Sir Syed Ahmed Khan in Gujarati Biography by Mohammed Saeed Shaikh books and stories PDF | સર સૈયદ એહમદખાન : શૈક્ષણિક સમાજ સુધારક

Featured Books
Categories
Share

સર સૈયદ એહમદખાન : શૈક્ષણિક સમાજ સુધારક

સર સૈયદ એહમદખાન

શૈક્ષણિક સમાજસુધારક

મોહમ્મદ સઈદ શેખ

પ્રસિદ્ધ શાયર ડો.મુહમ્મદ ઇકબાલે જેના વિશે કહ્યું હતું કે, 'આ માણસની ખરી મહાનતા એ વાતમાં છે કે તેઓ પ્રથમ ભારતીય મુસ્લિમ છે જેણે ઇસ્લામને નવા દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કર્યો અને એ માટે કાર્ય કર્યું.' એ માણસ એટલે સર સૈયદ એહમદખાન.સર સૈયદ એહમદખાન ૧૭મી ઓકટોબર ૧૮૧૭માં દિલ્હીમાં મુઘલોના વંશજોમાં જન્મ્યા. દાદા સૈયદ હાદી જવ્વાદ બિન ઇમામુદ્દીન આલમગીર દ્વિતીયના દરબારમાં જનરલના ઉચ્ચ હોદ્દા ઉપર હતા. નાના ખ્વાજા ફરીદઉદ્દીન અકબર દ્વિતીયના દરબારમાં મંત્રી હતા અને પિતાએ સમ્રાટ અકબર દ્વિતીયના અંગત સલાહકાર તરીકે સેવાઓ આપી હતી. માતા અઝીઝુન્નીસાએ કડક શિસ્ત હેઠળ સૈયદ એહમદખાનનો ઉછેર કર્યો હતો. બાળપણથી જ એમને આધુનિક શિક્ષણ આપવામાં આવ્યું હતું. કુઆર્નશરીફની તાલીમ મહિલા શિક્ષિકા પાસેથી મેળવી, જે એ સમયમાં અસામાન્ય બાબત હતી. લોર્ડ વેલેસ્લીના ચાર્જમાં ફારસી, અરબી, ઉર્દૂ અને રૃઢિગત ધાર્મિક અભ્યાસ કર્યો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કારકૂન તરીકે આગ્રાની કોર્ટમાં નોકરી મળી. ૧૮૪૦માં મુનશી તરીકે બઢતી મળી, અને ૧૮પ૮માં ઉચ્ચ હોદ્દા ઉપર કોર્ટમાં નિયુક્તિ થઈ. ઘરમાં મળેલા આધુનિક શિક્ષણે એમને સમાજમાં ફેલાયેલા અંધશ્રદ્ધા, અજ્ઞાનતા અને કુરિવાજોના વિરોધી બનાવ્યા હતા.

તેઓ દૃઢપણે માનતા હતા કે પશ્ચિમી અને વૈજ્ઞાનિક શિક્ષણ જ મુસ્લિમ સમાજને પ્રગતિના પંથે પહોંચાડી શકે છે અને આ વાત તો એમના મનમાં વધારે દૃઢ થઈ ગઈ જ્યારે તેઓ ૧૮૬૯માં પોતાના પુત્ર સાથે ઈંગ્લેન્ડ ગયા, ત્યાં એમણે કેમ્બ્રિજ યુનિવર્સિટી જોઈ એટલા પ્રભાવિત થયા કે ભારતમાં પણ એક 'મુસ્લિમ કેમ્બ્રિજ' યુનિવર્સિટી હોવી જોઈએ એવો વિચાર આકાર લેવા લાગ્યો અને એમાંથી જ એમણે ૧૮૭૦માં 'કમિટી ફોર ધી બેટર ડીફયુઝન એન્ડ એડવાન્સમેન્ટ ઓફ લર્નિંગ અમોંગ મોહમેડન્સ'ની સ્થાપના કરી. આ જ કમિટીએ ૧૮૭૩માં અલીગઢમાં કોલેજની સ્થાપના કરવાનો ઠરાવ કર્યો અને દાન ઉઘરાવી ર૪ મે ૧૮૭પના દિવસે મોહમેડન એંગ્લો ઓરિએન્ટલ કોલેજ (MAO)ની સ્થાપના કરી. પ્રારંભે આનું જોડાણ કલકત્તા યુનિવર્સિટી સાથે હતું. પરંતુ ૧૮પપમાં અલ્હાબાદ યુનિ. સાથે જોડાણ કરવામાં આવ્યું. ૧૯ર૦માં આ કોલેજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે રૃપાંતરણ પામી ૯૭ વર્ષોમાં આ યુનિવર્સિટીએ ઘણા પ્રસિદ્ધ વિદ્યાર્થીઓ આપ્યા. જેમાં સ્વતંત્રતાસેનાની મુહમ્મદઅલી જોહર, અબ્દુર્રબ નસ્તર, મૌલાના શૌકતઅલી, મૌલવી અબ્દુલ હક, (પાકિસ્તાનમાં બાબ-એ-ઉર્દૂ તરીકે જાણીતા છે) પાકિસ્તાનના પ્રથમ બે વડાપ્રધાન લિયાકતઅલીખાન અને ખ્વાજા નાઝિમુદ્દીન,ભારતના રાષ્ટ્રપતિ ડો.ઝાકિરહુસેન, ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અને શકીલ બદાયુનીથી જાવેદ અખ્તર જેવા અસંખ્ય નામોનો સમાવેશ થાય છે.

સર સૈયદ એહમદખાન ભારતના એક શિક્ષણ સુધારક તરીકે વધારે જાણીતા છે. શિક્ષણ ક્ષેત્રે એમણે આપેલું યોગદાન અમૂલ્ય છે. ૧૮પ૯માં મુરાદાબાદમાં ગુલશન સ્કૂલ, ૧૮૬૩માં ગાઝીપુરમાં વિકટોરિયા સ્કૂલની સ્થાપના કરી. ૧૮૬૪માં ભારતમાં મુસ્લિમોની પ્રથમ વિજ્ઞાન સંસ્થા સાયન્ટીફીક સોસાયટી ફોર મુસ્લિમ્સની સ્થાપના કરી. ૧૮૭૮માં મોહમેડન એસોસિએશનની સ્થાપના કરી જેનો મુખ્ય હેતુ મુસ્લિમો વચ્ચે રાજકીય સહકાર સ્થપાય એ હતો. ૧૮૮૩માં મુસ્લિમ યુવાનો ભારતીય પ્રશાસનિક સેવાઓમાં પ્રવેશી શકે એ માટે મોહમેડન સિવિલ સર્વિસ ફંડ એસોસિએશનની સ્થાપના કરી. એમણે ૧૮૮૬માં ઓલ ઇન્ડિયા મોહમેડન એજ્યુકેશનલ કોન્ફરન્સનું આયોજન એ હેતુથી કર્યું હતું કે મુસ્લિમો આધુનિક શિક્ષણ અને રાજકીય એકતાનું મહત્ત્વ સમજે. આ બધા કાર્યોને લીધે તેઓ ૧૯મી સદીના મુસ્લિમોના સૌથી મહત્ત્વના નેતા તરીકે પ્રસ્થાપિત થયા હતા.

૧૮પ૭ના વિપ્લવમાં સર સૈયદે કોઈ ભાગ લીધો ન હતો. એ માટે જમાલુદ્દીન અફઘાની જેવા મુસ્લિમ આગેવાનોએ એમની ટીકા પણ કરી હતી પરંતુ ૧૮પ૯માં એમણે બગાવત-એ-હિંદ નામની પુસ્તિકા લખી વિપ્લવના કારણોની ચર્ચા કરી હતી. એમાં એમણે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની આક્રમક વિસ્તરણની યોજનાને જવાબદાર ઠરાવી હતી. તેઓ કોંગ્રેસના પ્રખર ટીકાકાર હતા. કેટલાક લોકોનંુ માનવું છે કે અંગ્રેજોની વફાદારીને કારણે જ એમને 'ઓર્ડર ઓફ ધી સ્ટાર ઓફ ઇન્ડિયા'નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અર્થાત્ તેઓ રાયબહાદૂર સર સૈયદ એહમદખાન તરીકે ઓળખાયા.

તેઓ શિક્ષણવિદ હોવા ઉપરાંત સારા કવિ અને લેખક પણ હતા. એમણે આસારુસ સનાદીદ, એહકામએ નામ-એ અહેલે કિતાબ, આખિરી મઝામીન, અસબાબે બગાવતે હિંદ, હકીકતુસ્સહર, સીરતે ફરીદીયહ, તબીનુલ કલામ, તેહઝીબુલ અખ્લાક, તઝકીરા અહલે દિલ્હી, ઊદ એ હિંદી અને તફસીરુલ કુઆર્ન લખી. ઉર્દૂ ભાષાથી ખૂબ લગાવ હતો. હિન્દીને પણ માન આપતા હતા પરંતુ ૧૮૬૭માં હિન્દી-ઉર્દૂ ભાષાનો વિવાદ વકર્યો. એમણે ઉર્દૂનો પક્ષ લીધો. ઉર્દૂના પ્રચાર-પ્રસાર માટે માત્ર ઉર્દૂમાં જ લખતા હતા. એમના લીધે જ હૈદરાબાદની રાજભાષા અને ઓસમાનિયા યુનિવર્સિટીની માધ્યમિક ભાષા તરીકે ઉર્દૂને અપનાવવામાં આવી હતી.

એમણે શિક્ષણ અને સમાજોપયોગી કાર્યો કર્યા ત્યાં સુધી લોકોને એમનાથી કોઈ વિરોધ ન હતો પરંતુ તેમણે કુઆર્નની તફસીર (વિવેચન/ભાષ્ય) લખી એમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા તો લોકોએ એમને 'નેચરી'નું બિરુદ આપ્યું અને કેટલાક વિદ્વાનોએ એમની ઉપર કુફ્ર (નાસ્તિકતા)ના ફતવા પણ લગાવ્યા. એમણે બાઇબલનું વિવેચન પણ લખ્યું હતું. જે કોઈપણ મુસ્લિમ દ્વારા પ્રથમ પ્રયત્ન હતો. આ કારણોેને લીધે કેટલાક લોકો એમ માનતા હતા કે તેઓ ખ્રિસ્તી બની ગયા છે. જો કે એ માટેની કોઈ સાબિતી નથી.

શિક્ષણ વિશેના એમના 'વિઝન' અને 'વિચારો' આજે પણ ખૂબ જ પ્રસ્તુત છે.

* મુસ્લિમોની સમસ્યાઓનો ઉકેલ વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન મેળવવામાં છે.

* 'મને ગમે તે નામથી બોલાવો. હું તમારાથી મોક્ષ (નજાત) નથી માગતો, પરંતુ તમારા બાળકો ઉપર કૃપા કરો. એમના માટે કંઈક કરો (એમને શાળાઓમાં મોકલો), નહીં તો તમારે પસ્તાવું પડશે.'

* 'જ્યાં સુધી આપણે વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં પ્રગતિ નહીં કરીએ ત્યાં સુધી પછાત અને ધુત્કારેલા રહીશું.'

* 'અંધશ્રદ્ધાઓ અને કુ-રિવાજોને તિલાંજલિ આપો. આ કુરિવાજો માનવ પ્રગતિમાં બાધારૃપ છે.'

* 'અંધશ્રદ્ધા ઈમાનનો ભાગ ન હોઈ શકે.'

* 'રાષ્ટ્રની પ્રગતિની પ્રથમ શરત સમાજના વિવિધ સમુદાયો વચ્ચે ભાતૃભાવ એકતા હોવી એ છે.'

* હા 'MAO’/ અલીગઢ મુસ્લિમ યુનિ.નો મુખ્ય હેતુ મુસ્લિમોને આધુનિક શિક્ષણ આપવાનો છે કે જેઓ પછાતપણાથી પીડાઈ રહ્યા છે, પરંતુ આ સંસ્થા મુસ્લિમોની સાથે હિંદુઓની પણ છે. બંનેને શિક્ષણની આવશ્યકતા છે.

* 'હિન્દુઓ અને મુસ્લિમો હિન્દુસ્તાન નામની દુલ્હનની બે આંખો સમાન છે. કોઈ એકની નબળાઈ સૌંદર્યને બગાડી શકે છે.'

* 'આપણે (હિંદુઓ અને મુસ્લિમોએ) એક નવી ભાષા ઉર્દૂને જન્મ આપ્યો છે.

* 'આગળ જુઓ, આઘુનિક જ્ઞાન મેળવો અને પુરાણી નિરર્થક વિદ્યાઓમાં સમય ન બગાડો.

* 'બીજાને ઇસ્લામનો ચહેરો ન બતાવો, પરંતુ તમારો ચહેરો બીજાને દખાડો કે જે સાચા ઇસ્લામને માને છે, જેનું ચારિત્ર્ય ઉમદા છે અને જે જ્ઞાન, સહિષ્ણુતા અને સંયમને પ્રદર્શિત કરે છે.'

* યાદ રાખો હિંદુ અને મુસ્લિમ માત્ર ધાર્મિક રીતે અલગતા દર્શાવે છે પરંતુ આ દેશમાં વસતા બધા જ લોકો એક રાષ્ટ્રીયતા ધરાવે છે.

આવા દૂરંદેશી અને સમાજસુધારક સર સૈયદ એહમદખાન ભારતના શૈક્ષણિક અને સામાજિક ઇતિહાસમાં હંમેશા આદરભર્યું સ્થાન ધરાવશે. ભલે તેમણે ર૭ માર્ચ ૧૮૯૮ના દિવસે આ દુનિયાથી વિદાય લીધી પરંતુ ભારતીયોના દિલોદિમાગમાં તેઓ હંમેશાં જીવશે.

***