સખીરી...
ખરેખર તો સ્ટોરી લખાય પછી શીર્ષક આપવા નું હોય છે. પણ મને હમેશા શીર્ષક પર થી સ્ટોરી લખવાની પ્રેરણા મળે છે. અમારા કાઠીયાવાડી હશે એ તરત બોલશે કે ઉંધા લોકો ઉંધા જ ચાલે. એ મુજબ કદાચ હું પણ એ ઉંધા ચાલવાવાળા માંથી એક હોઈશ.
મેં એક જુના લોકબોલી ના ગીત ની કડી સાંભળી., હું ને મારી બેનપણી તો પિક્ચર જોવા ગયા હતા... હમજી લ્યો ને રે.. અને યાદ આવી ગયું એ સરખી સહેલીઓ નું જોડે પિક્ચર જોવા જવું અને પછી બધા ના ઘરે મચી ગયેલ દંગલ. તો વળી સચીનભાઈ કહેશે મેડમ પિક્ચર જોવા જવા માં શું દંગલ વળી ?
જોકે આજ ની પેઢીએ તો આવા ગીતો સાંભળ્યા પણ નહિ હોય ખરું ને ? પણ આ વાત આજ ની નથી લગભગ ૨૫-૨૬ વર્ષ પહેલા ની છે. આજે તો બાળકો કે યુવાનો ને મમ્મી કે પપ્પા ને કહેવાનુજ રહે છે કે મુવી જોવા જવું છે. ત્યાં મંજુરી તો મળી જ જાય. સાથે વાહનવ્યવસ્થા પણ થઇ જાય અને પોકેટમની પણ મળી જાય. ક્યારેક તો એ પણ કહેવું ન પડે મમ્મી પપ્પા પોતેજ પિક્ચર જોવા લઇ જાય ખરું ને ?
જયારે ૨૫-૨૬ વર્ષ પહેલા તો મમ્મી પપ્પા સામે પિક્ચર નું નામ પણ ન લઇ શકાતું. એમા પણ છોકરી ની જાત ને એ પણ સાહેલીઓ સાથે પિક્ચર જોવા જવાની વાત વિચારી પણ કેમ શકાય ? કદાચ વિચારી લીધી હોય તો પણ બોલી તો ના જ શકાય. તે સમય માં ઘરે ટેલીવિઝન હોવું એટલે લકઝરી ગણાતી. કારણ કે બધા ના ઘરે ટેલીવિઝન પણ નહોતા. એટલે એ સમય માં પિક્ચર નો બહુ ક્રેઝ હતો.
અમે ૫ સખીઓ નું ગ્રુપ હતું. એકદમ ખાસ સહેલીઓ.રીમા, હિરવા,વિરલ સોનાલી અને હું એટલે કે અવની. સાથે સ્કુલે જવું, સાથે રમવું, સાથે લેશન કરવા બેસવું. બસ લગભગ આખો દિવસ સાથે જ હોઈએ. મુગ્ધાવસ્થામાં માંથી યુવાની તરફ ડગ મુક્તી એ ઉમર જ એવી છે કે દુનિયા ની સુંદરતા અચાનક દેખાવા લાગે. દિલ એ સુંદરતા માણવા કઈ પણ કરવા તૈયાર થઈ જાય. પછી તેના માટે કંઇ પણ કરવું પડે.
ત્યારે અમારે ૯ માં ધોરણ ની વાર્ષિક પરીક્ષા નો છેલ્લો પેપર બાકી હતો. એટલે બધા રીલેક્ષ થઇ જવાના મૂડ માં હતા. ત્યાં સોનાલી કહે આપણું ધોરણ ૧૦ શરુ થાય એટલે થઇ રહ્યું સમજો.
કેમ એમ કહે છે ?... રીમા.
તો શું દસમાં ધોરણ માં કઈ બહાર જવાનું નહિ રમવાનું નહિ, ટિવી પણ ઓછું જોવાનું. બસ આખો દિવસ ભણવાનું જ...સોનાલી.
પણ વેકેશન માં તો ભણવાનું ના હોય ને ?...હિરવા.
હા થોડા દિવસ જવા દેશે પછી વેકેશન થીજ ભણવાનું શરુ.
બધી મોઢા ફૂંગરાવી ને બેસી ગઈ. પણ એમ તો શાંતિ થી જાજી વાર બેસે એવી કોઈ ન હતી.
આપણે ભણવાની ની ક્યાં ના પાડી છે ? પણ ત્યાં સુધી તો એન્જોય કરીએ. આપણે પિક્ચર જોવા જવું છે ? સલમાન ખાન નું સુપરહિટ પિક્ચર હજી ચાલે જ છે...સોનાલી.
સોનાલી તું કેવી વાત કરે છે આપણને કોણ પિક્ચર જોવા લઇ જશે ?... રીમા.
લે વળી, કોણ લઇ જાય ? આપણે જાતે જઈશું....સોનાલી.
પણ આપણા કોઈ ના ઘરે થી એકલા પિક્ચર જોવા ન જવા દે. અરે મારા ઘરે તો પિક્ચર જોવા જવું છે એવું હું કહી જ ન શકું. મારા દાદા આખું ઘર માથે લઇ લે.. ના બાબા હું તો ઘરે ન જ કહી શકું પિક્ચર નું.
રીમા ની વાત સાચી છે. પહેલા તો ઘરે કહી જ ન શકીએ અને કદાચ કહીએ તો એકલી છોકરીઓએ પિક્ચર જોવા જવાય ? ઘર માં તોફાન આવી જાય...હિરવા.
હા મને પણ ના જ જવાદે એકલા પિક્ચર જોવા. પણ તો શું કરવું ? આપણે પિક્ચર નહિ જોવાનું ? ના પિક્ચર તો જોવા જવું જ છે. પણ ઘરે પિક્ચર નું નહિ પણ કૈક બીજું જ કહીશું.
તરત મેં વચ્ચે કહ્યું ના ખોટું બોલી ને નથી જવું પિક્ચર જોવા.
તો સારું તું ન આવતી, સલમાન ખાન નું સુપરહિટ પિક્ચર જોવા. અમે તો બધી જઈશું અને સાથે થીએટર માં પોપકોર્ન ખાઈશું. અને ખુબ મજા કરીશું... સોનાલી.
એટલું સાંભળી ને મારું મન ગળી ગયું, પણ આપણે ઘરે કહીશું શું ?
હાહાહા.. આવી ગઈ ને લાઈન પર ? એ હવે તમે લોકો નક્કી કરો.. સોનાલી.
કેમ તું કેમ નક્કી નહિ કરે ? અમે શું કામ ?...વિરલ.
જો આ પાછી શરુ થઇ ગઈ છે હો. તેને બધી વાત માં વાંધો જ હોય છે. તો પિક્ચર જોવા જવા માં કેમ વાંધો ન ઉઠાવ્યો ? ત્યાતો બેનબા તરત તૈયાર થઇ ગયા કેમ ?... સોનાલી.
મારે પણ પીકચર જોવા આવવું છે એટલે વાંધો ન ઉઠાવ્યો.. તારા આઈડિયા બહુ સરસ હોય છે એટલે તું નક્કી કરે તો ફસાવા નો ડર ન રહે એટલે કહ્યું હો...વિરલે હસતા હસતા કહ્યું.
સારું સારું બધા વિચારો... હા આપણી સાથે ભણતી દિપાલી નું ઘર શહેર થી થોડી દુર ની સોસાયટી માં છે તો તેના ઘરે જવાનું કહી આપણે નીકળી શકીએ...સોનાલી.
હા તેનો જન્મદિવસ છે એટલે તેના ઘરે ભેગા થવાનું છે એવું કહીશું. એક્ઝામ પૂરી થઇ જશે એટલે કોઈ ના પણ નહિ પાડે.
બસ પ્રોગ્રામ પાક્કો થઇ ગયો. છોકરીઓને મની પ્રોબ્લેમ તો લગભગ ના હોય. કારણ કે મમ્મી ૧ રૂપિયો વાપરવા આપે તો ૫૦ પૈસા જ વાપરવાના. બાકી ના બચાવવાના. પિક્ચર ઘણા દિવસ થી ચાલતું હતું એટલે ટીકીટ નો પણ કઈ પ્રોબ્લેમ થવાનો ન હતો.
અને હા ખાસ વાત એ હતી કે અમારી બધા પાસે સાયકલ હતી એટલે ફટાફટ થીએટર પહોચી જવાય. તમને એમ થતું હશે ને કે સાયકલ હોય તો વળી શું ?
પણ ત્યારે તો સાયકલ પણ લકઝરી ગણાતી હતી. હાહા... મજાક લાગે છે ને મારી વાત ? પણ સાચેજ એવું હતું. એ સમયે બધા પાસે સાયકલ ન હતી. અમે બધા પોતાને નસીબદાર ગણતા. એમાં પણ જયારે નવી સાયકલ આવી હોય અને તેના પર બેસી ને નીકળીએ તો જાણે રાજા ની અંબાડી પર બેઠા હોઈએ એવી ફીલિંગ્સ આવતી.
હા તો નક્કી એવું થયું કે પેપર ૩-૦૦ વાગે પૂરો થવાનો હતો અને ૩-૩૦ નો શો હતો. એટલે એક્ઝામ પૂરી થાય કે તરત ફટાફટ નીકળી જવું. દિપાલી, સોનાલી અને વિરલ ના ક્લાસ માં હતી. એટલે તે બંને એ સ્કુલે જઈ ને તરત દિપાલી ને બધું કહી દેવાનું હતું જેથી કઈ પ્રોબ્લેમ ના થાય.
પણ દિપાલી પેપર શરુ થયું ત્યાં સુધી આવી જ નહિ. સોનાલી અને વિરલ ખુબ ટેન્શન માં આવી ગઈ. ત્યાં દિપાલી આવી અને પેપર આપવા બેસી ગઈ. પછી કઈ બોલી શકાય એવી પોઝીશન ન હતી એટલે દિપાલી ને પેપર પૂરો થાય ત્યારે જાણ કરી દઈશું એવું બંને એ ઈશારા માં નક્કી કરી પેપર લખવા માં વ્યસ્ત થઇ ગઈ.
વિરલ નો પેપર પાંચ મિનીટ વહેલો પૂરો થયો એટલે તેણે સોનાલી સામે જોયું તે હજી લખવા માં વ્યસ્ત હતી. તરત તેણે દિપાલી ની સામે જોયું પણ તે પોતાની જગ્યાએ ન હતી. એટલે તેણે સર ને પૂછ્યું સર દિપાલી ક્યાં ગઈ ?
દિપાલી ને પેપર પૂરો થઇ ગયો એટલે ગઈ. સર ના ટોન પર થી તેને ચાલુ પેપર માં પૂછ્યું તે ન ગમ્યું તે વિરલ ને સમજાય ગયું. પછી વધારે કઈ ન બોલી શકી. પણ તેમની વાતચીત સાંભળી સોનાલી સમજી ગઈ.
પેપર પૂરો થયો એટલે બંને ફટાફટ બહાર નીકળી દિપાલી ને શોધવા. પણ તેતો કદાચ ઘરે જવા નીકળી ગઈ હશે એટલે ન મળી.
ત્યાં ગ્રુપ આખું ભેગું થઇ ગયું. હવે દિપાલી ને ખબર નથી તો શું કરશું ?
કઈ વાંધો નહિ દિપાલી તો ઘરે જ ગઈ હોય તો કઈ વાંધો નહિ આવે. ચાલો હવે શો નો સમય થઇ ગયો છે....સોનાલી.
પણ દિપાલી ક્યાં ગઈ હતી એ કોઈ ને ક્યાં ખબર હતી ? એક પિક્ચર માટે કેવું ઘમાસાણ મચવાનું છે એવી ખબર હોત તો આ પ્રોગ્રામ જ ન બનેત.
ફટાફટ બધા થીએટર પહોચી ગયા. ટીકીટ પણ મળી ગઈ. ખુશખુશાલ થઇ બધા પિક્ચર જોવા ગોઠવાઈ ગયા. મજાક મસ્તી અને સાથે પોપકોર્ન. આહાહા.. આટલા માં તો અમે ગગન માં વિહરવા લાગ્યા અને કેટલી મજા અમે લુટી લીધી હોઈ એવું મહેસુસ કરતા હતા.
જયારે બીજી તરફ બધા જતા હતા ત્યારે રીમા નો મોટોભાઈ સામો મળ્યો હતો એ તરફ કોઈ નું ધ્યાન ન હતું.
દિપાલી ના કાકા ઘરે સત્યનારાયણ ની કથા હતી. એટલે તેને તેના મમ્મી એ જલ્દી ઘરે બોલાવી હતી જેથી બધા સાથે કાકા ના ઘરે સમયે પહોચી શકે. તેના કાકા ના ઘરે બધા સમયસર પહોચી પણ ગયા. પૂજા પણ શરુ થઇ ગઈ એટલે દિપાલી કહે કાકી, આજ સોસાયટી માં રહેતી મારી બધી ફ્રેન્ડસ ને કથા માં બોલાવી આવું.
હા બેટા, જા તારી બધી ફ્રેન્ડસ ને બોલાવી આવ..
હવે દિપાલી ના કાકા ક્યાં રહેતા હતા તેતો તમે સમજી જ ગયા હશો.
દિપાલી સૌથી પહેલા રીમા ના ઘરે પહોચી. આંટી રીમા ક્યાં છે ? મારા કાકા ના ઘરે સત્યનારાયણ ની કથા છે એટલે તેને બોલાવવા આવી છું.
દિપાલી તું અહી ? તો રીમા ક્યાં છે ? દિપાલી અને રીમા ના મમ્મી વચ્ચે ની આટલી વાત સાંભળી ને તેના દાદા કે જે તેજ રૂમ માં બેઠા હતા તે તરત ઉભા થઇ આવ્યા.
પછી તો દિપાલી પર સવાલો નો મારો ચલાવ્યો દાદાએ. દિપાલી તો ડરી જ ગઈ દાદા ના ઊંચા અવાજ થી. એમાં પણ દાદા તો તેને સામું પુછતા હતા કે રીમા ક્યાં ગઈ ? તેને કઈ સમજાતું ન હતું એટલે શું જવાબ આપે. એટલે દાદા નો ગુસ્સો સાતમાં આસમાને પહોચી ગયો. દાદા ના એ અવાજ થી ઘર ના બધા જ બહાર આવી ગયા.
પણ... દાદા મને ખબર નથી રીમા ક્યાં છે. અંતે થોડી હિમત કરી દિપાલી એ કહ્યું. એટલે રીમા ના મમ્મી એ પૂછ્યું આજે તારો જન્મદિવસ નથી ? બધા તારા ઘરે ભેગા થવાનું કહી ને ગયા છે.
આન્ટી આજે મારો જન્મદિવસ નથી અને મારા ઘરે તો કોઈ આવ્યું નથી.
ત્યાં રીમા ના ભાઈ એ કહ્યું મેં એ બધા ને વારાહી સોસાયટી તરફ જતા જોયા હતા. પણ દુર હતા એટલે મેં ન બોલાવ્યા.
ત્યાતો દાદા ગુસ્સે થી રાડો પાડવા લાગ્યા એમ કહો તો પણ ચાલે એવા ઊંચા અવાજે રીમા ના મમ્મી ને ખીજાવા લાગ્યા.
તમે જ છોકરી ને ચડાવી છે ? ઘર માં ખોટું પણ બોલવા લાગી. જાવ હવે જલ્દી શોધો ક્યાં છે એ ?
દિપાલી તો ભાગી તરત કાકા ના ઘર માં જઈ ને બેસી ગઈ.
જયારે રીમા ના મમ્મી અને ભાઈ વિરલ ના ઘરે પહોચ્યા.
ત્યાં પણ એજ પરીસ્થિતિ હતી. વિરલ ના પપ્પા પણ ગુસ્સે થઇ ગયા.
વારફરતી બધા ના ઘર ના ભેગા થઇ ગયા સોસાયટી માં. કોઈ ના ઘરે ખબર ન હતી ખરેખર ક્યાં ગઈ છે બધી. જોકે બધા ને એટલી સાંત્વના મળી કે બધી સાથે છે એટલે કઈ અહિત થવા ની ચિંતા ન હતી.
રીમા નો ભાઈ તેમજ વિરલ નો ભાઈ બંને વારાહી સોસાયટી માં શોધવા નીકળ્યા. સ્કુલ ની જેટલી પણ છોકરીઓ એ સોસાયટી ની આસપાસ રહેતી હતી અને જેના ઘર મળી ગયા, ત્યાં બધે એ લોકો શોધી આવ્યા. કલાક તો એમણે અમને ત્યાજ શોધી હશે. જોકે એ બધી વાત અમને પછી થી ખબર પડી હતી.
આ બધા થી અજાણ અમેં બધા તો પિક્ચર માં ખુબ મજા કરતા હતા. મજાક મસ્તી ચાલુ હતી. જોકે થીએટર નો એક અલગ જ માહોલ હોય છે. ત્યાં નાના મોટા સૌ મજા ના મૂડ માંજ હોય છે ખરું ને ? ઇન્ટર માં પણ વાતો કરતા કરતા સોનાલી એ કહ્યું જોયું ને કેવી મજા આવી પિક્ચર માં ? આપને બધા ખોટા ડરતા હતા. રીમા તો સાવ બીકણ જ છે. કહી રીમા ને ચીડવવા લાગી.
અમારું પિક્ચર પૂરું થયું પણ કોઈ ને ઘરે જવાની ઉતાવળ ન હોય તેમ શાંતિ થી વાતો ચાલુ હતી. છોકરીઓ ને વાતો તો ક્યારેય ખૂટે જ નહિ. એમને વિષય ની પણ જરૂર ન પડે. બસ એમજ અમે પણ વાતો કરતી કરતી નિરાંતે સાયકલ ચલાવતી હતી. અમને શું ખબર કે ઘરે જ્વાળામુખી ફાટેલો છે ? અને આ અમારી મજા સજા બની જવાની છે.
સોસાયટી માં અંદર જતા જ અમારું ધ્યાન ગયું કે સોનાલી ના ઘર પાસે અમારા બધા ના ઘર ના ચિંતાતુર ચહેરે ઉભા છે. એટલે થોડીવાર તો અમને થયું શું થયું વળી સોસાયટી માં ? એવી ઘુસપુસ કરતી અમે ત્યાં પહોચવાજ આવી હતી ત્યાતો અમને જોઈ ને રીમા ના દાદા એ ઘાંટો પાડી પૂછ્યું, ક્યાં ગઈ હતી રીમા ? રીમા પાસે જઈ દાદાજી એ હાથ પણ ઉગામ્યો પણ એ પહેલા છોકરીઓ ને ડરી ગયેલી જોઈ સોનાલી ના મમ્મી એ વાત પોતાના હાથ માં લઇ લીધી. સોનાલી તારી ફ્રેન્ડ દિપાલી તો આપણી સોસાયટી માંજ છે. તમે બધા ક્યાં ગયા હતા ? બધું સાચું કહી દો. તમને કોઈ ખીજાશે નહિ.
સોનાલી ના મમ્મી વચ્ચે બોલ્યા એટલે દાદાજી મૂંગા તો થઇ ગયા પણ તેમની આંખો માંજ બતાતું હતું કે હજી તેમને કેટલો ક્રોધ છે ? દાદાજી ના અવાજ થી અમે બધા ડરી ગયા અને રીમા તો હેબતાઈ જ ગઈ હતી. એક મિનીટ તો કોઈ ને કઈ સમજાયું જ નહિ પણ પછી સમજ માં આવી ગયું કે હવે બધા ની જોરદાર લેફરાઇટ લેવાવા ની છે.
થોડીવાર એમજ નિરવ શાંતિ ફેલાય ગઈ અને બધા અમારા તરફ તાકી રહ્યા હતા અમારો જવાબ સાંભળવા જાણે અમે કોઈ ગુનો કરી ને ભાગતા ગુનેગાર હોઈએ. પણ ઝીંદગી માં પહેલીવાર માતા પિતા પાસે ખોટું બોલ્યા હતા તેની સજા રૂપે જ,આખી સોસાયટી સામે અપમાનજનક પરીસ્થીતી આવતા અમે તો જાણે આઘાત માં પડી ગયા હતા. કોઈ ની ઊંચું જોવા ની પણ હિંમત થતી ન હતી. સાચે સાચું કહી દેવું હતું પણ અમારા મોઢા માંથી એક શબ્દ પણ નીકળી શકતો ન હતો જાણે વાચા હરાઈ ગઈ હતી.
આખરે સોનાલી એ હિમ્મત કરી અને કહ્યું મમ્મી અમે લોકો પિક્ચર જોવા ગયા હતા. બસ એનાથી વધારે એક શબ્દ પણ તેનાથી બોલી ન શકાયો. પણ તેના મમ્મી એટલા માંજ સમજી ગયા.
પણ એ કઈ બોલે એ પહેલા તો રીમા ના દાદા ગર્જ્યા ખોટું બોલું ને પિક્ચર જોવા જવાનું છે ? ત્યાં સુધી માં તો બધા ના ઘર ના અમને ખીજાવા લાગ્યા. અમારી હાલત તો ધરતી માર્ગ આપે તો અંદર સમાય જઈએ એવી થઇ ગઈ હતી.
પણ એ બધા માં પેલી કહેવત છે ને ખારા જળ માં મીઠીવીરડી એ યાદ આવે એ રીતે સોનાલી ના મમ્મી અમારી બધા ની વહારે આવ્યા. પહેલા તેમણે બધા ને શાંત કર્યા. પછી કહે બેટા પિક્ચર જોવા જવું હોય તો અમને કહી ને જવું જોઈએ ને ? અમે કોઈ થોડી તમને ના પાડવા ના હતા ?
બધા ના જીભે આવી ગયું કે હા ના જ પાડો છો એટલે તો જુઠું બોલી ને ગયા હતા. પણ એ પરિસ્થિતિ માં અમારે એક પણ શબ્દ બોલવાનો ન હતો એ અમને બધા ને સમજાય ગયું હતું.
આ રીતે ખોટું બોલી ને જાવ તો અમને બધા ને કેટલું ટેન્સન થાય ? અમે બધા ૨ કલાક થી તમને શોધીએ છીએ.
બસ આ મોકો ઝડપી લેવા જેવો છે એવું સોનાલી ને લાગ્યું એટલે તેણે વિરલ નો ઠોસો મારી તેની મમ્મી પાસે ગઈ. સોરી મમ્મી હવે ક્યારેય ખોટું બોલીશ નહિ, મને માફ કરી દો ને મમ્મી.
એટલે વિરલ ને સમજાય ગયું તેણે બધી ને ઈશારો કરી માફી માંગવાનું કહ્યું, એટલે અમે બધાએ માતા પિતા પાસે માફી માંગી.
રીમા ના દાદા હજી ગુસ્સા માં હતા. એટલે સોનાલી ના મમ્મી એ કહ્યું આપણી છોકરીઓ સંસ્કારી જ છે, એકવાર તેને માફ કરી, તેમને ભવિષ્ય માં ખોટા રસ્તે જતા રોકવા ની જવાબદારી આપણી છે અને થોડું સમય મુજબ આપણે પણ ફેરફાર કરવા ની જરૂર છે. આપણી દીકરીઓએ આપણી પાસે ખોટું બોલી ને જવું જ ન પડે એ વાતાવરણ આપણે એમણે આપવાનું છે.
તેમની વાત થી બધા ના ઘર ના સંમત થયા એટલે રીમા ના દાદા થોડા કુણા પડ્યા.
પણ એક વાત ની નવાઈ અમને લાગતી હતી કે સોનાલી જેટલી બિન્દાસ્ત હતી, તેનાથી વિરુદ્ધ તેના મમ્મી ખુબ સમજદાર હતા. પણ અમને બધા ને એ સમયે આકાશ માંથી ઉતરી ને સોનાલી ના મમ્મી ના રૂપ માં કોઈ પરી અમારી મદદે આવી હોય એવું લાગ્યું.
બસ આ હતું અમારું સરખી સહેલીઓ નું પિક્ચર જોવા જવાથી મચી ગયેલ દંગલ. હા પણ તેનાથી અમને બે લાભ મળ્યા. એક તો બોધપાઠ મળ્યો કે ક્યારેય માતા પિતા પાસે ખોટું બોલવું નહિ.
બીજો અમારા માટે મહત્વનો લાભ એ થયો કે ત્યારેજ બધા ના મમ્મી પપ્પા એ નક્કી કર્યું કે આપણે જ થોડા થોડા સમયે છોકરીઓ ને પિક્ચર જોવા લઇ જવી...…
***