Adhura Armano - 9 in Gujarati Fiction Stories by Ashq Reshammiya books and stories PDF | અધુરા અરમાનો ૯

Featured Books
Categories
Share

અધુરા અરમાનો ૯

અધુરા અરમાનો-૯

"સૂરજ, મારા મનના મોર, ભવોભવના ભરથાર! તારી તબિયત કેમ છે અને ક્યાં જતો રહ્યો હતો? તારા દીદાર કાજે મારી આંખો ફૂટું-ફુટું થઈ રહી હતી. તારા વિના તો મારું હૈયું થીજી જવા લાગ્યું હતું. દરરોજ મારી ગલીમાં આવીને કેવા દીદાર દઈ જતો હતો ! કિન્તું બે-ચાર દિવસથી તને ન જોતા મારી આંખોમાં શ્રાવણ-ભાદરવો બેસી ગયો હતો. સવારથી લઈને છેક સાંજ લગી વારેઘડીએ દરવાજે આવીને ઊભી રહેતી. છતાંય તું ન આવતા આખી રાત ઉજાગરા કરતી. અને હા, ગઈકાલે તારા ગામે આવી હતી ત્યારે ક્યાં ભાગી ગયો હતો? કે પછી કોઈ નવી નાર મળી ગઈ હતી?"

સૂરજ મશગૂલ બની સાંભળતો જતો હતો. સેજલ આગળ બોલી:'અને હા, યાર! આજે મારી પાછળ આવતો હતો છતાંય કેમ તે મને બોલાવી નહીં? કે પછી મુજ પરથી મોહ ઓસરી ગયો છે? સૂરજ, તું આમ ઉદાસ કેમ રહે છે? હમણાથી આ તારા ચહેરા પર ઉદાસી કેમ વળગી છે? એય, કેમ તું કંઈ બોલતો નથી? હું જાણું છું કે તું મારી યાદોમાં, મારા વિનાની ઘોર એકલતામાં તું ઉદાસ રહેતો હોઈશ, પરંતું હાલ અત્યારે હું તારી બાહોમાં છું છતાંય તારી આંખોમાં શૂનકાર કેમ ડોકાય છે? બોલ, બકા બોલ!" એકસામટા અનેક સવાલોએ સૂરજને ઘમરોળી નાખ્યો.

અત્યાર સુધી શાંત ચિત્તે સાંભળી રહેલા સૂરજે હોઠ ખોલ્યા:'તારા વિના મારું કોઈ વજુદ જણાતું નથી. તારો અભાવ હૈયામાં કાંટાની જેમ ભોંકાય છે. તારા દીદાર વિનાની આંખો નકામી લાગે છે.

અને એણે શૅર ટાંક્યો:

"આંખો ફોડીને નજરોમાં ડોકાય છે તું,

હું અપલક નજરે દીદાર કરતો રહું છું."

એણે વાત આગળ વધારી:'હાલ અત્યારે જ્યારે હું તારી પાછળ-પાછળ આવતો હતો ત્યારે તને જોઈ ન શક્યો. કારણ કે હું તારા જ ખયાલોમાં રમમાણ હતો. મને અનેક સવાલોએ બૂરી રીતે ઘેરી લીધો હતો. જેમ કે મારી સેજલ આજે પણ મને મળશે કે કેમ? મળશે તો ક્યારે મળશે? આવા અનેક વિચારોના ઊંડા વમળોમાં ફસાયેલ હું ખુદને ભૂલી જવા લાગ્યો હતો. નહી તો તને, અરે મારા કાળજાના ટૂકડાને ન ઓળખી શકુ? મારી આંખોની કાજલને જ ન ઓળખી શકું? એવું તો બને જ કેમ, યાર! તું તો મારી આંખોનું નૂર છે. મારું ઝળહળતું ભવિષ્ય છે. મારી મંઝીલનો ઝળહળતો દીપક છે. અને....." આગળ બોલે એ પહેલા જ એને ભાન થયું કે પોતે સેજલને જોઈ હતી. ન જોવાનું જૂઠ કહીને જાણે એણે ગંભીર ગુનો આચર્યો હોય એમ એ ભાંગી પડ્યો. આંખોમાં આંસું ઊભરાઈ આવ્યા. એ લાગણીસભર બનીને સેજલને ભેટી પડ્યો.

થોડીવારે એનાથી બોલી જવાયું:'બકા, સેજલ મને માફ કર. હું જુઠ્ઠો છું. મે તને જોઈ હોવા છતાં નથી જોઈ એવું કહીને મારાથી તારો ગુનો આચરાયો છે.'

અને સેજલે એને માફ કર્યો હોય એમ સૂરજના ચહેરાને બંને હાથમાં લઈને તસતસતું ચુંબન ચોંટાડી દીધું.

ઘડીભર સુધી બેય એકમેકના અધરોની મીઠાશ પીતા જ રહ્યાં.

એ ચુંબનની એવી તો ગાઢ અસર થઈ કે એ ક્યાંયના ક્યાંય પહોંચી ગયા.

ફરી સૂરજે કહેવા માંડ્યું:'કેવા હતાં એ મધુરા દિવસો? જ્યારે આપણે દરરોજ એકબીજાને મન ભરીને જોતા, હસતા અને હવામાં નજરોની મધુર મુલાકાત કરતા હતાં. એ અતીત મને બહું જ અકળાવે છે, બેબાક બનાવે છે. આ જુદાઈ હવે મને ડરાવે છે. તારો વિફરેલો વિયોગ હવે મારાથી ખમાતો નથી. કમનસીબી પણ કેવી કે મારું ગામ પણ તારાથી દૂર આવેલું છે. નહી તો હું રોજ સવારથી સાંજ લગી તારી ગલીના નાકે જ બેસી રહેત. તારા ચહેરાને મન ભરીને પીધા જ કરત, બસ પીધા જ કરત.'

"સૂરજ, જુદાઈ એ જ તો પ્રેમ છે. પ્રેમનો અહેસાસ એ જ મંઝીલ છે. મારી હાલત પણ બિલકુલ તને જ મળતી આવે છે. આપણે હાલ મજબૂર છીએ. કિન્તું હું તને ખાતરી આપું છું કે જો તું હરરોજ અહી આવતો રહીશ તો હું સાંજ સુધી તારી, હાં મારા સૂરજની સોડમાં જ રહીશ. તું કહે તો સાત સમંદર પાર ઊતરી જાઉં. તું કહે તો શરદની શીતળ ચાંદની બનીને તુજ પર હેતથી વરસી જાઉં. આપણે રોજ મળીશું. મોજ કરીશું. ખુદને પણ વીસરી જઈશું!"

'બકા,તારાથી જુદા રહીને હવે મારાથી રહેવાતું નથી. તું મારા જીવનમાં મઘમઘતી ફોરમ બનીને આવી છે. મારી મહોબ્બતની દેવી છે. તું જ મારા જીવનનો આશરો છે. તારા વિનાની મારી હયાતી વેરાન બની ન જાય એ યાદ રાખજે. મારા જીવનની નાવને મંઝીલે પહોચાડવા માટે હલેસું બનવા તૈયાર રહેજે. તુંજ સંગાથે મારે હવે ભવ તરવો છે.'

'સૂરજ, જાણું છું કે પ્રેમ એ જીંદગીની સુહાની સફર છે. જીવનની ખુશી છે, ખુશ્બું છે. આ ખુશ્બું હૈયાના ઊંડાણમાંથી નીકળે છે. જે દિવસે તારાથી દિલ લગાવ્યું છે તે જ દિવસથી તને મારો આધાર, મારો દેવ માની લીધો છે. તારી સાથે જ હાં, મારા સૂરજની સાથે જ જિંદગી જીવવાના લાખેણા અરમાનો સજાવી રાખ્યા છે. સૂરજ, મેં મારી આ જિંદગી તારા નામે જ લખી રાખી છે. જેમ તું મારા માટે તડપે છે એમ હુંય તારી ખાતીર રાત રાત જાગીને વિતાવું છું. આટલા દિવસોની એક પળ પણ એવી નથી વિતાવી જેમાં તને સંભાર્યો ન હોય! મારી આંખોના આંગણામાં સતત તું જ રમ્યા કરે છે.' સેજલ બોલી રહી છે અને સૂરજ એના ગાલને પંપાળીને ચૂમી રહ્યો છે.

'સેજલ...! ' એનો અવાજ ગળગળો થઈ ગયો.

'હમણાંથી મને એક જ સવાલ સતાવ્યા કરે છે કે તું મારી સાથે દગો તો નહીં કરે ને? જીંદગીની અગમ્ય સફરમાં મંઝીલ સુધી પહોંચવામાં તું મને થાપ તો નહીં આપી ને! તું કહેતી હતી કે હું ઉદાસ કેમ રહું છું તો મારી ઉદાસીનું આ એક જ કારણ છે કે તું મારી જિંદગીમાં મહોબ્બતની શીતળ ચાંદની બનીને આવી છે. મારી વેરાન જિંદગીમાં પ્રેમની મોઘમ વસંત બનીને આવી છે. મને હંમેશાં એક જ સવાલ સતાવ્યા કરે છે જેની યાદોનાં સહારે હું પળેપળ જીવું છુ. પળેપળ હૈયું જેને પોકારી પોકારીને પ્યાર કરે છે એ સેજલ કદાચ મને કાલે છોડી દેશે તો? તો હું મારી જિંદગી કેવી રીતે જીવીશ? તારા વિના કેમ કરીને જીવીશ? બસ એક જ સવાલ મને કોરી ખાય છે, મારા કાળજાને ચીરી રહ્યો છે.

"સૂરજ, તું વિશ્વાસ રાખ. મારા પર નહીં તો તારા પ્રેમ પર વિશ્વાસ કર. હું તારી જિંદગી સાથે ક્યારેય નહીં ખેલું. ક્યારેય તને એકલો નહિ છોડું. તને તો હું મારો ભરથાર સમજી બેઠી છું. આખી જિંદગી તારી સંગાથે હેમખેમ જીવવાના અમર સોગંદ લઈને બેઠી છુ. તને આવો વિચાર કેમ આવે છે? તે ક્યારેય મારી આંખોમાં કે મારા પ્રેમમાં ખોટ જોઈ છે? જો તું આવું વિચારીને જ ઉદાસ રહેતો હોય તો હવે ખુશ થઈ જા. હૈયે ને હોઠે ખુશિયોની મલકાતી મહેફિલ સજાવી લે. ભાવિના ભયને અતીતની કાળી કબરમાં દાટી દે. હું તારી પડખે છું. ભલે ગમે તેવા સંજોગો આવે હું તારો સાથ નહીં છોડુ. છતાંય તને વિશ્વાસ ન આવતો હોય તો આપણા પ્રેમને ખાતર તને વચન આપું છુ કે હું જીવીશ તોય તારી સંગે ને મરીશ તો પણ તારી ખાતીર જ! મારા સૂરજ માટે જ! સુરજ, લગ્ન પણ હું તારી સાથે જ કરીશ. ભલે પછી આખો જમાનો બદનામી અને બરબાદીની તીક્ષ્ણ તલવાર લઈને સામે ધસી આવે !

સેજલનું છેલ્લું વાક્ય સાંભળીને સૂરજે એને એવી તો જકડીને બાથ ભરી લીધી કે જાણે હવે જુદા થવાનું જ નથી! આવેશના ભયંકર આગોશમાં આવીને એ પણ વચન આપી બેઠો કે "સેજલ, મારી આખી જિંદગી તારી જ અમાનત છ. હુંય પરણીશ તો તારી સાથે જ! નહીં તો આજીવન કુંવારા જ જીવી લઈશ. કિન્તું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તારા આયખાને કિનારે જ રહીશ."

આમ, બે જવાન દિલ, પ્રેમવિહ્વળ હૈયાઓ જિંદગીની ઉષામાં એકમેકના સંગે જીવવા-મરવાના વાયદા-વચનો આપીને પ્રેમના પાકા તાંતણે બંધાયા.

પ્રેમ માણસને ક્યાંયના ક્યાંય પહોંચાડી દે છે.

પ્રેમમાં એટલી તાકાત છે કે કુદરતે જે સર્જ્યું જ નથી એવા અગોચર સ્થાને લઈ જાય છે. અશક્યને શક્ય બનાવવાની નૈતિક તાકાત છે પ્રેમમાં. પ્રેમ જ્યારે શમણાની પાંખો લઈને વ્યક્તિ પર સવાર થાય છે ત્યારે ક્ષિતિજની પેલીપારની દુનિયામાં પહોંચી જાય છે.

પ્રેમ માણસને અતિગ્નાન બક્ષે છે.

પ્રેમ, પ્રેમની રસમો, કસમો અને વાયદાઓ માણસને જિંદગી જીવતા શીખવાડે છે. અને એ જ વાયદાઓ જ્યારે તૂટે છે ત્યારે નરકના રવાડે ચડાવે છે.

માણસ ભલે ગમે તેવો નિર્બળ હોય કિન્તું પ્રેમનું આયુધ લઈને જીંદગીના આ કુરુક્ષેત્રમાં ઝંપલાવે તો પળવારમાં એ જગતને જીતી શકે છે. પ્રેમ એ જીંદગીની મંઝીલમાં આડે આવતા દરેક વિઘ્નોથી લડી લેવાની ક્ષમતા બક્ષે છે. અને એટલે જ તો આ નાદાન પ્રણયદિવાનાઓ જગતની પરવા કર્યા વિના જીવનના છેવટના શ્વાસ સુધી સંગે જીવવા-મરવાના વાયદા આપી રહ્યાં છે.

વાયદાઓનો વેપાર ક્યાં લઈ જાય છે!

એ વાંચો આવતા અંકે...!

ક્રમશ: