Ketluy khute chhe - 5 in Gujarati Short Stories by Ranna Vyas books and stories PDF | કેટલુંય ખૂટે છે !!! - 5

Featured Books
Categories
Share

કેટલુંય ખૂટે છે !!! - 5

(5)

ડર

ક્રિશ ના બરડા પર સોટી નું સોળુ ઉપસેલું જોઈ તેની મમ્મી ના ચહેરા નો રંગ ઉડી ગયો. તેણે ક્રિશ ને પુછ્યું તો જાણવા મળ્યું કે વિજ્ઞાન ભણાવતા સાહેબ બહુ ગુસ્સા વાળા છે અને નાની અમથી વાત માં છોકરા-છોકરીઓ ને ધીબી નાખે છે. તેર વર્ષ ના લાડકવાયા ને દર રવિવારે માથું ધોઈ આપવા માટે દેવિકા સમય કાઢતી અને ત્યારે ભેગે ભેગો સારી રીતે બરડો – બોચી ધસી નવડાવતી. ઝડપથી સ્નાન કરાવી ક્રિશ ને ઉઘાડા બરડે બહાર લાવી દેવિકાએ તેના પતિ ને સોટી નું સોળુ બતાવી ફરિયાદ કરી કે શિક્ષક આટલી ખરાબ રીતે મારી કેમ શકે? અને બાર-તેર વર્ષ ના છોકરા એવું તો શું કરી નાખે કે સાહેબ ને આટલો ગુસ્સો આવે? ક્રિશ ના પપ્પા બીજે દિવસે ફરિયાદ કરવા તૈયાર થઇ ગયા પણ ક્રિશ કરગરી ને રડી પડ્યો. એના પપ્પા ને શાળા માં ના આવવા એણે આજીજી કરી. પપ્પા ફરિયાદ કરશે તો સાહેબ મનમાં ગુસ્સો રાખી ભવિષ્ય માં વધારે મારશે તેવી તેને દહેશદ હતી. વધારે તપાસ કરતાં જાણવા મળ્યું કે સાહેબ ખાનગી ટ્યુશન કરતા અને ટ્યુશન માં નહી જનાર ને કૈક કૈક બહાને ઝૂડતા રહેતા. ક્રિશ ના દાદા એજ શાળા માં શિક્ષક તરીકે નોકરી કરી નિવૃત્ત થયેલા અને તેમના જણાવ્યા મુજબ એ શિક્ષક વિધુર હતા અને થોડી ઘણી હતાશા ને લીધે વધારે ગુસ્સા વાળા થઇ ગયેલા.. વળી શિક્ષણ ના પવિત્ર ક્ષેત્ર માં નોકરી કરવા છતાં જુગાર અને દારૂ નું વ્યસન એટલે જુગાર માં રકમ હારે તો પણ ગુસ્સો ફૂલ જેવાં બાળકો પર નીકળે અને નવાઈ ની વાત તો એ કે કોઈ છોકરા ના માં-બાપ ફરિયાદ પણ ન કરે. એવો તે કેવો ડર .....

ક્રિશ ના પપ્પા વકીલ હતા. એક વાર એ વિજ્ઞાન શિક્ષક દારૂ પીધેલી હાલત માં જુગાર રમતા પકડાયા અને પોલીસ સ્ટેશન માં તેમને લઇ જવામાં આવ્યા. ક્રિશ ના દાદા ગોવિંદભાઈ – એ વિજ્ઞાન શિક્ષક ના સહકાર્યકર હતા અને એ નાતે પોતાના મિત્ર જેવા સહકાર્યકર નો દીકરો વકીલ છે એ વાતની વિજ્ઞાન શિક્ષક ને ખબર. એટલે એમણે પોલીસ સ્ટેશન માં થી ગોવિંદભાઈ ને ફોન કર્યો. પરિસ્થિતી વર્ણવી અને સાથે તેમના વકીલ દીકરા રાજ ને મોકલવા વિનંતી કરી. ફોન કરનાર શિક્ષક પેલા ક્રિશ ને મારનાર શિક્ષક જ છે એ વાત નો અણસાર આવતાં દેવિકા એ રાજ ને એ શિક્ષક ને મદદ કરવા પોલીસ સ્ટેશન જતાં રોક્યો. પણ રાજ ગયો. વકીલ તરીકે બધી વિધી ઝડપથી આટોપી એ વિજ્ઞાન શિક્ષક સામે લાલાશ ભરી આંખે જોઈ બોલ્યો, “ હું વકીલ, ગોવિંદ ભાઈ નો દીકરો અને સાતમાં ધોરણ માં ક્રિશ છે એ ગોવિંદ ભાઈ નો પૌત્ર એટલે મારો દીકરો. તમે એને ઓળખતા જ હશો, પણ ગોવિંદભાઈ ના પૌત્ર તરીકે નહી. હમણાં તમે એને સોટી થી સોળુ પડી જાય એ રીતે માર્યો ત્યારે હું ફરિયાદ કરવા આવવાનો હતો પણ એણે જ રોક્યો. આવી દારૂ જુગાર ની આદત અને પાછી એકલવાયી જિંદગી, સાહેબ હતાશા તો તમારી હું સમજુ પણ એનો ભોગ નાનાં ફૂલડાં ને ના બનાવો. ના રહેવાય એકલું, તો બીજી વાર લગ્ન કરીલો.

વિજ્ઞાન શિક્ષક પરાણે બોલી શક્યા,”મને ખબર નહતી કે ક્રિશ ગોવિંદભાઈ નો પૌત્ર છે.”

રાજ બરાડ્યો,”અને બીજા કોઈનો દીકરો હોય તોય શું? આમ મારો છો જ શું કામ? તમારે છોકરાં નથી?”

અને આંખ ની લાલાશ વધારે ઉગ્ર કરી ઉમેર્યું, “નહીતર આ નોકરી તો છોડી જ દો. કોક દિવસ કોઈ બાપ વિફરશે તો તમારી નોકરી જશે. પગાર તો પુરતો આપે છે સરકાર પછી આ જુગાર ને પહોચી વળવા ટ્યુશન ની મારામારી શું કામ? અને ટ્યુશન ના આવે એને કૈક કૈક બહાને ઝુડવાના? મને એ સમજાતું જ નથી કે કોઈ ફરિયાદ કેમ નથી કરતું? મને તો ક્રિશે રડી ને રોક્યો. હું સમજી જ નથી શકતો કે આ તે કેવો ડર.....

......આવા સતત ડરી ને રહેતાં છોકરાં તમારી પાસેથી કઈ શીખી શકે છે ખરાં? આવા આતંકિત વાતાવરણમાં મારો દીકરો ભણે છે એ વાત નો મને ખરેખર આજે અફસોસ થાય છે.” એકવાર ક્રિશ નો ભાઈબંધ દેવિકા સાથે વાતો કરતાં કરતાં બોલી ગયો કે સાહેબ ને બહુ ગુસ્સો આવેતો એ છોકરાનું માથુ ભીત માં પછાડી ને મારે છે. આ સંવાદ સાંભળી રહેલી ક્રિશ ની નાની બહેન તો એ શાળા માં જવાના ખ્યાલ માત્ર થી ડરી ગયેલી. એ ફળિયા ના બધાં છોકરાઓ ના કહેવા અનુસાર વિજ્ઞાન શિક્ષક આમ તો તેમના વિષય માં હોશિયાર હતા. પણ વિજ્ઞાન જીવન માં વણેલું નહી એટલે વ્યસન વણાઈ ગયેલું. બે વાર હાર્ટ એટેક આવી ગયેલો એમને અને છતાં પણ દારૂ છુટતો નહી. દેવિકા તો આવી શાળા માં પોતાના દીકરા ને ભણાવવા જ નહતી માંગતી. પણ ગામ માં બીજો વિકલ્પ નહતો અને અન્ય ગામની શાળા માટે આવવા-જવા ના બહુ પ્રશ્નો થતા હોઈ વિચારવા અવકાશ નહતો.

ક્રિશ ની બહેન નું એડમિશન કરાવવાનો સમય થયો ત્યારે રાજે ગોવિંદભાઈ ને મોકલ્યા. બીજું ખાસ કારણ નહી પણ ગોવિંદભાઈ ની પૌત્રી ને કોઈ વગર વાંકે હેરાન તો ના કરે! જે ક્રિશે સહન કર્યું, એવું તેની બહેન તો ના કરે! બે આંખ ની શરમ અડે. અલબત્ત ખાસ ઓળખાણ કે પરિચય આપી બાળક ને ખાસ બનાવવા કે બીજી છૂટછાટ લેવા માં રાજ નહતો માનતો અને એટલેજ ક્રિશ ના એડમિશન વખતે તેની ગોવિંદભાઈ ના પૌત્ર તરીકે ઓળખાણ કરાવવાનું એણે ટાળ્યું હતુ. પણ એક વાર અનુભવ થઇ ગયો. અને ઝેર નાં પારખાં કેટલી વાર? રાજ નક્કી જ નહતો કરી શકતો કે જે દેશ માં ગુરુકુળ પરંપરા માં ગુરુ પત્ની માતા ની જેમ વિદ્યાર્થીઓની કાળજી લેતી ત્યાં સમયાંતરે આ ‘સોટી વાગે ચમચમ,વિદ્યા આવે ધમ ધમ’ ક્યારે શિક્ષણ માં વણાઈ ગયુ?

વર્ષો વીત્યાં. ક્રિશ તો ભણી ગણી વકીલાત ના ધંધા માં જોડાઈ ગયો. તેનો દીકરો નજીક ના ગામ ની સારી સ્કૂલ માં ભણતો. એક પેઢી બદલાઈ ગઈ. શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી ગઈ હતી. સરકારી સ્કૂલો જેમાં એક સમયે સારા માં સારાં ઘર નાં બાળકો કોઈ વ્યસની શિક્ષક ની હતાશા નો ભોગ બનતાં, ત્યાં હવે થોડા આર્થિક મજબુર વર્ગ સિવાય કોઈ પોતાનું બાળક ભણાવવા તૈયાર નહતું. ઘણાં બાળકો એ ગામ માં થી બાજુના ગામ ની સ્કૂલ માં ભણવા જતાં હોવાથી જવા-આવવા વેનની સુવિધા હતી. એ ખાનગી શાળા માં આમેય નવીનતા ઘણી હતી. અને હવે તો મારવા નો પ્રશ્ન જ નહતો. સદંતર પ્રતિબંધ આવી ગયો શારિરીક સજા કરવા પર. લગભગ બધી સ્કૂલો નું વાતાવરણ પહેલાં કરતાં ઘણું સુધરી ગયુ. બાળક ને કંટાળો આવે ને સવારે સ્કૂલે ના જવા માટે રડે એ દ્રશ્ય જવલ્લે જ જોવા મળે.

પોતાની શાળા ને ક્રિશ ઘણી વાર યાદ કરતો. પણ ક્યારેય પેલા વિજ્ઞાન શિક્ષક ને મનોમન બદદુઆ ન આપતો. મરેલા ને શું મારવો? હા.... એ શિક્ષક નિવૃત્ત થતા પહેલાં ગુજરી ગયેલા. એમ ના મોતના વર્ણન માં મઝા નથી. ગુજરાતી કહેવત ‘કાગડા-કુતરા ના મોતે મરવું’ કોને કહેવાય એ પેલા તામસી પ્રકૃતિ ના શિક્ષક ના મોત પરથી સમજી શકાય. બે વાર હાર્ટ એટેક આવેલો છતાં દારૂ નહી છૂટેલો. એક દિવસ અચાનક જુગાર માં મોટી રકમ હારી હતાશ મને પાછા ફરી રહેલા એ શિક્ષક ને ત્રીજી વાર નો હાર્ટ એટેક આવ્યો અને આ વખતે જીવલેણ સાબિત થયો. નજીક ના શહેર ના રેલ્વે સ્ટેશન પર તેમનો દેહ નિશ્ચેતન થઇ પડ્યો. તેમની સ્મશાન યાત્રા માં તેમના થોડા સગાં-સંબંધી સિવાય ખાસ કોઈ નહતું. જુગાર અને તામસી પ્રકૃતિ એમની છાપ સંપૂર્ણ બગાડી ચુકેલાં.

જુનિયર ક્રિશ એ વખતે સાતમા ધોરણ માં ભણતો. એના નસીબે સારી સ્કૂલ તો હતી પણ એક મેડમ અને એ પણ ગણિત-વિજ્ઞાન વિષય ભણાવતી મેડમ બરાબર નહતી. નવી હતી એટલે અનુભવ નો અભાવ. નવી રીત નો એક દાખલો ગણાવી બીજા બધા ઘરેથી કરવા આપી દે. પણ હવે જમાનો જુદો હતો. કોઈ ચુપ રહે તેમ નહતું. ત્રણ મહિના પછી પહેલી પરીક્ષા પતી એટલે પેરેન્ટસ મિટીંગ આવી અને ત્યારે બધા વિદ્યાર્થીઓ નાં માં-બાપ પેલી નવી શિક્ષિકા ને ફરિયાદ કરવા ફરી વળ્યાં. એક વિદ્યાર્થી ની મમ્મી તો સ્પષ્ટ બોલી કે મેડમ એક દાખલો ગણાવી ને છુટી જાય એ ના ચાલે.

અને વિજ્ઞાન શિક્ષિકા એ મોટેથી ક્રિશ ના દીકરા ને સંબોધી પુછ્યું,”પ્રિયાંશુ, હું મોટા ભાગના બધા દાખલા કરાવું છું કે નહી?”

પ્રિયાંશુ,”હા, મેડમ, બધા કરવો છો.”

ફરિયાદ કરનાર ટોળુ થોડી વાર માટે તો શાંત જ થઇ ગયુ. પ્રિયાંશુ જેવો નિયમિત અને તેજસ્વી વિદ્યાર્થી જયારે મેડમ ની વાત માં સંમતિ આપે ત્યારે બધાએ પોતાની ફરિયાદ વિશે પુરતી ખાતરી કરી લેવા વિચાર્યું. એ દિવસ પુરતું તો એ નવી મેડમ ના માથેથી સંકટ ટળ્યું.

અને આશ્ચર્ય ચકિત પ્રિયાંશુ ની મમ્મી, ક્રિશ ની પત્ની, ઘરે આવી ક્રિશ સામે વર્ણવી રહી, “ હું પોતે ફરિયાદ કરવાની હતી પણ એ પહેલાં તો આપણો કુંવર એની મેડમ નો ચમચો, મેડમ બાજુ બોલી વળ્યો.”

જયારે ખરેખર મેડમ નો વાંક હતો ત્યારે તેની ખોટી વાટ માં તે ટાપસી કેમ પુરાવી પ્રિયાંશુ? આવા ચમચા જોડે ક્લાસ ના છોકરા પણ નહી બોલે....એની મમ્મી બોલી રહી.

અને ધીરેથી હીંચકે ઝૂલતા નિવૃત્ત વકીલ રાજ, ક્રિશ ના પિતા, બોલ્યા, “ એ ચમચો નથી, એ ડરે છે એની મેડમથી”

પ્રિયાંશુ ની મમ્મી,”ડર?”

રાજ: “હા....ક્રિશ પણ ડરતો એના શિક્ષક થી. અરે વગર વાંકે સોટી મારે ને બરડા માં નિશાન પડ્યું હોય તો ય ઘરે ખબર ન પડે. એકવાર તો તમારાં સાસુએ નવડાવતાં સોટી નુ નિશાન જોયેલું. હું ફરિયાદ કરવા તૈયાર થયો તો ક્રિશે જ રડી ને રોકેલો. પણ એ વખત ની વાટ જુદી હતી. સોટી મારે વિદ્યા આવે એવું બધાં વિચારે. હવે આજે તો બધું બદલાઈ ગયું તોય આ પ્રિયાંશુ કેમ દરે? હું તો વર્ષોથી વિચારુ છું કે આ તે કેવો ડર .......”

***