યો. સ્વાતિએ અજાણ્યો નંબર જોઈ ફોન ઉપાડી બોલી, “હેલો. કોણ?” આઝાદે અવાજ બદલી કહ્યું, “તું જ ઓળખી લે.” સ્વાતિ બોલી, “હું નથી ઓળખતી. જે હોય એ બોલી જા ખોટો ટાઈમપાસ ન કર. એક તો હું ઓલરેડી ટેંશનમાં છું.” ટેંશનનું નામ પડતા જ આઝાદ સમજી ગયો કે હવે આને વધારે સતાવવી નથી. તે બોલ્યો, “અરે બે હજારવાળી નોટ મને ભૂલી ગઈ?” એ શબ્દો સાંભળતા જ સ્વાતિ બોલી, “હેય મિસ્ટર માઈન્ડ યોર લેંગ્વેજ... બે હજારવાળી નોટ? અરે સોરી. સોરી આઝાદ ટેંશનમાં ભૂલી ગઈ કે આ નામથી તું જ મને ચિડાવે છે. તારા ન્યુઝ સાંભળી હું ગભરાઈ ગઈ હતી. મારે કહેવું ન જોઈએ પણ તારા માટે બેડ ન્યુઝ છે. હું આંટીને બધી વાત બકી ગઈ.”
આઝાદે કહ્યું, “વાંધો નય. એ તો થવાનું જ હતું. હવે ચિંતા જેવું કંઈ નથી. કાલ સુધીમાં મેજર સાહેબ ઘરે પહોંચી જશે. એમને હું અમદાવાદ મોકલી દઈશ. જો એ અમદાવાદ આવી જાય એટલે તું એમને મારી કોઈપણ વાત કરતી નય કે મેં એમને શુ કરી છોડાવ્યા છે. હું પાછો નહિ આવું. હું જુગનુ પાસે જવાનો છું. આ વખતે મારો પ્લાન મોટો અને જોખમ ભર્યો છે. કદાચ હું ન પણ આવું પણ તું હિંમત ન હારતી. જો હું ન આવું તો મારા પરિવારનું ધ્યાન રાખજે.” સ્વાતિ એ સાંભળી બોલી, “આઝાદ મને વિશ્વાસ છે કે તને કઈ નહિ થાય. પણ તું આજે પણ નહીં બોલે? પ્લીઝ હવે તો મને સાંભળવું છે એ બોલ.”
આઝાદ કહેવા લાગ્યો, “મને કાઈ સમજાતું નથી હું શું બોલું જે તારે સાંભળવું છે? યાર તને શું થઈ ગયું છે? હું માંડ માંડ તને ઘણા સમય પછી કોલ કરું છું તોય તું મારા સમજની બહારની વાત કરશ. યાર તારે જે સાંભળવું હોય એ મને સીધે સીધુ કહીં દે પણ આમ મારી સમજણની બહારની વાત મારી સાથે ન કર.” સ્વાતિ ગુસ્સામાં બોલી, “આઝાદ તું આટલા સમય મારી સાથે રહ્યો છતાં પણ તું મને સમજી ન શક્યો. વાંક તારો નથી પણ મારો છે જે લેવા દેવા વગરની ફીલિંગ્સ તારી સાથે રાખીને તારા શબ્દોની રાહ જોઈ રહી હતી. આઝાદ મેં તને ઘણો સતાવ્યો છે પણ હવે તું ચિંતા ન કર. હું તારી સાથે કોઈપણ જાતની વાત નહિ કરું. સોરી મેં તારા સમજણ બહારની વાત કરી. મારી વાતનું દુઃખ ન લગાડતો. તારા ધ્યેય પર ધ્યાન આપજે. બાય. હવે હું તને કોલ નહિ કરું. મારી વાતથી એમ ન સમજતો કે હવે આપણો સંબંધ પૂરો. આપણે મિત્ર હતા, મિત્ર છીએ અને મિત્ર રહીશું. બાય.”(સ્વાતિ રડવા લાગી)
સ્વાતિનો ગુસ્સો જોઈને આઝાદ સમજી ન શક્યો કે તે ગુસ્સો દેખાડે છે કે પોતાના આંસુ શબ્દોથી બતાવે છે. તે મનોમન કહેવા લાગ્યો, “એવું હું શું નથી બોલતો કે સ્વાતિ વારંવાર મને એ બોલવાનું કહે છે? ખરેખર દુનિયાના મોટામાં મોટા કલાકાર પણ સ્ત્રીને નથી સમજી શક્યા તો આ આઝાદ ક્યાંથી સમજી શકે કે સ્વાતિને શુ જોઈએ છે? આજ મેં ગુસ્સે થઈ મારી બેસ્ટ ફ્રેન્ડને રડાવી છે. હું મને કદી નહિ માફ કરી શકું. એક ભારતીય હંમેશા સ્ત્રીનો આદર કરે છે. તેને રિસ્પેક્ટ આપે છે અને આજ મેં એક સ્ત્રીને રડાવી. આવો અપરાધ મારાથી કેમ થઈ ગયો? મને માફ કરજે સ્વાતિ હું તને સમજી ન શક્યો. હું મારું ધ્યેય પૂરું કરી તને સમજવાનો પ્રયત્ન કરીશ.”
આઝાદને પહેલી વખત અનુભવ થયો હતો કે તેણે સ્વાતિને દુઃખ પહોચાડ્યું છે. ઉપરાંત પહેલી વખત પોતાને અપરાધી માનવા લાગ્યો હતો. આ સંજોગોની વચ્ચે પણ આઝાદ પોતાની દેશ પ્રેત્યેની જવાબદારીને પ્રભુત્વ આપી રહ્યો હતો. હવે બસ તે મેજર સાહેબના આગમનની રાહ જોતો હતો. આઝાદનું હવે આગળનું પગલું શુ હશે એ વાત આવતા ભાગમાં કરીશું.
To be continued......