Satya Asatya - 4 in Gujarati Love Stories by Kajal Oza Vaidya books and stories PDF | સત્ય અસત્ય - પ્રકરણ - 4

Featured Books
Categories
Share

સત્ય અસત્ય - પ્રકરણ - 4

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૪

પ્રિયંકા સત્યજીતને ત્યાં પહોંચી ત્યારે બંગલો સૂમસામ હતો. કંપાઉન્ડની લાઇટ ચાલુ હતી. એ સિવાય અંદરના ઓરડાઓમાંની લાઇટ બંધ પડદાઓમાંથી ચળાઈને બહાર આવતી હતી. પ્રિયંકાને જોઈને વૉચમેને ગેટ ખોલ્યો, પ્રિયંકા પોતાના ટુવ્હીલર પર અંદર દાખલ થઈ.

ટુવ્હીલર પાર્ક કરતાં સુધીમાં તો એના મને સેંકડો સવાલ પૂછી નાખ્યા... જો ખરેખર રવીન્દ્ર પારેખને કંઈ થયું હોય તો ઘરમાં કોઈ ચહલપહલ કેમ નથી ? હજી સુધી કોઈને જણાવ્યું નહીં હોય ? મા-દીકરો એકલા હશે ? હજી ડોક્ટર્સ પ્રયત્ન કરી રહ્યા હશે ?

પ્રિયંકા હાંફળીફાંફળી મુખ્ય દરવાજે પહોંચી. રવીન્દ્ર પારેખનો વિશાળ બંગલો એક અદ્‌ભુત સ્થાપત્યનો નમૂનો હતો. સૌરાષ્ટ્રના ગામડામાંથી લવાયેલા ડેહલીના કોતરણીવાળા પિત્તળના ચાપડા જડેલાં દરવાજાને એણે હળવો ધક્કો માર્યો, દરવાજો ખૂલી ગયો. પ્રિયંકા આમતેમ જોતી અંદર દાખલ થઈ. ડ્રોઇંગરૂમ સાવ સૂમસામ હતો. સામાન્ય રીતે સામે આવનારા નોકરોમાંથી પણ કોઈ નહોતું દેખાતું. પ્રિયંકાને સાચે જ ફાળ પડી. એ ધીમે ધીમે સીડી ચડીને ઉપરની તરફ આગળ વધી.

બેડરૂમ્સ તરફ જતો પેસેજ આછી લાઈટ રેલાવતો હતોે, પણ ઘરમાં કોઈ માણસ દેખાતું નહોતું.

સામે દેખાતા રવીન્દ્ર પારેખના બેડરૂમનો દરવાજો બંધ હતો, પરંતુ સત્યજીતના રૂમનો દરવાજો ખુલ્લો હતો. એમાં લાઇટ પણ ચાલુ હતી. ધ્રુજતા પગે અને ધડકતા હૃદયે પ્રિયંકા એ તરફ આગળ વધી. એના કપાળે પરસેવો વળી ગયો હતો. ગળું સૂકાતું હતું. એણે ધીમેથી સત્યજીતના રૂમમાં ડોકિયું કર્યું. હજી તો એ પૂરેપૂરું જોઈ શકે એ પહેલા સત્યજીતે ગુલાબની પાંખડીઓ ભરેલી છાબડી એના પર ઉછાળી.

પ્રિયંકાથી ચીસ પડાઈ ગઈ. આઘાત અને ડરથી એ સામે ઊભેલા સત્યજીતને વળગી પડી...

“થેંક ગૉડ. મને તો એમ કે તું નહીં જ આવે.”

“ડેડ ?”

“પાર્ટીમાં ગયા છે.” સત્યજીત હસતો હતો. એની ભૂખરી આંખોમાં શરારત હતી. ચહેરા ઉપર ફરી એક વાર પ્રિયંકાને મૂરખ બનાવ્યાનો ગર્વ. પ્રિયંકાએ એને જોરથી ધક્કો માર્યો.

“વ્હોટ ?”

“હા...” સત્યજીતે એને ફરી નજીક ખેંચવાનો પ્રયત્ન કર્યો, “નોકરો બધા સર્વન્ટ ક્વાટરમાં છે.” એણે પ્રિયંકાની કમરમાં હાથ નાખ્યો. એક હાથની હથેળીમાં પોતાની હથેળી પરોવી, “હમ તુમ એક કમરે મેં બંધ હો ઓર ચાબી ખો જાયે...” એ ગાવા લાગ્યો.

પ્રિયંકાની આંખોમાં પાણી આવી ગયાં. એ સત્યજીત સામે જોતી રહી. એ હજી સુધી માની નહોતી શકતી કે કોઈ આવું કરી શકે ! એણે સત્યજીતની સામે અવિશ્વાસથી જોયું, “પણ તેં તો કહ્યું કે...”

“હા, કારણ કે એ સિવાય તને અહીંયા બોલાવવી શક્ય નહોતી. તું એટલી ગુસ્સામાં હતી સ્વીટ હાર્ટ કે આવું કોઈ સિરિયસ કારણ આપ્યા વિના હું તને કેવી રીતે મનાવું ?”

“તારા પોતાના પપ્પાને હાર્ટએટેક આવ્યો છે એવું કહ્યું તેં ? ફક્ત મને મનાવવા માટે ?” પ્રિયંકાએ એક એક શબ્દ છૂટો પાડીને સખત અવિશ્વાસ સાથે ફરી પૂછ્‌યું.

“હા...” સત્યજીતના ચહેરા પર કોઈ અપરાધનો કે ખોટું કર્યાનો ભાવ નહોતો. એ હસી રહ્યો હતો, “બૅબી, માત્ર હાર્ટએટેક આવ્યો છે એવું કહ્યું... મરી ગયા એવું ક્યાં કહ્યું ? જેને હાર્ટએટેક આવે એ બધા કંઈ મરી ન જાય... એક વાર સાચ્ચે એટેક આવે તો પણ હવે મેડિકલ ટૅકનોલોજી માણસને મરવા નથી દેતી.”

“આજે તેં હદ કરી નાખી.” પ્રિયંકાએ પોતાનો હાથ છોડાવ્યો અને સત્યજીતના રૂમમાંથી બહાર નીકળી સડસડાટ નીચે ઊતરવા લાગી. સત્યજીત એની પાછળ દોડ્યો. એણે પગથિયા પર એને રોકી લીધી. આગળ આવીને, બંને હાથ પહોળા કરીને એ પ્રિયંકાની સામે ઊભો રહ્યો.

“તું દરેક વાતને આટલી સિરિયસલી કેમ લે છે ?”

“તું કોઈ વાતને સિરિયસલી કેમ નથી લઈ શકતો ? જિંદગી સતત રમત કે મજાક નથી, સત્યજીત...હું ધીમે ધીમે તારા પરનો મારો વિશ્વાસ ખોઈ બેઠી છું.” પ્રિયંકાને ડૂમો ભરાઈ ગયો. એણે બંને હાથને સત્યજીતને કોલરમાંથી પકડી લીધો, “એક સ્ત્રી માટે વિશ્વાસથી અગત્યની કોેઈ વસ્તુ ન હોઈ શકે. જેની સાથે આખી જિંદગી જોડવા માગતા હોેઈએ, જેનો હાથ પકડીને મા-બાપનું ઘર છોડવાનું નક્કી કર્યું હોય... જેને મન, શરીર અને આત્મા સહિત પોતાનું સર્વસ્વ સોંપવા સ્ત્રી તૈયાર થાય એ માણસ એને કેવી રીતે છેતરી શકે ?”

“આને છેતરવા કે વિશ્વાસ તોડવા જેટલા મોટા લેબલ લગાડવાની જરૂર છે, પ્રિયંકા ?” સત્યજીતનો અવાજ હવે સહેજ ગંભીર થઈ ગયો હતો, “તમે બધા સત્ય-અસત્યની વ્યાખ્યાઓ બાંધીને જીવો છો. કોઈ માણસ મજાક કરી શકે.., હસી શકે... કે નાનકડી વાતમાં હકીકતને થોડી ઊલટાવી-સુલટાવીને રજૂ કરે તો એને જુઠ્ઠાણું કહીને મોટો ગુનો માનવાની જરૂર મને નથી લાગતી.”

“તું હજી દલીલો કરે છે.” પ્રિયંકા ઉશ્કેરાઈ ગઈ, “ચલ માન્યું કે મારી સાથે તેં રમત કરી, પણ દાદાજી ? એમને પણ તેં છેતર્યા ?” એણે સત્યજીતના પકડેલા કોલર જોરથી હચમચાવ્યા, “તને એટલોય વિચાર ના આવ્યો કે મારા દાદાજી...”

“લુક પ્રિયંકા, મારે કોઈ પણ રીતે તને અહીંયા બોલાવવી હતી, મનાવવી હતી અને હું જાણું છું કે તું ક્યારેય દાદાજીને ના ન પાડી શકે... એમની વાત તારે માનવી જ પડે એટલે મેં એમનો ઉપયોગ કર્યો.”

“ઉપયોગ ?” એની આંખોમાં પાણી છલકાવાની તૈયારી થઈ, “તેં દાદાજીનો નહીં, મારા એમના પરના વિશ્વાસનો, એમની તારા માટેની લાગણીનો, તારા માટેના સન્માનનો અને મારા તારા પરત્વેના પ્રેમનો ઉપયોગ કર્યો છે. આ બધી અમૂલ્ય ફીલિંગ્સ છે. એને હથિયારની જેમ ન વાપરી શકાય એટલુંય નથી સમજાતું તને ? તું ક્યાં સુધી આવો રહીશ ? સેલ્ફ સેન્ટર્ડ અને સ્વાર્થી ?”

“તારા સુધી પહોંચવા માટે હું કશાયનો પણ ઉપયોગ કરી શકું. કોઈને પણ સાધન બનાવી શકું પ્રિયંકા... તું મારે માટે મારા પોતાના કરતાંય અગત્યની છે. મારા મોરલ્સ, સિદ્ધાંતો, સત્યો, પ્રામાણિકતાઓ - બધું જ તારા પછી આવે છે, લિસ્ટમાં... તું સૌથી પહેલા છે.”

“એવું કેવી રીતે...” પ્રિયંકાએ હળવેથી એના કોલર છોડી દીધા.

“તારે જે સમજવું હોય તે સમજ અને માનવું હોય તે માન, પણ મારા જીવવા માટે તું અનિવાર્ય છે પ્રિયંકા, હું તને ખોઈ બેસું એવો ભય લાગે...” પ્રિયંકા કંઈ બોલવા જાય એ પહેલાં એણે પ્રિયંકાના હોઠ પર આંગળી મૂકી, “ભય સાચો કે ખોટો નથી હોતો. બસ, ભય હોય છે... મને એવો ભય લાગે કે તું નારાજ થઈશ, દુઃખી થઈશ કે હું તને ખોઈ બેસીશ તો હું એક વાર નહીં, હજાર વાર જુઠ્ઠું બોલી જાઉં... એક જણનો નહીં, હજારો લોકોનો ઉપયોગ કરી શકું.” એણે પ્રિયંકાનો હાથ પકડી લીધો, “આઈ કાન્ટ લુઝ યુ. હું તારો વિશ્વાસ ખોઈ શકું, પણ તને ખોવી મને નહીં પોસાય.”

“આપણે બંને બહુ જુદા છીએ, સત્યજીત.” એની આંખો સડસડાટ વહી રહી હતી. એનાથી ડૂસકું ભરાઈ ગયું, “મારો અને તારો ઉછેર જુદો છે, વિચારો જુદા છે, વ્યાખ્યાઓ અને માન્યતાઓ જુદી છે. તારે માટે જે નાનકડી મજાક રમત છે એ મારે માટે મારા વિશ્વાસનું અપમાન છે.” એ ઊંધી ફરીને નીચે ઊતરવા જતી હતી કે સત્યજીતે એનો હાથ પકડ્યો, એને પોતાની પાસે ખેંચીને છાતીસરસી ચાંપવાનો પ્રયાસ કર્યો, પણ પ્રિયંકાએ હતી એટલી તાકાતથી પોતાની જાતને સત્યજીતના બાહુપાશમાંથી છોડાવી, “હું તને બદલાવાનું નથી કહેતી કારણ કે હવે મને ખાતરી થઈ ગઈ છે કે તું નહીં બદલાઈ શકે.” પ્રિયંકાના અવાજમાં એક અજબ પ્રકારનો ખાલીપો હતો. આજ પહેલા કોઈ દિવસ એનો આટલો સૂક્કો અને આટલો લાગણીવિહીન અવાજ સત્યજીતે નહોતો સાંભળ્યો. એ સાચે જ ડરી ગયો.

“મને માફ કર.” સત્યજીતે કાન પકડી લીધા, “મને છેલ્લો મોકો આપ.”

પ્રિયંકાની આંખો હવે વહેતી અટકી ગઈ હતી. એ નિર્ણય લઈ ચૂકી હતી એવું એના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું. એણે સાવ સ્વાભાવિક અવાજમાં કોઈ ફરિયાદ કે વેદના વગર સત્યજીતની સામે જોયું, “હું કોણ છું તને માફ કરનારી ? તારો ન્યાય કરનાર કે તને મોકો આપનાર ? તું તારી જગ્યાએ સાચો હોઈ શકે સત્યજીત, પણ તારે મન જે રમત છે એ મારે મન દર વખતે બહુ જ મોટી પીડા બની જાય છે. વારંવાર એ પીડામાંથી પસાર થવું મારે માટે શક્ય નથી...ને તને વારંવાર એ રમત રમ્યા વગર ચાલવાનું નથી. ”

“હું ફરી ક્યારેય...”

પ્રિયંકાએ એના હોઠ પર હાથ મૂકી દીધા, “ન બોલીશ. એ શબ્દો નહીં બોલ જેની તને પોતાને કિંમત નથી. શબ્દ બહુ મોટું હથિયાર છે સત્યજીત. શબ્દમાં ખૂબ તાકાત છે. એ ઇચ્છે તો આખું જગત રચી શકે અને ઇચ્છે તો એક જ ક્ષણમાં આખા જગતને તહસનહસ કરી શકે. હું શબ્દને સરસ્વતી માનીને પૂજું છું. અમારા ઘરમાં શબ્દની રોટી આવે છે. મારા પિતાનો વ્યવસાય શબ્દો સાથે જોડાયેલો છે. હું શબ્દમાં ઉછરી છું અને કદાચ એટલે જ મારે માટે શબ્દોની ખૂબ કિંમત છે.”

“પ્રિયંકા, પ્લીઝ... મારી વાત સમજવાનો પ્રયત્ન કર.”

“એ જ કરું છું. આજ સુધી હું તારી વાત સમજી નહોતી શકી. ફક્ત મારી જ વાત સમજતી હતી, પણ હવે તારી વાત સમજું છું અને એટલે જ મને સમજાય છે કે તારે માટે મારી લાગણીની કોઈ કિંમત નથી. જેને તુ મજાક સમજે છે એ મારે માટે ગંભીર બાબત છે એવું કહ્યા છતાં પણ તુ એ છોડી નથી શકતો. એનો અર્થ જ એ છેે કે...”

“આટલું બધું વિચારવાની જરૂર નથી. તું દરેક વાતને એનાલિસીસ-પૃથક્કરણ કરીને ચૂંથી નાખે છે પ્રિયંકા. કેટલાક સંબંધો હૃદયથી જીવાય છે. દરેક વાતને બુદ્ધિ વાપરીને, છૂટી છૂટી પાડીને શા માટે જોવી જોઈએ ?”

“પ્રિયંકા, સાવ સાદી વાતને તું કારણ વગર ગૂંચવી રહી છે.”

“હું નહીં, તું ગૂંચવે છે. મેં તને વારંવાર સમજાવ્યા છતાં પણ તુ ફરી ફરીને એ જ રીતે વર્તે છે અને હવે...” પ્રિયંકાએ ઊંડો શ્વાસ લીધો. બંને હાથે અદબ ભીડી, સત્યજીતની આંખમાં ઊંડે સુધી જોયું, “...અને, હવે પછી હું ક્યારેય તને કશું નહીં કહું. તુ તારી રીતે જીવવા મુક્ત છે. તારે જેમ કરવું હોય તેમ કર.” એ પગથિયા ઊતરવા લાગી. સત્યજીતે ફરી એક વાર એનો હાથ પકડવાની કોશિશ કરી, પણ પ્રિયંકાએ હાથ છોડાવી દીધો.

સત્યજીત ત્યાં જ ઊભો રહી ગયો અને પ્રિયંકા સડસડાટ બહાર નીકળીને પોતાના ટુવ્હીલર પર ઘર તરફ આવવા નીકળી ગઈ.

*

આખે રસ્તે પ્રિયંકાની આંખમાંથી પાણી વહેતાં રહ્યા. એ કલ્પી પણ નહોતી શકતી એવી રીતે આ સંબંધનો અંત આવ્યો હતો. જે સંબંધ માટે એણે કેટલાંય સપનાં જોયાં હતાં. જે સંબંધ એને માટે જિંદગીનો પર્યાય બની ગયો હતો. એના શ્વાસની દરેક આવન-જાવન પર સત્યજીતનો અબાધિત અધિકાર એણે સ્વીકારી લીધો હતો. એવા માણસને આજે એ પોતાની જિંદગીમાંથી બાદ કરી આવી હતી !

એને રહી રહીને સવાલ મૂંઝવતો હતો કે પોતે સાચું કર્યું કે ખોટું ? સત્યજીતની દલીલો સાંભળ્યા પછી એની બુદ્ધિ ફરી એક વાર એને સવાલો પૂછી રહી હતી... એને વારંવાર વિચાર આવતો હતો કે કોઈ એક માણસની નાનકડી નબળાઈ ખાતર એની સાથે જિંદગીનો સંબંધ તોડી નાખવો એ ખરેખર સાચું પગલું હતું ?

પરંતુ સામે એનું જ મન એને કહી રહ્યું હતું કે પ્રેમ વગર જીવી શકાય, વિશ્વાસ વગર નહીં. જ્યાં વિશ્વાસ હોય ત્યાં પ્રેમ આપોઆપ પ્રગટે છે,પણ જ્યાં વિશ્વાસ ઊઠી જાય ત્યાં બીજું કશુંય ટકવાની સંભાવના શૂન્ય બની જાય છે.

એણે સેલફોન કાઢીને ઘેર ફોન લગાડ્યો. એક આખી રિંગ પણ પૂરી નહોતી થઈ કે મહાદેવભાઈએ ફોન ઉપાડ્યો, “દાદાજી...” પ્રિયંકાથી ડૂસકું મુકાઈ ગયું

“બેટા, શું થયું ?”

“એણે તમને છેતર્યા દાદાજી.” પ્રિયંકા રડતી હતી, “તમને પણ...”

“બેટા, એ મને છેતરે કે તને, એના મનમાં...” મહાદેવભાઈએ ઊંડો શ્વાસ લીધો, “એને કદાચ એવું લાગ્યું હશે કે તારા સુધી પહોંચવા માટે હું એનો છેલ્લો ઉપાય બની શકીશ.”

“એણે પણ એવું જ કહ્યું.” પ્રિયંકા ઉશ્કેરાઈ ગઈ, “તમને કેવી રીતે ખબર પડી ?”

“હું પણ ક્યારેક જુવાન હતો, બેટા.” મહાદેવભાઈના અવાજમાં વાત્સલ્ય છલકાયું, “એના મનમાં આ ગુનો જ નથી. તું એને જે રીતે જુએ છે એ રીતે એ જોઈ શકતો જ નથી.”

“એવું કેવી રીતે ચાલે દાદાજી ?” પ્રિયંકાનો અવાજ વધુ ઊંચો થયો.

“તું ઘેર આવ બેટા, આપણે શાંતિથી વાત કરીએ. ટુ વ્હિલર ચલાવતા ફોન પર વાત કરે છે, સાથે રડે છે અને ઉશ્કેરાયેલી છે. મને તારી ચિંતા થાય છે. ફોન મૂકીને સીધી ઘેર આવ.”

*

એ ઘરમાં દાખલ થઈ ત્યારે દાદાજી ડ્રોઇંગરૂમમાં જ આંટા મારતા હતા. એમણે પ્રિયંકાનો રડેલો ચહેરો જોયો. એની આંખોમાં એક ફરિયાદ હતી એ મહાદેવભાઈને વંચાઈ ગઈ. એમણે બે હાથ પહોળા કર્યા. પ્રિયંકા દોડીને એમને ભેટી પડી...

“જે થાય છે તે સારા માટે થાય છે બેટા.” ધ્રૂસકે ધ્રૂસકે રડતી પ્રિયંકાની પીઠ પર મહાદેવભાઈનો હાથ ફરતો હતો. પ્રિયંકાના હિબકા મહાદેવભાઈની ટટ્ટાર પણ વૃદ્ધ કાયાને હચમચાવતા હતા. એના આંસુથી દાદાજીનો ખાદીનો સદરો તરબતર થઈ ગયો હતો, “હું માનું છું કે આ વખતે તેં કરેલો નિર્ણય આખરી અને અફર છે.” પ્રિયંકાએ ડોકું હલાવીને રડતાંરડતાં જ હા પાડી, “તો પછી એમ જ રાખજે, બેટા. કારણ કે જે સંબંધ શરૂ થતા પહેલા જ એમાં પીડા, ફરિયાદ અને અવિશ્વાસ છે એ સંબંધના ભરોસે બહુ દૂર સુધી નહીં જવાય.”

પ્રિયંકા વધુ જોરથી ડૂસકાં ભરવા લાગી. એ સમજતી હતી દાદાજીની વાત... એની નજર સામે સત્યજીતની આંખો, એનો ચહેરો અને એની સાથે ગાળેલી ક્ષણો તરવરતી હતી.

(ક્રમશઃ)