Safarma madel humsafar 2 - Part - 1 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-1

Featured Books
Categories
Share

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-1

સફરમાં મળેલ હમસફર : 2

પ્રસ્તાવના

જેમ કોઈ ફિલ્મ હિટ જાય અને તેનો બીજો ભાગ બને છે તેવી જ રીતે સફરમાં મળેલ હમસફરની સફળતા બાદ તેનો બીજો ભાગ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તે સ્ટોરી કરતા આ સ્ટોરી અલગ છે, હા કેટલાક પાત્રોના નામ સરખા હશે અને થોડી ઘટનાઓ પહેલા ભાગની યાદ અપાવશે.

તો ફરી એકવાર સીટબેલ્ટ બાંધી લો અને ફરી તૈયાર થઈ જાઓ એક સફર માટે, પ્રેમના સફર માટે, લાગણીના સફર માટે, સમર્પણ સાથે ત્યાગના સફર માટે, ગુસ્સા સાથે સમજણના સફર માટે. આ સફર સૌને ખૂબ હસાવી શકે છે અને ખૂબ રડાવી પણ શકે છે, અહમ, ધિક્કાર, પ્રેમ, હૂંફ સાથે સસ્પેન્સ અને થ્રિલ બધું એક સ્ટોરીમાં. તો શરૂ કરીએ આપણી નવી સફર.

***

ભાગ -1

પહેલી મુલાકાત

“મેહુલ પ્લીઝ તું મને છોડીને ના જા, તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે ઍન્ડ આઈ નિડ યું. ”રાજકોટના રેલવે પ્લેટફોર્મ પર ઓખા-ભાવનગરની ટ્રેન પડી હતી. સમય રાત્રીના નવને ત્રીસ થવા આવ્યો હતો, મેહુલ ટ્રેનમાં બેસી ચુક્યો હતો અને બહાર બારી પર રાધિકા મેહુલને મનાવી રહી હતી.

“રાધિકા, મારે જવું પડશે જો હું રોકાઈ ગયો તો બંનેને હર્ટ થશે. પ્લીઝ તું મને રોકવાની ટ્રાય ના કર. ”મેહુલે નીચે નજર ઝુકાવીને રાધિકાને કહ્યું.

“Fine, તારે જવું જ છે ને?, તું જઈ શકે છે”રાધિકા તેના સ્વભાવ મુજબ ગુસ્સે થઈ ગઈ.

“Bye, please forgot me and also forgive me. ” ઈચ્છા ન હોવા છતાં દિલ પર પથ્થર રાખીને મેહુલે કહ્યું.

“કેવી રીતે ભૂલી જાઉં પાગલ, આઇ લવ યુ”રાધિકાની આંખોમાંથી ઝાકળબિંદુ બિંદુ સરવા લાગ્યા. મેહુલ કઈ ના બોલ્યો. ટ્રેનની વિસલ વાગી. રાધિકાએ મેહુલનો હાથ પકડી લીધો અને મેહુલને રોકવાના પ્રયાસ કરવા લાગી, ટ્રેન જ્યાં સુધી પ્લેટફોર્મ વટાવી ત્યાં સુધી રાધિકા પ્રયાસ કરતી રહી પણ મેહુલ ના સમજ્યો. બર્થમાં બધા લોકો મેહુલને જોતા હતા તો પણ મેહુલ પોતાને રડતા રોકી ના શક્યો અને ચૉધાર રડી પડ્યો.

***

‘પાયોજી મેને રામ રતનધન પાયો……વસ્તુ અમૌલિક દી મેરે સતગુરુ…કિરપા ઘર અપનાયો…. પાયોજી મેને રામ રતનધન પાયો. ’ જેતપુરના રેલવે-સ્ટેશનની બહાર ચાની લારી પર રહેલા રેડિયામાંથી મધુર સંગીત રેળાઈ રહ્યું હતું. સમય સવારના છ વાગીને પાંચ મિનિટ થવા આવી હતી. ચાની લારી પર સિનિયર સિટીઝનનું એક ગ્રુપ મૉર્નિંગ વૉક કરી પાટલી પર ટોળું વળીને ચાની મહેફિલ માણી રહ્યું હતું.

રસ્તા પર અવર-જવર નહીંવત કહી શકાય તેવી હતી. ઠંડો પવન સાથે સવારની શરૃઆતને લઈને આવતો હતો. ક્યારેક દૂધવાળાની સાઇકલ પસાર થતી હતી તો ક્યારેક છાપા નાખવાવાળા ભાઈની હરકત નજરે ચડતી હતી. વાતાવરણ શાંત અને માણવા લાયક હતું. ધીમે-ધીમે અંધારું આછા અજવાળામાં બદલાઈ રહ્યું હતું. સ્ટ્રીટ લાઈટો બંધ થવાની તૈયારીમાં હતી.

ચાની લારીવાળા રામુકાકા રેડિયો સાંભળવાના શોખીન હતા, તેની જ લારી પર કામ કરતા છોટુને પણ રેડિયો સાંભળવો ગમતો, નામ તો મહેશ હતું પણ સૌ છોટુ કહીને જ બોલાવતા, છોટુને હાલના ગુજરાતી ગીતો પસંદ હતા તો રામુકાકાને પ્રભાતિયાં, ભજન અને ધૂન સાંભળવી પસંદ હતી. બંનેની ઇચ્છાઓ પુરી થાય એટલા માટે એક રામુકાકાની પસંદનું અને એક ગુજરાતી ગીત વગાડવાનો રિવાજ. ચાની લારી પર ચા પીવા આવતા લોકો પણ આ રિવાજ જાણતા હતા.

મીરાંબાઈનું ભજન પૂરું થયું એટલે છોટુએ ચેનલ બદલી, ‘કે તને જાતા જોઈ પનઘટને કાંઠે, મારું મન મોહી ગયું. ’ગીતના શબ્દો જ એટલા નિઃસ્વાર્થ હતા કે કોઈને પણ સાંભળવા ગમે. સિનિયર સીટીઝન ગ્રૂપમાં બેસેલા જગદીશભાઈની નજર હાથમાં રહેલી ઘડિયાળ પર પડી અને તે અનાયાસે બોલી ઉઠ્યા, “છોટુ છ ને દસ થઈ ગયી. ”

છોટુ દોડીને રેડિયા પાસે પહોંચ્યો અને ફરી એક ચેનલ બદલી,

“સુપ્રભાત, શુભ સવાર, ગૂડ મોર્નિંગ જેતપુરવાસીઓ હું આર. જે. મોન્ટુ આપ સૌ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત કરું છું. ”મોન્ટુએ આર. જે. ની જોબ જોઈન કર્યાંને હજુ એક જ મહિનો થયો હતો પણ આ એક મહિનામાં અઢાર વર્ષની નવી પેઢીથી લઈને સિત્તેર વર્ષના વૃદ્ધોનું દિલ જીતી લીધું હતુ, આમ તો પ્રેમની વાતો રાત્રે જ થતી હોય છે પણ મોન્ટુએ એવું મંતવ્ય આપ્યું કે સવારે પણ મૂડ સારો જ હોય છે, તેથી સવારે જ લવ જંકશન શરૂ કર્યું હતું.

જેતપુરવાસીઓને આ અવાજ ખૂબ જ પસંદ હતો, જેમ કૉફી વિના સવાર નહિ થતી તેમ જ મોન્ટુના અવાજ વિના જેતપુરવાસીઓની સવાર ના થાય, રમૂજ સાથે પ્રેરણાત્મક વાતો કરવી એ મોન્ટુની ખાસિયત હતી. મોન્ટુ ઑન માઇક અથવા ઑફ માઇક પર પણ સૌને વિનમ્રતાથી અને પ્રામાણિકતાથી જવાબ આપતો, તેથી ખાસ કરીને જેતપુરની પરીઓ મોન્ટુના અવાજની દિવાની હતી.

સવારે છ વાગીને દસ મિનિટે મોન્ટુનો અવાજ ચાની લારી પર, ઓટો રિક્ષામાં, કોલેજ જવા નીકળેલા સ્ટુડન્ટના ઈયરફોનમાં, મોર્નિંગ વૉક કરતા લોકોના કાનમાં રહેલા ઈયરફોનમાં બધી જગ્યાએ સંભળાતો. ટૂંકમાં જ્યાં રેડિયો હોય ત્યાં સવારના 6:10 મોન્ટુનો જ અવાજ સંભળાતો, આમ તો રાત્રીના સમયે રેડિયો પર પ્રેમની વાતો થતી હોય છે પણ મોન્ટુએ સવારે જ આ શૉ રજુ કરવા કહેલું અને જેતપુરવાળાને તે પસંદ પણ આવી રહ્યું હતું.

“સુપરહિટ 93. 5, મારી સાથે તમે સાંભળી રહ્યા છો લવ જંકશન,, કેમ છો જેતપુરવાસીઓ, એકદમ મજામાં ને?, મજામાં જ હોયને, પુરા ગુજરાતમાં એક જ એવું શહેર જ્યાં લોકો વધુ ખુશ હોય. આજની જ વાત લઈ લો, અહીં આવવા હું ઘરેથી નીકળ્યો આગળ જતાં મારી સામેથી ધીમી ગતિએ એક બાઈક પસાર અને મારી પાછળ રહેલી કાર સાથે અથડાઈ, સદનસીબે બાઈકવાળા ભાઈને થોડી જ ઇજા થઇ, કારમાંથી એક ભાઈ નીચે ઉતર્યા અને બાઈકવાળા ભાઈ પણ ઉભા થઇ કાર પાસે આવ્યા.

બંને વચ્ચે ઝઘડો શરૂ થયો, શરૂઆતમાં શાંતિથી વાતો કરી પણ પછી માહોલ ગરમ થઇ ગયો. મારાથી ના રહેવાયું એટલે બંનેને રોકવા માટે હું આગળ વધ્યો પણ આ શું?, બંનેના શબ્દોમાં અવાજ જ ન’હતો, માત્ર હોઠ પરથી એવું અનુમાન લગાવી શકાતું હતું કે બંને અપશબ્દો બોલવાનો પ્રયાસ કરે છે. હું ત્યાં પહોંચ્યો અને ઉત્સુકતાથી પૂછ્યું, “ભઈ, મનમાં છે તો આપી દો ને!!!”

બંને એક સાથે બોલ્યા, “આપવું શા માટે?” લો બોલો, જેતપુરવાળા લોકો તો ગાળો આપવામાં પણ વિચારે. બંને એકબીજા સામે હસ્યાં અને પોતાના રસ્તે નીકળી ગયા, આને કહેવાય સમજણ, લડ્યા હોત તો કંઈ મળવાનું હતું નહિ, તેના કરતાં સારું છે તેઓએ ભૂલ સ્વીકારી અને આગળ વધી ગયા.

આવી સમજણના અનેક કિસ્સા હશે, હવે બધા કહેવા જઈશ તો સાંજ પડશે, તો હવે શરૂ કરીએ.

સમય સવારના છ ને પંદર થવા આવી છે, વેરાવળથી રાજકોટ જતી ટ્રેન જેતપુર પહોંચવા આવી છે, જેતપુરના સ્ટેશનથી થોડેક દૂર એક છોકરી સ્ટેશન તરફ દોડી રહી છે, કદાચ ટ્રેન ચુકી જવાનો ડર હશે. આ તેનું રોજનું થયું, સાડા પાંચ વાગ્યે જાગવું અને જલ્દીથી તૈયાર થઈ સ્ટેશને પહોંચવાનું અને રોજ સામેથી ટ્રેનનો અવાજ સંભળાય અને દોટ મુકવાની.

સ્ટેશનની બહાર ચાની લારીવાળા ભાઈ તે છોકરીને જોઈને રોજ હસે છે, તો બીજી તરફ રીક્ષાવાળા ભાઈઓ સ્ટેશનથી ઉતરતા પેસેન્જરોને જેતપુરની કોઈ ચોક્કસ જગ્યાએ લઈ જવા બુમો પાડી રહ્યા છે. સ્વચ્છતા અભિયાનમાંથી નિમણૂક પામેલા કર્મચારીઓ રોડ સાફ કરતી વેળાએ ધૂળની ડમરી ઉડાવે છે અને સ્ટ્રીટ લાઈટો બસ બંધ થવા પર છે. સૂરજ નીકળવાની હજુ વાર છે પણ તેનો આછો પરછાયો જમીન પર પ્રકાશ ફેંકી રહ્યો છે. આ જ સમયે છાપવાળા ભાઈઓ પોતાની કુશળતા બતાવી, ગ્રાઉન્ડ ફ્લોરથી છેક ત્રીજા માળ સુધી એક બાલ્કનીમાં છાપું ફેંકી બતાવે છે.

પક્ષીનોના કલરવથી રાત વિદાય લે છે અને ધીમે ધીમે સવાર નજદીક આવતી જાય છે. ચાની લારી પર 60’ 70’ ના જુના ગીતોનો મધુર અવાજ કાને અથડાતા સવાર વધુ સોહામણી લાગી રહી છે જો કે અત્યારે મારો અવાજ 60’ 70’ જેવો નહિ જ લાગતો હોય, હાહાહા.

ધીમે ધીમે માણસોની અવર-જવર વધતી જણાય છે, પક્ષીઓના કલરવની જગ્યા વાહનોના ઘોંઘાટ લઈ રહ્યા છે અને ધીમે ધીમે સવારે થતી પ્રવૃત્તિઓ થંભતી જાય છે. સમય મુજબ વાતવરણ પણ બદલાય છે, છાપાવાળના ગયા પછી, “દૂધ, મેડમ દૂધ” કહી ગોવાળિયા દૂધ આપવા આવી રહ્યા છે.

કૃષ્ણકાંત ઉનડકટની ભાષામાં કહીએ તો આવી જ રીતે રોજ બનતી ઘટના એક નવલકથાનું સ્વરૂપ લઈ લે છે. દરેક દિવસે નવલકથાનું પાનું લખાય છે અને દરેક કલાકએ એક પ્રેરેગ્રાફ લખાય છે. દરેક ક્ષણ એક શબ્દ બને છે અને દરેક વર્ષે એક નવું પ્રકરણ ઉમેરાય છે. જિંદગીની આ નવલકથા ક્યાંક આંસુઓનો દરિયો છે તો ક્યાંક દુઃખનો પહાડ, ક્યાંક એકલતાનું રણ છે તો ક્યાંક ન દેખાય તેવું ધુમ્મસ. થોડોક આઘાત હોય છે તો થોડોક પ્રત્યાઘાત પણ હોય છે. ક્યારેક સંબંધમાં ગણતરીના હિસાબો હોય છે તો ક્યારેક અજાણ્યા સંબંધમાં એક હૂંફ હોય છે. બસ આવી જ હોય છે નવલકથા.

આજે અહીં પણ એક નવલકથા શરૂ થશે, જી હા મને શ્રોતા તરફથી એક મંતવ્ય મળ્યું હતું કે ‘તમે કોઈ લવ સ્ટોરી રજૂ કરો તો મજા આવી જાય’ તેના મંતવ્ય પર વિચારીને નક્કી કરવામાં આવ્યું છે કે અહીંથી એક સ્ટોરી રજુ કરવામાં આવશે, તેનો કોન્સેપ્ટ હટકે હશે, મંતવ્યો આપવા જ્યારે સ્ટોરી રજૂ થતી હોય ત્યારે જ કૉલ કરી શકો છો, તમારી સ્ટોરી રજૂ કરવા મારો સંપર્ક કરી શકો છો અને તમે મારી જગ્યા પર બેસીને કોઈ પણ સ્ટોરી રજૂ કરી શકો છો. શરત એક જ છે તમારી સ્ટોરી સાચી હોય કે કાલ્પનિક, સ્ટોરીને અહીંથી ગ્રીન સિગ્નલ મળે પછી જ તમે રજુ કરી શકશો.

પત્ર દ્વારા, મેઇલમાં, વોટ્સએપમાં, ફેસબુકમાં કોઈ પણ માધ્યમથી મારા સુધી તમારી સ્ટોરી પહોંચાડો, એક અલગ જ શૈલીમાં તમારી સ્ટોરી રજૂ થશે જેની કલ્પના તમે નહિ કરી હોય. કદાચ તમારી અધૂરી રહેલી કહાની અહીં પુરી થઈ શકે છે. તો કોણ અત્યારે કૉલ કરે છે?”

…….

…….

“હેલ્લો”કૉલ આવતા મોન્ટુએ કહ્યું.

“હાઈ મોન્ટુ, મારુ નામ અવંતી છે, હું તમને રોજે સાંભળું છું અને હું તમારી બિગ ફૅન છું. ”અવંતીએ કહ્યું.

“ઓહહ અવંતીજી આવો કોઈક દિવસ કૉફી પીવા આપણે ગૉસિપ કરીશું પણ અત્યારે તમે શ્રોતાઓને તમારી સ્ટોરી જણાવશો. ” મોન્ટુએ કહ્યું.

“સ્યોર, મારી સ્ટોરી કઈક આવી છે ‘હું જેને પ્રેમ કરું છું તેને ખબર છે કે હું તેને પસંદ કરું છું પણ હું તેને કહી નથી શકતી. ”અવંતીએ પોતાની સમસ્યા જણાવતા કહ્યું.

“ઓહહ, એક તરફી પ્યાર…એક તરફી પ્યાર કી બાત હી કુછ અલગ હૈ અવંતીજી યે દો હિસ્સો મેં નહિ બટતા, ઇસ પે સિર્ફ આપકા હક હૈ. તમે તેને જણાવતા કેમ નથી?”મોન્ટુએ પૂછ્યું.

“ડર લાગે છે કદાચ હું તેને હંમેશા માટે ગુમાવી ના બેસું. ”અવંતીએ કહ્યું.

“આ ડર તમારો વહેમ છે અને તમે જે વિચારો છો તેનાથી તમે વિરુદ્ધનું વર્તન કરો છો, આમ તો કઈ પ્યાર ના થાય. ”મોન્ટુએ સમજાવવાની કોશિશ કરતા કહ્યું.

“તો હવે હું શું કરું?”અવંતીએ પૂછ્યું.

“એકવાર બધી ફીલિંગ્સ તેને કહી દો, જો તે ના સમજે તો તેની ભૂલ, તમે તો સાચા છો ને અને કદાચ તે તમારી જ રાહ જોઇને બેઠો હશે. ”મોન્ટુએ કહ્યું.

“છોકરીઓ સામેથી ના કહી શકે. ”અવંતીએ કહ્યું.

“કઈ દુનિયામાં છો અવંતીજી…. . જો તમે એવું વિચારશો કે તમે વાત નહિ કરી શકો તો કોઈ દિવસ વાત નહિ થાય, પણ જો ટ્રાય કરશો તો ચોક્કસ વાત આગળ વધશે. ”મોન્ટુએ કહ્યું.

“હું ચોક્કસ ટ્રાય કરીશ. ”અવંતીનો કૉલ કટ થઈ ગયો.

“દોસ્તો તો આ હતી અવંતીજી જે પોતાની વાત જણાવી શકતી ન’હતી, જો તમે પણ અવંતી જેવું જ વિચારો છો તે બદલાઈ જજો, પોતાને બીજા સમક્ષ રજુ કરવાની આદત રાખો, જો કિતાબ બંધ હશે તો કોઈને ખબર નહિ રહે કે તેમાં શું લખ્યું છે, તેમ જ જો તમે પોતાને રજૂ નહિ કરો તો કોઈ તમને સમજવાનો પ્રયાસ નહિ કરે, એક પ્યાર કરનારા સિવાય. ”

મોન્ટુ એક મિનિટનો બ્રેક લેવા ઑફ ઍર થયો અને એક સોંગ લગાવ્યું, હાથમાં કૉફી લીધી અને ખુરશી પર ટેકો દીધો. બાજુમાં રવિ બેઠો હતો જેણે આજે જ રેડિયો જૉક્કીની જોબ જોઈન કરી હતી અને તે મોન્ટુનો દોસ્ત પણ હતો.

“તું આટલું બધું કેવી રીતે મેનેજ કરે છો મોન્ટુ, આઈ મીન કોઈ પણ સવાલનો તાત્કાલિક અને સટીક જવાબ કેવી રીતે તારા મગજમાં આવી જાય છે?”રવિએ પૂછ્યું.

“બસ થઈ જાય છે, તારે પણ આદત પડી જશે. ”મોન્ટુએ કૉફીનો ઘૂંટ પીતા કહ્યું. એક મિનિટ પુરી થઈ એટલે મોન્ટુએ માઇક શરૂ કર્યું.

“બ્રેક બાદ ફરી આપ શ્રોતાઓનું લવ જંકશનમાં સ્વાગત છે. સમય છ ને છત્રીસનો છે, આપણી પાસે હજી ચોવીસ મિનિટ છે, હવે કોઈ કૉલ કરવા ઈચ્છે છે?

(એક મિનિટ પછી)

“ઑકે તો હું જ એક સ્ટોરી કહું, એકવાર એક…., એક એક મિનિટ કોઈનો કૉલ આવે છે, હેલ્લો” મોન્ટુએ વાત અધૂરી છોડતા કૉલ રિસવ કર્યો.

“હેલ્લોલોલો!!!?” સામેથી કોઈ રીપ્લાય ન આવતા મોન્ટુએ લાંબા લહેકે કહ્યું.

“અરે યાર આ ટ્રેન પણ વાતો કરે છે તમે કેમ કઈ બોલતા નહિ” ટ્રેનનો હોર્ન સાંભળતા મોન્ટુએ કહ્યું. દસ સેકન્ડમાં કૉલ કટ થઈ ગયો.

“ઑકે તો તેને મારો અવાજ સંભળાતો નહિ હોય, આપણે સ્ટોરી શરૂ કરીએ, એકવાર એક ગર્લને…. ”ફરી એ જ નંબર પરથી કૉલ આવ્યો મોન્ટુએ કૉલ રિસીવ કર્યો, ફરી કોઈ સામેથી કોઈનો અવાજ ના આવ્યો અને દસ સેકેન્ડમાં કૉલ કટ થઈ ગયો. પછીની દસ સેકેન્ડ પછી મોન્ટુના મોબાઈલમાં એક મૅસેજ આવ્યો, મોન્ટુએ તરત જ માઇક ઑફ કરી બ્રેક લઈ લીધો.

“આજે મોન્ટુ કેમ આવું કરે છે, તરત જ બીજો બ્રેક લઈ લીધો. ”રેલવે સ્ટેશનની બહાર ચાની લારી પર બેસેલા ગ્રુપમાંથી દીપકભાઈ બોલ્યા.

“કંઈક કામ આવી ગયું હશે, હમણાં માઇક ઓન કરશે તું વેઇટ કરને. ”નરેશભાઈએ દીપકભાઈના ખભા પર હાથ રાખી કહ્યું.

“રવિ મારે ઇમરજન્સી જવું પડશે, તું માઇક સંભાળ. ”મોન્ટુ ઉતાવળથી ઉભો થયો, કૉફીનો છેલ્લો ઘૂંટ પીધો અને પોતાનું બેગ ખભે લગાવી બહાર નીકળી ગયો.

***

આજે તેની લાગણી દુભાઈ હતી, કોઈકે એટલી હદ સુધી તેને તરછોડી હતી કે હવે આગળ શું કરવું તે તેને સૂઝતું ન હતું, સવારની મમ્મી સાથે આંખો પણ ના મેળવી, જો આંખો મળી ગયી હોત તો કદાચ આજે જે ઘટના બનવા જઈ રહી હતી તે ના બનેત. તે બેડ પર જ આંસુ સારતી રહી, રડવાને કારણે આંખો પણ લાલ થઈ ગયી હતી. તે પોતાને કૉસતી રહી, “મેં શું કમી રાખી હતી સંબંધ નિભાવવામાં?, મારા જોડે જ કેમ આવું થયું?, મેં તો તેની બધી જ વાતો માની લીધી હતી તો પણ તે મને છોડીને ચાલ્યો ગયો. ”

“મારી લાઈફ પણ જોકરની લાઈફ જેવી જ છે, હું પણ જેની લાઈફમાં જઈશ તેની જ જીત થશે, તેની લાઈફમાં કદાચ આ જોકરની જરૂર નહિ હોય, કદાચ હુકુમના ત્રણ એક્કા તેની પાસે પહેલેથી જ હશે. હું તેની લાઈફમાં જો એક કાંટો બનતી હોઉં તો હું તેનાથી ખૂબ જ દૂર થઈ જઈશ. ”તે રઝાઈની અંદર કોઈને ના ખબર પડે તેવી રીતે આંસુ સારતી હતી.

***

“બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે, હા હું મોન્ટુ નથી. તમારા મોન્ટુને એક ઇમરજન્સી કામ હોવાથી તે મને માઇક સોંપીને નીકળી ગયો છે અને સૌ શ્રોતાઓને સૉરી પણ કહ્યું છે, હું છું આર. જે. રવિ તમારો જુનિયર આર. જે.

મોન્ટુ જેવી તો વાતો હું નહિ કરી શકું પણ હું મારો પૂરો પ્રયાસ કરીશ. ”રવિએ પહેલી સ્પીચ રજુ કરી.

“યાર મોન્ટુને મારે એક સવાલ પૂછવાનો હતો, આ જ સમયે તેને ઇમરજન્સી કામ આવી ગયું. ”સીટી બસની રાહ જોતી કૉલેજ જઇ રહેલી ગર્લ્સના ગ્રુપમાંથી કાવ્યા બોલી.

“તારે શું સવાલ પૂછવો હતો?”બીજી સહેલીએ તેને સહકાર આપતા પૂછ્યું.

“એ જ કે એ ક્યૂટ બોય સિંગલ છે કે નહિ. ”કાવ્યા શરમાતી હોય તેવા ટોનમાં બોલી, સૌ સહેલી હસવા લાગી.

બીજી સહેલીએ વાતમાં વાત ભેળવતા કહ્યું, “યાર આ સવાલ તો બધી જ ગર્લ્સનો છે પણ આ સવાલનો જવાબ કોઈ દિવસ મોન્ટુએ આપ્યો છે ખરો?, જ્યારે કોઈ પૂછે તો કહે છે કે ‘મારા જોડે લગ્ન કરવા હોય તો મારા મમ્મી-પપ્પાને વાત કરો મારી પાસેથી કોઈ પરમિશન નહિ મળે. ”

“તો એક કામ કરીએ, હવે જ્યારે મોન્ટુ ઑન માઇક હશે ત્યારે તેના મમ્મીનો નંબર માંગી લેશું. ”કાવ્યાએ મગજ દોડાવવાનો ખોટો પ્રયાસ કર્યો.

“ચાલ માની લે ઑન ઍર તે નંબર બોલ્યો, જો બધી જ ગલ્સે તે નંબર સેવ કરી લીધો તો?”કાવ્યાની સહેલી કાવ્યાને ડરાવવાના મૂડમાં હતી.

કાવ્યા ડરને મારે બોલી પણ ગયી, “ના ના હું પર્સનલી નંબર મંગાવીશ. ”

જાણે કાવ્યાના નાદાની ભર્યા વર્તનની મજાક કરતા હોય તેમ પૂરું ગ્રુપ હસવા લાગ્યું, સામેથી સીટી બસ આવી અને બધા તેમાં ચડી ગયા અને ચર્ચાનો અંત આવ્યો.

“તો મોન્ટુના કહ્યા મુજબ હું અહીંથી સ્ટોરી રજૂ કરીશ, તમે તે સ્ટોરીના મંતવ્યો મને જણાવી શકશો. ”આર. જે. રવિએ વાત શરૂ કરી.

“આ એક સાચી સ્ટોરી છે, મારા દોસ્તની. હાહાહા નામ લેતા જ તેની હરકતો યાદ આવી ગયી. એક નંબરનો ડફોળ હતો, સાવ બુદ્ધિ વગરનો. ભગવાન બુદ્ધિ વહેંચતા હશે ત્યારે ભાઈ સુતા હશે.

આમ જોઈએ તો જેતપુર સાથે મારો એવો ખાસ અથવા ગાઢ કહી શકાય તેવો કોઈ સંબંધ નથી, પણ મારા દોસ્તની જાન અટકાયેલી છે આ જેતપુરમાં. તો ચાલો બાંધી લો સીટ બેલ્ટ આપણી કહાની શરૂ થવા જઈ રહી છે.

***

“સોસાયટીમાં ‘રાધિકા…. રાધિકા’ નામની ચર્ચા થવા લાગી હતી, જ્યાં જુઓ ત્યાં રાધિકા અને રાહુલના નામની જ ચર્ચા થતી હતી, એકવીસમી સદીના સમયમાં પણ પ્રેમની વિરુદ્ધ રહેનારા લોકોનું અસ્તિત્વ આ સોસાયટીમાં હતું. જો કોઈ છોકરો-છોકરી વાત કરતા નજરે ચડે તો બંને વચ્ચે પ્રેમ સંબંધ છે તેવું સર્ટિફિકેટ બનાવી આપવામાં આવે.

આવા માહોલમાં અઢાર વર્ષના રાહુલની આંખો રાધિકા સાથે લડી હતી, રાહુલના પાપાને કરીયાણાની દુકાન હતી અને રાધિકા ત્યાં લ વસ્તુ લેવા આવતી, અહીંથી જ બંનેના પ્રેમ પ્રકરણની શરૂઆત થઇ હશે.

પ્રેમમાં તો મોટા મોટા મહાનુભવો પણ માત ખાય ગયા છે. જ્યારે કોઈને મળવાની તલપ પુરી ના થાય ત્યારે બધી ફિલોસોફી ઝેર જેવી લાગે છે. રાહુલ અને રાધિકા બંને વચ્ચે એવી લાગણીઓનો સેતુ બંધાય ગયો હતો કે હવે જુદાઇની એક એક ક્ષણ કલાકો જેવી લાગતી હતી.

એક દિવસની વાત છે, કોઈ કારણસર બંને ત્રણ-ચાર દિવસથી મળી શક્યા ન હતા. રાહુલના પ્રેમમાં પાગલપણું આવી ગયું હતું. રાત્રે બાર વાગ્યે સૌના સુઈ ગયા બાદ રાહુલ રાધિકાના ફ્લેટ પર પહોંચી ગયો. તેનો સમય જ એટલો ખરાબ હતો ને કે હજુ રાધિકાને જુએ તે પહેલાં રાધિકાના મમ્મી તેને જોઈ ગયા.

“તું અહીંયાંથી ચાલ્યો જા, નહિતર હું રાધિકાના પપ્પાને જગાવીશ. ”રાધિકાના મમ્મીએ કહ્યું.

અહીં રાહુલના ઘરે પણ એ વાતની જાણ થઈ ગયી હતી કે રાહુલ રાધિકાને મળવા ગયો હતો અને રાધિકાના મમ્મીએ તેને જોઈ લીધો છે. રાહુલના પપ્પાએ રાતોરાત રાહુલને વડોદરા જવા રવાના કરી દીધો.

ગામમાં ‘રાધિકા…. રાધિકા’ નામની ચર્ચા થવા લાગી હતી, જ્યાં જુઓ ત્યાં રાધિકા અને રાહુલના નામની જ ચર્ચા થતી હતી. અહીં તે બંનેની કહાનીનો અહીં અંત થયો. ”રવિએ ઊંડો શ્વાસ લીધો.

“તો આવું કેમ થતું હશે દોસ્તો?, શું પ્રેમ કરવો ગુન્હો છે કે પછી પ્રેમનો એકરાર કરવો ગુન્હો છે. આ જે લોકો પ્રેમની વિરુદ્ધ છે ને તેને એક વાત કહી દઉં, દરેક માણસ પોતાની જગ્યાએ સાચો જ હોય છે, તમે જે પ્રેમ વિરુદ્ધની વાતો કરો છો ને મને ખબર છે તમારા મગજમાં શું ચાલી રહ્યું છે. તમે કંઈક છો તે જતાવવા બીજાને શા માટે નીચા બતાવો છો?, બિચારા રાહુલનો શું વાંક હતો યાર…સોસાયટીવાળા લોકોએ તો વાત જાણ્યા વિના જ તેના માથા પર એક લેબલ ચિપકાવી દીધું. તેના મનમાં શું ચાલે છે તે તો કોઈએ જાણવાનો પ્રયાસ જ ના કર્યો.

જો કે હજુ રાહુલ રાધિકાના નામના સ્ટેટ્સ વોટ્સએપ પર રાખે જ છે અને આ સ્ટેટ્સ ચોવીસ કલાકમાં ગાયબ થઈ જાય છે, એ કંઈ થોડા પ્રેમમાં સમજે કે જ્યાં સુધી ડિલિટ ના કરીએ ત્યાં સુધી રહે.

વૅલ વૅલ આ કંઈ મારા દોસ્તની સ્ટોરી ન’હતી, This is Beginning, Yes This is Beginning…મારા દોસ્તની વાત તો અહીંથી શરૂ થાય છે. મારો દોસ્ત એક એવું જોકરનું પાનું કે જેની જિંદગીમાં જાય તેને જિંદગી જીવતા શિખવી દે. આમ તો અઘરી વિકેટ છે, નોટ કહો તો પણ ચાલે…ફાટેલી નોટ, દસની નોટ, સોની નોટ અને બે હજારની ગુલાબી નોટ કહોને તો પણ ચાલે.

તેના વિશે હજુ સુધી કોઈ સાચું અનુમાન લગાવી શક્યું નહિ, સાલા પાસે એક હુકમનો એક્કો પડ્યો જ હોય, ગમે તેવી મુશ્કેલી આવે સામેવાળાને માત આપી જ દે, દુશ્મન નહિ તો દોસ્ત બનીને.

હવે રાહુલવાળી ઘટના બની ત્યારે તે ત્યાં ન હતો જ્યારે તેને ખબર પડી કે ગામમાં આવી ચર્ચા થાય છે ત્યારે તેણે એવો જવાબ આપ્યો કે સૌ દંગ રહી ગયા. તેણે કંઈક આવું કહ્યું હતું, “મને ખબર છે તમે લોકો શું વાત કરી રહ્યા છો અને મને એ પણ ખબર છે કે તમે બધા એક સમયના રાહુલ રહી ચુક્યા છો હવે તેનો હિસાબ હું બતાવું, મારી પાસે ઇતિહાસનો ચોપડો છે હો. ”

આટલા શબ્દો તો કાફી હતા સોસાયટીના જુવાનિયાઓના મોં બંધ કરાવવા. હવે વિચારો આ રાહુલની સોસાયટીમાં જ રહેતી આવી નોટ જ્યારે પ્રેમના પ્રકરણો ઉકેલશે અને જ્યારે પોતાના પ્રેમનું પ્રકરણ પ્રગટાવશે ત્યારે કેવી હાલત થઇ હશે.

ચાલો મારા દોસ્ત વિશે થોડી ચર્ચા કરી લઈએ,

ઓગણીસ વર્ષનો મેહુલ, મોટા પરિવારમાં, માતા-પિતા સાથે દાદા-દાદી અને અન્ય કુટુંબીજનોની છત્રછાયામાં મોટો થયેલો સ્વભાવે શરમાળ અને એકલો રહેવાવાળો છોકરો હતો, ઘરેથી મળેલા પ્રતિબંધ અને પાપાની સમાજમાં આગવી છાપને કારણે મેહુલે કોઈ દિવસ પોતાના સાનુકૂળ સ્વભાવમાંથી બહાર નીકળવાની કોશિશ કરી જ ન’હતી. દોસ્તો સાથે પણ કામ પૂરતી જ વાતો કરવાની, પરિવારમાં સૌથી નાનો અને લાડકો છતાં કોઈ મોટી ઉંમરની વ્યક્તિને પણ વિચારતા કરી દે તેવી વિચારશક્તિનો માલિક. આ વિચારશક્તિ ના તો તેને વારસામાં મળી હતી અને ના તો કોઈ એવી ઘટનાનું પરિણામ હતું.

આમ તો સ્વભાવેથી શાંત પણ મગજમાં વિચારોનું મનોમંથન શરૂ જ હોય, ક્યાં સમયે કેવા નિર્ણય લઈ લે તેને પણ ખબર ના રહે. રાહુલની ખરાબ થયેલી ઇમેજને સુધારવામાં આ મેહુલનું મોટું યોગદાન હતું.

હવે તમે વિચારતા હશો કે મેં તો તેને સાવ ડફોળ કહ્યો હતો અને આતો અસીમ વિચાર શક્તિનો માલિક છે, માલિક છે હતો નહિ. હવે એ પણ જાણી લઈએ કે આ વિચાર શક્તિ તેને કેવી રીતે મળી.

અમે બંને એક જ સ્કૂલમાં હતા, મારું નામ હોશિયાર સ્ટુડન્ટની લિસ્ટમાં આવતું અને મેહુલનું ઠોઠ સ્ટુડન્ટમાં. કોઈ પણ વાત તેને પલળે ના પડે. અમારું ગ્રુપ તેને ડફોળ કહીને જ બોલાવતું.

‘ઓય ડફોળ ચલ બોલ લઈ આવ, પાણીની બોટલ લાવ, તારે કામ જ કરવાનું વિચારવાનું નહિ કારણ કે ભગવાને તને એક સ્ક્રુ ઢીલો આપ્યો છે'આવા અનેક ના ગમે તેવા વાક્યો અમે સંભળાવતા અને તે એકપણ શબ્દ બોલ્યા વિના બધા જ કામ કરતો. ભણવામાં પણ ઠોઠ હતો એટલે છેલ્લી બેન્ચ પર તેને બેસવા મળતું અને જ્યારે કલાસમાં તેને સવાલ પૂછવામાં આવતો ત્યારે તે હાસીને પાત્ર બની જતો.

ધોરણ ચારમાં તો એ નાપાસ થવાનો હતો, સવાલ પણ એ લખ્યા અને જવાબ પણ એ જ. એ તો પ્રિન્સિપાલે અને નાપાસ ન કરવાના નિયમને કારણે તે પાસ થઈ ગયો. તેને લાગી તો આવતું પણ કોઈને કહી ના શકતો. પાંચમા ધોરણમાં અમારા શિક્ષક બદલાયા અને મેહુલની લાઈફ પણ. પાંચમા ધોરણમાં જ ત્રીજા નંબરે પાસ થઈ ગયો. હવે એ શિક્ષક તેના પર ધ્યાન આપતા કે મેહુલને વધુ સમજાતું એ હજુ સુધી અમને ખબર પડી નથી.

ધોરણ છ અને સાતમાં તો સ્કૂલ ફર્સ્ટ આવીને અમારી બોલતી બંધ કરી દીધી. ત્યાંથી અમને તેના માટે ઈર્ષ્યા જન્મી અને તેને પછાડવા માટે અમે ઘણી કોશિશ કરી પણ અમે ફેંકેલી ઈંટોની દીવાલ બનાવીને મોટો બંગલો બનાવી નાખ્યો. બારમાં ધોરણ સુધી સ્કૂલ ફર્સ્ટ આવ્યો. અમે પાસ થવા રાત દિવસ મહેનત કરતા અને એ……, એ પરીક્ષાના આગળના દિવસે ક્રિકેટ રમતો હોય. તો પણ જ્યારે રિઝલ્ટ આવતું ત્યારે ટોપ પર જ હોય.

તેણે ભાવનગરની કૉલેજમાં એડમિશન લીધું અને અમે આઈટીઆઈ કર્યું. ત્યાંથી અમારા રસ્તા બદલાયા. તેના નવા દોસ્તો અમારા નવા દોસ્તો, તેની પ્રોફેશનલ લાઈફ અને અમારી ઠગ લાઈફ. પ્રોફેશનલ લાઈફમાં પણ તે અમને ઠગી ગયો. અહીં સુધી તેની લાઈફ ખૂબ જ સારી હતી અને પછી એન્ટ્રી થઈ ગર્લ્સની. રિલેશન, બ્રેકઅપ, પૅચ-અપના ભંવરમાં બરોબરનો ફસાયો. અમે ખુશ થયા ચાલો હવે ભાઈના એલ. લાગી ગયા.

અમારી ખુશી ભગવાનને સહન ના થઇ અને તેની લાઈફમાં એક પછી એક દેવી મોકલતા ગયા અને અમે દૂરથી દેવી દર્શન કરતા રહી ગયા. આટલી બધી સારી લાઈફમાં એક જ ખરાબ પાસું હતું તેના ઘરની પરિસ્થિતિ.

આ પરિસ્થિતિ ભરતભાઇના મોટાભાઈના લીધે જ થઈ હતી. જુગાર અને દારૂની લતમાં જમીન, ઘર-બાર વેચાવી નાખ્યું અને અંતે લીવરની બીમારીના લીધે મૃત્યુ પામ્યા. તેવામાં બાકી હતું તો મેહુલના દાદાને પેરેલીસીઝનો એટેક આવેલ, ભરતભાઈએ એડી-ચોટીનું જોર લગાવ્યું પણ મેહુલના દાદા ચાલી ના શક્યા. મેહુલનો જન્મ થયો તે વર્ષથી બેડ પર જ હતા. આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં નિલાબેન અને ભરતભાઈએ પેટ પર પાટા બાંધીને મેહુલને ભણાવ્યો.

મને ત્યારે દુઃખ થયું, માણસ ન બોલતો હોય ત્યારે તેનો મતલબ એ નથી કે તે ડફોળ છે, પરિસ્થિતિએ તેને એવી સ્થિતિમાં ધકેલી દીધેલ હોય છે જેથી તે બોલી ના શકતો હોય, ત્યારે હું ખુશ પણ થયો હતો કારણ કે હવે મેહુલ જવાબ આપતા શીખી ગયો હતો. કોઈ પણ વાતના વ્યવસ્થિત અને પ્રમાણિક જવાબ આપવામાં મેહુલે મહારત હાંસિલ કરી લીધી હતી.

પહેલા વર્ષનું વેકેશન હતું, અમે સૌ મિત્રો વેકેશન ઍન્જોય કરતા હતા, હવે મેહુલ જોડે મને મજા આવતી હતી, તેની નાની નાની વાતોમાં ઘણુંબધું શીખવા મળતું. હું એક દિવસ તેના ઘરે ગયો તો તે કંઈક લખી રહ્યો હતો, મને આવતો જોઈ તેણે ઝડપથી બુક બંધ કરી દીધી.

“આવ આવ રવિ, ઘણા દિવસ પછી ભૂલો પડ્યો. ”તેણે હંમેશાની જેમ મને આવકારો આપ્યો.

“ભાઈ તું વેકેશનમાં શું લખે છો?” મેં તેની બુક તરફ આંગળી ચીંધી કહ્યું.

“કંઈ નહિ, તું બોલ શું લઈશ ચા કે શરબત બનાવું?”તેણે વાત બદલતા કહ્યું.

“ના પહેલા મને આ બુક બતાવ. ”મેં તેના હાથમાંથી બુક લેવાની કોશિશ કરી.

“ના, રવિ આ બુક નથી મારી પર્સનલ ડાયરી છે, હું કોઈને ના બતાવી શકું. ”તેણે બુક છાતીએ લગાવી દીધી.

હું હસવા લાગ્યો, “શું નોવેલ લખે છો કે આત્મકથા?”

“આત્મકથા”તેણે એક શબ્દોમાં જવાબ આપ્યો.

“અને આ આત્મકથા લખીને તને શું મળશે?”મેં પૂછ્યું.

“હું સફળ વ્યક્તિ બનવા માંગુ છું અને મારા મમ્મી-પપ્પાને મારા પર ગર્વ થાય તેવું કામ કરવા માગું છું, હું સફળ થઈશ ત્યારે સૌને મારી સફળતાનું કારણ મળવું જોઈએ ને, ત્યારે મારી આ આત્મકથા હું રજૂ કરીશ જેમ ગાંધીજીએ લખી હતી. ”મેહુલે આત્મવિશ્વાસ સાથે કહ્યું, તેની આંખોમાં મને નિસ્તેજ તેજ દેખાતું હતું જે સફળ થવા મથી રહ્યું હતું.

મેં વાત કાપતા કહ્યું “ગાંધીજી મહાન વ્યક્તિ હતા, આપણે મહાન નથી. ”

“આપણે મહાન નહિ અને મારે મહાન બનવું પણ નહિ, મારે બસ મારા ઘરની પરિસ્થિતિ સુધારવી છે અને જે હું સુધારીને જ જંપીશ. ”મેહુલે ફરી એ જ આત્મવિશ્વાસ સાથે કહ્યુ.

“ઠીક છે ભાઈ, મારે તારી બુક આઇ મિન પર્સનલ ડાયરી નથી વાંચવી પણ અત્યારે તું આ ડાયરી છોડ અને બહાર આવને જો, બાજુના ફ્લેટમાં કોઈક નવી છોકરી આવી છે. ”

“ના યાર મારે નહિ જોવી, હું આટલી સિરિયસ વાત કરું છું અને તું આવી વાતો કરે છો કેવો દોસ્ત છે તુ?”તેણે નખરા કરતા કહ્યું.

“બસ હવે દોઢ ડાહ્યો ના થા, તેને આવતા વર્ષે બોર્ડની એક્ઝામ છે અને એકાઉન્ટ શિખવું છે. જો મને એકાઉન્ટ ફાવતું હોત તો હું તને બોલાવેત જ નહિ, રુચિતા આન્ટીએ તને બોલાવવા કહ્યું છે. ”મેં ગુસ્સામાં કહ્યું.

“હાહાહા, બચ્ચા કાબીલ બનો કામયાબી ઝખ માર કે તુમ્હારે પીછે આયેગી. ”તેણે મારા ખભા પર થાપો માર્યો અને કાચ સામે ઉભો રહ્યો. કાચમાં નજર કરી વાળ વ્યવસ્થિત કર્યા.

“ હવે શું છે?, આન્ટીએ બોલાવવા કહ્યું હતું તે કહી દીધું ને હવે નીકળો ચલો. ”તેણે ફિલ્મી અંદાજમાં કહ્યું.

“બસ ભાઈ લડકી આયી તો પાર્ટી બદલ દી. ”મેં કરગરતા કહ્યું.

“તો ચલ તું ભી દેખ લે. ”તેણે બ્લેક ટ્રેક પર ફૂલ બાયનું વાઇટ ટી-શર્ટ પહેર્યું. ફરી કાચમાં નજર કરી, વાળ વ્યવસ્થિત કરતો કરતો બાબડયો, “આજ તો અપની નિકલ પડી. ”

મેહુલના ઘરની પરિસ્થિતિ ભલે સારી ન હતી પણ મેહુલ પાસે બધી બ્રાન્ડેડ વસ્તુ હતી, તેનું પણ એક કારણ હતું. મેહુલ જરૂરિયાતની વસ્તુ જ ખરીદતો અને તેથી ફાલતુ વસ્તુમાં નજર ના કરતા બ્રાન્ડેડ કંપનીની જ વસ્તુ ખરીદતો. તેની પાસે માત્ર બે જીન્સના પોલો અને ડેનિમ પેન્ટ હતા જેના નાઈક અને પોલોના ટી-શર્ટ પહેરતો.

હું અને મેહુલ બાજુના ફ્લેટમાં ગયા, મેહુલે મને ડોરબેલ વગાડવા કહ્યું અને તે નીચે જ ઉભો રહ્યો. મેં ડોરબેલ વગાડી, આન્ટીએ દરવાજો ખોલ્યો,

“મેહુલ નથી આવ્યો?”રુચિતા આન્ટીએ કહ્યું.

“અહીં છું આન્ટી, એકાઉન્ટનો દાખલો ગણતો હતો એટલે વાર લાગી સૉરી. ”દાદર ચડતા મેહુલ બોલ્યો. હવે આન્ટી પર પણ ચાન્સ મારવા લાગ્યો. જો કે કેમ લાઈન ન મારે?, બાવીસ વર્ષના જ હતા રુચિતા આન્ટી.

“આન્ટી ના કે યાર તું હું હજી બાવીશ વર્ષની જ છું, આપણે ફ્રેન્ડ છીએ. અંદર આવ તારું કામ છે. ”રુચિતા આન્ટીએ કહ્યું. હું તો આન્ટી જ કહેતો.

“મને નહિ કહો અંદર આવવા. ”મેં પણ વહેતા પાણીમાં હાથ ડૂબાડવાનું વિચારીને લાઈન મારી. હજી આન્ટી કઈ કહે તે પહેલાં તો મેહુલ બોલી ગયો, “રવિ, આન્ટીએ સૉરી આપણા ફ્રેન્ડે મને અંદર આવવા કહ્યું હોય તો તારે સમજી જવાય તારે પણ અંદર આવી જવું જોઈએ. ”બંને એકબીજા સામે જોઈ હસી રહ્યા હતા.

હું ઉદાસ ચહેરે અંદર ગયો, અંદરનો જે નજારો હતો તે જોઈને મારી ઉદાસી પલભરમાં ગાયબ થઈ ગયી. ડાર્ક બ્લુ એન્કલ જીન્સ પર વાઇટ ટોપ, ઘૂંટી પર ગ્રીન પાતળો રેશમનો ધાગો બાંધેલો, ખુલ્લાવાળા અને આંખો પર ગોળ ચશ્મા, દાડમની કળી જેવા દાંત અને ત્યાંથી રેલાતી તેની સ્માઈલ. મન કરતું હતું કે તેના ક્યુટ ગાલને ખેંચ્યા જ કરું, પણ મેં કંટ્રોલ કર્યું અને ચહેરા પર મોટી સ્માઈલ સાથે અંદર પ્રવેશ્યો.

“મેહુલ આ મારી નાની બહેન ઋતુ છે અને તારે આને એકાઉન્ટ શીખવવાનું છે. ”રુચિતાએ કહ્યું. હવે હું આન્ટી નહિ કહું કેમ કે અમે સરખી ઉંમરના છીએ. હાહાહા.

“હાઈ, ઋતુ. ”હું અને મેહુલ એક સાથે બોલ્યા.

“હાઈ”ઋતુએ કહ્યું. હું તો તેના અવાજનો પણ દીવાનો થઈ ગયો હતો, એકદમ ક્લીયર અને લયબદ્ધ તાલમાં બોલાયેલા શબ્દો. મને લાગ્યું આઇટીઆઈનું બીજું વર્ષ બગડવાનું છે.

“તમે લોકો વાતો કરો હું કોલ્ડડ્રિંક્સ લાવું. ”રુચિતાએ કહ્યું.

“ના તેની જરૂર નથી આન્ટી, મારે કામ છે એટલે હું નીકળુ છું, ઉપ્સ, સૉરી…હું તમને શું કહીને બોલવું?”મેહુલ સિક્સ પર સિક્સ મારતો જતો હતો.

“રુચિતા જસ્ટ રુચિતા. ”રુચિતા પણ બેટ-પીચ બોલ ફેંકતી જતી હતી.

“સારું હવે હું તમને રુચિતા જ કહીશ. ”આટલું કહી મેહુલ સીધો નીચે ઉતરી ગયો. ઋતુ સામે એકવાર પણ ના જોયું. મને લાગ્યું મેહુલ ભલે રુચિતા જોડે આંખો લડાવે, મારું સેટિંગ ઋતુ જોડે થવું જોઈએ.

“કેટલી ક્યૂટ અને હોટ હતી યાર થોડીવાર વાત કરી હોત તારું કંઈ લૂંટાઈ જાત?”હું નીચે ઉતરતા મેહુલને ખિજાતો હતો.

“ના”મેહુલે કહ્યું.

“શું કામ છે તારે?”મેં પૂછ્યું

“કઇ નહિ, કેમ?”મેહુલે પૂછ્યું.

“હમણાં ઉપર તો કહેતો હતો ને મારે કામ છે. ”હું હવે ચિડાઈ ગયો હતો.

“બકા તું નઈ સમજી શકે મેહુલ શું વિચારે છે, તું ડફોળ છો અને ડોફોળ જ રહેવાનો. ”મેહુલ જોકરની જેમ જોર-જોરથી હસવા લાગ્યો, મારા જ શબ્દો મને પાછા મળી રહ્યા હતા.

“યાર તે કૉલેજમાં કેટલીય છોકરી જોડે વાતો કરી હશે, મારું સેટિંગ ઋતુ જોડે કરાવી દેને. ”મેં મેહુલને વિનંતી કરી.

મેહુલ ઉભો રહ્યો અને પાછું ફરી મારા તરફ જોયું, “રવિ હું તને ઋતુ જોડે સેટિંગ કરવાની ના નહિ પાડતો, જો તારે સેટિંગ કરવું હોય તો તારી મહેનતથી કર મને ના કહે. ”પગ પછાડતો મેહુલ તેના ફ્લેટ તરફ ચાલવા લાગ્યો.

યાર મેં કઈ ખોટું કહ્યું હતું?, એક દોસ્ત જ બીજા દોસ્તની મદદ માંગે ને? મેહુલનું આવું વર્તન જોઈ મને દાળમાં કંઈક કાળું લાગ્યું. એટલે હવે મારે મેહુલ પર નજર રાખવાની હતી.

***

“દોસ્તો વાત વાતમાં સાત વાગી ગયા તેની ખબર પણ ના રહી, અહીં આપણો સમય પૂરો થાય છે, આગળની વાત કાલે કરીશું. ત્યાં સુધી વિચારો ઋતુ જોડે કોનું સેટિંગ થયું હશે?, મારું કે મેહુલનું?, મોન્ટુને શું ઇમરજન્સી મૅસેજ આવ્યો કે તે અચાનક જ નીકળી ગયો. રુચિતા જોડે મેહુલનું કઈ થશે?,

જાણવા માટે સાંભળતા રહો સુપરહિટ 93. 5 મોર્નિંગ હિટ લવ જંકશન, તમારા મંતવ્યો તમે જણાવી શકો છો આગળની મુલાકાતમાં આપણે તેના વિશે ચર્ચા કરીશું. અભી હાલ તો Yo Jetpur….

(ક્રમશઃ)

-Mer Mehul

Contact info - 9624755226