Satya asatya - 2 in Gujarati Love Stories by Kajal Oza Vaidya books and stories PDF | સત્ય-અસત્ય - પ્રકરણ-2

Featured Books
Categories
Share

સત્ય-અસત્ય - પ્રકરણ-2

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૨

પ્રિયંકા ઘરમાં દાખલ થઈ, એકપણ શબ્દ બોલ્યા વિના પોતાના રૂમમાં જતી રહી. એના દાદાજીએ એ જોયું. છોંતેર વર્ષની ઉંમરે આમેય એમને ઊંઘ ઓછી આવતી. એમાંય પ્રિયંકા જ્યારે બહાર હોય ત્યારે એ ઘેર પાછી ન પહોંચે ત્યાં સુધી મહાદેવભાઈ તંદ્રામાં જ રહેતા.

મહાદેવભાઈ જૂના સ્વાતંત્ર્યસેનાની હતા. આજે પણ ખાદી પહેરતા. જિંદગી વિશેના એમના સિદ્ધાંતો સ્પષ્ટ અને દૃઢ હતા. પ્રિયંકાના લગભગ બધા જ મિત્રો સાથે મહાદેવભાઈને મજા પડતી. પ્રિયંકા મિત્રો પણ ‘દાદાજીને મળવા’ ઘેર આવતા. પ્રિયંકાની જિંદગીની સાવ સાદી સામાન્ય ઘટનાથી શરૂ કરીને સત્યજીત સાથે પ્રેમમાં પડવા સુધીની બધી જ વાતો એ દાદાજી સાથે ‘શેર’ કરતી.

એને તકલીફ થઈ હોય, ગુસ્સો આવ્યો હોય, સારું લાગ્યું હોય કે બધાએ મળીને કંઈ ગરબડ કરી હોય, પ્રિયંકા દાદાજીને બધું જ કહેતી. પાર્ટીમાંથી આવે કે કૉલેજમાંથી, પોતાના રૂમમાં જતાં પહેલાં દાદાજીના રૂમમાં જવાનું એ નક્કી હતું...

પણ આજે એ સીધી પોતાના રૂમમાં જતી રહી, એટલું જ નહીં પલંગમાં પટકાવાનો અવાજ પણ મહાદેવભાઈને અજુગતો લાગ્યો. છોંતેરની ઉંમરે પણ ટટ્ટાર ચાલતા મહાદેવભાઈ ધીમે રહીને પોતાના પલંગમાંથી ઊઠ્યા. પેસેજની લાઇટ કરી. એમણે હળવેથી પ્રિયંકાની રૂમના આડા કરેલા દરવાજા પર ટકોરા માર્યા. કોઈ જવાબ ન મળ્યો એટલે દાદાજી બારણું ધકેલીને અંદર દાખલ થયા. પ્રિયંકા હાથને કોણીમાંથી વાળીને એનાથી બનતા ત્રિકોણમાં મોઢું છુપાવી પલંગમાં ઊંધી પડી હતી. દાદાજી ધીમેથી પાંગતે બેઠા. એમણે હળવે હાથે પ્રિયંકાના વાળમાં હાથ ફેરવ્યો, “શું થયું છે મારી ઢીંગલીને ?” પ્રિયંકાએ જવાબ આપ્યા વિના ડોકું ધુણાવ્યું, “કંઈક તો થયું છે. બાકી તું મને મળ્યા વિના... તારા રૂમમાં કેમ આવે ? ઝઘડો થયો સત્યજીત સાથે ?” પ્રિયંકાએ ચહેરો ઊંચો કરીને દાદાજી સામે જોયું. એની આંખો ભીની હતી.

“બેટા...”

“દાદાજી, કેટલી વાર સમજાવ્યો એને, પણ જુઠ્ઠું બોલવાનું છોડતો નથી.”

“બેટા, એ મજાક કરે છે. એને મન આ એક રમત છે. તું શું કામ નાની નાની વાતને...”

“દાદાજી, જે લોકોને જિંદગીની નાની વાતોમાં જુઠ્ઠું બોલી શકે છે. એના પર જિંદગીની મોટી વાતમાં વિશ્વાસ કેમ થાય ?” પ્રિયંકાની મોટી કથ્થઈ આંખોમાં અજબ જેવી સચ્ચાઈ હતી, “આવું મને તમે જ શીખવ્યું છે.”

મહાદેવભાઈ પાસે જવાબ નહોતો. એમણે જ પ્રિયંકાને સત્યના, નીતિના, સદાચાર અને વિશ્વાસના પાઠ ભણાવ્યા હતા. આજે પ્રિયંકા જે કંઈ કહી રહી હતી એ વાતની એમને ખબર હતી. સાચું પૂછો તો ક્યારેક એમને પણ સત્યજીતની આ ટેવ વિશે ચિંતા થતી. તદૃન વગર કારણે જુઠ્ઠું બોલતો આ છોકરો એમને મન પણ એક કોયડો હતો.

એક વાર મહાદેવભાઈએ પણ એકાંતમાં સત્યજીત સાથે વાત કરી હતી. સત્યજીતે એમને ફરી ક્યારેય જુઠ્ઠું નહીં બોલવાની ખાતરી આપી હતી, પણ થોડાક જ દિવસમાં ફરી એક વાર પ્રિયંકા ગુસ્સામાં ઘેર પાછી ફરી હતી... કારણ એ જ ! છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે આ સંઘર્ષ ચાલતો હતો. ધીરે ધીરે પ્રિયંકાની ધીરજ ખૂટવા લાગી હતી. એ વાત મહાદેવભાઈની અનુભવી અનુભવી નજર જોઈ શકતી હતી.

સત્યજીતના બધા જ મિત્રો એની આ ટેવ વિશે જાણતા. એટલું જ નહીં, એમણે ઓછા-વધતા અંશે આ ટેવને સ્વીકારી પણ લીધી હતી. બાકી બધી રીતે સારો, સમજદાર, સંવેદનશીલ, દોસ્તો માટે ઘસાઈ છૂટનારો પ્રેમાળ સત્યજીત આ એક જ કારણસર હવે એકલો પડવા લાગ્યો હતો. એના બાળપણના મિત્રો એને અવોઇડ કરવા લાગ્યા હતા.

પ્રિયંકાએ પોતાની કથ્થઈ આંખો દાદાજી પર સ્થિર કરી ત્યારે મહાદેવભાઈને ખ્યાલ આવ્યો કે પ્રિયંકા સારું એવું રડી છે, “દીકરા, એ આવો જ છે. કાં તો સ્વીકારી લે અથવા પ્રયત્ન કરતી રહે, કદાચ બદલાશે.”

“દાદાજી, એ બદલાશે એવી આશાએ તો મેં એક આખું વર્ષ ખેંચી કાઢ્યું. તમે તો જાણો છો, શરૂઆતમાં મને હંમેશાં એવું લાગતું હતું કે મારી અને સત્યજીતની દોસ્તી પણ ન હોઈ શકે... આજે હું એને પ્રેમ કરું છું.”

મહાદેવભાઈના ચહેરા પર સ્મિતને કારણે કરચલી પડી. આંખોમાં પ્રિયંકા માટેનો સ્નેહ છલકાઈ ઊઠ્યો, “જો પ્રિયંકા, દરેક માણસને પોતાની જિંદગી હોય છે. પોતાના સિદ્ધાંતો અને પોતાની માન્યતા. એને આ જુઠ્ઠાણું... કદાચ જૂઠ લાગતું જ નથી.” મારે એની સાથે આખી જિંદગી જીવવાની છે. દરેક નાની બાબતમાં જો મારે એવું વિચારવું પડે કે એની વાત સાચી હશે કે નહીં, તો હું આખી જિંદગી એના વિશ્વાસે કઈ રીતે કાઢીશ?”

“બેટા, તું આ વાતને કારણ વગર મોટી કરીને જોઈ રહી છે.”

“મોટી ? મોટી નથી કરતી દાદાજી, હું આ વાતને જેવી અને જે છે એ રીતે જોઉં છું. કદાચ એટલે જ મને લાગે છે કે...” એની આંખમાં ફરી એક વાર પાણી ઊભરાયાં. આ વાક્ય બોલતા એને તકલીફ પડી, પણ એણે કહી નાખ્યું, “આ સંબંધ નહીં ટકે.”

“જો બેટા, હું કોઈ ફિલોસોફી નથી સમજાવતો. આપણા ઘરમાં બધાને સ્વતંત્રતા આપવામાં આવી છે. બધા પોતાની મરજીથી જીવે છે. તને પણ તારી રીતે વિચારવાની, જીવવાની સ્વતંત્રતા મળી જ છે. પણ તને એક વાત કહું? બરફ અને પાણી, બંને પોતાની જગ્યાએ સાચા છે. તને જે બરફ લાગે છે એ એને માટે પાણી છે...”

“દાદાજી, આ બધી બુદ્ધિપૂર્વકની દલીલો છે. હું જાણું છું, તમે એને બહુ ચાહો છો.”

“તારાથી વધારે નહીં.” મહાદેવભાઈના ચહેરા પર હજી પણ સ્મિત હતું, “તું સત્ય શેને માને છે ? તારા આગ્રહો અને હઠાગ્રહોની બહાર છે એ છોકરો. તું જેને અસત્ય માને છે અથવા છેતરપિંડી - જુઠ્ઠાણું - વિશ્વાસઘાતનાં નામો આપે છે એ બધું એને માટે સ્વબચાવની એક હલકી-ફુલકી રમત છે.’’

“આટલી નાની વાતમાં આટલી આસાનીથી જુઠ્ઠું બોલે છે એટલે એની સાથેનો સંબંધ બાંધતા પહેલાં જિંદગીભર છેતરાવાની તૈયારી રાખવાની... એેટલું તો ખરું જ ને ?”

“જો બેટા, દરેક વખતે મુઠ્ઠીભર પ્રસંગો પરથી માણસના ચારિત્ર્ય વિશે નિર્ણય ન કરવો જોઈએ.” પ્રિયંકા દલીલ કરવા જતી હતી, પરંતુ મહાદેવભાઈએ એને વચ્ચે જ અટકાવી, “આવું હું માનું છું.”

“દાદાજી, એવો તે કયો મોટો ગુનો થઈ ગયો હતો... એ મોડો આવ્યો... એમાં મમ્મીની તબિયતનું બહાનું કાઢીને સિમ્પથી ઊભી કરવાની શી જરૂર ? વાઘ આવ્યો રે વાઘ આવ્યોની વાર્તા તમે જ મને કહી છે. એક દિવસ એવો આવશે કે હું એની સાચી વાત પર પણ વિશ્વાસ નહીં કરી શકું... ત્યારે શું થશે ?”

“એ સાચું બોલશે તો તારા પ્રશ્નો પૂરા થઈ જશે ? એ જેટલું સાચું બોલશે એટલું સાંભળી શકીશ ? સ્વીકારી શકીશ તું?”

“દાદાજી !” પ્રિયંકાના અવાજમાં આશ્ચર્ય હતું, “આ તમે કહો છો ? મેં હંમેશાં સત્યને જેવું છે તેવું સ્વીકાર્યું છે. કડવામાં કડવું સત્ય પણ...”

“સત્યો હંમેશાં કડવાં જ હોય એવું જરૂરી નથી. આપણે બધા કોઈ કારણ વગર સત્યને બહુ મોટું ગંભીર સ્વરૂપ આપી દઈએ છીએ. સત્ય કહેતી વખતે જાણે કોઈ મોટો બોજ ઉપાડતા હોઈએ એમ કે પછી એવરેસ્ટ સર કરતા હોઈએ એમ વરતીએ છીએ. બેટા, સત્ય તો છે જ, હોવું જ જોઈએ, પણ આગ્રહ રાખવાથી કે ફરજ પાડવાથી સત્ય નહીં મળે તને.”

“નવાઈની વાત તો એ છે કે એનું નામ સત્યજીત છે...” પ્રિયંકાની આંખોમાં પાણી આવી ગયાં, “તમે જે માણસને આટલો બધો પ્રેમ કરતા હો એને તમારી લાગણીની સહેજ પણ કિંમત ન હોય ?”

“પહેલાં તો લાગણીની કિંમત નહીં, મૂલ્ય હોય... અને એના સાચા-ખોટા બોલવાથી તું એની તારા પ્રત્યેની લાગણીને ન તોલી શકે.” મહાદેવભાઈએ એના માથે હાથ ફેરવ્યો, “લાગણી માપવાની નહીં, પામવાની ચીજ છે.”

“દાદાજી, સો વાતની એક વાત, એ સાચું નહીં બોલે તો હું મારી જિંદગી એની સાથે કઈ રીતે જીવીશ ?”

પ્રિયંકા હજી આગળ કંઈક કહેવા માગતી હતી, પણ મહાદેવભાઈએ એને વચ્ચેથી જ અટકાવી દીધી, “હું સમજું છું કે માત્ર સાચું બોલવું એટલે સત્ય નહીં, સત્ય આપણી જીવનશૈલીનો, પર્સનાલિટીનો ભાગ હોવું જોઈએ. હંમેશાં સારા અને ખરાબની વચ્ચે, સરળ અને અઘરાની વચ્ચે પસંદગી કરવાની હોય છે. જે સરળ હોય છે તે હંમેશાં ખરાબ નથી હોતું, પણ બેટા, એ જુઠ્ઠું બોલે છે, કારણ કે...”

“કારણ કે એની પાસે સાચું બોલવાની તાકાત નથી. એ ઘેર બેસીને કમ્પ્યૂટર રમતો હતો. કોઈ કારણ વગર મોડો આવ્યો. એવું કહ્યું હોત તો ?”

“તો ! તો તું ગુસ્સે ના થઈ હોત ?” પ્રિયંકા આશ્ચર્યથી દાદાજી સામે જોઈ રહી, “બેટા, સત્ય સાંભળવાનો આગ્રહ રાખતા પહેલાં સત્ય સ્વીકારવાની તૈયારી કેળવવી જોઈએ.” દાદાજીની વાત સાંભળીને પ્રિયંકાને એક ઝટકો લાગ્યો.

એ સમજતી હતી કે મહાદેવભાઈની વાત ખોટી નહોતી. સત્યજીતના પિતા ખૂબ કડક, શિસ્તના હઠાગ્રહી હતા. એમની સામે દલીલને કોઈ અવકાશ જ નહોતો. એ જે કહે છે અથવા માને છે એ સિવાયનું સત્ય જગતમાં છે જ નહીં એમ માનીને જીવતા રહ્યા હતા. રવીન્દ્ર પારેખ પોતાની જાતને ‘સેલ્ફ મેન મેઇડ’ તરીકે ઓળખાવતા. પોતે કઈ રીતે મહેનત કરીને આગળ આવ્યા, કેટલી કરકસર કરી, કેટલો સંઘર્ષ કર્યો અને કેટલી તકલીફ વેઠી એની કથા કહેવામાં એમને અજબ જેવો આત્મસંતોષ મળતો.

કરોડપતિ હોવા છતાં એ જેટલી વાર સત્યજીતને પૈસા આપતા, સગવડ આપતા કે એમની દૃષ્ટિએ ‘ફાલતું ખર્ચા’ માટે પૈસા આપતા ત્યારે પોતે કેટલા દુઃખમાં જીવ્યા છે એ કહેવાનું ચૂકતા નહીં. જેટલી વખત પિતાની સામે ઊભા રહેવું પડતું એટલી વાર સત્યજીતની અંદર એક કંટાળો - એક બોરિયત ઉછાળા મારવા લાગતી. એ બને ત્યાં સુધી પિતાની સામે જવાનું ટાળતો. આ ઉંમરે અને અને આટલી સફળતા પછી પણ ‘મહામહેનતુ’ રવીન્દ્ર પારેખ સવારે સાડા આઠે ઘરેથી નીકળી જતા. સત્યજીત એમના ગયા પછી જ જાગવાનું અને પોતાના રૂમમાંથી બહાર આવવાનું પસંદ કરતો.

સત્યજીતનાં મમ્મી સોનાલીબેનની સ્થિતિ બહુ કફોડી થતી. સત્યજીતની બેજવાબદારી, પૈસા ઉડાવવાની ટેવ, આળસ, પ્રમાદીપણા વિશે રવીન્દ્રભાઈ એમને જાતજાતના ટોણા મારતા. રવીન્દ્રભાઈ દૃઢપણે માનતા કે સત્યજીતને બગાડવામાં સોનાલીબેનના લાડે જ ભાગ ભજવ્યો છે.

પિતાના ગુસ્સા અને સજાથી સત્યજીતને બચાવવા માટે સોનાલીબેન ક્યારેક નાનકડું જુઠ્ઠું બોલી જતાં. બહુ જ નાની વયથી સત્યજીતને એવું સમજાઈ ગયું હતું કે કોઈ પણ પરિસ્થિતિના પરિણામમાંથી છટકવું હોય તો જુઠ્ઠું બોલવું એ સૌથી સરળ રસ્તો છે. સત્યજીત માટે હવે જુઠ્ઠું બોલવાની સાથે અપરાધ કે ગિલ્ટની કોઈ લાગણી જોડાયેલી નહોતી. સામેના માણસને ખરાબ ન લાગે, એને ગુસ્સો ન આવે, પોતાનું કોઈ વર્તન એને નહીં ગમે એવી ખબર હોય તો એ વર્તન એનાથી છુપાવી શકાય માટે, કોઈ પરિસ્થિતિથી ભાગી છૂટવું હોય ત્યારે... સત્યજીત અત્યંત સ્વાભાવિકતાથી જુઠ્ઠું બોલી શકતો. સામેનો માણસ એના આ વર્તનને જે રીતે મૂલવે તે, ક્યારેક સામેનાને ખબર પડી જાય કે સત્યજીત જુઠ્ઠું બોલ્યો છે તો પણ એ નિઃસંકોચ એવું સ્વીકારી શકતો કે પોતે જે તે પરિસ્થિતિમાં ખોટું બોલ્યો હતો.

ટૂંકમાં, એ કોઈ પણ અણગમતી પરિસ્થિતિ સર્જાતી અટકાવવાના સાધન તરીકે જૂઠને આગળ ધરતાં શીખી ગયો હતો. સમય સાથે યુવાન થતા સત્યજીતે એ નાનાં નાનાં જુઠ્ઠાણાઓને પોતાની જિંદગીનોે ભાગ બનાવી દીધો. પરિસ્થિતિ ગંભીર હોય કે નહીં, ખરેખર વાત બહુ મોટી હોય કે નહીં, હવે જુઠ્ઠું બોલી જવું સત્યજીત માટે એટલું તો સહેલું બની ગયું હતું કે ક્યારેક એને પોતાને પણ ખબર નહોતી રહેતી કે એ શા માટે જુઠ્ઠું બોલતો હતો.

*

એણે પ્રિયંકાને પહેલી વાર કોલેજમાં જોઈ ત્યારે એનું હૃદય ધડકવાનું ચૂકી ગયું હતું. ખભાથી સહેજ નીચે લહેરાતા લાંબા, સીધા, ચમકતા વાળ, કથ્થઈ આંખો, માપ લઈને મીણમાંથી બનાવ્યો હોય એવો આકર્ષક અને નમણો ચહેરો, બેદાગ ત્વચા અને ચહેરા પર એક અજબ જેવી ખુમારી... સમય સાથે ખબર પડી કે પ્રયંકા શહેરના સૌથી લોકપ્રિય અખબાર ‘અપના ભારત’ના તંત્રીની દીકરી હતી. કોલેજના ફર્સ્ટ યરથી જ પ્રિયંકાના લેખો કોલેજના નોટિસ બોર્ડ પર લાગવા માંડ્યા...

લગભગ દરેક છોકરો પ્રિયંકાને પામવાનાં સપનાં જોવા લાગ્યો... જેમાં એક સત્યજીત પણ હતો.

સત્યજીતે મનોમન નક્કી કરી લીધું કે પોતે કોઈ પણ સંજોગોમાં પ્રિયંકા સુધી પહોંચશે, એટલું જ નહીં. એણે પોતાના મિત્રો સાથે શર્ત મારી કે પ્રિયંકાને પોતાની ગાડીમાં બેસાડીને કૉલેજ લઈ આવશે.

(ક્રમશઃ)