એક છબીની છબી
(પ્રકરણ – ૧ )
સમીર એક ચિત્રકાર હતો. કાગળ અને કેનવાસ ઉપર દોરાતી દરેક લાઈન ચિત્રનું અંગ બની જતું. એક પછી એક દોરાતી પેન્સિલ કે બ્રશની રેખાઓમાં એક જીવન જન્મ લેતું હોય એવી હથોટીનો એ માલિક હતો. વર્ષોની ચિત્રકળા પ્રત્યેની રુચિ એનો લગાવ અને અમાપ મહેનત કાબીલે તારીફ હતી. કળા પ્રેમીઓમાં એનું નામ સન્માનનીય હતું. દેશ વિદેશમાં એનાં આર્ટના પ્રદર્શનો થતાં. દરેક ચિત્ર આપણી સાથે વાત કરતું હોય એવું લાગે. સમીર પાસે નામ હતું, શોહરત હતી, પૈસો હતો પરંતું નિરાભિમાનીપણું એની મોટી મૂડી હતી. દિવસના ચોવીસ કલાક એને ઓછાં પડતાં. આર્ટ ગેલેરીઓમાં જયારે એનું પ્રદર્શન હોય ત્યારે લોકોની ચાહના એ મોટામાં મોટું સર્ટીફીકેટ છે એમ એ માનતો. ફક્ત ચોક દ્વારા બનાવેલ ચિત્રોએ એને પ્રસિદ્ધિ આપી હતી. રસ્તાઓ ઉપર બનાવેલાં ચોકના ચિત્રો રાહદારીઓને ગમતાં. ધીરે ધીરે એ ચિત્રો છાપાઓમાં પ્રસિદ્ધ થયાં અને ચિત્રકારીએ હવે ચોકને બદલે પેન્સિલ, ક્રેયોન, રંગ, કાગળ અને કેનવાસ સાથે દોસ્તી કરી આજે પ્રસિદ્ધિની મોટી મજલ કાપી હતી એક ઉંચા કળાશિખર ઉપર એ ઉભો હતો.
આર્ટ ગેલેરીના પ્રદર્શનનો આજે છેલ્લો દિવસ હતો. કાર્યક્રમ બાદ અંતમાં તેણીએ પોતાની ડાયરી સમીર સામે ધરી ઓટોગ્રાફ માટે. સમીરની નજર નીચી હતી.
શબ્દો કાને પડ્યાં – “ઓટોગ્રાફ પ્લીઝ !”
ડાયરી ઉપરની એ નાજુક આંગળીઓ એની નજાકત અને અવાજની મધુરતા કંઇક અલગ લાગી સૂરોમાં ડૂબેલી હોય તેમ. ધીરે ધીરે નજર ઉપર કરી સમીર એનાં દેહ સૌષ્ઠવને જોઈ રહ્યો અને નજર એ સુંદર ચહેરાં ઉપર ચોંટી. સ્તબ્ધ બની જોઈ રહ્યો જાણે કોઈ સુંદર મૂર્તિને નિહાળતો હોય તેમ.
ફરી એજ શબ્દોનો રણકાર થયો – “ યોર ઓટોગ્રાફ પ્લીઝ”
ઓહ... જાણે કંઇક સપનાની દુનિયામાંથી બહાર નીકળતો હોય તેમ સમીરથી પુછાઈ ગયું.
ઓહ...આઈ એમ સોરી.. સ્યોર.. શું નામ ... લખું ?
શરીરને એક અજબ મરોડ આપી અદાથી કહ્યું – “ઉર્વશી”
એનાથી સહજ બોલાઈ ગયું .... વાં..વ્.... એપ્રોપ્રીયેટ... સુંદર ... બ્યુટીફુલ.. લાજવાબ અપ્સરા..
સમીરે સ્મિત સાથે ડાયરી ઉપર એનું નામ લખી ઓટોગ્રાફ કર્યા. સમીરના ઓટોગ્રાફનો છેલ્લો અક્ષર ‘ર’ એટલો મરોડદાર રહેતો કે જાણે એક સુંદર અંગનું પ્રતીત કરાવતું હોય !
ઉર્વશીએ ડાયરી ઉપર નજર કરી, ડાયરી બંધ કરી અને પોતાની અદાથી થેન્ક્સ કહ્યું એક અનોખાં સ્મિતમાં શબ્દો ન વાપરતાં નજરના ઉલાળાથી !
બસ.. ઉર્વશીની એ અદાએ સમીરને ઘાયલ કર્યો. એની એ અદા સમીરના સ્મરણપટ ઉપર ફિલ્મની નેગેટીવ ની જેમ કંડારાઈ અને રાત્રે જયારે ઘરે આવ્યો ત્યારે અજાણતા એની પોઝીટીવ પ્રિન્ટ કેનવાસ ઉપર ચિત્રિત થઇ. સવારે ઊઠીને જોયું ત્યારે ખબર પડી કે રાત્રે મદહોશીમાં અજાણતા જ એનું પોટ્રેટ ચિત્રિત કરી દિધું આબેહુબ. એ ઇન્દ્ર લોકની અપ્સરા હોય એટલી સુંદર હતી ! કદાચ એ ઉર્વશી જ હતી પૃથ્વીની !
જે વિચાર આજ સુધી આવ્યો નહોતો તે વિચાર સતાવી રહ્યો હતો. ચિત્રોનો પ્રેમ હવે વાસ્તવિક પ્રેમ શોધી રહ્યો હતો. ઇટ વોઝ એ લવ એટ ફર્સ્ટ સાઈટ – “પ્રથમ નજરનો પ્રેમ” !
સમીર એક હેન્ડસમ વ્યક્તિત્વ ધરાવતો ચિત્રકાર હતો. પેન્સિલ અને બ્રશની જેમ એની વાણી મોહ અને અનોખું બંધન મહેસુસ કરાવે એવી હતી. બોલવાની સ્ટાઈલ લાજવાબ હતી. ગમી જાય તેવી. આફરીન થઇ જાય તેવી. હૃદયમાં ઉતરી જાય તેવી.
સમીરને ઉર્વશીને મળવાની ઈચ્છા થઇ, પણ અફસોસ એનું સરનામું ? ઓહ...હવે એને શોધવી કેવી રીતે ? બસ ...એ વિચારમાં ને લગનમાં એની અદાઓને કંડારી નાંખી ... એક... બે... ત્રણ... આખી રાતમાં લગભગ એણે સાત અદાઓના ચહેરાઓ ચિત્રિત કરી નાખ્યા ...સપ્તરંગી... સાત રંગોમાં.
આખી રાત જાગીને એ એનાં વિચારોમાં ખોવાઈ ચિત્રો બનાવી રહ્યો. વહેલી સવારના ઠંડા પવનની લહેરોએ એની આંખોને ઊંઘ માટે ઘેરી અને આખી રાત્રિ ખુલ્લો રહેલ બંગલાનો દરવાજો બંધ કરવા જતો હતો તે જ ઘડીએ છાપાવાળાએ ઓટલા ઉપર છાપું નાખ્યું. છાપા ઉપર નજર પડી એમાં પહેલાં પાનાં ઉપર ઉર્વશીની તસ્વીર છાપેલ હતી સત્કાર સમારંભના મુખ્ય વ્યકિત તરીકે. ઉર્વશીના વૈજ્ઞાનિક સિધ્ધી અંગે. કોઈક કોસ્મેટિકને લગતી દવાની શોધ કરી હતી. ઝડપથી એણે બધાં છાપાં ઉપાડ્યાં અને જોયું તો આજના દરેક ગુજરાતી અને ઈંગ્લીશ છાપાઓમાં એનાં ફોટાઓ અને આજ સુધીનાં ઉપલબ્ધિના વખાણ હતાં. બધું વાંચતા વાંચતા સમીરને ક્યારે ઊંઘ આવી, ખબર ના પડી.
ઊંઘમાં પણ હાલત કંઇક એવી હતી –
“બસ તારી એક ઝલક શું કામ કરી ગયી, વિચાર, મન, ઝંખના ગુલામ થઇ ગયી
જોયા જો વાદળાં તો તુ છબી થઇ ગયી, વરસી જા, ચાહત મારી બેફામ થઇ ગયી”.
ઉર્વશીને મળવાની તાલાવેલી બહુ તરસાવતી હતી આખરે એક સમારંભમાં સમીર એને મળવામાં સફળ થયો.
પોતાની એક નાની ડાયરીમાં ઉર્વશીનું એક ચિત્ર દોર્યુ હતું અને ઉર્વશી સામે એ ધરતાં એને કહ્યું - “ઓટોગ્રાફ પ્લીસ.”
ડાયરીનું ચિત્ર જોતા જ એની નજર નજાકતથી ધીરે ધીરે ઉપર સરકતી હતી અને શબ્દો સરતા હતાં -
“એક એક રેખાના મરોડમાં અક્ષરો ઉપસ્યા છે, તસ્વીરને ધારીને તો જુઓ એ અમારાં ઓટોગ્રાફ જેવાં જ છે,
શરમાવો નહિ અમને ઉભાં રહી, મળવા આતુર છીએ એટલે મોબાઇલ નંબર લખ્યો છે.”
એક ચાહતનું સ્મિત આપી સમીર ત્યાંથી ખસી ગયો. કલ્પનાનું ચિત્ર તાદૃશ્ય થયું. મન પોતાને ભૂલી ગયું, છબી આંખમાં કેદ કરી એ આકાશમાં ઉડી રહ્યો પ્રેમ પાંખથી. રેશમી વાળની લટોમાં લપેટાઈ ગયો, ગાલનાં ડિમ્પલના ભંવરમાં ગરકાવ !
ચાહતનાં ફૂલ બંને તરફ ખીલ્યાં હતાં. બીજી તરફ પણ અસર કંઇક એવી હતી. હોઠની બે કળીઓમાં હાસ્ય હતું, ગાલ ઉપરના ડિમ્પલ સાથીદાર હતાં, આંખની પાંપણોમાં, નજરના મોતીઓ ચમકીને ઈશારો કરી ગયાં, લુટી લીધાં તમે અમને નજાકતથી કહી ગયાં.
હવે તેઓ જયારે પણ સમય મળે ત્યારે મળતાં. એક બીજા સાથે વાતો કરતાં. મનોમન સંવેદનાઓની આપલે થતી કલાકો સુધી એક બીજાને જોઈને તૃપ્ત થતાં. આંખોથી જે કહેવાતું નથી તે સ્પર્શથી કહેવાની ઈચ્છા છે, જે તુ કહી નથી શકતી તે હું સમજું છું, કદાચ એ ખરું છે ! બહુ થયું હવે ચંદ્ર અને તારાઓમાં ખોવાઇ જઈએ, છીએ બંને અલગ અલગ, ચાલ એક દેહમાં ખોવાઈ જઈએ, દુનિયા આપણી વસાવી લઈએ.
થોડાક મહિનાઓમાં ઉર્વશી અને સમીર લગ્નના બંધનમાં બંધાયા. બંનેની જોડી વિશેષ હતી. વિચારો મળતાં હતાં. એક તરફ સુન્દરતા તો બીજી તરફ સુંદરતાને આબેહુબ કંડારનાર મહાન ચિત્રકાર, અદભુત કલાકાર હતો. પહેલાં દિવસથી એનાં માનસપટ ઉપર ઉર્વશીની સુન્દરતા હતી. કદાચ એક કલ્પનાનો સાક્ષાત્કાર. કદાચ ઇન્દ્રની એ પરી. ઉર્વશીને હંમેશ એ એક ચોક્કસ લાવણ્યમાં જોવા માટે આતુર રહેતો. તે હંમેશ ઉર્વશીને કહેતો કે પહેલાં દિવસે જયારે મેં તને નિહાળી અને તને મારાં આ કેનવાસ ઉપર કંડારી એ જ રૂપમાં તુ મને ગમે છે. હું તને બીજા કોઈ લિબાસમાં કે મેકઅપ માં જોઈ શકું એમ નથી. મારી સામે તુ આવે ત્યારે એ રૂપ જ મને ગમશે. હું તારા ખુબસુરત ચહેરામાં થયેલ કોઈપણ ફેરફાર પચાવી શકું તેમ નથી. તારી એક જ છબી મેં મારાં દિલમાં કંડારી છે. હું ચાહું તો પણ એનાથી સુંદર છબી તારી બનાવી શકું એમ નથી.
ઉર્વશીને પણ એની વાત કબુલ હતી. એ સમજતી હતી સમીર એને ખૂબ જ પ્રેમ કરે છે. બંનેના વ્યવસાય જુદા હતાં છતાં શક્ય હોય તો બંને સાથે જ રહેતાં અને એક બીજાને સમય પણ આપતાં. જીન્દગી પર કોઈને ઈર્ષા થાય એવી જોડી હતી એક છબીની અને છાબીકારની.
આજે સંશોધક વિજ્ઞાની ઉર્વશીના પ્રોજેકટનાં સફળતાની વધુ એક ઘડી હતી. લેબોરેટરીમાં કોસ્મેટિક દવાના ફોર્મુલાની એસેમ્બલી ગોઠવાઈ હતી. સમય અનુસાર એનું પ્રોસેસ અને પરીક્ષણ ચાલું હતું. ઉર્વશીની પોતાની શોધ હતી એટલે તે ખડેપગે ઉભી રહી દેખરેખ કરી રહી હતી. સમયાનુસાર કેમિકલો ફનેલ દ્વારા એસેમ્બલીમાં ઉમેરાતાં હતાં અને જરૂરી ગેસ પાસ કરી પ્રક્રિયાનાં દરેક એનાલીસીસની નોંધ થઇ રહી હતી. ઉર્વશી કંઇક નિરીક્ષણ કરી રહી હતી, પ્રોસેસ એનાં અંતિમ તબક્કામાં હતી અને અત્યાર સુધીના બધાં રીઝલ્ટ પોસીટીવ અને સફળ હતાં. પ્રયોગની સફળતાં દવાઓની શોધના કાર્યક્ષેત્રમાં એક મોરપિચ્છ ઉમેરશે એ ચોક્કસ હતું. આંતરરાષ્ટ્રીય સ્થર ઉપર ગણનાપાત્ર શોધ હતી. અચાનક એસેમ્બલીના એક ફ્લાસ્કમાં મોટો ધડાકો થયો. સમ્પૂર્ણ લેબમાં ગેસથી ધુમાડો ઉત્પન્ન થયો જાણે ગાઢ ધુમ્મસ હોય. નજીકનું જોવું જાણવું મૂશ્કેલ હતું. લેબમાં દોડધામ મચી ગયી. શ્વાસ લેવામાં મુશ્કેલી લાગવાથી આખી ટીમ અસમંજસમાં હતી. શું કરવું તે કોઈને ખબર પડતી નહોતી. નજીકથી નિરીક્ષણ કરી રહેલ ઉર્વશીના સુંદર ચહેરાં ઉપર બધું કેમિકલ ઉડ્યું. કાચના ચંબુનાં ઝીણા ઝીણા ટુકડાઓ ચહેરાની નાજુક ચામડીમાં ખુંચી ગયાં. કેમીકલથી તે સખત દાઝી હતી. કોઈએ ઉર્વશીને પોતાની ખાંધ ઉપર ઉપાડી તાત્કાલિક શહેરની એક નામાંકિત હોસ્પિટલમાં દાખલ કરી હતી. આ કામ કોણે કર્યું તે કોઈને ખબર ના પડી. લેબના દરેક માટે એ રહસ્ય હતું. જયારે હોસ્પીટલમાંથી ફોન આવ્યો ત્યારે બધાંને ખબર પડી અને લેબનો સ્ટાફ તથા અધિકારીઓ ત્યાં દોડ્યાં હતાં. આ એક ષડયંત્ર હતું.
(ક્રમશઃ)