Phir Bhi Dil Hai Hindustani - 5 in Gujarati Comedy stories by Harnish Jani books and stories PDF | ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની - 5

Featured Books
Categories
Share

ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની - 5

સિનીયરોનું લગ્નજીવન

હરનિશ જાની

ઘણાં સિનીયરોને (ડોસાઓને), યાદ જ નથી હોતું કે તેઓ પરણેલા છે. અને આનંદની વાત એ છે કે તેમને તે યાદ કરાવવા તેમની પત્ની ત્યાં હાજર હોય છે. અને સિનીયરોને તેઓ પરણ્યા કેમ ? એમ પૂછો તો તેમણે વિચારવું પડે કે તેઓ કેમ પરણ્યા ? સ્ત્રીઓને પૂછો તો કહેશે કે અમારે જીવનમાં સેટલ થવું હતું.

જ્યારે પરણીને પુરુષ સેટલ નથી થતો. સરન્ડર થાય છે. પુરુષને સેટલ થવા માટે છોકરી નહીં નોકરી જોઈએ. અને પ્રશ્ન તો ઊભો રહે જ છે. કે પરણ્યા કેમ? જુની હિન્દી ફિલ્મોમાં જ્હોની વોકર કહેતો કે "પાગલ કુત્તેને કાટા થા ઈસી લિયે શાદી કી."

મારા બાલુકાકાને એ જ સવાલ પૂછયો તો કહે " કે ભાઈ, મને વરઘોડાનો શોખ હતો. લોકોના જેટલા વરઘોડા જોતો ત્યારે એમ જ થતું કે આપણો વરઘોડો ક્યારે નિકળશે? મેં આ વાત દાદાને કરી .અને તેમણે ધામધુમથી વરઘોડો કાઢીને પરણાવ્યો. પછી બધાં તો છુટી ગયાં. અને મારે તારી કાકી સાથે રહેવાનું થયું. અમે તો લગ્ન પહેલાં કદી માળ્યા નહોતા. મને ખબર નહોતી કે તે શોર્ટ ટેમ્પર છે. એને મારી કોઈ વાત ન ગમે તો ગુસ્સે થઈ,વસ્તુઓને મારા તરફ ફેંકવાનું ગમે છે. અને મને મારો જવાબ મળી ગયો. પુરુષને વરઘોડો–લગ્ન સમારંભ અને લગ્નનો દિવસ ગમે છે. લગ્નમાં મહાલવા માટે એક દિનકા સુલતાન બનવા લગ્ન કરવા ગમે છે. અને લોકોએ પણ એને ચઢાવ્યો અને વરરાજાનું સંબોધન કર્યું. અને વાંદરાને દારૂ પીવડાવ્યો. લગ્નદિન એટલે જાણે લગ્નજીવનના પુસ્તકનું કવર. તેના પરથી પુસ્તક પસંદ કરવા જેવું, અંદર શું છે તે સરપ્રાઈઝ છે. અને મોટે ભાગે એ સરપ્રાઈઝ જ નિકળે છે. વાત એમ કે લગ્ન જુવાનીમાં થાય છે. જુવાનીની કાંઈ ઓર ખુમારી હોય છે. જુવાનીમાં બીજા પરણેલાઓની પરણ્યા પછીની હાલત જોવા જેટલી પણ બુધ્ધિ હોતી નથી. જગતમાં દરેક જુવાન પુરૂષ ને પોતાના જેવું કોઈ હોશિયાર લાગતું નથી.પણ પરણ્યા પછી અક્કલ ઠેકાણે આવે છે. ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. બધા જુવાનો, અર્જુન જેવા હોય છે. તેમને માછલીની આંખ જ દેખાય છે. એ માછલી પાછળની સ્ત્રી નથી દેખાતી. કૌરવો હોશિયાર હતા. તે પણ ધનુર્વિદ્યામાં પ્રવિણ હતા. પણ એમને જેવી ખબર પડી કે જો માછલીની આખ વિંધીશું તો દ્રૌપદીને પરણવું પડશે કે દુર્યોધને બધાંને જણાવી દીધું કે બેસી જ રહેજો. અને સૌએ માછલીની આંખ વિંધવાનું માંડી વાળ્યું. જો પછી શું થયું ? મહાભારત થયું ને ! દુર્યોધન સાચો પડ્યો ને!

આજકાલ સાઠ વરસની ઉંમર સિનીયરમાં નથી ગણાતી.તેમ જ આધેડ વય પણ ન ગણાય. અને હવે દવાઓ એટલી બધી શોધાય છે ને કે પહેલેના જમાનામાં સાઠ વરસે આવતો હ્દય રોગ તો આજે લગભગ કંટ્રોલમાં આવી ગયો છે. એટલે સિત્તેરના સિનીયર તો તમને સામાન્ય રીતે મળી રહે. હું અને મારા પત્ની બન્ને સિત્તેરના થયા.અત્યાર સુધી તે પચાસની હતી. અને એકાએક તેણે નક્કી કર્યું કે હવે ઉંમર ખેંચાય તેમ નથી. તો લોકોને કહે કે હું પંચોતેરની છું તો બીજી સ્ત્રીઓ કહે કે," ના હોય, મને તો તમે સાઠના લાગો છો. તો એ તેને ગમે છે.

પત્નીજીને હિન્દી સિરીયલો ગમે છે. તે પણ સાઉન્ડ ઓફ કરીને જુએ છે. કારણં? હિન્દી સિરીયલોમાં ડાયલોગ જેવું કાંઈ હોતું નથી. ફક્ત સ્ત્રીઓના લેટેસ્ટ ફેશનના ડ્રેસિસ જોવા ગમે છે. બીજું તો કાંઈ નહીં પણ હિન્દી સિરીયલોની, પત્નીજી પર એટલી અસર થઈ છે કે તે હવે બેડરૂમમાં સુવા આવે છે. ત્યારે કોઈના લગ્નમાં તૈયાર થઈને જતી હોય એમ મેક અપ સાથે આવે છે.

મારા પત્નીએ મારા ડ્રાઈવિંગને સ્હેલુ બનાવવા મને પૂછ્યા સિવાય નિયમ બનાવ્યો છે. "તારે ડ્રાઈવ કરવાનું અને હું રોડ પર નજર રાખીશ." જયારે અમે સાથે ટી.વી. જોવા બેઠા હોઈએ છીએ ત્યારે, ખરેખર તો મને એવું લાગે કે અમે બન્ને કારમાં બેઠા છીએ તે ટેવ મુજબ, રીમોટ કંટ્રોલ મારા હાથમાં રાખવા દે છે. પણ શું જોવું તે, તે નક્કી કરે. મિનીટે મિનીટે ચેનલ બદલવાનું એ કહે છે. જો કોઈ દવાની કમર્શિયલ આવે તો તે મારા સામું જોયા કરશે. પછી હું આશ્ચર્યથી એના સામું જોઉં અને પૂછું ‘શું છે મને ટગર ટગર જોયા કેમ કરે છે?‘

‘ના એ તો જોઉં છું કે તને બેઠા બેઠા હાંફ ચઢે છે કે નહીં? આ લોકો જે દવા બતાવે છે. તે લઈએ તો હાંફ બંધ થઈ જાય. દરેક દવા મારે લેવી જોઈએ એ એમ માને છે. એક વખતે સોફામાં બેઠા બેઠા મારા પગ લાંબા ટૂંકા કરાવતી હતી. અને મારી નજર ટીવી પર ગઈ તો અંદર કેલ્શિયમની ગોળીઓની. કમર્શિયલ ચાલતી હતી, પગના મસલ્સ મજબુત કેવી રીતે કરવા તેની. પછી હું સમજી ગયો કે મારા પત્નીને મારી હેલ્થની બહુ ચિંતા રહે છે. એટલી હદે કે રાતે બેડમાં ઊંઘતો હોઉં તો ય ઊઠાડશે. ‘તારા નશ્કોરાં નહોતા બોલતા અટલે ચેક કરતી હતી કે બધું બરાબર છે ને! પેલા ભરતભાઈને ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. અને પછી બિચારા માલતીબેનને લોકો કેવું કેવું સંભળાવતાં હતા? ‘ અને તારી ચિંતામાંને ચિંતામાં મને ઊંઘ નહોતી આવતી. ચાલ હવે નિરાંત થઈ. હવે સુઈ જવાશે.‘

"પણ તેં મને ઊઠાડી દીધો .હવે મને ઊંઘ નહીં આવે."

"ધેટ ઈઝ યોર પ્રોબ્લેમ, કાલે તારા માટે ટીવી પરથી ઊંઘની કોઈ દવા શોધી કાઢીશ.મને સુવા દે."

વસ્તુ એ છે કે સિનીયર અવસ્થામાં સ્ત્રી અને પરુષ બન્નેને સાથે સુવાનું કારણ જ નથી હોતું સિવાય કે એકમેકને ઊંઘ આવે છે કે નહીં તે ચેક કરવાનું. જીવનમાં હવે પ્રેમ દર્શાવવાની રીત બદલવી પડે છે, સાથે સુતા હોય તો અડકવાનું નહીં કારણ કે અડધી રાતે કોઈ અડકે તો ઝબકીને જાગી જવાય છે.આમ નહીં સ્પર્શીને –આઈ લવ યુ દર્શાવવાનું.

પુરુષોને લગ્ન કરવાનો શોખ હોય તો પત્ની તો દેખાવડી શોધે નાક આશા પારેખ જેવું અને આંખો હેમા માલિનીના જેવી .પરંતુ તેમને ખબર નથી હોતી કે આંખ અને નાક કરતાં જીભ અગત્યની છે. મતલબ કે રૂપ રંગ જુવાનીના ચાર દિવસના અને સ્વભાવ સિનીયર થતા સુધી રહેવાનો. એ વાતની કોઈ પણ પુરુષને ખબર હોતી નથી.

હિન્દી ફિલ્મોમાં શમ્મીકપુર અને આશા પારેખ સાથે તેમના મા બાપના રોલમાં ઓમ પ્રકાશ અને તેની ભાગ્યવાન પત્ની લલિતા પવાર પણ હોય છે. તે સિનીયર જોડી કાયમ લડતી ઝગડતી હોય છે. જુવાનોએ નજર આશા પારેખ કરતાં લલિતા પવાર પર રાખવી જોઈએ. તો ખબર પડે કે આજની બધી આશા પારેખો ભવિષ્યની લલિતા પવારો છે. આજની નાજુક અને નમણી પત્ની અને આજનો સેક્ષી વરરાજા પાંચ વરસ પછી પેટ પર ટાયર લટકાવીને ફરતા હશે, અને જો પેટ ન વધે તો તેમના ટાયરમાંથી હવા નિકળી ગઈ હશે. બોલો, કુર્યાત્ સદા મંગલમ્.

***