Ketluy khute chhe - 6 in Gujarati Short Stories by Ranna Vyas books and stories PDF | કેટલુંય ખૂટે છે !!! - 6

Featured Books
Categories
Share

કેટલુંય ખૂટે છે !!! - 6

(૦૬)

રાતા ગાલ

ધ્રિતિ મેડમ ટી.વાય બી.એ. ના વર્ગ માં ઇતિહાસ નો લેક્ચર લેતાં હતાં,”.એક વાર કૉલેજ માં પુસ્તકાલય માં બેઠા બેઠા હું કૈક વાંચતી હતી અને મારા હાથ માં એક ચોપડી આવી ગઈ. એક પ્રસંગ વાંચ્યો જે હજી મને યાદ રહી ગયો છે. અંગ્રેજો ભારત માં ધીરે ધીરે શાસન ફેલાવતા હતા તે સમય ની વાત હતી. કોઈ અંગ્રેજ અધિકારી એ જ નોધેલ વાત હતી. .........એકવાર કોઈ નગર જીત્યા પછી અંગ્રેજો એ વિજય સરઘસ કાઢેલું. ઘણા લોકો એ નગર ના સરઘસ જોવા ઉમટેલા. પ્રસંગ લખનાર અધિકારી નોધે છે કે એ જોનારા લોકો એટલી મોટી સંખ્યા માં હતા કે જો એમણે ખાલી મોટેથી બુમો પાડી હોત ઓ પણ અમારે એટલે કે અંગ્રેજો એ ડરીને નાસવાનો વારો આવત. પણ એવું કઈ થયું નહી. એ લોકો શાંતિ થી જોતા જ રહ્યા. એ અધિકારી એ છેલ્લે લખ્યું છે કે આ પ્રજા ચોક્કસ લાંબા સમય સુધી ગુલામ રહેશે અને જો ક્યારેક સ્વાતંત્ર થશે તો પણ માનસિક રીતે તો ગુલામ જ રહેશે. આજે આઝાદી નાં ૭૦ વર્ષ પછી પણ સ્કૂલ માં કે.જી. નાં છોકરાં ના યુનિફોર્મ માં ટાઈ જોઉં ત્યારે મને એ વાંચેલો પ્રસંગ અવશ્ય યાદ આવે છે. યુરોપ ના દેશો માં ઠંડી હોય એટલે ઠીક છે. પણ આપણે આટલી ગરમી માં બફાતા હોઈએ ત્યાં ટાઈ યુનિફોર્મ !! અને એય કે.જી. માં? ઠીક છે જેમને એ.સી. માં બેસીને કામ કરવાનું હોય એ ટાઈ પહેરે તો. પણ આ કે.જી. નાં છોકરાં પર તો મને આંધળા અનુકરણ નો અત્યાચાર જ લાગે છે. આપણા યોગ અને વાસ્તુ શાસ્ત્ર ની આપણે કદર ના કરી અને હવે દુનિયાભર માં આ વિદ્યા નું મહત્વ સ્વીકારાયું ત્યારે આપણે એનો ભાવ પુછ્યો. અરે શતરંજ ની રમત પણ ભારત ની જ દુનિયાને ભેટ ગણાય. પણ આજે કોઈને એ વાતની ખબર પણ નથી. બોદ્ધ પરંપરા માં માનતાં રશિયા નાં રાજ્યો માં ચેસ ઘેર ઘેર રમાય પણ આપણે ત્યાં ચેસ – શતરંજ એટલે બહુ અઘરી બાબત.” લાંબુ લચક ભાષણ સાંભળી છોકરીઓ તો ખુશ થઇ ગઈ. એક માત્ર એમની નાની બહેન મન માં ને મન માં ગુસ્સે થતી રહી.

ધ્રિતિ રૂપેશ દલાલ તો એમનું ભાષણ પૂરું કરી સ્ટાફ રૂમ માં ગયાં પણ ત્યાં શાંતિ થી બેસી પછીના લેક્ચર નું કઈ વિચારે એ પહેલાં તો એમની નાની બહેન સ્ટાફરૂમ માં ધસી આવી. અને બોલી, “ આ ગુલામી માં થી તુ નીકળ. તારો વર નોકરીઓ બદલ્યા કરતો ત્યારે તુ કઈ ના કહેતી. હવે પોતાના બિઝનેસ ના નામે બેઠો બેઠો સો ના સાહીઠ કરે છે ત્યારે એને કેમ કશું કહેતી નથી? એ તો તુ કમાઉ એટલે લ્હેર છે બાકી એ ડીપ્લોમા એન્જીનીયર નો કોણ ભાવ પુછે? અરે હું તો કહું ડીપ્લોમા પણ સારી રીતે ભણી ને કર્યું હોત તો થોડી આવડત હોત. તો કોક નોકરી સીધી રીતે કરી લેત. ને એનો એટીટ્યુડ તો તે જ બગડ્યો છે. એતો આપણા પપ્પા ન હતા અને મમ્મી ને બહુ ખબર ના પડે નહીતો તારા જેવી છોકરી એને કોણ આપવાનું? આટલુ બોલી નાની બહેન તો બહાર નીકળી ગઈ. ધ્રિતિ બીજા લેક્ચર ની તૈયારી માં વળી.

વાત તો નાની બહેન સાચી જ બોલી ગયેલી. નાનપણ માં પિતા ગુમાવી ચુકેલી બન્ને બહેનો ભણવા માં ખરેખર તેજસ્વી હતી અને રુપાળી પણ ખુબ. પણ દુનિયાદારી ના અભાવે એમની મમ્મી એ લેક્ચરર થનાર દીકરી માટે ડીપ્લોમા જમાઈ શોધ્યો. ડીગ્રી ને ના જુઓ તોય ડીપ્લોમા એન્જીનીયર થનાર રૂપેશ સહેજ પણ ગંભીર નહી. દરેક વાત માં પોતાનું જ્ઞાન બતાવે પણ પોતાની નોકરી માં થોડા થોડા સમયે કૈક તકલીફ નું બહાનુ કાઢી નોકરી બદલ્યા કરે. મધ્યમ વર્ગીય વિધવા માં અને પાછળ કુવારી બહેન એટલે ઝઘડો કરી સાસરી માં પોતાનો અવાજ ઉઠાવવાની ક્યારેય ધ્રિતિ એ હિંમત નહી કરેલી. માસ્ટર ડિગ્રી ચાલુ હતી ને લગ્ન લેવાયેલાં. એક વર્ષ માં તો ધ્રિતિ કૉલેજ માં નોકરી કરતી થઇ ગઈ. સાથે પી.એચ.ડી. પણ ચાલુ. જયારે રૂપેશ કુમાર હવે નોકરીઓ થી કંટાળી પોતાના ધંધા માં સો ના સાહીઠ કર્યા કરે. પણ હાં...એમ.ટેક થયેલો માણસ પણ ના બતાવી જાણે એવી હોશિયારી રૂપેશ બહાર વાતો માં બતાવી જાણે. પુરુષ તરફથી સહજ અપેક્ષિત એવા ગાંભીર્ય નો એના વર્તન માં સદંતર અભાવ. પણ શરૂઆત માં તો ઘર ના મોટા જમાઈ ની કોઈ વાતે નીંદા નાં થઇ .

વર્ષો વીતતાં ગયાં. જેને બોલકણા અને મળતાવડા ગણવામાં આવતા એ મોટા જમાઈ હવે ઘર માં લપલપીયા ગણાવા માંડેલા એ વાતની ધ્રિતિ અને એનાં મમ્મી સિવાય બધાને ખબર. કુટુંબ માં બીજી દીકરીઓ નાં લગ્ન લેવાયાં. ધીમે ધીમે બીજા જમાઈઓ આવ્યા અને એમની તુલના માં રૂપેશકુમાર દોઢ ડાહ્યા અને ખાસ કઈ ના કમાનારા ગણાવવા માંડયા. નાની બહેન વારંવાર ધ્રિતિ ને ટકોર કરતી. અને તેનાં પતિ ને ટોકવા કહેતી. બીજું કઈ નહી તો દરેક જણ સાથે ના જોઈતી મજાક મસ્તી કરવાનું બંધ કરે તોય સારુ એમ નાની બહેન ટોકતી. પણ કદાચ ધ્રિતિ હવે તેનાં પતિ ની કોઈ ખામી નહતી જોઈ શકતી. ઘણાં વર્ષો જે કુટુંબ માં રહી એ સાસરી પક્ષ ની લાગણી એવી હાવી થઇ ગઈ કે શું ખબર નહી પણ ઘણી પતિ અને સાસરી પક્ષ ની ખરાબ બાબતો ધ્રિતિ ના મન માં વણાઈ ગઈ કે એને કઈ અયોગ્ય જ ન હતું લાગતુ. બીજાના ઘરની ક્ષુલ્લક વાતો જેમાં હવે તો સ્ત્રીઓ પણ રસ ન લે કે માથું નાં મારે એવી બાબતો માં રૂપેશ બોલી વળતો. અલબત્ત જમાઈ હોવાનો મલાજો જાળવી કોઈ એને કઈ કહેતું નહી પણ પીઠ પાછળ એની નીંદા થતી.

રૂપેશ ની કમાણી એવી ખાસ નહતી. છતાં ધ્રિતિ બહાર બડાશ મારતી કે “મને તો રૂપેશ કહે છે જ કે નોકરી છોડી દેવી હોય તો છોડી દે વાંધો નહી. પણ હું ઘેર શું કરું? મારે નોકરી તો શોખ ની જ છે.” જયારે એકવાર આ શબ્દો નાની બહેન ના કાને પડયા ત્યારે તેને અકળાઈ ને કહી દીધેલું કે તુ તારી જાત ને છેતરતી હોઈશ પણ મને ના કહીશ. શું રૂપેશ કુમાર નો ધંધો આટલો જામેલો છે કે તુ નોકરી છોડી દઉં તો તમારું ગાડુ ગબડે? પહેલાં ખાલી રૂપેશ કુમાર બડાશ મારતા હવે તને પણ અસર થઇ ગઈ એમની સાથે રહીને? મોટી મોટી વાતો કર્યા વગર એને સમજાવ કે ધંધા માં ધ્યાન રાખે. ધ્રિતિ નાની બહેન ના શબ્દો સાંભળી ચુપ થઇ ગયેલી. કદાચ કડવુ સત્ય મો પર એને નાની બહેન સિવાય કોઈ ન હતું કહેતું.

એકવાર ઇસ્કોન મંદિર માં દર્શન કરી બગીચા માં બધાં બેઠેલા. એ દિવસે મમ્મી, ધ્રિતિ, નાની બહેન અને એક માસી પણ હતાં. એક યુરોપિયન સાધુ વિષ્ણુ ના દસ અવતાર વિશે બોલતો હતો અને આજુ બાજુ બધા ધ્યાન થી સંભાળતા બેઠા હતા. એ જોઈ ધ્રિતિ બોલી જો આ ગુલામી ... આપણા ધર્મ ની વાત એક વિદેશી ના મોઢે સાંભળે છે આપડા લોકો. અને જો ને આટલી ગરમી માં મોટા ભાગની છોકરીઓ જીન્સ પહેરી ને આવી છે આંધળું અનુકરણ ફેશન ના નામે. આ માનસિક ગુલામી જ ને?” અને આંખો માં અંગારા વરસાવતી નાની બહેન બોલી,” એ ભૂરિયો સાધુ ભલે વિદેશી હોય, આપણી ગીતા એણે ધ્યાન થી વાંચી ને જીવન માં ઉતારી હશે. ભક્તિ પણ સાચી એની. અને જીન્સ પહેરેલી છોકરીઓ એક નિષ્ઠાવાન સાધુ ની વાત સાંભળે છે. પણ અફસોસ વર્ષોથી એક છીછરા માણસ ની દંભી વાતો ને બિરદાવતી તુ પોતે દંભી થઇ ગઈ છુ એનું તને ભાન છે? અને કૉલેજ માં ગુલામી ની મોટી મોટી વાતો નાં કરતી હવે નહીતો હું તારી કૉલેજ માં જ સ્ટુડન્ટ છુ ને? તારી અંગત જિંદગી ની વાત ફેલાવી દઈશ. અને આંખ માં થી આંસુ સારતાં બન્ને દીકરીઓ નાં મમ્મી આજ પહેલી વાર આ વાત માં મૌન તોડતાં બોલ્યાં,” તને નહી સમજાય નાનકી, એકવાર લગ્ન થશે ત્યારે ખબર પડશે કે પતિ કે સાસરી પક્ષ ની ખોટી વાતો કેવી હસતા મોઢે બિરદાવવી પડે છે. ‘લાફો મારી ને ગાલ લાલ રાખવા’ વાળી કહેવત ચોક્કસ પત્નીઓ ના આવા દંભી વલણ પરથીજ પડી હશે. અને એ સાથે ધ્રિતિ, નાની બહેન અને એમનાં મમ્મી એ ત્રણેય ની આંખો માં થી સરતાં આંસુ થી વ્યાપેલ સન્નાટો મંદિર ની ઝાલર ના નાદ માં ભળી ગયો. .