Rakshabhabhi in Gujarati Short Stories by Yashvant Thakkar books and stories PDF | રક્ષાભાભી

Featured Books
Categories
Share

રક્ષાભાભી

રક્ષાભાભી

યશવંત ઠક્કર

અતુલે જે ધાર્યું હતું એ જ થયું. રક્ષાભાભીએ એની પૂરેપૂરી ખબર લઈ નાંખી. એ જે કંઈ બોલ્યો, રક્ષાભાભી એથી સવાયું બોલ્યાં. રક્ષાભાભીના સણસણતાં તીર જેવા સવાલો હતા કે, ‘તમે પાંચ વર્ષોથી એક પણ ફોન કેમ નથી કર્યો? ફોન નંબર બદલાવ્યો તોય જાણ કેમ ન કરી? કોઈ જાતના ખબર કેમ ન મોકલાવ્યાં? અમારાથી રિસાવાનું કોઈ કારણ ખરું?’

અતુલે બહાનાં કાઢ્યાં, પણ રક્ષાભાભીના ગુસ્સા સામે એ ટકી ન શક્યાં. ‘તું તારી ભાભીને નહિ પહોંચી શકે. અતુલ, શરણે થઈ જવામાં જ મજા છે.’ કમલે રક્ષાની સામે સગર્વ જોતાં જોતાં બોલ્યો.

કમલ અતુલનો મિત્ર હતો, પરંતુ ભાઈ સમાન હતો. કમલને ફર્નિચરનો સારી કમાણીવાળો ધંધો હતો. એ થોડોક ચાલાક અને ગણતરીબાજ ખરો, છતાંય અતુલને એની સાથે સારું ફાવતું હતું. કમલનાં લગ્ન થયાં ત્યારે અતુલ એની જાનમાં ગયેલો. રક્ષાભાભી જાહોજલાલીમાં ઊછરેલાં એટલે સ્વાભાવિક રીતે જ સગાંવહાલાંની જીભે એક વાત રમતી થઈ ગયેલી કે, ‘પૈસાદારની દીકરી છે, ભાઈ, હવે તો કમલ આપણા હાથમાંથી જવાનો.’

અતુલે પણ માની લીધું હતું કે, ‘હવે એ ઘરમાં પહેલાં જેવો આવકારો નહિ મળે.’ પણ, બન્યું હતું એથી ઊલટું જ! રક્ષાભાભીને એની સાથે પણ સારું ફાવવા માંડ્યું. એમણે સ્પષ્ટ શબ્દોમાં અતુલને કહ્યું હતું કે, ‘અતુલભાઈ, અહીંની તહીં કરનારાં સગાંઓ અમને નથી ગમતાં. કસમયે આવીને ધામો નાખનારા મહેમાનો ક્યારેક ત્રાસ કરે છે. પણ, તમારી વાત જુદી છે. જ્યારે આવવું હોય ત્યારે તમારું પોતાનું ઘર સમજીને આવજો. અમને ગમશે.’

અતુલ પાસે ઝાઝા પૈસા નહોતા. સમજણ હતી. હસીમજાકની વાતો હતી. એ રક્ષાભાભીને એવી વાતો સંભળાવી સંભળાવીને ખૂબ હસાવતો. એ જ્યારે જ્યારે જવાની વાત કરતો ત્યારે ત્યારે રક્ષાભાભી આગ્રહથી એને રોકી લેતાં. અને, જ્યારે વિદાય આપતાં ત્યારે ફરીથી આવવાનું વચન લેતાં.

પરંતુ, પાંચેક વર્ષો પહેલાં અતુલ, મોરબી છોડીને સુરત ધંધો કરવા માટે આવ્યો ત્યારથી એનો કમલભાઈ અને રક્ષાભાભી સાથેનો સંપર્ક સાવ તૂટી ગયો હતો. અતુલ સુરત નસીબ અજમાવવા ગયો છે એવી કમલને ખબર પડી હતી અને એણે રક્ષાને વાત પણ કરી હતી. પરંતુ, અતુલ તરફથી કશી જાણ થઈ નહોતી. ન ફોન, ન ખબર!

આજે, પાંચ વર્ષો પછી સુરતની એક વાડીમાં અતુલનો ભેટો રક્ષાભાભી સાથે થઈ ગયો. કમલ અને રક્ષભાભી એક સંબંધીના દીકરાની જાનમાં સુરત આવ્યાં હતાં. અતુલને કન્યા પક્ષ તરફથી આમંત્રણ હતું. એને રક્ષભાભીનો અણધાર્યો સામનો કરવાનો વખત આવ્યો. કમલ અને રક્ષાભાભી જાનમાં આવ્યાં છે એ જાણતાંની સાથે જ અતુલે રક્ષાભાભીના ગુસ્સાની કલ્પના કરી લીધી હતી. રક્ષાભાભીનો ઠપકો સંભળવા માટે પોતાની જાતને તૈયાર પણ રાખી હતી.

ખરેખર તો રક્ષાભાભીનો ઠપકો સાંભળીને એના મનને ખૂબ જ સારું લાગ્યું હતું. હકથી ખોટું લગાડનાર અને ઠપકો આપનાર કોઈક તો પોતાનું હતું! નહિ તો આટલી મોટી દુનિયામાં એના ફોનની રાહ જોનાર કોણ હતું? ખોટું લગાડનાર કોણ હતું? એને તો મનમાં એવું જ લાગતું રહ્યું કે, રક્ષાભાભી બોલતાં જ રહે, બોલતાં જ રહે અને પોતે સાંભળતો જ રહે, સાંભળતો જ રહે.

અતુલે પોતાના બચાવમાં ખોટાં બહાનાં કાઢ્યાં. એ સાચી વાત રક્ષાભાભીને કહેવા જ નહોતો માંગતો. છેલ્લાં પાંચ વર્ષોથી એણે સુરતમાં નર્યો સંઘર્ષ જ કર્યો હતો. અતુલે નક્કી જ કર્યું હતું કે, સુરતમાં કંઈક સ્થિર થવાય અને રક્ષભાભીને વિના સંકોચનો આવકારો આપી શકાય એવું ઘર વસી જાય પછી જ એમને અને કમલને તેડાવવાં.

પરંતુ, અતુલનું એ સપનું, સપનું જ રહ્યું હતું. એ બને ત્યાં સુધી કોઈ પણ સંબંધી કે મિત્રને, પોતાના સાંકડા અને સગવડો વગરના ઘર સુધી લઈ જવાનું ટાળતો હતો. પરિણામે, બધાંથી વિમુખ થઈને જીવવાની એને આદત પડી ગઈ હતી. એને રક્ષાભાભીની યાદ ઘણી વખત આવતી અને એમને મળવા જવાનું મન પણ થતું, પરંતુ પોતાની લાચાર દશા એને અટકાવતી હતી. ધીરે ધીરે એણે મન મનાવી લીધું હતું કે, ‘આનું નામ જ જિંદગી છે. જિંદગીમાં હેતપ્રેમના છાંયડા કંઈ સદા સાથે રહેતા નથી. એની તો એકાદ ઝલક જ આખી જિંદગી જીવવા માટે બસ થઈ પડે છે.’

પાંચ વર્ષની ભેગી થયેલી દાઝ એકી વખતે કાઢી નાંખવી હોય એમ રક્ષાભાભી અતુલને ઠપકો આપ્યો, અતુલે ચુપચાપ રક્ષાભાભીનો ઠપકો સાંભળી લીધો ને કમલે અતુલની પરિસ્થિતિ પર પોતાનો ફાંદો ઉછાળી ઉછાળીને હસી લીધું.

જમવાને વાર હતી અને કમલને નાસ્તો કરવાનું મન થયું. કમલે અતુલને કહ્યું: ‘ચાલ, દોસ્ત, તારા સુરતમાં આવ્યાં છીએ તો જરા પેટપૂજા તો કરાવ.’

‘હા ચાલો.’ અતુલે કહ્યું અને એણે પોતાન ખિસ્સામાં હાથ નાખીને ત્રણસો રૂપિયા સલામત હોવાની ખાતરી કરી લીધી.

ત્રણે જણાંએ નજીકની લારી પર જઈને નાસતો કર્યો. દોઢસો રૂપિયાનું બિલ થયું. અતુલને મનમાં તો હતું જ કે, ભલે મેં નાસ્તો કરાવવાની હા પડી હોય, પરંતુ કમલ બિલ ચૂકવ્યા વગર રહેશે નહિ. ગમે તેમ તોય હર્યાભર્યા ધંધાનો માલિક છે.

પરંતુ, કમલે અતુલને બિલ ચૂકવતી વખતે અટકાવ્યો નહિ. ઊલટાનો એ તો ખુશ થઈને બોલ્યો કે, ‘આજે અતુલનું કરી નાંખ્યું.’

અતુલના ખિસ્સામાં જે ત્રણ સો રૂપિયાની રકમ હતી, એ હવે અર્ધી થઈ ગઈ. દોઢસો રૂપિયાનો ખર્ચો અણધાર્યો હતો, છતાંય અતુલ એ વાતે ખુશ થયો કે, નાસ્તો કરવામાં રક્ષભાભીને મજા આવી.

નાસ્તો કરીને વાડી તરફ પાછાં ફરતી વખતે રક્ષભાભીએ અતુલને ખબરઅંતર પૂછવાનું બાકી રહેલું કામ પૂરું કર્યું.

‘હું સુખી છું, ભાભી.’ અતુલે જવાબ આપ્યો અને પછી એ ચૂપ થઈ ગયો.

વાડી તરફ પાછાં ફરતી વખતે અતુલ ચૂપ હતો પરંતુ એનું મન ચૂપ નહોતું. મન તો ફરિયાદ કરતુ હતું: ‘ભાભી, કયા મુખે મારાં ખબરઅંતર પૂછો છો? હું તો લાચાર હતો એટલે તમારાં સુધી ન પહોંચ્યો, પરંતુ તમે? તમને કઈ રીતે લાચાર હતાં? ગમે એમ કરીને પણ મારી સાથે વાત કરી શક્યા હોત. પણ તમેય હવે પહેલાં જેવાં રહ્યાં નથી. તમને પણ કમલનો રંગ લાગી ગયો છે. આજે મારું કરી નાંખીને તમે પણ ખુશ થયા છો એ જાણું છું, પણ કશો વાંધો નહિ. તમે ખુશ થયાંને? મારું જે થવાનું હશે એ થશે.’

રક્ષભાભીએ અતુલનો ઉદાસ ચહેરો વાંચી લીધો. ‘અતુલભાઈ, કેમ કશું બોલતા નથી. મોરબી હતા ત્યારે તો કેવી મજાની વાતો કરતા હતા. સુરતમાં ખુશ તો છોને? હવે લગ્ન ક્યારે કરવાના છો? તમારા લગ્નમાં અમને બોલાવજો હો. ભૂલી ન જતા.’

અતુલ જવાબમાં માત્ર ફિક્કું ફિક્કું હસ્યો. વાત આગળ વધે તે પહેલાં વાડી આવી ગઈ. ત્રણે જણાં પ્રસંગમાં અભાલી ગયાં.

જમણવાર પૂરો થયા પછી અતુલે વહેવારમાં દોઢસો રૂપિયાનો ચાંદલો કર્યો. એનું ખિસ્સું ખાલી થઈ ગયું.

વરવધૂ ફેરા ફરી રહ્યાં પછી અતુલે રક્ષાભાભી પાસે રજા માંગી. અતુલનો વિચાર કામે ચડી જવાનો હતો.

‘ના, નથી જવાનું.’ રક્ષાભાભી બોલ્યાં, ‘પાંચ વરસે ભેગા થયા છો ને જવાની વાત કરો છો! જાન સાથે અમે વિદાય થઈએ પછી જજો.’ અતુલ રોકાઈ ગયો, પરંતુ રક્ષાભાભી અને કમલ સગાંસંબંધીમાં અટવાઈ ગયાં. અતુલ કોઠે પડી ગયેલી પોતાની એકલતા છોડી ન શક્યો.

અતુલનું મન પસ્તાવે ચડ્યું: ‘આજે અહીં આવવા જેવું નહોતું. વહેવારનું કવર કોઈની સાથે મોકલી દેવા જેવું હતું. ખિસ્સું ખાલી થઈ ગયું. નાસ્તો કર્યા પછી રક્ષાભાભીએ પણ પર્સમાં હાથ ન નાખ્યો. એ પણ કમલ જેવાં જ ચાલાક થઈ ગયાં છે. એમણે મને રોક્યો તો ખરો, પણ પોતે તો બીજાં લોકો સાથે વાતોએ ચડી ગયાં છે. આ બધી લાગણીની રમતો છે.’

જાનને વિદાય કરવાની વેળા આવી ગઈ. અતુલ એક તરફ ઊભો રહી ગયો. પ્રસંગનું વાતાવરણ એને સ્પર્શ કરતું નહોતું.

‘અતુલભાઈ.’ એણે રક્ષાભાભીનો અવાજ સાંભળ્યો.

‘બોલો ભાભી.’ નારાજ અતુલે જવાબ આપ્યો.

‘આ તરફ આવો.’ રક્ષાભાભી અતુલને એકક ખૂણામાં લઈ ગયાં. ‘બોલો અતુલભાઈ, મોરબી ક્યારે આવો છો?’

‘નક્કી નહિ.’ અતુલે જવાબ આપ્યો.

‘સાંભળી લો. આ દિવાળી પર નથી આવ્યાને તો તમારી સાથે કયારેય નહિ બોલું.’

અતુલ કશું બોલી ન શક્યો. થોડે વાર પહેલાં જ એણે રક્ષાભાભી વિષે જે વિચાર્યું હતું એ ખોટું પડ્યું હતું. રક્ષાભાભી તો એવાં જ હતાં, જેવાં પહેલાં હતાં. હકથી હેત આપનારાં અને હકથી હેત માંગનારાં.

‘અતુલભાઈ આ રાખી લો.’ રક્ષાભાભીએ અતુલના શર્ટના ખિસ્સામાં હાથ નાખતાં કહ્યું.

અતુલે ખિસ્સામાં જોયું તો સો સો રૂપિયાની નોટો હતી. એને નોટો બહાર કાઢી અને ગણી તો પૂરી પાંચ નોટો હતી.

‘ના, ભાભી.’ અતુલે કહ્યું, ‘તમે આટલા બધા પૈસા શા માટે આપો છો? મારાથી આ ન લેવાય.’

‘લેવાય, તમારો હક છે. હું તમારી ભાભી છુંને?’ રક્ષાભાભી ઝડપથી બોલ્યાં.

‘પણ ભાભી...’

‘તમે પૈસા જલ્દી ખિસ્સામાં મૂકી દો.’ રક્ષાભાભીએ આસપાસ નજર કરતાં જાણે હુકમ જ કર્યો. અતુલે કમને પૈસા ખિસ્સામાં તો મૂકી દીધા, પરંતુ એ ચોખવટ કરવા માંગતો હતો કે, ‘આટલા બધા પૈસા શા માટે? નાસ્તાના જ આપવા હતા તો એ વખતે, જેટલા થયા હતા એટલા કેમ ન આપ્યા? હવે શા માટે? આ પૈસા કમલને પૂછીને આપો છો કે એનાથી છાના?’

પરંતુ જાનની બસ ઉપડવાની તૈયારીમાં હતી.

‘આવજો અતુલભાઈ. અને હા, કમલને મજાક કરવાની ટેવ છે એ તો તમે જાણો જ છો. ખોટું ન લગાડતા.’ કહીને રક્ષાભાભી ઝડપથી બસ તરફ ભાગ્યાં.

અતુલ સજળ આંખોએ બાથરૂમ તરફ ભાગ્યો.

***