Pan, kem hu tane prem n karu in Gujarati Magazine by BINAL PATEL books and stories PDF | પણ, કેમ હું તને પ્રેમ ન કરું

Featured Books
Categories
Share

પણ, કેમ હું તને પ્રેમ ન કરું

"પણ, કેમ હું તને પ્રેમ ન કરું???"

"પ્રેમ કરવા માટે શું જોઈએ??? તમે કહેશો "વ્યક્તિ". ખરું ને? અહીંયા પ્રેમની પરિભાષા તો સરખી જ છે. હું અહીંયા જે પ્રેમની વાત કરું છું એ પ્રેમ કાંઈક અલગ જ છે જેની સાથે મને જન્મ-જન્મ સુધી રેહવું છે, બસ એના પ્રેમમાં ગળાડૂબ થઈને મારે બસ એ પ્રેમને જીવવું છે, એ પ્રેમ મને કયારેય દુઃખી નથી કરવાનો, એ પ્રેમમાં સમર્પણ છે, એના પ્રેમમાં તાજગી છે સુગંધ છે, રોજ મારો નવો જન્મ થાય છે એની સથેના પ્રેમમાં, મારા હોઠો પરનું સ્મિત જતું જ નથી, મને એની સાથે વધારે ને વધારે પ્રેમ થયા કરે છે અને એના વગર મારી જિંદગીની કલ્પના પણ નથી કરી શકતી, જે પ્રેમથી મને મારી ઓળખાણ મળે છે, મને મારુ નામ મળે છે, મારુ એક અલગ જ અસ્તિત્વ ખીલી જાય છે જયારે હું એના સાનિધ્યમાં હોઉં છું, મારા શબ્દોના એકએક અક્ષરમાં વાચા ફૂટી નીકળે છે, એની સાથેની હર એક પળમાં મને જિંદગી જીવ્યાનો આનંદ આવે છે અને ફૂલની જેમ મારી અંતરની ખુશીઓ શોળેકળાયે ખીલી જાય છે, આ પ્રેમનો સાથ હું હર એક જન્મમાં ઝંખું છું, જિંદગી વેરણ લાગે છે મને તારા વિના, આ પ્રેમ છે મારી માતૃભાષા "ગુજરાતી"નો.

"ભાષા મારી ગુજરાતી એને કેમ કરી ભૂલું?

શીખ્યું બધું ગુજરાતી માં હવે આવ્યું અંગ્રેજી, કેમ કરી ભૂલું?"

એક ગુજરાતી હોવાનો ગર્વ છે સાથે ગુજરાતની ધરતી માથે રહી એ જ ધરતીને પ્રેમ કરવાનો. ગુજરાતી ભાષાને દિલમાં ઉતારી એને કાગળ-કલમ દ્વારા શબ્દોની હારમાળા બાંધવાની અમૂલ્ય તક મળી છે જે બદલ દિલથી હું આભારી છે આ ગુજરાતની ધરતીની, ગુજરાતી ભાષાની અને સાથે "માતૃભારતી" ની આખી ટીમની.

ખબર નહિ કેમ પરંતુ આ ભાષા પ્રત્યે એક અલગ જ લગાવ છે, લાગણી છે અને પ્રેમ છે એક અલગ જ મીઠાશ છે એના શબ્દોની,કવિતાઓની,વાર્તાઓની અને પૌરાણિક કથાઓની, જે વાંચવાની કે લખવાની મઝા છે, અરે! એ એક મઝા નથી પરંતુ એક લ્હાવો છે જે કદાચ નસીબદાર જ લઇ શકે છે.

દુનિયાની દરેક ભાષાને આપણે આદર સાથે અપનાવી છે. દરેક ભાષાનું એક આગવું ગૌરવ છે એ વાતને નકારી શકાય નહિ પરંતુ એક ગુજરાતી થઈને ગુજરાતી ભાષા પ્રત્યે થોડું વધારે માન-સમ્માન અને આદર હોય એ સ્વાભાવિક છે. દુનિયા આખીમાં અંગ્રેજી ભાષાએ પોતાનો જાદુ ચલાવ્યો છે. દુનિયાના દરેક ખૂણે અંગ્રેજી ભાષા વગર ગાડું હાલે એમ નથી. અંગ્રેજી ભાષાના આપણે કોઈ વિરોધી નથી કે એ ભાષા વિષે નીચું બોલવું નથી પરંતુ આપણે ગુજરાતી ભાષાના ભોગે બીજી બધી જ ભાષાને અપનાવવા ચાલ્યા છીએ જે મારી દ્રષ્ટિએ આપણી માતૃભાષાના માન-સમ્માનને હાનિ પહોંચાડે છે.

આજે આપણી આસપાસ નજર કરો જરાક, સવાર ગુડ મોર્નિંગથી પડે છે અને રાત ગુડ નાઈટથી. "શુભસવાર અને શુભ્રાત્રી" આવા શબ્દો પણ આપણા શબ્દકોશમાં હયાત છે એવું આપણે ભૂલી જ ગયા છીએ. અંગ્રેજી વગર ઉદ્ધાર નથી એ વાત સાચી છે. ભાષાને અપનાવો એમાં કોઈ ખોટું નથી સાહેબ પરંતુ આપણી ગુજરાતી ભાષાના ભોગે નહિ, કયારેય નહિ....

આવું તે કેવું ??

"જન્મ ગુજરાત માં ને ભણે અંગ્રેજી માં,

બોલે ગુજરાતી ને લખે અંગ્રેજી,

આવડે ગુજરાતી તો ના બને લાખેશરી

આવડે અંગ્રેજી તો કહેવાય ભણેશરી,

જમવાનું ગુજરાતી ને "Menu " અંગ્રેજી,

ચૂકવાય "રોકડા" ને કહેવાય એને "Bill ",

કરે પ્રેમ ને બોલે "I LOVE YOU "

કરે પ્રપોઝ ને બોલે "WILL YOU MARRY ME ?"

"બધું બોલે ઈ ઇંગ્લીશમાં ને તોય કહેવાય એ ગુજરાતી."

આપણે આજે આજુબાજુ નજર કરીએ તો જ્યાં જોવો ત્યાં બધી જ બાજુ અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ સ્થાપિત છે. શાળા, ઓફિસ, હોટેલ અને બીજી ઘણી બધી જગ્યાએ અંગ્રીજી ભાષા વગર કામ-કાજ અધૂરું છે. આપણે મૂળે ગુજરાતી, રહેવાનું ગુજરાતમાં પરંતુ જો છોકરાઓના એડમિશનની વાત આવે એટલે બધા જ એક જ વસ્તુ વિચારીયે છીએ કે "અંગ્રેજી માધ્યમમાં જ ભણશે આપણો ગગો." અરે! સાહેબ, આપણા ગગાને અંગ્રેજી માધ્યમની નહિ, અંગ્રેજી ભાષાની જરૂર છે, એને ગુજરાતી માધ્યમમાં મૂકીને પણ આપણે અંગ્રેજી ભાષાનો માસ્ટર બનાવી શકીએ છીએ. આપણે આ વાત જાણતા હોવા છતાં એને સ્વીકારવા તૈયાર નથી.

વાત અહીંયા કોઈ બીજી ભાષાને નીચી બતાવાની નથી પરંતુ આપણે જે ગતિએ જઈ રહ્યા છીએ એ ગતિએ આપણે આપણી ગુજરાતી ભાષાને ધીમે-ધીમે ભૂલી જ જઇશુ સાથે આવનાર પેઢી ગુજરાતી ભાષાની લાગણી, પ્રેમ, તાકાત અને વિશ્વાસ બધાથી વંચિત રહી જશે. ગુજરાતી તો આપણી માતૃભાષા છે સાહેબ, એને કેમ કરી ભુલાય?? માતૃભાષા પ્રત્યેનો પ્રેમ અને એક લાગણી એટલી જ હોય છે જેટલી લાગણી,પ્રેમ, માન-સમ્માન અને આદર આપણને આપણી "માં" પ્રત્યે હોય છે

આવું પણ કાંઈક હોઈ શકે ને!

"ભાષા બધી "સારી" ને લઇ જાય "તારી"

ભાષા મારી "ગુજરાતી" ને પ્રેમ લાવે તાણી

"આવું પણ કંઈક હોય ને?"

"ગુજરાતી બધે આગળ ને લાગે "Line " પાછળ,

કરે કામ ગજબ ને કમાય એ અબજ."

"આવું પણ કંઈક હોય ને?"

"આવો ભાનમાં ને સમજો શાનમાં,

હશે મન કામમાં તો સફળતા તમારા હાથમાં."

"આવું પણ કંઈક હોય ને?"

"HEY -BYE " બોલાય પણ પ્રેમ તો "કેમ છો" માં,

"FEELING " અંગ્રેજી પણ પ્રેમ તો "લાગણીઓ"માં જ.

"આવું પણ કંઈક હોય ને?"

ગુજરાતી ભાષા એક લાગણીનો લહેકો છે જેના શબ્દોમાં ગુલાબની સોડમ ને એની કવિતાઓમાં પક્ષીઓનું મધુર કલરવ છે. પ્રેમનો પ્રસ્તાવ પણ જો ગુજરાતી ભાષામાં મુકાય તો એની મહેકથી આખું જીવન ગુલાબના બગીચાની જેમ મહેકી ઉઠે અને એ પ્રસ્તાવ કબૂલ થયા વગર ન રહે. સાહેબ, એટલી તાકાત, મૃદુતા છે આ ગુજરાતી ભાષામાં કે વાત સીધી દિલમાં ઉતરી જાય.

ઘણા સારા કવિઓ અને લેખકો ઘણી બધી ભાષામાં ઘણું બધું સારું લખી ગયા છે ને હાલ પણ લખી રહ્યા છે પરંતુ એક ગુજરાતી તરીકે ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ, લાગણી, માન-સમ્માન, આદર છે એના કરતા પણ વધી જાય જયારે તમે એ જ ભાષામાં કાંઈક લાખવા માટે કાગળ-કલમ હાથમાં ધરો અને પછી તો પૂછવું જ શું! એ કાગળ પર કલમના એવા સુર રેલાય કે વાંચનારના દિલ સુધી પહોંચી જ જાય... તો પછી કેમ હું તને પ્રેમ ન કરું??

વિચાર સહુના અલગ હોય, જો કહી શકો,

સમય મળ્યો છે સાથનો, જો આપી શકો,

આ સફર છે મારો પણ જો સાથ હોય તમારો."

બોલો શું કહેશો આ લેખ પર?? વાતમાં છે માલ કે નહિ? આપના અભિપ્રાયથી ઘણું નવું શીખવા, જાણવા ઉત્સુખ...

-બિનલ પટેલ

૮૭૫૮૫૩૬૨૪૨