Devil - EK Shaitan -7 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ એક શૈતાન-૭

Featured Books
Categories
Share

ડેવિલ એક શૈતાન-૭

ડેવિલ-એક શૈતાન

ભાગ:૭

રાધાનગર માં એક પછી એક લોકો ની લાશો મળી આવવાની ઘટના બહાર આવે છે-પોલીસ કોઈ ગુનેગાર સુધી પહોંચી નથી શકતી-અર્જુન ને રહસ્યમયી લેટર મળવાનો સિલસિલો ચાલુ હોય છે-ફાધર થોમસ દ્વારા આ બધી ઘટનાઓ પાછળ શૈતાની શક્તિ છે એવું અર્જુન ને કહેવામાં આવે છે-હત્યાઓ રોકવાના પ્રયાસ માં લાગેલા અર્જુન ને એક લેટર મળે છે જેને વાંચી એ પોતાના ઘરે આવવા નીકળી પડે છે-હવે આગળ......

પીનલ દ્વારા કોઈ પ્રત્યુત્તર ન મળતા અર્જુન ની ચીંતા માં સેકન્ડે ને સેકન્ડે વધારો થઈ રહ્યો હતો.અત્યારે એનું દિલ પીનલ સાથે કંઈક અજુગતું બની ગયું હશે એ વિચારી જોર જોર થી ધડકી રહ્યું હતું.અર્જુને તરત જ દરવાજો તોડવાનો ફેંસલો લઈ લીધો અને ૨ ડગલાં પાછા પડી જોર થી દોડતો દરવાજા ની પાસે આવ્યો.

અર્જુન નું શરીર જેવું જ દરવાજા ને અથડાવા નું જ હતું એવામાં મકાન નો દરવાજો ખુલ્યો.અચાનક દરવાજો ખુલવાથી અર્જુન પોતાની બોડી ને કન્ટ્રોલ કરી ન શક્યો અને દરવાજો ખોલનાર વ્યક્તિ પર જઈને પડ્યો.

અર્જુને જોયું તો દરવાજો ખોલનાર બીજું કોઈ નહીં પણ પીનલ જ હતી..પીનલ ને જોઈ અર્જુન એ એને ગળે લગાવી દીધી અને બોલ્યો"પીનલ તને કંઈ નથી થયું..ભગવાન નો લાખ લાખ ઉપકાર કે તું સહી સલામત છે"અર્જુને પીનલ ના ચહેરા પર હાથ ફેરવતા કીધું.

"હા બાબા..મને કંઈ નથી થયું,પણ તને પાગલપન ની અસર જરૂર થઈ ગઈ થઈ ગઈ લાગે છે..હું ૨ ઘડી દરવાજો ખોલવામાં મોડી શું પડી તું તો દરવાજો તોડવા પર ઉતરી આવ્યો"પીનલે મજાક ના સુર માં કીધું.

"તો તે ફોન કેમ ના ઉપાડ્યો?"અર્જુને કહ્યું.

"ખબર નહીં મેં રીંગ નહોતી સાંભળી..ભુલ થી ફોન સાયલન્ટ હશે..પણ તારી ચીંતા નું કોઈ ખાસ કારણ?"પીનલે કહ્યું.

"ના ના ખાસ તો કંઈ નહીં"અર્જુને વાત પતાવવા કીધું.

"સારું હું તારા અને આ બહાર ઉભેલા કોન્સ્ટેબલો માટે ચા લઈને આવું..તું થોડો ફ્રેશ થઈ જા"પીનલે કહ્યું અને એ રસોડા માં ગઈ.

પીનલ ને સહી સલામત જોયા પછી અર્જુન ને હાશકારો તો થયો પણ જીવ ને ધરપત નહોતી થઈ..લેટર ના શબ્દો મુજબ એનું ઘર અત્યારે જોખમ માં છે..પણ પીનલ તો બિલકુલ ઠીક છે...તો પછી??? "ઓહ માય ગોડ..મારા મગજ માંથી એ વાત કેમ નીકળી ગઈ.." અર્જુન મનોમન બબડયો.

"પીનલ તું ચા ના બનાવતી મને એક અગત્ય નું કામ છે"પીનલ ને બુમ પાડી અર્જુન ફટાફટ બહાર નીકળી જીપ માં બેઠો..જીપ સ્ટાર્ટ કરી એને જીપ ને જેટલી ગતિ એ લાવ્યો હતો એથી પણ વધુ ગતિ એ ભગાડી મૂકી.એને પોતાના ફોન માંથી કોઈને ફોન કરવાનો પ્રયત્ન કર્યો પણ સામેથી કોઈએ કોલ ઉપાડ્યો નહીં.

"હેલ્લો... અર્જુન હિયર...તમારા માંથી પોલીસ સ્ટેશન ની સૌથી નજીક કોણ છે?"આદિત્ય એ વોકીટોકી પર કીધું...પોલીસ સ્ટેશન પણ એનું ઘર જ હતું એ વાત નો આદિત્ય ને ખ્યાલ આવતા એને વાઘેલા અને પેલા ૨ કોન્સ્ટેબલ ની ચિંતા થઈ.

"હેલ્લો.. સર હું પોલીસ સ્ટેશન થી ૫ મિનીટ ના જ અંતરે છું.."વોકિટોકી પર જાવેદ નો અવાજ આવ્યો.

"તું જલ્દી પોલીસ સ્ટેશન પહોંચ હું પણ ત્યાં આવું છું..કોઈ સવાલ નહીં.. બસ તું જેમ બને એમ ત્યાં પહોંચવાનું કર"અર્જુને જાવેદ ને જણાવ્યું.

"ઓકે સર..હું ત્યાં જવા નીકળું છું.. જય હિંદ"જાવેદે કહ્યું.

"ત્યાં પહોંચી જે હોય એ મને જાણ કરજે..અને તમે પણ ત્યાં થોડા સાવધાની પૂર્વક જજો."અર્જુને કહ્યું.

અત્યારે અર્જુન માટે જેમ બને એમ પોલીસ સ્ટેશન પહોંચવું જરૂરી હતું.અત્યાર સુધી આવેલા દરેક લેટર નો કોઈને કોઈ અર્થ જરૂર નીકળતો અને જો આ વખતે એની બુદ્ધિશક્તિ સાચી હોય તો અત્યારે પોલીસ સ્ટેશન માં જરૂર કંઇક બન્યું છે.પોલીસ સ્ટેશન પહોંચવામાં હજુ એને ૧૦-૧૨ મિનિટ વીતી જાય એવી હતી માટે એને જાવેદ ને જલ્દી થી પહોંચવા કહી દીધું હતું.

જાવેદે સરદાર બાગ જોડે થી પોતાની જીપ ને યુ ટર્ન કરી ને પોલીસ સ્ટેશન તરફ ભગાવી મૂકી અત્યારે બીજા ૬ કોન્સ્ટેબલ પણ એની જોડે હતા.એ બધા એ વોકીટોકી પર અર્જુન નો આદેશ સાંભળ્યો હતો એટલે એ બધા અત્યારે ચુપચાપ બેઠા હોય છે.જીપ જેમ જેમ પોલીસ સ્ટેશન ની નજીક આવી રહી હતી એમ એમ બધા ની બેતાબી એ જાણવા વધી રહી હતી કે એવું તો શું બન્યું છે પોલીસ સ્ટેશન માં જેના લીધે અર્જુને તાત્કાલિક પોલીસ સ્ટેશન માં આવવા નો હુકમ કર્યો.

જાવેદે પોલીસ સ્ટેશન આગળ જીપ ની જોરદાર બ્રેક મારી અને ફટાફટ પોતાના હાથ માં રિવોલ્વર લઈને પોલીસ સ્ટેશન ની અંદર પ્રવેશ્યો.જાવેદ ને અંદર પગ મુકતા જ એવું લાગ્યું કે હમણાં જ કોઈ પાછળ ની તરફ થી દોડી ને બહાર નીકળ્યું છે..જાવેદ એ તરફ જતો હતો પણ એની નજર કન્ટ્રોલ રૂમ તરફ પડતા એના પગ ત્યાંજ અટકી ગયા.!!!

"સર અહીં પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતાં બંને કોન્સ્ટેબલ ની લાશો કન્ટ્રોલ રૂમ માં પડી છે,પણ વાઘેલા સાહેબ નો કોઈજ પત્તો નથી"જાવેદે તરત જ કોલ કરી અર્જુન મેં જાણ કરી.

"તું ત્યાં જ હાજર રહેજે અને પોલીસ સ્ટેશનમાં બધે શોધખોળ કરી વાઘેલા નો પત્તો લગાવ..હું ૫ મિનિટ માં જ ત્યાં પહોંચું છું.."આટલું કહી અર્જુને કોલ કટ કર્યો.

"જલ્દી થી તમે બધા પોલીસ સ્ટેશન માં અને એની આગળ પાછળ બધે સર્ચ કરો વાઘેલા સાહેબ જરૂર ક્યાંક હશે"જાવેદે એની જોડે આવેલા કોન્સ્ટેબલો ને હુકમ આપી દીધો.

બધા કોન્સ્ટેબલ વાઘેલા ને શોધવાના કામ માં લાગી ગયા.થોડીવાર માં અર્જુન ની જીપ પણ પોલીસ સ્ટેશન માં આવીને ઉભી રહી..અર્જુન અને બીજા કોન્સ્ટેબલ દોડીને અંદર સીધા કન્ટ્રોલ રૂમ તરફ ગયા.જાવેદ પણ અત્યારે ત્યાં જ ઉભો હતો.!!

અર્જુને જઈને જોયુ તો આખો કન્ટ્રોલ રૂમ જાણે લોહી થી રંગાઈ ગયો હતો.બંને કોન્સ્ટેબલ ની લાશો ટેબલ પર પડી હતી.એક કોન્સ્ટેબલ ની છાતી આખી ચીરવામાં આવી હોય એવું લાગી રહ્યું હતું જ્યારે બીજા કોન્સ્ટેબલ ની લાશ પ્રમાણ માં થોડી ઠીક હતી તો પણ બંને ના આખા શરીર પર બચકા ભરેલા હતા જેમાંથી લોહી ટપકી રહ્યું હતું.!!

"જાવેદ તે કંઈ જોયું?"અર્જુને પોતાની ટોપી નીચે ઉતારતાં કહ્યું.ટોપી નીચે ઉતારી એને આ બંને કોન્સ્ટેબલ ની કરપીણ હત્યા પ્રત્યે પોતાનું દુઃખ જાહેર કર્યું હતું.

"કંઈ જોયું તો નથી સર પણ હું આવ્યો ત્યારે કોઈ અહીં હાજર હતું જે અમારી જીપ ના અવાજ સાંભળી પાછળ ના દરવાજે ભાગી ગયું હોય એવું લાગે છે..હું એ તરફ ગયો પણ ખરો પણ કન્ટ્રોલ રૂમ તરફ નજર પડતા રોકાઈ ગયો..સર હવે બહુ થયું આ કાતિલ ને પકડવો જ પડશે"જાવેદે કહ્યું..અત્યારે પોતાના સાથી કર્મચારીઓ ની લાશ જોઈ એનું લોહી ઉકળી રહ્યું હતું.

"જાવેદ દુઃખ અને ગુસ્સો તો મને પણ થાય છે..પણ હજુ સુધી એ કાતિલ આપણી ગિરફત ની બહાર છે એ આપણા માટે શરમ ની વાત છે.."આ બોલતા અર્જુન નો ગુસ્સો અને નિરાશા એકસાથે છલકતા હતા.

"સર વાઘેલા સાહેબ મળી ગયા.."એક કોન્સ્ટેબલે આવીને કહ્યું.

"ક્યાં છે વાઘેલા?"અર્જુને કહ્યું.

"પોલીસ સ્ટેશન ની પાછળ ની બાજુ આવેલા ટોયલેટ માં"કોન્સ્ટેબલ એ કહ્યું.

અર્જુન અને જાવેદ દોડતા દોડતા પોલીસ સ્ટેશન ના પાછળ ના ભાગ માં બનેલા ટોયલેટ તરફ આવ્યા.ટોયલેટ નો દરવાજો હમણાં જ તોડવામાં આવ્યો હતો એ એની દશા પર થી સ્પષ્ટ હતું.

"સર જ્યારે હું અહી આવ્યો ત્યારે મને અંદર થી કંઇક અવાજ આવ્યો મેં દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ અંદર થી બંધ હોય એવું લાગ્યું મને ચીંતા થતા મેં બીજા ૨ કોન્સ્ટેબલ ને બોલાવી દરવાજો તોડાવી દીધો"કોન્સ્ટેબલ અશોકે કહ્યું.

"ગુડ જોબ"અર્જુને કહ્યું.

અર્જુને જોયું તો વાઘેલા ની દશા બહુ ખરાબ હતી.એના ચહેરા પર ઠેકઠેકાણે ઘા અને ઉઝરડા ના નિશાન હતા..ગળા અને ખભા ના ભાગે ભરેલા બચકા માંથી લોહી આવી રહ્યું હતું જે અત્યારે મોટી માત્રા માં ટોયલેટ ના ફર્શ પર ફેલાયેલું હતું.અર્જુને નીચે બેસી ને વાઘેલા નો હાથ પકડીને જોયું તો હજુ એ જીવતો માલુમ પડ્યો.વાઘેલા નું જીવિત રહેવું અર્જુન માટે મોટું આશ્ચર્ય હતું કેમકે આટલું લોહી વહી ગયા પછી બચવું મુશ્કેલ હોય છે પણ વાઘેલા ની ભરાવદાર કાયા ના લીધે એ બચી ગયો હોય એમ અર્જુન ને લાગ્યું.

"જાવેદ હું વાઘેલા ને લઈ હોસ્પિટલ જાઉં છું..તું નાયક ને બોલાવી મૃત પામેલા બંને કોન્સ્ટેબલ ની આગળ ની પોલીસ કાર્યવાહી પૂર્ણ કર."અર્જુને કહ્યું.

"સારું સર..તમે વાઘેલા સાહેબ ને લઈને નીકળો અહીં નું બધું હું અને નાયક સાહેબ જોઈ લઈશું."જાવેદે એ કહ્યું.

જાવેદ અને બીજા કોન્સ્ટેબલ ના ટેકાથી અર્જુને વાઘેલા ને જીપ ની પાછળ ની સીટ માં સુવડાવ્યો અને જીપ ને હોસ્પિટલ જવા માટે ભગાવી મૂકી.આ તરફ જાવેદે નાયક ને કોલ કરી પોલીસ સ્ટેશન બોલાવી ને આગળ ની બધી કાર્યવાહી હાથ ધરી.

૧૫ મિનિટ માં તો અર્જુન ની જીપ સિટી હોસ્પિટલ આગળ આવીને ઉભી રહી..અર્જુને જોડે આવેલા કોન્સ્ટેબલો ને વાઘેલા ને સ્ટ્રેચર પર સુવડાવી દેવા સૂચન કર્યું અને પોતે અંદર ની તરફ ડોકટર મેહતાને આ ઘટના ની જાણ કરવા ગયો.

અર્જુન ની વાત સાંભળી ડોકટર મહેતા વાઘેલા ને તાત્કાલિક ઓપરેશન થિયેટર માં દાખલ કરી ને ઓપરેશન ની વિધિ ચાલુ કરી દે છે.અત્યારે વાઘેલા ની સ્થિતિ ખુબજ નાજુક હોવાની વાત ડો.મહેતા એ અર્જુન ને વાઘેલા પર ચાર કલાક ચાલેલું ઓપરેશન પત્યા પછી કરી.આ ઉપરાંત ડો.મહેતા એ અર્જુન ને જણાવ્યું કે વધુ પડતું લોહી વહી જવાના લીધે વાઘેલા અત્યારે કોમા માં છે.

ડોકટર મહેતા ની વાત સાંભળી અર્જુન ની ચીંતા માં વધારો થયો.આખા ઓપરેશન દરમિયાન એ ઓપરેશન થિયેટર ની બહાર જ બેસી રહ્યો આ જોઈ જોડે આવેલા કોન્સ્ટેબલો ને પણ પોતાના સ્ટાફ પ્રત્યે નો અર્જુન નો પ્રેમ જોઈ અર્જુન પ્રત્યે માન પેદા થયું.!!

થોડીવાર માં નાયક પણ સિટી હોસ્પિટલ આવી ગયો અને અર્જુન ની જોડે આવીને બોલ્યો"સર,જુનિયર કોન્સ્ટેબલો ની હત્યા ની પોલીસ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે..આ વખત ની ઘટના માં પણ કોઈ હથિયાર નો ઉપયોગ થયો નથી.હવે ઇન્સ્પેક્ટર વાઘેલા ને કેમ છે ?"

"વાઘેલા ની કન્ડિશન ખૂબ જ ક્રિટિકલ છે.. અત્યારે એ કોમા માં છે..હવે એનું બચવું ઉપરવાળા ના હાથ માં છે"અર્જુને કહ્યું.

"સાહેબ બધું ઓલરાઇટ થઈ જશે.. તમે આખી રાત ના હજુ સુધી ઉંગ્યા નથી..માટે તમે ઘરે જઈ આરામ કરો...હું બીજા ૩ કોન્સ્ટેબલ ને અહીં મૂકી દઉં છું."નાયકે કહ્યું.

"સારું નાયક હું અત્યારે ઘરે જાઉં છું..સાંજે જમી ને પાછો અહીં આંટો મારી પોલીસ સ્ટેશન આવીશ"અર્જુન આટલું કહી હોસ્પિટલ ની બહાર ચાલી નીકળ્યો.

આખા શહેર માં પોલીસ સ્ટેશન માં થયેલા હુમલા ની વાત વાયુવેગે પ્રસરી ગઈ.આ ઘટના ના પડઘા રૂપે આખા શહેર માં ભય નો માહોલ ફેલાઈ ગયો હતો.લોકો ના મનમાંથી પોલીસ પ્રત્યે ભરોસો ઉઠી ગયો હતો.જે પોલીસ પોતાની જ રક્ષા નથી કરી શકતી એ બીજા નું રક્ષણ કઈ રીતે કરી શકવાની હતી એ પ્રશ્ન નો જવાબ એમને જોઈતો હતો જે અત્યારે તો ના અર્જુન જોડે હતો ના કોઈ પોલીસ કર્મચારી જોડે.

અર્જુને ઘરે જઈ આખી ઘટના ની વાત પીનલ ને કરી જેને સાંભળી એકવાર તો પીનલ ને પણ આંચકો લાગ્યો હતો.પીનલે અર્જુન માટે જમવાનું બનાવ્યું જે જમી ને અર્જુન આ હત્યારા ને કઈ રીતે પકડવો એનો વિચાર કરતો કરતો સુઈ ગયો.

સાંજે ઉઠીને અર્જુને પીનલ જોડે થી ટિફિન લીધું અને પોતાની બુલેટ લઈને હોસ્પિટલ તરફ નીકળી પડ્યો.જ્યાં અત્યારે ફરજ આપી રહેલા ડો.નાણાવટી જોડે વાઘેલા ના ખબર અંતર પૂછી ને એ પોલીસ સ્ટેશન ગયો.

ફોરેન્સિક ટીમ દ્વારા બેંગ્લોર ખાતે તૈયાર થયેલો કાળા રંગ ના લોહી વિશે નો રિપોર્ટ અત્યારે અર્જુન ના ટેબલ પર પડ્યો હતો..અર્જુને લેટર હાથમાં લીધો અને વાંચવાનું શરૂ કર્યું..

"મુનલાઈટ સોસાયટી માંથી મળેલું લોહી સામાન્ય માનવી ના લોહી કરતા ઘણું અલગ છે.આ પ્રકાર નું લોહી આ પહેલા આફ્રિકા ના કોંગો દેશ માં એક વ્યક્તિ ની લાશ માંથી મળી આવ્યું હતું.આ લોહી ના નમૂના પર થી એવું સાબિત થાય છે કે કોઈએ આ લોહી ધરાવતા વ્યક્તિ ના શરીર સાથે કંઈક પ્રોસેસ કરેલી છે"

"આ લોહી ના અંદર ના DNA ખૂબ જ વિકૃત અવસ્થા માં છે..આ લોહી પર થી એવું લાગે છે કે મનુષ્ય ના લોહી ને કોઈએ સાયન્ટિફિક રીતે લેબ માં કોઈ નવી જ પદ્ધતિ વડે વધુ પાવરફુલ બનાવાની કોશિશ કરેલી છે..જેનામાં આ લોહી હશે એ વ્યક્તિ ના શારીરિક ઘા ઓટોમેટિક પાછા ભરાઈ જશે"

લેટર વાંચ્યા પછી અર્જુન ના મગજ માં હજારો સવાલો ઉભા થયા.કોંગો માં મળેલી લાશ અને અહીં ની ઘટના ને શું સંબંધ એ શોધવું જ રહ્યું.ઉપર થી ઘા પુરાઈ જવાની વાત પર થી એને મનોમન વિચારી લીધું કે આ વખતે કાતિલ જે કોઈપણ છે પોતાના કરતા વધુ બુધ્ધિ વાળો અને વધુ બળવાન છે.અત્યારે પોલીસ ના દરેક કર્મચારી ને મળવું જરૂરી હતું એટલે એને દરેક કર્મચારી ને કોનફરન્સ હોલ માં આવવા કહ્યું.

અર્જુને જઈને જોયું તો અત્યારે પોલીસ સ્ટેશન માં હાજર દરેક કર્મચારી ના ચહેરા પર ભયમીશ્રીત ગુસ્સો દેખાઈ રહ્યો હતો.અર્જુને બધા સ્ટાફ ને સાંત્વના આપી અને હજુ વધુ બળ અને બુદ્ધિ થી પોતાનું કામ કરવા લાગી જવા આહવાન કર્યું.અર્જુન ની વાત થી બધા કર્મચારીઓ માં નવી ઉર્જા નો સંચાર થયો અને બધા ફરી થી પોતાની ડ્યૂટી પર લાગી ગયા.રાધાનગર ના લોકો ને ભલે ભરોસો નહોતો પણ પોલીસ દળ પોતાનું કાર્ય પુરી ખંત થી નિભાવી રહ્યું હતું એ વાત માં કોઈ શક નહોતો.

આમ ને આમ બીજા ચાર દિવસ વીતી ગયા..આ ચાર દિવસ માં કોઈ ઘટના બની નહોતી.અર્જુન રોજ હોસ્પિટલમાં જઈને વાઘેલા ના ખબરઅંતર પૂછી આવતો હતો..ધીરે ધીરે વાઘેલા ની સ્થિતિ સુધારા પર હતી એ જાણી અર્જુન ને રાહત થતી.

પોલીસ સ્ટેશનમાં થયેલા હુમલા ની ઘટના ના ચાર દિવસ પછી બપોરે ડ્યૂટી પર જવા અર્જુન તૈયાર થઈ રહ્યો હોય છે ત્યારે પીનલે કહ્યું..."અર્જુન આજે ફરી થી કોઈ માસુમ નો જીવ લેવાશે"

"કેમ આવું અશુભ બોલી રહી છે..અને શેના પરથી તને એવું લાગ્યું કે આજે એવું કંઈ બનશે?"અર્જુને શર્ટ પહેરતાં પહેરતાં પીનલ ને કહ્યું.

"જો અર્જુન આ કેલેન્ડર તરફ...પ્રથમ ખુન ની ઘટના બની ૨ જી તારીખે, બીજી ખુન ની ઘટના બની ૧૨ તારીખે, ૩ જી ૨૦ તારીખે અને ચોથી ૨૬."પીનલે ટેબલ પર રાખેલું કેલેન્ડર બતાવતા કહ્યું.પીનલે જે જે તારીખો કહી એના પર ગોળ વર્તુળ કરેલું હતું.

"તો આના પર થી શું સાબિત થાય છે?"અર્જુને પ્રશ્નસુચક નજરે પીનલ સામે જોતા કહ્યું.

"પ્રથમ ઘટના ૨ તારીખે બની એના ૧૦ દિવસ પછી ૧૨ તારીખે બીજી ઘટના બની. બીજી ઘટના ના ૮ દિવસ પછી એટલે કે ૨૦ તારીખે ૩ જો મામલો સામે આવ્યો અને એના બરાબર ૬ દિવસ એટલે કે ૨૬ તારીખે પોલીસ સ્ટેશન વાળી ઘટના બની."પીનલે દરેક તારીખ પર આંગળી રાખી સમજાવતા કહ્યું.

"એનો મતલબ દર વખતે પહેલા ની ઘટના કરતા ૨ દિવસ ઓછા લેવા માં આવે છે..છેલ્લે હત્યા ૨૬ તારીખે થઈ એનો મતલબ ૪ દિવસ પછી ૩૦ તારીખ એટલે કે આજે ફરીવાર કોઈ પર હુમલો થશે"અર્જુન પીનલ ની વાત જાણે બરાબર સમજી ગયો હોય એમ બોલ્યો.

"હા અર્જુન એમજ, કાતિલ હત્યા માટે ખાસ પેટર્ન નો ઉપયોગ કરી રહ્યો છે તો આજે એ કોઈને મારે એ પહેલાં એને મારી નાખવાની જવાબદારી તારી રહેશે"પીનલે કહ્યું.

"Thanks પીનલ..અત્યારે તારી આ મદદ મને બહુ કામ આવશે..ફાધર થોમસ બીમાર હોવાથી એમના જોડે વાત થતી નથી..પણ અત્યારે તે તારી બુદ્ધિ થી એમની ખોટ પુરી કરી છે..લવ યુ સો મચ.."આટલું કહી અર્જુને પીનલ ને ગળે લગાવી દીધી.

"આઈ લવ યુ ટૂ અર્જુન,,ચાલ હવે જલ્દી થી નીકળ.. આજે કોઈપણ ભોગે એ કાતિલ બચવો ના જોઈએ"પીનલે કહ્યું.

"આજે તો એ હત્યારા ને હું નર્ક ના દ્વાર ના દર્શન ના કરાવું તો મારું નામ પણ એસીપી અર્જુન નહીં."મૂછો પર તાવ દઈને અર્જુને કહ્યું અને પછી પોલીસ સ્ટેશન જવા માટે પર સવાર થયો.

જેવો અર્જુન બુલેટ ને સ્ટાર્ટ કરવા જતો હતો એવો જ એના પર નાયક નો કોલ આવ્યો.અર્જુને કોલ રિસીવ કર્યો..

"સર,વાઘેલા ને હોંશ આવી ગયો છે..તમે તાત્કાલિક દવાખાને પહોંચો.."નાયકે ખુશીભર્યા અવાજે કહ્યું.

"હું બસ હમણાં જ આવ્યો"આટલું કહી અર્જુને ધમધમાટી બોલાવતી પોતાની બુલેટ હોસ્પિટલ તરફ ભગાવી મુકી.

To be continued....

શું અર્જુન હત્યારા ને રોકી શકશે? પીનલ ના કહ્યા મુજબ હત્યા આજે જ થવાની હતી?વાઘેલા હત્યારા વિશે શું જાણતો હતો? કોંગો માં મળેલી લાશ સાથે રાધાનગર ની ઘટના ને શું સંબંધ? અર્જુન પર આવેલા લેટર નું રહસ્ય શું? ડેવિલ આખરે કોણ છે? જાણવા માટે વાંચતા રહો ડેવિલ એક શૈતાન નો નવો ભાગ..આ નોવેલ અંગે ના આપના અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર જણાવી શકો છો.

ઓથર:- જતીન.આર.પટેલ