Premagni - 18 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમાગ્નિ - 18

Featured Books
Categories
Share

પ્રેમાગ્નિ - 18

વિનોદાબાએ તક ઝડપી લેતા કહ્યું, “મારી મનસા માટે પણ સારા ઘરનું માંગુ આવ્યું છે. એની પરીક્ષાઓને કારણે અટકાવ્યું હતું, હવે મળવાનું રાખવાનું છે. મનસાના બાપુના ગયા પછી મારી જવાબદારી ઘણી વધી ગઈ છે. મારી દીકરીને લાડકોડથી ઉછેરી છે. એને જીવનમાં સુખ મળે, સારું ઘર કુટુંબ મળે તે જોવાની ફરજ છે. મનસાના બાપુ હયાત હોત તો મારે કોઈ ચિંતા ન હોત. એ મને કોઈ ચિંતા કરવા જ ના દેત. પરંતુ હું ચાહું છું કે મનસા હોંશે હોંશે મને સાથ આપે. હું મનસાને મારા કોઈ જ નિર્ણય માટે મજબૂર નહીં કરું પરંતુ એ મારી લાગણી સમજે એવું જ ઇચ્છું છું. આજનો જમાનો જુદો છે. પહેલાં તો માબાપને જે ઘર કુટુંબ સારું સંસ્કારી લાગે, પોતાનું સંતાન સુખી થાય એવું લાગે તો સંબંધ નક્કી કરતા. અત્યારે એ જમાનો જ ક્યાં છે ? પહેલાંનો સમય અત્યારથી અલગ જ હતો છતાં બધા સુખી હતા. મારું મન કાયમ બોલી ઊઠે છે. અત્યારે મનસાનાં લગ્ન માટેનું કામ છે ત્યારે એના બાપુ ખૂબ યાદ આવે છે. આ સમયે મને એવું લાગે છે કે હું એકલી પડી ગઈ છું.” એમની આંખમાં આંસુ ઉભરાઈ ગયા. મનસાનું હદય દ્રવી ગયું. એને થયું, હું માને દુઃખ આપું છું, હું ઘરના બધાને દુઃખી કરું છું. વિનોદાબા કહે મને તારા બાપુના શબ્દો યાદ આવી ગયા. એ કહેતા...

“ક્યાં ગયો એ સમય, ક્યાં ગયા એ લોકો,

ક્યાં ગયો એ એહસાસ કે પારકા પોતાના લાગતા.

ક્યાં ગયા એ લોકો, આંખોથી પ્રેમની અમી સિંચતા,

ક્યાં ગયા એ લોકો જે બીજાના દિલની વાત સમજતાં.

અરે, હાથની લકીર મળે ના મળે પણ વિચારો મળતાં,

આજે આંખો એમને શોધતી ફરે ક્યાં જઈને શોધું ?

ઠગારી નીવડી બધી આશા ક્યાં જઈને શોધું ?

ક્યાં ખોવાયા તમે મારી મનસાના બાપુ ક્યાં ખોવાયા ?”

બોલતા બોલતા વિનોદાબા છૂટા મોંએ રડી પડ્યા. મનસા ઊભી થઈને વિનોદાબાને વળગી પડી. એ ખૂબ રડી. બન્ને મા-દીકરી એકબીજાના આંસુ લૂછતા રહ્યા, આશ્વાસન આપતા રહ્યા. મનસાએ વિનોદાબાની આંખમાં આંખ પરોવી શાંત રહેવા સમજાવ્યા. ક્યાંય સુધી મા-દીકરી એકબીજાને પ્રેમથી હાથ ફેરવતા રહ્યા અને રડતા રડતા આશ્વાસન આપતા રહ્યાં. મનસાએ કહ્યું, “મા, તમે નાહક ચિંતા ન કરો. તમે કહેશો એમ જ હું કરીશ. તમને દુઃખી નહીં કરું, તમારા દુઃખનું હું કારણ નહીં બનું. હસુમામાને કહી દો મિટિંગ માટે ફોન કરી દે.” હેતલ પણ આનંદ પામી. ચાલો, એક કોયડો ઉકેલાઈ ગયો.

વિનોદાબાએ મનસાના માથે હાથ ફેરવતા કહ્યું, “તારા સુખ માટે હું કંઈ પણ કરીશ. દીકરા મારે તને સુખી જોવી છે. તું અમને સમજી શકી એ મારા નસીબ. તારા બાપુના આશીર્વાદ છે. શું તું સાચે જ સંમત છે ?” મનસા કહે, હા મા, તમે નિશ્ચિંત થઈને હા પાડી દો. હસુમામાને પણ રાહત થશે.

વિનોદાબાએ હસુભાઈને ફોન કર્યો. હસુભાઈએ ફોન ઉપાડ્યો. વિનોદાબાએ કહ્યું, “હસુ ! ખૂબ આનંદના સમાચાર છે. મનસાએ વ્યોમને મળવાની સંમતિ આપી છે. તું હવે એમને સમાચાર આપી દે અને મળવાની તારીખ નક્કી કર.” હસુભાઈકહે, “બહેન તમે સરસ સમાચાર આપ્યા. હું હમણાં જ મનસુખભાઈને ફોન કરું છું. શું નક્કી થાય છે એ વિશે વળતો ફોન કરું છું.”

લગભગ કલાક પછી હસુભાઈનો ફોન આવ્યો. વિનોદાબાએ ઉપાડ્યો. હસુભાઈ કહે, “મનસુખભાઈની સાથે વાત થઈ ગઈ છે. વ્યોમ તો ત્રણ દિવસ ઉપર જ મુંબઈ આવી ગયો છે, એને બીજું પણ કામ હતું. મનસુખભાઈ કહે આ તો સોનામાં સુગંધ ભળી. આગલા શનિવારે એમણે આપણને મુંબઈ બોલાવ્યા છે. મેં નક્કી કરી નાખ્યું છે જવા માટે. હું ત્યાં બાલવ આવી જઈશ બધા સાથે નીકળી જઈશું.” વિનોદાબા કહે, “સરસ. ચાલો હવે મનસા માની ગઈ છે તો સમય બગાડવો નથી. તમે આગલા દિવસે આવી જજો જેથી તૈયારી થાય અને શું અને કેવી રીતે વાત કરવી એ બધી ચર્ચા થાય.”“ભલે હું આવી જઈશ.” કહીને હસુભાઈએ ફોન મૂક્યો.

શુક્રવારે સવારે જ હસુમામા અને હિનામામી બાલવ આવી ગયા. બધા ખૂબ જ આનંદમાં હતા. થોડા દિવસ પહેલાંની ગમગીની ગાયબ હતી. બધા આનંદમાં હતા. મામામામી આવીને મનસાને ગળે વળગાડી કહ્યું, “મારી દીકરી ખૂબ જ સમજુ ને કહ્યાગરી છે. દીકરા તું ખૂબ સુખી થઈ જઈશ. જો છોકરો તને ગમે તો આપણે ગોળધાણા ખાઈ લઈશું.” મનસાએ કહ્યું, “શું તમે દીકરીને મોઢે આવું બધું કહો છો ? શરમ ના આવે ?” મનસા મનમાં કંઈક વિચારી રહી.

મનસાએ વિનોદાબાને કહ્યું, “બા, તમને વાંધો ના હોય તો આપણી સાથે હેતલને લઈ લઉં. મારે કંપની રહેશે.” વિનોદાબા કહે, “ભલેને આપણે ક્યાં રાત રોકાવું છે. ભલે આવતી એનાં ઘરેથી પરવાનગી લઈને આવે.” મનસાએ તરત હેતલને ફોન કર્યો અને મમ્મી-પપ્પાની પરમિશન લઈને મુંબઈ વ્યોમને મળવા સાથે આવવા આગ્રહ કર્યો. હેતલે કહ્યું, “ફોન ચાલુ રાખ હું હમણાં જ પૂછી લઉં છું.” હેતલે ઘરમાં પૂછી લીધું. મમ્મી-પપ્પાએ સંમતિ આપતાં જ ખુશ થઈને હેતલે કહ્યું, “હું ચોક્કસ આવીશ. ક્યારે જવાનું છે ?” મનસા કહે, “શનિવારે સવારે વહેલા જવાનું છે. તું શુક્રવારથી મારા ઘરે આવી જજે જેથી ચિંતા જ નહીં અને શનિવારે સાંજે તો મોડું થશે તોય પાછા આવી જઈશું. રવિવારે સાથે રહીને તું તારા ઘરે જજે.” આમ બધું નક્કી થઈ ગયું.

શુક્રવારે સવારે મનસાએ વિનોદાબાને કહ્યું, “મા, હું મંદિરે દર્શન કરીને આવું છું.” વિનોદાબા કહે, “ભલે દીકરા, ઈશ્વરનાં આશીર્વાદ લઈ આવ. કાલે આપણે જવાનું છે. ઈશ્વર સહુ સારાવાના કરશે.”

મનસા પોતાનું એક્ટિવા લઈને મંદિર જવા નીકળી ગઈ. મંદિરમાં પહોંચી અંદર ગર્ભગૃહમાં ચાલી ગઈ. અહીં એ મોક્ષ સાથે અવારનવાર આવેલી. મા બાબા સામે મોક્ષ સાથે પ્રેમનાં બંધનમાં બંધાઈ હતી. કાયમ સાથે રહેવાનાં – સાથ નિભાવવાનાં કોલ આપેલા એને બધું જ યાદ આવી ગયું. અહીં મનસાનો ડાબો-મોક્ષનો જમણો હાથ એમ અર્ધનારીશ્વરને નમસ્કાર કરતા. મનસાએ મંદિરમાં દીવા-ધૂપ કર્યા પ્રાર્થના કરી, “મા બાબા તમારા શરણે આવી છું. મોક્ષ મને સમજાવતા એમ સમજી રહી છું. જે કંઈ થઈ રહ્યું છે એમાં તારી ઇચ્છા સમજી રહી છું. કારણ પણ તું જ છે અને પરિણામ પણ તું જ છે. કોઈને દુઃખ ન પહોંચે એટલે હસતી રહું છું, મેં વ્યોમને મળવાની હા પાડી છે પરંતુ તું જાણે જ છે તે છલાવો છે છેતરપિંડી છે પણ શું કરું મા, હું મોક્ષને જ સમર્પિત છું. ઘરમાં બધાને દુઃખી નથી જોવા એટલે જઈ રહી છું, નાટક જ કરી રહી છું, તારાથી શું છૂપું છે ?” તારા શરણમાં આવી છું. મા-બાબા, તમે મારો નિશ્ચય પણ જાણી જ લો. હું મારો ભવ-અમારો ઓરા અભડાવીશ જ નહીં. મોક્ષની છું મોક્ષની જ રહીશ. મારું મન શરીર બધું જ પવિત્ર છે, પવિત્ર જ રહેશે. એ મોક્ષને જ સમર્પિત છે. તારી ઇચ્છા અનુસાર આગ સાથે ખેલી રહી છું. બધાનો સામનો કરીશ પણ રહીશ તો મોક્ષની જ. મારી રક્ષા કરજે. મને ખબર છે, તમે અમને તપાવો છો. પરીક્ષા કરો છો. અમે પ્રેમની દુહાઈ દઈએ છીએ એટલે અગ્નિપરીક્ષા લઈ રહ્યા છો. તમારો દરેક નિર્ણય સર આંખો પર છે. મા, તું ખૂબ દયાળુ છે અમારા પર કૃપા કરજે, પરીક્ષામાંથી સાંગોપાંગ બહાર કાઢજે, તારા ચરણમાં જ રાખજે.” કહેતા કહેતા ધ્રુસકે ધ્રુસકે રડી રહી. સ્વસ્થ થતાં તે મા-બાબાના દર્શન કરી વાડીએ પાછી આવી.

હસુમામા-હિનામામી-હેતલ બધા આજથી જ આવી ગયા હતા. ઘરમાં મંગળ અવસર હોય એમ અલગ જ વાતાવરણ હતું. બધાં ખુશ હતા. વિનોદાબાએ હસુમામા પાસે મનસુખભાઈનાં ઘરે વ્યોમને આપવા બધું મંગાવેલું મીઠાઈ-શ્રીફળ-શુંકનનું પડીકું-વીંટી બધું જ તૈયાર થઈ ગયું હતું. જો નક્કી થઈ જાય અને ગોળધાણા ખાવાના થાય તો વાંધો જ ના આવે. મનસાને કાલે પહેરવાની સાડી-ઘરેણાં આજથી બધું તૈયાર હતું. વિનોદાબા કહે, “તને ગમતી સાડી કાઢી લે અને એ પ્રમાણેનાં ઘરેણાં વગેરે પસંદ કરી લે.” મનસા કહે, “મા તમારી પસંદગી પ્રમાણે જ મારે પહેરવા છે, તમે કહેશો એમ હું તૈયાર થઈશ. આ લહાવો તમને મળવો જ જોઈએ.”

મનસા દિલની વાત મોં પર બિલકુલ નહોતી આવવા દેતી, એની ખાસ સખી હેતલને પણ ગંધ નહોતી આવી. હેતલને એમ હતું કે મેં અને વિનોદાકાકીએ મનસાને સમજાવ્યા પછી મનસા માની ગઈ છે. સ્વીકારી લીધું છે. આમ, ઘરમાં આવતા દિવસોનાં એંધાણ નહોતા.

હસુમામાની ઇનોવા ગાડી અંધેરીની એક મોટી સોસાયટીમાં પ્રવેશી, જ્યાં બંગલા જેવા વિશાળ મોટા મોટા ફ્લેટ હતા. હસુમામાએ કરેલી આગોતરી જાણ પ્રમાણે મનસુખભાઈ-માલતીબેન પાર્કિંગમાં અમારી રાહ જોતા હતા. હસુમામાએ ગાડી પાર્ક કરી. અમે બધા ઉતર્યા. માલતીબેન અને મનસુખભાઈ ઉમળકાભેર સ્વાગત કર્યું અને અમે બધા લિફ્ટ દ્વારા પાંચમા માળે આવેલ વિશાળ ફ્લેટમાં પહોંચ્યા. અહીં દરેક માળ પર એક જ ફ્લેટ હતો. એટલે આગવું જ હોય એવું લાગ્યું. ખૂબ પ્રતિભાશાળી અને પોશ એરિયા હતો. ઘરમાં પ્રવેશતાં જ ખબર પડી ગઈ કે ગર્ભશ્રીમંત છે. ખૂબ સરસ રીતે ફર્નિચર અને વિલાયતી વસ્તુઓ શોભાયમાન હતી. ઘરની ચીજવસ્તુઓમાં પણ શ્રીમંતાઈ ઝળકતી હતી. વિશાળ બેઠકરૂમમાં બધા બેઠા. માલતીબેને કહ્યું, “આવવામાં કે ઘર શોધવામાં અડચણ નથી પડી ને ?” હસુભાઈ કહે, “ભાભી, અડચણ શેની ? હું તો ઘણીવાર આવી ગયો છું” માલતીબેન કહે, “હા હા હું તો ભૂલી જ ગઈ.” માલતીબેનની નજર વારેવારે મનસા તરફ જ જતી હતી. મનસા આજે સાડીમાં નિખરી ઊઠી હતી. માલતીબેન કહે, “આજે તમારી દીકરી સાક્ષાત લક્ષ્મી લાગે છે.” વિનોદાબા કહે, “તમારા આશીર્વાદ છે.” પછી હેતલની ઓળખાણ આપતા કહ્યું, “એની ખાસ સહેલી હેતલ છે. એનાં પણ વિવાહ થઈ ગયા છે. અમદાવાદ પરંતુ એના ફીઆન્સ અત્યારે મેલબોર્ન ઓસ્ટ્રેલિયા ટ્રેનિંગમાં ગયેલો છે.”નાનપણથી બન્ને બહેનપણીઓ સાથે હરેફરે છે.” માલતીબહેન કહે, “વ્યોમ પણ ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન જ છે.”

હસુભાઈએ મનસુખભાઈને પૂછ્યું, “વ્યોમ ક્યાં છે ?” મનસુખભાઈ કહે, “આવતો જ હશે. મેં એને ફોન કરી દીધો છે, રસ્તામાં જ છે. સવારતી ક્લબ ગયેલો છે.”માલતીબેન કહે, “ત્યાં સુધી તમારે ફ્રેશ થવું હોય તો થઈ જાવ. આવો.”એમ કહીને વિનોદાબા-શાંતાકાકી, હેતલ અને મનસાને અંદર લઈ ગયા અને ઘર બતાવ્યું. હેતલ ખુશ થઈ ગઈ. એણે મનસાને કહ્યું, “નસીબદાર છે મનુ માણસો અને ઘર સારા જ છે. હવે મુરતિયો જોઈએ એટલે ખબર પડે.” મનસાએ શાંત રહેવા કહ્યું.

એટલામાં વ્યોમ આવ્યો. વ્યોમ એક આકર્ષક યુવાન-શ્રીંમંતાઈ અને સફળતા મોં પર જણાતી હતી છતાં વિનમ્ર હતો. આવીને હસુમામા-હિનામામી-વિનોદાબા અને શાંતાકાકીને પગે લાગ્યો. હસુમામાને મનસા સાથે વ્યોમની ઓળખાણ કરાવી. મનસાએ ઘરમાંતી આવ્યા બાદ મનસુખભાઈ અને માલતીબેનનાં આશીર્વાદ લીધા. હસુભાઈએ વાતનો દોર હાથમાં લેતા વ્યોમ સાથે વાતચીત ચાલુ કરી. “વ્યોમ, કેમ છે ? ઓસ્ટ્રેલિયામાં કામ કેવું ચાલે છે ? હમણાં હવામાન કેવું છે ? પોલિટિકલ શું છે ? તમારું કામ કે જોબ કેવું ચાલે છે ?” વ્યોમે બધા પ્રશ્નોનાં જવાબ આપ્યા કે અત્યારે મવાળ પાર્ટી રેલિંગમાં છે. હવામાન કાયમ મિશ્ર રહે છે. હું પહેલાં જ્યાં જોબ કરતો હતો તે ઇન્ડિયન હતા હવે એમની સાથે જ ધંધામાં જોડાયો છું. સારું ચાલે છે. કામ ઘણું રહે છે, જવાબદારીઓ પણ ઘણી છે. કામ માટે શિડ્યુલ બિઝી જ રહે છે. અહીં મમ્મી-પપ્પા સાથે વધુ રહેવું હતું પરંતુ મારે બે દિવસમાં જ પાછું જવું પડ઼ે એમ છે. ખાસ તમારા લોકો માટે જ રોકાયો છું.” એમ કહી મનસા સામે જોયું.

બધાની નજર વ્યોમ સામે જ હતી. વ્યોમને સાંભળી રહ્યા હતા. વિનોદાબાને સંતોષ થયો હતો. સુખી ખાનદાન તેમજ સંસ્કારી કુટુંબ અને છોકરો પણ વિનમ્ર હતો. સહેજ પણ ઉછાંછળું વર્તન નહોતું, ક્યાંય અભિમાન કે ખોટો રૂઆબ નહોતો. વ્યોમ એમને પસંદ આવી ગયો હતો. એકનો એક દીકરો હતો એટલે ચિંતા જ નહોતી. ઘણી ઔપચારિક વાતો થયા પછી વ્યોમે મનસાને એના એજ્યુકેશન અને હોબી અંગે પ્રશ્નો કર્યા. મનસાએ ટૂંકમાં જવાબ આપ્યા. મનસાએ વનસ્પતિશાસ્ત્ર અને જિનેટિક્સ અંગે ગ્રેજ્યુએશન કર્યું છે. પ્રકૃતિ અને ઇકોલોજીમાં તથા ફિલોસોફીમાં ખૂબ જ રસ છે એમ જણાવ્યું.

એટલામાં માલતીબેને કહ્યું, “ચાલો, વાતો તો ચાલતી જ રહેશે. મહારાજે ટેબલ પર બધાની થાળીઓ તૈયાર કરી દીધી છે. ચાલો જમવા.” મનસુખભાઈ બધાને ડાઈનિંગરૂમમાં લઈ ગયા. વ્યોમની નજર મનસા પરથી હટતી જ નહોતી. હેતલ પણ માર્ક કરી રહી હતી. મનસા સંકોચ પામતી હતી અને મનોમન માને પ્રાર્થના કરતી હતી કે વ્યોમ જ મને રિજેક્ટ કરે.

જમવાનું પૂરું થયા બાદ બધા જ બેઠકરૂમમાં આવ્યા. વિનોદાબા કહે, રસોઈ ખૂબ જ સરસ હતી. માલતીબેન કહે, “અમારા મહારાજ વરસોથી સરસ રસોઈ બનાવે છે. પરંતુ અમે તમારી વાડીએ જે રસોઈ જમ્યા છીએ એવી તો ક્યાંય નથી જમ્યા !”આમ, એકબીજાને સારી લગાતી વાતો થતી રહી. વ્યોમે બધાની સામે જ મનસાને ઉદ્દેશીને કહ્યુ, “ચાલો આપણે જૂહૂ બીચ આંટો મારીને આવીએ ?” વિનોદાબાએ મનસાને જવાનો સંકેત કર્યો. મનસાએ હેતલને પણ સાથે આવવા જણાવ્યું એટલે વ્યોમે કહ્યું, “હા હા ચાલોને તમે પણ, અહીં વડીલો વચ્ચે તમે શું કરશો ?” એમ કહી મનસા-હેતલ અને વ્યોમ સુંદર હોન્ડાકારમાં જૂહૂ બીચ જવા નીકળ્યા.

જૂહૂ બીચ પહોંચી વ્યોમે કાર પાર્ક કરી. ત્રણે દરિયાની ચોપાટી તરફ ગયા. ત્યાંથી ચાલતા અંદર રેતીમાં ગયા. મનસાને રેતીમાં ચંપલ સાથે ચાલતા અગવડ પડતી હતી. વ્યોમે વાત શરૂ કરતાં કહ્યું, “તમારો વિષય ખૂબ જ ઇંટ્રેસ્ટિંગ છે. કુદરત અને વનસ્પતિ બન્ને એકબીજાનાં પર્યાય છે. અમારે ત્યાં ઓસ્ટ્રેલિયામાં પણ આગળ ભણવાનાં અને કામ કરવાનાં ઘણાં સ્કોપ છે.” મનસાએ કહ્યું, “ઓહ ઓકે.” એ ટૂંકમાં જવાબ આપતી હતી, એટલામાં મનસાનો પગ ચંપલમાંથી નીકળી રેતીમાં ખૂંપ્યો અને એણે સંતોલન ગુમાવ્યું. એ નીચે પડવા ગઈ પરંતુ વ્યોમે ઝીલી લીધી. વ્યોમ પ્રથમવાર જ આટલો નિકટ આવ્યો. મનસાને નિકટતાથી જોઈ. મનસાએ પોતાની સાડી સરખી કરી અને સંકોચ સાથે હાથ છોડાવીને થેંક્સ કહ્યું, હેતલને હસવું આવી રહ્યું હતું. મનસા કહે, “શું હસે છે ? મને પગમાં વાગ્યું હોત તો ?” હેતલ કહે, “મેડમ તમે કેટલાય સમયે સાડી પહેરી છે ઉપરથી એડીવાળી ચંપલ રેતીમાં કેમનું ચલાય ? ચંપલ કાઢીને ચાલ તો જ ફાવશે.” વ્યોમ કહે, “હા, એ વાત સાચી છે. ચંપલ કાઢી નાખો તો જ ફાવશે.” મનસાએ ચંપલ કાઢીને ચાલવા માંડ્યું – ફરીથી પગ લપસે તો વ્યોમનો સહારો ના લેવો પડે.

વ્યોમ કહે, “તમે સાડી ખૂબ સરસ પસંદ કરી છે, તમે ખૂબ સુંદર દેખાવ છો. ક્યાંક નજર ના લાગે.” એમ કહી ફલર્ટ કરવાનો પ્રયત્ન કર્યો. મનસા કહે, માની પસંદગી છે. મનસાએ વ્યોમને કહ્યું, “આ મારી સહેલી હેતલનાં ફીઆન્સ વિકાસભાઈ પણ મેલબોર્ન જ છે.” એટલે વ્યોમે હેતલને જ બધી માહિતી પૂછી.

હેતલ કહે, “એ મોટી MNC કંપનીમાં છે અને અત્યારે છ મહિનાની ટ્રેનિંગ માટે કંપની તરફથી જ મેલબોર્ન છે અને મેલબોર્નમાં મુરામ્બીના રહે છે.” વ્યોમ કહે, “અરે ! મુરામ્બીના તો હું એની નજીક જ રહું છું. હું કાર્નેગી છું ચાલો નવી મિત્રતા થશે. મને વિકાસનો નંબર આપજો અને તમે વાત કરો તો મારી ઓળખાણ આપજો જેથી અમારે ઓળખાણ કરવામાં અગવડ ન રહે.” એમ કહી વ્યોમે હેતલને અને મનસાને પોતાનું કાર્ડ આપ્યું, એમાં મેલબોર્નના અને ઇન્ડિયાના કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ હતા. વ્યોમે પછી બન્નેને પૂછ્યું, શું લેશો ? મનસા કહે, હમણાં તો જમીને આવ્યા. હવે પેટમાં જગ્યા જ નથી.

વ્યોમ આઈસ્ક્રીમ પાર્લર પાસે જઈને પૂછ્યું, “કઈ ફ્લેવર લેશો ?” મનસા કહે મને બધી જ પસંદ છે પરંતુ ચોકલેટ ફ્લેવર વધુ પસંદ છે એટલે વ્યોમે ત્રણેના ચોકલેટ ફ્લેર કોન લીધા, કારણ કે બધાની પસંદગી એક જ હતી. વ્યોમનાં વર્તન પરથી હેતલ અને મનસાને ખ્યાલ આવી ગયો હતો કે વ્યોમને મનસા પસંદ જ છે. પછી તેઓ આઈસ્ક્રીમ ખાઈને ઘર તરફ પાછા વળવા નીકળ્યા. મનસા મનમાં ને મનમાં વિચારોમાં ગરકાવ થઈ ગઈ.

વ્યોમ-મનસા-હેતલ પાછા આવી ગયા. બધા બેઠકરૂમમાં જ બેઠા હતા એમની જ રાહ જોતા હતા. બધા જાત-જાતની વાતો કરી રહ્યા હતા. હસુમામા અને મનસુખભાઈ મુંબઈની ટ્રાફીકની પરેશાનીઓની ચર્ચા કરી રહ્યા હતા. એમાં માલતીબેન કહે, હવે આ બધું કાયમનું થઈ ગયું. માલતીબેન વ્યોમને ઘરમાં બોલાવી એનો અભિપ્રાય જાણી લીધો હતો. એને મનસા પસંદ હતી. માલતીબહેને વિનોદાબાને કહ્યું, “અમને તો તમારી મનસા ખૂબ પસંદ છે તમને અમારો વ્યોમ પસંદ હોય તો આગળ વાત ચલાવીએ.” વિનોદાબાએ મનસા સામે જોયું. મનસાએ સંમતિસૂચક ઈશારો કર્યો. વિનોદાબા કહે, “અમને તમારું ઘર કુટુંબ વ્યોમ બધું પસંદ છે.” એમ કહીને માલતીબેનને ભેટ્યા. એમણે લાવેલી ભેટ મીઠાઈ આપી. માલતીબેને મનસાને સોનાની વીંટી આપી શુકનનાં પૈસા આપ્યા. મહારાજ તરત મીઠાઈ અને ગોળધાણાની ડિશ લઈ આવ્યા. કહે, મને મારા મહાદેવજીએ કહ્યું જ હતું કે વ્યોમભાઈનું વેવિશાળ નક્કી થઈ જશે.

મનસા માલતીબેન અને મનસુખભાઈને પગે લાગી આશીર્વાદ લીધા. વ્યોમે મનસાને અને મનસાએ વ્યોમને વીંટીં પહેરાવી, એકબીજાને મીઠાઈ ખવરાવી. બધાએ તાળીઓથી વધાવી લીધા. મનસુખભાઈ કહે, હમણાં વ્યોમથી રોકાવાય એવું નથી પરંતુ પછી ધામધૂમથી પાર્ટી કરીને ઉજવીશું હસુમામા કહે ચોક્કસ. વ્યોમને પણ, બહેનની ઇચ્છા છે કે એ વાડીએ આવે.” વ્યોમ કહે, “હમણાં નહીં આવી શકાય પરંતુ પછી રહેવાનું કરીને જ આવીશ.”

વ્યોમ કહે, “મારું એક સજેશન છે – જો તમે વડીલો સંમતિ આપો તો ?” મનસુખભાઈ કહે, બોલને દીકરા ? તો વ્યોમ કહે, “તમે અને મમ્મી મેલબોર્ન આવવાના છો 15 દિવસમાં, જો બાને વાંધો ના હોય તો મનસા પણ સાથે આવે. 10-15 દિવસ રોકાય અને મમ્મી-પપ્પા સાથે જ પાછી આવે તો એને ત્યાંનું ઘર-દેશ જોવાય.”

બે મિનિટ માટે તો કોઈ કાંઈ જ બોલ્યું નહીં. મનસા તો ગભરાઈ જ ગઈ. હસુમામાએ વિનોદાબા તરફ જોયું અને પછી કહ્યું, “ના ના કંઈ વાંધો નથી. વાંધો શું હોય. આમેય હવે મનસાને લગ્ન પછી ત્યાં જ રહેવાનું છે ને ! અમે તમને બે દિવસમાં જણાવીશું તમે ઓસ્ટ્રેલિયા જાઓ એ પહેલા કહી દઈશું. મનસાને હજી કોલેજમાંથી સર્ટિફિકેટ લાવવાનાં છે. બીજા કામ નિપટાવવાનાં છે. હવે લગ્ન નક્કી થશે એટલે એની તૈયારી કરવાની આવશે.” વ્યોમ કહે, “નો પ્રોબ્લેમ પરંતુ પોઝિટિવલી વિચારજો. આશા રાખું કે તમે મનસાને મમ્મી-પપ્પા સાથે મોકલો.”

વિનોદાબા અને હિનામામીએ કંઈક વાત કરી. હિનામામીએ માલતીબેનને વિશ્વાસ આપ્યો પછી ઔપચારિક વાત પતાવીને બધાએ બાલવ પાછા વળવા માટે પરવાનગી માંગી. વ્યોમ મનસા પાસે આવ્યો અને મનસાનો હાથ પકડીને કહ્યું, “તમે મને કોલ કરશોને ? હું તમને કોલ કરીશ. આપણે આપણી પસંદગી વિશે જાણી શકીશું વધુ શેર કરીશું. વધુ સમજીશું નિકટ આવીશું આશા રાખું કે તમે મેલબોર્ન પણ આવશો.”

આમ, ઔપચારિકતા પતાવીને બધાએ વિદાય લીધી. મનસુખભાઈ, માલતીબેન, વ્યોમ બધા નીચે પાર્કિંગ સુધી વળાવવા આવ્યા. બધા ગાડીમાં ગોઠવાયા. વ્યોમે મનસાને બાય કીધું મનસાએ સામે કીધું અને હસુભાઈએ મનસુખભાઈને બે દિવસમાં ફોન કરીને જણાવું છું કહીને ગાડી ચાલુ કરી. ગાડી વ્યોમની સોસાયટીમાંથી બહાર નીકલી. વિનોદાબાએ મનસાને પૂછ્યું, “દીકરા કેવો લાગ્યો વ્યોમ ? તને ગમ્યો ? સંતોષ છે ને ? કોઈ ફરિયાદ નથીને ? જે હોય સાચું જ કહેજે, તારી ઈચ્છા પ્રમાણે જ કરીશું.” મનસાએ કહ્યું કે મને ગમ્યું છે, સારું જ છે. કોઈ વાંધો નથી. બધાને જ ઘર કુટુંબ છોકરો ગમ્યા હતા કોઈ એવી વાત જ નહોતી કે ના પાડી શકાય.

વાડીએ પહોંચતાં ખાસ્સું મોડું થઈ ગયું હતું. અંધારું ચીરતી હસુમામાની ગાડી ઘરે પહોંચી. બધા થાકેલા હતા. મનસા હેતલ – મનસાના રૂમમાં ગયા – ચેઈન્જ કરીને બધા પોતપોતાના રૂમમાં બેડ પર આડા પડ્યા.

***