(પુન: પૂર્ણવિરામ પામતી પ્રેમ ગાથા)
Full length Gujarati Natak
PART-1
[પ્રથમ અંક]
[પ્રથમ દ્ગશ્ય]
(પડદો ઊઘડતાં દીવાનખંડ દેખાય છે પરંતુ દીવાનખંડનો હાલ બેહાલ છે. ન્યૂઝપેપર વેરવિખેર પડ્યાં છે. સોફાના કવર અસ્તવ્યસ્ત પહેરાયેલા છે. કપડાં, ટુવાલ સોફા ઉપર લટકતા છે. દિવાલ ઉપર લટકતી છબીઓ આડી અવડી છે અને ફૂલો ગુલદસ્તાથી છુટાં પડ્યાં છે. પ્રવેશદ્વારથી નવયુગલ લગ્નના પહેરવેશ સાથે પ્રવેશે છે. યુવકે શેરવાની અને યુવતીએ પાનેતર પહેર્યું છે. યુવક શેરવાનીનું ગળું ઢીલું કરતો સોફા ઉપર પગ ફેલાવીને બેસી જાય છે પણ યુવતી તો હજી રૂમની હાલત જ નિહાળતી રહે છે.)
યુવક : ઓહ્હ સોરી ! આવો તમે પણ બેસો (યુવતીને દીવાનખંડની હાલત જોતા અટકાવતાં કહ્યું)
(યુવતી પોતાની સૂટકેસ બતાવે છે.)
યુવક : ઓહ્હ !! તમે સામેના રૂમમાં પોતાનો સામાન મૂકી શકો છો.
(યુવતી પોતાની સૂટકેસ લઈને તે રૂમમાં જાય છે. યુવતીના જતાં યુવક દીવાનખંડની હાલત સુધારવા છૂટા છવાયા સામાનને વ્યવસ્થિત કરવા મંડે છે. થોડાં સમય પછી તે યુવતી સફેદ સાડી પહેરીને આવે છે. થોડા સમય પહેલા ધારણ કરેલી લગ્નની સાડીની જગ્યાએ વિધવાની સફેદ સાડીએ લઈ લીધી હતી. માથાનું સિંદૂર અને ગળાનો મંગલસૂત્ર ગાયબ હતો અને દુલ્હનના ચહેરાનો તેજ ઊડી ગયો હતો. યુવક દીવાનખંડની હાલત સુધારવાનું પડતું મૂકીને યુવતીને જ એકીટસે જોતો જ રહે છે.)
યુવતી : મને ખબર છે તમે શું વિચારી રહ્યા છો ? એ જ ને કે અત્યારે તો થોડા કલાકો પહેલા લગ્ન થયા અને અચાનક વિધવાનો પહેરવેશ ? હા..તમારું વિચારવું યોગ્ય છે. મને વાત ગોળ-ગોળ ફેરવીને કહેવાની આદત નથી જે કહું છું તે સ્પષ્ટ જ કહું છું. મારા આ બીજા લગ્ન છે. હું એક વિધવા છું. મારે બીજા લગ્ન કરવા ન હતા પણ ઘરવાળાઓની ખોખલી વાતો અને તેઓની ખુશીને લીધે મારે આ લગ્ન મારી મરજી વગર કરવા પડ્યાં. હું તમને અંધારાંમાં રાખવા માંગતી નથી તેથી તમે મારા તરફથી કોઈ આશ લઈને બેસો તે પહેલા જ ચોખવટ કરી લઉં છું.
(યુવતીની વાત સાંભળી યુવક થોડા ક્ષણ સુધી શાંત રહે છે. થોડી વાર સુધી ત્યાં શાંતિ પથરાઈ રહે છે પછી યુવક કંઈ પણ કહેવા વગર તેના રૂમમાં જતો રહે છે. તે રૂમ પેલા રૂમની સામે જ છે જે રૂમમાંથી યુવતી સૂટકેસ લઈને ગઈ હતી. તે યુવક તેના હાથમાં એક ફોટો અને હાર લઈને આવે છે અને તે ફોટાને સામેની દિવાલ પર લગાવીને ફોટા પર હાર ચઢાવે છે. યુવતી યુવકને એક નજરે જોયા કરે છે.)
યુવક : બહુ વિચારવાની જરૂર નથી જેમ તમને વાતને ગોળ-ગોળ ફેરવીને કહેવાની આદત નથી તેમ હું પણ તમને અંધારાંમાં રાખવા માગતો નથી. આ મારી સ્વર્ગવાસી પત્નીનો ફોટો છે તેના મ્રુત્યુને એક વર્ષ થયું છે. મારા પણ આ બીજા લગ્ન છે મે પણ આ લગ્ન મારા ઘરવાળાઓની ખુશી માટે કર્યા છે.
(બન્નેએ પોત પોતાની હકીકત કહીને મનમાં ચાલી રહેલ અટકળોને દૂર કરી દીધી છે.)
યુવક : જો તમે આ લગ્નને તોડવા માંગતા હોય તો .. મતલબ કે છૂટાછેડા ઇચ્છતા હોય તો હું તમને છૂટાછેડા આપવા તૈયાર છું. કારણકે આપણે બન્ને એક હોડી પર સવાર તો છીએ પણ આપણી મંજિલ એક નથી.
યુવતી : હા તમારી વાત પણ સાચી છે. પણ છૂટાછેડા આપણા બન્નેના હિતમાં નથી.
યુવક : કેમ ? છૂટાછેડાથી જ તો આપણે પોત-પોતાના રસ્તે જઈ શકીશું.
યુવતી : હા પણ ! ઘરવાળા જ રસ્તામાં રોડા બન્યાં છે તેનું શું ? એટલે કે ઘરવાળાને ખબર પડશે કે આપણે અલગ થઈ ગયા છીએ તો ફરી લગ્નની સાંકળમાં બાંધશે અને ઘરસંસારની જંજાળમાં ફસાવશે.
યુવક : હા વાત તો તમારી સાચી છે. મારા બાપુજી ખબર પડશે તો મારા માથે બેસીને લોહી પીશે. ના હો...છૂટાછેડાનો વિચાર તો પડતો જ મૂકવું પડશે પણ બીજો કયો રસ્તો છે ?
યુવતી : એક રસ્તો છે.
યુવક : કયો ?
યુવતી : આપણે એકબીજા સાથે ફ્રેન્ડ બનીને રહીએ તો ?
યુવક : ફ્રેન્ડ ?
યુવતી : હા..જો આપણે ફ્રેન્ડ બનીને રહીએ અને પોત પોતાની હકીકત આપણા ઘરવાળાઓને ખબર નહી કરીએ તો ! આપણા ઘરવાળા આપણા ઉપર કોઈ શક નહી કરે ! સમજ્યાં ?
યુવક : હા સમજી ગયો પણ આ નાટક કેટલા દિવસ સુધી ચાલશે ?
યુવતી : જેટલા દિવસ ચાલે એટલા દિવસ ! આ નાટક આપણે ચાલે એટલા દિવસ ચાલી શકે એમ છે જો આપણે આપણા માઁ-બાપને હકીકતની જાણ નહી કરીએ તો !
યુવક : ઠીક છે. તો આપણે સુવાની તૈયારી કરીએ ?
યુવતી : હા આપણે અલગ-અલગ રૂમમાં સૂવાની તૈયારી કરીએ.
યુવક : હા એ જ તો કહું છુ. હું મોઢા પરથી દેખાવ છું એવો પણ એકદમ સામાજિક છું.
યુવતી : સારી વાત છે સામાજિક રહેવામાં જ ભલાય છે.
યુવક : ઓહ્હ !
યુવતી : ગુડ નાઇટ (તેના રૂમ તરફ જાય છે.)
યુવક : હા ગુડ નાઇટ ! રાત્રે કંઈ કામ પડે તો ...
(યુવતી અટકે છે અને યુવક તરફ જુએ છે.)
યુવક : અરે રાત્રે કંઈ કામ પડે તો .... મને ઉઠાડતાં નહી હું એક વખત સૂઈ જાઉં છું તો સવારે જ ઊઠુ છું.
યુવતી : બધાં રાત્રે સૂઈ જાય તો સવારે જ ઊઠે છે. ગુડ નાઇટ
(યુવતી પોતાના રૂમમાં જતી રહે છે.)
યુવક : હા ગુડ નાઇટ
યુવક : વાહન ભારે છે. (યુવકે સ્વર્ગવાસી પત્ની તસ્વીર તરફ જોઈ ને કહ્યું)
યુવતી : શું કહ્યું ?
યુવક : ઓહ્હ માય ગોડ ! હોર્ન પણ ભારે છે. (જરા ધીમેથી) કંઈ નહી ગુડ નાઇટ !
(બન્ને પોતપોતાના રૂમમાં જાય છે.)
[અંધારું]
[બીજુ દ્ગશ્ય]
(લગ્નના બીજા દિવસની સવાર બેહાલ દીવાનખંડ માટે નવીન રોશની લઈને આવી છે. જે દીવાનખંડ કાલ સુધી અસ્તવ્યસ્ત હતો આજે સુવ્યવસ્થિત થઈ મલકાઈ રહ્યો છે. એકબીજાથી છૂટા પડેલા સોફાના કવર આજે મળી ગયા છે. દિવાલ પર લટકતી છબીઓ સીધી થઈ ગઈ છે. વેર વિખેર પડેલો સામાન પોતાની જગ્યા પહોચી ગયો છે. ગુલદસ્તો ફૂલોથી સુશોભિત મહેકી રહ્યો છે. યુવક પોતાના રૂમમાંથી આવે છે.)
યુવક : અરે…… આ મારુ જ ઘર છે કે બીજાનું ? (ચોકી જતાં દીવાનખંડની ચારો તરફ
નજર દોડાવે છે.) હા યાર આ તો મારુ જ ઘર છે. કાલ સુધી ઘર જંગલ જેવુ હતું આજે જંગલમાં મંગલ થઈ ગયું ! પણ મંગલ કરવાવાળુ કોણ ? નક્કી કાલ વાળી આઈટમે જ કર્યુ હશે. સફાઈમાં તો તારા જેવી જ છે. (તેની પત્નીના ફોટા તરફ નજર કરીને કહ્યું)
અરે સાંભળો ! સવાર થઈ ગઈ છે. (યુવતીને બૂમ મારે છે.)
યાર મને તો તેનું નામ પણ નથી ખબર ! શું નામ હશે ? કેવી છે કિસ્મત મારી !
આ સુભાષ ઘાઈ ઘાઈમાં ..સોરી..સોરી ...લગ્નની ઘાઈ ઘાઈમાં જેમના સાથે લગ્ન થયા તેનું નામ પણ નથી ખબર ! કાલે આટલી વાત કરી પણ તેનું નામ પણ ના પૂછ્યું. અરે હા.....લગ્નની કંકોત્રીમાં હશે.
(યુવક વાળ ખજવાળો લગ્નની કંકોત્રી શોધવા આમતેમ ફાફા મારે છે.)
યુવક : ક્યાં હશે ? ક્યાં હશે ? ટાઈમ પર કંઈ વસ્તુ મળતી જ નથી ! હા મળ્યો
(કાર્ડ ખોલે છે.) આ તો અપ્પુની દુકાનના ઉદધાટનનો કાર્ડ છે અરે તારીખ પણ નીકળી ગઈ પહેલા મળ્યો હોત તો ફ્રિમાં આઈસ્ક્રીમ થઈ જાત !
(કંકોત્રી શોધવાનું હજી ચાલુ રાખે છે.)
હા હવે મળ્યો ! જોવા દે અત્યારના લગ્નની જ પત્રિકા છે ને ?
તારીખ 27 ડિસેમ્બર 2015 હા એ જ છે. સુપુત્ર 'રાહુલ' હા આ મારું નામ અને
સુપુત્રી 'પ્રિ......યા' ?
(રાહુલ લગ્નની કંકોત્રીમાં લખેલું નામ વાંચીને થોડો વિચારમગ્ન થાય છે.)
રાહુલ : પ્રિ....યા ?
(દિવાલ ઉપર તેની સ્વર્ગવાસી પત્નીની તસ્વીર પર નજર કરે છે.)
રાહુલ : આનું નામ પણ પ્રિયા ?
(પ્રિયા રસોડામાંથી વિધવાના કપડાં પહેરી ચા લઈને આવે છે.)
પ્રિયા : ચા પી લો (ચા આપીને પોતાના રૂમમાં જાય છે.)
(રાહુલ ચા પીએ છે.)
રાહુલ : અરે ..ચા તો એકદમ મારી મનગમતી જ છે ને ?.
(ડોરબેલ વાગે છે. રાહુલ દરવાજો ખોલવા જાય છે ત્યાં દરવાજો ખોલવાની સાથે જ બાજુમાં રહેતા
શાંતિ આંટી ઘસી આવે છે.)
રાહુલ : શાંતિ આંટી ?
શાંતિ આંટી : હાં અંદર આવુ ?
રાહુલ : અંદર આવવા માટે બહારથી આજ્ઞા લેવું પડે ! હજી કેટલા અંદર આવવા ના ?
શાંતિ આંટી : ઠિક છે બીજા કોઈ દિવસે લઈ લઈશ ? ક્યાં છે મારી વહુ ?
રાહુલ : વહુ ?? તે તેના રૂમમાં છે.
શાંતિ આંટી : ઠિક છે હું તેના રૂમમાં જ મળી લઉં.
રાહુલ : નહી ..
શાંતિ આંટી : શું નહી ? હું તો જવાની જ.
રાહુલ : અરે શાંતિ આંટી ! શાંતિ તો રાખો ! આમ તમે કેવી રીતે જઈ શકો ?
શાંતિ આંટી : કેમ ના જઈ શકું ?
રાહુલ : કેમ કે તે કપડાં બદલતી છે.
શાંતિ આંટી : ઑહ્હ એમ છે. ચાલ હું અહીં જ રાહ જોઉ.
રાહુલ : કદાચ વાર પણ લાગે ! તમે બીજા કોઈ વખતે પધારો ને !
શાંતિ આંટી : કેમ વાર લાગશે ? કપડા બદલવાનું છે કપડાં બનાવવાનું નથી. ચલ હું તેના રૂમમાં જાઉં છું.
રાહુલ : અરે શાંતિ આંટી ! અગસ્તક્રાંતિ કેમ બનો છો ! આવતી જ હશે તમે બેસો. બોલો શું લેશો ?
શાંતિ આંટી : વહુ લેશું બોલો આપશો ? હા હા (હસે છે.)
રાહુલ : ફરી મજાક !
(શાંતિ આંટી બેસી જાય છે. રાહુલ પ્રિયાના રૂમ સામે તીરછી નજર કરે છે કારણ કે પ્રિયા વિધવાના કપડાં પહેરીને રૂમમાં ગઈ હતી. તે રૂમ તરફ જોઈ આમતેમ આંટા મારે છે.)
રાહુલ : શાંતિ આંટી તમે તો આજે નવા કપડાં પહેર્યા છે ને ? ફિલ્મ જોવા જવાનો પ્રોગ્રામ લાગે છે.
(જોરમાં બોલે છે.)
શાંતિ આંટી : શું ફિલ્મ જોવા જવાનો પ્રોગ્રામ ! એક ફિલ્મ છે ‘ડૅની ઘેરછપ્પા’ ની અને બીજી છે ‘લવ બુક્સ’ ની ! મને બન્ને નથી ગમતા અને આટલું જોરમાં કેમ બોલે છે ? અને દિવસમાં આમ ગુરખાની જેમ આંટા મારવાના બંધ કર હવે !
(રાહુલ તે જ ક્ષણે ત્યાં જ ઉભો રહી જાય છે.)
રાહુલ : આંટી ‘ડૅની ઘેરછપ્પા’ એટલે ‘ડૅની ડેન્ઝોંપા’ એ હું સમજી ગયો પણ ‘લવ બુક્સ’ ?
શાંતિ આંટી : અરે ‘પ્રેમ ચોપડા’ યાર
(તે સમયે પ્રિયા નવી નવેલી દુલહનના કપડા પહેરીને તેના રૂમમાંથી આવે છે અને શાંતિ આંટીના
ચરણ સ્પર્શ કરે છે. રાહુલને પ્રિયાને દુલહનના રૂપમાં જોતા રાહતનો શ્વાસ લે છે.)
શાંતિ આંટી : ઑહ્હ જીવતી રહે દીકરી !
રાહુલ : પ્રિયા આ છે સુ...સ...સ.સ (મોઢા પર આંગણી મૂકીને) આંટી
પ્રિયા : મને ખબર ના પડી (પ્રિયા રાહુલનો ઇશારો સમજતી નથી)
રાહુલ : ઓ.કે હું સમજાવું. આ છે શાંતિ આંટી પણ તેમને કદી શાંતિ હોતી નથી. તેમની અમુક વાત સમજવા આપણે દિમાગ લગાવુ પડે છે. ધીરે-ધીરે તમને પણ ખબર પડી જશે. થોડા વહેલા આવ્યા હોત તો બે નામના ડેમો મળી જતે !
પ્રિયા : ઓહ્હ એમ છે.
શાંતિ આંટી : અરે ઓ ડેમો વાળા ! એકદમ સુંદર સોના જેવી વહુ લાવ્યો છે. પ્રિયા તને કોઈની નજર નહીં લાગે બેટા ! અહીં આવ તને અજય દેવગણની ઘરવાળી લગાવી દઉ.
પ્રિયા : અજય દેવગણની ઘરવાળી ? (મુઝવણ ભર્યા અવાજે બોલી)
રાહુલ : ડેમો મળી ગયો ને ? ઓ.કે સમજાવું ..અજય દેવગણની ઘરવાળી એટલે કે આંટી કાજલ લગાવવાની વાત કહે છે.
પ્રિયા : ઓહ્હ !
શાંતિ આંટી : ચાલ હવે વાતોના વડા બનાવવાનું બંધ કર ! તું મને પગે લાગ્યો ? આશીર્વાદ લીધા ?
રાહુલ : અરે આંટી ! તમે એટલા પણ ઘરડા નથી થયા કે આશીર્વાદ લેવાય તમે તો હજી જવાન છો.
શાંતિ આંટી : ચલ હવે વાંકો વળે કે લગાવું તારા ઘરે ફોન ? કહું તારા મમ્મી પપ્પાને કે તું વડીલનું માન નથી રાખતો.
રાહુલ : આંટી તમે પણ ...ચલ ઠિક છે પાય લાગુ આંટી.
શાંતિ આંટી : હવે ‘પાય લાગુ’ ‘રિમા લાગુ’ કે ‘ડોકટર શ્રી રામ લાગુ’ ના જમાના ગયા.
રાહુલ : ઓહ્હ ડેમો વાળા આંટી ......
(રાહુલ જેવો વાંકો વળે ત્યાં આંટી તેને રોકી લે છે.) ----- File-2
શાંતિ આંટી : રહેવા દે હવે ! હું તો હજી જવાન છું ને (હસે છે.)
રાહુલ : થેન્ક યુ આંટી
શાંતિ આંટી : ઇટ્સ માય એકટીવા
રાહુલ : ઇટ્સ માય પ્લેઝર ……. પ્રિયા આંટી માટે ચા બનાવો નહીં તો ડેમો પર ડેમો આપશે.
(પ્રિયા રસોડામાં જાય છે.)
શાંતિ આંટી : રાહુલ અહીં આવતો !
રાહુલ : કેમ ?
શાંતિ આંટી : આવતો ખરા ! હું વેજીટેરીયન છું નહીં ખાઈ જવાની તને.
(રાહુલ આંટીની બાજુમાં બેસે છે. આંટી રાહુલની આંખોમાં જુએ છે.)
શાંતિ આંટી : આંખો બહુ લાલ છે ને ? રાત્રે ઉજાગરો કર્યો લાગે ! કોણે સુવા ના દીધો ?
તેં કે વહુએ ?
(જોર-જોરમાં હસે છે.)
રાહુલ : આંટી તમે પણ ....આ ઉમરે .. અંકલને કહેવું પડશે ..
શાંતિ આંટી : અંકલ શું કહેવાના ! તે તો રાત્રે વોચમેન જ બની જતા હતા (ફરી જોર જોરથી હસે છે)
રાહુલ : અરે આંટી .... એવું કંઈ નથી ! આ તો બસ થાક ના લીધે ...
શાંતિ આંટી : થાક ?? શેનો થાક (વધુ મજાક કરતાં)
રાહુલ : જો પાછા ...
(પ્રિયા ચા લઈને આવે છે.)
પ્રિયા : આંટી ચા (ચા આપતાં)
(આંટી ચા પીને ચા મૂકે છે.)
શાંતિ આંટી : એક વાત પૂછુ વહુ બેટા ?
રાહુલ : નહી આંટી !
શાંતિ આંટી : કેમ ? હું તને થોડી પૂછું છું ! હું તો પ્રિયાને પૂછું છું. પ્રિયા એક સવાલ પુછું ?
પ્રિયા : હા પૂછો ને !
શાંતિ આંટી : જરા નજીક તો આવ.
(પ્રિયા આંટીના નજીક જાય છે.)
શાંતિ આંટી : તને ઉંધીયુ બનાવતાં આવડે ? આ મારા દીકરાને બહુ ભાવે છે..
રાહુલ : હાશ કંઈક વોચમેન વાળુ નહી પૂછયુ (ધીરે થી)
શાંતિ આંટી : શું બબડે છે બોબળેમેન ?
રાહુલ : કંઈ નહી આંટી
શાંતિ આંટી : પ્રિયા ઉંધીયુ બનાવતાં આવડે ને ?
પ્રિયા : હા આવડે છે.
શાંતિ આંટી : સરસ ! ચલ તો હું રજા લઉં છું.
પ્રિયા : આંટી ! જમીને જાઓ ને ! મે રાજબાપ બનાવ્યા છે.
શાંતિ આંટી : રાજબાપ ????
પ્રિયા : રાજમા આંટી.
શાંતિ આંટી : ઓહ્હ રાજમા ! મારી ભાષા આવડી ગઈ ? નહીં ફરી કોઈ વખત ચલ તો હું રજા લઉં છું.
(આંટી જતા જતા દરવાજા પાસે ઉભા રહે છે અને રાહુલને બોલાવે છે.)
શાંતિ આંટી : રાહુલ બેટા ! અહીં આવતો ..
(રાહુલ જાય છે.)
શાંતિ આંટી : ઉંધીયુ તો બહાનું હતું પ્રિયાની આંખો પણ લાલ હતી .. નૉટી તું પણ વોચમેન નિકળ્યો (ગાલ મચડતા કહે છે.)
શાંતિ આંટી : પ્રિયા બેટા ...બિરલા !
પ્રિયા : ઓ.કે આંટી ટાટા
રાહુલ : તમે પણ આંટીની ભાષા શીખી ગયા !
પ્રિયા : હાં પણ તમને આંટી શું કહેતા હતાં ? આંખો લાલ એવું કંઈ ?
રાહુલ : લોકોને દૂરની દ્રષ્ટ્રી તેજ હોય છે તમારા કાન બહુ તેજ લાગે છે !
પ્રિયા : શું બોલ્યા ?
રાહુલ : કશું નહી ! અરે આંટીને તો મજાક કરવાની આદત છે.
પ્રિયા : ઠીક છે. કપડા ચેઇન્જ કરીને આવું.
(પોતાના રૂમ તરફ જાય છે.)
રાહુલ : હેલ્લો રહેવા દો ને ! આ કપડામાં સારા લાગો છો. વાદળ ભલે ચંદ્રને ઢાંકી દેતા હોય છે પણ તેની સુંદરતાને ઢાંકી શકતા નથી.
(પ્રિયા કંઈ પણ કહ્યા વગર પોતાના રૂમમાં તરફ જવા લાગે છે.)
રાહુલ : હેલ્લો ! આપણે એકબીજા સાથે કાલથી વાત કરી રહ્યા છીએ પણ મને તમારું નામ ખબર ના હતું અને પછી આપણા લગ્નની કંકોત્રીમાંથી જોઈને ખબર પડી કે તમારું નામ ‘પ્રિયા’ છે અને મારુ નામ રાહુલ છે.
પ્રિયા : ખબર છે.
રાહુલ : ખબર છે?
પ્રિયા : હા ! હું તમારા જેવી નથી કે જેના સાથે લગ્ન થવાના હોય તેનું નામ પણ ખબરના હોય !
રાહુલ : ઓહ ! સોરી ! પણ આ નહી ખબર હોય કે મારી સ્વર્ગવાસ પત્નીનું નામ પણ પ્રિયા જ હતું.
પ્રિયા : એ પણ ખબર છે.
રાહુલ : આ પણ ખબર છે ? કેવી રીતે ?
પ્રિયા : ફોટાની નીચે નામ લખેલું છે એટલે !
રાહુલ : ઓહ્હ !
પ્રિયા : અને તમે શું કહ્યું ? નામ હતું શું ? નામ તો હમેશાં જ રહે છે મનુષ્ય રહેતા નથી.
રાહુલ : પોઇન્ટ છે અગેન સોરી સોરી ....આ રૂમની સફાઈને જોઈને મને પ્રિયાની યાદ આવી ગઈ. તે હતી ત્યારે રૂમની આવી જ રીતે સફાઈ રાખતી હતી.
પ્રિયા : ચાલો મસ્કા મારવાનું બંધ કરો ! કોઈ પણ સ્ત્રી ઘરની સફાઈ રાખતી જ હોય છે અને ફરી સોરી ના કહેતા (રાહુલ સોરી બોલવા જ જતો હોય ત્યાં બોલતા અટકાવે છે.)
(પ્રિયા રૂમ તરફ જાય છે.)
રાહુલ : હા વાત બરાબર છે કે કોઈ પણ સ્ત્રી ઘરની સફાઈ રાખતી જ હોય છે પણ
તમારા હાથોની કડક મીઠી પૂદીના વાળી ચા નો સ્વાદ તો .....(બોલતા અટકે છે.)
પ્રિયા : શું થયું કેમ અટકી ગયા ?
રાહુલ : કંઈ નહીં જવા દો કહવા જઈશ તો તમે કહેશો કે મને ખબર છે !
પ્રિયા : નહીં કહું બસ !
રાહુલ : સવારની ચાનો સ્વાદ…. આટલો સરખો કેવી રીતે હોઈ શકે ? મતલબ કે થોડું તો 19-20 થાય જ પણ તમારો હાથોનો સ્વાદ મારી સ્વર્ગવાસ પત્ની જેવો જ છે.
પ્રિયા : હા.... આ મને નથી ખબર
(પ્રિયા આગળ છે.)
રાહુલ : ક્યાં ચાલ્યા ? લગ્ન માટે કંપનીએ 10 દિવસની રજા આપી છે. તમે જ તો કહ્યું હતું ને આપણે પતિ-પત્ની તરીકે સાથે નહી રહી શકીએ પણ મિત્ર તરીકે તો સાથે રહી શકીએ ને ? આવો બેસીને એકબીજાની સુખ દુ:ખની વાતો કરીએ.
(પ્રિયા બેસે છે.)
રાહુલ : બોલો તમને શું ગમે ? મતલબ કે તમારી હોબી શું છે ? હું કંઈ ઇન્ટર્વ્યૂ નથી લેતો આ તો જસ્ટ વાત વધારવા માટે ....
પ્રિયા : મને બીજાને ઉલ્લુ બનાવવાના ખૂબ ગમે !
રાહુલ : હેય ??
પ્રિયા : હા હા (હસે છે) મજાક કરુ છું મને કુકીંગનો ખૂબ શોખ છે. વાંચવાનું ગમે, સીરિયલ કરતાં મુવીસ વધારે ગમે, રેડિયો સાંભળવાનું ગમે ... બસ અને તમને ?
રાહુલ : સરસ.
પ્રિયા : એક સવાલ પુછું ?
રાહુલ : બિલકુલ ..
પ્રિયા : તમારી પત્નીનું મ્રુત્યુ કંઈ રીતે થયું હતું ? જો તમે કહેવા નહી માગતાં હોય તો ઇટ્સ ઓ.કે
(રાહુલ પોતાની જગ્યા પરથી ઉભો થાય છે અને પ્રિયાની તસ્વીર સામે ઉભો રહે છે.)
રાહુલ : પ્રિયા સાથે મારુ જીવન હસી ખુશી પસાર થઈ રહ્યું હતું પછી ન જાણે કોની અમારા સુખી પરીવાર નજર લાગી અને પ્રિયાને બ્રેન હૈમરેજ બિમારી જકડી લીધી. બિમારી પ્રિયા પર એવી હાવી થઈ કે તે સીધી કોમામાં જતી રહી. પછી તો તેના સાથે આંખના પલકારે જ વાત થતી ! તેની આંખોમાં સતત વહેતા આંસુ મારા પ્રેમની નિશાની હતી. મે તેને બચાવવા જી જાન એક કરી પણ આખરે પ્રિયાનો જીવ મારી આંખ સામે જતો રહ્યો. તે સમયે હું એટલું જોરમાં રડ્યો કે આકાશ પણ ધ્રૂજી જાય પણ ત્યારે ત્યાં સંભાળવા વાળુ કોઈના હતું. ડોકટરે તો મને પહેલેથી જ કહી દીધું હતું કે કેસ હાથમાં નથી પણ મેં તેને મારા દિલમાં જીવતી રાખી હતી. પ્રિયાના મ્રુત્યુ પછી ઘરવાળાના દબાણને લીધે કે તેઓની ખુશીને લીધે મારે બીજા લગ્ન કરવા પડ્યા.
(રાહુલ વાતો કરતો કરતો રડી રહ્યો હતો અને રૂમમાં થોડીવાર શાંતિ રહે છે.)
રાહુલ : મેં આ વાત બધાને કહેતો નથી પણ. આજે અચાનક !
પ્રિયા : આઈ અમ સોરી
રાહુલ : નો નો ઇટ્સ ઓ.કે ! આઈ અમ ફાઇન
પ્રિયા : તો તમે એકલાં કેમ રહો છો ? મતલબ કે તમારા મમ્મી પપ્પાને અહીં બોલાવી લેતા હોત તો ! (વાતને પલટાવતા કહ્યું)
રાહુલ : હા મે તેઓને કહ્યું હતું પણ તેઓને ગામ સિવાય કશે ગમે જ નહીં. તેઓને શહેરમાં અનુકૂળ થવું અઘરું છે અને પાછું ગામમાં ખેતી અને ઢોર ઢાખરનું પણ ધ્યાન રાખવું પડે ને ! પણ તેઓ મહિનાના એક-બે વાર અહીં આવી જાય છે અને હું મારી રજામાં ગામ જઈ આવું છું. શું હું .... જાણી શકું તમારા પતિનું મ્રુત્યુ કેવી રીતે થયું ?
પ્રિયા : તેઓ એક ઍક્સિડન્ટમાં મ્રુત્યુ પામ્યા. આઈ અમ સોરી બટ આનાથી વધારે હું પણ કંઈ કહી શકીશ નહી.
રાહુલ : હા ઇટ્સ ઓ.કે
(થોડી ક્ષણ સુધી ફરી શાંતિ રહે છે.)
રાહુલ : બન્નેની વાતથી વાતાવરણ વજનદાર થઈ ગયું કેમ ?
પ્રિયા : અચ્છા તમે તમારા શોખ વિશે પણ તો કંઈક કહો !
રાહુલ : શોખ વિશે ? સાચું કહું તો હું એક ભણેલો ગણેલો એન્જિનિયર છું પણ શોખ સાવ દેશી જ છે.
પ્રિયા : આ તો બરાબર છે ને શોખ સાથે ભણેલો-ગણેલા સાથે શું નિસબત ?
રાહુલ : હા સાચી વાત છે.
મને નવી નવી વાનગી ખાવાનો ખુબ શોખ પ્રિયા હયાત હતી ત્યારે દર સન્ડે નવી મારા માટે બનાવતી અને મને એકલા બાઈક પર વગર ડેસ્ટીનેશને કશે દૂર ફરવા નીકળી જવાનું ગમે જ્યાં મને રોકવાવાળુ કોઈ ના હોય ..આર.ટી.ઓ ઓફિસર પણ નહી !
દરિયાના મોજાંને ફૂટબૉલની જેમ મારવાનું ખૂબ ગમે પછી પાણીનાં છાંટા બીજા ઉપર ઉડે કે નહીં ઉડે.ઝરમર વરસતા વરસાદમાં એકીટસે આકાશ ત્યાં સુધી જોવું ગમે જ્યાં સુધી વરસાદના ટીપાં મારા આખા ચહેરાને ભીંજવી નાં દે. ગાઢ અંધારામાં આગિયાના અજવાળે રસ્તો કાપવાનું ગમે. વરસાદના સમયે હિલ્સ સ્ટેશન ઉપર ફરવા જવું ગમે. વગર ચંપલે શિયાળાની સવારે લીલીછમ ઘાસમાં ચાલવાનું ગમે. જે જગ્યાનો દસ્તાવેજ ભૂતપ્રેત નામે ચઢી ગયો તે જગ્યાએ પીકનીક મનાવવાનું ગમે ! પણ ગભરાવવાની જરૂર નથી હજી સુધી આ ઇચ્છા અઘુરી જ છે.
રાત્રે એ.ટી.એમમાં સુતેલા વૉચમેનને જગાડવાનું ગમે.નાના બાળકોને ગાલ ખેંચીને રડાવવાનું ગમે.
સરકારી કર્મચારી પાસેથી કામ કરવાવું ગમે અને છેલ્લે વરઘોડામાં નાચતાં-ગાતા જાનૈયોને જોવા ગમે અને ત્યાં સુધી જોવા ગમે જ્યાં સુધી વરઘોડો દેખાતો બંધ ના થાય.
પ્રિયા : એક મિનિટ ! લાગે છે તમને એકલા જ શોખ પુરા કરવા ગમે છે ?
રાહુલ : હા એકલા જ....હું મારા માઁ-બાપનો એક નો એક દિકરો છુ. ભાઈ બહેન વગર જ બાળપણ વીત્યું। હોસ્ટેલમાં પણ એકલો રહ્યો. લગ્ન પછી પ્રિયાનો સહારો મળ્યો તે પણ લીમીટેડ સમય માટે જ....જેમ ભગવાને એક વર્ષ માટે સ્પેશિયલ ઓફર આપી હોય ! એક વર્ષ પત્યું અને ઓફર પણ !
(થોડો સમય સુધી બન્નેએ ચુપકી રાખી.)
રાહુલ : માફ કરજો કૉમેડી સીન થી ઇમોશનલ સીન બનાવી દીધો.
પ્રિયા : નહીં ! આજ સુધી કોઈને હોબી પૂછી છે તો આ જ ઓલ્ડ ઇસ ગૉલ્ડ શોક પીરસતા જોયા છે રીડીંગ, રાઈટીંગ, કુકિંગ, પ્લેયિંગ, ટ્રાવેલિંગ, શોપિંગ અને કોઈકને ચેટીંગ... પણ.. તમારા શોખ તો બધાંથી હટકે છે સાચું કહું તો મારે પણ તમારાથી પ્રેરણા લેવી જોઈએ.
રાહુલ : અરે ! વધારે થઈ ગયું.
પ્રિયા : અરે ! સાચુ કહું છું.
રાહુલ : ચાલો. તમે મુવી જોવાનો શોખની વાત કરતા હતાં ને ? ચાલો ટી.વી પર મુવી જોઈએ.
(રાહુલ ટી.વી ચાલુ કરે છે પણ ટી.વી ચાલુ થતી નથી. ટી.વીને ચાલુ કરવા બધી મથામણ કરી ચુકે છે પણ આખરે ટી.વી ચાલુ થતી નથી)
રાહુલ : અરે ટી.વીને શું થયું ? ચાલો કંઈ નહીં બીજો શોખ .... રેડિયો સાંભળીએ.
પ્રિયા : હા રેડિયો જ ચાલુ કરો હવે.
(રાહુલ રેડિયો ચાલુ કરે છે.)
ગીત વાગે છે ' રુકમણી રુકમણી શાદી કે બાદ ક્યાં ક્યા હુઆ"
રાહુલ : કુછ નહી હુઆ (ધીરે થી)
પ્રિયા : શું ?
રાહુલ : અરે કંઈ નહી ! બીજી ચેનલ મૂકુ છું.
(રાહુલ બીજી ચેનલ મૂકે છે.)
ગીત વાગે છે 'ભીગે હોઠ તેરે પ્યાસા દિલ મેરા ....
કભી મેરે સાથ કોઈ રાત ગુજાર તુજે સુબહ તક મે કરુ પ્યાર'
(પ્રિયા શરમીલુ હાસ્ય બનાવી શર્મથી પાની પાની થઈ ગઈ.)
રાહુલ : વધારે પડતું થઈ ગયું.
(ફરી ચેનલ બદલે છે.)
ગીત ‘શરદી કી રાતો મે હમ સોયે રહે એક ચાદર મે '
(પ્રિયાના હાસ્યમાં વધારો થાય છે પણ તે હાથ મૂકીને છુપાવી દે છે.)
રાહુલ : ગરીબ લાગે છે ! એક જ ચાદર છે.
(ફરી ચેનલ બદલે છે.)
અવાજ 'હમેશાં નિરોધ પહેરવાનો આગ્રહ રાખો. નિરોધ એક ફાયદા અનેક '
(હવે પ્રિયા પોતાના હાસ્ય પર કાબુ નથી રાખી શકતી નથી અને જોર-જોર માં હસે છે.)
રાહુલ : આજે કેમ આવા ગીતો આવે છે ?
(પ્રિયા પોતાનું હાસ્ય રોકે છે.)
રાહુલ : કેમ હસતા બંધ થઈ ગયા ? હસતા સારા લાગો છો. તમારુ હાસ્ય તમારી સુંદરતા વધારે છે.
પ્રિયા : હવે આ વધારે થઈ ગયું.
રાહુલ : અરે સાચુ કહું છું.
પ્રિયા : ઠિક છે. આવો તમે અહીં બેસો હું મારો ફેવેરેટ પ્રોગ્રામ મૂકુ.
(રાહુલ પોતાની જગ્યે બેસી જાય છે અને પ્રિયા રેડિયો ચેનલ બદલે છે.)
આર.જેનો અવાજ :
નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું, અમારા આ પ્રોગ્રામમાં જેનું નામ છે ‘ડી.ડી.એસ’ મતલબ કે 'ડાઇરેક્ટ દિલ સુધી' આ પ્રોગ્રામ ખાસ તેના માટે છે જે શ્રોતા પોતાનો સંદેશો પોતાના પ્રિયજનને પહોચાડવા માગતાં હોય છે. ચાલો તો સાંભળીએ પહેલા શ્રોતાને ..
હેલ્લો ?
શ્રોતા : હેલ્લો 'ડાઇરેક્ટ દિલ સુધી' પ્રોગ્રામ ?
આર.જે : હા..કોણ બોલો ?
શ્રોતા : હું પ્રકાશ બોલુ છું. File -4
આર.જે : પ્રકાશ જી તમારું સ્વાગત છે 'ડાઇરેક્ટ દિલ સુધી' પ્રોગ્રામમાં અને બોલો તમારા પ્રિયજનને શું સંદેશો પહોચાડવા માંગો છો ?
પ્રકાશ : હું મારો સંદેશો મારી ગર્લફ્રેન્ડ ચાંદનીને પહોચાડવા માંગુ છું. જે મને અને મારો પ્રેમ છોડીને ચાલી ગઈ છે.
આર.જે : ઓહ્હ ! શું થયું હતું ?
પ્રકાશ : હું અને ચાંદની છેલ્લા 2 વર્ષથી સાથે હતાં અને એકબીજા સાથે લગ્ન કરવા પણ તૈયાર હતાં. પછી અચાનક ચાંદનીએ કોઈ ધનવાન વ્યક્તિ જોડે લગ્ન કરી લીધા અને અમારો પ્રેમ ટુકાવી મને છોડી ચાલી ગઈ.
આર.જે : ઑહ્હ ! વેરી સૅડ ! તો તમને ઘણુ દુ:ખ થયું હશે ?
પ્રકાશ : હા દુ:ખ તો થયુ હતું પણ તેનાથી વધારે મને ચાંદની પ્રત્યે માન પણ વધ્યું. કારણકે ચાંદનીનો મને છોડવાનો નિર્ણય તેનો પોતાનો ના હતો તેણે તે નિર્ણય તેની ઘરની પરિસ્થિતિ માટે લીઘો હતો. જેના ઘરમાં પૈસાની આવક કરતા જાવક વધારે હોય ત્યાં પોતાના સપનાઓને પણ જતા કરવું પડતું હોય છે. ચાંદની પણ તે જ કર્યું જે તેના પરિવારના હિતમાં હતું. આજે તેના બિમાર માઁ-બાપનો સારી રીતે ઇલાજ થઈ રહ્યો છે તેના નાના ભાઈ-બહેન સારું જીવન અને શિક્ષણ લઈ રહ્યાં છે. જો ચાંદનીના લગ્ન મારા સાથે તો હું કદાચ આટલું ના કરી શકત. હું ચાંદનીને બેવફાનું ઉપનામ નથી આપવા માંગતો. હું તો એટલું કહેવા માંગુ છું કે ચાંદની મારો પ્રેમ તને ખુશ રાખવાનો હતો અને આજે તું જ્યાં પણ હોય ખુશ રહેજે અને ચાંદનીનો પ્રકાશ તારા પરિવાર ઉપર રાખતી રહજે. બસ મારો આજ સંદેશો ચાંદનીને આપવાનો હતો.
(રાહુલ આંખ નમ કરીને તાળી પાડે છે. પ્રિયા પણ આંખ ભીની કરે છે.)
આર.જે : પ્રકાશ જી સલામ છે તમારા પ્રેમને ! તમે સાબિત કરી દીધું કે સાચો પ્રેમ તેના પ્રેમીની ખુશીમાં જ છે. બોલો કયું ગીત સંભળાવશો ચાંદનીને ?
પ્રકાશ : દો પલ રુકા ખ્વાબો કા કારવાઁ
આર.જે : તો સાંભળો તમારી પંસદનુ ગીત ગીતનું શરૂઆતનું મ્યુઝિક
(રાહુલ અને પ્રિયા એકબીજાની આંખોમાં આંખ નાખીને ઉભા થાય છે.)
દો પલ રુકા યાદો કા કારવાઁ ઔર ફિર ચલ દીએ તુમ કહાં હમ કહાં
(બન્ને એકબીજાને જોતા-જોતા નજર હટાવીને પોતા પોતાના રૂમ તરફ વધે છે અને ફરીથી
તેઓ એકબીજાને જોઈ છે)
દો પલ કી થી યે દિલો કી દાસ્તાં ઔર ફિર ચલ દીએ તુમ કહા હમ કહા
(ફરી ક્ષણ ભર નજર એક કરીને અને નજર ચુરાવતા પોતપોતાના રૂમ તરફ જાય છે.)
(ગીતનું જોરદાર બેકગ્રાઉન્ડ સંગીત વાગતું રહે છે.)
[અંઘારું]